વિસ્મયકારક લીમડો
સજાગ બનો!ના નાઇજિરિયામાંના ખબરપત્રી તરફથી
“ગામડાંમાં દવાની દુકાન”—ભારતમાં લીમડાના ઝાડને લોકો એ જ કહે છે. આ દેશમાં સદીઓથી લોકોએ પીડા, તાવ અને ચેપી રોગમાં લીમડામાંથી રાહત મેળવી છે. લીમડો તેઓના લોહીને શુદ્ધ કરી શકે એવું વિચારીને ઘણા હિંદુઓએ દર વર્ષની શરૂઆતે લીમડાના પાન ખાવાનું શરૂ કર્યું છે. લોકો લીમડાની નાની ડાળખીથી પોતાના દાંત સાફ કરે છે, ચામડીના રોગ પર લીમડાના પાનનો રસ લગાવે છે અને દવા તરીકે લીમડાની ચા પીવે છે.
તાજેતરનાં વર્ષોમાં વૈજ્ઞાનિકોને લીમડામાં રસ વધ્યો છે. તેમ છતાં, લીમડો—વિશ્વવ્યાપી સમસ્યાઓ હલ કરવાનું એક ઝાડ (અંગ્રેજી) શીર્ષકવાળા એક વૈજ્ઞાનિક અહેવાલે ચેતવણી આપી: “શક્યતાઓ લગભગ અંત વિનાની છે છતાં, લીમડા વિષે હજુ કંઈ ચોક્કસ નથી. આ ઝાડ અને તેના ઉપયોગ વિષે ઉત્સાહી વૈજ્ઞાનિકો કબૂલે છે કે હાલના સમયમાં સાબિતી પાકી નથી.” તથાપિ, અહેવાલ એ પણ કહે છે: “બે દાયકાના સંશોધને ઘણા જ અભ્યાસો દ્વારા આશાજનક પરિણામો પ્રગટ કર્યાં છે કે લીમડો ધનવાન અને ગરીબ બંને દેશોને પુષ્કળ લાભ કરી શકે એમ છે. અરે કેટલાક વધારે પડતા સાબદા સંશોધકો પણ કહે છે કે ‘લીમડો અદ્ભુત ઝાડ કહેવડાવાને યોગ્ય છે.’”
એક ઝાડ તરીકે એની ભૂમિકા
લીમડો ગરમ પ્રદેશોમાં જોવા મળે છે, આ ફર્નિચર બનાવવાના ઝાડમાંનું એક છે. તે ૩૦ મીટર લાંબુ અને ૨.૫ મીટર સુધી જાડું થઈ શકે. એ ભાગ્યે જ પાંદડા વિનાનું હોવાથી, એ આખું વર્ષ છાંયડો આપે છે. એ ઝડપથી વધે છે. એને ઓછી દેખરેખની જરૂર છે. અને ઉજ્જડ જમીનમાં પણ ઝડપથી વધે છે.
આ સદીની શરૂઆતમાં એને પશ્ચિમ આફ્રિકામાં લઈ જવામાં આવ્યું કેમ કે એ છાંયડો આપી શકે અને દક્ષિણ તરફથી આવતા સહારા રણને અટકાવે. વનસંરક્ષકોએ ફિજી, મૉરિસિશ, સાઉદી અરેબી, મધ્ય અને દક્ષિણ અમેરિકા અને કૅરેબિયનના ટાપુઓ પર પણ આ ઝાડ રોપ્યાં છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, એરિઝોના, કૅલિફોર્નિયા અને ફ્લોરિડાના દક્ષિણ ભાગોમાં પ્રયોગાત્મક જમીન છે.
ગરમ પ્રદેશોમાં આખું વર્ષ છાંયડો પૂરો પાડવા ઉપરાંત, લીમડાને બાળવાના લાકડા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય. વધુમાં, એનું ઊધઈ-અટકાવનારું લાકડું બાંધકામ અને સુથારી કામ માટે ઉપયોગી છે. તેથી, એક ઝાડ તરીકે એની ઉપયોગીતાને આધારે મૂલ્યાંકન કરવામાં આવે તો લીમડો બહુ ઉપયોગી છે. પરંતુ એ તો ફક્ત શરૂઆત જ છે.
જીવજંતુઓ એને ધિક્કારે છે
લીમડાનાં પાન સંતાપજનક જીવજંતુઓ દૂર કરે છે એવું લાંબા સમયથી ભારતના લોકો જાણતા હોવાના કારણે, તેઓ પાંદડાં બિછાના, પુસ્તકો, કોઠીમાં, કબાટ અને અલમારીમાં મૂકે છે. સુદાનમાં તીડોની ગંજાવર મહામારી દરમિયાન તીડો લીમડાનાં પાંદડાં સિવાય બધા ઝાડનાં પાન ખાઈ ગયા એ જોવાથી, ૧૯૫૯માં જર્મનીમાં એક કીટવિજ્ઞાની અને તેના વિદ્યાર્થીઓ લીમડાના સંશોધનમાં પરોવાઈ ગયા.
ત્યાર પછી, વૈજ્ઞાનિકો શીખ્યા કે લીમડાના જટિલ કૅમિકલનો ભંડાર ૨૦૦ કરતાં વધારે જાતના જંતુઓ, તેમ જ વિવિધ અતિ સૂક્ષ્મ જંતુ, ઈયળો, ફૂગ, બેક્ટેરિયા અને અગણ્ય ઝેરી તત્વોને અસર કરે છે. એક પ્રયોગમાં, સંશોધકોએ વાસણમાં સોયાબીનના પાંદડાં સાથે જાપનીઝ ભમરા મૂક્યા. દરેક અડધા પાન પર લીમડાનો રસ છાંટવામાં આવ્યો. ભમરાઓ છંટકાવ નહિ કરેલાં પાનનો ભાગ ખાઈ ગયા, પરંતુ છંટકાવ કરેલો ભાગ ખાધો નહિ. હકીકતમાં, તેઓ છંટકાવ કરેલાં પાંદડાંના નાના ભાગને ખાવા કરતાં ભૂખમરાને કારણે મરી ગયા.
આવા પ્રયોગો બતાવે છે કે એક સસ્તા, સલામત અને સહેલાઈથી તૈયાર કરી શકાય એવા કીટાણુનાશક બનાવવાની શક્યતા છે જે અમુક કુત્રિમ કીટનાશકોનો વિકલ્પ હશે. દાખલા તરીકે, નીકારાગુઆમાં, ખેડૂતોએ લીમડાનાં બી છુંદીને પાણીમાં મિશ્રિત કર્યાં—એક લિટર પાણીમાં ૮૦ ગ્રામ બી. તેઓએ ૧૨ કલાક બીના છુંદાને પાણીમાં પલાળ્યો, બી ગાળીને બહાર કાઢ્યાં અને ત્યાર પછી પાણીને પાક પર છાંટ્યું.
લીમડાની બનાવટે લગભગ બધા જીવજંતુઓને સીધા મારી નાખ્યા નહિ. લીમડાના છંટકાવે જીવજંતુઓના જીવનકાળમાં ફેરફાર કર્યા, જેથી છેવટે, એ લાંબો સમય પોષણ મેળવી જન્મ પામે કે રૂપાંતર પામી શકે નહિ. લીમડાની બનાવટ જીવજંતુઓ માટે નુકશાનકારક છે પરંતુ, તેઓ પક્ષીઓને, જોમવંતા પ્રાણીઓને કે માનવીઓને નુકશાન કરતા નથી.
“ગામડાંમાં દવાની દુકાન”
ત્યાર પછી, માણસોને એના બીજા લાભો પણ છે. બી અને પાંદડાં એવું મિશ્રણ ધરાવે જે જંતુઘ્ન, ચેપ વિરોધી, અને ફુગી વિરોધી કાર્ય કરે છે. એવું સૂચન છે કે લીમડો શરીરના સોજાની બળતરા, લોહીનું દબાણ અને રોગિષ્ટ ચાંદા સામે લડી શકે છે. લીમડામાંથી બનાવેલી દવાઓ મધુપ્રમેહ અને મલેરિયા સામે લડત આપતી હોવાનું કહેવાય છે. બીજા સંભવિત લાભોમાં નીચેના પણ સમાયેલા છે.
જીવડાં દૂર કરનાર. સેલાનિન તરીકે ઓળખાતો લીમડાનો એક ભાગ અમુક કરડતાં જીવડાં દૂર કરવા માટે અસરકારક છે. માખી અને મચ્છર, બજારમાં તૈયાર મળતા લીમડાના તેલથી દૂર રહે છે.
દાંતની સફાઈ. કરોડો ભારતીયો દરરોજ સવારે લીમડાની નાની ડાળખી તોડે છે, એના ચાવીને નરમ બનાવી, અને ત્યાર પછી એને પોતાના દાંત અને અવાળા પર ઘસે છે. વૃક્ષની ઉપરની છાલનું મિશ્રણ અતિ જંતુઘ્ન હોવાથી, સંશોધને બતાવ્યું છે કે એ લાભદાયી છે.
ગર્ભનિરોધક ગુણધર્મ. લીમડાનું તેલ શુક્રાણુઓનો નાશ કરનાર છે અને પ્રયોગશાળામાં પ્રાણીઓના જન્મ દર ઘટાડવામાં અસરકારક પુરવાર થયું છે. વાંદરાઓ પર પ્રયોગ કરવાથી જાણવા મળ્યું કે લીમડાના મિશ્રણથી પુરુષો માટે ગર્ભનિરોધક ગોળીઓ પણ બનાવી શકાય.
સ્પષ્ટપણે, લીમડો સર્વસાધારણ ઝાડ નથી. ઝાડ વિષે વધુ જાણવામાં આવ્યું નથી છતાં, લીમડો મોટી આશા આપે છે—જંતુનાશક દવા બનાવવા, આરોગ્ય સુધારવા, જંગલ વધારવા, અને કદાચ વસ્તીવધારો અટકાવવા. એમાં કંઈ જ આશ્ચર્ય નથી કે લોકો અદ્ભુત લીમડાને “માણસજાતને દેવની ભેટ” કહે છે!
લીમડો, ઇનસેટમાં લીમડાનાં પાંદડાં