વિશ્વ નિહાળતા
તમારા હાથ ધુઓ!
માઈક્રોબાયોલૉજીની અમેરિકન સોસાયટીએ તાજેતરમાં કેટલા લોકો જાહેર જાજરૂનો ઉપયોગ કર્યા પછી પોતાના હાથ ધૂએ છે એ નક્કી કરવા સંશોધન શરૂ કર્યું, એવો અહેવાલ ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ આપે છે. દેખીતી રીતે જ, લગભગ દરેકેદરેક જાણે છે કે તેઓએ પોતાના હાથ ધોવા જોઈએ. ટેલિફોન દ્વારા કરવામાં આવેલા ૧,૦૦૪ પુખ્તવયનાઓના સર્વેક્ષણમાં, ૯૪ ટકાએ દાવો કર્યો કે પોતે જાહેર જાજરૂનો ઉપયોગ કર્યા પછી હંમેશા હાથ ધુએ છે. પરંતુ શું તેઓ એમ કરે છે? પાંચ મોટા અમેરિકી શહેરોના જાજરૂઓનું નિરીક્ષણ કરતા સંશોધકોને માલૂમ પડ્યું છે કે ૬,૩૩૩ વ્યક્તિઓમાંથી, ફક્ત પુરુષોમાંથી ૬૧ ટકા સ્ત્રીઓમાંથી ૭૪ ટકાએ જ જાજરૂનો ઉપયોગ કર્યા પછી પોતાના હાથ ધોયા. ગંદા હાથ સહેલાઈથી રોગ ફેલાવે છે, અને વણધોયેલે હાથે ખોરાક હાથ ધરનાર ફક્ત એક જ જણ ડઝનબંધી લોકોને બીમાર પાડી શકે છે. સમસ્યાનો એક ભાગ માબાપના નિર્દેશનનો અભાવ હોય શકે. “ઘણી વાર આજકાલની મમ્મીઓ પોતાનાં ભૂલકાંઓને હાથ ધોવાનું જણાવતી હોતી નથી,” ડૉ. ગેઈલ કેસેલે નોંધ્યું. “શાળાઓ એ વિષે બાળકોને જણાવતી નથી. આ મહત્ત્વનું છે એ વિષે આપણને યાદ દેવડાવવું પડે છે.”
પાછળ જોઈને પ્રગતિ
ટ્રાન્ઝિસ્ટર પહેલાં, શૂન્યાવકાશ ટ્યૂબ હતી. હવે સંશોધકો પાછળ જુએ છે. “અમે હવે ૧૯૪૦ના દાયકાની શૂન્યાવકાશ નળીઓને ફરી તપાસી રહ્યા છીએ,” ઉત્તર કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રી ગ્રીફ એલ. બિલ્બ્રો કહે છે. “પરંતુ હવે અમે રડાર અને સેલ્યુલર ફોન માટે ઘણી ઊંચી ફ્રિકવન્સીએ નળીઓની કાર્યવાહીની આગાહી કરવા નવા પદાર્થો અને કૉમ્પ્યુટર રચનાનાં સાધનોનો લાભ લઈ રહ્યા છીએ.” જૂની અને નવી નળીઓમાં એક તફાવત એનું કદ છે. નવી નળીઓ ઝીણી હોય છે અને દિવાસળીના માથાના કદની હોય છે. એને “ડાયમંડમાંના ઈલેક્ટ્રોડ્સને આવરી લઈ, પછી અંદરથી હવા કાઢી નાખીને” તૈયાર કરવામાં આવે છે, એમ સાયન્સ ન્યૂઝ સામયિક કહે છે. “નવી ડાયમંડ વેક્યુમ ટ્યૂબ અને ૫૦ વર્ષ અગાઉની કાચની મોટી નળી વચ્ચે મોટો તફાવત ગરમી છે. જૂની ટ્યૂબ તપીને લાલ ચળકતી બનતી ત્યારે ઈલેક્ટ્રોનનો પ્રવાહ પ્રગટ કરતી હતી. નવી ટ્યૂબ ઓરડાના ઉષ્ણતામાને પ્રવાહ પેદા કરે છે.” અર્ધપ્રવાહક (સેમીકન્ડક્ટર્સ) અને કૉમ્પ્યુટર ચીપ્સ કરતાં વધારે ટકાઉ હોવા ઉપરાંત, નવી ટ્યૂબ ઉષ્ણતામાન, વોલ્ટેજ, અને કીરણોત્સર્ગનાં ઊંચા સ્તરોમાં તેઓ કરતાં ચઢિયાતી છે.
હસો, અને લાંબું જીવો?
ઘણા સમયથી માનવામાં આવે છે કે હાસ્ય સારી દવા છે. દસ વર્ષ અગાઉ સ્ટેટ યુનિવર્સિટી ઑફ ન્યૂયૉર્કના વૈજ્ઞાનિકોએ શોધી કાઢવાનું નક્કી કર્યું કે બાબત એમ કેમ છે. તેઓએ તાજેતરમાં પોતાની શોધ પ્રગટ કરી કે હાસ્ય શક્તિશાળી હોર્મોન છોડવામાં થતી પ્રક્રિયામાં મદદ કરે છે જે હોર્મોન વ્યક્તિની પ્રતિકાર શક્તિને જોશીલી બનાવે છે. હોર્મોનનું એક વૃંદ, જેને સાયટોકાઇન્સ કહે છે, લોહીમાંના શ્વેતકણોની પ્રવૃત્તિ વધારતું માલૂમ પડ્યું છે, જે વાયરલ અને બેક્ટેરિયાના ચેપને મારી હઠાવવા જરૂરી છે અને જે સંભવિત કૅન્સર કોશોનો નાશ કરે છે. સાયટોકાઈન્સ “એક પદાર્થ છે જેનું સ્તર હાસ્યથી ઊંચું આવે છે,” ધ સન્ડે ટાઈમ્સ ઑફ લંડન કહે છે. હાસ્ય અને સાયકોટાઈન્સ વચ્ચેના સંબંધને કારણે કેટલાક સંશોધકો એને આનંદી હોર્મોન્સ કહે છે. આમ, છાપું હાસ્યને “લાંબા જીવનની વાનગી” કહે છે.
ડોલ્ફિન જીવનરક્ષકો
રાતા સમુદ્રમાં તરતા એક માણસને ડોલ્ફિનના વૃંદે બચાવ્યો હશે, એવો અહેવાલ ધ જરનલ ઑફ કોમર્સ આપે છે. બ્રિટનનો માર્ક રીચર્ડસન, મિસરના દરિયા કાંઠા સામે તરી રહ્યો હતો ત્યારે તેના પર શાર્કે હુમલો કર્યો. તેના પડખે અને હાથ પર બચકાં ભરવામાં આવ્યાં પછી, બાટલી આકારના નાકવાળી ત્રણ ડોલ્ફિનોએ તે માણસને ઘેરી લઈ “પોતાની પાંખો અને પૂંછડી ફેલાવી શાર્કને ભગાડી.” ડોલ્ફિનોએ મિ. રીચર્ડસનને તેના મિત્રો તેની પાસે આવી પહોંચ્યા ત્યાં સુધી ઘેરી રાખ્યો.” જરનલના જણાવ્યા અનુસાર, “માતા ડોલ્ફિન પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરે છે ત્યારે, તેઓની આવી વર્તણૂક સામાન્ય હોય છે.”
“ફાસ્ટ-ફૂડ” કૉમુનિયો
એક અમેરિકન વેપારી, જીમ જોન્સન, ચર્ચ કૉમુનિયો સેવામાં વાપરવા અગાઉથી પેક કરેલાં નિકાલ કરી નાખી શકાય એવાં પ્રતીકોનું ઉત્પાદન કરે છે, એમ ક્રિશ્ચાનિટી ટુડે જણાવે છે. નાનાં જાંબલી પ્લાસ્ટિક કપમાં, જે આશરે એક કૉફી ક્રીમના પાત્રના કદ અને આકારના હોય છે, જેમાં દ્રાક્ષારસ કે દારૂનો એક ઘૂંટ હોય છે. એની સાથે ખેંચી શકાય એવા બેવડા ઢાંકણની અંદર જડેલી બેખમીર રોટલીની વેફર પણ હોય છે. જોન્સનના જણાવ્યા અનુસાર, આ ઉત્પાદનમાં વધુ ઝડપી તૈયારી અને સાફ કરી નાખવાનો સમય, કરકસર, અને આરોગ્યનાં લાભો છે. આ નવું ઉત્પાદન ૪,૦૦૦ કરતાં વધુ ચર્ચોએ અપનાવી પણ લીધું છે, જોકે કેટલાકે કૉમુનિયોના આવા “જથ્થાબંધ” ઉત્પાદન વિષે કેટલીક ફરિયાદો ઊભી કરી છે. જોન્સન વળતો જવાબ આપે છે: “ઈસુએ મોટા માનવ મહેરામણને જમાડ્યો ત્યારે પહેલું ફાસ્ટ-ફૂડ તૈયાર કર્યું હતું.”
અવરજવર કરતાં કબૂતરો
લંડનનાં કબૂતરોને અવરજવર કરનારા માણસો સાથે ભૂગર્ભ રેલવેમાં અવરજવર કરતાં અવલોકવામાં આવ્યાં છે, એમ ન્યૂ સાયંટિસ્ટ સામયિક જણાવે છે. વધુમાં, કેટલાક લોકો દાવો કરે છે કે આ પક્ષીઓ તો એ પણ જાણે છે કે પોતાને કયા સ્ટોપ પર ઉતરવાનું છે. સામયિકે આમંત્રણ આપતા, અનેક વાંચકોએ આ પીંછાવાળા મુસાફરો વિષે પોતાના અનુભવો જણાવવા માટે લખ્યું. દાખલા તરીકે, એક માણસે લખ્યું: “મને, ૧૯૭૪-૭૬ દરમિયાન, એક આછા રતાશ રંગના કબૂતરનો ભેટો થયો જે ભૂગર્ભ રેલવેમાં પેડિંગટનથી બેસતું હતું અને બીજા સ્ટેશને ઉતરતું હતું.” બીજા એક માણસે છેક ૧૯૬૫માં આવું જ અવલોકન કર્યું હતું. એવું લાગે છે કે કબૂતરો લંડનની વાહનવ્યવહાર વ્યવસ્થામાં કંઈક ૩૦ વર્ષથી વગર ટિકિટે મુસાફરી કરે છે.