શા માટે સંગઠિત ગુના ફૂલેફાલે છે?
યુ.એસ. પ્રતિબંધિત યુગ (૧૯૨૦-૩૩)ના કુખ્યાત સરદાર, અલ કેપોને દાવો કર્યો કે તે તો ફક્ત ગ્રાહકોનો પુરવઠો અને માંગ પૂરી કરનાર વેપારી હતો. જાપાનમાંના સૌથી મોટા યાકુઝા સંઘના વકીલે કહ્યું: “તમે નકારી નહિ શકો કે [જાતીયતા, કેફી પદાર્થો, અને જુગાર] પ્રવૃત્તિઓ માટે સખત માંગ છે.” એવી માંગ સંગઠિત ગુનાને પોષણ આપે છે. કોઈ પણ ગુનાનો ભોગ બનવા માંગતુ નથી છતાં, કેટલાક જણ ગુનાહિત સંગઠનો તરફ વળે અને પોતાને તેઓની સેવા માટે પ્રાપ્ય બનાવી પણ શકે.
દાખલા તરીકે, રક્ષણની ચાલબાજી લો જેનો કેટલાક દેશોમાં ગુંડાટોળકી આવકના ઉદ્ભવ તરીકે ઉપયોગ કરે છે. જો કે કેટલીક વાર તેઓ પ્રમાણિક દુકાનદારોને પણ નિશાન બનાવે છે છતાં, તેઓ સામાન્યપણે અપ્રમાણિક ધંધા ચલાવનારાઓને શિકાર બનાવે છે. શીન્યુકુ, ટોકિયોની હૉટલમાં રમત ખંડના પડદા પાછળ પોતાનો ધંધો ચલાવનાર કેસિનો માલિકે કહ્યું કે: “એક કારકુનનું ચપ્પુ વડે ખૂન થયું, અને ર૦ લાખ [યેન (૨૦,૦૦૦ ડૉલર)]ની લૂંટ થઈ. પરંતુ અમે પોલીસને બોલાવીશું નહિ.” શા માટે નહિ? “અમે ગેરકાયદેસરની પ્રવૃત્તિ (જુગાર)માં પરોવાયેલા હોવાથી, અમારે પોલીસના ચક્કરમાં પડવું નથી. અમારી દુકાનમાં ગ્રાહક દાદાગીરી કરે ત્યારે, અમે યાકુઝાને બોલાવીએ છીએ.” આ કેસિનો ચલાવનાર યાકુઝાને દર મહિને ૪,૦૦૦ ડૉલર ચૂકવે છે, પોતે એ સમય દરમિયાન પોતાની ગેરકાયદેસરની કાર્યવાહીથી ૩,૦૦,૦૦૦ ડૉલરનો નફો બનાવે છે એની સરખામણીમાં એક નાનું સરખું મહેનતાણું. એ પૈસા ક્યાંથી આવે છે? ગેરકાયદેસરના જુગારનો આનંદ માણનારાઓના ખિસ્સામાંથી.
આદરણીય વેપારધંધાઓ જેઓ મુશ્કેલીઓ ટાળવા માંગે છે તેઓ વિષે પણ એમ જ છે. ન્યૂયૉર્કની સત્તા અંદાજે છે કે વર્ષે ૧ કરોડ પ૦ લાખ ડૉલરની કમાણી કરનાર રંગકામના કોન્ટ્રાક્ટરોએ ગુંડાટોળકી રાખીને ૩૮ લાખ ડૉલર બચાવ્યા. એનાથી કોન્ટ્રાક્ટરોને ઓછા-પગારવાળા મજૂરો મળ્યા અને ગુંડાઓના અંકુશ હેઠળના મજૂર સંઘનો સામનો ટાળ્યો. જાપાનમાં, આર્થિક સમૃદ્ધિના સમયગાળા દરમિયાન, નાણાના નિષ્ણાતોએ તેઓના નાણાં સ્થાવર મિલકતોમાં નાખ્યા, અને આલિશાન ઇમારતો બાંધવા જૂનાં ઘરો તથા દુકાનો તોડીને રસ્તો કર્યો. રહેવાસીઓ સ્થળાંતર કરતા નહિ અથવા પોતાની જમીન વેચતા નહિ ત્યારે, નાણાના નિષ્ણાતો તેઓને બળજબરીથી કાઢી મૂકવા જીઆગ્યાને બોલાવતા જે મોટે ભાગે યાકુઝા-સંબંધિત કંપનીઓ હતી.
યાકુઝાએ ૮૦ના દાયકા દરમિયાન જોયું કે પૈસા ઊપાડીને પૈસા કમાવા કેટલું સહેલું હતું ત્યારે, તેઓએ કંપનીઓ ઊભી કરી અને સ્થાવર-મિલકત અને શૅરના વેપારમાં ડૂબી ગયા. બૅંકો અને નાણાકીય સંસ્થાઓએ, દેખીતી રીતે જ તેઓના પોતાના નફાને ધ્યાનમાં રાખીને આ કંપનીઓમાં નાણાં રોક્યા. પરંતુ આખરે પરપોટો ફૂટ્યો ત્યારે, બૅંકોને પોતાના પૈસા પાછા મેળવવામાં ઘણી જ મુશ્કેલી નડી. જાપાનમાં વ્યાપારમાં મંદીના ચાલુ રહેવા વિષે વાત કરતા, એ માજી પોલીસ અધિકારીએ ન્યૂઝવીકમાં કહ્યું: “શા માટે લોન-પરત કરવાની સમસ્યા જલદીથી ઉકેલાતી નથી એનું ખરું કારણ એ છે કે એમાંના મોટા ભાગના સંગઠિત ગુના સાથે સંકળાયેલા છે.”
ખરેખર, લોકો ગમે તે ભોગે પોતાની લાલસા તૃપ્ત કરવા આતુર હોય છે ત્યાં, સંગઠિત ગુના મૂળ ઘાલે છે અને ફૂલેફાલે છે. મોજમઝા, જાતીયતા, અને પૈસાનો લોભ કેફી પદાર્થોની બળજબરી, વેશ્યાગીરી, જુગાર, અને ઘણા વ્યાજે લોન આપવી વગેરે માટે વાતાવરણ તૈયાર કરે છે. આવી પ્રવૃત્તિઓમાં સંડોવાવાનો અર્થ સામાન્યપણે ગુંડાઓને પોષવું અને સમૃદ્ધ બનાવવું થાય છે. એ કેટલું સાચું છે કે સંગઠિત ગુના જેઓ ખુદ પોતાની દૈહિક વાસનાઓ તૃપ્ત કરવા કૃતનિશ્ચયી છે તેઓની માંગ પૂરી કરે છે!
કૃત્રિમ કુટુંબ વ્યવસ્થા
ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માંગ ઉપરાંત, આજે બીજી એક જરૂરિયાત છે જેમાં સંગઠિત ગુના ફૂલેફાલે છે. જાપાનમાંના સૌથી મોટા યાકુઝા સંઘના તાજેતરમાં મરણ પામેલા આગેવાને આગ્રહ રાખ્યો કે તે બહારવટિયાઓને રાખતો હતો અને તેઓની કાળજી લેતો હતો અને એમ કરીને તેઓને અધમ બનતા અટકાવતો હતો. તેણે દાવો કર્યો કે તે પોતે ટોળકીના સભ્યોનો પિતા હતો. ભલે ગમે તે રાષ્ટ્રના હોય, મોટા ભાગના ગુનાહિત સંઘો, પોતાનાં સંગઠનો આવા કૃત્રિમ કૌટુંબિક સંબંધો પર બાંધે છે.
દાખલા તરીકે, ચાઇ સનનોa વિચાર કરો, જે હૉંગ કૉંગમાંના ગરીબ કુટુંબમાંથી આવે છે. તેનો પિતા તેને વારંવાર નજીવા કારણોસર હિંસકપણે મારતો હતો. યુવક ચાઇ સન બળવાખોર બન્યો અને ૧૨ વર્ષની ઉંમરે કુખ્યાત ત્રિપુટીમાં જઈ પડ્યો. ગુનાહિત સંગઠનમાં, તેને “પોતાના ઘર” જેવું સ્થાન મળ્યું. સશસ્ત્ર લડાઈમાં તેની હિંમતને કારણે, તેને જલદી જ એવી સત્તા મળી જ્યાં તેની દેખરેખ હેઠળ અમુક માણસો કામ કરવા લાગ્યા. છેવટે, તે ફક્ત ૧૭ વર્ષનો જ હતો ત્યારે, તેને જેલ થઈ.
ચાઇ સનની જેમ ઘણા ઘરે જેની ગેરહાજરી હતી એ કૌટુંબિક બંધનની શોધમાં ગુનાહિત સંગઠનો તરફ વળે છે. સભ્યો કાળજી લેનારા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ યુવાનિયાઓ વારંવાર નિરાશા મેળવે છે જ્યારે તેઓને ખબર પડે છે કે દરેક સભ્ય મુખ્યત્વે પોતાનું જ હિત જોતો હોય છે.
પ્રકાશનો દૂત
જાપાનમાં એક સૌથી મોટો ગુના સંઘ ૧૯૯૨માં નવા ટોળકીવિરોધી નિયમ હેઠળ હિંસક વૃંદ તરીકે ઓળખાયો ત્યારે, એના સરદારોમાંના એકે જણાવ્યું કે વૃંદ પોતાને દુષ્ટતા સામે લડનાર “વીર” ગણે છે. કોબેમાં ૧૯૯૫માં ભયંકર ધરતીકંપ થયો ત્યારે, એ જ ટોળકીએ પોતાના પડોશીઓને ખોરાક, પાણી, અને અન્ય અગત્યની વસ્તુઓ વહેંચી હતી. “આવી ઉદારતા જાપાનમાં યાકુઝાની હાલની પ્રતિમાને આદરણીય બહારવટિયા તરીકે દૃઢ કરવા કુમકે આવે છે,” આસાહી ઈવનીંગ ન્યૂઝે અહેવાલ આપ્યો.
ગુનાહિત સંઘોના સરદારો ઘણી વાર પરોપકારી દેખાવ જાળવવાનો પ્રયત્ન કરે છે. આના કેરીગને ન્યૂઝવીકમાં લખ્યું કે પાબ્લો એસકોબર, કોલંબિયાના મેડેલીન કેફી પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓનો કુખ્યાત સરદાર, તેના શહેરના ઝૂંપડવાસીઓ માટે “કલ્પિત વ્યક્તિ—અમુક અંશે મસીહ, અમુક અંશે રોબિન હૂડ, તો અમુક અંશે પેટ્રોનના લગભગ સામંતના અર્થમાં ધર્મપિતા, તેમ જ માલિક” હતો. તેણે બાળકો માટે સ્કેટિંગનાં મેદાનો અને ગરીબો માટે સારાં ઘરો બનાવ્યાં, અને તેણે ફળિયામાં અટવાતા છોકરાઓને નોકરી આપી. તેની ઉદારતાથી લાભ મેળવનારાઓનો તે માનીતો હતો.
જે ગુનેગારો પોતાના સંઘોમાં સલામતપણે સંતાતા હોય એવું લાગતું હોય, છતાં તેઓ તો ફક્ત ગુનાહિત જગતના માલિકના હાથમાં રમકડાં માત્ર છે. બાઇબલ પ્રગટ કરે છે કે એ કોણ છે. “શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ લે તો તે કંઈ મોટી વાત નથી; તેઓનાં કામ પ્રમાણે તેઓનો અંત થશે.” (૨ કોરીંથી ૧૧:૧૪, ૧૫) આજે, મોટા ભાગના લોકો માનતા નથી કે શેતાન વાસ્તવિક વ્યક્તિ છે. ઓગણીસમી સદીના એક ફ્રેંચ કવિએ કહ્યું: “ડેવિલની ચાલાકીભરી તરકીબ તમને એમ મનાવવાની છે કે તે અસ્તિત્વ ધરાવતો જ નથી.” એ મંચ પાછળ છુપાઈ રહે છે અને ફક્ત ગુનેગારોના જગતમાં જ નહિ પરંતુ સમગ્ર જગતમાં જે ચાલી રહ્યું છે એનો કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે. “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે,” બાઇબલ સમજાવે છે. ઈસુએ શેતાનને “પ્રથમથી મનુષ્યઘાતક . . . જૂઠો, અને જૂઠોઠાનો બાપ” તરીકે ઓળખાવ્યો.—૧ યોહાન ૫:૧૯; યોહાન ૮:૪૪.
બાઇબલ ભવિષ્યવાણીઓ પ્રગટ કરે છે કે શેતાન ડેવિલ ખાસ કરીને ૧૯૧૪થી માંડીને સક્રિય રહ્યો છે. એ વર્ષથી તે પોતાની ટોળકીને દેવના લોકો વિરુદ્ધ યુદ્ધના ધોરણે તૈયાર કરી રહ્યો છે. તે માણસજાતને અંધાધૂંધીના વમળમાં ખેંચી રહ્યો છે. આજે ગુના અને ગુનેગારોનાં સંગઠનો ફૂલેફાલે છે એનું સૌથી આગવું કારણ તે જ છે.—પ્રકટીકરણ ૧૨:૯-૧૨.
પૃથ્વીના ગુનેગારોનાં સંગઠનો પાછળ રહેલા આ ભેજાબાજને કદી પણ દૂર કરવામાં આવશે? શું કદી પણ માણસજાત શાંતિ અને વ્યવસ્થાનો આનંદ માણી શકશે? આજે પૃથ્વી પર શેતાને ઊભા કરેલા દુષ્ટ સામ્રાજ્યમાંથી તમે મુક્ત થઈ શકો?
[Footnotes]
a સમાવિષ્ટ વ્યક્તિઓની સલામતીને કારણે કેટલાંક નામો બદલવામાં આવ્યાં છે.