બાઇબલ શું કહે છે
લગ્નમાં ધાર્મિક એકતા—શા માટે મહત્ત્વની છે
એક કુટુંબ સાંજના ભોજન માટે બેસે છે. પિતા પ્રાર્થના કરે છે ત્યારે, માતા મનમાં બીજા દેવને પ્રાર્થના કરે છે. બીજા કુટુંબમાં પત્ની ચર્ચમાં જાય છે પરંતુ તેનો પતિ યહુદી સભાસ્થાનમાં હાજરી આપે છે. એવા કુટુંબો છે જ્યાં માબાપમાંનું એક બાળકોને સાન્તા ક્લોઝ વિષે શીખવે છે જ્યારે બીજા તેમને હાનુક્કાખ વિષે શીખવે છે.
તાજેતરના અભ્યાસો અનુસાર, ઘણા લોકો પોતાના ધર્મની બહાર લગ્ન કરે એ સામાન્ય બની ગયું છે. એક સર્વેક્ષણે બતાવ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સમાં ૨૧ ટકા કૅથલિકો હવે બીજા ધર્મના લોકો સાથે લગ્ન કરે છે; આ સંખ્યા મોર્મન્સમાં ૩૦ ટકા; મુસ્લિમમાં ૪૦ ટકા અને યહુદીઓમાં ૫૦ ટકા કરતાં વધારે છે. કેટલાક દેશોમાં ધાર્મિક વૈરભાવની દૃષ્ટિએ, કેટલાક આંતરવિશ્વાસ લગ્નોને અસહિષ્ણુતા પર વિજય તરીકે જુએ છે. સમાચારપત્રના કટાર લેખકે લખ્યું: “કોઈ પણ પ્રકારના આંતરવિશ્વાસ લગ્નો આનંદનું કારણ બનવા જોઈએ.” શું આ બાઇબલનું દૃષ્ટિબિંદુ છે?
એ નોંધપાત્ર હોવું જોઈએ કે બાઇબલ જ્ઞાતિય કે કોમી પૂર્વગ્રહને ટેકો આપતું નથી. દેવનો શબ્દ જ્ઞાતિય પક્ષપાતને બતાવતો નથી. પ્રેષિત પીતર આ મુદ્દા પર સ્પષ્ટપણે બોલ્યા: “હવે હું ખચીત સમજું છું કે દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) એ જ સમયે, બાઇબલ શીખવે છે કે યહોવાહના સાચા ઉપાસકોએ “કેવળ પ્રભુમાં” લગ્ન કરવું જોઈએ. (૧ કોરીંથી ૭:૩૯) શા માટે?
લગ્નનો હેતુ
લગ્ન માટેનો દેવનો ઇરાદો ખાસ કરીને મજબૂત બંધન હતું. (ઉત્પત્તિ ૨:૨૪) લગ્ન ગોઠવણની સ્થાપના કરતી વખતે, દેવના મનમાં ફક્ત મૈત્રી કરતાં વધારે બાબતો હતી. યહોવાહે પ્રથમ યુગલને બાળકો ઉછેરવાનું અને પોતાનાં પાર્થિવ ઘરની કાળજી રાખવાનું કાર્ય સોંપ્યું હતું ત્યારે, તેમણે બતાવ્યું કે તેઓ તેમની ઇચ્છાના સુમેળમાં ભેગા મળી કામ કરશે. (ઉત્પત્તિ ૧:૨૮) આ બાબતમાં દેવની સેવા કરવાના સહકારથી, પુરુષ અને સ્ત્રી ફક્ત મૈત્રીનો જ આનંદ નહિ માણશે પણ તેઓની ભાગીદારી ગાઢ અને હંમેશ માટેની રહેશે.—સરખાવો માલાખી ૨:૧૪.
ઈસુએ પ્રખ્યાત શબ્દો કહ્યા ત્યારે તેમણે આ ભાગીદારીનો ઉલ્લેખ કર્યો: “માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.” (માત્થી ૧૯:૬) ઈસુએ લગ્નબંધનની ઝુંસરીને સરખાવવા માટે રૂપકાત્મક ભાષાનો ઉપયોગ કર્યો કે જેમાં સામાન્ય ભારને ખેંચવા કે ખસેડવા બે ભેગા પ્રાણીઓનો સમાવેશ થાય છે. ઝુંસરીનાં બે પ્રાણીઓ વિરુદ્ધ દિશામાં ખેંચી રહ્યા હોય એની કલ્પના કરો! એવી જ રીતે, સાચા વિશ્વાસની બહાર લગ્ન કરનાર, સાથી પ્રતિકાર કરે ત્યારે બાઇબલના સિદ્ધાંત અનુસાર પોતાને તાણમાં જોવા મળી શકે. એવી જ રીતે, બાઇબલ બતાવે છે: “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો.”—૨ કોરીંથી ૬:૧૪.
સારું લગ્ન
સાચી ઉપાસનામાં એકતા લગ્નને વધારે મજબૂત કરી શકે છે. એક લેખકે આલોચના કરી: “ભેગા મળીને ઉપાસના કરવી એ મજબૂત અને સુખી કુટુંબો માટે મુખ્ય લાક્ષણિકતા છે.” સભાશિક્ષક ૪:૯, ૧૦ કહે છે: “એક કરતાં બે ભલા; કેમકે તેમથી મહેનતનું ફળ તેમને સારૂં મળે છે. જો તેઓ પડી જાય, તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે.”
તેઓ પોતાના જીવનો પોતાની ઉપાસના પર કેન્દ્રિત કરે છે ત્યારે, એક ખ્રિસ્તી યુગલ ફક્ત શારીરિક રીતે જ નહિ પરંતુ આત્મિક રીતે પણ એકતામાં આવે છે. તેઓ ભેગા મળી પ્રાર્થના કરે છે, દેવના શબ્દનો અભ્યાસ કરે છે તથા સાથી ખ્રિસ્તીઓ સાથે ભેગા મળીને તેમની સાથે પોતાના વિશ્વાસના સહભાગી થાય છે તેમ, તેઓ આત્મિક બંધનને મજબૂત કરે છે કે જે તેઓના લગ્નને વધારે નજીક લાવે છે. એક ખ્રિસ્તી સ્ત્રીએ ટીકા કરી: “સાચી ઉપાસના જીવનનો માર્ગ છે. અને જે એ માર્ગને પસંદ ન કરતો હોય એને હું કઈ રીતે પસંદ કરી શકું.”—સરખાવો માર્ક ૩:૩૫.
“પ્રભુમાં” પરણનાર વ્યક્તિઓ પોતાના સાથી પાસે ઈસુના જેવું વલણ અનુસરવાની આશા રાખી શકે. ખ્રિસ્તી પતિઓએ પોતાની પત્નીઓ સાથે ખ્રિસ્તે પ્રેમાળપણે મંડળ સાથે વ્યવહાર કર્યો એવો વ્યવહાર કરવો જોઈએ. ખ્રિસ્તી પત્નીઓએ પોતાના પતિને માન આપવું જોઈએ. (૧ કોરીંથી ૧૧:૩; એફેસી ૫:૨૫, ૨૯, ૩૩) ખ્રિસ્તીઓ ફક્ત પોતાના સાથીઓને જ નહિ પરંતુ દેવને ખુશ કરવા ઇચ્છે છે, કે જે તેઓ એકમેકની સાથે કઈ રીતે વ્યવહાર કરે છે એના માટે જવાબદાર ઠેરવે છે.—માલાખી ૨:૧૩, ૧૪; ૧ પીતર ૩:૧-૭.
સમાન વિશ્વાસ પણ ખ્રિસ્તી યુગલોને મતભેદોને શાંતિપૂર્વક હલ કરવા મદદ કરે છે. બાઇબલ ખ્રિસ્તીઓને ‘પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ રાખવાની’ સલાહ આપે છે. (ફિલિપી ૨:૪) વ્યક્તિગત પસંદગીઓ ઉપરાંત, તેઓ દેવના શબ્દને કોઈ પણ પ્રકારના મતભેદો હલ કરવા સામાન્ય પ્રમાણભૂત તરીકે જુએ છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) આ રીતે તેઓ “એક સરખી વાત”ની ખ્રિસ્તીઓ માટેની સલાહને અનુસરે છે.—૧ કોરીંથી ૧:૧૦; ૨ કોરીંથી ૧૩:૧૧; ફિલિપી ૪:૨.
આકર્ષણ અને સામાન્ય સિદ્ધાંતો
કબૂલ કે, સમાન વિશ્વાસના સહભાગી થવા કરતાં સંબંધ વધારે મહત્ત્વનો છે. પરસ્પર આકર્ષણ પણમહત્ત્વનું છે. (ગીતોનું ગીત ૩:૫; ૪:૭, ૯; ૫:૧૦) પરંતુ લગ્ન ટકાવી રાખવા માટે, સામાન્ય સિદ્ધાંતો પણ મહત્ત્વના છે. શું તમે મારા માટે છો? (અંગ્રેજી) પુસ્તક અનુસાર, “સમાન સિદ્ધાંતો અનુસરનારા યુગલો માટે સુખ, સુમેળ અને સંબંધ ટકાવી રાખવાની વધારે તકો છે.”
કમભાગ્યે, એકમેકની પ્રત્યે આકર્ષાયેલા લોકોને લગ્ન પછી ગંભીર સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. ધારો કે તમે સરસ દેખાતા ઘરને ખરીદો છો. તેમ છતાં, એમાં રહેવા ગયા પછી, તમને ખબર પડે છે કે એનો પાયો સ્થિર નથી. એ અસ્થિર પાયાના લીધે, એ ઘરના સર્વ આકર્ષક ઘટકો નિરર્થક બની જાય છે. એવી જ રીતે, એક વ્યક્તિને બીજા ધર્મની વ્યક્તિ વધારે યોગ્ય લાગી શકે—પરંતુ લગ્ન પછી સંબંધમાં ગંભીર રીતે તિરાડ પડી શકે છે.
આંતરધાર્મિક લગ્નોમાં પાછળથી સહન કરવા પડે એવા કેટલાક મુશ્કેલ વિવાદોનો વિચાર કરો: કુટુંબ ક્યાં ઉપાસના કરશે? બાળકો કયું ધાર્મિક શિક્ષણ મેળવશે? કુટુંબ કયા ધર્મને આર્થિક રીતે ટેકો આપશે? શું એક સાથી અમુક ધાર્મિક રિવાજો અને તહેવારોમાં સહભાગી થવા પર ભાર આપશે કે જેને બીજા વિધર્મી તરીકે ગણે છે? (યશાયાહ ૫૨:૧૧) તેમ છતાં, દરેક લગ્નોમાં દરેક લગ્ન સાથીએ ફેરફારો કરવાની જરૂર છે. બાઇબલ સિદ્ધાંતો સાથે તડજોડ—લગ્ન ટકાવવા પણ—દેવને અસ્વીકાર્ય છે.—પુનર્નિયમ ૭:૩, ૪; નહેમ્યાહ ૧૩:૨૬, ૨૭.
વૈવાહિક શાંતિ જાળવી રાખવા, આંતરધાર્મિક લગ્નોના કેટલાક યુગલો પોતાના ધર્મની સ્વતંત્રપણે ઉપાસના કરે છે. તેમ છતાં, દુ:ખદપણે, સ્વતંત્રપણે ઉપાસના કરવાથી એ લગ્નમાં આત્મિક શૂન્યતા ઉત્પન્ન કરે છે. એક ખ્રિસ્તી સ્ત્રીએ એના વિશ્વાસના સહભાગી ન થતા પુરુષ સાથે લગ્ન કર્યું: “અમારા લગ્નને ૪૦ વર્ષ થયા છતાં, મારા પતિ ખરેખર મને જાણતા નથી.” એનાથી વિપરીત, “આત્માથી તથા સત્યતાથી” ઉપાસના કરનાર બંને સાથીના લગ્નમાં દેવ કેન્દ્રમાં હોય છે. બાઇબલ કાવ્યમય રીતે બતાવે છે તેમ, “બે તેની સામે થઇ શકે; ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી.”—યોહાન ૪:૨૩, ૨૪.સભાશિક્ષક ૪:૧૨.
બાળકો વિષે શું?
કેટલાક આંતરવિશ્વાસ લગ્ન કરનારને લાગી શકે કે તેઓ પોતાના બાળકોને બંને ધર્મની બાબતો બતાવી શકે અને બાળકોને પસંદગી કરવાની પરવાનગી આપી શકે. સાચે, બંને જણને નૈતિક અને ધાર્મિક પ્રશિક્ષણ આપવાનો અધિકાર છે, અને છેવટે બાળકો પોતાનો નિર્ણય કરશે.a
a એપ્રિલ ૮, ૧૯૯૭ના પાન ૨૬-૭ પરનો “બાઇબલનું દૃષ્ટિબિંદુ: શું બાળકોએ તેઓનો પોતાનો ધર્મ પસંદ કરવો જોઈએ?” લેખ જુઓ. વળી, વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત યહોવાહના સાક્ષીઓ અને શિક્ષણ (અંગ્રેજી) મોટી પુસ્તિકાના પાન ૨૪-૫ જુઓ.
બાઇબલ “પ્રભુમાં” માબાપને આધીન રહેવાની સલાહ આપે છે. (એફેસી ૬:૧) નીતિવચન ૬:૨૦ એને આ રીતે બતાવે છે: “મારા દીકરા, તારા બાપની આજ્ઞા પાળ, અને તારી માની શિખામણનો ત્યાગ ન કર.” વિવિધ સિદ્ધાંતો બતાવવાને બદલે, બાળકોને સામાન્ય માન્યતાઓમાં, ઐક્યમાં ઉછેરવા કે જેને બાઇબલ “એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,” કહે છે.—એફેસી ૪:૫; પુનર્નિયમ ૧૧:૧૯.
સાચે જ “પ્રભુમાં”
સામાન્ય સિદ્ધાંતોમાં સહભાગી થવું એજ સફળ લગ્ન બનાવવાની ચાવી હોય તો, શું પોતાને ખ્રિસ્તી કહેવડાવનાર કોઈ પણ સાથે લગ્ન કરવું ડહાપણભર્યું છે? બાઇબલ જવાબ આપે છે: “હું તેનામાં [ઈસુ] રહું છું, એમ જે કહે છે, તેણે જેમ તે ચાલ્યો તેમજ ચાલવું જોઇએ.” (૧ યોહાન ૨:૬) આમ, એક ખ્રિસ્તીએ સાચે જ ઈસુને અનુસરવાનો પ્રયત્ન કરનાર સાથે લગ્ન કરવાનું વિચારવું જોઈએ. આ પ્રકારના સાથીએ દેવને પોતાના જીવનનું સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું હોય છે. તે ઈસુના પ્રેમાળ વ્યક્તિત્વનું અને તેમની જેમ દેવના રાજ્યનો ઉત્સાહથી પ્રચાર કરવામાં અનુકરણ કરશે. ઈસુની જેમ, તે પોતાના જીવનમાં દેવની ઇચ્છા પૂરી કરવાને કેન્દ્રમાં રાખશે.—માત્થી ૬:૩૩; ૧૬:૨૪; લુક ૮:૧; યોહાન ૧૮:૩૭.
દેવના કુટુંબના ઉપાસકોમાં યોગ્ય સાથી માટે ધીરજપૂર્વક રાહ જોવાથી, લગ્ન કરવાનું ઇચ્છનાર દેવની ઇચ્છાને પોતાના જીવનમાં મૂકવાની ઢબ બેસાડે છે. આ પ્રકારની ઢબ છેવટે એકદમ સુખી અને વધારે સંતોષપ્રદ જીવનમાં દોરી જશે.—સભાશિક્ષક ૭:૮; યશાયાહ ૪૮:૧૭, ૧૮.
ધાર્મિક રીતે વિભાજિત કુટુંબોને મદદ
ઘણા બધા કારણોસર આજે ઘણા કુટુંબો ધાર્મિક રીતે વિભાજિત હોય છે. કેટલીક વ્યક્તિઓએ બીજા ધર્મની વ્યક્તિઓ સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું હોય શકે. પરંતુ ઘણા યુગલો એક જ ધર્મના હોય અને પાછળથી એક સાથી ઉપાસનાના બીજા માર્ગને સ્વીકારે ત્યારે ધાર્મિક રીતે વિભાજિત બની શકે. બીજા ઘણા સંજોગો છે કે જે કુટુંબમાં ધાર્મિક વિભાજન લાવે છે. તેમ છતાં, આ કારણો ઉપરાંત, સાથીની બીજા ધર્મની પસંદગી કરવાના લીધે લગ્ન પ્રતિજ્ઞાઓ તૂટી જતી નથી કે ઓછી થઈ જતી નથી. સાથી ઉપાસનાની એકતામાં ન હોય તોપણ, બાઇબલ લગ્નની પવિત્રતા અને કાયમીપણાને માન આપે છે. (૧ પીતર ૩:૧, ૨) પ્રેષિત પાઊલે લખ્યું: “જો કોઈ ભાઈને અવિશ્વાસી સ્ત્રી હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો તેણે એનો ત્યાગ કરવો નહિ.” (૧ કોરીંથી ૭:૧૨) બાઇબલ સિદ્ધાંતો પરિણીત યુગલોને શાંતિમાં પ્રેમાળ અને આદરપૂર્વકના સંબંધનો આનંદ માણવા મદદ કરશે.—એફેસી ૫:૨૮-૩૩; કોલોસી ૩:૧૨-૧૪; તીતસ ૨:૪, ૫; ૧ પીતર ૩:૭-૯.