વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૪/૮ પાન ૧૯-૨૧
  • યુવાન લોકો પૂછે છે . . .

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુવાન લોકો પૂછે છે . . .
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • દાદાગીરી શું છે?
  • દાદાગીરી કરનાર બનવું
  • જીવનભરની અસરો
  • કઈ રીતે બદલાવવું
  • સ્કૂલમાં કોઈ હેરાન કરે તો હું શું કરીશ?
    ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
  • મારા બાળકને હેરાન કરવામાં આવે ત્યારે?
    કુટુંબ માટે મદદ
  • હેરાનગતિ થાય ત્યારે યહોવા પર ભરોસો રાખો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • બદલો લેવામાં શું ખોટું છે?
    સજાગ બનો!—૨૦૦૨
સજાગ બનો!—૧૯૯૭
g97 ૪/૮ પાન ૧૯-૨૧

યુવાન લોકો પૂછે છે . . .

દાદાગીરી કેટલી હાનિકારક? ‘અરે! હું તો ફક્ત મજાક કરતો હતો. એમાં શું થઈ ગયું છે? વળી, રોન એજ દાવનો છે.’

તમે તમારા સમોવડિયા કરતાં મોટા અને તાકાતવાળા હોય શકો. અથવા કદાચ તમે હોશિયાર, કટાક્ષપૂર્ણ અને આક્રમણાત્મક છો. ગમે તે હોય પણ, કોઈકને ધમકાવવું મજાક કરવી, અથવા કોઈકની હાંસી ઊડાવવી એ તમારામાં સહજતાથી આવી જતું હોય.

જોકે, બીજાઓ પર દાદાગીરી તમારા મિત્રોને હસાવી શકે છતાં, એ હળવી બાબત નથી. હકીકતમાં, કેટલાક સંશોધનકારોએ જોયું છે કે દાદાગીરી તેઓ ધારતા હતાં એ કરતાં એનો ભોગ બનનારને ઘણું નુકસાન પહોંચાડે છે. યુ.એસ. શાળા વયના યુવાનોના એક સર્વેમાં જણાયું કે “જેઓ પર દાદાગીરી થાય છે તેઓમાંના ૯૦ ટકાએ કહ્યું કે તેઓ આડ અસરો ભોગવે છે જેવી કે​—⁠ગુણમાં ઘટાડો, ચિંતામાં વધારો, મિત્રો ગુમાવવા અથવા સામાજિક જીવન નિરસ બનવું.” જાપાનમાં એક ૧૩ વર્ષિય તરુણ બાળકે “દાદાગીરીના ત્રણ વર્ષના અહેવાલ વાળી લાંબી નોંધ લખીને ફાંસો ખાધો.”a

વ્યક્તિને કઈ બાબત દાદાગીરી કરનાર બનાવી શકે? અને ખુદ તમે જ એ રીતે વર્તતા હો તો તમે કઈ રીતે બદલાઈ શકો?

દાદાગીરી શું છે?

બાઇબલ આપણને નુહના સમયના જળપ્રલય પહેલાં જીવતા, દાદાગીરી કરનારાઓ વિષે કહે છે. તેઓ મહાવીર [નેફેલીમ NW] કહેવાતા હતા​—⁠જે શબ્દનો અર્થ “બીજાઓને પાડી નાખનાર” થાય છે. તેઓના ત્રાસજનક શાસન દરમિયાન, “પૃથ્વી જુલમથી ભરપૂર હતી.”​—⁠ઉત્પત્તિ ૬:​૪, ૧૧.

તેમ છતાં, દાદાગીરી કરવાનો અર્થ કંઈ લોકોને મારવું કે બળજબરી કરવું જ થતો નથી. કોઈ પણ વ્યક્તિ જે બીજા લોકો​—⁠ખાસ કરીને જેઓ નિર્બળ અથવા નિઃસહાય લોકો​—⁠સાથે નિર્દયતાથી અને અપમાનજનક રીતે વર્તે છે તે દાદાગીરી કરનાર છે. (સરખાવો સભાશિક્ષક ૪:⁠૧.) દાદાગીરી કરનારાઓ ધમકી આપવાનો, ધાક બેસાડવાનો, અને હકૂમત ચલાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ મોટા ભાગના તેઓના મોંનો ઉપયોગ કરે છે, મુક્કાબાજીનો નહિ. હકીકતમાં, આ અત્યાચારમાં સૌથી વધુ લાગણીમય દાદાગીરી હોય છે. આમ એમાં અપમાન, કટાક્ષ, ઠેકડી ઉડાવવી અને ખીજ પાડવાનો સમાવેશ થઈ શકે.

છતાં, કેટલીક વખત, દાદાગીરી તરકટી હોય શકે. દાખલા તરીકે, લીસા સાથે જે બન્યું એનો વિચાર કરો.b તે તેની બહેનપણીઓ સાથે મોટી થઈ રહી હતી. પરંતુ તે ૧૫ વર્ષની થઈ ત્યારે, બાબતો બદલાવા લાગી. લીસા ખૂબ દેખાવડી બની અને ઘણાનું ધ્યાન આકર્ષવાનું શરૂ કર્યું. તે સમજાવે છે: “મારી સખીઓએ મને પડતી મૂકવાનું શરૂ કર્યું અને મારી ગેરહાજરીમાં​—⁠અથવા મારી સામે જ, મારા વિષે ખરાબ બાબતો કહેવા લાગી.” તેઓ તેનું નામ બગાડવાના પ્રયત્નમાં, તેના વિષે જૂઠાણું ફેલાવવા લાગી. હા, ઈર્ષાળુ બનીને તેઓ તેના પર કઠોરતાથી અને નિર્દયતાથી દાદાગીરી કરતા હતા.

દાદાગીરી કરનાર બનવું

આક્રમણાત્મક વર્તન ઘણી વાર ઘરની પરિસ્થિતિ સાથે સંબંધિત હોય છે. “મારા પિતા આક્રમણાત્મક હતા,” સ્કોટ નામના યુવાને કહ્યું, “તેથી હું પણ આક્રમણાત્મક હતો.” એરનનું કૌટુંબિક જીવન પણ મુશ્કેલ હતું. તે યાદ કરે છે: “મને ખબર હતી કે લોકો મારી કૌટુંબિક પરિસ્થિતિ વિષે જાણતા હતા​—⁠એ જુદી હતી​—⁠અને લોકો મારા પર દયા ખાય એ મને જરાય ગમતું ન હતું.” તેથી એરન રમતગમતમાં ભાગ લેતો ત્યારે, તેણે જ જીતવું એવી જીદ કરતો. પરંતુ ફક્ત જીત પૂરતી ન હતી. તે તેના પ્રતિસ્પર્ધીઓને​—⁠તેઓના પરાજયમાં કારમી હાર આપીને​—⁠શરમિંદા કરતો.

બીજી તર્ફે, બ્રેન્ટને, દેવનો ભય રાખનાર માબાપે ઉછેર્યો હતો. પરંતુ તે કબૂલે છે: “હું લોકોને હસાવતો, પરંતુ કેટલીક વખત હું જાણતો ન હતો કે ક્યારે રોકવું, અને હું કોઈકની લાગણીઓને ઈજા પહોંચાડતો.” બ્રેન્ટની મજાક કરવાની અને પોતા તરફ ધ્યાન ખેંચવાની ઇચ્છા બીજા લોકોની લાગણીઓનો અનાદર કરવા દોરી ગઈ.​—⁠નીતિવચન ૧૨:⁠૧૮.

બીજા યુવાનો ટેલિવિઝનથી અસર પામતા હોય એવું લાગે છે. ગુના સંબંધી કાર્યક્રમો ‘ખડતલʼની વાહવાહ કરે છે અને બતાવે છે કે જાણે દયાળુ બનવું મરદાનગી વગરનું છે. લોકપ્રિય કોમેડી કટાક્ષથી ભરપૂર હોય છે. સમાચાર અહેવાલો ઘણી વાર રમતગમતમાંના ઝઘડા અને અસભ્ય ભાષા ચમકાવે છે. આપણા મિત્રો પણ બીજાઓ સાથેના આપણા વ્યવહાર પર અસર કરી શકે. આપણા સમોવડિયાઓ દાદાગીરી કરનારા હોય ત્યારે, આપણી પોતાની પજવણી ટાળવા તેઓ સાથે આપણે ભળી જઈએ એ સહેલું હોય છે.

તમારી પરિસ્થિતિ ગમે તે હોય, તમે દાદાગીરીના દાવપેચનો ઉપયોગ કરતા હો તો, તમે ફક્ત તમારો ભોગ બનેલી વ્યક્તિને જ નુકસાન પહોંચાડતા નથી.

જીવનભરની અસરો

સાયકોલૉજી ટુડે સામયિક અહેવાલ આપે છે: “દાદાગીરી બાળપણમાં શરૂ થઈ શકે, પરંતુ તે પુખ્ત વયમાં પણ ચાલુ રહે છે.” ધ ડેલસ મૉર્નિંગ ન્યૂઝમાં પ્રકાશિત થયેલ એક સંશોધનને જાણવા મળ્યું કે “બીજા વર્ગની દાદાગીરી કરનાર તરીકે ઓળખાયેલા ૬૫ ટકા છોકરાઓ ૨૪ વર્ષની ઉંમરે ઘોર અપરાધમાં સામેલ હતા.”

સાચું, બધા દાદાગીરી કરનારાઓ ગુનેગારો બનતા નથી. પરંતુ બીજાઓની લાગણીઓને નકારવાની ટેવ પડવાથી તમારા જીવનમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે. લગ્‍ન જીવનમાં એ બાબત ચાલુ રહે તો, એ તમારા સાથી અને તમારાં બાળકો માટે તીવ્ર પીડાનું કારણ બની શકે. કામ આપનારાઓ બીજા સાથે સારો વ્યવહાર રાખી શકે તેઓની તરફેણમાં હોવાથી, તે તમને નોકરીની તક ન પણ આપે. એ જ રીતે ખ્રિસ્તી મંડળમાં ભાવિ લાભો પણ અટકાવવામાં આવી શકે. બ્રેન્ટ કહે છે, “ભાવિમાં, મને વડીલ તરીકે સેવા કરવા લાયક બનવાનું ગમશે, પરંતુ મારા પિતાએ મને એવું સમજવામાં મદદ કરી કે લોકો વિચારે કે હું કંઈક કટાક્ષપૂર્ણ કહીશ તો, તેઓ પોતાની સમસ્યા સાથે ક્યારેય મારી પાસે નહિ આવે.”​—⁠તીતસ ૧:⁠૭.

કઈ રીતે બદલાવવું

આપણે હંમેશા પોતાનો વાંક સ્પષ્ટપણે જોતા નથી. શાસ્ત્રવચનો આપણને ચેતવણી આપે છે કે કોઈ કોઈ વ્યક્તિ એ રીતે પણ વર્તી શકે કે “મારો અન્યાય પ્રગટ કરવામાં આવશે નહિ અને મારો ધિક્કાર થશે નહિ.” (ગીતશાસ્ત્ર ૩૬:૨) તેથી તમે તમારા માબાપને, વિશ્વાસુ મિત્રને અથવા પરિપક્વ ખ્રિસ્તીનો અભિપ્રાય પૂછી શકો. સત્ય દુઃખ પહોંચાડી શકે, પરંતુ એ જ તમને મદદ કરી શકે કે તમારે કયા બદલાણની જરૂર છે. (નીતિવચન ૨૦:૩૦) એરને કહ્યું, “ધ્યાનથી સાંભળવું એ એવી મહત્ત્વની બાબત છે જેણે મને મદદ કરી. પ્રમાણિક હતા તેઓએ મને હું ક્યાં ખોટો હતો એ મને જણાવ્યું. હું જે સાંભળવા માંગતો હતો એ બાબત હંમેશા ન હતી પરંતુ ખરેખર મને એની જ જરૂર હતી.”

આનો અર્થ શું એમ થાય કે તમારે તમારા આખા વ્યક્તિત્વમાં નાટકીય બદલાણ લાવવું પડશે? ના, સંભવિત: એ ફક્ત તમારી વિચારસરણી અને તમારા વર્તનમાં ફેરગોઠવણ કરવાની જરૂર હશે. (૨ કોરીંથી ૧૩:૧૧) દાખલા તરીકે, અત્યાર સુધી તમે પોતાને તમારા કદ, તાકાત, અથવા ચપળ બુદ્ધિને લીધે ચઢિયાતા ગણતા હોય શકો. પરંતુ બાઇબલ આપણને “નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા,” ઉત્તેજન આપે છે. (ફિલિપી ૨:⁠૩) એ સમજો કે બીજાઓનું કદ અને તાકાત ભલે ગમે તેવા હોય​—⁠છતાં તેઓ પાસે એવા પ્રશંસાપાત્ર ગુણો છે જે તમારી પાસે નથી.

તમારે પોતામાંથી આક્રમણાત્મક કે પ્રભુત્વ જમાવવાના વલણને દૂર કરવાની પણ જરૂર હોય શકે. “તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ રાખો,” એના પર કામ કરો. (ફિલિપી ૨:⁠૪) તમારે કંઈ કહેવાની બોલવાની જરૂર પડે તો, તોછડાઈથી, કટાક્ષપૂર્ણ કે અપમાનજનક રીતે ન બોલો.​—⁠એફેસી ૪:⁠૩૧.

તમને દાદાગીરી કરવાની લાલચ થાય તો, યાદ રાખો કે દેવે શક્તિશાળી નેફેલીમોનો નાશ કર્યો હતો. (ઉત્પત્તિ ૬:​૪-૭; ૭:​૧૧, ૧૨, ૨૨) સદીઓ પછી, હઝકીએલના દિવસોમાં, દેવે નિઃસહાય જનોને “હડસેલા” અને “શિંગડાંથી માથા” મારનારા દોષિતો પ્રત્યે ઘણો અણગમો વ્યક્ત કર્યો. (હઝકીએલ ૩૪:⁠૨૧) યહોવાહ દાદાગીરી કરનારાઓને ધિક્કારે છે એ જાણવું જરૂરી બદલાણો કરવા માટે શક્તિશાળી પ્રોત્સાહક હોય શકે!

બાઇબલ સિદ્ધાંતો પર પ્રાર્થનાપૂર્વક મનન કરવાથી પણ મદદ મળે છે. સોનેરી નિયમ જણાવે છે: “માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માત્થી ૭:૧૨) કોઈકના ઉપર ધાક બેસાડવાની લાલચ જાગે ત્યારે, પોતાને પૂછો: ‘શું મને ગમશે કે કોઈક દાદાગીરી કરે, ધાક જમાવે કે માનહાનિ કરે? તો પછી હું શા માટે બીજાઓ સાથે એ રીતે વર્તન કરું?’ બાઇબલ આપણને આજ્ઞા આપે છે કે “તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ.” (એફેસી ૪:૩૨) આ સંબંધી ઈસુએ સંપૂર્ણ ઉદાહરણ બેસાડ્યું. તે બધા માનવીઓ કરતાં ચઢિયાતા હતા છતાં, તે બધા સાથે દયા, અનુભૂતિ અને માનથી વર્ત્યા. (માત્થી ૧૧:​૨૮-૩૦) તમારે મોઢામોઢ કોઈકનો સામનો કરવો પડે જે તમારા કરતા નબળો હોય​—⁠અથવા તમને ચીડવી નાખતો હોય તો પણ એમ જ કરવાનો પ્રયત્ન કરો.

તેમ છતાં, તમારું આક્રમક વર્તન ઘરે તમારી સાથે જે વ્યવહાર થયો તેના ગુસ્સાની લાગણીઓમાંથી ઉદ્‍ભવે તો શું? અમુક કિસ્સાઓમાં, એવો ગુસ્સો વાજબી હોય શકે. (સરખાવો સભાશિક્ષક ૭:⁠૭.) તોપણ, બાઇબલ આપણને કહે છે કે ન્યાયી માણસ અયૂબને ચેતવણી મળી હતી: “સાવધ રહે; રખેને ક્રોધ તને આડે માર્ગે દોરીને તને મજાક કરવાને લલચાવે . . . સાવધ થા, અન્યાયનો વિચાર દૂર કર.” (અયૂબ ૩૬:​૧૮, ૨૧) તમારા પર અત્યાચાર થતો હોય તો, એ તમને બીજાઓ પર અત્યાચાર કરવાનો હક આપતું નથી. બાબતો વિષે તમારાં માબાપ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવો સારો અભિગમ હશે. તમે સખત દુર્વ્યવહારનો ભોગ બન્યા હો તો, કુટુંબ બહારના લોકોની મદદ વધુ ઇજાથી રક્ષણ મેળવવા જરૂરી બની શકે.

બદલાવું સહેલું ન પણ હોય શકે, પરંતુ એ શક્ય છે. બ્રેન્ટ કહે છે: “આ વિષે હું લગભગ દરરોજ પ્રાર્થના કરું છું, અને યહોવાહે મને સારા ગુણો વિકસાવવા મદદ કરી છે.” એ જ પ્રમાણે તમે પણ લોકો સાથેના વ્યવહારમાં સારા ગુણો વિકસાવો તેમ, એમાં કોઈ શંકા નથી કે લોકો તમને વધુ ચાહશે. યાદ રાખો, લોકો દાદાગીરી કરનારાઓથી ડરી શકે, પરંતુ વાસ્તવમાં તેઓ કોઈને ગમતા નથી.

[Footnotes]

a દાદાગીરીનો ભોગ બનેલાઓ કઈ રીતે પજવણી ટાળી શકે એની ચર્ચા માટે, અમારા ઑગસ્ટ ૮, ૧૯૮૯ના અંકમા “યુવાન લોકો પૂછે છે . . . હું શાળાના દાદાઓ વિષે શું કરી શકું?” લેખ જુઓ.

b કેટલાંક નામો બદલવામાં આવ્યાં છે.

[Caption on page ૨૦]

શબ્દોનો દુરુપયોગ દાદાગીરીનો એક પ્રકાર છે

[Caption on page ૨૧]

“દાદાગીરી બાળપણમાં શરૂ થઈ શકે, પરંતુ એ પુખ્ત ઉંમરમાં પણ ચાલુ રહે છે”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો