વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt યર્મિયાનો વિલાપ ૧:૧-૫:૨૨
  • યર્મિયાનો વિલાપ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યર્મિયાનો વિલાપ
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયાનો વિલાપ

યર્મિયાનો વિલાપ

א [આલેફ]*

૧ યરૂશાલેમ નગરી લોકોથી આબાદ હતી,+ પણ હવે તે એકલી બેઠી છે!

તે પ્રજાઓમાં મુખ્ય* હતી,+ પણ હવે તે વિધવા થઈ ગઈ છે!

તે પ્રાંતોની* રાણી હતી, પણ હવે તે ગુલામ બની ગઈ છે!+

ב [બેથ]

 ૨ તે આખી રાત પોક મૂકીને રડે છે,+ તેના ગાલ પર આંસુની ધારા વહે છે.

તેનો એકેય પ્રેમી તેને દિલાસો આપતો નથી.+

તેના દોસ્તોએ તેને દગો દીધો છે,+ તેઓ તેના દુશ્મનો બની બેઠા છે.

ג [ગિમેલ]

 ૩ યહૂદાને પકડીને લઈ જવામાં આવી છે.*+

તે ભારે ત્રાસ અને સખત ગુલામી વેઠી રહી છે.+

તેણે બીજી પ્રજાઓમાં રહેવું પડે છે,+ તેને ક્યાંય ચેન પડતું નથી.

આફતના સમયે જુલમી માણસો તેના પર ચઢી આવ્યા છે.

ד [દાલેથ]

 ૪ સિયોન તરફ જતા રસ્તા વિલાપ કરે છે, કેમ કે તહેવાર ઊજવવા કોઈ આવતું નથી.+

તેના બધા દરવાજા ઉજ્જડ થઈ ગયા છે,+ તેના યાજકો* નિસાસા નાખે છે.

તેની કુંવારી છોકરીઓ* દુઃખી દુઃખી છે, તે નગરીની વેદનાનો કોઈ પાર નથી.

ה [હે]

 ૫ તેના દુશ્મનો તેના માલિક બની બેઠા છે. તેના વેરીઓને નિરાંત થઈ ગઈ છે.+

તેના અપરાધોને લીધે યહોવાએ* તેને દુઃખમાં ધકેલી છે.+

દુશ્મનો તેનાં બાળકોને પકડીને લઈ ગયા છે.+

ו [વાવ]

 ૬ સિયોનની દીકરીનો બધો વૈભવ છીનવાઈ ગયો છે.+

તેના શાસકો ચારા વગરના હરણ જેવા થઈ ગયા છે.

તેઓનો પીછો કરવામાં આવે છે, પણ તેઓ થાકેલા-પાકેલા આગળ ચાલ્યા જાય છે.

ז [ઝાયિન]

 ૭ જ્યારે મુસીબતના દિવસોમાં યરૂશાલેમ ઘરબાર વિનાની થઈ,

ત્યારે તેણે પોતાની જાહોજલાલીના દિવસો યાદ કર્યા.+

તેના લોકો દુશ્મનોના તાબે થયા અને કોઈ તેની મદદે ન આવ્યું,+

એ જોઈને તેના વેરીઓ તેની બરબાદી પર હસ્યા.+

ח [હેથ]

 ૮ યરૂશાલેમે મહાપાપ કર્યું છે.+

એટલે તે અશુદ્ધ થઈ છે.

જેઓ તેનું સન્માન કરતા હતા, તેઓ હવે તેને તુચ્છ ગણે છે, કેમ કે તેઓએ તેની નગ્‍નતા જોઈ છે.+

તે નિસાસા નાખે છે+ અને શરમથી મોં છુપાવે છે.

ט [ટેથ]

 ૯ ડાઘને લીધે તેનાં કપડાં* અશુદ્ધ થયાં છે.

તેણે પોતાના ભાવિનો જરાય વિચાર ન કર્યો.+

તેની પડતી જોઈને લોકો ચોંકી ગયા છે.

તેને આશ્વાસન આપનાર કોઈ નથી.

હે યહોવા, મારું દુઃખ જુઓ, કેમ કે મારો દુશ્મન બડાઈ હાંકે છે.+

י [યોદ]

૧૦ દુશ્મને તેના ખજાના પર હાથ નાખ્યો છે.+

યરૂશાલેમે એ પ્રજાઓને પવિત્ર જગ્યામાં* આવતા જોઈ છે,+

જેઓને તમે તમારા મંડળમાં આવવાની ના પાડી હતી.

כ [કાફ]

૧૧ લોકો રડારોળ કરે છે, રોટલી માટે ફાંફાં મારે છે.+

એક ટંક ખાવાનું મેળવવા તેઓ કીમતી વસ્તુઓ આપે છે, જેથી જીવતા રહી શકે.

હે યહોવા, જુઓ, હું તુચ્છ સ્ત્રી* જેવી થઈ ગઈ છું.

ל [લામેદ]

૧૨ હે મુસાફરો, શું તમને કંઈ ફરક પડતો નથી?

જુઓ, જરા નજર કરો!

યહોવાના કોપના દિવસે તેમણે મને જે દુઃખ આપ્યું,+

શું એવું દુઃખ ક્યારેય કોઈના પર આવી પડ્યું છે?

מ [મેમ]

૧૩ તેમણે આકાશમાંથી મારાં હાડકાં પર અગ્‍નિ મોકલ્યો છે.+

તેમણે મારાં હાડકાં પર પકડ જમાવી છે.

તેમણે મારા પગ માટે જાળ બિછાવી છે, મને પાછી ફરવા મજબૂર કરી છે.

તેમણે મને એકલી-અટૂલી છોડી દીધી છે.

આખો દિવસ હું બીમાર પડી રહું છું.

נ [નૂન]

૧૪ તેમણે પોતાના હાથથી મારા અપરાધોને ઝૂંસરીની* જેમ બાંધ્યા છે.

એ અપરાધોને મારી ગરદન પર મૂકવામાં આવ્યા છે, મારી તાકાત ખૂટી ગઈ છે.

યહોવાએ મને એવા લોકોના હાથમાં સોંપી છે, જેઓ સામે હું લાચાર છું.+

ס [સામેખ]

૧૫ યહોવાએ મારી વચ્ચેથી બધા શક્તિશાળી માણસોને ફંગોળી દીધા છે.+

મારા જુવાન માણસોને કચડી નાખવા તેમણે ટોળું ભેગું કર્યું છે.+

યહોવાએ યહૂદાની કુંવારી દીકરીને દ્રાક્ષાકુંડમાં ખૂંદી નાખી છે.+

ע [આયિન]

૧૬ એ બધાને લીધે હું રડું છું,+ મારી આંખોમાંથી આંસુની નદીઓ વહે છે.

મને રાહત કે તાજગી આપનાર મારાથી ઘણે દૂર છે.

દુશ્મન જીતી ગયો છે, મારા દીકરાઓ પાસે કોઈ આશા નથી.

פ [પે]

૧૭ સિયોને હાથ ફેલાવ્યા છે,+ પણ તેને સાંત્વના આપનાર કોઈ નથી.

યહોવાએ યાકૂબની આસપાસના દુશ્મનોને તેની વિરુદ્ધ બોલાવ્યા છે.+

યરૂશાલેમ તેઓ માટે અશુદ્ધ બની ગઈ છે.+

צ [સાદે]

૧૮ યહોવા તો નેક* છે,+ પણ મેં તેમની આજ્ઞા તોડીને બળવો કર્યો છે.+

હે લોકો, સાંભળો, મારું દુઃખ જુઓ!

મારી કુંવારી છોકરીઓ* અને જુવાન છોકરાઓ ગુલામીમાં ગયાં છે.+

ק [કોફ]

૧૯ મેં મારા પ્રેમીઓને બોલાવ્યા, પણ તેઓએ મને દગો દીધો.+

જીવતા રહેવા માટે મારા યાજકો અને વડીલો ખોરાક શોધતા હતા,

પણ તેઓ ફાંફાં મારતા રહ્યા અને શહેરમાં જ મોતનો કોળિયો બની ગયા.+

ר [રેશ]

૨૦ હે યહોવા, જુઓ, હું ભારે વેદનામાં છું.

મારી આંતરડી કકળી ઊઠી છે.

મારું હૈયું દર્દથી ભરાઈ ગયું છે, કેમ કે મેં બળવો કર્યો છે.+

બહાર તલવાર મારાં બાળકોને છીનવે છે+ અને ઘરની અંદર મોત ઝઝૂમે છે.

ש [શીન]

૨૧ લોકોએ મારું રુદન સાંભળ્યું છે, પણ મારાં આંસુ લૂછવા કોઈ આવતું નથી.

મારી આફત વિશે મારા દુશ્મનોએ સાંભળ્યું છે,

તેઓ હરખાય છે, કેમ કે એ આફત તમે મારા પર લાવ્યા છો.+

પણ એવો દિવસ જરૂર આવશે, જ્યારે તમે પોતાનું વચન પૂરું કરશો.+

એ દિવસે તેઓના હાલ પણ મારા જેવા જ થશે.+

ת [તાવ]

૨૨ તેઓનાં દુષ્ટ કામો પર ધ્યાન આપો, તેઓને સજા કરો.+

જેમ મારા અપરાધોને લીધે તમે મને સજા કરી,

તેમ તેઓને પણ સજા કરો.

હું નિસાસા પર નિસાસા નાખું છું, મારું દિલ રિબાય છે.

א [આલેફ]

૨ જુઓ, યહોવાએ ગુસ્સે ભરાઈને સિયોનની દીકરીને વાદળોથી ઢાંકી દીધી છે!

તેમણે ઇઝરાયેલની શોભા આકાશમાંથી પૃથ્વી પર ફેંકી દીધી છે.+

તેમણે ક્રોધના દિવસે પોતાના પગના આસનને+ યાદ કર્યું નથી.

ב [બેથ]

 ૨ યહોવા યાકૂબનાં રહેઠાણો ગળી ગયા છે, તેમણે જરાય દયા બતાવી નથી.

રોષે ભરાઈને તેમણે યહૂદાની દીકરીના કિલ્લાઓ તોડી પાડ્યા છે.+

તેમણે રાજ્ય+ અને પ્રધાનોને+ પાડી નાખ્યાં છે, તેઓની આબરૂ ધૂળમાં મેળવી છે.

ג [ગિમેલ]

 ૩ ગુસ્સામાં ને ગુસ્સામાં તેમણે ઇઝરાયેલનું બળ ખતમ કરી નાખ્યું.*

દુશ્મન આવ્યો ત્યારે તેમણે પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો.+

આગની જેમ તેમનો કોપ યાકૂબ પર સળગતો રહ્યો અને એની આસપાસનું બધું ભસ્મ કરી દીધું.+

ד [દાલેથ]

 ૪ દુશ્મનની જેમ તેમણે કમાન ખેંચી છે,

વેરીની જેમ હુમલો કરવા તેમણે જમણો હાથ તૈયાર રાખ્યો છે.+

અમારી આંખોને જેઓ પ્રિય છે, તેઓને તે મારી નાખે છે.+

સિયોનની દીકરીના તંબુ પર+ તે ક્રોધની આગ વરસાવે છે.+

ה [હે]

 ૫ યહોવા એક દુશ્મન બન્યા છે.+

તે ઇઝરાયેલને ગળી ગયા છે.

તેમણે તેના મિનારાઓ જમીનદોસ્ત કર્યા છે.

તેમણે તેના કિલ્લાઓ ભોંયભેગા કર્યા છે.

તેમણે યહૂદાની દીકરીનો શોક અને વિલાપ વધાર્યો છે.

ו [વાવ]

 ૬ બાગની ઝૂંપડીની જેમ તેમણે પોતાનો માંડવો તોડી પાડ્યો છે.+

તે તહેવારનો અંત લાવ્યા છે.+

યહોવાએ સિયોનમાંથી તહેવાર અને સાબ્બાથની* યાદ ભૂંસી નાખી છે.

તેમણે ગુસ્સે ભરાઈને રાજા અને યાજકને ત્યજી દીધા છે.+

ז [ઝાયિન]

 ૭ યહોવાએ પોતાની વેદીનો* નકાર કર્યો છે.

તેમણે પોતાની પવિત્ર જગ્યાનો ત્યાગ કર્યો છે.+

તેમણે કિલ્લાઓને દુશ્મનના હાથમાં સોંપી દીધા છે.+

તેઓએ યહોવાના મંદિરમાં કોલાહલ કર્યો છે,+ જાણે કોઈ તહેવાર હોય.

ח [હેથ]

 ૮ યહોવાએ સિયોનની દીકરીની દીવાલ તોડવાનું નક્કી કર્યું છે.+

તેમણે માપવાની દોરી લંબાવી છે.+

તેમણે વિનાશ કરવાથી પોતાનો હાથ પાછો રાખ્યો નથી.

તેમના લીધે કોટ અને ઢોળાવ વિલાપ કરે છે,

એ બંને કમજોર થઈ ગયા છે.

ט [ટેથ]

 ૯ તેના દરવાજા જમીનમાં ધસી ગયા છે.+

તેમણે તેની ભૂંગળો તોડીને નષ્ટ કરી છે.

તેના રાજા અને પ્રધાનો બીજા દેશોની ગુલામીમાં ગયા છે.+

તેના પ્રબોધકોને* યહોવા તરફથી કોઈ દર્શન મળતું નથી,+

કોઈને નિયમોની* પડી નથી.

י [યોદ]

૧૦ સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને જમીન પર બેસે છે.+

તેઓ પોતાના માથા પર ધૂળ નાખે છે અને કંતાન પહેરે છે.*+

યરૂશાલેમની કુંવારી છોકરીઓએ* જમીન સુધી માથાં નમાવ્યાં છે.

כ [કાફ]

૧૧ રડી રડીને મારી આંખો થાકી ગઈ છે.+

મારી આંતરડી કકળે છે.

મારું કાળજું કપાઈ ગયું છે,*

કેમ કે મારા લોકોની દીકરીની* પડતી થઈ છે,+

બાળકો અને ધાવણાં બાળકો નગરના ચોકમાં બેભાન થઈ રહ્યાં છે.+

ל [લામેદ]

૧૨ તેઓ શહેરના ચોકમાં પડેલા ઘાયલ માણસની જેમ ધીરે ધીરે બેહોશ થઈ રહ્યાં છે.

તેઓ પોતાની માને કરગરે છે, “મા, મા, મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે.”*+

એવું કહેતાં કહેતાં તેઓ માના ખોળામાં છેલ્લો શ્વાસ લે છે.

מ [મેમ]

૧૩ હે યરૂશાલેમની દીકરી, હું તને કોનો દાખલો આપું?

હું તને કોની ઉપમા આપું?

હે સિયોનની કુંવારી દીકરી, તને આશ્વાસન આપવા કોની સાથે સરખાવું?

તારો જખમ સાગર જેવો વિશાળ છે,+ કોણ તને સાજી કરી શકે?+

נ [નૂન]

૧૪ તારા પ્રબોધકોએ તને જૂઠાં અને નકામાં દર્શનો કહ્યાં છે.+

તેઓએ તારો અપરાધ ખુલ્લો પાડ્યો નહિ, તને ગુલામીમાં જતા બચાવી નહિ.+

તેઓ તને ખોટાં અને છેતરામણાં દર્શનો જણાવતા રહ્યા છે.+

ס [સામેખ]

૧૫ રસ્તે આવજા કરનારા તાળીઓ પાડીને તારી મજાક ઉડાવે છે.+

તેઓ દંગ રહી ગયા છે, સીટીઓ મારે છે,+

માથું હલાવીને યરૂશાલેમની દીકરી વિશે કહે છે:

“શું આ એ જ નગરી છે, જેના વિશે લોકો કહેતા હતા, ‘વાહ! અતિ સુંદર! આખી દુનિયાને આનંદ આપતી નગરી’?”+

פ [પે]

૧૬ તને જોઈને તારા દુશ્મનોએ મોં ખોલ્યું છે.

તેઓ સીટી મારે છે અને દાંત પીસીને કહે છે: “આપણે તેને ગળી ગયા છીએ.+

આપણે આ દિવસની જ રાહ જોતા હતા.+ એ દિવસ આવી પહોંચ્યો છે, આપણને એ જોવા મળ્યો છે!”+

ע [આયિન]

૧૭ યહોવાએ જે નક્કી કર્યું હતું એ પાર પાડ્યું છે,+

વર્ષો પહેલાં તેમણે જે કહ્યું હતું+ એ પૂરું કર્યું છે.+

તેમણે તને તબાહ કરી દીધી છે, જરાય દયા બતાવી નથી.+

તારા પર જીત અપાવીને તેમણે દુશ્મનને ખુશ કર્યો છે.

તેમણે તારા વેરીઓનું બળ વધાર્યું છે.*

צ [સાદે]

૧૮ હે સિયોનની દીકરીની દીવાલ, લોકોનું દિલ યહોવાને પોકારે છે.

તું રાત-દિવસ આંસુની નદીઓ વહેવા દે.

તું બે ઘડી પણ આરામ ન લે, તારાં આંસુઓ સુકાવા ન દે.

ק [કોફ]

૧૯ ઊભી થા, આખી રાત રડ્યા કર, સવારના પહોર સુધી રડ્યા કર.

યહોવા આગળ પાણીની જેમ તારું દિલ ઠાલવી દે.

દુકાળને લીધે તારાં બાળકો દરેક ગલીને નાકે બેભાન થઈ રહ્યાં છે,+

તેઓનો જીવ બચાવવા ઈશ્વર આગળ હાથ ફેલાવ.

ר [રેશ]

૨૦ હે યહોવા, જુઓ, તમે તમારા લોકોના કેવા હાલ કર્યા છે.

ક્યાં સુધી સ્ત્રીઓ પોતાનાં બાળકોને, પોતાનાં તંદુરસ્ત બાળકોને ખાયા કરશે?+

ક્યાં સુધી યહોવાની પવિત્ર જગ્યામાં યાજકો અને પ્રબોધકો માર્યા જશે?+

ש [શીન]

૨૧ શેરીઓમાં યુવાન છોકરાઓની અને વૃદ્ધ માણસોની લાશો પડી છે.+

મારી કુંવારી છોકરીઓ* અને યુવાન પુરુષો તલવારથી માર્યા ગયા છે.+

તમે ક્રોધના દિવસે તેઓનો સંહાર કર્યો છે, તમે નિર્દય બનીને તેઓની કતલ કરી છે.+

ת [તાવ]

૨૨ તમે ચારે બાજુથી આતંક બોલાવ્યો છે, જાણે તહેવાર+ માટે લોકોને બોલાવતા હો.

યહોવાના ક્રોધના દિવસે કોઈ બચી શક્યું નથી કે છટકી શક્યું નથી.+

જેઓને મેં જન્મ આપ્યો અને લાડથી ઉછેર્યા, તેઓને મારા દુશ્મને મારી નાખ્યા છે.+

א [આલેફ]

૩ હું એવો માણસ છું, જેણે ઈશ્વરના ક્રોધની સોટીને લીધે લોકોને દુઃખી થતા જોયા છે.

 ૨ તેમણે મને તગેડી મૂક્યો છે. તે મને રોશનીમાં નહિ, પણ અંધકારમાં ચલાવે છે.+

 ૩ આખો દિવસ તે વારંવાર મને ફટકા મારે છે.+

ב [બેથ]

 ૪ તેમણે મારી ચામડી ઉખેડી નાખી છે, મારું માંસ ખેંચી કાઢ્યું છે.

તેમણે મારાં હાડકાં તોડી નાખ્યાં છે.

 ૫ તેમણે મને ઘેરી લીધો છે. ઝેરી કડવાશે+ અને વિપત્તિએ ચારે બાજુથી મને સકંજામાં લીધો છે.

 ૬ વર્ષો અગાઉ મરેલા માણસની જેમ તેમણે મને અંધકારમાં રહેવાની ફરજ પાડી છે.

ג [ગિમેલ]

 ૭ તેમણે મારી ફરતે દીવાલ ચણી છે, જેથી હું છટકી ન શકું.

તેમણે મને તાંબાની ભારે બેડીઓથી બાંધી દીધો છે.+

 ૮ જ્યારે હું લાચાર થઈને મદદ માટે કાલાવાલા કરું છું, ત્યારે તે મારી પ્રાર્થનાઓ સાંભળતા નથી.*+

 ૯ તેમણે પથ્થરોથી મારા માર્ગો રોકી દીધા છે,

મારા રસ્તાઓ વાંકાચૂકા કરી દીધા છે.+

ד [દાલેથ]

૧૦ સંતાયેલા રીંછની જેમ તે મારી રાહ જુએ છે,

સિંહની જેમ છુપાઈને તે મારા પર તરાપ મારે છે.+

૧૧ તેમણે મને માર્ગમાંથી ખસેડી નાખ્યો છે, મારા ટુકડે-ટુકડા કરી નાખ્યા છે.*

તેમણે મને એકલો-અટૂલો કરી દીધો છે.+

૧૨ તેમણે પોતાની કમાન ખેંચી છે, તેમણે મને બાણનું નિશાન બનાવ્યો છે.

ה [હે]

૧૩ તેમણે પોતાના ભાથાનાં બાણોથી મારું કાળજું* વીંધી નાખ્યું છે.

૧૪ બધા લોકો મારી ઠેકડી ઉડાવે છે, આખો દિવસ ગીતો ગાઈને મારી મશ્કરી કરે છે.

૧૫ તેમણે મને કડવી વસ્તુઓથી ભરી દીધો છે, કડવા છોડનો* રસ પિવડાવ્યો છે.+

ו [વાવ]

૧૬ તે કાંકરાથી મારા દાંત તોડે છે.

તે મને રાખમાં રગદોળે છે.+

૧૭ તમે મારી શાંતિ છીનવી લીધી છે, સુખ* કોને કહેવાય એ હું ભૂલી ગયો છું.

૧૮ એટલે મેં કહ્યું: “મારો વૈભવ જતો રહ્યો છે, યહોવાથી મને ખૂબ આશા હતી, પણ હવે એ મરી પરવારી છે.”

ז [ઝાયિન]

૧૯ હું કેટલા દુઃખમાં છું, હું ઘરબાર વગરનો થઈ ગયો છું, કડવો છોડ અને કડવું ઝેર ખાઈ રહ્યો છું,+ એ યાદ રાખજો.+

૨૦ તમે મને જરૂર યાદ કરશો અને નીચા નમીને મને મદદ કરશો.+

૨૧ હું એનો વિચાર કરીશ અને ધીરજથી તમારી રાહ જોઈશ.*+

ח [હેથ]

૨૨ યહોવાના અતૂટ પ્રેમને* લીધે અમારો અંત આવ્યો નથી.+

તેમની દયાનો કોઈ પાર નથી.+

૨૩ તે રોજ સવારે દયા વરસાવે છે,+ તે હંમેશાં ભરોસાપાત્ર છે.+

૨૪ મેં કહ્યું:* “યહોવા મારો હિસ્સો છે,+ હું ધીરજથી તેમની રાહ જોઈશ.”*+

ט [ટેથ]

૨૫ જે માણસ યહોવામાં આશા રાખે છે,+ જે તેમની ભક્તિ કરે છે,*+ તેના માટે તે ભલા છે.

૨૬ યહોવા તરફથી મળતા ઉદ્ધાર માટે+ ધીરજથી* રાહ જોવી સારું છે.+

૨૭ માણસ પોતાની યુવાનીમાં ઝૂંસરી* ઉપાડે એ તેના માટે સારું છે.+

י [યોદ]

૨૮ ઈશ્વર તેના પર બોજો મૂકે ત્યારે, તે ચૂપચાપ એકલો બેસી રહે.+

૨૯ તે પોતાનું મોં ધૂળમાં નાખે,+ કદાચ તેના બચવાની હજી કોઈ આશા હોય.+

૩૦ લાફો મારનારની સામે તે પોતાનો ગાલ ધરે અને પૂરેપૂરું અપમાન સહે.

כ [કાફ]

૩૧ કેમ કે યહોવા આપણને હંમેશ માટે ત્યજી દેશે નહિ.+

૩૨ ભલે તેમણે દુઃખ આપ્યું, પણ પોતાના મહાન પ્રેમને* લીધે તે આપણને જરૂર દયા બતાવશે.+

૩૩ માણસના દીકરાઓ પર સતાવણી કે સજા લાવીને તેમને ખુશી મળતી નથી.+

ל [લામેદ]

૩૪ પૃથ્વીના બધા કેદીઓને પગ નીચે કચડી નાખવા,+

૩૫ સર્વોચ્ચ ઈશ્વર આગળ ન્યાય મેળવવાનો કોઈનો હક છીનવી લેવો+

૩૬ અને મુકદ્દમામાં કોઈને દગો કરવો,

એ બધું યહોવા ચલાવી લેતા નથી.

מ [મેમ]

૩૭ યહોવા આજ્ઞા ન આપે ત્યાં સુધી કોણ એ વિશે બોલી શકે, કોણ એને પૂરું કરી શકે?

૩૮ સર્વોચ્ચ ઈશ્વરના મોંમાંથી સારી અને ખરાબ વાતો એક સાથે નીકળતી નથી.

૩૯ જીવતા માણસે કેમ પાપનાં પરિણામની ફરિયાદ કરવી જોઈએ?+

נ [નૂન]

૪૦ ચાલો, આપણા માર્ગોની તપાસ અને પરખ કરીએ.+

ચાલો, યહોવા પાસે પાછા ફરીએ.+

૪૧ આકાશોના ઈશ્વર તરફ હાથ ફેલાવીએ અને પૂરા દિલથી કહીએ:+

૪૨ “અમે ભૂલ કરી છે, અમે બંડ પોકાર્યું છે+ અને તમે અમને માફ કર્યા નથી.+

ס [સામેખ]

૪૩ ગુસ્સે ભરાઈને તમે અમારો રસ્તો રોક્યો,+ જેથી અમે તમારી પાસે આવી ન શકીએ.

તમે અમારો પીછો કર્યો અને નિર્દય બનીને અમને મારી નાખ્યા.+

૪૪ તમે વાદળથી પોતાને ઢાંકીને દરેક રસ્તો બંધ કર્યો, જેથી અમારી પ્રાર્થનાઓ તમારા સુધી ન પહોંચે.+

૪૫ તમે અમને બધા લોકોમાં કચરા અને મેલ જેવા બનાવો છો.”

פ [પે]

૪૬ અમારા દુશ્મનો અમારી વિરુદ્ધ મોં ખોલે છે.+

૪૭ ડર, ફાંદો,* દુર્દશા અને બરબાદી+ અમારો હિસ્સો છે.+

૪૮ મારા લોકોની દીકરીની પડતી જોઈને મારાં આંસુનો ધોધ વહે છે.+

ע [આયિન]

૪૯ મારી આંખો રડ્યા કરે છે, મારાં આંસુ ત્યાં સુધી નહિ અટકે,+

૫૦ જ્યાં સુધી યહોવા સ્વર્ગમાંથી મારા પર નજર નહિ કરે.+

૫૧ મારા શહેરની દીકરીઓના હાલ જોઈને મારી આંખોમાંથી આંસુ સરી પડ્યાં.+

צ [સાદે]

૫૨ મારા દુશ્મનોએ કારણ વગર મારો શિકાર કર્યો છે, જાણે પક્ષીનો શિકાર કરતા હોય.

૫૩ તેઓએ મને ખાડામાં નાખીને હંમેશ માટે ચૂપ કરી દીધો.

તેઓ મારા પર પથ્થરો નાખતા રહ્યા.

૫૪ પાણી મારા માથા ઉપરથી વહેવા લાગ્યું અને મેં કહ્યું: “હવે તો મારું આવી બન્યું!”

ק [કોફ]

૫૫ હે યહોવા, ખાડાના ઊંડાણમાંથી મેં તમારા નામનો પોકાર કર્યો.+

૫૬ મારો અવાજ સાંભળો. હું મદદ માટે પોકાર કરું, રાહત માટે આજીજી કરું ત્યારે તમારો કાન બંધ ન કરો.

૫૭ મેં પોકાર કર્યો એ દિવસે તમે મારી નજીક આવ્યા. તમે કહ્યું: “તું જરાય ડરીશ નહિ.”

ר [રેશ]

૫૮ હે યહોવા, તમે મારો મુકદ્દમો લડ્યા છો. તમે મારો જીવ બચાવ્યો છે.+

૫૯ હે યહોવા, કૃપા કરીને મને ન્યાય આપો, કેમ કે મારા પર થયેલો અન્યાય તમે જોયો છે.+

૬૦ તેઓનો વેરભાવ અને મારી વિરુદ્ધ ઘડેલાં કાવતરાં તમે જોયાં છે.

ש [સીન] કે [શીન]

૬૧ હે યહોવા, તમે તેઓનાં મહેણાં અને મારી વિરુદ્ધના કાવાદાવા સાંભળ્યાં છે.+

૬૨ આખો દિવસ તેઓ મારી વિરુદ્ધ વાતો અને ગુસપુસ કરે છે, એ પણ તમે સાંભળ્યું છે.

૬૩ તેઓને જુઓ, ઊઠતાં-બેસતાં તેઓ ગીતો ગાઈને મારી મશ્કરી કરે છે.

ת [તાવ]

૬૪ હે યહોવા, તમે તેઓનાં કરતૂતોનો બદલો જરૂર વાળી આપશો.

૬૫ તમે તેઓને શ્રાપ આપશો અને તેઓનું દિલ પથ્થર જેવું કરી દેશો.

૬૬ હે યહોવા, તમે રોષે ભરાઈને તેઓનો પીછો કરશો અને પૃથ્વી પરથી તેઓનો સર્વનાશ કરશો.

א [આલેફ]

૪ ચોખ્ખા સોનાની ચમક ઝાંખી પડી ગઈ છે!+

પવિત્ર પથ્થરો*+ દરેક ગલીના નાકે આમતેમ પડ્યા છે!+

ב [બેથ]

 ૨ એક સમયે સિયોનના અનમોલ દીકરાઓ ચોખ્ખા સોના જેવા કીમતી હતા,*

પણ હવે તેઓ કુંભારે ઘડેલા માટીના વાસણ જેવા બની ગયા છે.

ג [ગિમેલ]

 ૩ અરે, શિયાળ પણ પોતાનાં બચ્ચાંને છાતીએ વળગાડીને ધવડાવે છે,

પણ મારા લોકોની દીકરી તો વેરાન પ્રદેશના શાહમૃગની+ જેમ ક્રૂર બની ગઈ છે.+

ד [દાલેથ]

 ૪ તરસને લીધે ધાવણા બાળકની જીભ તેના તાળવે ચોંટી જાય છે.

બાળકો રોટલી માટે ભીખ માંગે છે,+ પણ કોઈ એક ટુકડોય આપતું નથી.+

ה [હે]

 ૫ સ્વાદિષ્ટ વાનગીઓ ખાનારા હવે ગલીઓમાં ભૂખે મરે છે.+

મોંઘાં મોંઘાં કપડાં* પહેરનારા+ હવે રાખના ઢગલામાં આળોટે છે.

ו [વાવ]

 ૬ મારા લોકોની દીકરીની સજા* સદોમની સજા* કરતાં પણ ભારે છે.+

સદોમનો તો પળભરમાં નાશ થયો હતો, તેને મદદ કરવા કોઈએ હાથ લંબાવ્યો ન હતો.+

ז [ઝાયિન]

 ૭ સિયોનના નાઝીરીઓ*+ બરફ કરતાં વધારે શુદ્ધ હતા, દૂધ કરતાં વધારે સફેદ હતા.

તેઓ કીમતી રત્નો* કરતાં પણ વધારે લાલચોળ હતાં, તેઓનું રૂપ નીલમ જેવું ચમકદાર હતું.

ח [હેથ]

 ૮ પણ હવે તેઓ કોલસા કરતાં પણ વધારે કાળા થઈ ગયા છે.

શેરીઓમાં કોઈ તેઓને ઓળખી શકતું નથી.

તેઓની ચામડી હાડકાંને ચોંટી ગઈ છે,+ એ સૂકા લાકડા જેવી થઈ ગઈ છે.

ט [ટેથ]

 ૯ ભૂખે મરનાર કરતાં તલવારથી મરનાર વધારે સારો.+

ભૂખે મરનાર તો ભૂખમરાને લીધે રિબાઈ રિબાઈને દમ તોડે છે,

તે જાણે ભાલાથી વીંધાયો હોય તેમ તડપી તડપીને મરે છે.

י [યોદ]

૧૦ દયાળુ સ્ત્રીઓએ પોતાના જ હાથે પોતાનાં બાળકોને બાફ્યાં છે.+

મારા લોકોની દીકરીની પડતીના સમયે એ જ તેઓનો ખોરાક* બન્યો છે.+

כ [કાફ]

૧૧ યહોવાએ પોતાનો ક્રોધ બતાવ્યો છે.

તેમણે પોતાના ગુસ્સાની આગ વરસાવી છે.+

તેમણે સિયોનમાં આગ ચાંપી છે, જેનાથી તેના પાયા ભસ્મ થઈ ગયા છે.+

ל [લામેદ]

૧૨ પૃથ્વીના રાજાઓ અને તેના રહેવાસીઓ માની જ ન શક્યા કે

યરૂશાલેમના દરવાજામાં તેનો દુશ્મન, તેનો વેરી ઘૂસી ગયો છે.+

מ [મેમ]

૧૩ એ બધું તેના પ્રબોધકોનાં પાપોને લીધે અને તેના યાજકોના અપરાધોને લીધે થયું છે.+

તેઓએ શહેરમાં નિર્દોષ* લોકોનું ખૂન કર્યું છે.+

נ [નૂન]

૧૪ તેઓ શેરીઓમાં આંધળા માણસની જેમ ભટકે છે.+

તેઓ લોહીથી અશુદ્ધ થયા છે,+

એટલે કોઈ તેઓનાં કપડાંને અડકી શકતું નથી.

ס [સામેખ]

૧૫ લોકો તેઓને કહે છે, “દૂર રહો! અમારાથી દૂર જાઓ! તમે અશુદ્ધ છો! અમને અડકશો નહિ!”

તેઓ ઘરબાર વિનાના થયા છે, તેઓ આમતેમ ભટકે છે.

પ્રજાઓ કહે છે: “તેઓ આપણી સાથે રહી ના શકે.*+

פ [પે]

૧૬ યહોવાએ તેઓને વિખેરી નાખ્યા છે.+

તે તેઓ પર ક્યારેય કૃપા કરશે નહિ.

માણસો યાજકોને માન આપશે નહિ+ અને વડીલોને દયા બતાવશે નહિ.”+

ע [આયિન]

૧૭ રાહ જોઈ જોઈને અમારી આંખો થાકી ગઈ છે, પણ કોઈ મદદે આવતું નથી.+

અમે તો એવા દેશની મદદ માંગતા રહ્યા, જે અમને બચાવી શકતો નથી.+

צ [સાદે]

૧૮ ડગલે ને પગલે દુશ્મનોએ અમારો શિકાર કર્યો છે,+ અમે ચોકમાં પણ હરી-ફરી શકતા નથી.

અમારો અંત નજીક આવી ગયો છે. અમારા દિવસો ભરાઈ ગયા છે, અમારો અંત આવી પહોંચ્યો છે.

ק [કોફ]

૧૯ અમારો પીછો કરનારાઓ ગરુડથી પણ વધારે ઝડપી હતા.+

પહાડો પર તેઓએ અમારો પીછો કર્યો.

વેરાન પ્રદેશમાં અમારા પર તરાપ મારવા તેઓ છુપાઈ રહ્યા.

ר [રેશ]

૨૦ યહોવાનો અભિષિક્ત,*+ જે અમારા જીવનનો શ્વાસ છે,

જેના વિશે અમે કહેતા હતા: “તેની છાયા* નીચે અમે પ્રજાઓમાં જીવતા રહીશું,”

તે દુશ્મનોના મોટા ખાડામાં ઝડપાઈ ગયો છે.+

ש [સીન]

૨૧ હે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું મજા કર, આનંદ-ઉલ્લાસ કર.+

પણ યાદ રાખ, એ પ્યાલો તારી પાસે પણ આવશે,+ તું પીને ચકચૂર થશે અને તારી નગ્‍નતા ઉઘાડી પાડશે.+

ת [તાવ]

૨૨ હે સિયોનની દીકરી, તારા અપરાધની સજા પૂરી થઈ છે.

તે ફરી તને ગુલામીમાં નહિ લઈ જાય.+

પણ હે અદોમની દીકરી, તે તારા ગુના પર ધ્યાન આપશે.

તે તારાં પાપ ઉઘાડાં પાડશે.+

૫ હે યહોવા, ધ્યાન આપો, અમારી કેવી દશા થઈ છે.

જુઓ, અમારું કેવું અપમાન થયું છે!+

 ૨ અમારો વારસો પારકાઓના હાથમાં ગયો છે, અમારાં ઘરો પરદેશીઓને સોંપવામાં આવ્યાં છે.+

 ૩ અમે અનાથ થયા છીએ, અમારા માથે પિતાનો હાથ રહ્યો નથી,* અમારી મા વિધવા થઈ છે.*+

 ૪ અમારું જ પાણી પીવા અમારે પૈસા આપવા પડે છે,+

અમારાં જ લાકડાં માટે અમારે કિંમત ચૂકવવી પડે છે.

 ૫ પીછો કરનારાઓનો હાથ અમારા ગળા સુધી પહોંચી ગયો છે.

અમે થાકી ગયા છીએ, પણ અમને જરાય આરામ નથી.+

 ૬ અમારી ભૂખ દૂર કરવા અમે ઇજિપ્ત*+ અને આશ્શૂર આગળ હાથ ફેલાવ્યા છે.+

 ૭ અમારા બાપદાદાઓ તો ગયા, પણ તેઓનાં પાપની સજા અમારે ભોગવવી પડે છે.

 ૮ ચાકરો અમારા પર રાજ કરે છે, તેઓના હાથમાંથી અમને છોડાવનાર કોઈ નથી.

 ૯ વેરાન પ્રદેશમાં તલવારનો ખતરો છે, અમારે જીવના જોખમે રોટલી લાવવી પડે છે.+

૧૦ ભૂખની આગને લીધે અમારી ચામડી ધગધગતી ભઠ્ઠી જેવી થઈ ગઈ છે.+

૧૧ સિયોનમાં તેઓએ પરણેલી સ્ત્રીઓ પર બળાત્કાર કર્યો છે અને યહૂદાનાં શહેરોમાં કુંવારી છોકરીઓની આબરૂ લૂંટી છે.+

૧૨ શાસકોના હાથ બાંધીને તેઓને લટકાવવામાં આવ્યા છે+ અને વડીલોને કોઈ માન આપતું નથી.+

૧૩ યુવાનો ઘંટી ઊંચકે છે અને લાકડાંના ભારથી છોકરાઓ લથડિયાં ખાય છે.

૧૪ વડીલો હવે શહેરના દરવાજે ફરકતા નથી,+ યુવાનો હવે સંગીત વગાડતા નથી.+

૧૫ અમારા દિલની ખુશી ખોવાઈ ગઈ છે, અમારાં નાચ-ગાન વિલાપમાં ફેરવાઈ ગયાં છે.+

૧૬ અમારા માથા પરથી મુગટ પડી ગયો છે.

ધિક્કાર છે અમને, કેમ કે અમે પાપ કર્યું છે!

૧૭ એ બધાને લીધે અમારું દિલ રિબાય છે,+

અમારી આંખો ઝાંખી પડી ગઈ છે.+

૧૮ સિયોન પર્વત ઉજ્જડ થઈ ગયો છે,+ એ શિયાળોનો અડ્ડો બની ગયો છે.

૧૯ પણ હે યહોવા, તમે કાયમ માટે તમારી રાજગાદી પર બિરાજો છો.

તમારી રાજગાદી પેઢી દર પેઢી રહે છે.+

૨૦ તમે કેમ અમને કાયમ માટે ભૂલી ગયા છો?

કેમ આટલા લાંબા સમયથી અમને ત્યજી દીધા છે?+

૨૧ હે યહોવા, અમને તમારી પાસે બોલાવો અને અમે રાજીખુશીથી તમારી પાસે પાછા આવીશું.+

અમારા જૂના દિવસો પાછા આપો, બધું પહેલાંના જેવું કરી દો.+

૨૨ પણ તમે તો અમને ઠોકર મારી દીધી છે.

તમે હજીયે અમારા પર ખૂબ ગુસ્સે ભરાયેલા છો.+

યવિ ૧-૪ અધ્યાય શોકગીત છે. આ ગીતોની પંક્તિઓની રચના હિબ્રૂ મૂળાક્ષરના ક્રમમાં છે.

અથવા, “વસ્તીવાળી.”

અથવા, “જિલ્લાઓની.”

શબ્દસૂચિમાં “ગુલામી” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

એવી સ્ત્રીઓ જેઓએ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.

વધારે માહિતી ક-૪ જુઓ.

અથવા, “તેનો ઘાઘરો.”

શબ્દસૂચિ જુઓ.

અહીં યરૂશાલેમ નગરીને સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવી છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એવી સ્ત્રીઓ જેઓએ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.

મૂળ, “દરેક શિંગ કાપી નાખ્યું.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સૂચનોની.”

શબ્દસૂચિમાં “શોક” જુઓ.

એવી સ્ત્રીઓ જેઓએ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.

મૂળ, “મારું કાળજું જમીન પર રેડાઈ ગયું છે.”

આ કાવ્યાત્મક વર્ણન છે, જે કદાચ લાચારી અથવા સહાનુભૂતિ બતાવે છે.

મૂળ, “અનાજ અને દ્રાક્ષદારૂ ક્યાં છે?”

મૂળ, “શિંગ ઊંચું કર્યું છે.”

એવી સ્ત્રીઓ જેઓએ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.

અથવા, “રોકી દે છે.”

અથવા કદાચ, “મને નકામો પડી રહેવા દીધો છે.”

મૂળ, “મારાં મૂત્રપિંડો.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “ભલાઈ.”

અથવા, “રાહ જોવાનું વલણ બતાવીશ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “હું કહું છું.”

અથવા, “હું રાહ જોવાનું વલણ બતાવીશ.”

મૂળ, “જે તેમને શોધે છે.”

અથવા, “ચૂપ રહીને.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “અતૂટ પ્રેમને.”

અથવા, “ખાડો.”

અથવા, “પવિત્ર જગ્યાના પથ્થરો.”

અથવા, “ચોખ્ખા સોના સામે તોળવામાં આવતા હતા.”

મૂળ, “લાલ રંગનાં કપડાં.”

મૂળ, “અપરાધ.”

મૂળ, “પાપની સજા.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પરવાળાં.”

અથવા, “વિલાપનો ખોરાક.”

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “પરદેશીઓ તરીકે અહીં રહી ના શકે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “તેના રક્ષણ.”

અથવા, “અમે પિતા વગરનાં બાળકો થયા છીએ.”

મૂળ, “વિધવા જેવી થઈ છે.”

અથવા, “મિસર.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો