પ્રકરણ ૧૭
મારે ભણવાનું છોડી દેવું જોઈએ?
જેક ૨૫ કરતાં વધુ વર્ષોથી શાળાની હાજરીના અધિકારી છે. તેથી જેકે ન સાંભળ્યું હોય એવું બહાનું કાઢવું વગર રજાએ શાળામાં ગેરહાજર રહેનાર યુવાન માટે ઘણું જ અઘરું છે. “બાળકોએ મને બધું જ કહ્યું છે,” તે કહે છે, “જેમ કે ‘મને લાગ્યું કે હું આજે માંદો પડીશ’ . . . ‘અલાસ્કામાં મારા દાદા ગુજરી ગયા.’ ” જેકનું “માનીતું” બહાનું? એ ત્રણ છોકરાઓ તરફથી હતું જેઓએ દાવો કર્યો કે “એટલું બધું ધુમ્મસ હતું કે તેઓને શાળા મળી જ નહિ.”
આ કંટાળાજનક પાંગળા બહાનાઓ ઘણાં યુવાનોની શાળા પ્રત્યેની નફરત પ્રદર્શિત કરે છે, જે ઘણી વાર ઉદાસીનતા (“મારું ધારવું છે કે એમાં કંઈ વાંધો નથી”)થી માંડીને સીધેસીધો તિરસ્કાર (“શાળામાંથી બદબૂ આવે છે! હું એને ધિક્કારું છું”) હોય છે. દાખલા તરીકે, ગેરી શાળામાં જવા ઊઠતો અને તરત જ તેને પેટમાં ગરબડ થવા લાગતી. તે કહે છે, “હું શાળાની નજીક પહોંચતો, અને મને પરસેવો છૂટી જતો, અને ડર લાગતો . . . મારે પાછા ઘરે જ જવું પડતું.” તેવી જ રીતે ઘણાં યુવાનો શાળાનો વધુ પડતો ભય ધરાવે છે — જેને ડોકટરો સ્કૂલ ફોબિયા કહે છે. એ ઘણી વાર શાળામાંની હિંસા, સમોવડિયાની ક્રૂરતા, અને સારા માકર્સ લાવવાના દબાણથી શરૂ થાય છે. આવા યુવાનો શાળામાં જઈ શકે (માબાપના થોડાંક આગ્રહથી), પરંતુ તેઓ સતત ખળભળાટ અને શારીરિક વેદના સહે છે.
એમાં કંઈ નવાઈ નથી કે ચોંકાવનારી સંખ્યામાં યુવાનો શાળામાં જવાનું જરા પણ પસંદ કરતા નથી! ફકત યુનાઈટેડ સ્ટેટ્સમાં જ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાંથી દરરોજ કંઈક ૨૫ લાખ વિદ્યાર્થીઓ ગેરહાજર હોય છે! ધ ન્યૂ યોર્ક ટાઈમ્સનો લેખ ઉમેરે છે કે ન્યૂ યોર્ક સિટી માધ્યમિક શાળાઓમાં ઘણાં (લગભગ ત્રીજો ભાગ) “એટલી બધી વાર ગેરહાજર” હોય છે કે “તેઓને શીખવવું લગભગ અશકય છે.”
બીજા યુવાનો હજુ વધારે ધરખમ પગલાં લે છે. “શાળા કંટાળાજનક અને વધુ પડતી કડક હતી,” વોલ્ટર નામના એક યુવાને કહ્યું. તે માધ્યમિક શાળા (ઉચ્ચતર માધ્યમિક શાળા)માંથી ઊઠી ગયો. અન્ટોનિયા નામની છોકરીએ પણ એમ જ કર્યું. તેને પોતાના લેશનની મુશ્કેલી હતી. “હું વાંચેલું સમજતી ન હોઉં તો કઈ રીતે લેશન કરી શકું?” તેણે પૂછ્યું. “હું ત્યાં બેસી રહીને વધારેને વધારે ડોબી બનતી હતી, તેથી હું ઊઠી ગઈ.”
કબૂલવામાં આવે છે કે, જગત ફરતે શાળાઓની વ્યવસ્થાઓમાં ગંભીર કોયડાની મરકી છે. પરંતુ શું શાળામાં બધો રસ ગુમાવવો અને ઊઠી જવાનું એ કારણ છે? ઊઠી જવાથી પછી તમારા જીવન પર શું અસર પડી શકે? શું તમે સ્નાતક થાઓ ત્યાં સુધી શાળામાં રહેવા માટે સારા કારણો છે?
શિક્ષણનું મૂલ્ય
માઈકલ માધ્યમિક શાળાને મળતો આવતો ડિપ્લોમા મેળવવા માટે શાળામાં પાછો ગયો. તે શા માટે ગયો એમ પૂછવામાં આવ્યું ત્યારે, તેણે કહ્યું, “મને સમજાયું કે મારે શિક્ષણની જરૂર હતી.” પરંતુ “શિક્ષણ” શું છે? હકીકતોની પ્રભાવકારી ગોઠવણને મોઢે બોલી જવાની શકિત? ઈંટોના ઢગલાથી મકાન બનતું નથી તેમ એ શિક્ષણથી કંઈ બનતું નથી.
શિક્ષણે તમને સફળ પરિપકવ જીવન માટે તૈયાર કરવા જોઈએ. એલન ઓસ્ટિલ, જે ૧૮ વર્ષથી શાળાના ડીન છે, તે “એવું શિક્ષણ જે તમને કઈ રીતે વિચારવું, કોયડા હલ કરવાં, તર્કપૂર્ણ અને બિનતર્કપૂર્ણ શું છે, સ્પષ્ટપણે વિચારવાની મૂળભૂત ક્ષમતા, સ્વીકૃત મુદ્દાઓ શું છે અને સમગ્ર ભાગ અને અંશો વચ્ચેનો સંબંધ કઈ રીતે જાણવો એ શીખવતું હોય. જે તાગ કાઢવો અને તફાવત કરવો, તથા કઈ રીતે શીખવું એ શીખવતું હોય” એ વિષે બોલ્યા.
અને શાળા એમાં કઈ રીતે બંધબેસે છે? સદીઓ અગાઉ સુલેમાન રાજાએ “ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેકબુદ્ધિ મળે; જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્વત્તાની વૃદ્ધિ કરે; અને બુદ્ધિમાન માણસને ખરું ડહાપણ મળે” માટે નીતિવચનો લખ્યાં. (નીતિવચન ૧:૧-૪) હા, યુવાની સાથે બિનઅનુભવ હોય છે. જો કે, શાળા તમને વિચારશકિત પોષવામાં અને કેળવવામાં મદદ કરી શકે. એ શકિત ફકત હકીકતો મોઢે બોલી જવાની જ નથી પરંતુ તેઓનું પૃથક્કરણ કરવું અને એમાંથી ફળદાયી વિચારો પેદા કરવા પણ છે. શાળાઓ જે રીતે શીખવે છે એ વિષે ઘણાંએ ટીકા કરી છે છતાં, શાળા તમને તમારા મનનો ઉપયોગ કરવાની ફરજ જરૂર પાડે છે. સાચું, એ સમયે ભૂમિતિના દાખલા ગણવા અથવા ઐતિહાસિક તારીખોની યાદી મોઢે કરવી તમારા જીવન સાથે સંબંધિત ન જણાય. પરંતુ બાર્બરા મેયરે ધ હાઈ સ્કૂલ સર્વાઈવલ ગાઈડમાં લખ્યું: “શિક્ષકો પરીક્ષામાં પૂછી શકે એવી બધી હકીકતો અને જ્ઞાનના અંશો દરેક જણ યાદ રાખવાનું નથી, છતાં કઈ રીતે અભ્યાસ કરવો, અને કઈ રીતે યોજના કરવી એ કળાઓ કદી પણ ભૂલાશે નહિ.”
તેવી જ રીતે શિક્ષણની લાંબા ગાળાની અસરો વિષે અભ્યાસ કરનાર યુનિવર્સિટીના ત્રણ પ્રોફેસરોએ પણ તારવ્યું કે “વધુ સારું શિક્ષણ મેળવનાર લોકો ફકત પુસ્તકીયું જ નહિ પરંતુ સમકાલિન જગત વિષે પણ વધુ વિસ્તૃત અને વધુ ઊંડું જ્ઞાન ધરાવે છે, અને તેઓ જ્ઞાન શોધે તથા માહિતીના ઉદ્ભવ સાથે સુમેળમાં હોય એવી વધુ શકયતા છે. . . . આ ભિન્નતાઓ, વૃદ્ધાવસ્થા અને શાળા છોડ્યે ઘણાં વર્ષો થયાં હોવાં છતાં ટકી રહેતી જણાય છે.”— ધ એન્ડયોરીંગ ઈફેકટ ઓફ એજ્યુકેશન.
સૌથી મહત્ત્વનું તો, શિક્ષણ તમને તમારી ખ્રિસ્તી જવાબદારીઓ ઉપાડવા માટે સજ્જ કરી શકે. તમે અભ્યાસની સારી ટેવો પ્રાપ્ત કરી હોય અને વાચનની કળા પર પ્રભુત્વ મેળવ્યું હોય તો, તમે દેવના શબ્દનો વધુ સહેલાઈથી અભ્યાસ કરી શકો. (ગીતશાસ્ત્ર ૧:૨) શાળામાં પોતાને વ્યકત કરતા શીખ્યા હોવાને લીધે, તમે બીજાઓને બાઈબલ સત્યો વધુ સહેલાઈથી શીખવી શકો. તેવી જ રીતે ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, અને ગણિતનું જ્ઞાન ઉપયોગી થશે અને વિવિધ પાર્શ્વભૂમિકા, રસ, અને માન્યતાવાળા લોકોને સમજવામાં તમને મદદ કરશે.
શાળા અને નોકરી
શાળા નોકરીની તમારી ભાવિ શકયતાઓને ઘણી અસર કરી શકે. કઈ રીતે?
શાણા રાજા સુલેમાને કુશળ કાર્યકર વિષે કહ્યું: “તે તો રાજાઓની હજૂરમાં ઊભો રહેશે; તે હલકા માણસોની આગળ ઊભો નહિ રહેશે.” (નીતિવચન ૨૨:૨૯) એ આજે પણ સાચું છે. “આવડત વગર તમે જીવનમાં ઘણે પાછળ રહી જઈ શકો,” યુ.એસ. ડીપાર્ટમેન્ટ ઓફ લેબરના અર્નેસ્ટ ગ્રીને કહ્યું.
તેથી, એ સમજી શકાય એમ છે કે, ભણવાનું પડતું મૂકનારાઓ માટે નોકરીની શકયતાઓ ઓછી છે. (અગાઉ ઉલ્લેખવામાં આવેલો) વોલ્ટર એ અઘરી રીતે શીખ્યો. “મેં અનેક વાર નોકરી માટે અરજી કરી અને મને એ ન મળી કેમ કે મારી પાસે ડિપ્લોમા ન હતો.” તેણે એમ પણ કબૂલ્યું: “કેટલીક વાર લોકો એવા શબ્દોનો ઉપયોગ કરે છે જે મને સમજાતાં નથી, અને હું મૂર્ખ હોઉં એવું મને લાગે છે.”
માધ્યમિક શાળામાંથી ઊઠી જનારા ૧૬થી ૨૪ની વયનાઓ મધ્યે બેકારીનું પ્રમાણ “સ્નાતક થનારા તેઓનાં સમોવડિયા કરતાં લગભગ બમણું અને બેકારીના સમગ્ર દર કરતાં લગભગ ત્રણ ગણું છે.” (ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ) “પોતાનું શિક્ષણ ચાલુ ન રાખનારાઓ તકો સામે બારણું બંધ કરી રહ્યાં છે,” લેખક એફ. ફિલિપ રાઈસ પોતાના પુસ્તક ધ એડોલેસન્ટમાં ઉમેરે છે. ઊઠી જનારા ઘણાંએ શકયપણે જ સૌથી સાદી નોકરીઓ હાથ ધરવા માટે જરૂરી પ્રાથમિક આવડતો પર પણ પ્રભુત્વ મેળવ્યું હોતું નથી.
પોલ કોપરમન પોતાના પુસ્તક ધ લિટરસી હોકસમાં લખે છે: “તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે રસોઈયા તરીકેની નોકરી ધરાવવા માટે વાચનનું સ્તર લગભગ સાતમા ધોરણનું, મિકેનિકની નોકરી ધરાવવા માટે આઠમા ધોરણનું, અને કલાર્કની નોકરી ધરાવવા માટે નવમા કે દશમા ધોરણનું હોવું જરૂરી છે.” તે ચાલુ રાખે છે: “હું માનું છું કે શિક્ષક, નર્સ, એકાન્ટન્ટ, અથવા ઈજનેરની નોકરી માટે વાચનશકિતનું ઓછામાં ઓછું સ્તર વધુ ઊંચું હોય એવું માગવામાં આવે એ વાજબી ધારણા છે.”
તેથી, દેખીતી રીતે જ, વાચન જેવી પાયારૂપ આવડત શીખવા માટે ખરેખર મહેનત કરનાર વિદ્યાર્થીઓ પાસે નોકરીની વધુ સારી તકો હશે. પરંતુ શાળામાં હાજરી આપવાથી બીજો કયો જીવનભરનો લાભ મેળવી શકાય?
વધારે સારા તમે
તમારી આવડતો અને નબળાઈઓ જાણવી એ જીવનભરનો લાભ છે. તાજેતરમાં કોમ્પ્યુટરના ક્ષેત્રમાં નોકરી લેનાર મિશેલે અવલોકયું: “શાળામાં કઈ રીતે દબાણ હેઠળ કામ કરવું, કઈ રીતે પરીક્ષા આપવી અને પોતાને કઈ રીતે વ્યકત કરવી એ હું શીખી.”
‘નિષ્ફળતાને કઈ દ્રષ્ટિથી જોવી એ શાળાએ મને શીખવ્યું,’ બીજી યુવતી કહે છે. પાછળ રહેવા માટે પોતે નહિ પણ બીજાઓ કારણભૂત છે એવી દ્રષ્ટિ ધરાવવાનું તેનું વલણ હતું. બીજાઓને શાળાના શિષ્તબદ્ધ નિત્યક્રમમાંથી લાભ મળ્યો છે. એ યુવાન મનોને રૂંધે છે એવો દાવો કરીને, ઘણાં એ માટે શાળાઓની ટીકા કરે છે. તોપણ સુલેમાને યુવાનોને “ડહાપણ અને શિષ્ત શીખવાનું” ઉત્તેજન આપ્યું. (નીતિવચન ૧:૨) જે શાળાઓમાં શિષ્ત પ્રવર્તતી હોય તેઓએ ખરેખર ઘણાં શિષ્તબદ્ધ, છતાં સર્જનાત્મક, મનો પેદા કર્યાં છે.
તેથી શાળામાંના પોતાના વર્ષોનો પૂરેપૂરો ઉપયોગ કરવો, તમારે માટે બુદ્ધિપૂર્વકનું છે. તમે એ કઈ રીતે કરી શકો? ચાલો ખુદ તમારા લેશનથી શરૂઆત કરીએ.
“હું ત્યાં બેસી રહીને વધારેને વધારે ડોબી બનતી હતી, તેથી હું શાળામાંથી ઊઠી ગઈ”
તમે શાળામાં શીખેલી શિષ્ત તમારા બાકીના જીવનમાં લાભ કરી શકે
શાળામાં શીખવવામાં આવતી પાયારૂપ આવડતો પર પ્રભુત્વ ન મેળવનારાઓ માટે નોકરીની શકયતાઓ ઓછી છે
“તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે રસોઈયા તરીકેની નોકરી ધરાવવા માટે વાચનનું સ્તર લગભગ સાતમા ધોરણનું, મિકેનિકની નોકરી ધરાવવા માટે આઠમા ધોરણનું, અને કલાર્કની નોકરી ધરાવવા માટે નવમા કે દશમા ધોરણનું હોવું જરૂરી છે”
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૧૭
◻ શા માટે ઘણાં યુવાનો શાળા વિષે નકારાત્મક દ્રષ્ટિ ધરાવે છે? એ વિષે તમને કેવું લાગે છે?
◻ કઈ રીતે શાળા વ્યકિતને વિચારશકિત કેળવવામાં મદદ કરે છે?
◻ શાળામાંથી ઊઠી જવું ભવિષ્યમાં નોકરી મેળવવાની તમારી શકિતને કઈ રીતે અસર કરી શકે, અને શા માટે?
◻ શાળામાં રહેવાથી બીજા કયા વ્યકિતગત લાભો પરિણમી શકે?