પાઠ ૨
ઈશ્વરે પહેલો પુરુષ અને પહેલી સ્ત્રી બનાવ્યાં
યહોવાએ એદન નામની જગ્યામાં બાગ બનાવ્યો. એ બાગમાં ઘણાં બધાં ફળ-ફૂલ, ઝાડ-પાન અને પશુ-પંખીઓ હતાં. પછી યહોવાએ માટીમાંથી સૌથી પહેલો માણસ બનાવ્યો. તેનું નામ આદમ હતું. યહોવાએ તેના નાકમાં જીવનનો શ્વાસ ફૂંક્યો. તમને ખબર છે પછી શું થયું? આદમ જીવતો થયો! પછી યહોવાએ આદમને કામ સોંપ્યું. તેણે બાગની સંભાળ રાખવાની હતી અને બધાં પ્રાણીઓનાં નામ પાડવાનાં હતાં.
યહોવાએ આદમને એક આજ્ઞા આપી. એ આજ્ઞા પાળવી બહુ જરૂરી હતી. તેમણે આદમને કહ્યું: ‘તું કોઈ પણ ઝાડનું ફળ ખાઈ શકે છે. પણ એક ખાસ ઝાડનું ફળ ખાતો નહિ. જો તું એ ખાશે તો મરી જશે.’
ત્યાર બાદ યહોવાએ કહ્યું: ‘હું આદમ માટે એક સહાયકારી બનાવીશ.’ તેમણે આદમને ભરઊંઘમાં નાખ્યો. પછી તેની એક પાંસળી કાઢી અને એમાંથી આદમ માટે એક પત્ની બનાવી. તેનું નામ હવા હતું. એ સૌથી પહેલું કુટુંબ બન્યું. પોતાની પત્ની જોઈને આદમને કેવું લાગ્યું? તે ખુશીથી કહેવા લાગ્યો: ‘જુઓ, યહોવાએ મારી પાંસળીમાંથી શું બનાવ્યું! મારા જેવું જ કોઈક બનાવ્યું!’
યહોવાએ આદમ અને હવાને આશીર્વાદ આપ્યો કે તેઓને બાળકો થાય અને પૃથ્વીને ભરી દે. તે ચાહતા હતા કે આદમ અને હવા સાથે મળીને કામ કરે અને ખુશી મેળવે. તેઓએ આખી પૃથ્વીને એદન બાગ જેવી સુંદર બનાવવાની હતી. પણ ઈશ્વર ચાહતા હતા એવું ન થયું. કેમ? એ વિશે હવે પછીના પાઠમાં શીખીશું.
“જેમણે મનુષ્યનું સર્જન કર્યું, તેમણે શરૂઆતથી તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.”—માથ્થી ૧૯:૪