જૂઠું બોલવા વિષે સાચી વાત
“તુંજૂઠા!” શું એ ડંખીલા શબ્દો કદી તમારા પર ઝીંકવામાં આવ્યા છે? એમ હોય તો, નિઃશંક એમાં લાગણીનો જે ઝાટકો સમાયેલો છે એ તમે જાણો છો.
કોઈ મઝાનું નાજુક પાત્ર ભોંયતળિયે પડી ચૂરેચૂરા થઈ જાય એમ, જૂઠું બોલવાથી કીમતી સંબંધ બરબાદ થઈ શકે. સાચું, અમુક સમય સુધીમાં, તમે પહોંચેલી હાનિ ઠીક કરી શકો, પરંતુ સંબંધ ફરી કદી એવો જ બની શકતો નથી.
“લોકો પોતાને જૂઠું કહેવામાં આવ્યું છે એવી ખબર પડે છે ત્યારે,” લાઈંગ—મોરલ ચોઈસ ઈન પબ્લિક ઍન્ડ પ્રાઈવેટ લાઈફ પુસ્તક કહે છે, “જૂઠું બોલનાર ફરી સંબંધ શરૂ કરવા વાતચીત કરે તે સમયે, સાવધ રહે છે. અને ભૂતકાળમાં પોતે જે માન્યું અને કર્યું એ વિષે હવે માલૂમ પડેલા આ જૂઠાણાંનો ખ્યાલ કરી વિચાર કરે છે.” છેતરપિંડી ખુલ્લી પડે છે ત્યાર પછી, એક વખત ખુલ્લા મનથી થતી વાતચીત અને ભરોસો હવે શંકા અને સંશયથી રુંધાય જાય છે.
જૂઠાણા સાથે સંકળાયેલી સર્વ નકારાત્મક લાગણીઓને કારણે, આપણે જાણવું જ જોઈએ, ‘આવું દુષ્ટ આચરણ કઈ રીતે શરૂ થયું?’
પ્રથમ જૂઠાણું
યહોવાહ દેવે પ્રથમ માનવ યુગલ, આદમ અને હવાને બનાવ્યા ત્યારે, તેમણે તેઓને સુંદર એદન બાગમાં મૂક્યા. તેઓનું ઘર કોઈ પણ જાતની છેતરપિંડી કે ઠગાઈથી મુક્ત હતું. એ સાચે જ પારાદેશ હતું!
તેમ છતાં, હવાના સર્જન પછી થોડા સમયે, શેતાન ડેવિલ તેની પાસે લલચાવનારો પ્રસ્તાવ લઈને આવ્યો. હવાને જણાવવામાં આવ્યું કે જે ખાવા વિષે દેવે મનાઈ કરી હતી એ “વૃક્ષનું ફળ” તે ખાશે તો, દેવે કહ્યું હતું તેમ તે મરણ પામશે નહિ. એને બદલે, તે ‘દેવના જેવી ભલુંભૂંડું જાણનારી થશે.’ (ઉત્પત્તિ ૨:૧૭; ૩:૧-૫) હવાએ શેતાનની વાત સાચી માની. તેણે ફળ લીધું, એ ખાધું, અને પછી કેટલુંક પોતાના પતિને આપ્યું. પરંતુ શેતાને વચન આપ્યા પ્રમાણે દેવના જેવા બનવાને બદલે, આદમ અને હવા અનાજ્ઞાંકિત પાપીઓ, પાપના દાસ બન્યા. (૨ પીતર ૨:૧૯) અને એ પ્રથમ જૂઠાણું બોલીને, શેતાન “સર્વ જૂઠાણાંનો બાપ” બન્યો. (યોહાન ૮:૪૪, ટુડેઝ ઈંગ્લીશ વર્શન) સમય જતાં, પાપી ત્રિપુટીને માલૂમ પડ્યું કે કોઈ જૂઠું બોલે છે અથવા જૂઠાણા પર ભરોસો કરે છે ત્યારે કોઈની જીત થતી નથી.
મરણકારક અસરો
યહોવાહ આકાશ અને પૃથ્વી પરની પોતાની સર્વ સૃષ્ટિને જણાવવા માંગતા હતા કે સ્વૈચ્છિક પાપની શિક્ષા થયા વગર રહેશે નહિ. તેમણે બંડખોર આત્મિક પ્રાણીને તેનું બાકીનું જીવન દેવના પવિત્ર સંગઠન બહાર જીવવા દોષિત ઠરાવી ઝડપી પગલું ભર્યું. વધુમાં, યહોવાહ દેવ છેવટે તકેદારી રાખશે કે શેતાનનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવે. આ ત્યારે બનશે જ્યારે દેવે વચન આપ્યા પ્રમાણેનું “સંતાન” ઘાતક ફટકો મારશે.—ઉત્પત્તિ ૩:૧૪, ૧૫; ગલાતી ૩:૧૬.
આદમ અને હવાને તો, એદન બાગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. દેવે આદમને શિક્ષા કરી: “તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે; કેમકે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.” સમય જતાં, દેવે ભાખ્યું હતું એમ જ, તે અને હવા બંને મરણ પામ્યા.—ઉત્પત્તિ ૩:૧૯.
આદમના વંશજ તરીકે, સમગ્ર માનવ કુટુંબ ‘પાપને વેચાએલું’ છે. સર્વ માનવીઓને વારસામાં અપૂર્ણતા મળી છે જે મરણ તરફ દોરી જાય છે. (રૂમી ૫:૧૨; ૬:૨૩; ૭:૧૪) એ પ્રથમ જૂઠના કેવાં આઘાતજનક પરિણામો!—રૂમી ૮:૨૨.
ઊંડા મૂળ ઘાલી ગયેલું આચરણ
શેતાન અને જે દૂતો દેવ વિરુદ્ધ બંડમાં જોડાયા હતા તેઓનો નાશ હજુ કરવામાં ન આવ્યો હોવાથી, આપણે આશ્ચર્ય પામવું ન જોઈએ કે તેઓ માણસોને ‘જૂઠું બોલવા’ પ્રેરશે. (૧ તીમોથી ૪:૧-૩) પરિણામે, જૂઠાણાંનાં મૂળ માનવ સમાજમાં ઊંડે ઊતરી ગયાં છે. લોસ એન્જિલિસ ટાઈમ્સએ નોંધ્યું, “સમાજમાં જૂઠાણું એટલું ઊંડું ઊતરી ગયું છે કે સમાજ એના પ્રત્યે લાગણીશૂન્ય બની ગયો છે.” આજે ઘણા રાજકારણ અને રાજકારણીઓને જૂઠાણા સાથે ગાઢપણે સાંકળે છે, પરંતુ શું તમે જાણો છો કે ધાર્મિક આગેવાનો પણ સૌથી બદનામ જુઠ્ઠાઓમાં છે?
ઈસુના પાર્થિવ સેવાકાર્ય દરમિયાન તેમના ધાર્મિક વિરોધીઓએ તેમના વિષે જૂઠાણાં ફેલાવ્યાં. (યોહાન ૮:૪૮, ૫૪, ૫૫) તેમણે આમ કહી જાહેરમાં તેઓની ઝાટકણી કાઢી: “તમે તમારા બાપ શેતાનના છો, અને તમારા બાપની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. . . . જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે; કેમકે તે જૂઠો, અને જૂઠાનો બાપ છે.”—યોહાન ૮:૪૪.
તમને યાદ છે ઈસુના પુનરુત્થાન પછી તેમની કબર ખાલી જોવા મળી ત્યારે કેવું જૂઠાણું ફેલાવવામાં આવ્યું? બાઇબલ કહે છે, મુખ્ય યાજકોએ “સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું, કે તમે એમ કહો, કે અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા.” આ જૂઠાણું વિસ્તૃત ફેલાવવામાં આવ્યું, અને એનાથી ઘણાને છેતરવામાં આવ્યા. એ ધાર્મિક આગેવાનો કેટલા દુષ્ટ હતા!—માત્થી ૨૮:૧૧-૧૫.
આજે ધાર્મિક જૂઠાણાં
આજે ધાર્મિક આગેવાનો કહે છે એમાંનું મુખ્ય જૂઠાણું કયું છે? એ શેતાને હવાને કહેલા જૂઠાણા જેવું જ છે: “તમે નહિજ મરશો.” (ઉત્પત્તિ ૩:૪) પરંતુ હવા ચોક્કસ મરણ પામી, અને જેમાંથી તેને બનાવવામાં આવી હતી એ માટી, ધૂળમાં પાછી મળી ગઈ.
તેમ છતાં, શું તે માત્ર મરણ પામતી નજરે પડી અને ખરેખર તો અન્ય કોઈ રૂપમાં જીવવાનું ચાલુ રાખ્યું? શું મરણ અન્ય જીવનમાં જવાનું દ્વાર માત્ર છે? બાઇબલ એવો કોઈ સંકેત આપતું નથી કે હવાનો કોઈ સજાગ ભાગ જીવતો રહ્યો. તેનો જીવ (સોલ) બચીને રહ્યો નહિ. તેણે દેવને અનાજ્ઞાંકિત બની પાપ કર્યું હતું, અને બાઇબલ કહે છે: “જે જીવ પાપ કરશે તે માર્યો જશે.” (હઝકીએલ ૧૮:૪) હવાને, તેના પતિની માફક, જીવંત જીવ બનાવવામાં આવી, અને એક જીવંત જીવ તરીકે તેનું જીવન અટકી ગયું. (ઉત્પત્તિ ૨:૭) મૂએલાની સ્થિતિ વિષે, બાઇબલ કહે છે: “મૂએલા કંઈ જાણતા નથી.” (સભાશિક્ષક ૯:૫) તેમ છતાં, સામાન્યપણે ચર્ચો શું શીખવે છે?
મોટે ભાગે ચર્ચો શીખવે છે કે માનવીઓમાં અમર જીવ રહેલો છે અને મરણ એને અન્ય—આશીર્વાદનું કે પીડાનું—જીવન જીવવા મુક્ત કરે છે. દાખલા તરીકે, ધ કૅથલિક એન્સાયક્લોપેડિયા કહે છે: “ચર્ચ વિશિષ્ટ રીતે નર્કની પીડાની અનંતતામાં વિશ્વાસ શીખવે છે જે વિષે કોઈ નકાર કે શંકા ઊઠાવી શકતું નથી, સિવાય કે તે ચર્ચની નિશ્ચિત માન્યતાનો વિરોધી હોય.”—ગ્રંથ ૭, પાન ૨૦૯, ૧૯૧૩ આવૃત્તિ.
એ શિક્ષણ બાઇબલ સરળ રીતે જે કહે છે એનાથી કેટલું ભિન્ન છે! બાઇબલ શીખવે છે કે વ્યક્તિ મરણ પામે છે ત્યારે, “તેનું શરીર ભૂમિમાં પાછું મળી જાય છે; તેજ દિવસે તેની ધારણાઓનો નાશ થાય છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૪) તેથી, બાઇબલ અનુસાર, મૂએલાઓ કોઈ યાતના ભોગવી શકતા નથી, કેમ કે તેઓમાં કોઈ પણ પ્રકારની સભાનતા હોતી નથી. એ માટે, બાઇબલ અરજ કરે છે: “જે કંઇ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમકે જે તરફ તું જાય છે તે શેઓલમાં [માણસજાતની સામાન્ય કબરમાં] કંઇ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.”—સભાશિક્ષક ૯:૧૦.
સાવધ રહેવાની જરૂર
ઈસુના દિવસમાં પણ ઘણાને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા તેમ, આજના ધાર્મિક આગેવાનોના જૂઠા શિક્ષણોથી છેતરાવાનો ભય રહેલો છે. આ લોકોએ “દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું,” અને તેઓએ માનવ જીવનું અમરપણું અને માનવીઓના જીવને નર્કાગ્નિમાં પીડા આપવામાં આવશે જેવાં જૂઠાં શિક્ષણો આગળ ધર્યાં છે.—રૂમી ૧:૨૫.
વધુમાં, આજના ધર્મો સામાન્યપણે માનવ સંપ્રદાય અને ફિલસૂફીને બાઇબલ સત્યના પાયાની બરાબર મૂકે છે. (કોલોસી ૨:૮) આમ, નૈતિકતા વિષે દેવના નિયમોને—જેમાં પ્રમાણિકતા અને જાતીય વર્તણૂક પરના નિયમોનો સમાવેશ થાય છે—સાપેક્ષ ગણવામાં આવે છે, સર્વાંગી સંપૂર્ણ ગણવામાં આવતા નથી. પરિણામ ટાઈમ સામયિકમાં વર્ણવ્યા પ્રમાણેનું છે: “જીવન સામાજિક અનિશ્ચિતતામાં પાંગરે છે, જ્યારે લોકો પોતાની એકબીજા પ્રત્યેની વર્તણૂકનું નિયમન કરતા નિયમો સમજતા નથી, કે સહમત થતા નથી.”—સરખાવો યશાયાહ ૫૯:૧૪, ૧૫; યિર્મેયાહ ૯:૫.
સત્યને માન ન આપવામાં આવનાર પર્યાવરણમાં જીવવું, જૂઠું ન બોલવાની દેવની શિખામણને કાન ધરવાનું મુશ્કેલ બનાવે છે. હંમેશા સત્યપૂર્ણ રહેવામાં આપણને શું મદદ કરી શકે?
સત્ય માટે સ્થાન લેવું
આપણા ઉત્પન્નકર્તાને મહિમા આપવાની આપણી ઇચ્છા આપણને સત્યપૂર્ણ વાણી કેળવવા સૌથી સારી પ્રેરણા પૂરી પાડે છે. વિશિષ્ટપણે, બાઇબલ તેમને “સત્યના દેવ” કહે છે. (ગીતશાસ્ત્ર ૩૧:૫) તેથી, “જૂઠાબોલી જીભ”ને ધિક્કારનાર આપણા ઉત્પન્નકર્તાને ખુશ કરવાની આપણી ઇચ્છા હોય તો, આપણે તેમનું અનુકરણ કરવા પ્રેરાઈશું. (નીતિવચન ૬:૧૭) આમ આપણે કઈ રીતે કરી શકીએ?
દેવના શબ્દનો ખંતીલો અભ્યાસ આપણે ‘દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલીએ’ એ માટે આપણને નૈતિક બળ પૂરું પાડે છે. (એફેસી ૪:૨૫) તેમ છતાં, દેવ આપણી પાસે શું માંગે છે ફક્ત એટલું જાણવું પૂરતું નથી. આજે જગતમાંના ઘણાની માફક, આપણે હંમેશા સત્ય બોલવા તરફ ઢળેલા નહિ રહીશું તો, આપણે એમ કરવા ખરો પ્રયત્ન કરવો પડશે. આપણે પ્રેષિત પાઊલનું ઉદાહરણ અનુસરવાની અને પોતાનું દમન કરવાની જરૂર છે. પાઊલે લખ્યું, “હું મારા દેહનું દમન કરૂં છું, તથા તેને વશ રાખું છું.”—૧ કોરીંથી ૯:૨૭.
સર્વ સમય સત્ય બોલવાની લડાઈમાં વધારાની મદદ પ્રાર્થના છે. સહાય માટે યહોવાહને આજીજી કરી, આપણે ‘સાધારણ કરતાં વધારે શક્તિ’ મેળવી શકીએ. (૨ કોરીંથી ૪:૭, NW) ખરેખર, “સત્યનો હોઠ” જાળવી રાખવો તથા “જૂઠી જીભ” દૂર કરવી, એક સાચી લડત બની શકે. (નીતિવચન ૧૨:૧૯) પરંતુ યહોવાહની મદદથી એ સિદ્ધ કરી શકાય.—ફિલિપી ૪:૧૩.
હંમેશા યાદ રાખો કે એ તો શેતાન ડેવિલ છે જે એવું બતાવવા માંગે છે કે જૂઠું બોલવું સાધારણ બાબત છે. તેણે પ્રથમ સ્ત્રી હવાને, કપટભરી રીતે જૂઠું બોલીને છેતરી. તેમ છતાં, આપણે શેતાનની જૂઠી રીતોનાં વિનાશક પરિણામો તદ્દન સારી રીતે જાણીએ છીએ. એક સ્વાર્થી જૂઠાણું તથા ત્રણ સ્વાર્થી વ્યક્તિઓ—આદમ, હવા, અને શેતાનને કારણે અકથ્ય યાતનાઓ માનવ કુટુંબ પર આવી પડી છે.
હા, જૂઠાણા વિષે સાચી વાત એ છે કે એને મરણકારક ઝેર સાથે સરખાવી શકાય. તેમ છતાં, આપણે આભાર માનવો જોઈએ કે, આપણે એ વિષે કંઈક કરી શકીએ છીએ. આપણે જૂઠું બોલવાનું આચરણ ત્યજીએ અને યહોવાહની કૃપાનો અનંતકાળ સુધી આનંદ માણીએ, જે “અનુગ્રહ તથા સત્યથી ભરપૂર” દેવ છે.—નિર્ગમન ૩૪:૬.
[Caption on page ૨૬]
જૂઠાણાની અસર અમૂલ્ય પાત્રના ચૂરેચૂરા થવા બરાબર છે
[Caption on page ૨૮]
જૂઠાણાને મરણકારક ઝેર સાથે સરખાવી શકાય