પુલો બાંધવા માટે દીવાલો તોડવી
આપણે જન્મ્યા એ કુટુંબ કે રાષ્ટ્ર આપણે પસંદ કર્યું ન હતું, કે આપણે એ પણ નક્કી કર્યું ન હતું કે કઈ સંસ્કૃતિ આપણી વિચારસરણી ઘડશે. એવી બાબતો પર આપણો કાબૂ ન હતો. આપણે સર્વ સમય અને સંજોગોને આધીન છીએ. પરંતુ આપણે બીજાઓને કઈ દૃષ્ટિએ જોઈએ છીએ અને તેઓ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ એની પર કાબૂ રાખી શકીએ છીએ.
બાઇબલ વર્ણન કરે છે કે એ આપણે કઈ રીતે કરી શકીએ. થોડાક સિદ્ધાંતો વિચારો જે આપણને આપણાથી ભિન્ન પાર્શ્વભૂમિકામાંથી આવતા લોકો સાથે પુલો બાંધવા મદદ કરશે.
“જે દેવે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, . . . તેણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારૂ એકમાંથી ઉત્પન્ન કરી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪, ૨૬) આપણે બધા એ જ માનવ કુટુંબનાં સભ્યો છીએ અને એમ આપણી વચ્ચે ઘણી બાબતો સામાન્ય છે. આપણામાં સામાન્ય છે એવી બાબતો જોવાથી સંચાર સરળ બને છે. આપણ સર્વને સારા મિત્રો જોઈએ છીએ અને ઇચ્છીએ છીએ કે આપણને પ્રેમ કરવામાં આવે અને માન આપવામાં આવે. દરેક જણ શારીરિક અને લાગણીમય પીડા ટાળવાનું શોધે છે. બધી સંસ્કૃતિના લોકોને સંગીત અને કળા ગમે છે, રમૂજ કરવાનું ગમે છે, એકબીજાને વિનય બતાવવામાં માને છે, અને સુખી થવાના માર્ગો શોધવાનું ગમે છે.
“પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.” (ફિલિપી ૨:૩) એનો અર્થ એ થતો નથી કે બીજાઓને દરેક બાબતમાં આપણા કરતાં ચઢિયાતા ગણવા જોઈએ. એને બદલે, આપણે સમજવું જોઈએ કે જીવનના કેટલાક વિસ્તારમાં, બીજાઓ ચઢિયાતા છે. આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણી પાસે કે આપણી સંસ્કૃતિ પાસે બધી સારી બાબતોનો એકાધિકાર છે.
“માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦) બીજાઓની સાંસ્કૃતિક પાર્શ્વભૂમિકા ગમે તે હોય છતાં, તેઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ અને મદદરૂપ બનવા માટે માત્ર પહેલ કરવી સંચારનો અભાવ આંબવા ઘણું કરી શકે.
“મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો. દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.” (યાકૂબ ૧:૧૯) સારો સંચાર કરનારાઓએ વાતચીત કરવા કરતાં વધુ કરવું જોઈએ; તેઓ સહાનુભૂતિવાળા શ્રોતાઓ હોવા જ જોઈએ.
“અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે; પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.” (નીતિવચન ૨૦:૫) વ્યક્તિની બાહ્ય વર્તણૂકની નીચે રહેલી લાગણીઓ અને વિવાદોને પારખવા માટે સાવધ રહો. લોકોને સારી પેઠે ઓળખો.
“તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ રાખો.” (ફિલિપી ૨:૪) બીજી વ્યક્તિના દૃષ્ટિબિંદુથી બાબતને અવલોકીને સહાનુભૂતિવાળા બનો. નિઃસ્વાર્થ બનો.
યહોવાહના સાક્ષીઓ મધ્યે
સાંસ્કૃતિક વિવિધતા
એ સિદ્ધાંતો ખરેખર સફળ થાય છે એ યહોવાહના સાક્ષીઓની એકતામાં નોંધપાત્રપણે જોવા મળે છે, જેઓ પૃથ્વીના ૨૩૨ દેશોમાં સક્રિય છે. તેઓ “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના” લોકો છે અને તેઓ સર્વ બાબતોમાં યહોવાહના પ્રેમાળ માર્ગદર્શનને અનુસરવા માટે કૃતનિશ્ચયી છે.—પ્રકટીકરણ ૭:૯; ૧ કોરીંથી ૧૦:૩૧-૩૩.
વ્યક્તિગત સાક્ષીઓ બીજાઓની સંસ્કૃતિને તુચ્છકારતા નથી. અથવા જેઓ સાક્ષીઓ બને છે તેઓ પોતે જેમાં ઉછર્યા છે એ સંસ્કૃતિને નકારતા નથી, સિવાય કે એ બાઇબલના સિદ્ધાંતો સાથે અસહમત થતી હોય. એવા કિસ્સાઓમાં તેઓ પોતાના જીવનમાં બદલાણ કરે છે. તેઓ સ્વીકારે છે કે દરેક સંસ્કૃતિમાં વખાણવા લાયક વિશિષ્ટતા હોય છે અને જેઓ સાચી ઉપાસના સ્વીકારે છે તેઓમાં એને વધારવામાં આવે છે.
તે દેવ આપણા ગ્રહને—ચળકતો અને ભૂરો અને સુંદર—અવકાશમાં ફરતો જુએ છે એ રીતે જોવા પરિશ્રમ કરે છે. એ એવો ગ્રહ છે જેમાં લોકો તથા સંસ્કૃતિની અદ્ભુત વિવિધતા છે. યહોવાહના સાક્ષીઓ એવા સમયની રાહ જુએ છે જ્યારે પૃથ્વી પરના સર્વ એક સંયુક્ત કુટુંબ તરીકે જીવનનો આનંદ માણશે. (g96 7/8)
યહોવાહના સાક્ષીઓ સાંસ્કૃતિક દીવાલ કઈ રીતે તોડવી એ શીખ્યા છે