પહેલો રાજાઓ
૯ સુલેમાને યહોવાનું મંદિર, પોતાનો રાજમહેલ+ અને પોતાની ઇચ્છા પ્રમાણે બધું જ બાંધવાનું પૂરું કર્યું.+ એ પછી ૨ યહોવાએ સુલેમાનને બીજી વાર સપનામાં દર્શન આપ્યું, જેમ તેમણે ગિબયોનમાં આપ્યું હતું.+ ૩ યહોવાએ તેને કહ્યું: “મેં તારી પ્રાર્થના અને મારી આગળ કરેલી તારી આજીજી સાંભળી છે. તેં બાંધેલા આ મંદિરમાં મારું નામ સદાને માટે રાખવા મેં આ મંદિરને પવિત્ર કર્યું છે.+ મારી નજર અને મારું દિલ હંમેશાં એના પર રહેશે.+ ૪ જો તું તારા પિતા દાઉદની જેમ+ પૂરા દિલથી*+ અને સચ્ચાઈથી+ મારી આગળ ચાલીશ, મારી આજ્ઞાઓ પ્રમાણે કરીશ+ અને મારા નિયમો તથા કાયદા-કાનૂન પાળીશ,+ ૫ તો હું ઇઝરાયેલ પર તારી રાજગાદી હંમેશ માટે ટકાવી રાખીશ, જેમ મેં તારા પિતા દાઉદને વચન આપ્યું હતું. મેં કહ્યું હતું: ‘તારા વંશમાંથી ઇઝરાયેલની રાજગાદીએ બેસનાર માણસની કદી ખોટ પડશે નહિ.’+ ૬ પણ જો તમે લોકો અને તમારા દીકરાઓ મારા માર્ગે ચાલવાનું છોડી દેશો, મારી આજ્ઞાઓ અને મારા નિયમો નહિ પાળો અને બીજા દેવોની પૂજા કરીને નમન કરશો,+ ૭ તો મેં ઇઝરાયેલીઓને જે દેશ આપ્યો છે, એમાંથી તેઓનો નાશ કરીશ.+ મેં મારા નામને મહિમા આપવા જે મંદિર પવિત્ર કર્યું છે, એને મારી નજર આગળથી દૂર કરીશ.+ લોકો ઇઝરાયેલીઓને ધિક્કારશે* અને તેઓની મજાક ઉડાવશે.+ ૮ આ મંદિર ખંડેર બની જશે.+ ત્યાંથી પસાર થનાર દરેક જણ નવાઈ પામીને માથું ધુણાવતા* પૂછશે, ‘યહોવાએ આ દેશ અને આ મંદિરના આવા હાલ કેમ કર્યા?’+ ૯ પછી તેઓ કહેશે, ‘આવું એટલા માટે થયું કે ઇઝરાયેલીઓએ પોતાના ઈશ્વર યહોવાને છોડી દીધા, જે તેઓના બાપદાદાને ઇજિપ્ત દેશમાંથી કાઢી લાવ્યા હતા. તેઓ બીજા દેવોમાં માનવા લાગ્યા, તેઓને નમન કર્યું અને તેઓને ભજવા લાગ્યા. એટલા માટે યહોવા તેઓ પર આ બધી આફતો લાવ્યા છે.’”+
૧૦ સુલેમાનને બે ઇમારતો, એટલે કે યહોવાનું મંદિર અને રાજમહેલ બાંધતાં ૨૦ વર્ષ લાગ્યાં.+ એના માટે ૧૧ તૂરના રાજા હીરામે+ સુલેમાનને દેવદાર અને ગંધતરુનાં* લાકડાં પૂરાં પાડ્યાં હતાં તેમજ તેને જોઈએ એટલું સોનું આપ્યું હતું.+ રાજા સુલેમાને હીરામને ગાલીલનાં ૨૦ શહેરો આપ્યાં. ૧૨ હીરામ તૂરથી નીકળીને સુલેમાને આપેલાં શહેરો જોવા ગયો, પણ તેને એ ગમ્યાં નહિ.* ૧૩ તેણે કહ્યું: “મારા ભાઈ, તેં આ કેવાં શહેરો મને આપ્યાં છે?” એ શહેરો આજ સુધી કાબૂલ* દેશ તરીકે ઓળખાય છે. ૧૪ હીરામે રાજાને ૧૨૦ તાલંત* સોનું મોકલ્યું.+
૧૫ રાજા સુલેમાને મજૂરી કરવા રાખેલા લોકોનો આ અહેવાલ છે.+ તેઓએ યહોવાનું મંદિર,+ રાજમહેલ, ગઢ,*+ યરૂશાલેમનો કોટ, હાસોર,+ મગિદ્દો+ અને ગેઝેર+ શહેરો બાંધ્યાં. ૧૬ (ઇજિપ્તના રાજા ફારુને* ગેઝેર પર ચઢાઈ કરીને એને જીતી લીધું હતું અને એને બાળી નાખ્યું હતું. એ શહેરમાં રહેતા કનાનીઓને+ પણ મારી નાખ્યા હતા. રાજાએ એ શહેર ભેટ* તરીકે પોતાની દીકરીને આપ્યું,+ જેના લગ્ન સુલેમાન સાથે થયા.) ૧૭ સુલેમાને ગેઝેર, નીચલું બેથ-હોરોન,+ ૧૮ બાઅલાથ+ અને વેરાન પ્રદેશમાં તામાર શહેર બાંધ્યું,* જે તેના દેશમાં આવેલાં હતાં. ૧૯ સુલેમાને પોતાના બધા ભંડારો માટે શહેરો, રથો માટે શહેરો+ અને ઘોડેસવારો માટે શહેરો બાંધ્યાં. યરૂશાલેમમાં, લબાનોનમાં અને પોતાના આખા રાજમાં સુલેમાન જે કંઈ બાંધવા ચાહતો હતો, એ બધું જ તેણે બાંધ્યું. ૨૦ તેના રાજમાં અમોરીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાંથી+ બચેલા લોકો હતા. તેઓ ઇઝરાયેલીઓનો ભાગ ન હતા.+ ૨૧ ઇઝરાયેલીઓએ તેઓનો પૂરેપૂરો વિનાશ કર્યો ન હોવાથી, તેઓના વંશજો એ દેશમાં રહેતા હતા. મજૂરી કરાવવા સુલેમાને તેઓને ગુલામ બનાવ્યા જે આજ સુધી છે.+ ૨૨ સુલેમાને ઇઝરાયેલીઓમાંથી કોઈને પણ ગુલામ બનાવ્યા નહિ.+ તેઓ તો તેના સૈનિકો, સેવકો, આગેવાનો, મદદનીશો અને રથો તથા ઘોડેસવારોના ઉપરીઓ હતા. ૨૩ સુલેમાનના કામની દેખરેખ રાખનારા અમલદારોના ૫૫૦ ઉપરી હતા અને તેઓ કામ કરનારા લોકો પર મુકાદમ હતા.+
૨૪ ઇજિપ્તના રાજાની દીકરી+ દાઉદનગરમાંથી+ પોતાના મહેલમાં રહેવા આવી, જે સુલેમાને તેના માટે બાંધ્યો હતો. પછી સુલેમાને ગઢ*+ બાંધ્યો.
૨૫ સુલેમાને યહોવા માટે જે વેદી બાંધી હતી,+ એના પર તે વર્ષમાં ત્રણ વાર+ અગ્નિ-અર્પણો અને શાંતિ-અર્પણો ચઢાવતો. યહોવા આગળની એ વેદી પર તે આગમાં બલિદાનો ચઢાવતો.* આમ તેણે મંદિરનું બાંધકામ પૂરું કર્યું.+
૨૬ સુલેમાન રાજાએ અદોમ દેશમાં+ લાલ સમુદ્રના કિનારે આવેલા એલોથ પાસેના એસ્યોન-ગેબેરમાં+ વહાણોનો કાફલો તૈયાર કર્યો. ૨૭ સુલેમાનના સેવકો સાથે કામ કરવા હીરામે વહાણોનો કાફલો+ અને પોતાના સેવકો મોકલ્યા. તેઓ અનુભવી નાવિકો હતા. ૨૮ તેઓ ઓફીર*+ ગયા અને ત્યાંથી ૪૨૦ તાલંત સોનું રાજા સુલેમાન પાસે લાવ્યા.