તિમોથીને પહેલો પત્ર
૧ હું પાઉલ, ખ્રિસ્ત* ઈસુનો પ્રેરિત* છું. ઈશ્વર આપણા ઉદ્ધાર કરનારની આજ્ઞાથી અને ખ્રિસ્ત ઈસુ, જે આપણી આશા છે+ તેમની આજ્ઞાથી હું પ્રેરિત તરીકે પસંદ થયો છું. ૨ હું તિમોથીને*+ આ પત્ર લખું છું, જે ખ્રિસ્તનો શિષ્ય અને મારો વહાલો દીકરો છે:+
ઈશ્વર આપણા પિતા પાસેથી અને ખ્રિસ્ત ઈસુ આપણા માલિક પાસેથી તને અપાર કૃપા,* દયા અને શાંતિ મળે.
૩ હું મકદોનિયા જવાની તૈયારીમાં હતો ત્યારે, મેં તને એફેસસમાં રહેવાનું ઉત્તેજન આપ્યું હતું. એવી જ રીતે, હું ઉત્તેજન આપું છું કે ત્યાંના લોકોને કડક સલાહ આપ, જેથી તેઓ જુદું શિક્ષણ શીખવે નહિ, ૪ ખોટી વાર્તાઓ અને વંશાવળીઓ પર ધ્યાન આપે નહિ.+ એનાથી કંઈ ફાયદો થતો નથી,+ કેમ કે એ ઈશ્વર પાસેથી નથી અને એનાથી આપણી શ્રદ્ધા મજબૂત થતી નથી. એનાથી ફક્ત શંકાઓ જ ઊભી થાય છે. ૫ આ સલાહ* આપવાનું કારણ એ છે કે આપણામાં એવો પ્રેમ હોય,+ જે શુદ્ધ હૃદયથી, સાફ અંતઃકરણથી* અને ઢોંગ વગરની શ્રદ્ધાથી+ આવે છે. ૬ એ બધાથી ભટકી જઈને અમુક લોકો નકામી વાતો તરફ વળ્યા છે.+ ૭ તેઓ નિયમના શિક્ષકો તો બનવા માંગે છે,+ પણ તેઓ જે કહે છે અથવા જે વાતોને પકડી રાખે છે, એ તેઓ પોતે જ સમજતા નથી.
૮ આપણે જાણીએ છીએ કે જો નિયમશાસ્ત્ર* બરાબર* પાળવામાં આવે, તો નિયમશાસ્ત્ર સારું છે. ૯ આપણે એ પણ સમજીએ છીએ કે નિયમો નેક* માણસ માટે નહિ, પણ ખોટાં કામ કરનારા+ અને બંડખોરો, અધર્મી અને પાપીઓ, બેવફા* અને પવિત્રને અપવિત્ર કરનારા, માતા કે પિતાના ખૂનીઓ, હત્યારા, ૧૦ વ્યભિચારીઓ,* સજાતીય સંબંધ બાંધતા માણસો,* અપહરણ કરનારા, જૂઠું બોલનારા, સોગંદ તોડનારા* અને લાભકારક શિક્ષણની+ વિરુદ્ધ જનારા લોકો માટે છે. ૧૧ એ લાભકારક શિક્ષણ આનંદી ઈશ્વરની ભવ્ય ખુશખબર પ્રમાણે છે, જે મને સોંપવામાં આવી છે.+
૧૨ મને શક્તિ આપનાર ખ્રિસ્ત ઈસુ આપણા માલિકનો હું આભારી છું, કેમ કે તેમણે મને ભરોસાપાત્ર ગણીને સેવાકાર્ય સોંપ્યું છે.+ ૧૩ એ વાત સાચી છે કે અગાઉ હું ઈશ્વરની નિંદા કરનાર, જુલમી અને ઉદ્ધત માણસ હતો.+ તોપણ મારા પર દયા બતાવવામાં આવી, કેમ કે મેં અજાણતાં અને શ્રદ્ધા ન હોવાને લીધે એમ કર્યું હતું. ૧૪ પણ મને પુષ્કળ પ્રમાણમાં આપણા ઈશ્વરની અપાર કૃપા મળી છે. મને ખ્રિસ્ત ઈસુ પાસેથી પ્રેમ મળ્યો છે અને શ્રદ્ધા પણ મળી છે. ૧૫ આ વાત ભરોસાપાત્ર છે અને પૂરી રીતે સ્વીકારવા યોગ્ય છે: ખ્રિસ્ત ઈસુ પાપીઓને બચાવવા આ દુનિયામાં આવ્યા હતા.+ એ પાપીઓમાં હું સૌથી વધારે પાપી છું.+ ૧૬ છતાં મારા પર દયા કરવામાં આવી, જેથી મારા જેવા સૌથી વધારે પાપી માણસના કિસ્સાથી, ખ્રિસ્ત ઈસુ પોતાની પૂરેપૂરી ધીરજ બતાવે. આમ, જેઓ હંમેશ માટેનું જીવન મેળવવા ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા મૂકવાના છે,+ તેઓ માટે તેમણે મને દાખલારૂપ બનાવ્યો છે.
૧૭ સનાતન યુગોના રાજા,+ અવિનાશી,+ અદૃશ્ય,+ એકમાત્ર ઈશ્વરને+ સદાને માટે માન અને મહિમા મળે. આમેન.*
૧૮ મારા વહાલા દીકરા તિમોથી, તારા વિશે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ પ્રમાણે હું તને સલાહ* આપું છું. એ ભવિષ્યવાણીઓ તને સારી લડાઈ લડતા રહેવા મદદ કરશે.+ ૧૯ એમ કરતી વખતે, તું શ્રદ્ધા અને સારા અંતઃકરણને વળગી રહેજે.+ કેટલાકે અંતઃકરણને બાજુ પર મૂકી દીધું છે, જેના લીધે તેઓની શ્રદ્ધાનું વહાણ ભાંગી પડ્યું છે. ૨૦ હુમનાયસ+ અને એલેકઝાંડર તેઓમાંના છે. મેં તેઓને શેતાનના હાથમાં સોંપી દીધા છે,*+ જેથી એ સજાથી* તેઓ શીખે કે ઈશ્વરની નિંદા ન કરવી જોઈએ.
૨ હું સૌથી પહેલા અરજ કરું છું કે દરેક પ્રકારના લોકો માટે વિનંતી, પ્રાર્થના, આજીજી અને આભાર-સ્તુતિ કરો. ૨ રાજાઓ અને સત્તા ધરાવનારા* બધા માટે પણ એમ કરો,+ જેથી આપણે સમજી-વિચારીને* અને પૂરા ભક્તિભાવથી સુખ-શાંતિમાં જીવી શકીએ.+ ૩ આપણા ઉદ્ધાર કરનાર ઈશ્વરની નજરમાં એ સારું અને માન્ય છે.+ ૪ તેમની ઇચ્છા છે કે બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય+ અને તેઓ સત્યનું ખરું* જ્ઞાન મેળવે. ૫ કેમ કે ફક્ત એક જ ઈશ્વર છે,+ ઈશ્વર અને લોકો વચ્ચે+ એક જ મધ્યસ્થ* છે,+ એટલે કે એક માણસ, ખ્રિસ્ત ઈસુ.+ ૬ તેમણે બધાના* ઉદ્ધાર માટે પૂરેપૂરી કિંમત* ચૂકવવા પોતાને અર્પી દીધા.+ એ વિશેની સાક્ષી એના યોગ્ય સમયે આપવામાં આવશે. ૭ એ સાક્ષી માટે+ ઈશ્વરે મને પ્રચાર કરનાર અને પ્રેરિત તરીકે નીમ્યો છે.+ બીજી પ્રજાઓને શ્રદ્ધા અને સત્ય વિશે શીખવવા મને શિક્ષક બનાવવામાં આવ્યો છે.+ હું સાચું કહું છું, જૂઠું બોલતો નથી.
૮ હું ચાહું છું કે દરેક જગ્યાએ ઈશ્વરને વફાદાર પુરુષો પ્રાર્થના કરતા રહે*+ તેમજ ગુસ્સા અને દલીલોથી દૂર રહે.+ ૯ એ જ રીતે, સ્ત્રીઓ મર્યાદા અને સમજદારી રાખીને* પોતાને શોભતાં* કપડાંથી શણગારે. ગૂંથેલા વાળથી નહિ, સોના કે મોતીના શણગારથી નહિ કે મોંઘાં મોંઘાં કપડાંથી નહિ,+ ૧૦ પણ ઈશ્વરની ભક્તિ કરનારી સ્ત્રીઓને શોભે એવાં સારાં કામોથી પોતાને શણગારે.+
૧૧ સ્ત્રી પૂરી રીતે આધીન રહે અને ચૂપ રહીને* શીખે.+ ૧૨ મંડળને શીખવવાની અથવા પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે ચૂપ રહેવું* જોઈએ.+ ૧૩ કેમ કે પહેલા આદમને રચવામાં આવ્યો હતો, પછી હવાને.+ ૧૪ આદમ છેતરાયો ન હતો, પણ સ્ત્રી પૂરી રીતે છેતરાઈ ગઈ હતી+ અને પાપમાં પડી હતી. ૧૫ જોકે, બાળકોને જન્મ આપીને સ્ત્રીઓ સલામત રહેશે,+ પણ જરૂરી છે કે તેઓ શ્રદ્ધા, પ્રેમ, પવિત્રતા અને સમજદારી બતાવતી રહે.*+
૩ આ વાત ભરોસાપાત્ર છે: જો કોઈ માણસ મંડળની દેખરેખ રાખનાર* બનવા માંગતો હોય અને એ માટે મહેનત કરતો હોય,+ તો તે સારા કામની ઇચ્છા રાખે છે. ૨ એટલે દેખરેખ રાખનાર માણસ* દોષ વગરનો, એક પત્નીનો પતિ, દરેક વાતમાં સંયમ રાખનાર, સમજુ,*+ વ્યવસ્થિત, મહેમાનગતિ કરનાર+ અને શીખવી શકે એવો હોવો જોઈએ.+ ૩ તે દારૂડિયો અને હિંસક* નહિ,+ પણ વાજબી હોવો જોઈએ.+ તે ઝઘડાખોર અને પૈસાનો પ્રેમી ન હોવો જોઈએ.+ ૪ તે પોતાના કુટુંબની સારી સંભાળ રાખનાર* હોવો જોઈએ, તે પોતાનાં બાળકોને કહ્યામાં અને પૂરેપૂરી મર્યાદામાં રાખતો હોવો જોઈએ.+ ૫ (કેમ કે જો કોઈ માણસ પોતાના કુટુંબની સંભાળ રાખી શકતો ન હોય,* તો તે ઈશ્વરના મંડળની સંભાળ કઈ રીતે રાખશે?) ૬ તે શ્રદ્ધામાં નવો ન હોવો જોઈએ,+ નહિ તો કદાચ તે અભિમાનને લીધે ફુલાઈ જશે અને શેતાનના* જેવી સજા તેના પર આવી પડશે. ૭ એટલું જ નહિ, મંડળની બહારના લોકોમાં પણ તેની શાખ સારી* હોવી જોઈએ,+ જેથી તેની બદનામી* ન થાય અને તે શેતાનના ફાંદામાં આવી ન પડે.
૮ એ જ રીતે, સહાયક સેવકો* ઠરેલ સ્વભાવના હોવા જોઈએ. તેઓ બે બાજુ બોલનારા,* વધારે પડતો દારૂ પીનારા અને ખોટી રીતે લાભ મેળવવાના લાલચુ ન હોવા જોઈએ.+ ૯ એને બદલે, તેઓ શુદ્ધ અંતઃકરણથી શ્રદ્ધાને,* એટલે કે પવિત્ર રહસ્યને વળગી રહેનારા હોવા જોઈએ.+
૧૦ સૌથી પહેલા એ પારખવામાં આવે કે તેઓ યોગ્ય* છે કે નહિ. પછી જો તેઓ પર કોઈ દોષ ન હોય, તો તેઓ સેવકો તરીકે સેવા આપી શકે.+
૧૧ એ જ રીતે, સ્ત્રીઓ પણ ઠરેલ સ્વભાવની હોવી જોઈએ. તેઓ નિંદા કરનાર નહિ,+ પણ દરેક વાતે મર્યાદા રાખનાર અને બધાં કાર્યોમાં વિશ્વાસુ હોવી જોઈએ.+
૧૨ સહાયક સેવકોને* એક જ પત્ની હોવી જોઈએ. તેઓ પોતાનાં બાળકો અને કુટુંબની સારી સંભાળ લેતા હોવા જોઈએ. ૧૩ કેમ કે જે માણસો સારી રીતે સેવા આપે છે, તેઓ સારી શાખ મેળવે છે અને ખ્રિસ્ત ઈસુ પરની શ્રદ્ધા વિશે કોઈ સંકોચ વગર બોલી શકે છે.
૧૪ હું આશા રાખું છું કે તારી પાસે જલદી જ આવીશ. પણ હું તને આ બધું લખું છું, ૧૫ જેથી જો મને આવતા મોડું થાય, તો તને ખબર હોય કે ઈશ્વરના ઘરમાં તારે કેવી રીતે વર્તવું જોઈએ.+ એ ઘર તો જીવતા ઈશ્વરનું મંડળ છે, જે સત્યનો સ્તંભ અને આધાર છે. ૧૬ એમાં કોઈ શંકા નથી કે ઈશ્વર માટેના ભક્તિભાવનું આ પવિત્ર રહસ્ય ખરેખર મહત્ત્વનું છે: ‘ઈસુ મનુષ્ય તરીકે આવ્યા,+ તેમને સ્વર્ગમાંનું શરીર* આપીને નેક ગણવામાં આવ્યા,+ તે દૂતોને દેખાયા,+ બીજી પ્રજાઓમાં તેમની ખુશખબર જણાવવામાં આવી,+ દુનિયાના લોકોએ તેમનામાં શ્રદ્ધા મૂકી+ અને સ્વર્ગમાં તેમનો મહિમા સાથે સ્વીકાર થયો.’
૪ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલો સંદેશો સાફ જણાવે છે કે એવો સમય આવશે, જ્યારે અમુક લોકો શ્રદ્ધામાંથી પડી જશે. એ લોકો ભમાવનારા શબ્દોમાં*+ અને દુષ્ટ દૂતોના* શિક્ષણમાં મન પરોવશે. ૨ તેઓ જૂઠું બોલતા માણસોના ઢોંગથી ભરમાઈ જશે.+ એ જૂઠા માણસોનાં અંતઃકરણ બહેર મારી ગયાં છે, જાણે ધગધગતા સળિયાના ડામ આપ્યા હોય. ૩ એ માણસો બીજાઓને લગ્ન કરવાની મના કરે છે+ અને લોકોને અમુક ખોરાક ખાવાની ના પાડે છે.+ એ ખોરાક તો ઈશ્વરે ઉત્પન્ન કર્યો છે,+ જેથી શ્રદ્ધા રાખનારા અને સત્યને ચોકસાઈથી જાણનારા લોકો ઈશ્વરનો આભાર માનીને એ ખાઈ શકે.+ ૪ ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુ સારી છે+ અને જો આભાર-સ્તુતિ સાથે એનો સ્વીકાર થયો હોય, તો એમાંથી કશાનો નકાર કરવો ન જોઈએ.+ ૫ કેમ કે ઈશ્વરે કહેલા શબ્દોથી અને પ્રાર્થનાથી એ ખોરાક પવિત્ર થાય છે.
૬ ભાઈઓને આ સલાહ આપીને તું ખ્રિસ્ત ઈસુનો એક સારો સેવક બનીશ. તું એવો સેવક બનીશ, જેણે શ્રદ્ધાની વાતોથી અને સૌથી સારા શિક્ષણથી પોષણ મેળવ્યું હોય. હકીકતમાં, તું એ શિક્ષણ ધ્યાનથી પાળતો આવ્યો છે.+ ૭ પણ ઈશ્વરની નિંદા કરનાર જૂઠી વાર્તાઓથી તું દૂર રહેજે.+ અમુક વૃદ્ધ સ્ત્રીઓ એવી વાર્તાઓ કહેતી ફરે છે. એના બદલે, ઈશ્વરની ભક્તિને તારું લક્ષ બનાવીને પોતાને તાલીમ આપતો રહેજે. ૮ કેમ કે શરીરની કસરત* તો અમુક હદે જ લાભ કરે છે, જ્યારે કે ઈશ્વર માટેનો ભક્તિભાવ* બધી વાતે લાભ કરે છે. એમાં હમણાંના અને ભાવિના જીવનનું વચન સમાયેલું છે.+ ૯ એ વાત ભરોસાપાત્ર છે અને પૂરેપૂરી રીતે સ્વીકારવા યોગ્ય છે. ૧૦ એ માટે આપણે ઘણી મહેનત કરીએ છીએ અને સખત લડત આપીએ છીએ,+ કેમ કે આપણે જીવતા ઈશ્વર પર આશા રાખીએ છીએ. તે દરેક પ્રકારના લોકોના,+ ખાસ કરીને પોતાના વફાદાર લોકોના તારણહાર છે.+
૧૧ તું તેઓને આ આજ્ઞાઓ આપતો રહેજે અને શીખવતો રહેજે. ૧૨ તું યુવાન છે એ કારણે કોઈ તને મામૂલી ગણી લે, એવું કદી થવા ન દેતો. એના બદલે તું બોલવામાં, વર્તનમાં, પ્રેમમાં, શ્રદ્ધામાં અને શુદ્ધ ચારિત્રમાં* વફાદાર લોકો માટે સારો દાખલો બેસાડજે. ૧૩ હું આવું ત્યાં સુધી તું જાહેર વાંચન પર,+ સલાહ* આપવા પર અને શીખવવા પર ધ્યાન આપતો રહેજે. ૧૪ તારા વિશે ભવિષ્યવાણી થઈ હતી અને વડીલોના જૂથે તારા પર હાથ મૂક્યા હતા ત્યારે તને જે વરદાન મળ્યું હતું, એ વિશે બેદરકાર ન રહેતો.+ ૧૫ આ વાતો પર વિચાર* કરજે અને એમાં મન પરોવેલું રાખજે, જેથી તારી પ્રગતિ બધા લોકોને સાફ દેખાઈ આવે. ૧૬ તારા પોતાના પર અને તારા શિક્ષણ પર હંમેશાં ધ્યાન આપજે.+ આ વાતોને વળગી રહેજે, કેમ કે એમ કરવાથી તું પોતાને અને તારી વાત સાંભળનાર લોકોને બચાવી લઈશ.+
૫ વૃદ્ધ માણસ સાથે કઠોરતાથી બોલતો નહિ.+ એના બદલે, તેને પિતા ગણીને અને યુવાનોને ભાઈ ગણીને પ્રેમથી સમજાવજે. ૨ વૃદ્ધ સ્ત્રીઓને મા ગણીને અને યુવાન સ્ત્રીઓને બહેન ગણીને પૂરી પવિત્રતાથી સમજાવજે.
૩ એવી વિધવાઓનું ધ્યાન રાખજે,* જેઓને સાચે જ મદદની જરૂર છે.*+ ૪ પણ જો કોઈ વિધવાને બાળકો કે પૌત્ર-પૌત્રીઓ હોય, તો પહેલા તેઓ પોતાના કુટુંબની સંભાળ રાખીને ભક્તિભાવ બતાવતા શીખે.+ આમ, તેઓ પોતાનાં માતા-પિતા અને દાદા-દાદીને તેઓનો હક આપે,*+ કેમ કે ઈશ્વરની નજરમાં એ યોગ્ય છે.+ ૫ હવે જે વિધવાને સાચે જ મદદની જરૂર છે અને જેનો કોઈ સહારો નથી, તે પોતાની આશા ઈશ્વરમાં રાખે છે+ અને રાત-દિવસ કાલાવાલા અને પ્રાર્થના કરતી રહે છે.+ ૬ પણ જે વિધવા વાસના સંતોષવા જીવે છે, તે જીવતી હોવા છતાં મરેલી છે. ૭ એટલે તેઓને આ સલાહ* આપતો રહેજે, જેથી તેઓ પર કોઈ દોષ ન લાગે. ૮ જો કોઈ માણસ પોતાના લોકોની, ખાસ કરીને પોતાના ઘરના સભ્યોની જરૂરિયાતો પૂરી ન કરે, તો તેણે પોતાની શ્રદ્ધા છોડી દીધી છે અને તે શ્રદ્ધા ન રાખનારા કરતાં પણ વધારે ખરાબ છે.+
૯ ફક્ત એવી વિધવાઓનું નામ યાદીમાં લખજે, જેઓની ઉંમર ૬૦ વર્ષથી વધારે હોય અને જેઓ પોતાના પતિને વફાદાર રહી હોય,* ૧૦ ભલાં કામો માટે જાણીતી હોય,+ જેઓએ બાળકો મોટાં કર્યાં હોય,+ મહેમાનગતિ કરી હોય,+ પવિત્ર જનોના પગ ધોયા હોય,+ દુખિયારાઓને મદદ કરી હોય+ અને પૂરા દિલથી દરેક સારું કામ કર્યું હોય.
૧૧ પણ યુવાન વિધવાઓનું નામ યાદીમાં લખતો નહિ. કેમ કે જ્યારે તેઓની જાતીય ઇચ્છા ખ્રિસ્તની સેવામાં નડતર બને છે, ત્યારે તેઓ લગ્ન કરવા માંગે છે. ૧૨ તેઓ સજાને લાયક ઠરશે, કેમ કે તેઓએ અગાઉ જે કરવાનું વચન આપ્યું હતું, એ પ્રમાણે હવે કરતી નથી.* ૧૩ એટલું જ નહિ, તેઓ આળસુ બનીને ઘરે ઘરે ભટકે છે. હા, ફક્ત આળસુ જ નહિ, પણ નિંદાખોર અને બીજા લોકોના જીવનમાં માથું મારનારી બને છે+ અને તેઓએ જે વાતો ન કરવી જોઈએ એ કરે છે. ૧૪ એટલે હું ચાહું છું કે યુવાન વિધવાઓ લગ્ન કરે,+ બાળકોને જન્મ આપે,+ ઘરનું કામકાજ સંભાળે, જેથી વિરોધીઓને ટીકા કરવાની કોઈ તક ન મળે. ૧૫ અરે, અમુક વિધવાઓ તો ભટકી જઈને શેતાનની પાછળ ચાલી ગઈ છે. ૧૬ જો શ્રદ્ધા રાખનારી સ્ત્રીના સગાંમાં કોઈ વિધવા હોય, તો તેણે એ વિધવાને મદદ કરવી, જેથી મંડળ પર બોજો આવી ન પડે. આમ, મંડળ એવી વિધવાઓને સહાય કરી શકશે, જેઓને સાચે જ મદદની જરૂર છે.*+
૧૭ જે વડીલો સારી રીતે આગેવાની લે છે,+ ખાસ કરીને જેઓ બોલવામાં અને શીખવવામાં સખત મહેનત કરે છે,+ તેઓ બમણા માનને યોગ્ય છે.+ ૧૮ કેમ કે શાસ્ત્રવચન કહે છે: “અનાજ છૂટું પાડવા તમે બળદને* કણસલાં પર ફેરવો ત્યારે તેના મોં પર જાળી ન બાંધો”+ અને “મજૂર તેની મજૂરી મેળવવા માટે લાયક છે.”+ ૧૯ બે કે ત્રણ સાક્ષીઓના પુરાવા વગર વડીલ* પર મૂકેલો આરોપ સ્વીકારી ન લેતો.+ ૨૦ જેઓ પાપ કરતા રહે છે+ તેઓને બધાની સામે ઠપકો આપજે,+ જેથી બાકીના લોકોને ચેતવણી મળે.* ૨૧ ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ અને પસંદ કરેલા દૂતોની આગળ હું પૂરા અધિકારથી તને હુકમ આપું છું કે, કોઈ પૂર્વગ્રહ વગર કે કોઈ ભેદભાવ વગર આ આજ્ઞાઓ પાળજે.+
૨૨ કોઈ માણસની નિમણૂક કરવામાં* ઉતાવળ ન કરતો.+ બીજાનાં પાપમાં ભાગીદાર ન બનતો અને તારું ચારિત્ર શુદ્ધ રાખજે.
૨૩ હવેથી એકલું પાણી ન પીતો,* પણ તારા પેટને લીધે અને તારી વારંવારની બીમારીને લીધે થોડો દ્રાક્ષદારૂ પીજે.
૨૪ કેટલાક લોકોનાં પાપ જગજાહેર છે, એટલે તેઓને તરત સજા થાય છે. પણ બીજાઓનાં પાપ પછીથી ખુલ્લાં પડે છે.+ ૨૫ એવી જ રીતે, સારાં કામ પણ જગજાહેર છે+ અને જે કામ ખુલ્લાં નથી, એ હંમેશાં છૂપાં રાખી શકાતાં નથી.+
૬ ચાકર* પોતાના માલિકને પૂરા માનને લાયક ગણે,+ જેથી ઈશ્વરના નામ અને શિક્ષણ વિશે કોઈ માણસ કદી ખરાબ ન બોલે.+ ૨ જો કોઈ ચાકરનો માલિક શ્રદ્ધા રાખનાર હોય, તો તે પોતાના માલિકનો અનાદર ન કરે, કેમ કે તેઓ ભાઈઓ છે. તેણે તો માલિકની સેવા વધારે ઉત્સાહથી કરવી જોઈએ, કેમ કે તેની સેવાથી જેને લાભ થાય છે, તે શ્રદ્ધા રાખનાર અને વહાલો ભાઈ છે.
આ વાતો શીખવતો રહેજે અને આ સલાહ આપતો રહેજે. ૩ જો કોઈ માણસ કંઈક જુદું શીખવતો હોય અને તેનું શિક્ષણ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના ખરા ઉપદેશ સાથે સુમેળમાં ન હોય+ અથવા તે એવું કંઈક શીખવતો હોય જેનાથી ઈશ્વરને વફાદાર રહેવા ઉત્તેજન મળતું ન હોય,+ ૪ તો તે અભિમાનથી ફુલાઈ ગયો છે અને તેને કંઈ સમજણ પડતી નથી.+ તે દલીલો અને શબ્દોના વાદવિવાદમાં ડૂબેલો રહે છે.*+ પરિણામે, લોકોમાં અદેખાઈ, ઝઘડા, નિંદા,* ખોટા વહેમ પેદા થાય છે. ૫ એટલું જ નહિ, જેઓનાં મન ભ્રષ્ટ છે+ અને જેઓ સત્યથી દૂર થઈ ગયા છે, તેઓ નાની નાની વાતો વિશે સતત તકરાર કરે છે. તેઓને લાગે છે કે ઈશ્વરની ભક્તિ લાભ મેળવવાનું એક સાધન છે.+ ૬ હકીકતમાં, પોતાની પાસે જે કંઈ છે એમાં સંતોષ માનીને ઈશ્વરની ભક્તિ કરીએ તો, એનાથી ઘણા લાભ થાય છે.+ ૭ આપણે દુનિયામાં કંઈ લાવ્યા નથી અને કંઈ લઈ જવાના નથી.+ ૮ તેથી, જે ખોરાક અને કપડાં* મળે, એમાં આપણે સંતોષ માનીએ.+
૯ પણ જેઓ કોઈ પણ રીતે ધનવાન થવા માંગે છે, તેઓ કસોટીમાં પડે છે અને ફાંદામાં ફસાય છે.+ તેઓ મૂર્ખ અને નુકસાન કરતી ઘણી ઇચ્છાઓના શિકાર બને છે, જે મનુષ્યને વિનાશ અને બરબાદીની ખાઈમાં ધકેલી દે છે.+ ૧૦ કેમ કે પૈસાનો પ્રેમ દરેક પ્રકારની દુષ્ટતાનું મૂળ છે. એના પ્રેમમાં પડીને અમુક લોકો શ્રદ્ધામાંથી ભટકી ગયા છે અને તેઓએ પોતાને ઘણાં દુઃખોથી વીંધ્યા છે.+
૧૧ હે ઈશ્વરભક્ત, તું એ બધાથી નાસી જા. પણ તું નેકી,* ભક્તિભાવ,* શ્રદ્ધા, પ્રેમ, ધીરજ અને કોમળતા જેવા ગુણો કેળવતો રહેજે.+ ૧૨ શ્રદ્ધાની સારી લડાઈ લડજે, હંમેશ માટેના જીવનને મજબૂત રીતે પકડી રાખજે, એના માટે તને બોલાવવામાં આવ્યો હતો અને એ વિશે તેં ઘણા લોકો આગળ સારી રીતે જાહેરમાં સાક્ષી આપી હતી.
૧૩ બધાને જીવંત રાખનાર ઈશ્વરની આગળ અને ખ્રિસ્ત ઈસુ, જેમણે પોંતિયુસ પિલાત સામે જાહેરમાં સારી રીતે સાક્ષી આપી હતી,+ તેમની આગળ હું તને આજ્ઞા આપું છું કે, ૧૪ આપણા માલિક ઈસુ ખ્રિસ્ત જાહેર થાય ત્યાં સુધી તારા પર કોઈ કલંક કે દોષ ન લાગે એનું ધ્યાન રાખીને આ આજ્ઞાઓ પાળજે.+ ૧૫ તે આનંદી અને એકમાત્ર સત્તાધીશ છે. તે નક્કી કરેલા સમયે પોતાને જાહેર કરશે. તે રાજાઓના રાજા અને માલિકોના માલિક છે.+ ૧૬ તે એકલા જ અમર છે+ અને એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે,+ જ્યાં કોઈ પહોંચી શકતું નથી. તેમને કોઈ માણસે જોયા નથી કે કોઈ માણસ જોઈ શકતો નથી.+ તેમને માન મળે અને તેમનું પરાક્રમ કાયમ રહે. આમેન.
૧૭ આ દુનિયાના ધનવાનોને તું હુકમ* આપજે કે તેઓ ઘમંડી ન બને. તેઓ પોતાની આશા ધનદોલત પર ન મૂકે,+ જે આજે છે અને કાલે નથી. પણ તેઓ પોતાની આશા ઈશ્વર પર મૂકે, જે આપણા આનંદ માટે બધી ચીજવસ્તુઓ ભરપૂર માત્રામાં પૂરી પાડે છે.+ ૧૮ તેઓને જણાવજે કે તેઓ ભલું કરે, સારાં કામો કરતા થાકે નહિ, ઉદાર* બને, પોતાની પાસે જે છે એ બીજાઓ સાથે વહેંચવા તૈયાર રહે.+ ૧૯ એવું કરીને તેઓ જાણે ઈશ્વર પાસેથી પોતાના માટે ખજાનો ભેગો કરશે, એટલે કે ભાવિ માટે પાકો પાયો નાખશે,+ જેથી તેઓ ખરા જીવન પર મજબૂત પકડ મેળવી શકે.+
૨૦ વહાલા તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે એનું રક્ષણ કરજે.+ ઈશ્વરની વિરુદ્ધ હોય એવી નકામી વાતો સાંભળતો નહિ. તું એવા લોકોના વિચારોથી દૂર રહેજે, જેઓ પોતાને જ્ઞાની સમજે છે, પણ જેઓનું “જ્ઞાન” સત્યની વિરુદ્ધ છે.+ ૨૧ કેટલાક લોકો એવા જ્ઞાનનો દેખાડો કરીને શ્રદ્ધાથી ભટકી ગયા છે.
ઈશ્વરની અપાર કૃપા તારા પર રહે.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અર્થ, “ઈશ્વરને માન આપનાર.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “સૂચના; આજ્ઞા.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “નિયમ પ્રમાણે.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “અતૂટ પ્રેમ વગરના.”
શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.
અથવા, “પુરુષો સાથે જાતીય સંબંધ બાંધતા પુરુષો.”
અથવા, “ખોટા સમ ખાનારા.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “સૂચના; આજ્ઞા.”
એટલે કે, મંડળમાંથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા છે.
અથવા, “શિસ્તથી.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.
અથવા, “ઊંચી પદવી ધરાવનારા.”
અથવા, “ગંભીરતાથી.”
અથવા, “ચોકસાઈભર્યું.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “બધા પ્રકારના લોકોના.”
શબ્દસૂચિમાં “છુટકારાની કિંમત” જુઓ.
અથવા, “વફાદાર હાથ ઊંચા કરીને પ્રાર્થના કરતા રહે.”
અથવા, “યોગ્ય વલણ રાખીને; સમજી-વિચારીને.”
અથવા, “માનયોગ્ય.”
અથવા, “શાંત રહીને.”
અથવા, “શાંત રહેવું.”
અથવા, “યોગ્ય વલણ બતાવતી રહે; સમજી-વિચારીને વર્તતી રહે.”
અથવા, “વડીલ.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “વડીલ.”
અથવા, “સારી રીતે નિર્ણય લેનાર; ઠરેલ.”
ગ્રીકમાં આનો અર્થ મારામારી કરનાર કે કડવી વાણીથી બીજાઓને તોડી પાડનાર પણ થઈ શકે.
અથવા, “ઘરને સારી રીતે ચલાવનાર.”
અથવા, “ઘરને સારી રીતે ચલાવી શકતો ન હોય.”
શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
અથવા, “સારું નામ.”
અથવા, “નિંદા.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “કપટથી વાત કરનારા.”
એવું લાગે છે કે અહીં “શ્રદ્ધા” ખ્રિસ્તી શિક્ષણને રજૂ કરે છે.
અથવા, “જવાબદારી મેળવવા યોગ્ય.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
અથવા, “પ્રેરિત શબ્દોમાં.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “તાલીમ.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પવિત્રતામાં.”
અથવા, “ઉત્તેજન.”
અથવા, “મનન.”
મૂળ, “માન આપજે.”
એટલે કે, જેઓની સંભાળ રાખનારું કોઈ નથી.
અથવા, “તેઓનું ૠણ ચૂકવી આપે.”
અથવા, “આજ્ઞાઓ.”
મૂળ, “એક જ પતિની પત્ની હોય.”
અથવા, “અગાઉ બતાવેલી શ્રદ્ધાનો ત્યાગ કર્યો છે.”
એટલે કે, જેઓની સંભાળ રાખનારું કોઈ નથી.
મૂળ, “આખલાને.”
અથવા, “વૃદ્ધ માણસ.”
મૂળ, “લોકો ડરે.”
અથવા, “માણસ પર હાથ મૂકવામાં.” એટલે કે, જવાબદારીનું પદ સોંપવું.
અથવા, “હવેથી પાણી ન પીતો.”
અથવા, “ગુલામીની ઝૂંસરી નીચે છે તે.”
અથવા, “વાદવિવાદમાં પડવાનું ઝનૂન સવાર હોય છે.”
અથવા, “અપમાનજનક વાતો.”
અથવા કદાચ, “રહેઠાણ.” મૂળ, “છત.”
અથવા, “ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “સલાહ.”
અથવા, “દરિયાદિલ.”