હઝકિયેલ
૩૦ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ભવિષ્યવાણી કર કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે:
“‘અફસોસ! એ દિવસ આવે છે!’ પોક મૂકીને રડો!
૩ એ દિવસ પાસે છે, હા, યહોવાનો દિવસ પાસે છે.+
એ વાદળોથી ઘેરાયેલો દિવસ હશે,+ પ્રજાઓ માટે નક્કી કરેલો સમય હશે.+
૪ ઇજિપ્ત વિરુદ્ધ તલવાર આવશે અને ત્યાં લોકોની કતલ થશે ત્યારે, ઇથિયોપિયા થરથર કાંપશે.
એની ધનદોલત લૂંટાઈ ગઈ છે અને એના પાયા તોડી પાડવામાં આવ્યા છે.+
૫ ઇથિયોપિયા,+ પૂટ,+ લૂદ અને એમાં ભળી ગયેલા લોકો,*
કૂબ અને એની સાથે કરારના દેશના દીકરાઓ*
તલવારથી માર્યા જશે.”’
૬ યહોવા કહે છે:
‘ઇજિપ્તને સાથ આપનારા માર્યા જશે,
એની ઘમંડી સત્તાનો અંત આવશે.’+
“‘મિગ્દોલથી+ સૈયેને+ સુધીના લોકોનો તલવારથી સંહાર થશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૭ ‘બીજા દેશો કરતાં તેઓને એકદમ ઉજ્જડ કરી નાખવામાં આવશે. એનાં શહેરો બીજાં શહેરો કરતાં સાવ ઉજ્જડ કરી નાખવામાં આવશે.+ ૮ જ્યારે હું ઇજિપ્તને આગ ચાંપીશ અને એને સાથ આપનારા બધાનો નાશ કરીશ, ત્યારે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૯ એ દિવસે હું સંદેશો લઈ જનારાઓને વહાણોમાં મોકલીશ અને અભિમાની ઇથિયોપિયા થથરી ઊઠશે. એ દિવસે તેઓ પર ભય છવાઈ જશે, કેમ કે ઇજિપ્ત પર એ દિવસ ચોક્કસ આવી પડશે.’
૧૦ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* હાથે ઇજિપ્તના લોકોનો સફાયો કરી નાખીશ.+ ૧૧ તે અને તેનું લશ્કર બીજી પ્રજાઓ કરતાં એકદમ ક્રૂર છે.+ તે આવીને દેશને ખેદાન-મેદાન કરી નાખશે. તેઓ ઇજિપ્ત વિરુદ્ધ તલવાર ઉગામશે અને કતલ થયેલા લોકોથી દેશને ભરી દેશે.+ ૧૨ હું નાઈલની+ નહેરોને સૂકવી નાખીશ અને દેશને દુષ્ટ માણસોના હાથમાં સોંપી* દઈશ. હું પરદેશીઓના હાથે દેશ અને એમાંનું બધું ખતમ કરી નાખીશ.+ હું યહોવા પોતે એ બોલ્યો છું.’
૧૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ધિક્કાર થાય એવી મૂર્તિઓનો* હું ભૂકો બોલાવી દઈશ. નોફના* નકામા દેવોને ખતમ કરી નાખીશ.+ પછી ઇજિપ્ત દેશમાં કોઈ આગેવાન* નહિ હોય અને હું આખા ઇજિપ્તમાં ભય ફેલાવી દઈશ.+ ૧૪ હું પાથ્રોસનો વિનાશ કરીશ,+ સોઆનને આગ ચાંપીશ અને નો* શહેરને સજા કરીશ.+ ૧૫ ઇજિપ્તના ગઢ જેવા સીન શહેર પર હું મારો કોપ રેડી દઈશ અને નો શહેરની વસ્તીને ખતમ કરી નાખીશ. ૧૬ હું ઇજિપ્તમાં આગ ચાંપીશ. સીન પર ભય છવાઈ જશે અને નો શહેરમાં લશ્કર ઘૂસી જશે. નોફ* પર ધોળે દિવસે હુમલો કરવામાં આવશે. ૧૭ ઓન* અને પી-બેસેથના યુવાનો તલવારથી માર્યા જશે અને એ શહેરો ગુલામીમાં જશે. ૧૮ જ્યારે હું તાહપાન્હેસમાં ઇજિપ્તે મૂકેલાં બંધનો તોડી નાખીશ ત્યારે ત્યાં અંધારું થશે.+ એની* ઘમંડી સત્તાનો અંત આવશે,+ એના પર અંધારું છવાઈ જશે અને એનાં ગામડાં ગુલામીમાં જશે.+ ૧૯ હું ઇજિપ્તને સજા કરીશ અને તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”
૨૦ પછી ૧૧મા વર્ષે,* પહેલા મહિનાના સાતમા દિવસે યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨૧ “હે માણસના દીકરા, મેં ઇજિપ્તના રાજા ફારુનનો* હાથ ભાંગી નાખ્યો છે. એની કોઈ સારવાર નહિ થાય કે એને પાટો બાંધવામાં નહિ આવે. તેનો હાથ સાજો નહિ થાય અને તલવાર ઉપાડવા જેટલો બળવાન નહિ બને.”
૨૨ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું ઇજિપ્તના રાજા ફારુનની* વિરુદ્ધ છું.+ હું તેના બંને હાથ, એટલે કે ભાંગેલો હાથ અને સાજો હાથ તોડી નાખીશ.+ હું તેના હાથમાંની તલવાર નીચે પાડી નાખીશ.+ ૨૩ હું ઇજિપ્તના લોકોને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.+ ૨૪ હું બાબેલોનના રાજાના હાથ બળવાન કરીશ+ અને મારી તલવાર તેના હાથમાં આપીશ.+ હું ફારુનના હાથ ભાંગી નાખીશ. રાજાની* આગળ મરવા પડેલા માણસની જેમ તે જોરજોરથી બૂમો પાડશે. ૨૫ હું બાબેલોનના રાજાના હાથ બળવાન કરીશ, પણ ઇજિપ્તના રાજાના હાથ ઢીલા પડી જશે. હું મારી તલવાર બાબેલોનના રાજાના હાથમાં આપીશ અને તે એને ઇજિપ્ત દેશ પર વીંઝશે.+ પછી તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૨૬ હું ઇજિપ્તના લોકોને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.+ તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”