વડ
એક વૃક્ષ વન બને છે
સજાગ બનો!ના ભારતમાંના ખબરપત્રી તરફથી
સામાન્ય રીતે વન ઘણાં વૃક્ષોનું બનેલું હોય છે. પરંતુ એવું પણ વન હોય છે જે ફક્ત એક વૃક્ષનું બનેલું હોય. વડ બહુ જ અસાધારણ વૃક્ષ છે, જે ફેલાઈને પાંચ એકર જેટલો વિસ્તાર આવરી શકે છે! એ વધવાનું કઈ રીતે શરૂ કરે છે? એ પોતાને કઈ રીતે વિસ્તારે છે કે જેથી એને સાચે જ એક વન કહી શકાય?
વડ અર્ટિકેલ્સ કહેવાતા અને મોરાસિયા કુટુંબના, કે શેતૂર કુટુંબના, ફૂલોવાળા છોડ સાથે સંબંધિત છે, જે અંજીરના છોડના કંઈક ૮૦૦ જૂથપ્રકારનો સમાવેશ કરે છે. વડ, અથવા બંગાળી અંજીર, એનું જીવન વડના ટેટા ખાનાર વાંદરા, પક્ષીઓ, કે ચામાચીડિયાના ચરકમાંના બીમાંથી શરૂ કરે છે.
યજમાન વૃક્ષની ડાળીઓમાં, બી ફણગે છે, અને બખોલમાંના સડેલાં પાંદડા જેવી વસ્તુઓમાં મૂળ પાંગરે છે. ભેજવાળી સ્થિતિ મૂળને નવા વૃક્ષમાં ઝડપથી વધવામાં મદદ કરે છે; મૂળ “ભોગ બનેલા” વૃક્ષના થડ ફરતે બાઝે છે અને વધીને જમીનમાં જાય છે. એની શક્તિ અને કદ વધે છે તેમ, એ યજમાન વૃક્ષને ગૂંગળાવી નાખે છે, જેને લીધે એ પ્રકારના છોડને ગૂંગળાવતા અંજીર નામ આપવામાં આવ્યું છે.
હવે વડ વધવા માટે તૈયાર છે. મુખ્ય થડના પાયામાંથી મૂળ ફેલાય છે એટલું જ નહિ પરંતુ ડાળીઓ જમીનથી સમાંતર ફેલાય છે તેમ, ડાળીઓમાંથી જમીન તરફ વડવાઈઓ ઝૂલે છે અને જાતે જ જમીનમાં પકડ લે છે. વન બનવાનું શરૂ થયું છે.
વિષુવવૃત્તીય આફ્રિકા અને ભારતમાં મળી આવતો, પહોળા ચપટા પાંદડાંવાળો વડ, માનવીઓ અને પશુઓ માટે છાંયાની છત્રી તરીકે કામ કરે છે. ભારતમાં એક વૃક્ષ એટલું વિશાળ છે કે એ ૨૦,૦૦૦ લોકોને આશ્રય આપી શકે છે એમ કહેવાય છે! એનાં ફળ માનવીઓએ ખાવા લાયક હોતાં નથી, અને વડનું લાકડું પોચું અને રેસાવાળું હોય છે; જોકે, લાકડામાંથી નીકળતો, બર્ડલાઈમ કહેવાતો, સફેદ, ચીકણો પદાર્થ પક્ષીઓ પકડવા માટે વપરાય છે.
વડ કેટલું જીવે છે? આંધ્ર પ્રદેશ રાજ્યમાંનું એક વૃક્ષ ૬૦૦ વર્ષનું હોવાનો અંદાજ કાઢવામાં આવે છે; બીજા નોંધપાત્ર, રક્ષિત વૃક્ષો ૨૫૦થી વધુ વર્ષના છે. અને વડની વૃદ્ધિ અને ફેલાવો અચોક્કસ સમય સુધી ચાલ્યા કરે છે.
જાણીતો હોય એવો સૌથી મોટો વડ શ્રી લંકામાં આવેલો છે. એ ૩૫૦ મોટાં થડ અને ૩,૦૦૦થી વધુ નાનાં થડ ધરાવે છે જે બધા જ મુખ્ય વૃક્ષ સાથે જોડાયેલા છે. ભારતમાં કંઈક ૧,૧૦૦થી વધુ વડવાઈઓ અને પાંચ એકરથી વધુ વિસ્તાર આવરતા એક વૃક્ષને તાજેતરમાં માપવામાં આવ્યું અને એ તે દેશમાં સૌથી મોટું છે એમ જાણવા મળ્યું. એને નુકસાનથી બચાવવા માટે ચાર સશસ્ત્ર માણસો એનું રક્ષણ કરે છે. ભારતમાંના બીજા પ્રખ્યાત વડમાં બેંગલોર નજીક એક છે જે ત્રણ એકર આવરે છે અને ત્યાંના શહેરવાસીઓ માટે ઉજાણીની માનીતી જગ્યા છે. વળી રણથમ્ભોર વન્યજીવન પાર્કમાં આવેલું ભયાવહ વૃક્ષ પણ છે. મોગલ બાદશાહના લખાણોમાં ૫૦૦ વર્ષ અગાઉ ઉલ્લેખ પામેલું એ વૃક્ષ પક્ષીઓ, ચામાચીડિયા, સાપ, ખિસકોલી, અને નાનાં પ્રાણીઓ તથા જીવડાંના ધાડાં માટે છાંયો પૂરો પાડવા ઉપરાંત, એ વાઘ અને બીજા શિકારી પ્રાણીઓ માટે રમત તથા શિકારનું મેદાન પણ છે.
જોકે, કદાચ ભારતમાં સૌથી પ્રખ્યાત વડ કલકત્તામાં નેશનલ બોટાનિક ગાર્ડન્સમાંનું ૨૪૦ વર્ષ જૂનું વૃક્ષ છે. એ ૨૪.૫ મીટર ઊંચું છે, ત્રણ એકરનો વિસ્તાર આવરે છે અને ૧,૮૦૦થી વધુ વડવાઈઓ તથા ૪૨૦ મીટરના પરિઘવાળો ઘુંમટ ધરાવે છે. એક ખરેખરું વન!
ધર્મ અને વડ
પ્રાચીન સમયથી લોકોએ વૃક્ષોની ઉપાસના કરી છે. એમાં વડ અપવાદરૂપ નથી; આજે પણ ભારતમાં એને પવિત્ર ગણવામાં આવે છે. પવિત્ર વૃક્ષો અમુક ચોક્કસ દેવોને દર્શાવે છે એમ માનવામાં આવે છે—વડના કિસ્સામાં, વિષ્ણુ દેવને. એ વૃક્ષને રોપવામાં, પાણી પીવડાવવામાં, અને એની કાળજી લેવામાં આવે ત્યારે એ દેવની ઉપાસના તરીકે જોવામાં આવે છે.
પ્રાચીન પોલીનેશિયન સમાજોમાં પણ, વડને પવિત્ર ગણવામાં આવતો. જેની ફરતે ઘર બાંધવામાં આવ્યા હોય એવા સમચોરસ ચોતરા, કે ટોહુઆ, મધ્યે ધાર્મિક વિધિઓ કરવામાં આવતી. ચોતરાને એક છેડે સામાન્ય રીતે પવિત્ર વડવાળું મંદિર રહેતું, જે વડની ડાળીઓ પર કુળના મરણ પામેલા આગવા સભ્યોના હાડકાંના પોટલાં લટકાવવામાં આવતાં.
મૂળ યુરોપિયનોએ એ વિરાટ વૃક્ષને નામ આપ્યું હતું. શરૂઆતના યુરોપિયન મુસાફરોએ જોયું કે, ઈરાનના અખાતમાં અને ભારતમાં, એ વૃક્ષનું વિશાળ, છત્રી જેવું આવરણ છાયા પૂરી પાડતું જેની હેઠળ વેપારીઓ પોતાનો માલ પાથરી સૂર્યની ધગધગતી ગરમીથી એનું રક્ષણ કરતા. હિન્દુ વર્ણ વ્યવસ્થામાં, વેપારીઓ વૈશ્ય કહેવાતા મુખ્ય વર્ગમાંના હતા, અને વાણિયાઓનો પેટાવર્ગ અનાજ તથા બીજી ચીજવસ્તુઓનો નોંધપાત્ર વેપારી હતો. વૃક્ષની છાયામાં બનિયન (વાણિયો) પોતાની વસ્તુઓ વેચતો એ જોઈને પરદેશીઓએ એ વૃક્ષનું નામ બનિયન (વડ) પાડ્યું.
એ દિવસોમાં વાણિયાઓ સામાન્ય રીતે સૂતરની બંડી પહેરતા જેમાં તેઓના પૈસા મૂકવાના છૂપા ખિસ્સા હોય. ઠંડક આપતી અને ધોવામાં સહેલી એ બંડી વાણિયા વેપારીઓમાં એટલી સામાન્ય હતી કે એ વસ્ત્રને બનિયન (બંડી) નામ આપવામાં આવ્યું, અને પછીથી એ નામ પુરુષની કોઈ પણ બંડી કે ગંજી માટે વપરાવા લાગ્યું. ભારતમાં પુરુષોની ગંજી માટે એ નામ હજુ પણ વપરાય છે, અને આજે પણ કામ કરતી વખતે વાણિયાઓ એ પ્રકારનું વસ્ત્ર પહેરવા ટેવાયેલા છે.
ચાલો આપણે વડ પર ચઢીએ
શું તમને ચઢીને વડની વચ્ચે જવાનું ગમશે? તમે કદી દક્ષિણ ભારતમાં હૈદરાબાદની મુલાકાત લો તો તમે એમ કરી શકો. બગમ્પેત હવાઈમથક નજીક, અને શહેરના મધ્ય ભાગની પાસે, વડ અને એની પાસેનો પીપળો, જે પણ એક અંજીરી છે, એની મજબૂત ડાળીઓમાં વૃક્ષની ટોચે બાંધેલું માખન નામનું રેસ્ટોરન્ટ આવેલું છે. જાડા દોરડાની નિસરણી દ્વારા થોડેક થોડેક અંતરે આવેલા મંચ પાસેથી પસાર થઈ ઉપર ચઢો. તમે જે મકાનમાં છો એ વાંસ, નાળિયેરીના પાંદડાં, અને દોરડાંનું બનાવેલું છે. તમે જુદી જુદી ઊંચાઈએ આવેલા બે ભોજનગૃહોમાં પ્રવેશો તેમ વાંસનું શંકુ આકારનું છાપરું સૂર્ય અને વરસાદથી તમારું રક્ષણ કરે છે. હવે તમે જમીનથી નવ મીટર ઊંચે છો. નેતરનું ફર્નિચર અને દિવાલ પર લટકાવેલી આદિવાસીઓની વસ્તુઓ વનમાં હોવાની લાગણીમાં ઉમેરો કરે છે.
તમે બેસો છો તેમ, તમારા હાથમાં વાનગીઓની યાદી મૂકવામાં આવે છે જેને મોગલી કહે છે, જે નામથી ધ જંગલ બુકમાંની રુડ્યાર્ડ કિપ્લિંગની વાર્તાઓના વાચકો પરિચિત છે. એ પણ વનના વાતાવરણમાં ઉમેરો કરે છે. હવે વડની વચ્ચે જમવા બેસવાનો અદ્વિતીય અનુભવ કરો. જેના માટે હૈદરાબાદ પ્રખ્યાત છે એવી મસાલેદાર બિરિયાની, કબાબ, કે બીજી કોઈ વાનગી જેવી કેટલીક ભારતીય વાનગીઓની લિજ્જત માણો.
તમારું ભોજન પૂરું થયું, હવે દોરડાની નિસરણી દ્વારા કાળજીપૂર્વક નીચે ઊતરો, પાણીનો નાનો ધોધ અને કમળનું તળાવ જુઓ, અને વડના વિશાળ છત્રમાં વૃક્ષને ટોચે આવેલા આ અજોડ રેસ્ટોરન્ટમાંથી બહાર આવો—જે વડ એવું વૃક્ષ છે જે એક વન બને ત્યાં સુધી વધતું અને વધતું અને વધતું જ રહે છે. (g96 5/22)
એક વડ વધીને વન બન્યો છે
ઉપર: કલકત્તાના નેશનલ બોટાનિકલ ગાર્ડન્સ ખાતે વડનું નજીકનું ચિત્ર
કલકત્તાના નેશનલ બોટાનિકલ ગાર્ડન્સ ખાતે વડનું વૃક્ષ
માખન, હૈદરાબાદમાં વડના વૃક્ષમાંનું રેસ્ટોરન્ટ