સંગઠિત ગુનામાંથી મુક્ત થવું “હું યાકૂઝા હતો”
“પપ્પા, તમે ઘરે આવશો ત્યારે, આપણે સભાઓમાં સાથે જઈશું. વચન આપો, તમે આવશો ને?” હું ત્રીજી વખત જેલમાં હતો ત્યારે આ પત્ર મેં મારી બીજી દીકરી પાસેથી મેળવ્યો. તે મારી પત્ની સાથે યહોવાહના સાક્ષીઓની સભામાં નિયમિતપણે હાજરી આપતી હતી. મારા કુટુંબ તરફથી મળતા પત્રો જ ફક્ત મારા દિલાસાના ઉદ્ભવ હોવાથી, મેં તેને વચન આપ્યું કે તે કહે છે એ પ્રમાણે હું કરીશ.
‘શા માટે હું ગુનાહિત જીવન જીવી રહ્યો છું કે જે મને મારા કુટુંબથી દૂર લઈ જાય છે?’ મેં વિચાર્યું. હું નાનો હતો એ દિવસો યાદ કર્યા. હું ફક્ત ૧૮ મહિનાનો હતો ત્યારે મારા પિતા મરણ પામ્યા, તેથી મને તેમનો ચહેરો પણ યાદ નથી. એ પછી મારી માતાએ બે વાર લગ્ન કર્યું. આવા કૌટુંબિક સંજોગોએ મને ઊંડી અસર કરી, અને માધ્યમિક શાળામાં મેં ગુંડા જેવા લોકો સાથે સંગત રાખવાની શરૂ કરી. હું હિંસક બન્યો અને ઘણી વાર શાળા બહાર મારામારીઓમાં જોડાયો. હું માધ્યમિક શાળાના બીજા વર્ષમાં હતો ત્યારે, મેં બીજા વૃંદ સાથે લડવા વિદ્યાર્થીઓનું વૃંદ સંગઠિત કર્યું. પરિણામે, મારી ધરપકડ કરવામાં આવી અને થોડા સમય માટે સુધારણા સંસ્થામાં મોકલવામાં આવ્યો.
હું હિંસાના જીવન તરફ ગબડતા જતા દડા જેવો હતો. ટૂંક સમયમાં જ, મેં ગુનેગાર મંડળની રચના કરી, અને અમે યાકૂઝા કાર્યાલયના આસપાસ સમય પસાર કરતા. અઢાર વર્ષેની વયે, હું એ વૃંદનો પૂરેપૂરો સભ્ય બન્યો. હું ૨૦ વર્ષનો હતો ત્યારે, મને વિવિધ હિંસક કાર્યો માટે પકડવામાં આવ્યો, અને ત્રણ વર્ષ જેલની સજા કરવામાં આવી. પ્રથમ, મને નારામાંની તરુણોની જેલમાં મૂકવામાં આવ્યો, પરંતુ મારું વર્તન સુધર્યું નહિ. તેથી મને બીજી પુખ્ત વ્યક્તિઓની જેલમાં મોકલવામાં આવ્યો. પરંતુ હું વધુ ખરાબ થતો ગયો અને છેવટે ક્યોટોમાંની હઠીલા ગુનેગારોની જેલમાં પહોંચ્યો.
‘શા માટે હું આવા ગુનાઓ કરવાનું ચાલુ રાખું છું?’ મેં પોતાને પૂછ્યું. હવે હું ભૂતકાળમાં નજર કરું છું, હું સમજુ છું કે એ મારી નાદાન દલીલોના કારણે હતું. એ સમયે, મને લાગ્યું કે આ પ્રકારનું વર્તન પુરુષને છાજે એવી મારી મર્દાનગી સાબિત કરતુ હતું. હું ૨૫ વર્ષની વયે જેલમાંથી છૂટ્યો ત્યારે, ગુંડાટોળકીના સભ્યો મને માનની દૃષ્ટિથી જોવા લાગ્યા. હવે મારા માટે ગુનાના જગતમાં ઉચ્ચ સત્તા લેવાનો માર્ગ ખુલ્યો હતો.
મારા કુટુંબના પ્રત્યાઘાતો
લગભગ એ સમયે હું પરણ્યો, અને ટૂંક સમયમાં જ અમને બે દીકરીઓ થઈ. છતાં મારું જીવન બદલાયું નહિ. હું મારા ઘર અને પોલીસ વચ્ચે આવ-જાવ કરતો રહ્યો—હું લોકોને મારતો અને જોરજુલમ કરતો હતો. દરેક ઘટનાએ મને મારી ટોળકીના સભ્યોનો અને બોસનો આદર જીતવામાં મદદ કરી. છેવટે, મારાથી અનુભવી યાકૂઝા “ભાઈ” ટોળકીમાં મુખ્ય સ્થાને પહોંચી અને બોસ બન્યો. મને બીજા નંબરનો બનવામાં ગર્વ હતો.
‘મારા જીવન માર્ગ વિષે મારી પત્ની અને દીકરીઓને કેવું લાગતુ હશે?’ મેં વિચાર્યું. તેઓ માટે એક ગુનેગાર પતિ અને પિતા તરીકે હોય એ જરૂર શરમજનક હશે. ફરીથી હું ૩૦ અને ૩૨ વર્ષની ઉંમરે જેલમાં ગયો. આ સમયે, જેલમાં ત્રણ વર્ષનો સમય કાઢવો ખરેખર મુશ્કેલ હતો. મારી દીકરીઓને મારી મુલાકાત લેવાની પરવાનગી ન હતી. હું તેઓની સાથે વાત કરવાનું અને તેઓને આલિંગન આપવાનું ખૂબ યાદ કરતો હતો.
મેં જેલમાં આ છેલ્લીવાર સજા ભોગવી લગભગ એ જ સમયે, મારી પત્નીએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. દિનોદિન તે મને પોતે જે સત્ય શીખી રહી હતી એ વિષે લખતી. ‘આ સત્ય શું છે જેના વિષે મારી પત્ની વાત કરે છે?’ મેં પોતાને પૂછ્યું. જેલમાં જ મેં આખું બાઇબલ વાંચી નાખ્યું. મેં મારી પત્ની તેના પત્રોમાં ભાવિની આશા વિષે અને દેવના હેતુ વિષે કહેતી હતી એ વિચાર્યું.
પૃથ્વી પર પારાદેશમાં જીવવાની આશા આકર્ષક હતી કારણ કે મૃત્યુ ખરેખર મને ડરાવતું હતું. હું હંમેશા વિચારતો, ‘જે મરે તે ગુમાવે.’ ભૂતકાળમાં જોતાં, મને ખ્યાલ આવે છે કે એ તો મરણનો ભય હતો જેણે બીજા મને હાનિ પહોંચાડે એ પહેલાં તેઓને હાનિ પહોંચાડવા વિવશ કરતો. મારી પત્નીના પત્રોએ પણ મને ગુંડાઓની દુનિયામાં પ્રગતિ કરવાના મારા ધ્યેયનું ખાલીપણું બતાવ્યું.
તેમ છતાં, હું સત્યનો અભ્યાસ કરવા પ્રેરાયો નહિ. મારી પત્નીએ યહોવાહને પોતાનું સમર્પણ કર્યું અને તેમની બાપ્તિસ્મા પામેલી એક સાક્ષી બની. મારા પત્રમાં હું તેઓની સાથે સભાઓમાં જવા સહમત થયો હતો છતાં, હું યહોવાહનો સાક્ષી બનવાનું વિચારતો ન હતો. હું અનુભવતો હતો કે મારી પત્ની અને દીકરીઓ મને પાછળ મૂકીને મારાથી દૂર જતા રહ્યા છે.
જેલમાંથી બહાર આવવું
છેવટે મારે જેલમાંથી બહાર નીકળવાનો દિવસ આવ્યો. નાગોયા જેલના દરવાજા પર, ટોળીના ઘણા સભ્યો મને આવકારવા હરોળમાં ઉભા હતા. છતાં, લોકોના મોટા ટોળામાં, હું ફક્ત મારી પત્ની અને દીકરીઓને શોધતો હતો. સાડા ત્રણ વર્ષના સમયગાળામાં સારી એવી મોટી થઈ ગયેલી મારી દીકરીઓને જોતાં, મારી આંખમાં આંસુ આવી ગયા.
ઘરે જઈને બે દિવસ પછી, મેં મારી બીજા નંબરની દીકરીને આપેલું વચન પાડ્યું અને યહોવાહના સાક્ષીઓની સભામાં હાજરી આપી. હું હાજરી આપનાર સર્વનું આનંદિત વલણ જોઈને આશ્ચર્ય પામ્યો. સાક્ષીઓએ મારો ઉષ્માભર્યો આવકાર કર્યો, પણ મને અજુગતું લાગતું હતું. પાછળથી મેં જાણ્યું કે મને આવકાર્યો હતો તેઓ મારી ગુનાહિત પાશ્વભૂમિકા વિષે જાણતા હતા ત્યારે, હું મૂંઝાયો. તેમ છતાં, મેં તેઓની હૂંફ અનુભવી અને આપવામાં આવેલા બાઇબલ આધારિત વાર્તાલાપથી આકર્ષાયો. વાર્તાલાપ, લોકો પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવશે એ વિષે હતો.
મારી પત્ની અને દીકરીઓ પારાદેશમાં જીવતા રહેશે અને મારો નાશ થશે એ વિચારે મને ખૂબ દુઃખી બનાવ્યો. મારા કુટુંબ સાથે હંમેશ માટે જીવવા મારે શું કરવું જોઈએ એના પર મેં ગંભીરતાપૂર્વક મનન કર્યું. મેં એક ગુંડા તરીકેના મારા જીવનમાંથી મુક્ત થવાનું વિચાર્યું, અને બાઇબલ અભ્યાસ શરૂ કર્યો.
ગુનાહિત જીવનમાંથી મુક્ત થવું
મેં ગુંડાટોળકીની સભાઓમાં હાજરી આપવાનું બંધ કર્યું અને યાકૂઝા સાથેની સંગત ત્યજી દીધી. મારી વિચારસરણી બદલવી એ સહેલું ન હતું. હું ફક્ત આનંદ માટે મોટી ઇમ્પોર્ટેડ કારમાં ફરતો—એનાથી મારો અહમ્ સંતોષાતો. એ કાર વેચીને સાદા મોડલની કાર લેવાનો નિર્ણય કરતાં મને ત્રણ વર્ષ લાગ્યા. તેમજ બાબતોમાંથી સહેલો ઉપાય શોધવાનું પણ મારું વલણ હતું. તેમ છતાં, હું સત્ય શીખ્યો તેમ, હું જોઈ શક્યો કે મારે બદલાવું જોઈએ. પરંતુ યિર્મેયાહ ૧૭:૯ કહે છે તેમ, “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે.” હું કહી શકતો હતો કે સાચો માર્ગ કયો છે પરંતુ હું જે શીખતો હતો એ લાગુ કરવું અઘરું હતુ. હું જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો એ મોટા પહાડ જેવી લાગતી હતી. હું દુઃખી થયો, અને મેં ઘણી વાર અભ્યાસ છોડી દેવા અને યહોવાહનો એક સાક્ષી બનવાનું છોડી દેવાનું વિચાર્યું.
પછી, મારા બાઇબલ અભ્યાસ સંચાલકે મારા જેવી પાશ્વભૂમિકામાંથી આવેલા એક પ્રવાસી નિરીક્ષકને અમારા મંડળમાં જાહેર ભાષણ આપવા આમંત્રણ આપ્યું. મને ઉત્તેજન આપવા તે છેક ૪૦૦ માઇલ દૂર આવેલા અકીતાથી સૂઝૂકી પર આવ્યા. એ પછી, જ્યારે હું થાકી જઈ અને છોડી દેવાનું વિચારતો ત્યારે, મને તેમના તરફથી એવું પૂછતો પત્ર મળતો કે હું પ્રભુના રસ્તા પર સ્થિર ચાલી રહ્યો છું કે કેમ.
મેં યહોવાહને સતત પ્રાર્થના કરી કે યાકૂઝ સાથેના સર્વ બંધનોથી મુક્ત થવા મને મદદ કરે. મને વિશ્વાસ હતો કે યહોવાહ મારી પ્રાર્થનાનો જવાબ આપશે. એપ્રિલ ૧૯૮૭માં, હું છેવટે યાકૂઝા સંગઠનમાંથી નીકળી શક્યો. મારો ધંધો મને દર મહિને મારા કુટુંબથી દૂર પરદેશ લઈ જતો હોવાથી, મેં દેખરેખ રાખનારી નોકરી સ્વીકારી. એનાથી મારો બપોરનો સમય આત્મિક પ્રવૃત્તિઓ માટે ખાલી રહેતો. પહેલી વાર, મેં પરબીડિયામાં પગાર મેળવ્યો. એ ઓછો હતો, પણ એણે મને ઘણો ખુશ બનાવ્યો.
યાકૂઝા સંગઠનમાં હું બીજો દરજ્જે હતો ત્યારે, હું ભૌતિકરીતે ધનવાન હતો, પરંતુ હવે મારી પાસે આત્મિક સંપત્તિ છે જે જતી રહેશે નહિ. હું યહોવાહને જાણું છું. હું તેમના હેતુઓ જાણું છું. મારી પાસે જીવવાના સિદ્ધાંતો છે. કાળજી રાખે એવા મારા સાચા મિત્રો છે. યાકૂઝાની દુનિયામાં, ટોળકીના સભ્યો ઔપચારિક કાળજી રાખતા હતા, પરંતુ બીજાઓ માટે પોતાનું બલિદાન આપે એવા એક પણ યાકૂઝાને મેં જોયો નહિ.
ઑગસ્ટ ૧૯૮૮માં, મેં યહોવાહને મારા સમર્પણની સંજ્ઞારૂપે પાણીનું બાપ્તિસ્મા લીધુ અને એ પછીના મહિને, મેં મારું જીવન બદલનારા સુસમાચાર વિષે બીજાઓને જણાવવામાં ઓછામાં ઓછા ૬૦ કલાક પસાર કરવાનું શરૂ કર્યું. માર્ચ ૧૯૮૯થી હું નિયમિત પાયોનિયર તરીકે સેવા કરું છું અને મને હવે મંડળમાં સેવાકાઈ ચાકર તરીકે સેવા કરવાનો લહાવો પણ આપવામાં આવ્યો છે.
હું મારા યાકૂઝા જીવનની મોટા ભાગની યાદગીરીઓથી મુક્ત થઈ શક્યો છું. તેમ છતાં, એક હજુ રહે છે. એ મારા શરીર પરના છુંદણા છે જે મને, મારા કુટુંબને અને બીજાઓને, મારા યાકૂઝાના ભૂતકાળની યાદ દેવડાવે છે. એક વાર, મારી મોટી છોકરી શાળાએથી રડતી રડતી ઘરે આવી, અને કહેવા લાગી કે તે હવેથી શાળાએ નહિ જાય કારણ કે તેના મિત્રો તેને કહે છે કે હું યાકૂઝા હતો અને મને છુંદણા છે. હું મારી દીકરીઓ સાથે આ બાબતની ચર્ચા કરી શક્યો, અને તેઓ પરિસ્થિતિ સમજી શકી. હું એ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઉં છું જ્યારે પૃથ્વી પારાદેશ બનશે અને મારું શરીર “બાળકના કરતાં . . .નીરોગી થશે.” ત્યારે મારા છુંદણા અને યાકૂઝાના જીવનના ૨૦ વર્ષની યાદો ભૂતકાળ થઈ જશે. (અયૂબ ૩૩:૨૫; પ્રકટીકરણ ૨૧:૪)—યાસુઓ કાટાઓકાના કહ્યા પ્રમાણે
[Caption on page ૨૬]
હું એ દિવસની ઝંખના રાખું છું જ્યારે મારા છુંદણા દૂર કરવામાં આવશે
[Caption on page ૨૮]
મારા કુટુંબ સાથે રાજ્ય ગૃહે