યહોવાહના સાક્ષીઓ ગ્રીસમાં દોષમુક્ત થયા
સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
ક્રી તમાં આવેલા ગાઝી ગામના એક ઑર્થોડોક્ષ પાદરીએ તેના એક ભાષણ દરમિયાન જણાવ્યું: “યહોવાહના સાક્ષીઓ પાસે અહીં આપણા ગામમાં હૉલ છે. તેઓને કાઢી મૂકવા મને તમારા ટેકાની જરૂર છે.” થોડા દિવસ પછી એક સાંજે, અજાણી વ્યક્તિઓ દ્વારા રાજ્ય ગૃહની બારીઓ તોડી નાખવામાં આવી અને એના પર ગોળીબાર કરવામાં આવ્યો. આમ ગ્રીસમાં ધાર્મિક સ્વતંત્રતાનો વાદવિવાદ ફરી ઊભો થયો.
આ ઘટનાએ કીરીઆકોસ બક્ષેવાનીસ, વેસીલીસ હાટઝાકીસ, કોસ્ટાસ મેક્રીદાકીસ, અને તીતસ માનૌસાકીસ નામના ચાર સ્થાનિક સાક્ષીઓને શિક્ષણ અને ધર્મ વિષયક અધિકારી સમક્ષ ધાર્મિક સભાઓ ભરવાની પરવાનગી માટે અરજી કરવા પ્રેર્યા. તેઓ આશા રાખતા હતા કે પરવાનગી મેળવવાથી અંતે પોલીસ રક્ષણની ખાતરી મળશે. છતાં, બાબત એટલી સહેલી ન હતી.
પાદરીએ હીરેકલીઓનમાં સલામતી પોલીસના મુખ્ય મથકે પત્ર મોકલ્યો, જેમાં તેના વિસ્તારમાં યહોવાહના સાક્ષીઓના રાજ્ય ગૃહ તરફ સત્તાધારીઓનું ધ્યાન ખેંચ્યું અને અવરોધ મૂકવા તથા તેઓની સભાઓ પર પ્રતિબંધ લાદવાની માંગણી કરી. એ પોલીસ જાંચતપાસ અને પૂછપરછમાં પરિણમ્યું. અંતે, સરકારી વકીલે સાક્ષીઓ વિરુદ્ધ ફોજદારી કામગીરી આગળ ધપાવી, અને કેસ અદાલત સમક્ષ લાવવામાં આવ્યો.
ઑક્ટોબર ૬, ૧૯૮૭ના રોજ, હીરેકલીઓનની અદાલતે ચાર પ્રતિવાદીઓને એમ જણાવીને નિર્દોષ જાહેર કર્યા કે “તેઓ પર જેનો આરોપ મૂકાયો છે એવું કૃત્ય તેઓએ કર્યું નથી, કારણ કે ધર્મના સભ્યો સભાઓ ભરવા માટે મુક્ત છે . . . , કોઈ પરવાનાની જરૂર નથી.” તથાપિ, સરકારી વકીલે બે દિવસ પછી નિર્ણય આપવાની અરજ કરી, અને કેસ ઉચ્ચ અદાલત સમક્ષ લાવવામાં આવ્યો. ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૦ના રોજ, આ અદાલતે સાક્ષીઓને બે મહિનાની જેલ અને લગભગ ૧૦૦ ડૉલર દંડની સજા કરી. પાછળથી, પ્રતિવાદીઓએ ગ્રીક સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી.
માર્ચ ૧૯, ૧૯૯૧ના રોજ, સર્વોચ્ચ અદાલતે અરજી નકારી કાઢીને સજાના ઠરાવને સમર્થન આપ્યું. સપ્ટેમ્બર ૨૦, ૧૯૯૩ના રોજ કંઈક બે વર્ષ પછી, સર્વોચ્ચ અદાલતે નિર્ણય જાહેર કર્યો ત્યારે, રાજ્ય ગૃહ કાયદેસર બંધ કરવામાં આવ્યું. પોલીસ દસ્તાવેજોથી પ્રગટ થયું તેમ, આ કાર્ય પાછળ ક્રીતના ઑર્થોડોક્ષ ચર્ચનો હાથ હતો.
વર્ષ ૧૯૩૮માં ધાર્મિક સ્વતંત્રતા પર મર્યાદા મૂકવાના ઇરાદાથી પસાર કરવામાં આવેલા અમુક નિયમ, જે ગ્રીસમાં હજુ પણ માન્ય છે, એને કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી. એઓએ ઠરાવ્યું કે વ્યક્તિ ઉપાસનાનું સ્થળ ચલાવવા માંગતી હોય તો, તેણે શિક્ષણ અને ધર્મ વિષયક અધિકારી પાસેથી અને ઑર્થોડોક્ષ ચર્ચના સ્થાનિક બિશપનો પણ પરવાનો લેવો જ જોઈએ. ઘણાં દાયકાઓથી, આ અસ્ત થઈ ગયેલા નિયમો યહોવાહના સાક્ષીઓ માટે મુશ્કેલીઓનું કારણ બન્યા છે.
ધર્મની સ્વતંત્રતા, અને માનવ હક્કો
સર્વોચ્ચ અદાલતે તેઓની સજાને સમર્થન આપ્યું છે તે જાણીને, ચાર સાક્ષીઓએ ઑગસ્ટ ૭, ૧૯૯૧ના રોજ, સ્ટ્રેસ્બર્ગ, ફ્રાંસમાં યુરોપિયન કમિશન ઑફ હ્યુમન રાઈટ્સને અરજી કરી. અરજદારોએ દાવો કર્યો કે તેઓની સજા યુરોપિયન કન્વીકશનની ૯મી કલમનો ભંગ કરે છે, જે વિચાર, અંતઃકરણ અને ધર્મની સ્વતંત્રતા, તેમ જ વ્યક્તિ પોતાનો ધર્મ કે સમાજમાં બીજાઓ સાથે અને જાહેરમાં કે ખાનગીમાં આચરે એના હક્કનું રક્ષણ કરે છે.
મે ૨૫, ૧૯૯૫ના રોજ, કામગીરી સોંપાયેલા ૨૫ સભ્યોએ સર્વાનુમતે એ નિર્ણય લીધો કે આ કેસમાં ગ્રીસે યુરોપિયન કન્વીક્શનની કલમ ૯નો ભંગ કર્યો હતો. તેઓની ઘોષણા એવી હતી કે ચર્ચા હેઠળનો આ ઠરાવ ધાર્મિક સ્વતંત્રતાના આત્મા સાથે સુસંગત ન હતો અને લોકશાહી સમાજમાં તે જરૂરી નથી. કેસની સ્વીકાર્યતા તરીકે આ નિર્ણયે એ પણ જણાવ્યું: “અરજદારો . . . એવી ચળવળના સભ્યો છે જેના ધાર્મિક સંસ્કાર અને આચરણો વિસ્તૃતપણે જાણીતા અને ઘણા યુરોપિયન દેશોમાં માન્ય છે.” અંતે, કામગીરી કરનારાઓએ કેસ યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સને મોકલ્યો.
યહોવાહના સાક્ષીઓને નહિ રોકી શકાય
સુનાવણી મે ૨૦, ૧૯૯૬ના રોજ રાખવામાં આવી. અદાલતખંડમાં ૨૦૦ કરતાં વધુ લોકો હતા, જેમાં સ્થાનિક યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો હતાં, ખબરપત્રીઓ, અને ગ્રીસ, જર્મની, બેલ્જિયમ અને ફ્રાંસમાંથી અમુક યહોવાહના સાક્ષીઓ હતા.
શ્રીમાન ફેડોન વેગ્લેરીસ, જે એથેન્સની યુનિવર્સિટીમાંથી સન્માનસહિત નિવૃત્ત થયેલા પ્રાધ્યાપક અને સાક્ષીઓ માટે વકીલાત કરતાં હતાં, તેમણે જણાવ્યું કે જે કાર્યનીતિ વપરાઈ અને રાષ્ટ્રીય સત્તાઓ દ્વારા જે ન્યાય જાહેર થયો એણે ફક્ત યુરોપિયન સમજૂતીનો ભંગ કર્યો નથી પરંતુ ગ્રીસના રાજકીય બંધારણનો પણ ભંગ કર્યોં છે. “તેથી અદાલતે રાષ્ટ્રીય નિયમ અને એનું બંધારણ હાથમાં લીધુ છે.”
ગ્રીક સરકાર માટે વકીલ રાજ્ય સભાના ન્યાયાધીશ હતા, જેમણે, હકીકતની ચર્ચા કરવાને બદલે, ગ્રીસમાં ઑર્થોડોક્ષ ચર્ચનો રાજ્ય અને લોકો સાથેનો ગાઢ સંબંધ, અને બીજા ધર્મો પર નજર રાખવાની કહેવાતી જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો. વધુમાં, તેમણે જણાવ્યું કે ૧૯૬૦થી માંડીને, યહોવાહના સાક્ષીઓએ તેઓની સંખ્યા વધારવામાં મોટી સફળતા મેળવી છે. બીજા શબ્દોમાં, ઑર્થોડોક્ષ એકાધિકારને સફળતાપૂર્વક પડકારવામાં આવ્યો!
ધાર્મિક સ્વતંત્રતાને સમર્થન
ચુકાદો સપ્ટેમ્બર ૨૬ના રોજ જાહેર થશે. ખાસ કરીને યહોવાહના સાક્ષીઓ મધ્યે આતુરતા છવાઈ ગઈ. ચેમ્બરના પ્રમુખ, શ્રી. રુડોલ્ફ બર્નહાર્ટે, નિર્ણય વાંચ્યો: નવ ન્યાયાધીશોની બનેલી અદાલતે, સર્વાનુમતે ઠરાવ્યું કે ગ્રીસે યુરોપિયન સમજૂતીની ૯મી કલમનું ઉલ્લંઘન કર્યું હતું. તેણે એ પણ ચુકાદો આપ્યો કે અરજદારોને આશરે ૧૭,૦૦૦ ડૉલર જેટલુ વળતર ખર્ચ પેટે ચૂકવવું. સૌથી મહત્ત્વનું તો, નિર્ણયમાં ધાર્મિક સ્વતંત્રતાની તરફેણમાં ઘણી નોંધપાત્ર દલીલોનો સમાવેશ થતો હતો.
અદાલતે નોંધ લીધી કે ગ્રીક નિયમ “ધાર્મિક સ્વતંત્રતાની બાબતમાં રાજનૈતિક, વહીવટી અને ધાર્મિક અધિકારીઓના હસ્તક્ષેપને” પરવાનગી આપે છે. તેણે ઉમેર્યું કે પરવાનો મેળવવાની પદ્ધતિનો ઉપયોગ રાજ્ય દ્વારા “અમુક ચળવળોની, ખાસ કરીને યહોવાહના સાક્ષીઓની ધાર્મિક માન્યતાઓ પર કડક, અથવા ખરેખર પ્રતિબંધક શરતો લાદવા” કરવામાં આવ્યો હતો. ઘણા દાયકાઓથી ઑર્થોડોક્ષ ચર્ચની પ્રખર યુક્તિઓ આ આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા ખુલ્લી પાડવામાં આવી.
અદાલતે ભાર મૂક્યો કે “સમજૂતીમાં વચન અપાયેલી ધર્મની સ્વતંત્રતાના હક્કમાં રાજ્યને એવો કોઈ નિર્ણય કરવાથી બાકાત રાખવામાં આવે છે કે ધાર્મિક માન્યતાઓ અથવા એ માન્યતાને વ્યક્ત કરવાની રીત કાયદેસર છે કે કેમ. એણે એ પણ જણાવ્યું કે “યહોવાહના સાક્ષીઓ ગ્રીક નિયમ હેઠળ આપવામાં આવેલી ‘સ્વીકૃત ધર્મ’ની વ્યાખ્યામાં બંધબેસે છે . . . તદુપરાંત આ સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો.”
ફક્ત રમૂજ નહિ
એ પછી થોડા દિવસો સુધી, મોટા ભાગના ગ્રીક મુખ્ય સમાચારપત્રોએ આ કેસ છાપ્યો. સપ્ટેમ્બર ૨૯, ૧૯૯૬ના રોજ, કથીમેરીનીની રવિવારની આવૃત્તિએ આ વિવેચન કર્યું: “ગ્રીક રાજ્ય તેને ‘ફક્ત રમૂજ’ ગણીને નકારવાનો પ્રયત્ન કરે છે તેમ, ‘કઠોર અસ્વીર’ જે સ્ટ્રેસબર્ગની માનવ હક્કોની યુરોપિયન કોર્ટ પાસેથી ‘ગાલ પર તમાચો’ મળ્યો છે એ વાસ્તવિકતા છે એવી વાસ્તવિકતા જે યોગ્ય સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધવામાં આવી. અદાલતે ગ્રીસને માનવ હક્કો પર સમજૂતીની કલમ ૯ની યાદ અપાવડાવી, અને સર્વાનુમતે ગ્રીક બંધારણને નાપસંદ ઠેરવ્યું.”
સપ્ટેમ્બર ૨૮, ૧૯૯૬ના રોજ એથેન્સના દૈનિક એથનોસે લખ્યું, કે યુરોપિયન કોર્ટે “ગ્રીસને દોષિત ઠરાવ્યું, અને તેના નાગરિકો, જેઓએ યહોવાહના સાક્ષીઓ હોવાને કારણે સહન કર્યું તેઓને વળતર આપવાનો હુકમ કર્યોં.”
અરજદારોના એક વકીલ, શ્રી.પેનોસ બીટસાક્ષીસે રેડિયો કાર્યક્રમમાં મુલાકાત આપી તેમણે કહ્યું: “આપણે ૧૯૯૬ના વર્ષમાં, ૨૧મી સદીના અંતમાં જીવી રહ્યા છીએ, અને એ દેખીતું છે કે ભેદભાવ, પજવણી કે ધાર્મિક સ્વતંત્રતાના મૂલાધાર હક્કના સંબંધમાં અધિકારીઓનો હસ્તક્ષેપ હોવો ન જોઈએ. . . . આ સરકારને પોતાની કાર્યનીતિ પુનઃતપાસવાની અને આ અર્થહીન ભેદભાવ બંધ કરવાની સારી તક છે, જેનો આ આધુનિક દિવસોમાં કોઈ હેતુ નથી.”
મનૌસાકીસ અને અન્યો વિ. ગ્રીસના કેસનો નિર્ણય આશાનું કિરણ આપે છે કે ગ્રીક રાજ્ય પોતાનું ધારાધોરણ યુરોપિયન કોર્ટના ચુકાદાના સુમેળમાં લાવશે, જેથી ગ્રીસમાંના યહોવાહના સાક્ષીઓ, અધિકારીઓ, પોલીસ કે ચર્ચના હસ્તક્ષેપ વગર ધાર્મિક સ્વતંત્રતાનો આનંદ માણી શકે. વધુમાં, ધાર્મિક સ્વતંત્રતાની બાબતે યુરોપિયન કોર્ટ દ્વારા ગ્રીક ન્યાયાલય વિરુદ્ધ આ બીજો ચુકાદો હતો.a
એ વિસ્તૃતપણે જાણીતુ છે કે યહોવાહના સાક્ષીઓ સરકારી “મુખ્ય અધિકારીઓને” દેવના શબ્દની વિરુદ્ધમાં ન હોય ત્યાં સુધી દરેક બાબતમાં આધીન રહે છે. (રૂમી ૧૩:૧, ૭) તેઓ કોઈ પણ રીતે જાહેર વ્યવસ્થા માટે ધમકીરૂપ બનતા નથી. એના બદલે, તેઓનાં પ્રકાશનો અને જાહેર સેવાકાર્ય દરેક જણને નિયમ પાળનારા નાગરિકો બનવા અને શાંતિપૂર્ણ જીવન જીવવા ઉત્તેજન આપે છે. તેઓનો પ્રમાણિક અને સુસ્થાપિત ધર્મ છે, અને એના સભ્યો તેઓના પડોશીઓના ભલા માટે ઘણી સહાય કરે છે. તેઓનો બાઇબલના ઊંચા નૈતિક સિદ્ધાંતોનો સ્વીકાર કરવાનો દૃઢનિશ્ચય અને તેઓનો પડોશીઓ માટેનો પ્રેમ જે ખાસ કરીને તેઓના બાઇબલ શૈક્ષણિક કાર્યમાં વ્યક્ત કરવામાં આવે છે એનાથી તેઓ રહે છે એવા ૨૦૦ કરતાં વધુ દેશોમાં હિતકર અસર ઉપજાવી છે.
આશા રાખવામાં આવે છે કે યુરોપિયન કોર્ટે લીધેલા નિર્ણયો ગ્રીસમાંના યહોવાહના સાક્ષીઓ અને બીજી સર્વ ધાર્મિક લઘુમતીઓ માટે ધાર્મિક સ્વતંત્રતા લાવશે.
[Footnotes]
a પ્રથમ નિર્ણય, ૧૯૯૩માં લેવામાં આવ્યો હતો, જે કોકીનાકીસ વિ. ગ્રીસનો હતો.—ધ વૉચટાવર સપ્ટેમ્બર ૧, ૧૯૯૩, પાન ૨૭ જુઓ.
[Caption on page ૧૨]
સપ્ટેમ્બર ૨૦, ૧૯૯૩ના રોજ પોલીસ દ્વારા બંધ કરાયેલું મૂળ રાજ્ય ગૃહ
[Caption on page ૧૨]
સ્ટ્રેસબર્ગની યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સ
[Caption on page ૧૩]
સમાવિષ્ટ સાક્ષીઓ: ટી. માનૌસાકીસ, વી. હાટઝાકીસ, કે. મેક્રીદાકીસ, કે. બક્ષેવાનીસ