બાઇબલનું દૃષ્ટિબિંદુ
શું સાચા ખ્રિસ્તીઓ દૈવી
રક્ષણની અપેક્ષા રાખી શકે?
પ્રાર્થના કર્યા પછી, એક કાફલો સાથી ઉપાસકોને, ખ્રિસ્તીઓને, રાહતની વસ્તુઓ આપવા માટે યુદ્ધવિચ્છિન્ન વિસ્તારમાં મુસાફરીએ નીકળ્યો જ્યાં તેઓ શક્યપણે માર્યા પણ જાય એમ હતું. યુદ્ધ કરી રહેલા લશ્કરોના આશ્ચર્ય વચ્ચે, તેઓ સહીસલામત પસાર થયા. શું દેવના દૂતે તેઓનું રક્ષણ કર્યું?
ઘણા વર્ષોથી સેવકો તરીકે કાર્ય કરનાર એક ખ્રિસ્તી યુગલ ઘરઘરનું સુવાર્તિક કાર્ય કરી રહ્યું હતું ત્યારે એક વિમાન તૂટી પડ્યાથી માર્યું ગયું. એ જ ક્ષણે, શા માટે દેવના દૂતે તેઓને કે એ વિમાનને બીજી તરફ વાળ્યા નહિ?—સરખાવો પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬.
એ બનાવો સરખાવતા, આપણે પૂછી શકીએ: શા માટે કેટલાક ખ્રિસ્તીઓ દેવની ઇચ્છા પ્રમાણે કરી રહ્યા હોય છે ત્યારે માર્યા જાય છે, જ્યારે કે બીજાઓ, ઘણી વાર જોખમી સંજોગોમાં હોવા છતાં, જીવતા રહે છે? શું ખ્રિસ્તીઓ, ખાસ કરીને આ ‘છેલ્લા દિવસોʼમાં, દૈવી રક્ષણની અપેક્ષા રાખી શકે?—૨ તીમોથી ૩:૧.
દૈવી રક્ષણનો હેતુ
યહોવાહ દેવે પોતાના લોકોને આશીર્વાદ અને રક્ષણ આપવાનું વચન આપ્યું છે. (નિર્ગમન ૧૯:૩-૬; યશાયાહ ૫૪:૧૭) તેમણે એ નોંધપાત્રપણે પ્રથમ સદીમાં કર્યું, જ્યારે ખ્રિસ્તી મંડળ એની બાલ્યાવસ્થામાં હતું. દરેક પ્રકારના ચમત્કારો પુષ્કળ પ્રમાણમાં થયા. ઈસુએ હજારોને ખવડાવવા માટે ખોરાકની વૃદ્ધિ કરી, તેમણે અને તેમના અનુયાયીઓએ દરેક પ્રકારના રોગ અને અપંગતા મટાડ્યા, અપદૂત વળગેલાઓમાંથી અતિમાનવીય આત્માઓ દૂર કર્યા, અને મૂએલાઓને પણ ઉઠાડ્યા. દૈવી માર્ગદર્શન હેઠળ એ નવુંસવું મંડળ વધ્યું અને એને દૃઢપણે સ્થાપિત કરવામાં આવ્યું. તોપણ, દેવના બધા દેખીતા પીઠબળ છતાં, ઘણા વિશ્વાસુ ખ્રિસ્તીઓએ જેને અકાળ મોત કહેવાય એ સહન કર્યું.—સરખાવો ગીતશાસ્ત્ર ૯૦:૧૦.
ઝબદીના દીકરા યાકૂબ અને યોહાનના કિસ્સાનો વિચાર કરો. તેઓ પ્રેષિતો તરીકે પસંદગી પામ્યા, અને પીતરની સાથે તેઓ પણ ખ્રિસ્તના સૌથી નીકટના મિત્રોમાં હતા.a પરંતુ યાકૂબને ૪૪ સી.ઈ.માં શહીદ કરવામાં આવ્યો, જ્યારે કે તેનો ભાઈ યોહાન પ્રથમ સદીના અંત સુધી જીવતો રહ્યો. દેખીતી રીતે જ બંને દેવની ઇચ્છા પ્રમાણે કરી રહ્યા હતા. શા માટે યાકૂબને મરણ પામવા દેવામાં આવ્યો, જ્યારે કે યોહાન જીવ્યો?
a પીતર, યાકૂબ, અને યોહાન ઈસુના રૂપાંતરના (માર્ક ૯:૨) અને યાઐરસની દીકરીના પુનરુત્થાનના સાક્ષી બન્યા (માર્ક ૫:૨૨-૨૪, ૩૫-૪૨); ઈસુની વ્યક્તિગત કસોટી દરમ્યાન તેઓ ગેથસેમાનેની વાડીમાં નજીક હતા; અને આન્દ્રીયાની સાથે, તેઓએ ઈસુને યરૂશાલેમના વિનાશ, તેમની ભાવિ હાજરી, અને વસ્તુવ્યવસ્થાની સમાપ્તિ વિષે પૂછ્યું.—માત્થી ૨૪:૩; માર્ક ૧૩:૧-૩.
સર્વશક્તિમાન દેવ પાસે યાકૂબનું જીવન બચાવવાની શક્તિ નિશ્ચે હતી. ખરેખર, યાકૂબ શહીદ થયો તેને થોડા સમય પછી જ, યહોવાહના દૂતે પીતરને મરણમાંથી બચાવ્યો. શા માટે દૂતે યાકૂબને છોડાવ્યો નહિ?—પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧-૧૧.
દેવના હેતુની પરિપૂર્ણતામાં ઉપયોગ
દૈવી રક્ષણ શા માટે આપવામાં આવે છે એ સમજવા માટે, આપણે સમજવું જ જોઈએ કે વ્યક્તિ ફક્ત લાંબુ જીવે એટલા માટે જ નહિ પરંતુ કંઈક વધુ મહત્ત્વની બાબતનું, અર્થાત્ દેવના હેતુની પરિપૂર્ણતાનું, રક્ષણ કરવા માટે એમ કરવામાં આવે છે. દાખલા તરીકે, એક વૃંદ તરીકે ખ્રિસ્તી મંડળના બચાવની બાંયધરી આપવામાં આવી છે કેમ કે તે એ હેતુની પરિપૂર્ણતા સાથે નીકટથી સંકળાયેલું છે. તેમ છતાં, ખ્રિસ્તે પોતાના શિષ્યોને સ્પષ્ટપણે કહ્યું કે વ્યક્તિગતપણે તેઓ પોતાના વિશ્વાસને લીધે મરણ પામી શકે. એમ જણાવ્યા પછી, ઈસુએ ચમત્કારિક છુટકારા પર નહિ, પરંતુ ‘અંત સુધી ટકવા’ પર ભાર મૂક્યો. (માત્થી ૨૪:૯, ૧૩) કેટલીક વ્યક્તિઓને રક્ષવામાં આવી, જ્યારે કે બીજીને નહિ, એ હકીકત એમ દર્શાવતી નથી કે દેવ પક્ષપાતી છે. દેવે ફક્ત એવી વ્યક્તિનો ઉપયોગ કર્યો જે તેમનો હેતુ સિદ્ધ કરવા માટે સૌથી સારી સ્થિતિમાં હતી, જે છેવટે આખી માણસજાતને લાભ કરશે.
દેવની સેવામાં અકાળ મોત ખરેખરી શક્યતા હોવાથી, ખ્રિસ્તીઓએ એ ત્રણ વિશ્વાસુ હેબ્રીઓ જેવું સંતુલિત વલણ રાખવું જોઈએ જેઓને દેવની સેવા કરવા માટે મોતની સજા ફટકારવામાં આવી. તેઓએ બાબેલોનના રાજાને કહ્યું: “અમારો દેવ, જેની અમે ઉપાસના કરીએ છીએ, તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે; અને હે રાજા, તે અમને આપના હાથમાંથી છોડાવશે. પણ જો નહિ છોડાવે, તોપણ, હે રાજા, આપે ખચીત જાણવું, કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહિ, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહિ.”—દાનીયેલ ૩:૧૭, ૧૮.
પીતર અને યોહાન યહોવાહના હેતુની પરિપૂર્ણતામાં ચાવીરૂપ ભૂમિકા ધરાવતા હોવાથી યહોવાહે તેઓનું જીવન બચાવ્યું. પ્રતિપાલન દ્વારા મંડળને “સ્થિર” કરવામાં પીતરનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં બાઇબલના બે પ્રેરિત પુસ્તકો લખવાનો સમાવેશ થાય છે. (લુક ૨૨:૩૨) યોહાને બાઇબલનાં પાંચ પુસ્તકો લખ્યાં અને તે શરૂઆતના મંડળમાં એક ‘સ્તંભ’ હતો.—ગલાતી ૨:૯; યોહાન ૨૧:૧૫-૨૩.
યહોવાહ ક્યારે અને કઈ રીતે પોતાના સેવકોના જીવનમાં હસ્તક્ષેપ કરશે એ તે કઈ રીતે નક્કી કરે છે એ ભાખવું શક્ય નથી. નિશ્ચિતપણે એટલું જણાવી શકાય કે ખ્રિસ્તે ‘જગતના અંત સુધી સર્વકાળ’ પોતાના શિષ્યો સાથે હોવાનું વચન આપ્યું છે. (માત્થી ૨૮:૨૦) ખાસ કરીને, પ્રચારકાર્યના દૂતમય નિર્દેશન દ્વારા તે ‘આપણી સાથે’ હશે. (માત્થી ૧૩:૩૬-૪૩; પ્રકટીકરણ ૧૪:૬) આ સામાન્ય સૂચન આપવા સિવાય, આપણે અટકળ કરી શકતા નથી કે દૈવી મદદ ચોક્કસ કઈ રીતે પ્રગટ થશે અથવા દૈવી રક્ષણ કોણ મેળવશે. કોઈક ખ્રિસ્તીને લાગે કે તે દેવનું રક્ષણ અને માર્ગદર્શન ધરાવે છે તો શું? એ નિર્ણાયકપણે ખરું કે ખોટું સાબિત કરી શકાતું ન હોવાથી, કોઈએ પણ એવી વ્યક્તિના નિખાલસ દાવાનો ન્યાય કરવો જોઈએ નહિ.
શું દેવ લાગણીશૂન્ય છે?
દેવ ખ્રિસ્તીઓના મરણને પરવાનગી આપે છે એ હકીકત શું એમ બતાવે છે કે તે કોઈક રીતે લાગણીશૂન્ય છે? જરા પણ નહિ. (સભાશિક્ષક ૯:૧૧) યહોવાહ આપણું જીવન થોડાંક વર્ષો કે દાયકાઓ નહિ પરંતુ અનંતકાળ સુધી ટકાવી રાખવા માટે કાર્ય કરી રહ્યા છે. તે પોતાની ચઢિયાતી જગ્યાએથી નિહાળી, તેમને ચાહતી કે તેમની પાસે આવતી દરેક વ્યક્તિની અનંત ભલાઈ માટે બનાવોની ફેરગોઠવણ કરે છે. (સરખાવો માત્થી ૧૮:૧૪.) તેમના હેતુની પરિપૂર્ણતાનો અર્થ આ વસ્તુવ્યવસ્થામાં આપણે સહન કરેલી કોઈ પણ બાબત—અરે મરણ પણ—દૂર કરવી થશે. દેવનો વ્યવહાર એટલો જટિલ અને સંપૂર્ણ છે કે પ્રેષિત પાઊલ ઉદ્ગાર કાઢવા પ્રેરાયો: “આહા! દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેના ઠરાવો કેવા ગૂઢ, ને તેના માર્ગો કેવા અગમ્ય છે!”—રૂમી ૧૧:૩૩.
કોઈ પણ બાબત દેવના પ્રેમથી આપણને જુદા પાડી શકે એમ ન હોવાથી, દરેક ખ્રિસ્તીએ પૂછવાનો પ્રશ્ન “મને દૈવી રક્ષણ મળશે?” એ નથી પરંતુ “શું હું યહોવાહનો આશીર્વાદ ધરાવું છું?” એ છે. આપણે આશીર્વાદ ધરાવતા હોઈએ તો, તે આપણને અનંતજીવન આપશે—આ વસ્તુવ્યવસ્થામાં આપણને ગમે તે થાય છતાં. સંપૂર્ણ જીવનવાળા અનંતકાળ સાથે સરખાવતા, આ વ્યવસ્થામાં કોઈ પણ દુઃખ—અરે મરણ પણ—“જૂજ તથા ક્ષણિક” જણાશે.—૨ કોરીંથી ૪:૧૭.
(g96 4/8)