સંગઠિત ગુના તમને કઈ રીતે અસર કરે છે
સ જા ગ બ નો! ના જા પા ન માં ના ખ બ ર પ ત્રી ત ર ફ થી
માફિયા કુટુંબનો ડોન (આગેવાન) નવી વ્યક્તિની આંગળીમાં અણીદાર વસ્તુ ભોંકે છે. “સંત”ના ચિત્ર પર લોહી ટપકે છે. પછી, અગ્નિ ચિત્રને બાળીને ભસ્મ કરે છે. ‘તું સંગઠનની કંઈ પણ ગુપ્ત વાત બહાર પાડીશ તો, તારો જીવ આ સંતની માફક બાળી નાખવામાં આવશે,’ ડોને યુવાનને જણાવ્યું.
ચૂ પકીદીની પદ્ધતિએ—ઇટાલીની ભાષામાં, ઑમેર્ટૉએ—ઘણાં વર્ષો સુધી સંગઠિત ગુનાને મોટે ભાગે છૂપા રાખ્યા. તેમ છતાં, આજે અમુક જૂથના સભ્યો બાતમી આપે છે તેમ, સર્વત્ર ગુનાહિત જૂથો મથાળે ચમકે છે. આ પેન્ટીટી, અથવા માફિયા વિશ્વાસઘાતીઓએ આરોપ લગાવેલી સૌથી આગવી વ્યક્તિ, જુલિયો ઑન્ડ્રાઓટી હતો, જે સાત વખત ઇટાલીનો મુખ્ય પ્રધાન રહી ચૂક્યો હતો અને હવે માફિયા સાથેના તેના સંબંધ માટે મુકદ્દમો ચાલી રહ્યો છે.
સર્વત્ર ગુનેગાર સંગઠનોએ હરેક પ્રકારના જીવનમાં તેઓની બારીક દોરીઓ ફેલાવી છેઃ ઇટાલી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં માફિયા, જ્યાં એ કોસા નોસ્ટ્રા તરીકે પણ ઓળખાય છે; દક્ષિણ અમેરિકામાં કેફી પદાર્થોનો વેપાર કરતું ગેરકાયદેસરનું જૂથ; ચીનની ત્રિપુટી; જાપાનમાંનું યાકુઝા. તેઓની દુષ્ટ પ્રવૃત્તિઓ આપણ સર્વને અસર કરે છે અને જીવનધોરણ વધારે ખર્ચાળ બનાવી દે છે.
એવું કહેવામાં આવે છે કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં, માફિયાઓએ ન્યૂયૉર્ક શહેર પાંચ કુટુંબો વચ્ચે વહેંચી લઈ, જોરજુલમથી, રક્ષણાર્થી હોવાનો ડોળ કરીને, લોન પર વધુ વ્યાજ લઈને, જુગાર દ્વારા, કેફી પદાર્થોની હેરાફેરી કરીને, અને વેશ્યાગીરીથી અબજો કમાય છે. એવું માનવામાં આવે છે કે માફિયા કુટુંબોની કચરો લઈ જવાના ધંધાના, ભારવાહક ગાડીઓના ધંધાના, બાંધકામની, ખોરાક લઈ જવા-લાવવાના ધંધાના, અને ટેક્ષટાઈલના ધંધાનાં મજૂર સંઘો પર સચોટ પકડ હોય છે. મજૂર સંઘો પરના પોતાના અંકુશ દ્વારા તેઓ મજૂરોની તકરારોનો ઉકેલ લાવી શકે અથવા આખું કામ ઇરાદાપૂર્વક થંભાવી દઈ શકે. દાખલા તરીકે, બાંધકામની જગ્યાઓએ, એક દિવસ બુલડોઝર ચાલતું નહિ હોય, તો બીજે દિવસે ખોદકામ યંત્રની બ્રેક કામ કરતી નહિ હોય, અને યંત્ર ચલાવનારાઓ પણ “ધીમી ગતિએ” કામ કરશે—બાંધકામ કરનાર જૂથની માંગ પૂરી કરવા સહમત થાય ત્યાં સુધી આવા બનાવો બને છે અને જારી રહે છે, ભલે પછી એ લાંચ હોય કે કામનો કોન્ટ્રાક્ટ હોય. હકીકતમાં, “જૂથને લાંચ આપવાથી વેપારીઓને સમયસર ત્વરિત કામની, મજૂરો સાથે શાંતિની અને સસ્તા મજૂરોનો ઉપયોગ કરી શકવાની ખાતરી મળી શકે,” ટાઈમ સામયિક અહેવાલ આપે છે.
કોલમ્બિયામાં બે કેફી પદાર્થોનો વેપાર કરતા ગેરકાયદેસરના જૂથોએ ત્યાં સુધી સ્પર્ધા ચાલુ રાખી કે મેડેલિનના જૂથનો આગેવાન, પાબ્લો એસકોબારને, ૧૯૯૩માં ઠાર ન કરવામાં આવ્યો. એ પછી, કાલી શહેરના જૂથે જગતના કોકેઈનના ગેરકાયદેસર વેપારનો એકાધિકાર પ્રાપ્ત કર્યો. વર્ષ ૧૯૯૪માં એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં જ સાત અબજ ડૉલરની કમાણી કરતા, કદાચિત એ જગતમાં સૌથી મોટું સંગઠિત-ગુના સંઘ બન્યું. પરંતુ ૧૯૯૫માં એનામાં પારંગત વ્યક્તિ, હોસા સાન્તાક્રુસ લન્દન્યોની ધરપકડે એ જૂથને મોટો ફટકો આપ્યો. તેમ છતાં, એ પછી સત્તામાં આવવા ઉત્સાહી અનુગામીઓ હંમેશા રાહ જ જોતા હોય છે.
લોખંડી દીવાલ તૂટી પડતા, રશિયાના માફિયાઓએ એઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કર્યો. પરિણામે, “રશિયામાંના પ્રત્યેક વેપારે માફિયા સાથે વ્યવહાર કરવો પડતો,” ન્યૂઝવીકમાં ઉલ્લેખાયેલો બૅંકનો નિયામક કહે છે. બ્રાઈટન બીચ, ન્યૂયૉર્કમાં પણ એવો અહેવાલ મળ્યો કે રશિયન માફિયા પેટ્રોલમાં ભેળસેળ કરતી ગૂંચવણભરી કુયુક્તિઓથી ઝડપથી વધુ નફો કમાઈ રહ્યા છે. કાર માલિકોએ જ વધારે પૈસા ચૂકવવા પડે છે, અને સરકાર કર ગુમાવે છે. રશિયન જૂથો પૂર્વીય યુરોપમાં વેશ્યાગૃહો પણ ચલાવે છે. તેઓ પોતાના મોટા ભાગના ગુનાઓમાંથી કોઈ પણ જાતની ઇજા વિના નીકળી આવે છે. કોણ ભારે શસ્ત્રધારી અગાઉના રમતવીર અને અફઘાનના યુદ્ધમાં જઈ આવેલા અનુભવી માણસનો સામનો કરે?
પૂર્વીય દેશોમાં પરિસ્થિતિ કંઈ અલગ નથી. જાપાનમાં જેઓ પ્રદર્શનના ધંધામાં છે તેઓ સ્થાનિક યાકુઝા વૃંદને આદર બતાવે અને તેઓને અમુક રકમ ચૂકવે નહિ તો તેઓએ સર્વ પ્રકારની મુશ્કેલીઓની અપેક્ષા રાખવી પડે છે. અહીં પણ દારુની દુકાનવાળાઓ પાસેથી અરે રસ્તે ચાલનારાઓ પાસેથી પણ રક્ષણાર્થે પૈસાની માંગ કરવામાં આવે છે. વધુમાં, યાકુઝાએ ખુદ પોતાની કંપનીઓ સંગઠિત કરીને, ઘણો નફો કમાતા વેપારીઓ પાસેથી પૈસા પડાવીને, અને ગુનાના સંઘોનું પરદેશમાં જોડાણ કરીને, જાપાનના અર્થતંત્રમાં ઊંડે સુધી પગપેસારો કર્યો છે.
હૉંગ કૉંગ અને તાઈવાનમાં સ્થાયી ગુનાહિત સંગઠનો પણ સમગ્ર જગત પર જાળ પાથરી રહ્યા છે. તેઓનું નામ, ત્રિપુટી, એ સિવાય તેઓ કઈ રીતે સંગઠિત છે એ વિષે ખૂબ ઓછી માહિતી જાણમાં છે. તેઓનો ઇતિહાસ ૧૭મી સદીમાં લઈ જાય છે, જ્યારે ચીન પડાવી લેનાર મેન્ચુરિઅનોની સામે ચીની સાધુઓ સંગઠિત થયા. જો કે તેઓની સંખ્યા હજારોની છે છતાં, એમ કહેવામાં આવે છે કે હૉંગ કૉંગમાંની ત્રિપુટીએ ખાસ ગુના અથવા ગુનાઓની શૃંખલા માટે હંગામી જૂથની રચના કરીને પોતાની ઓળખનું પગેરું કાઢવા પોલીસ માટે અઘરું બનાવી દીધું. તેઓ હેરોઈનની હેરાફેરી કરીને અબજો ડૉલર કમાય છે અને હૉંગ કૉંગને બનાવટી ક્રેડીટ કાર્ડનું કેન્દ્ર બનાવી દીધું છે.
વિલિયમ ક્લેઈનક્નેક્ટ પોતાના પુસ્તક ધ ન્યૂ એથનિક મોબ્સમાં યુનાઇટેડ સ્ટેટ્સમાંના ગુના વિષે લખે છે: “સંગઠિત ગુનાના નવા જગતમાં, ચીની લોકો કરતાં અહીંની જાતિનાં જૂથોનું ભાવિ ઊજળું નથી. . . . ગુનેગાર ચીની વૃંદો ઝડપભેર દેશ ફરતેનાં શહેરોમાં સત્તા મેળવી રહ્યા છે. . . . તેઓ ન્યૂયૉર્કમાંના માફિયાથી ફક્ત બીજે જ સ્થાને છે.”
હૉંગ કૉંગમાંથી પરિણમતી ગેરકાયદેસરની હેરાફેરીના બીજા એક પ્રકાર વિષે, યુ.એસ. ન્યાય ખાતાના અધિકારી કહે છે: “પરદેશીઓને ગેરકાયદેસર દેશમાં લાવવા એ સંગઠિત ગુનાનું નિદર્શન છે.” કેટલાક અધિકારીઓ અંદાજે છે કે દર વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે ૧,૦૦,૦૦૦ ચીની લોકો પ્રવેશે છે. લાક્ષણિક ગેરકાયદેસરના પરદેશી વસાહતીએ પોતે ધનાઢ્ય દેશમાં આવવા માટે ઓછામાં ઓછા ૧૫,૦૦૦ ડૉલર ચૂકવવા પડે છે, જેમાંના મોટા ભાગના એ દેશમાં આવ્યા પછી જ ચૂકવે છે. આમ, ઘણા પરદેશી વસાહતીઓ માટે તેઓના સપનાના દેશનું જીવન અતિ મુશ્કેલીભર્યુ અને વેશ્યાગૃહમાંનું બળજબરીનું ભીષણ સ્વપ્ન બની જાય છે.
તમે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયા ન હોવ, એટલે તમને લાગતુ હોય શકે કે તમે સંગઠિત ગુનાથી અસર પામતા નથી. પરંતુ શું હકીકત એમ છે? કેટલાક ખંડોમાં રહેતા કેફી પદાર્થના ઘણા બંધાણીઓ દક્ષિણ અમેરિકાના કેફી પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરનારા જૂથ દ્વારા પૂરા પાડવામાં આવતા કેફી પદાર્થો માટે ચૂકવવા ગુના તરફ વળે છે. સંગઠિત ગુના કરનારાઓ ખાતરી કરે છે કે જાહેર સેવાઓના કરાર એવી જ વેપારી પેઢીઓને આપવામાં આવે જેઓ આ જૂથ સાથે ભળેલા હોય; પરિણામે, નાગરિકો વધુ ચૂકવે છે. સંગઠિત ગુના પરની કામગીરી માટે નીમાયેલા મુખ્ય જૂથે એક વાર જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં, “સંગઠિત ગુનાઓ જ ચોરી, જોરજુલમ, લાંચ, ભાવતાલ કરવા, અને વેપાર પર અંકુશ ધરાવવાથી ભાવ મચકોડે છે” અને ગ્રાહકોને માફિયાઓને “વધારાના પૈસા કહી શકાય” એ ચૂકવવા બળજબરી કરવામાં આવે છે. તેથી, ગુનાની અસરોથી કોઈ છટકતું નથી. આપણે સર્વ નાણાકીય રીતે વેઠીએ છીએ.
પરંતુ આજે સંગઠિત ગુના શા માટે ફૂલેફાલે છે?
માફિયા—એના ઉદ્ભવો “મધ્ય યુગના અંત દરમિયાન સીસીલીમાં માફિયા ઊભા થયા, જ્યાં સંભવિતઃ તેઓની શરૂઆત ગુપ્ત સંગઠન તરીકે ટાપુના વિવિધ પરદેશી વિજેતાઓ—દા.ત., સૅરસન, નોર્મનો, અને સ્પેનિશોનું શાસન ઊથલાવી નાખવા સમર્પિત થઈ હોય શકે. માફિયા પોતાના ઉદ્ભવ માટે ઘણી નાની છૂપી ફોજ, અથવા માફી, જેઓને ગેરહાજર જમીનદારો પોતાની સ્થાવર મિલકતનું, સદીઓથી મોટા ભાગના સીસીલીમાં પ્રચલિત નિયમવિહીન પરિસ્થિતિમાંના ધાડપાડુઓથી રક્ષણ કરવા કામે રાખતા, તેઓના આભારી છે જેમાંથી તેઓએ પોતાના સભ્યો મેળવ્યા. અઢાર અને ઓગણીસમી સદીઓ દરમિયાન, આ છૂપી ફોજમાંના શક્તિશાળી ગુંડાઓએ પોતાને સંગઠિત કર્યા અને એટલા સમર્થ બન્યા કે તેઓ જમીનદારો વિરુદ્ધ થયા અને ઘણી મિલકતો પર એકમાત્ર માલિક બની બેઠા, અને આ માલિકોના પાકનું રક્ષણ કરવા માટે જમીનદારો પાસેથી જોરજુલમે પૈસા પડાવવા માંડ્યા.” (ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા) રક્ષણાર્થે પૈસા જોરજુલમથી પડાવવા એ તેઓની કાર્યપદ્ધતિ બની ગઈ. તેઓ પોતાની એ રીતો યુનાઇટેડ સ્ટેટ્સ લઈ ગયા, જ્યાં તેઓ જુગાર, મજૂરને લગતી ચાલબાજી, નાણાં ઘણા વ્યાજે ધીરવા, કેફી પદાર્થોની હેરાફેરી, અને વેશ્યાગીરીમાં સંડોવાયા.