પ્રકરણ ૨૭
પ્રમાણિકતા—શું એ ખરેખર સૌથી સારી નીતિ છે?
શું તમે કદી પણ જૂઠું બોલવા લલચાયા છો? ડોનાલ્ડે પોતાની મમ્મીને કહ્યું કે તેણે પોતાની રૂમ સાફ કરી નાખી છે, જ્યારે કે હકીકતમાં, તેણે બધું જ ખાટલા નીચે નાખી દીધું હતું. રિચાર્ડે પોતાના માબાપની આંખોમાં ધૂળ ઉડાવવા એવો જ મૂર્ખાઈભર્યો પ્રયત્ન કર્યો. તેણે કહ્યું કે તે નાપાસ થયો એનું કારણ એ ન હતું કે તેણે અભ્યાસ કર્યો ન હતો, પરંતુ ‘તેનું તેના શિક્ષક સાથે બનતું ન હતું’ એને લીધે.
સામાન્ય રીતે માબાપ અને બીજા માણસો આવી પારદર્શક યુકિતઓની આરપાર જોઈ શકે છે. તોપણ એ લાભકારક જણાતું હોય ત્યારે ઘણાં યુવાનો જૂઠું બોલવાનો પ્રયત્ન કરવાથી, સત્ય મચકોડવાથી, અથવા સીધેસીધી ચોરી કરવાથી અટકતાં નથી. એક બાબત એ છે કે માબાપ કટોકટી પ્રત્યે હંમેશા શાંતિથી વર્તતા નથી. અને તમે આવવાના સમય કરતાં બે કલાક મોડા આવો ત્યારે, તમારા માબાપને મૂંઝવણભરી હકીકત —કે તમે સમયનું ધ્યાન રાખ્યું ન હતું—કહેવાને બદલે, હાઈવે પર મોટો અકસ્માત થયો હતો એમ કહેવું લલચાવનારું જણાઈ શકે.
શાળા પ્રમાણિકતાને બીજો પડકાર રજૂ કરી શકે. ઘણી વાર વિદ્યાર્થીઓને લેશનથી લદાઈ ગયાં હોય એવું લાગે છે. ઘણી વાર ગળાકાપ હરીફાઈ ચાલતી હોય છે. કેમ વળી, સર્વેક્ષણો બતાવે છે કે યુનાઈટેડ સ્ટેટ્સમાં અડધાથી વધારે વિદ્યાર્થીઓ ચોરી કરે છે અથવા કરી છે. પરંતુ જૂઠું બોલવું આકર્ષક, અને ચોરી કરવી સહેલો રસ્તો લાગી શકે છતાં, શું ખરેખર અપ્રમાણિકતા લાભ કરે છે?
જૂઠું બોલવું—શા માટે લાભ કરતું નથી
શિક્ષામાંથી બચવા જૂઠું બોલવું એ સમયે લાભકારક લાગી શકે. પરંતુ બાઈબલ ચેતવણી આપે છે: “જૂઠું બોલનાર માણસ સજાથી બચી જશે નહિ.” (નીતિવચન ૧૯:૫) મોટી શકયતા છે કે જૂઠાણું ખુલ્લું પડી જાય અને છેવટે તો શિક્ષા કરવામાં આવે જ. ત્યારે તમારા માબાપ ફકત તમારી મૂળ ભૂલને લીધે જ નહિ પરંતુ તમે તેઓને જૂઠું કહ્યું એ માટે પણ ગુસ્સે થશે!
શાળામાં ચોરી કરવા વિષે શું? કેમ્પસના ન્યાયને લગતા કાર્યક્રમોના ડાયરેકટર કહે છે: “શૈક્ષણિક અપ્રમાણિકતાનું કૃત્ય કરનાર કોઈ પણ વિદ્યાર્થી ભાવિ શિક્ષણ અને નોકરીની તકોને ગંભીર હાનિ કરવાનું જોખમ વહોરે છે.”
સાચું, ઘણાં છટકી જતાં હોય એમ લાગે છે. તમે ચોરી કરીને પાસ થવા જેટલા માકર્સ મેળવી શકો, પરંતુ લાંબાગાળાની અસરો શું હશે? તમે નિઃશંક સહમત થશો કે તરવાના વર્ગમાં છેતરીને પાસ થવું મૂર્ખતા થશે. છેવટે તો, બધા જ પાણીમાં આનંદ કરી રહ્યાં હોય ત્યારે કોને જમીન પર અટકી પડવું છે! અને તમને ધક્કો મારીને તળાવમાં નાખવામાં આવે તો, ચોરી કરવાની તમારી ટેવ તમને ડૂબાડી દેશે!
પરંતુ ગણિત કે વાંચનમાં ચોરી કરવા વિષે શું? સાચું, પરિણામો એટલા બધા નાટકીય નહિ હોય—શરૂઆતમાં. તમે પ્રાથમિક શૈક્ષણિક આવડતો વિકસાવી નહિ હોય તો, તમે પોતાને નોકરીના બજારમાં “ડૂબતા” જોશો! અને ચોરી કરીને મેળવેલો ડિપ્લોમા જીવન બચાવનાર નહિ બને. બાઈબલ કહે છે: “જૂઠી જીભથી ધન સંપાદન કરવું એ આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે.” (નીતિવચન ૨૧:૬) જૂઠાણાંએ લાવેલો કંઈક લાભ વરાળ જેટલો અલ્પજીવી હશે. શાળામાં જૂઠું બોલી અને ચોરી કરી પાસ થવાને બદલે, કમર કસી અભ્યાસ કરવો તમારે માટે કેટલું બધું સારું થશે! “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે,” નીતિવચન ૨૧:૫ કહે છે.
જૂઠું બોલવું અને તમારું અંતઃકરણ
મિશેલ નામની છોકરી કીમતી રમકડું તોડવાનો પોતાના ભાઈ પર આરોપ મૂકી જૂઠું બોલી, જો કે પછીથી તેને પોતાના માબાપ સમક્ષ પોતાનું જૂઠાણું કબૂલવાની ફરજ પડી. “મોટા ભાગના સમયે મને ખરેખર ખરાબ લાગ્યું,” મિશેલ સમજાવે છે. “મારા માબાપે મારામાં ભરોસો મૂકયો હતો, અને મેં તેઓને નિરાશ કર્યાં.” દેવે માણસમાં અંતઃકરણની ક્ષમતા મૂકી છે એનું એ સારું દ્રષ્ટાંત પૂરું પાડે છે. (રૂમી ૨:૧૪, ૧૫) મિશેલના અંતઃકરણે તેને દોષિતપણાંની લાગણીથી પીડા આપી.
અલબત્ત, વ્યકિત પોતાના અંતઃકરણની અવગણના કરવાનું પસંદ કરી શકે. પરંતુ તે જૂઠું બોલવાનો જેટલો વધુ મહાવરો કરે છે, ખોટા પ્રત્યે તે તેટલી વધુ લાગણીશૂન્ય બને છે—‘જાણે લોઢાથી તેના અંતઃકરણ પર ડામ દીધા હોય.’ (૧ તીમોથી ૪:૨, NW) શું તમે ખરેખર મૃત અંતઃકરણ ધરાવવા માગો છો?
જૂઠું બોલવા વિષે દેવની દ્રષ્ટિ
“જૂઠાબોલી જીભ” એવી બાબત હતી અને છે જેને “યહોવાહ ધિક્કારે છે.” (નીતિવચન ૬:૧૬, ૧૭) છેવટે તો, શેતાન પોતે જ “જૂઠાનો બાપ” છે. (યોહાન ૮:૪૪) અને બાઈબલ જૂઠ અને કહેવાતા સફેદ જૂઠ વચ્ચે ભેદ રાખતું નથી. “સત્યમાંથી કંઈ જૂઠું આવતું નથી.”—૧ યોહાન ૨:૨૧.
આમ જે કોઈ દેવનો મિત્ર થવા માગે તેને માટે પ્રમાણિકતા નીતિ હોવી જ જોઈએ. પંદરમું ગીત પૂછે છે: “હે યહોવાહ, તારા મંડપમાં કોણ નિવાસ કરશે? તારા પવિત્ર પર્વતમાં કોણ વસશે?” (કલમ ૧) ચાલો આપણે પછીની ચાર કલમોમાં આપવામાં આવેલા જવાબની વિચારણા કરીએ:
“જે સાધુશીલતા પાળે છે, અને ન્યાયથી વર્તે છે, અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.” (કલમ ૨) શું એ દુકાનમાંથી ચોરી કરનાર કે છેતરનાર જેવું લાગે છે? શું એ એવી વ્યકિત છે જે પોતાના માબાપને જૂઠું કહે અથવા પોતે ન હોય એ હોવાનો ઢોંગ કરે? જરા પણ નહિ! તેથી તમે દેવના મિત્ર થવા માગતા હો તો, તમારે પ્રમાણિક થવું પડે, ફકત તમારા વર્તનમાં જ નહિ પરંતુ તમારા હૃદયમાં પણ.
“જે પોતાની જીભે ચાડી કરતો નથી, તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી, અને પોતાના પડોશી પર તહોમત મેલતો નથી.” (કલમ ૩) શું તમે કદી પણ એવા યુવાનોના વૃંદમાં જોડાયા છો જેઓ કોઈકને વિષે બિનમાયાળુ, તીખી ટીકાઓ આપતાં હોય? આવી વાતચીતમાં ભાગ લેવાની ના પાડવાની ઇચ્છાશકિતનું સામર્થ્ય વિકસાવો!
“જેની દૃષ્ટિમાં પાજી માણસ ધિક્કારપાત્ર છે; પણ જે યહોવાહના ભકતોને માન આપે છે, અને જે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.” (કલમ ૪) અનૈતિક પરાક્રમો વિષે જૂઠું બોલતા હોય, છેતરપિંડી કરતા હોય, અથવા બડાઈ મારતા હોય એવા યુવાનોને મિત્ર તરીકે નકારો; તેઓ અપેક્ષા રાખશે કે તમે પણ એવી જ બાબતો કરો. બોબી નામના યુવકે અવલોકયું તેમ: “તમે જેની સાથે સૂતા હો એવો મિત્ર તમને મુશ્કેલીમાં નાખશે. તે એવો મિત્ર નથી જેના પર તમે ભરોસો રાખી શકો.” પ્રમાણિકતાના ધોરણોને માન આપતા હોય એવા મિત્રો શોધો.—સરખાવો ગીતશાસ્ત્ર ૨૬:૪.
શું તમે નોંધ લીધી કે પોતાનું વચન પાળનારાઓની યહોવાહ કદર કરે છે, અથવા “માન આપે છે?” કદાચ તમે આ શનિવારે ઘરમાં મદદ કરવાનું વચન આપ્યું છે, પરંતુ હવે તમને એ સાંજે ક્રિકેટ રમવાનું આમંત્રણ મળ્યું છે. શું તમે તમારા વચનને હળવું ગણીને, તમારા માબાપ માટે ઘરકામ રહેવા દઈ, તમારા મિત્રો સાથે જશો, કે તમે તમારું વચન પાળશો?
“જે પોતાનાં નાણાં વ્યાજે મૂકતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.” (કલમ ૫) શું એ સાચું નથી કે ચોરી અને અપ્રમાણિકતા પાછળનું મોટું કારણ લોભ છે? પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓને જેને માટે અભ્યાસ કર્યો ન હોય એવા માકર્સ મેળવવાનો લોભ હોય છે. લાંચ લેનારા લોકો ન્યાય કરતાં પૈસાને વધુ મૂલ્યવાન ગણે છે.
સાચું, કેટલાક પોતાનો માર્ગ કાઢવા પ્રમાણિકતાના નિયમો મચકોડતા રાજકીય અને વેપારી નેતાઓ તરફ ચીંધે છે. પરંતુ આવી વ્યકિતઓની સફળતા કેટલી નક્કર હોય છે? ગીતશાસ્ત્ર ૩૭:૨ જવાબ આપે છે: “તેઓ તો જલદી ઘાસની પેઠે કપાઈ જશે, અને લીલી વનસ્પતિની માફક ચીમળાઈ જશે.” બીજાઓ દ્વારા પકડાઈને અપમાનિત ન થાય તો, છેવટે તેઓએ યહોવાહ દેવના ન્યાયચુકાદાનો સામનો કરવો પડશે. જો કે, દેવના મિત્રો, “કદી ડગશે નહિ.” તેઓના અનંત ભાવિની ખાતરી આપવામાં આવી છે.
‘પ્રમાણિક અંતઃકરણ’ વિકસાવવું
તો પછી, શું કોઈ પણ પ્રકારનું જૂઠાણું નિવારવા મજબૂત કારણ નથી? પ્રેષિત પાઊલે પોતાને વિષે અને પોતાના સાથીઓ વિષે કહ્યું: “અમારું અંતઃકરણ નિર્મળ છે, એવી અમને ખાતરી છે.” (હેબ્રી ૧૩:૧૮) શું તે જ પ્રમાણે તમારું અંતઃકરણ અસત્ય પ્રત્યે સંવેદનશીલ છે? ન હોય તો, બાઈબલ અને ચોકીબુરજ તથા સજાગ બનો! જેવા બાઈબલાધારિત સાહિત્યનો અભ્યાસ કરી એને તાલીમ આપો.
યુવાન બોબીએ સારા પરિણામોસહિત એમ કર્યું છે. તે જૂઠાણાંના જાળાથી કોયડા ઢાંકી ન દેવાનું શીખ્યો છે. તેનું અંતઃકરણ તેને માબાપ પાસે પહોંચી બાબતો પ્રમાણિકપણે ચર્ચવા પ્રેરે છે. કેટલીક વાર પરિણામે તેને શિષ્ત મળી છે. તથાપિ, તે કબૂલે છે કે પ્રમાણિક હોવાને લીધે તેને ‘આંતરિક રીતે વધારે સારું લાગે છે.’
સત્ય બોલવું હંમેશા સહેલું હોતું નથી. પરંતુ સત્ય બોલવાનો નિર્ણય કરનાર સારું અંતઃકરણ, ખરા મિત્રો સાથેનો સારો સંબંધ, અને સૌથી સારું તો, દેવના મંડપમાં ‘મહેમાન’ બનવાનો લહાવો જાળવશે! તેથી, બધા ખ્રિસ્તીઓ માટે પ્રમાણિકતા સૌથી સારી નીતિ છે એટલું જ નહિ, પરંતુ એ ખરી નીતિ પણ છે.
‘શૈક્ષણિક અપ્રમાણિકતાનું કૃત્ય કરનાર કોઈ પણ વિદ્યાર્થી ભાવિ શિક્ષણ અને નોકરીની તકોને ગંભીર હાનિ કરવાનું જોખમ વહોરે છે’
સામાન્ય રીતે માબાપ અનાજ્ઞાંકિતપણાંને સમજાવવાના પાંગળા પ્રયત્નોને પારખી જશે
બાઈબલ જૂઠ અને કહેવાતા સફેદ જૂઠ વચ્ચે ભેદ રાખતું નથી
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૨૭
◻ કેટલીક કઈ પરિસ્થિતિમાં જૂઠું બોલવાની લાલચ થઈ શકે?
◻ શા માટે જૂઠું બોલવું કે ચોરી કરવી લાભદાયી નથી? શું તમે વ્યકિતગત અવલોકન કે અનુભવ પરથી એનું દ્રષ્ટાંત આપી શકો?
◻ કઈ રીતે જૂઠું બોલનાર પોતાના અંતઃકરણને હાનિ કરે છે?
◻ ગીતશાસ્ત્ર ૧૫ વાંચો. કઈ રીતે કલમો પ્રમાણિકતાના વાદવિષયને લાગુ પડે છે?
◻ કઈ રીતે એક યુવાન પ્રમાણિક અંતઃકરણ વિકસાવી શકે?