યુવાન લોકો પૂછે છે . . .
હું દેવને મારા મિત્ર કઈ રીતે બનાવી શકું?
“વફાદારી.” “વ્યક્તિગત ભક્તિભાવ.” આ શબ્દો છે જેનો ઉપયોગ લોકો પોતાના સૌથી ગાઢ મિત્રો પ્રત્યે પોતાની લાગણી વર્ણવવા કરે છે. તમે જાણો છો કે આ શબ્દો આ ભયાવહ વિશ્વના મહાન ઉત્પન્નકર્તા પ્રત્યેની લાગણી પણ વર્ણવી શકે—દેવ પોતે તમારા વ્યક્તિગત મિત્ર બની શકે? હા, બાઇબલ દૈવી ભક્તિભાવ રાખવાનો ઉલ્લેખ કરે છે, અને એ શબ્દાવલિ ફક્ત આજ્ઞાંકિતતા જ નહિ પરંતુ દેવ સાથે વ્યક્તિગત લાગણીનો પણ સમાવેશ કરે છે, એવું ગાઢપણું જે કદરયુક્ત હૃદયમાંથી પાંગરે છે.
આ શૃંખલામાં ગત લેખોએ બતાવ્યું કે આવી લાગણી શક્ય અને લાભદાયી એમ બંને છે.a પરંતુ દેવ સાથે આ વ્યક્તિગત મૈત્રી તમે કઈ રીતે મેળવો છો? એ એવું કંઈ નથી જે જન્મજાત હોય અથવા તમે દેવમય માબાપ પાસેથી આપમેળે વારસમાં મેળવો. એને બદલે, એ એવું કંઈક છે જે સાચા પ્રયત્નથી જ મળે છે. પ્રેષિત પાઊલે યુવાન તીમોથીને ‘ઈશ્વરપરાયણતાની કસરત કરવાને’ પોતાનો ધ્યેય બનાવવા જણાવ્યું. હા, તેણે એક રમતવીર તાલીમ લેવામાં જે પ્રકારનો પ્રયત્ન કરે છે તે કરવાનો હતો! (૧ તીમોથી ૪:૭, ૮, ૧૦) તમારે દેવને તમારા મિત્ર બનાવવા હોય તો, તમારે એમ જ કરવું જોઈએ. પરંતુ તમે આ સંબંધી તાલીમ કઈ રીતે શરૂ કરી શકો?
દેવનું વ્યક્તિગત જ્ઞાન
દૈવી ભક્તિભાવ હૃદયમાંથી પાંગરતો હોવાથી, તમારે તમારું હૃદય દેવના જ્ઞાનથી ભરી દેવું જોઈએ. કહેતા દિલગીરી થાય છે કે, ૫૦૦ કરતાં વધુ યુવાનોને પૂછવામાં આવ્યું “તમે એકલા બાઇબલ કેટલી વાર વાંચો છો?” ત્યારે, ૮૭ ટકાએ “પ્રસંગોપાત,” “બહુ જ થોડું,” અથવા “કદી નહિ” કહ્યું. દેખીતી રીતે મોટા ભાગના યુવાનો વિચારે છે કે બાઇબલ વાંચવું નીરસ અને કંટાળાજનક છે. પરંતુ એમ હોવું જોઈએ નહિ! વિચારો: શા માટે કેટલાક યુવાનો બધી જાતની રમતગમતના આંકડા અથવા પોતાનાં મનગમતા ગીતોના શબ્દો યાદ રાખે છે? કારણ કે તેઓને એ બાબતોમાં રસ છે. તેવી જ રીતે, તમે બાઇબલમાં તરબોળ થાવ તો એનો અભ્યાસ કરવો રસપ્રદ બને છે. (૧ તીમોથી ૪:૧૫) પ્રેષિત પીતરે અરજ કરી: “નવાં જન્મેલાં બાળકોની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા રાખો.” (૧ પીતર ૨:૨) હા, તમારે શાસ્ત્રવચનોમાં એવો રસ લેવો જોઈએ, વિકસાવવો જોઈએ. એ માટે પ્રયત્ન જરૂરી બની શકે, પરંતુ બદલાઓ યથાયોગ્ય છે.b
એક બાબત છે, દેવનો શબ્દ અને બાઇબલ-આધારિત પ્રકાશનો વાંચવાંથી અને એનો અભ્યાસ કરવાથી ‘યહોવાહના સૌંદર્યનું અવલોકન’ થશે. (ગીતશાસ્ત્ર ૨૭:૪) અંબર નામે એક યુવતીએ સમગ્ર બાઇબલ વાંચવાને પોતાનો ધ્યેય બનાવ્યો. એને આશરે એક વર્ષ લાગ્યું. “મારા જીવનમાં એવી ઘણી બાબતો હશે એ વિષે મને શંકા છે જે આટલો બધો સમય અને પ્રયત્ન માંગી લે પરંતુ જે આટલા બધા બદલાઓ આપે,” અંબરે સમજાવ્યું. “હું એ વાંચતી હતી ત્યારે, મને લાગ્યું જાણે યહોવાહ પિતાની જેમ મને પોતાના ખોળામાં બેસાડી શીખવી રહ્યા હતા. હું યહોવાહ વિષે ઘણું બધું શીખી—એવી બાબતો જે મને તેમની વધારે સમીપ લાવી અને એનાથી મેં મારા બાકીના જીવનભર તેમનો પૂજ્યભાવમય ભય રાખ્યો.”
તમે બાઇબલ વાંચો છો ત્યારે, તમે ઘણા પ્રસંગો વિષે શીખો છો જ્યારે દેવે વફાદારીપૂર્વક પોતાના મિત્રોને ટેકો આપ્યો. (ગીતશાસ્ત્ર ૧૮:૨૫; ૨૭:૧૦) તમને ખબર પડે છે કે તેમનાં ધોરણો હંમેશા સૌથી સારાં છે અને આપણા કાયમી ભલા માટે છે. (યશાયાહ ૪૮:૧૭) દેવના અજોડ ગુણો વિષે વાંચવું, જેમ કે પ્રેમ અને ડહાપણ, તમને તેમનું અનુકરણ કરવાની પ્રેરણા આપે છે. (એફેસી ૫:૧) પરંતુ આવી માહિતી તમારું હૃદય ઉત્તેજિત કરે એ માટે તમારે મનન પણ કરવું જોઈએ. તમે વાંચો ત્યારે, પોતાને પૂછો: ‘આ મને યહોવાહ વિષે શું જણાવે છે? હું આ મારી વિચારસરણી અને કૃત્યોમાં કઈ રીતે લાગુ પાડી શકું? આ કઈ રીતે બતાવે છે કે દેવ મારા સૌથી સારા મિત્ર છે?’
તમે વ્યક્તિગત અને મંડળકીય અભ્યાસ દ્વારા દેવ વિષે જે જ્ઞાન પ્રાપ્ત કરો છો, એ તમને અન્ય રીતે તેમની વધારે નજીક જવામાં મદદ કરશે. ફ્રેંચ કહેવત જણાવે છે: “સાચા મિત્રો ફક્ત તેઓ જ છે જે એક સરખું વિચારે છે.” પરંતુ તમે દેવ સાથે “એક વિચાર”ના કઈ રીતે બની શકો? યુવાન દિનિસ સમજાવે છે: “કોઈ વિષય વિષે તમે જેમ વધુ અભ્યાસ અને સંશોધન કરો તેમ, તમને એ વિષે યહોવાહના દૃષ્ટિબિંદુની વધારે ખબર પડશે. એ તમને, કોઈ બાબત વિષે તેમને કેવું લાગે છે એ તમે જાણો છો ત્યારે, મદદરૂપ થાય છે.”
પ્રમાણિક વર્તણૂક મહત્ત્વની છે
દેવ પોતાના નૈતિક ધોરણોને આદર આપનારાઓને જ મિત્રો તરીકે પસંદ કરે છે. ‘તેમની ગાઢ મૈત્રી પ્રમાણિક જનો સાથે છે,’ નીતિવચન ૩:૩૨ કહે છે. પ્રમાણિક બનવાની ખંત રાખનાર યુવાન ‘યહોવાહના નિયમ પ્રમાણે ચાલવાની કાળજી રાખે છે.’ (૨ રાજાઓ ૧૦:૩૧) આવી આજ્ઞાંકિત વર્તણૂક વ્યક્તિને દેવની કેટલી સમીપ લાવશે? ઈસુ ખ્રિસ્તે કહ્યું: “મારો બાપ તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.” (યોહાન ૧૪:૨૧-૨૪) કેવું હૃદયને ઉષ્મા આપનારું ચિત્ર! માનવીઓ પ્રત્યે પોતાનું સતત ધ્યાન અને કાળજી રાખનાર બે સૌથી મહાન વ્યક્તિઓની કલ્પના કરો! તમે યહોવાહના નિયમમાં ચાલવાની કાળજી રાખશો તો તમને એવું થશે.
શું પ્રમાણિક બનવા માટે તમારે સંપૂર્ણ બનવું પડશે? જરાય નહિ! નબળાઈને કારણે ભૂલ થવાનો અર્થ એવો નથી કે તમે ‘દેવની આજ્ઞાઓનો માર્ગ પડતો મૂક્યો છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૫) બાઇબલ આપણને દાઊદ રાજા વિષે શું કહે છે તે વિચારો. દેવનો વફાદાર મિત્ર હોવા છતાં, તેણે નબળાઈને કારણે ગંભીર ભૂલો કરી. એમ હોવા છતાં, યહોવાહે કહ્યું કે તે “શુદ્ધ હૃદયથી ને પ્રામાણિકપણે” ચાલ્યો હતો. (૧ રાજાઓ ૯:૪) દાઊદ રાજાએ પોતે આચરેલા કોઈ પણ દુરાચાર માટે હૃદયપૂર્વક પસ્તાવો બતાવ્યો અને દેવને ખુશ કરતી બાબત કરવા સખત મહેનત કરી.—ગીતશાસ્ત્ર ૫૧:૧-૪.
દાઊદે દેવને પ્રેમ કર્યો છતાં, તે જાણતો હતો કે અમુક વખત ખરી બાબત કરવી કેટલી અઘરી હતી. તેથી તેણે દેવને આજીજી કરી: “તારા સત્યમાં મને ચલાવ.” હા, તેણે નિષ્ઠાપૂર્વકનો ડર, અથવા ભય, દેવને માઠું ન લાગી જાય એવો ડર, વિકસાવ્યો. આમ દાઊદ કહી શક્યો: ‘યહોવાહ સાથેની ગાઢ મિત્રતા તેમનો ભય રાખનારાઓ પાસે છે.’ (ગીતશાસ્ત્ર ૨૫:૫, ૧૪) આ કંઈ બીકણપણાનો ભય નથી પરંતુ ઉત્પન્નકર્તા માટે ગહન લાગણીવાળો પૂજ્યભાવ છે અને તેમને નાખુશ કરી બેસવાનો હિતકર ડર છે. આ દૈવી ભય ખડકાળ પાયો છે જેના પર યોગ્ય વર્તણૂકનો આધાર રહેલો છે. ઉદાહરણ તરીકે, જોશૂઆ નામે ખ્રિસ્તી યુવાનનો દાખલો લો.
જોશૂઆને સાથે ભણતી એક છોકરી તરફથી એક ચિઠ્ઠી મળી જે જણાવતી હતી કે તેને તે ગમતો હતો અને તે જોશૂઆ સાથે “સંબંધ” બાંધવા માંગતી હતી. જોશૂઆ, તેના તરફ આકર્ષાયો હોવા છતાં, સમજ્યો કે અવિશ્વાસી સાથેની સંગત અનૈતિકતા તરફ દોરી જઈ શકે અને યહોવાહ સાથે તેની મિત્રતાને હાનિ પહોંચાડી શકે. તેથી તેણે તેને તદ્દન સ્પષ્ટ કહી દીધું કે તેને રસ નથી! પછીથી તેણે પોતે પરિસ્થિતિ કઈ રીતે હાથ ધરી હતી એ વિષે પોતાની માતાને જણાવ્યું ત્યારે, માતાએ વગર વિચાર્યે ઉદ્ગાર કાઢ્યો: “ઓહ, જોશૂઆ, કદાચ તેં તેની લાગણીઓ દુભાવી છે!” જોશૂઆએ જવાબ આપ્યો: “પરંતુ, મમ્મી. હું યહોવાહને માઠું લગાડવા કરતાં તેને માઠું લગાડવાનું પસંદ કરીશ.” તેના દૈવી ભયે, પોતાના આકાશી પિતાને માઠું લાગી જવાના તેના ડરે, તેને પ્રમાણિક વર્તણૂક જાળવવાની પ્રેરણા આપી.
સારી સંગત શોધો
તેમ છતાં, લીન નામની યુવતી મુશ્કેલીમાં પડતી રહી. સમસ્યા? તે ખોટા લોકો સાથે દોડી રહી હતી. (નિર્ગમન ૨૩:૨; ૧ કોરીંથી ૧૫:૩૩) ઉકેલ? નવા મિત્રો શોધવા! “તમારે યહોવાહને પ્રેમ કરતા મિત્રો ચોતરફ હોય તો,” લીને જણાવ્યું, “એ તમને સંવેદનશીલ અંતઃકરણ જાળવવામાં અને મુશ્કેલીથી દૂર રહેવામાં મદદ કરે છે. તેઓ દુરાચાર પ્રત્યે તિરસ્કાર બતાવે છે ત્યારે, તમને પણ એવી જ લાગણી થાય છે.”
હકીકતમાં, મિત્રોની તમારી ખોટી પસંદગી દેવ સાથે મૈત્રી કરવામાં સૌથી મોટું નડતર બની શકે છે. અઢાર વર્ષની એને સ્વીકાર્યું: “તમારી સંગતની ભારે અસર પડે છે. વહેલા કે મોડા, તમે તેઓના જેવા બનશો. તેઓ તમને તેઓની વિચારસરણીમાં ઢાળે છે. વાતચીતો મહદંશે જાતીયતા પર હશે. એ તમને જિજ્ઞાસુ બનાવશે. તમે વિચારો છો એ શાના જેવું હશે.” એન ઠોકર ખાધા પછી આ વાત શીખી. તે કહે છે: “હું જાણું છું એ સાચું છે. હું અનૈતિકતામાં સંડોવાઈ અને ૧૫ વર્ષે સગર્ભા બની.”
એન છેવટે બાઇબલના શબ્દોની સત્યતા શીખવા પામી: “જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે દેવનો વૈરી થાય છે.” (યાકૂબ ૪:૪) હા, એન જગતની મિત્ર બનવા માંગતી હતી—કૃતનિશ્ચયી હતી. પરંતુ એનાથી એક પછી બીજું હૃદયદુઃખ જ થયું. સદ્ભાગ્યે, એનને ભાન થયું. તેને પોતાના માર્ગનો ઊંડો ખેદ થયો અને તેણે પોતાના માબાપ પાસે અને તેના મંડળના વડીલો પાસે મદદ શોધી. તેણે પોતા માટે નવા મિત્રો પણ શોધ્યા. (ગીતશાસ્ત્ર ૧૧૧:૧) પોતાને પક્ષે ઘણા પ્રયત્નો પછી, એન ફરી દેવની મિત્ર બની શકી. કેટલાક વર્ષ પછી, હવે તે કહે છે: “યહોવાહ સાથે મારો સંબંધ ઘણો ગાઢ છે.”
બાઇબલનો વ્યક્તિગત અભ્યાસ, ચિંતન, પ્રમાણિક વર્તણૂક, અને હિતકર સંગતથી, તમે પણ દેવ સાથે ગાઢ મૈત્રી વિકસાવી શકો. તેમ છતાં, મૈત્રી જાળવી રાખવી જુદી બાબત છે. મુશ્કેલીઓ અને વ્યક્તિગત નબળાઈઓ છતાં, એમ કરવું કઈ રીતે શક્ય છે? આ શૃંખલામાં ભવિષ્યનો લેખ આ બાબતની ચર્ચા કરશે.
[Footnotes]
a સજાગ બનો!ના ઑગસ્ટ ૮ અને ડિસેમ્બર ૮, ૧૯૯૫ના અંકો જુઓ.
b ઑગસ્ટ ૮, ૧૯૮૫ના અમારા અંકમાં “યુવાન લોકો પૂછે છે . . . શા માટે બાઇબલ વાંચવું?” જુઓ.
[Caption on page ૧૩]
શું મારા સોબતીઓ મને દેવનો મિત્ર બનવામાં મદદ કરશે?