વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g09 ઑક્ટોબર પાન ૬-૯
  • દિલાસો આપનાર ઈશ્વરનો સહારો લો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દિલાસો આપનાર ઈશ્વરનો સહારો લો
  • સજાગ બનો!—૨૦૦૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • કદી કોઈને ડિપ્રેશન થશે જ નહિ!
  • ઉદાસીન લોકો માટે દિલાસો
    ઉદાસીન લોકો માટે દિલાસો
  • શા માટે હું આટલો ઉદાસીન બની જાઉં છું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • ડિપ્રેશન
    સજાગ બનો!—૨૦૧૪
  • ડિપ્રેશન વ્યક્તિ પર શું વીતે છે?
    સજાગ બનો!—૨૦૦૯
સજાગ બનો!—૨૦૦૯
g09 ઑક્ટોબર પાન ૬-૯

દિલાસો આપનાર ઈશ્વરનો સહારો લો

દાઊદ રાજાને અનેક ચિંતાઓ હતી. તેમના “વિચારો” જાણે તેમને કોરી ખાતા હતા. તોય તેમને પૂરી ખાતરી હતી કે ઈશ્વર આપણી લાગણીઓ સમજે છે. તેમણે ઈશ્વરને પ્રાર્થનામાં કહ્યું: “હે યહોવાહ, તેં મારી પરીક્ષા કરી છે, અને તું મને ઓળખે છે. મારૂં બેસવું તથા ઊઠવું તું જાણે છે; તું મારો વિચાર વેગળેથી સમજે છે. કેમકે, હે યહોવાહ, તું મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણે છે.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૧, ૨, ૪, ૨૩.

આપણા સરજનહાર જાણે છે કે ડિપ્રેશનના કારણે વ્યક્તિને કેટલું દુઃખ સહેવું પડે છે. તે જાણે છે કે શા કારણથી આપણને ડિપ્રેશન થાય છે, અને એ કેવી રીતે સહી શકાય. તેમણે શાસ્ત્રમાં એ પણ જણાવ્યું છે કે ભાવિમાં કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ નહિ બને. ઈશ્વર એવું કરવાના હોય તો પછી બીજું શું જોઈએ? તે તો ‘દીનજનોને દિલાસો આપનાર ઈશ્વર છે.’—૨ કોરીંથી ૭:૬.

કદાચ ડિપ્રેશ વ્યક્તિ વિચારશે કે ‘હું આટલી નિરાશ હોઉં તો ઈશ્વર મને કેવી રીતે મદદ કરી શકશે?’

◼ શું ઈશ્વર ડિપ્રેશ વ્યક્તિની નજીક છે?

ડિપ્રેશ વ્યક્તિથી ઈશ્વર જરાય દૂર નથી. ઈશ્વર કહે છે: ‘જેઓ ભાંગી પડ્યા છે અને નમ્ર છે તેની સાથે હું છું. નમ્ર અને ભાંગી પડેલાઓને હું ફરી બેઠો કરું છું.’ (યશાયા ૫૭:૧૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન) બાઇબલ કહે છે કે “આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે.” અને જેઓની લાગણીઓ કચડાઈ ગઈ છે તેઓને યહોવાહ બચાવે છે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૮) એ જાણીને આપણને કેટલું આશ્વાસન મળે છે!

◼ ઈશ્વર કઈ રીતે ડિપ્રેશ વ્યક્તિને દિલાસો આપે છે?

કોઈ પણ દુઃખીયારો યહોવાહ પાસેથી મદદ માગી શકે છે. યહોવાહ તો “પ્રાર્થનાના સાંભળનાર” છે. એટલે દિવસ હોય કે રાત, તે પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) બાઇબલ આપણને દિલ ખોલીને તેમને પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપે છે: ‘કશાની ચિંતા ન કરો. પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે તમારી અરજો ઈશ્વરને જણાવો. તેમની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારાં હૃદયોની ને મનોની સંભાળ રાખશે.’—ફિલિપી ૪:૬, ૭.

◼ જો તમને એવું લાગે કે હું સાવ નકામો છું તેથી ઈશ્વર મારી પ્રાર્થના નહિ સાંભળે તો શું?

ડિપ્રેશનનો ભોગ બન્યા હોવાથી કદાચ આપણને એવું લાગે કે ‘હું કાંઈ પણ કરીશ તોય ઈશ્વરને સંતોષ નહિ થાય.’ પણ એવું નથી. યહોવાહ ઈશ્વર તો આપણી લાગણીઓ સમજે છે. તે જાણે છે કે ‘આપણે ધૂળના’ બનેલા છીએ. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) જો ‘આપણું દિલ આપણને દોષિત ઠરાવે’ તો શું? આપણે પોતાના દિલને સમજાવી શકીએ છીએ કે ‘આપણા દિલ કરતાં ઈશ્વર મહાન છે, અને તે સઘળું જાણે છે.’ (૧ યોહાન ૩:૧૯, ૨૦) અમુક લોકોએ મદદ માટે ઈશ્વરને જે અરજ કરી હતી એ બાઇબલમાં જોવા મળે છે. તમે પણ પોતાના વિષે યહોવાહને પ્રાર્થનામાં એવા વિચારો જણાવી શકો. જેમ કે ગીતશાસ્ત્ર ૯:૯, ૧૦; ૧૦:૧૨, ૧૪, ૧૭ અને ૨૫:૧૭.

◼ જો આપણે એટલા હતાશ થઈ ગયા હોઈએ કે પોતાની લાગણીઓ જણાવી જ ન શકીએ તો શું?

કોઈક વખતે આપણે એટલા હતાશ થઈ જઈએ કે બરાબર વિચારી પણ ન શકીએ. એવું થાય તોપણ હિંમત હારશો નહિ! ‘જે કરુણાનો પિતા તથા સર્વ દિલાસાનો ઈશ્વર છે’ તેમની પાસે વારંવાર પ્રાર્થનામાં દોડી જાવ. ભૂલશો નહિ કે તે તમારી લાગણી અને જરૂરિયાતો સમજે છે. (૨ કોરીંથી ૧:૩) આ લેખોમાં આપણે આગળ મારિયાની વાત કરી હતી. તે કહે છે કે “અમુક સમયે હું એટલી મૂંઝાઈ જાઉં છું કે શાના વિષે પ્રાર્થના કરવી જોઈએ એ ખબર ન પડે. તોય હું જાણું છું કે ઈશ્વર મને સમજે છે અને મદદ કરે છે.”

◼ ઈશ્વર આપણી પ્રાર્થનાનો કેવી રીતે જવાબ આપે છે?

બાઇબલ એવું શીખવતું નથી કે ઈશ્વરને પ્રાર્થના કરીએ એટલે તે તરત જ આપણી બધી મુશ્કેલીઓ દૂર કરે છે. પણ દુઃખ-તકલીફો સહન કરવા તે આપણને શક્તિ જરૂર આપે છે. એનાથી ડિપ્રેશન પણ સહન કરી શકીએ. (ફિલિપી ૪:૧૩) માર્ટિના કહે છે: ‘મને ડિપ્રેશન થયું ત્યારે એવું લાગ્યું કે હું એ સહી નહિ શકું. એટલે યહોવાહને મેં પ્રાર્થના કરી કે મને હમણાં જ સાજી કરો. પણ હવે દરરોજ એવી પ્રાર્થના કરું છું કે એ સહેવા મને શક્તિ આપો.’

ઈશ્વરે આપણને બાઇબલ આપ્યું છે. એના દ્વારા ડિપ્રેશનમાં આશ્વાસન અને હિંમત મળે છે. સૅરાનો વિચાર કરો. તેને ડિપ્રેશન થયું એને આજે ૩૫ વર્ષ થયા. બાઇબલ વાંચવાથી તેને રોજીંદા જીવનમાં મદદ મળી છે. તે કહે છે: ‘ડૉક્ટરોએ જે સારવાર આપી એની હું કદર કરું છું. પણ ખરું કહું તો બાઇબલમાંથી જે મદદ મળી છે એવી બીજે ક્યાંયથી મળી નથી. તેથી હું નિયમિત બાઇબલ વાંચું છું.’

કદી કોઈને ડિપ્રેશન થશે જ નહિ!

મોટી બીમારીઓથી પીડાતા દર્દીઓને ઈસુ ખ્રિસ્તે, યહોવાહની શક્તિથી સાજા કર્યા હતા. ઈસુની ઇચ્છા હતી કે બીમારીથી પીડાતા લોકો સાજા થાય. ઈસુ જાણે છે કે દુઃખ પડે ત્યારે કેવું લાગે. તેમને મારી નાખવામાં આવ્યા એ રાત્રે થોડાં કલાકો પહેલાં તેમણે ઈશ્વરને “મોટે ઘાંટે તથા આંસુસહિત પ્રાર્થના” કરી, કેમ કે તે જ ‘તેમને મરણથી છોડાવવાને શક્તિમાન હતા.’ (હેબ્રી ૫:૭) ખરું કે એ દુઃખ સહેવું ઈસુ માટે સહેલું ન હતું. તોય તેમણે એ સહન કર્યું. એનાથી આપણને લાભ થાય છે, કેમ કે ઈસુ આપણું દુઃખ સમજે છે. ‘જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવા તે શક્તિમાન છે.’—હેબ્રી ૨:૧૮; ૧ યોહાન ૨:૧, ૨.

ઈશ્વરે બાઇબલમાં જણાવ્યું છે કે ડિપ્રેશનને લગતી બધી તકલીફ તે જડમૂળથી કાઢી નાખશે. તેમણે વચન આપ્યું છે, “હું નવાં આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્‍ન કરનાર છું; અને આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ. પણ હું જે ઉત્પન્‍ન કરું છું, તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ.” (યશાયાહ ૬૫:૧૭, ૧૮) આ ‘નવું આકાશ’ શું છે? એ યહોવાહ ઈશ્વરની સરકાર છે, જે સ્વર્ગમાંથી આખા વિશ્વ પર રાજ કરશે. “નવી પૃથ્વી” એટલે શું? નવી પૃથ્વી એટલે જેઓ ન્યાયી છે તેઓ યહોવાહના રાજ્ય નીચે રહેશે. પછી યહોવાહ ધરતી પરથી સર્વ બીમારીઓ સદાને માટે મિટાવી દેશે. ત્યારે કોઈ ડિપ્રેશનથી પીડાશે નહિ! (g09 07)

[પાન ૭ પર બ્લર્બ]

ઉદાસજનોને ઉત્તેજન મળે એ રીતે વાત કરો

ડિપ્રેશન વધી જવાથી બાર્બરાના મનમાં એક જ વિચાર ઘુમ્યા કરે, કે પોતે સાવ નકામી છે અને હવે સહેવાય એમ નથી. એવા સમયે બાર્બરા અને તેમના પતિ તેઓના એક મિત્ર, જેરાડને ફોન કરતા. જેરાડ તેઓના મંડળમાં એક જવાબદાર વ્યક્તિ છે. બાર્બરા ડૂસકાં ભરતી ભરતી જેરાડ સાથે ફોન પર દિલ ઠાલવીને એકની એક વાત કરે તોય તે શાંતિથી સાંભળ્યા કરે.

જેરાડ શીખ્યા છે કે કોઈને સાંભળીએ ત્યારે, તરત તેમને સુધારવા ન જોઈએ; તેઓનો કોઈ દોષ ન કાઢીએ; તેઓનો તરત ન્યાય પણ ન કરીએ. (યાકૂબ ૧:૧૯) બાઇબલ શીખવે છે તેમ, ઉદાસ જનોને “ઉત્તેજન” મળે એ રીતે જેરાડ પ્રેમથી વાત કરતા શીખ્યા છે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) જેરાડ શાંતિથી આશ્વાસન આપતા બાર્બરાને સમજાવે છે કે યહોવાહ તેને ખૂબ ચાહે છે. મિત્રો ને કુટુંબ પણ તેને દિલથી ચાહે છે. પછી બાઇબલમાંથી દિલાસો આપતી અમુક કલમો વાંચી આપે. એ પહેલાં વાંચી હોય તોપણ ફરી વાંચે. પછી તે ફોન પર બાર્બરા અને તેમના પતિ સાથે પ્રાર્થના કરે. એમ કરવાથી તેઓને ખૂબ જ દિલાસો મળે છે.—યાકૂબ ૫:૧૪, ૧૫.

જેરાડ જાણે છે કે પોતે કંઈ ડૉક્ટર નથી. તે ડૉક્ટરની જેમ વર્તતા પણ નથી. પરંતુ તે બાર્બરાને એવી મદદ કરે છે, જે ડૉક્ટરો કરી શકતા નથી. જેરાડ બાઇબલમાંથી દિલાસો આપતાં વચનો જણાવે છે, પ્રાર્થના કરે છે. એનાથી અને ડૉક્ટરની દવાથી બાર્બરાને ઘણો ફાયદો થાય છે.

ઉદાસ જનોને ઉત્તેજન મળે એ રીતે વાત કરો ત્યારે

તમે આમ કહી શકો: “હું તમને બહુ જ યાદ કરતો હતો. તમને હંમેશાં સારું રહેતું નથી એ હું જાણું છું. અત્યારે કેમ છે?”

યાદ રાખો: ડિપ્રેશ વ્યક્તિ એકની એક વાત વારંવાર કરે તોપણ, ધ્યાનથી સાંભળો. તેઓ સાથે દિલથી વાત કરો.

તમે આમ કહી શકો: “તમારી તબિયત સારી રહેતી નથી, તોપણ તમારી હિંમત જોઈને મને બહુ ખુશી થાય છે. (અથવા, “ઈસુ જેવો તમારો સ્વભાવ જોઈને તો મને ઉત્તેજન મળે છે’). યહોવાહ માટે હજી વધારે કરવાની તમારી હોંશ અમે જોઈ શકીએ છીએ. પણ તમે જે કંઈ કરો છો એની યહોવાહ બહુ કદર કરે છે. તે તમને બહુ ચાહે છે. અમે પણ તમારી બહુ કદર કરીએ છીએ.”

યાદ રાખો: દયાભાવથી વર્તો, માયાળુ બનો.

તમે આમ કહી શકો: “બાઇબલ વાંચતા મને આ કલમમાંથી બહુ જ ઉત્તેજન મળ્યું.” અથવા, “મને બાઇબલની આ કલમ બહુ જ ગમે. હું જ્યારે પણ એ વાંચું ત્યારે તમને યાદ કરું.” પછી એ વાંચો અથવા જણાવો કે કઈ કલમ છે.

યાદ રાખો: ભાષણ આપતા હોય, કે સલાહ આપતા હોય એ રીતે વાત ન કરો.

[પાન ૯ પર ચિત્રનું મથાળું]

“હે પ્રભુ, ખાડાના તળિયેથી મેં તમને પોકાર કર્યો; મારો પોકાર સાંભળવા મેં તમને બૂમ પાડી, ત્યારે તમે તે સાંભળ્યું. તમે મને જવાબ આપતાં કહ્યું,

‘બીશ નહિ.’”

—યર્મિયાનો વિલાપ ૩:૫૫-૫૭,

કોમન લેંગ્વેજ

[પાન ૯ પર બ્લર્બ]

બાઇબલમાંથી દિલાસો

લરેઇન કહે છે કે યશાયાહ ૪૧:૧૦માં યહોવાહે જે વચન આપ્યું છે એનાથી તેને શક્તિ મળી છે: ‘તું બીશ મા, કેમકે હું તારી સાથે છું; આમતેમ જોઈશ મા, કેમકે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.’

અલવારૉ કહે છે, મને ઘણી વખત ગીતશાસ્ત્ર ૩૪:૪, ૬માંથી દિલાસો મળ્યો: “મેં યહોવાહની શોધ કરી, અને તેણે મને ઉત્તર આપ્યો, અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. આ કંગાલ પુરુષે પોકાર કર્યો, અને યહોવાહે તેનું સાંભળીને તેનાં સર્વ સંકટમાંથી તેને બચાવ્યો.”

નાયૉઆ કહે છે કે તેમને ગીતશાસ્ત્ર ૪૦:૧, ૨માંથી હંમેશાં દિલાસો મળે છે: ‘મેં યહોવાહની વાટ જોઈ; અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી અને મારાં ડગલાં સ્થિર કર્યાં.’

નાઓકૉ કહે છે, ગીતશાસ્ત્ર ૧૪૭:૩માંથી ખાતરી થાય છે કે યહોવાહ ‘હૃદયભંગ થએલાંને સાજાં કરે છે; તે તેઓના ઘાને રૂઝવે છે.’

લુક ૧૨:૬, ૭માં ઈસુએ જે કહ્યું એનાથી અલીઝને ખાતરી થઈ કે યહોવાહ ખરેખર આપણી સંભાળ રાખે છે: ‘શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? તો પણ ઈશ્વરની દૃષ્ટિમાં તેઓમાંની એકે વિસારેલી નથી. પરંતુ તમારા માથાના વાળ પણ સઘળા ગણાયેલા છે. બીહો મા, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.’

દિલાસો આપતા બાઇબલનાં વચનો:

ગીતશાસ્ત્ર ૩૯:૧૨: “હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળ, મારી અરજ પર કાન ધર; મારા આંસુ જોઈને ચૂપ બેસી ન રહે.”

૨ કોરીંથી ૭:૬: ‘દીનજનોને ઈશ્વર દિલાસો આપે છે.’

૧ પીતર ૫:૭: ‘તમારી સર્વ ચિંતા ઈશ્વર પર નાખો, કેમકે તે તમારી સંભાળ રાખે છે.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો