વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt ફિલિપીઓ ૧:૧-૪:૨૩
  • ફિલિપીઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફિલિપીઓ
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ફિલિપીઓ

ફિલિપીઓને પત્ર

૧ અમે ખ્રિસ્ત* ઈસુના સેવકો પાઉલ અને તિમોથી તમને પત્ર લખીએ છીએ. અમે ફિલિપીમાં+ રહેતા સર્વ પવિત્ર જનોને, ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે તેઓને, દેખરેખ રાખનારાઓને* અને સહાયક સેવકોને*+ લખીએ છીએ:

૨ ઈશ્વર આપણા પિતા પાસેથી અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા* અને શાંતિ મળે.

૩ હું જ્યારે જ્યારે તમને યાદ કરું છું, ત્યારે ત્યારે ઈશ્વરનો આભાર માનું છું. ૪ હું તમારા બધા માટે પૂરા દિલથી પ્રાર્થના કરું છું. હું ખુશી ખુશી પ્રાર્થના કરું છું,+ ૫ કેમ કે તમે જે દિવસથી ખુશખબર સાંભળી ત્યારથી લઈને આજ સુધી ખુશખબર ફેલાવવા ઘણી મહેનત કરી છે.* ૬ મને પૂરી ખાતરી છે કે ઈશ્વરે તમારી વચ્ચે જે સારું કામ શરૂ કર્યું છે, એ પૂરું કરશે.+ એ કામ ખ્રિસ્ત ઈસુનો દિવસ આવે ત્યાં સુધી ચાલુ રહેશે.+ ૭ હું તમારા વિશે એમ વિચારું એ યોગ્ય છે, કેમ કે તમે મારા દિલમાં વસેલા છો. તમે તો મારી સાથે અપાર કૃપાના ભાગીદાર છો, કેમ કે હું કેદમાં હતો+ ત્યારે તમે મારી પડખે ઊભા રહ્યા. ખુશખબરનું રક્ષણ કરવા અને એના પ્રચાર માટે કાયદેસર હક મેળવવા+ તમે મને સાથ આપ્યો.

૮ ઈશ્વર જાણે છે* કે હું તમને મળવાની કેટલી ઝંખના રાખું છું. હું તમને ખ્રિસ્ત ઈસુ જેવો પ્રેમ કરું છું. ૯ હું હંમેશાં પ્રાર્થના કરું છું કે સાચા જ્ઞાન+ અને પૂરી સમજણ+ સાથે તમારો પ્રેમ વધતો ને વધતો જાય.+ ૧૦ મારી અરજ છે કે જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો,+ જેથી ખ્રિસ્તનો દિવસ આવે ત્યાં સુધી તમે નિર્દોષ રહો અને બીજાઓને ઠોકર ન ખવડાવો.+ ૧૧ હું એવી પણ પ્રાર્થના કરું છું કે ઈસુ ખ્રિસ્તે આપણા દ્વારા કરેલાં સારાં કામોનો* તમે પૂરેપૂરો ફાયદો ઉઠાવો,+ જેથી ઈશ્વરને મહિમા મળે અને તેમનો જયજયકાર થાય.

૧૨ હવે ભાઈઓ, હું એવું ચાહું છું કે તમે જાણો કે મારા સંજોગોને લીધે ખુશખબર ફેલાવવામાં વધારે મદદ મળી છે. ૧૩ સમ્રાટના* અંગરક્ષકો* અને બીજા બધા લોકો જાણે છે કે હું ખ્રિસ્તનો શિષ્ય હોવાથી કેદમાં છું.+ ૧૪ માલિકની સેવા કરતા મોટા ભાગના ભાઈઓનો મારાં બંધનોને લીધે ભરોસો વધ્યો છે. હવે તેઓ ડર્યા વગર વધારે હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવે છે.

૧૫ ખરું કે, અમુક લોકો અદેખાઈ અને હરીફાઈની ભાવનાને લીધે ખ્રિસ્ત વિશે પ્રચાર કરે છે, પણ બીજાઓ સારા ઇરાદાથી પ્રચાર કરે છે. ૧૬ તેઓ પ્રેમથી પ્રેરાઈને ખ્રિસ્ત વિશેની ખુશખબર જાહેર કરે છે. કેમ કે તેઓ જાણે છે કે ખુશખબરનું રક્ષણ કરવા મને પસંદ કરવામાં આવ્યો છે.+ ૧૭ જેઓ અદેખાઈને લીધે* પ્રચાર કરે છે, તેઓના ઇરાદા સારા નથી. હું કેદમાં છું ત્યારે તેઓ મારી મુશ્કેલીઓમાં વધારો કરવા માંગે છે. ૧૮ એનું કેવું પરિણામ આવ્યું છે? ભલે કોઈ અદેખાઈને લીધે કે સારા ઇરાદાને લીધે* પ્રચાર કરે, પણ દરેક રીતે ખ્રિસ્તનો પ્રચાર થઈ રહ્યો છે. એ વાતની મને ખુશી છે અને હું આનંદ કરતો રહીશ. ૧૯ કેમ કે હું જાણું છું કે તમારી પ્રાર્થનાઓ*+ અને ઈસુ ખ્રિસ્ત પાસેથી મળેલી પવિત્ર શક્તિ*+ દ્વારા મારો ઉદ્ધાર થશે. ૨૦ મારા દિલની તીવ્ર ઇચ્છા છે અને આશા છે કે મારે કોઈ કારણે શરમાવું નહિ પડે. મને ખાતરી છે કે કોઈ સંકોચ વગર હું બોલીશ, જેથી હું* પહેલાંની જેમ હમણાં પણ ખ્રિસ્તને મહિમા આપું, પછી ભલે હું જીવું કે મરું.+

૨૧ મારા કિસ્સામાં, જો હું જીવું તો ખ્રિસ્ત માટે જીવું+ અને જો મરું તોપણ એમાં મારો જ ફાયદો છે.+ ૨૨ જો હું આ દુનિયામાં* જીવતો રહું, તો હું ખ્રિસ્ત માટે વધારે કામ કરી શકીશ. છતાં હું જાણતો નથી કે હું શું પસંદ કરીશ. ૨૩ આ બે પસંદગી વચ્ચે મારા મનમાં ખેંચતાણ ચાલે છે, કેમ કે હું ચાહું છું કે મારો છુટકારો થાય અને હું ખ્રિસ્ત સાથે રહું.+ એ મારા માટે ખરેખર સારું છે.+ ૨૪ પણ તમારા ભલા માટે હું આ દુનિયામાં જીવતો રહું એ વધારે સારું છે. ૨૫ મને પૂરી ખાતરી છે અને હું જાણું છું કે હું જીવતો રહીશ અને તમારા બધા સાથે હોઈશ, જેથી તમે પ્રગતિ કરો અને શ્રદ્ધામાં તમારો આનંદ વધે. ૨૬ હું ફરીથી તમારી સાથે હોઈશ ત્યારે, મારા લીધે ખ્રિસ્ત ઈસુમાં તમારો ભરોસો વધતો જશે.

૨૭ ખ્રિસ્તની ખુશખબરને શોભે એવી રીતે વર્તો.*+ આમ, હું તમારી પાસે આવું કે ન આવું, મને જાણવા મળશે કે તમે એકમનના થઈને દૃઢ ઊભા છો, સંપમાં છો+ અને ખુશખબરમાં શ્રદ્ધા ટકાવી રાખવા ખભેખભા મિલાવીને મહેનત કરો છો. ૨૮ તમે વિરોધીઓથી જરાય ડરતા નહિ. તમારી નીડરતા તેઓના વિનાશની સાબિતી છે,+ પણ તમારા માટે એ ઉદ્ધારની નિશાની છે.+ એ ઈશ્વર તરફથી છે. ૨૯ કેમ કે તમને ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકવાનો જ નહિ, તેમના માટે સહન કરવાનો પણ લહાવો આપવામાં આવ્યો છે.+ ૩૦ તમે પણ એ જ મુસીબતો સહન કરો છો, જે સહેતા તમે મને જોયો છે.+ તમે સાંભળ્યું છે કે હું હજી પણ એ જ મુસીબતો સહું છું.

૨ ખ્રિસ્તમાં બીજાઓને ઉત્તેજન આપવા, પ્રેમથી દિલાસો આપવા, એકબીજા માટે લાગણી બતાવવા* તેમજ કરુણા અને દયા બતાવવા બનતું બધું કરો. ૨ જો એમ કરશો તો મને ખૂબ ખુશી થશે. એકમનના થાઓ, એકબીજાને પ્રેમ બતાવો તેમજ કાર્યો અને વિચારોમાં પૂરી રીતે એકતામાં રહો.*+ ૩ અદેખાઈને લીધે*+ કે અભિમાનને લીધે કંઈ ન કરો,+ પણ નમ્ર બનો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.*+ ૪ તમે ફક્ત પોતાનો જ વિચાર ન કરો,+ પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.+

૫ તમે ખ્રિસ્ત ઈસુ જેવો સ્વભાવ રાખો.+ ૬ તે ઈશ્વર જેવા હતા,+ છતાં તેમણે ઈશ્વર સમાન થવાનો વિચાર સુદ્ધાં ન કર્યો.+ ૭ પણ તેમણે પોતાની પાસે જે કંઈ હતું, એનો ત્યાગ કર્યો* અને દાસ જેવા થયા+ અને મનુષ્ય બન્યા.+ ૮ એટલું જ નહિ, તે મનુષ્ય તરીકે આવ્યા ત્યારે, તેમણે પોતાને નમ્ર કર્યા અને છેક મરણ સુધી, હા, વધસ્તંભ* પરના મરણ સુધી વફાદાર રહ્યા.*+ ૯ એટલે ઈશ્વરે તેમને વધારે ઊંચી પદવી આપી+ અને દરેક નામ કરતાં ઉત્તમ નામ આપ્યું.+ ૧૦ ઈશ્વરે એવું કર્યું, જેથી સ્વર્ગના, પૃથ્વી પરના અને જમીન નીચેના* બધા જ ઈસુના નામને મહિમા આપે.*+ ૧૧ બધા લોકો* જાહેરમાં કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત આપણા માલિક છે,+ જેથી ઈશ્વર આપણા પિતાને મહિમા મળે.

૧૨ મારા વહાલા ભાઈઓ, તમે હંમેશાં આધીન રહ્યા છો. તમે મારી હાજરીમાં જ નહિ, મારી ગેરહાજરીમાં પણ આધીન રહ્યા છો. એટલે હું તમને અરજ કરું છું કે તમારા ઉદ્ધાર માટે ડર અને આદર* સાથે મહેનત કરતા રહો. ૧૩ ઈશ્વર તમને બળ આપે છે, જેથી તમે તેમને ખુશ કરી શકો. એવું કરવા તે તમને ઇચ્છા* અને બળ આપે છે. ૧૪ તમે કચકચ+ અને દલીલ કર્યા વગર બધાં કામ કરો,+ ૧૫ જેથી તમે ઈશ્વરનાં શુદ્ધ અને નિર્દોષ બાળકો થાઓ.+ તમે દુષ્ટ અને આડી પેઢી વચ્ચે રહો છો,+ છતાં કલંક વગરના રહીને ઝળહળતા પ્રકાશ જેવા છો.+ ૧૬ જીવન આપતા સંદેશા પર મજબૂત પકડ રાખો.+ એમ કરશો તો, મને ખ્રિસ્તના દિવસે આનંદ કરવાનું કારણ મળશે કે, મારી સખત મહેનત અને મારા પ્રયત્નો નકામાં ગયાં નથી. ૧૭ જો તમારાં બલિદાનો પર+ અને વફાદારીથી કરેલી તમારી સેવા પર મારે દ્રાક્ષદારૂ-અર્પણની* જેમ પૂરેપૂરા રેડાઈ જવું પડે,+ તોપણ હું ખુશ છું અને તમારા બધા સાથે આનંદ કરું છું. ૧૮ તમે પણ મારી સાથે ખુશ થાઓ એવી હું અરજ કરું છું.

૧૯ હું આશા રાખું છું કે માલિક ઈસુની ઇચ્છા હશે તો, હું જલદી જ તિમોથીને તમારી પાસે મોકલીશ,+ જેથી તમારા ખબરઅંતર જાણીને મને ઉત્તેજન મળે. ૨૦ કેમ કે તિમોથી જેવું* મારી પાસે બીજું કોઈ નથી, જે દિલથી તમારી સંભાળ રાખે. ૨૧ બીજા બધા તો પોતાનો જ ફાયદો જુએ છે. તેઓને ઈસુ ખ્રિસ્તની કંઈ પડી નથી. ૨૨ પણ તમે જાણો છો કે જેમ દીકરો પિતાની સાથે મળીને મહેનત કરે, તેમ તિમોથીએ મારી સાથે મળીને ખુશખબર ફેલાવવા મહેનત કરી છે અને પોતાને લાયક સાબિત કર્યો છે.+ ૨૩ મારું શું થશે એની ખબર પડતાં જ હું તેને તમારી પાસે મોકલવાની આશા રાખું છું. ૨૪ મને પૂરો ભરોસો છે કે માલિક ઈસુ મને પણ જલદી જ તમારી પાસે આવવા દેશે.+

૨૫ પણ હમણાં તો મને જરૂરી લાગે છે કે હું એપાફ્રદિતસને તમારી પાસે મોકલું. તે મારો ભાઈ, સાથી કામદાર અને સાથી સૈનિક છે. તે તમે મોકલેલો સંદેશવાહક છે અને સેવક તરીકે તેણે મને મદદ કરી છે.+ ૨૬ તે તમને બધાને જોવા ઘણો આતુર છે. તે બીમાર હતો એ વિશે તમે સાંભળ્યું છે, એટલે તે દુઃખી દુઃખી થઈ ગયો છે. ૨૭ તે મરણતોલ બીમાર પડ્યો હતો. પણ ઈશ્વરે તેને દયા બતાવી, મને પણ દયા બતાવી, જેથી મારા દુઃખમાં વધારો ન થાય. ૨૮ હું તેને જલદી જ તમારી પાસે મોકલું છું, જેથી તેને જોઈને તમે ફરીથી આનંદ કરો. પછી મને પણ તમારી બહુ ચિંતા નહિ થાય. ૨૯ માલિક ઈસુના શિષ્યોનો આવકાર કરો છો તેમ તેનો ખુશીથી આવકાર કરજો. તમે બતાવી આપજો કે તેના જેવા ભાઈઓ તમને વહાલા છે.+ ૩૦ કેમ કે ખ્રિસ્તની સેવા માટે તે લગભગ મરવાની અણી પર હતો. તમે મારી મદદે* અહીં આવી ન શક્યા ત્યારે તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.+

૩ છેવટે મારા ભાઈઓ, ઈશ્વરની સેવામાં આનંદ કરો.+ તમને એકની એક વાત લખતાં મને કંટાળો આવતો નથી અને એ તમારા ભલા* માટે છે.

૨ કૂતરા જેવા લોકોથી* સાવધ રહો. નુકસાન પહોંચાડતા લોકોથી સાવધ રહો. સુન્‍નતનો* આગ્રહ કરતા લોકોથી સાવધ રહો.+ ૩ કેમ કે આપણી સુન્‍નત તો સાચી છે.+ આપણે ઈશ્વરની શક્તિથી તેમની સેવા કરીએ છીએ. આપણે પોતાની લાયકાતો* પર નહિ, પણ ખ્રિસ્ત ઈસુ પર ભરોસો રાખીએ છીએ.+ ૪ બીજા લોકો કરતાં મારી પાસે તો પોતાની લાયકાતો* પર ભરોસો રાખવાનાં વધારે કારણો છે.

જો કોઈને લાગતું હોય કે તે લાયક છે, તો મારી પાસે પોતાને લાયક ગણવાનાં અનેક કારણો છે: ૫ આઠમા દિવસે મારી સુન્‍નત થઈ હતી.+ હું ઇઝરાયેલી પ્રજાનો અને બિન્યામીન કુળનો છું. હું હિબ્રૂ માબાપથી જન્મેલો હિબ્રૂ છું.+ એક ફરોશી* તરીકે હું ચુસ્ત રીતે નિયમશાસ્ત્ર* પાળતો હતો.+ ૬ ઝનૂની બનીને હું મંડળની સતાવણી કરતો હતો.+ નિયમશાસ્ત્ર પ્રમાણે હંમેશાં ખરાં કામ કરીને મેં પોતાને નિર્દોષ સાબિત કર્યો. ૭ તોપણ જે વાતોથી મને ફાયદો થતો હતો, એને મેં ખ્રિસ્તને લીધે નકામી ગણી છે.*+ ૮ હકીકતમાં, મારા માલિક ખ્રિસ્ત ઈસુના અનમોલ જ્ઞાનની સરખામણીમાં હું બધી વસ્તુઓને નકામી ગણું છું. તેમના માટે મેં બધાનો ત્યાગ કર્યો છે અને એ બધાને હું કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને મેળવી શકું ૯ અને તેમની સાથે એકતામાં આવી શકું. નિયમશાસ્ત્ર પાળવાને લીધે નહિ, પણ ખ્રિસ્તમાં+ શ્રદ્ધા રાખવાને લીધે હું નેક ઠરું છું.+ ઈશ્વર મને મારી શ્રદ્ધાને આધારે નેક ગણે છે.+ ૧૦ મારી ઇચ્છા છે કે હું ખ્રિસ્તને અને તેમને મરણમાંથી જીવતા કરનારની* શક્તિને જાણું.+ હું ખ્રિસ્તનાં દુઃખોમાં ભાગીદાર થવા ચાહું છું.+ હું તો તેમની જેમ રિબાઈને મરવા પણ તૈયાર છું,+ ૧૧ જેથી મરણમાંથી જેઓને પ્રથમ જીવતા કરવામાં આવે, તેઓમાં હું પણ હોઉં.+

૧૨ મને હજી એ ઇનામ મળ્યું નથી અને હું સંપૂર્ણ થયો નથી. પણ ખ્રિસ્ત ઈસુએ જેના માટે મને પસંદ કર્યો છે,+ એ કામ પૂરું કરવા હું મંડ્યો રહું છું.+ ૧૩ ભાઈઓ, મને નથી લાગતું કે એ ઇનામ મને મળી ગયું છે. પણ એક વાત ચોક્કસ છે, હું પાછળ છોડી દીધેલી વાતોને ભૂલીને+ આગળની વાતો મેળવવા દોડી રહ્યો છું.+ ૧૪ મારો ધ્યેય છે કે હું સ્વર્ગના આમંત્રણનું+ ઇનામ મેળવું,+ જે ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર આપે છે. એ ધ્યેય પૂરો કરવા હું તનતોડ મહેનત કરું છું. ૧૫ આપણામાંથી જેઓ શ્રદ્ધામાં મજબૂત છે,+ તેઓ એવું વલણ કેળવે. જો તમે જુદું વલણ રાખતા હો, તો ઈશ્વર તમને ખરું વલણ આપશે. ૧૬ આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.

૧૭ ભાઈઓ, તમે મારા પગલે ચાલો.+ અમે તમારા માટે જે દાખલો બેસાડ્યો છે, એ પ્રમાણે ચાલનાર લોકો પર તમે ધ્યાન આપો. ૧૮ ઘણા લોકો ખ્રિસ્ત અને તેમના વધસ્તંભના દુશ્મન હોય એ રીતે જીવે છે. મેં તેઓ વિશે વારંવાર જણાવ્યું હતું, પણ હવે હું તેઓ વિશે રડતાં રડતાં જણાવું છું. ૧૯ તેઓ વિનાશ તરફ જઈ રહ્યા છે. તેઓની ઇચ્છાઓ* તેઓનો દેવ છે. જે કામો પર તેઓને શરમ આવવી જોઈએ, એનું તેઓ અભિમાન કરે છે. તેઓનું મન દુનિયાની વાતોમાં જ ડૂબેલું રહે છે.+ ૨૦ પણ આપણી નાગરિકતા+ તો સ્વર્ગની છે.+ આપણે કાગડોળે રાહ જોઈએ છીએ કે સ્વર્ગમાંથી આપણા ઉદ્ધાર કરનાર, એટલે કે માલિક ઈસુ ખ્રિસ્ત આવે.+ ૨૧ તે જે મહાન શક્તિથી બધી વસ્તુઓ પોતાને આધીન કરે છે,+ એ જ શક્તિથી આપણા કમજોર શરીરને તેમના શરીર જેવું ભવ્ય બનાવશે.+

૪ મારા ભાઈઓ, હું તમને બહુ પ્રેમ કરું છું અને તમને મળવાની ઝંખના રાખું છું. વહાલા ભાઈઓ, તમે મારો આનંદ અને મુગટ છો.+ હું તમને અરજ કરું છું કે તમે ઈશ્વરને* વફાદાર* રહેજો.+

૨ હું યુવદિયાને અને સુન્તુખેને વિનંતી કરું છું કે ઈશ્વરની* સેવિકા તરીકે પોતાના મતભેદો હલ કરે.*+ ૩ મારા સાચા સાથીદાર, હું તને પણ વિનંતી કરું છું કે એ બહેનોને મદદ આપતો રહેજે. તેઓએ ખુશખબર માટે મારી સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું છે.* એ બહેનોએ ક્લેમેન્ત અને મારા બીજા સાથીદારો સાથે મળીને મને મદદ કરી છે, જેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે.+

૪ ઈશ્વરને* લીધે હંમેશાં આનંદ કરો. હું ફરીથી કહીશ, આનંદ કરો!+ ૫ તમે વાજબી* છો,+ એની બધાને જાણ થવા દો. ઈશ્વર* નજીક છે. ૬ કશાની ચિંતા ન કરો,+ પણ હંમેશાં ઈશ્વરને પ્રાર્થના અને અરજ* કરો, દરેક બાબતમાં તેમનું માર્ગદર્શન માંગો અને કાયમ તેમનો આભાર માનો.+ ૭ જો એમ કરશો, તો ઈશ્વરની શાંતિ,+ જે આપણી સમજશક્તિની બહાર છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારાં હૃદયનું અને મનનું* રક્ષણ કરશે.+

૮ છેવટે ભાઈઓ, જે વાતો સાચી, મહત્ત્વની, નેક, શુદ્ધ,* પ્રેમાળ, માનપાત્ર, ભલી અને પ્રશંસાને લાયક છે, એનો વિચાર કરતા રહો.*+ ૯ મારી પાસેથી તમે જે વાતો શીખ્યા, સ્વીકારી, સાંભળી અને જોઈ, એ પ્રમાણે કરતા રહો+ અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે.

૧૦ તમે ફરીથી મારી ચિંતા કરવા લાગ્યા છો,+ એટલે હું ઘણો ખુશ છું અને ઈશ્વરનો* આભાર માનું છું. ખરું કે તમે મારી ચિંતા તો કરતા હતા, પણ એ બતાવવાની તમને તક મળી ન હતી. ૧૧ મને કશાની ખોટ છે, એટલે હું એવું કહેતો નથી. હું કોઈ પણ સંજોગોમાં સંતોષથી રહેવાનું શીખ્યો છું.+ ૧૨ મારી પાસે થોડું હોય+ કે વધારે હોય, હું ખુશ રહી શકું છું. મને ભરપેટ ખાવાનું મળે કે ભૂખ્યા રહેવું પડે, હું સુખ-સાહેબીમાં હોઉં કે તંગીમાં હોઉં, ગમે એવા સંજોગોમાં સંતોષથી રહેવાનું રહસ્ય હું શીખ્યો છું. ૧૩ કેમ કે ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.+

૧૪ પણ મારી મુશ્કેલીઓમાં* તમે મને સાથ આપ્યો, એ ઘણું સારું કર્યું. ૧૫ ફિલિપીના ભાઈઓ, તમે જાણો છો કે તમે પહેલી વાર ખુશખબર સાંભળી પછી જ્યારે હું મકદોનિયાથી નીકળ્યો, ત્યારે ફક્ત તમારા મંડળે મને મદદ કરી હતી.+ ૧૬ હું થેસ્સાલોનિકામાં હતો ત્યારે પણ, તમે મારી જરૂરિયાતો પૂરી કરવા એક વાર નહિ, બે વાર મદદ મોકલી હતી. ૧૭ હું કોઈ ભેટની આશા રાખતો નથી. પણ હું ચાહું છું કે ઉદાર હાથે આપવાથી જે ઇનામ* મળે છે, એ તમને પણ મળે. ૧૮ મને જોઈએ એ બધું જ મારી પાસે છે અને એથી પણ વધારે છે. એપાફ્રદિતસ+ સાથે તમે જે કંઈ મોકલ્યું, એનાથી મને પૂરેપૂરો સંતોષ થયો છે. તમારી ભેટ એવા બલિદાન જેવી છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે.+ ૧૯ એ ભેટના બદલામાં, મારા ઈશ્વર પોતાની મહાન સંપત્તિથી ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારી સર્વ જરૂરિયાતો પૂરી કરશે.+ ૨૦ આપણા ઈશ્વર અને પિતાને સદાને માટે ગૌરવ મળતું રહે. આમેન.*

૨૧ ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે એવા દરેક પવિત્ર જનને મારી યાદ આપજો. મારી સાથેના ભાઈઓ તમને યાદ આપે છે. ૨૨ બધા પવિત્ર જનો અને ખાસ કરીને સમ્રાટના* કુટુંબીજનો+ તમને યાદ આપે છે.

૨૩ તમારા સારા વલણ પર આપણા માલિક ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા રહે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “વડીલોને.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સહકાર આપ્યો છે.”

મૂળ, “ઈશ્વર મારા સાક્ષી છે.”

મૂળ, “નેકીના ફળનો.”

મૂળ, “કાઈસારના.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સ્વાર્થી ઇચ્છા અને હરીફાઈની ભાવનાને લીધે; ઝઘડાળુ સ્વભાવને લીધે.”

મૂળ, “ઢોંગને લીધે કે સચ્ચાઈને લીધે.”

અથવા, “કાલાવાલા.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “મારું શરીર.”

મૂળ, “શરીરમાં.”

અથવા, “એવા નાગરિકોની જેમ જીવો.”

મૂળ, “પવિત્ર શક્તિની ભાગીદારી કરવા.”

અથવા, “એકદિલ અને એકમનના થાઓ.”

અથવા, “સ્વાર્થી ઇચ્છા અને હરીફાઈની ભાવનાને લીધે; ઝઘડાળુ સ્વભાવને લીધે.”

અથવા, “વધારે માન આપો.”

મૂળ, “પણ તેમણે પોતાને ખાલી કર્યા.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “આધીન થયા.”

એટલે કે, ગુજરી ગયેલા લોકો જેઓને ફરી જીવતા કરવામાં આવશે.

અથવા, “ઈસુના નામમાં ઘૂંટણિયે પડે.”

અથવા, “દરેક જીભ.”

અથવા, “કંપારી.”

અથવા, “ઉત્તેજન.”

અથવા, “પેયાર્પણની.” શબ્દસૂચિ જુઓ.

અથવા, “તિમોથી જેવો સ્વભાવ હોય એવું.”

અથવા, “સેવા કરવા.”

અથવા, “રક્ષણ.”

અથવા, “અશુદ્ધ લોકોથી.”

અથવા, “શરીરની કાપકૂપ કરવાનો.” શબ્દસૂચિ જુઓ.

મૂળ, “પોતાના શરીર.”

મૂળ, “પોતાના શરીર.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “રાજીખુશીથી ત્યાગ કર્યો છે.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તેઓનું પેટ.”

અથવા કદાચ, “માલિક ઈસુને.”

મૂળ, “માર્ગે દૃઢ.”

અથવા કદાચ, “માલિક ઈસુની.”

મૂળ, “એકમનની થાય.”

અથવા, “જેઓએ સખત મહેનત કરી છે.”

અથવા કદાચ, “માલિક ઈસુને.”

અથવા, “સમજદાર.”

અથવા કદાચ, “માલિક ઈસુ.”

અથવા, “કાલાવાલા.”

અથવા, “તમારા વિચારોનું.”

અથવા, “પવિત્ર.”

અથવા, “મનન કરતા રહો.”

અથવા કદાચ, “માલિક ઈસુનો.”

અથવા, “સતાવણીઓમાં.”

મૂળ, “ફળ.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “કાઈસારના.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો