વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es25 પાન ૧૨૧-૧૩૩
  • ઑક્ટોબર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૫
  • મથાળાં
  • બુધવાર, ઑક્ટોબર ૧
  • ગુરુવાર, ઑક્ટોબર ૨
  • શુક્રવાર, ઑક્ટોબર ૩
  • શનિવાર, ઑક્ટોબર ૪
  • રવિવાર, ઑક્ટોબર ૫
  • સોમવાર, ઑક્ટોબર ૬
  • મંગળવાર, ઑક્ટોબર ૭
  • બુધવાર, ઑક્ટોબર ૮
  • ગુરુવાર, ઑક્ટોબર ૯
  • શુક્રવાર, ઑક્ટોબર ૧૦
  • શનિવાર, ઑક્ટોબર ૧૧
  • રવિવાર, ઑક્ટોબર ૧૨
  • સોમવાર, ઑક્ટોબર ૧૩
  • મંગળવાર, ઑક્ટોબર ૧૪
  • બુધવાર, ઑક્ટોબર ૧૫
  • ગુરુવાર, ઑક્ટોબર ૧૬
  • શુક્રવાર, ઑક્ટોબર ૧૭
  • શનિવાર, ઑક્ટોબર ૧૮
  • રવિવાર, ઑક્ટોબર ૧૯
  • સોમવાર, ઑક્ટોબર ૨૦
  • મંગળવાર, ઑક્ટોબર ૨૧
  • બુધવાર, ઑક્ટોબર ૨૨
  • ગુરુવાર, ઑક્ટોબર ૨૩
  • શુક્રવાર, ઑક્ટોબર ૨૪
  • શનિવાર, ઑક્ટોબર ૨૫
  • રવિવાર, ઑક્ટોબર ૨૬
  • સોમવાર, ઑક્ટોબર ૨૭
  • મંગળવાર, ઑક્ટોબર ૨૮
  • બુધવાર, ઑક્ટોબર ૨૯
  • ગુરુવાર, ઑક્ટોબર ૩૦
  • શુક્રવાર, ઑક્ટોબર ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૫
es25 પાન ૧૨૧-૧૩૩

ઑક્ટોબર

બુધવાર, ઑક્ટોબર ૧

‘જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ આજ્ઞા પાળવા તૈયાર છે.’—યાકૂ. ૩:૧૭.

શું તમને કદી આજ્ઞા પાળવી અઘરું લાગે છે? દાઉદ રાજાને પણ એવું લાગ્યું હતું. એટલે તેમણે યહોવાને પ્રાર્થના કરી: ‘તમે મને એવી પ્રેરણા આપો કે હું તમારી આજ્ઞાઓ પાળવા સદા તૈયાર રહું.’ (ગીત. ૫૧:૧૨) દાઉદ યહોવાને ખૂબ પ્રેમ કરતા હતા. તોપણ અમુક વાર દાઉદને તેમની આજ્ઞાઓ પાળવી અઘરું લાગ્યું. આપણને પણ એવું લાગી શકે છે. શા માટે? પહેલું, જન્મથી જ આપણામાં આજ્ઞા ન પાળવાનું વલણ છે. બીજું, શેતાન હંમેશાં પ્રયત્ન કરે છે કે તેની જેમ આપણે પણ યહોવાની સામા થઈએ. (૨ કોરીં. ૧૧:૩) ત્રીજું, આજે મોટા ભાગના લોકો બંડખોર છે અને એ વલણ “આજ્ઞા ન માનનારાઓમાં” દેખાઈ આવે છે. (એફે. ૨:૨) એટલે ખૂબ જરૂરી છે કે આપણામાં ખોટું કરવાનું જે વલણ છે એની સામે લડીએ. તેમ જ, શેતાન અને તેની દુનિયાનો સામનો કરીએ, જેઓ આપણને આજ્ઞા તોડવા દબાણ કરે છે. એટલું જ નહિ, આપણે યહોવાની અને તેમણે જેઓને અધિકાર આપ્યો છે, તેઓની આજ્ઞા પાળવા મહેનત કરવી જોઈએ. w૨૩.૧૦ ૬ ¶૧

ગુરુવાર, ઑક્ટોબર ૨

“તેં તો એકદમ સારો દ્રાક્ષદારૂ હમણાં સુધી રાખી મૂક્યો છે.”—યોહા. ૨:૧૦.

ઈસુના ચમત્કારમાંથી શું શીખી શકીએ? એ જ કે આપણે નમ્ર બનવું જોઈએ. ઈસુએ ક્યારેય એ ચમત્કાર વિશે બડાઈ ન મારી. અરે, તેમણે જે કંઈ કર્યું એ વિશે પણ ક્યારેય બડાઈ ન મારી. એના બદલે તેમણે નમ્રતા બતાવી અને બધો મહિમા અને જશ પોતાના પિતાને આપ્યો. (યોહા. ૫:૧૯, ૩૦; ૮:૨૮) જો નમ્રતા બતાવવામાં ઈસુના દાખલાને અનુસરીશું, તો ક્યારેય પોતાની સફળતા વિશે બડાઈ નહિ મારીએ. આપણે ક્યારેય અભિમાન ન કરીએ. પણ જે મહાન ઈશ્વરની ભક્તિ કરવાનો લહાવો મળ્યો છે, એ ઈશ્વર માટે અભિમાન કરીએ. (યર્મિ. ૯:૨૩, ૨૪) ચાલો બધો જ માન-મહિમા યહોવાને આપીએ, જેના તે હકદાર છે. સાચે જ, આપણે યહોવાની મદદ વગર કંઈ કરી શકતા નથી! (૧ કોરીં. ૧:૨૬-૩૧) જો નમ્ર હોઈશું તો બીજાઓના ભલા માટે જે કરીશું, એનો જશ પોતાના માથે નહિ લઈએ. આપણને તો એ જાણીને ખુશી થાય છે કે આપણે જે કંઈ કરીએ છીએ એ યહોવા જુએ છે અને તેમની નજરે એ કીમતી છે. (માથ્થી ૬:૨-૪ સરખાવો; હિબ્રૂ. ૧૩:૧૬) ખરેખર, ઈસુની જેમ નમ્ર બનીએ છીએ ત્યારે યહોવા ઘણા ખુશ થાય છે.—૧ પિત. ૫:૬. w૨૩.૦૪ ૪ ¶૯; ૫ ¶૧૧-૧૨

શુક્રવાર, ઑક્ટોબર ૩

“તમે ફક્ત પોતાનો જ વિચાર ન કરો, પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.”—ફિલિ. ૨:૪.

ઈશ્વરની પ્રેરણાથી પ્રેરિત પાઉલે ખ્રિસ્તીઓને ઉત્તેજન આપ્યું કે તેઓ બીજાઓની ભલાઈનો વિચાર કરે. એ સલાહ આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ? એ યાદ રાખીને કે આપણી જેમ બીજાઓ પણ સભામાં જવાબ આપવા માંગે છે. આ રીતે વિચારો: ધારો કે તમે તમારા દોસ્તો સાથે વાત કરી રહ્યા છો. શું તમે જ બોલ બોલ કરશો અને સામેવાળાને બોલવાનો મોકો જ નહિ આપો? ના, તમે એવું નહિ કરો. તમે ચાહો છો કે તેઓ પણ તમારી સાથે વાતચીતમાં જોડાય. એવી જ રીતે, આપણે ચાહીએ છીએ કે સભાઓમાં બને એટલાં ભાઈ-બહેનો જવાબ આપે. હકીકતમાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવાની એક સારી રીત છે કે તેઓને પોતાની શ્રદ્ધા વિશે જણાવવાનો મોકો આપીએ. (૧ કોરીં. ૧૦:૨૪) એટલે ટૂંકો જવાબ આપીએ. આમ, વધારે ભાઈ-બહેનોને જવાબ આપવાનો મોકો મળશે. જો તમારો જવાબ ટૂંકો હોય, તોપણ ઘણા બધા મુદ્દા કહેવાનું ટાળો. જો તમે આખા ફકરાની માહિતી જણાવી દેશો તો બીજાઓ માટે કંઈ કહેવાનું રહેશે જ નહિ. w૨૩.૦૪ ૨૨-૨૩ ¶૧૧-૧૩

શનિવાર, ઑક્ટોબર ૪

“આ બધું જ હું ખુશખબર માટે કરું છું, જેથી બીજાઓને એ જણાવી શકું.”—૧ કોરીં. ૯:૨૩.

યાદ રાખવું જોઈએ કે બીજાઓને મદદ કરતા રહેવું ખૂબ જરૂરી છે, ખાસ કરીને પ્રચારકામ દ્વારા. આપણે પ્રચારકામમાં પણ ફેરફાર કરવા તૈયાર રહેવું જોઈએ. આપણા પ્રચાર વિસ્તારમાં અલગ અલગ પ્રદેશ અને સમાજના લોકો રહે છે. તેઓની રીતભાત અને રીતરિવાજો અલગ અલગ છે. ઈશ્વર વિશેના તેઓના વિચારો પણ જુદા જુદા છે. લોકોના સંજોગોને ધ્યાનમાં રાખીને વાતચીતની રીતમાં ફેરફાર કરવામાં પ્રેરિત પાઉલે સરસ દાખલો બેસાડ્યો છે. ઈસુએ પાઉલને “બીજી પ્રજાઓ માટે એક પ્રેરિત” તરીકે નિયુક્ત કર્યા હતા. (રોમ. ૧૧:૧૩) એટલે પાઉલે યહૂદીઓને, ગ્રીકોને, ભણેલા-ગણેલાઓને, ગામડાંમાં રહેતા લોકોને, સરકારી અધિકારીઓને અને રાજાઓને પ્રચાર કર્યો. જુદા જુદા લોકોને પ્રચાર કરવા પાઉલ ‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવા બન્યા.’ (૧ કોરીં. ૯:૧૯-૨૨) તેમણે ધ્યાન આપ્યું કે તે જેઓને પ્રચાર કરે છે તેઓ ક્યાંના છે અને શું માને છે. એમ કરવાથી તે વાતચીતમાં ફેરફાર કરી શક્યા અને દરેક વ્યક્તિને જેમાં રસ પડે એ રીતે વાત કરી શક્યા. જો આપણે પણ પ્રચાર વિસ્તારમાં રહેતા લોકોનો વિચાર કરીશું અને તેઓને કઈ રીતે મદદ કરી શકાય એ વિચારીશું, તો સારી રીતે પ્રચાર કરી શકીશું. w૨૩.૦૭ ૨૩ ¶૧૧-૧૨

રવિવાર, ઑક્ટોબર ૫

“ઈશ્વરના સેવકે લડવાની જરૂર નથી, પણ તેણે બધાની સાથે નરમાશથી વર્તવું જોઈએ.”—૨ તિમો. ૨:૨૪.

કોમળતા કમજોરી નહિ, પણ તાકાત છે. કેમ કે મુશ્કેલ સંજોગોમાં શાંત રહેવા હિંમતની જરૂર હોય છે. કોમળતા ‘પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણનું’ એક પાસું છે. (ગલા. ૫:૨૨, ૨૩) બાઇબલમાં “કોમળતા” માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે, એ અમુક વાર એવા જંગલી ઘોડાને બતાવવા વપરાતો, જેને તાલીમ આપીને કાબૂમાં કરવામાં આવ્યો હોય. જરા વિચારો, એક જંગલી ઘોડો શાંત રહેવાનું શીખી ગયો છે. ભલે તે હવે શાંત છે, પણ હજીયે શક્તિશાળી છે. આપણે કઈ રીતે કોમળ બનવાની સાથે સાથે શક્તિશાળી બની શકીએ? એવું આપબળે કરી શકતા નથી. આપણે ઈશ્વર પાસે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગવી જોઈએ, જેથી એ સુંદર ગુણ કેળવી શકીએ. અનુભવોથી જોવા મળે છે કે ઘણાં ભાઈ-બહેનો કોમળ બનવાનું શીખ્યાં છે. દાખલા તરીકે, જ્યારે વિરોધીઓએ આપણાં ઘણાં ભાઈ-બહેનો સાથે દલીલ કરવાની કોશિશ કરી, ત્યારે ભાઈ-બહેનોએ કોમળતા બતાવી અને એનાથી બીજાઓના મનમાં સાક્ષીઓ વિશે સારી છાપ પડી.—૨ તિમો. ૨:૨૪, ૨૫, ફૂટનોટ. w૨૩.૦૯ ૧૫ ¶૩

સોમવાર, ઑક્ટોબર ૬

‘મેં પ્રાર્થના કરી હતી. મારી વિનંતી સાંભળીને યહોવાએ મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે.’—૧ શમુ. ૧:૨૭.

પ્રેરિત યોહાને એક ભવ્ય દર્શનમાં ૨૪ વડીલોને સ્વર્ગમાં યહોવાની ભક્તિ કરતા જોયા. તેઓએ યહોવાનો જયજયકાર કર્યો અને કહ્યું કે “મહિમા, માન અને શક્તિ” મેળવવા તે જ યોગ્ય છે. (પ્રકટી. ૪:૧૦, ૧૧) વફાદાર દૂતો પાસે પણ યહોવાનો જયજયકાર અને મહિમા કરવાનાં અઢળક કારણો છે. તેઓ યહોવા સાથે સ્વર્ગમાં રહે છે અને તેમને સારી રીતે ઓળખે છે. યહોવા જે કંઈ કરે છે, એમાં તેઓ યહોવાના ગુણો જોઈ શકે છે. યહોવાને કામ કરતા જોઈને દૂતો ખુશીથી તેમનો જયજયકાર કરવા લાગે છે. (અયૂ. ૩૮:૪-૭) આપણે પણ પ્રાર્થનામાં યહોવાનો જયજયકાર કરવો જોઈએ. એવું કઈ રીતે કરી શકીએ? આપણે પ્રાર્થનામાં યહોવાને જણાવી શકીએ કે તેમની કઈ વાત અથવા કયા ગુણો આપણને ગમે છે અને કેમ. બાઇબલ વાંચતી વખતે અને એનો અભ્યાસ કરતી વખતે વિચારો કે એમાંથી તમને યહોવાની કઈ વાત અથવા કયા ગુણો ગમ્યા. (અયૂ. ૩૭:૨૩; રોમ. ૧૧:૩૩) પછી એ વિશે પ્રાર્થનામાં જણાવો. યહોવા તમારા માટે અને દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો માટે કેટકેટલું કરે છે. તમે એ માટે પણ તેમનો જયજયકાર કરી શકો.—૧ શમુ. ૨:૧, ૨. w૨૩.૦૫ ૪ ¶૬-૭

મંગળવાર, ઑક્ટોબર ૭

‘યહોવાના નામને શોભે એ રીતે જીવો.’—કોલો. ૧:૧૦.

સાલ ૧૯૧૯માં યહોવાના લોકો મહાન બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા. એ જ વર્ષે ‘વિશ્વાસુ અને સમજુ ચાકરે’ કામ કરવાનું શરૂ કર્યું, જેથી નમ્ર દિલના લોકો આ નવા “પવિત્ર માર્ગ” પર ચાલવાનું શરૂ કરી શકે. (માથ. ૨૪:૪૫-૪૭; યશા. ૩૫:૮) જૂના જમાનાના વફાદાર ભક્તોએ “પવિત્ર માર્ગ” તૈયાર કરવા જે મહેનત કરી, એના લીધે આ માર્ગ પર ચાલનાર નવા લોકો યહોવા અને તેમના હેતુઓ વિશે વધારે શીખી શકતા હતા. (નીતિ. ૪:૧૮) તેઓ યહોવાનાં ધોરણો પ્રમાણે જીવન જીવી શક્યા અને પોતાનામાં ફેરફારો કરી શક્યા. જોકે, યહોવાએ એવી આશા ન રાખી કે તેઓ રાતોરાત પોતાનામાં ફેરફાર કરે. પણ તેમણે ધીરે ધીરે તેઓને મદદ કરી છે. બહુ જલદી આપણે પોતાના દરેક કામથી યહોવાનું દિલ ખુશ કરી શકીશું. એ સાચે જ ખુશીનો સમય હશે! દરેક રસ્તાનું નિયમિત રીતે સમારકામ કરાવવું જરૂરી છે. ૧૯૧૯થી “પવિત્ર માર્ગ” પર પણ નિયમિત રીતે સમારકામ થઈ રહ્યું છે, જેથી વધારે ને વધારે લોકો મહાન બાબેલોન છોડીને આ માર્ગ પર ચાલી શકે. w૨૩.૦૫ ૧૭ ¶૧૫; ૧૯ ¶૧૬

બુધવાર, ઑક્ટોબર ૮

“હું તને કદી છોડી દઈશ નહિ.”—હિબ્રૂ. ૧૩:૫.

નિયામક જૂથની અલગ અલગ સમિતિઓમાં સેવા આપતા મદદનીશોને નિયામક જૂથના સભ્યો પોતે તાલીમ આપે છે. એ મદદનીશો હમણાં વફાદારીથી મોટી મોટી જવાબદારીઓ ઉપાડી રહ્યા છે. અભિષિક્તો સ્વર્ગમાં જતા રહેશે ત્યારે ખ્રિસ્તના ઘેટાંની સારી સંભાળ રાખવા તેઓ હમણાંથી જ એકદમ તૈયાર છે. મોટી વિપત્તિના અંતના થોડા સમય પહેલાં જ્યારે બધા અભિષિક્તો સ્વર્ગમાં જતા રહ્યા હશે, ત્યારે પણ આ પૃથ્વી પર યહોવાની શુદ્ધ ભક્તિ થતી રહેશે. ઈસુ ખ્રિસ્તની આગેવાની નીચે યહોવાના લોકો એક પળ માટે પણ ભટકી નહિ જાય. તેઓ વફાદારીથી યહોવાની સેવા કરતા રહેશે. ખરું કે એ સમયે માગોગનો ગોગ, એટલે કે રાષ્ટ્રોનો સમૂહ ગુસ્સે ભરાઈને આપણા પર હુમલો કરશે. (હઝકિ. ૩૮:૧૮-૨૦) પણ એ હુમલો થોડા સમય માટે હશે અને એ સફળ નહિ થાય. એ હુમલાને લીધે યહોવાના લોકો તેમની ભક્તિ કરવાનું છોડી નહિ દે. યહોવા ચોક્કસ પોતાના લોકોને બચાવશે. પ્રેરિત યોહાને એક દર્શનમાં ખ્રિસ્તનાં બીજાં ઘેટાંનું “મોટું ટોળું” જોયું હતું. યોહાનને કહેવામાં આવ્યું કે એ “મોટું ટોળું” “મોટી વિપત્તિમાંથી” નીકળી આવ્યું છે. (પ્રકટી. ૭:૯, ૧૪) એનાથી જોવા મળે છે કે યહોવા પોતાના લોકોનો વાળ પણ વાંકો થવા નહિ દે. w૨૪.૦૨ ૫-૬ ¶૧૩-૧૪

ગુરુવાર, ઑક્ટોબર ૯

“પવિત્ર શક્તિની આગ હોલવશો નહિ.”—૧ થેસ્સા. ૫:૧૯, ફૂટનોટ.

પવિત્ર શક્તિ મેળવવા આપણે શું કરી શકીએ? આપણે પ્રાર્થના કરી શકીએ, બાઇબલનો અભ્યાસ કરી શકીએ તેમજ સંગઠનના કામોમાં લાગુ રહી શકીએ, જેમ કે સભાઓ. એમ કરીશું તો આપણને “પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ” કેળવવા મદદ મળશે. (ગલા. ૫:૨૨, ૨૩) ઈશ્વર ફક્ત એવા જ લોકોને પોતાની શક્તિ આપે છે, જેઓ પોતાનાં વિચારો અને વાણી-વર્તન શુદ્ધ રાખે છે. જો આપણે અશુદ્ધ વાતો પર વિચાર કર્યા કરીશું અને એ પ્રમાણે કામ કરીશું, તો ઈશ્વર પોતાની શક્તિ આપવાનું બંધ કરી દેશે. (૧ થેસ્સા. ૪:૭, ૮) જો આપણે ચાહતા હોઈએ કે આપણને સતત પવિત્ર શક્તિ મળ્યા કરે તો એ પણ જરૂરી છે કે આપણે ‘ભવિષ્યવાણીઓને તુચ્છ ન ગણીએ.’ (૧ થેસ્સા. ૫:૨૦) આ કલમમાં ‘ભવિષ્યવાણીઓ’ એવા સંદેશાઓને બતાવે છે, જે યહોવા પોતાની પવિત્ર શક્તિ દ્વારા આપે છે. એમાં યહોવાના દિવસ વિશે અને એ કેટલો નજીક છે એનો પણ સમાવેશ થાય છે. આપણે એવું નથી વિચારતા કે યહોવાનો દિવસ અથવા આર્માગેદન આપણા જીવતેજીવ નહિ આવે. એને બદલે, આપણે એ દિવસને મનમાં રાખીએ છીએ. એ માટે આપણે સારાં વાણી-વર્તન બતાવીએ છીએ અને ‘ઈશ્વરની ભક્તિના કામમાં’ વ્યસ્ત રહીએ છીએ.—૨ પિત. ૩:૧૧, ૧૨. w૨૩.૦૬ ૧૨ ¶૧૩-૧૪

શુક્રવાર, ઑક્ટોબર ૧૦

“યહોવાનો ડર બુદ્ધિની શરૂઆત છે.”—નીતિ. ૯:૧૦.

જો ફોન કે કોમ્પ્યુટરમાં અચાનક કોઈ ગંદું ચિત્ર આવી જાય, તો યહોવાના ભક્તો તરીકે આપણે શું કરવું જોઈએ? આપણે તરત જ પોતાની નજર ફેરવી લેવી જોઈએ. જો યાદ રાખીશું કે યહોવા સાથેનો આપણો સંબંધ ખૂબ જ કીમતી છે, તો એ પગલું ભરવા મદદ મળશે. હકીકતમાં અમુક ચિત્રો બહુ ગંદાં નથી હોતાં, પણ એ મનમાં ખોટી ઇચ્છાઓ જગાડે છે. તો પછી કેમ એવાં ચિત્રો પણ જોવાનું ટાળવું જોઈએ? કેમ કે આપણે મનમાં એવો કોઈ વિચાર પણ લાવવા નથી માંગતા, જે આપણને વ્યભિચાર તરફ દોરી જાય. (માથ. ૫:૨૮, ૨૯) થાઇલૅન્ડમાં રહેતા ડેવિડભાઈ એક વડીલ છે. તે કહે છે: “હું પોતાને પૂછું છું: ‘ભલે કોઈ ચિત્ર કદાચ બહુ ગંદું ન હોય, પણ જો હું એને જોયા કરીશ, તો શું યહોવા ખુશ થશે?’ એવો સવાલ પૂછવાથી મને સમજી-વિચારીને વર્તવા મદદ મળે છે.” જો આપણને ડર હશે કે કંઈ ખોટું કરવાથી યહોવા દુઃખી થશે, તો આપણને સમજી-વિચારીને વર્તવા મદદ મળશે. હકીકતમાં, ઈશ્વરનો “ડર બુદ્ધિની શરૂઆત છે.” w૨૩.૦૬ ૨૩ ¶૧૨-૧૩

શનિવાર, ઑક્ટોબર ૧૧

“ઓ મારા લોકો, તમારા અંદરના ઓરડાઓમાં જાઓ.”—યશા. ૨૬:૨૦.

‘અંદરના ઓરડાઓ’ કદાચ મંડળોને બતાવે છે. યહોવાએ વચન આપ્યું છે કે જો આપણે ભાઈ-બહેનો સાથે મળીને તેમની ભક્તિ કરતા રહીશું, તો મોટી વિપત્તિ દરમિયાન તે આપણું રક્ષણ કરશે. એટલે હમણાં ફક્ત ભાઈ-બહેનોનું સહન કરવા જ નહિ, તેઓને પ્રેમ બતાવવા પણ સખત મહેનત કરીએ. એમ કરીશું તો કદાચ આપણું જીવન બચી શકે છે. “યહોવાનો મહાન દિવસ” આવશે ત્યારે બધા માટે બહુ અઘરો સમય હશે. (સફા. ૧:૧૪, ૧૫) યહોવાના લોકો પણ એમાંથી બાકાત નહિ રહે. પણ જો અત્યારથી પોતાને તૈયાર કરીશું, તો એ સમયે શાંત રહી શકીશું અને બીજાઓને મદદ કરી શકીશું. આપણી સામે ભલે ગમે એવી મુશ્કેલી આવે, આપણે ધીરજ રાખી શકીશું. જ્યારે ભાઈ-બહેનો મુશ્કેલીમાં હોય, ત્યારે કરુણા બતાવીશું અને તેઓની જરૂરિયાતો પૂરી કરીશું. તેઓને મદદ કરવા બનતું બધું કરીશું. તેમ જ, જો આજે ભાઈ-બહેનોને પ્રેમ કરીશું, તો ભાવિમાં પણ તેઓને પ્રેમ કરતા રહીશું. પછી યહોવા આપણને નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન આપશે, જ્યાં બધી મુશ્કેલીઓ અને આફતોની કડવી યાદો ભુલાઈ જશે.—યશા. ૬૫:૧૭. w૨૩.૦૭ ૭ ¶૧૬-૧૭

રવિવાર, ઑક્ટોબર ૧૨

“યહોવા તમને દૃઢ કરશે, તે તમને બળવાન કરશે, તે તમને સ્થિર કરશે.”—૧ પિત. ૫:૧૦.

બાઇબલમાં ઘણી વાર વફાદાર માણસો વિશે કહ્યું છે કે તેઓ બળવાન હતા. પણ તેઓમાં જે સૌથી વધારે બળવાન હતા, તેઓને પણ અમુક વાર લાગ્યું કે તેઓ કમજોર છે. દાખલા તરીકે, અમુક પ્રસંગે રાજા દાઉદે કહ્યું કે તે ‘પર્વત જેવા અડગ’ કે મજબૂત છે. પણ બીજા અમુક પ્રસંગે તેમના “હાંજા ગગડી ગયા,” એટલે કે તેમને ડર લાગ્યો. (ગીત. ૩૦:૭) ઈશ્વરની શક્તિને લીધે સામસૂનમાં જોરદાર તાકાત હતી. પણ તે જાણતા હતા કે ઈશ્વરની શક્તિ વગર ‘તેમની તાકાત જતી રહેશે અને તે સામાન્ય માણસ જેવા થઈ જશે.’ (ન્યા. ૧૪:૫, ૬; ૧૬:૧૭) સાચે જ, યહોવાએ એ વફાદાર માણસોને બળ આપ્યું હતું, એટલે તેઓ બળવાન હતા. પ્રેરિત પાઉલે સ્વીકાર્યું કે તેમને પણ યહોવા પાસેથી મળતા બળની જરૂર હતી. (૨ કોરીં. ૧૨:૯, ૧૦) તેમને પણ અમુક બીમારીઓ હતી. (ગલા. ૪:૧૩, ૧૪) અમુક વાર તેમને જે ખરું છે, એ કરવું અઘરું લાગતું હતું. (રોમ. ૭:૧૮, ૧૯) તો બીજી અમુક વાર તેમને ચિંતા થતી હતી અને ડર લાગતો હતો કે આગળ જતાં તેમનું શું થશે. (૨ કોરીં. ૧:૮, ૯) તોપણ પાઉલે કહ્યું કે જ્યારે તે નબળા હોય છે, ત્યારે બળવાન હોય છે. એવું તે કઈ રીતે કહી શક્યા? યહોવાએ તેમને તાકાત આપી. યહોવાએ તેમને બળવાન કર્યા. w૨૩.૧૦ ૧૨ ¶૧-૨

સોમવાર, ઑક્ટોબર ૧૩

“યહોવા દિલ જુએ છે.”—૧ શમુ. ૧૬:૭.

જો અમુક વાર લાગે કે આપણે કંઈ કામના નથી, તો યાદ રાખી શકીએ કે યહોવા પોતે આપણને તેમની પાસે દોરી લાવ્યા હતા. (યોહા. ૬:૪૪) તે આપણા સારા ગુણો જુએ છે, જે આપણે પોતે જોઈ શકતા નથી. તે એ પણ જાણે છે કે આપણાં દિલમાં શું છે. (૨ કાળ. ૬:૩૦) એટલે જ્યારે યહોવા કહે કે તે આપણને અનમોલ ગણે છે, ત્યારે તેમની વાત પર ભરોસો મૂકી શકીએ છીએ. (૧ યોહા. ૩:૧૯, ૨૦) યહોવા વિશે શીખવાનું શરૂ કર્યું એ પહેલાં અમુક ઈશ્વરભક્તોએ એવાં કામો કર્યાં હતાં, જેના લીધે તેઓ આજે પણ પોતાને દોષિત ગણે છે. (૧ પિત. ૪:૩) તો અમુક ઈશ્વરભક્તો હમણાં પણ પોતાની ખામીઓ સામે લડી રહ્યા છે. તમારા વિશે શું? શું તમને કદી લાગ્યું છે કે યહોવા તમને માફ નહિ કરે? જો એવું હોય તો તમને એ જાણીને રાહત મળશે કે યહોવાના બીજા વફાદાર સેવકોને પણ એવું લાગ્યું હતું. પ્રેરિત પાઉલનો દાખલો લો. જ્યારે તે પોતાની ખામીઓનો વિચાર કરતા, ત્યારે પોતાને લાચાર અનુભવતા. (રોમ. ૭:૨૪) ખરું કે, તેમણે પોતાનાં પાપનો પસ્તાવો કર્યો હતો અને બાપ્તિસ્મા લીધું હતું, તોપણ તેમણે પોતાના વિશે કહ્યું: “હું તો પ્રેરિતોમાં સાવ મામૂલી છું” અને “પાપીઓમાં હું સૌથી વધારે પાપી છું.”—૧ કોરીં. ૧૫:૯; ૧ તિમો. ૧:૧૫. w૨૪.૦૩ ૨૭ ¶૫-૬

મંગળવાર, ઑક્ટોબર ૧૪

‘લોકોએ યહોવાના મંદિરને ત્યજી દીધું.’—૨ કાળ. ૨૪:૧૮.

રાજા યહોઆશે જે ખોટો નિર્ણય લીધો, એમાંથી શીખી શકીએ કે આપણે એવા લોકોને દોસ્ત બનાવવા જોઈએ, જેઓ યહોવાને પ્રેમ કરતા હોય અને તેમને ખુશ કરવા માંગતા હોય. એ દોસ્તો તમને હંમેશાં સારાં કામો કરવા મદદ કરશે. પણ જરૂરી નથી કે આપણે ફક્ત પોતાની ઉંમરના લોકોને જ દોસ્ત બનાવીએ. આપણે પોતાનાથી નાના કે મોટા લોકોને દોસ્ત બનાવી શકીએ છીએ. યાદ કરો, યહોઆશ પોતાના દોસ્ત યહોયાદા કરતાં ઉંમરમાં ઘણો નાનો હતો. તમારા દોસ્તો કેવા છે એ જાણવા પોતાને પૂછો: ‘શું મારા દોસ્તો મને યહોવા પરની શ્રદ્ધા વધારવા મદદ કરે છે? શું તેઓ યહોવાની આજ્ઞાઓ પાળે છે? શું તેઓ મને પણ એમ કરવાનું ઉત્તેજન આપે છે? શું તેઓ યહોવા વિશે અને બાઇબલમાંથી પોતે જે શીખે છે એ વિશે વાત કરે છે? જરૂર પડે ત્યારે શું તેઓ મને મોં પર સલાહ આપે છે, કે પછી મસ્કા લગાવે છે?’ (નીતિ. ૨૭:૫, ૬, ૧૭) હકીકત તો એ છે કે જો તમારા મિત્રો યહોવાને પ્રેમ કરતા ન હોય, તો તમને તેઓની જરૂર નથી. પણ જો તમારા મિત્રો યહોવાને પ્રેમ કરતા હોય, તો તેઓનો સાથ કદી ન છોડશો. તેઓ હંમેશાં તમને મદદ કરશે.—નીતિ. ૧૩:૨૦. w૨૩.૦૯ ૯-૧૦ ¶૬-૭

બુધવાર, ઑક્ટોબર ૧૫

“હું આલ્ફા અને ઓમેગા છું!”—પ્રકટી. ૧:૮.

ગ્રીક મૂળાક્ષરોમાં આલ્ફા પહેલો અને ઓમેગા છેલ્લો અક્ષર છે. પોતાના માટે “આલ્ફા અને ઓમેગા” શબ્દો વાપરીને તે કહેવા માંગતા હતા કે તે કોઈ કામ શરૂ કરે છે ત્યારે, એ પૂરું કરીને જ રહે છે. આદમ-હવાને બનાવ્યા પછી યહોવાએ તેઓને કહ્યું કે “તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો, પૃથ્વીને ભરી દો અને એના પર અધિકાર ચલાવો.” (ઉત. ૧:૨૮) એ સમયે યહોવાએ પહેલી વાર પોતાનો હેતુ જણાવ્યો. આમ જાણે તેમણે કહ્યું, “આલ્ફા.” સમય જતાં, તેમનો હેતુ પૂરો થશે. આદમ-હવાના વફાદાર વંશજોથી આખી પૃથ્વી ભરાઈ જશે અને તેઓ પૃથ્વીને સુંદર બનાવી દેશે. એ સમયે યહોવા જાણે કહેશે, “ઓમેગા.” “આકાશ, પૃથ્વી અને એમાંનું બધું જ” બનાવ્યા પછી યહોવાએ એવું કંઈક કહ્યું, જે ખાતરી આપે છે કે તેમનો હેતુ જરૂર પૂરો થશે. એ જ કે માણસજાત અને પૃથ્વી માટેનો પોતાનો હેતુ પૂરો કરવા તેમણે સાતમા દિવસને અલગ ઠરાવ્યો. આમ, સાતમા દિવસને પવિત્ર ઠરાવીને તે જાણે કહી રહ્યા હતા કે સાતમો દિવસ પૂરો થશે ત્યાં સુધીમાં તેમનો હેતુ પૂરો થઈ ગયો હશે.—ઉત. ૨:૧-૩. w૨૩.૧૧ ૫ ¶૧૩-૧૪

ગુરુવાર, ઑક્ટોબર ૧૬

“યહોવાનો માર્ગ તૈયાર કરો! આપણા ઈશ્વર માટે રણમાંથી પસાર થતો સીધો રાજમાર્ગ બનાવો.”—યશા. ૪૦:૩.

બાબેલોનથી ઇઝરાયેલની મુસાફરી ઘણી મુશ્કેલ હતી અને એમાં આશરે ચાર મહિના લાગી જતા હતા. પણ યહોવાએ વચન આપ્યું હતું કે તે માર્ગમાં આવનાર દરેક અડચણને દૂર કરશે. વફાદાર યહૂદીઓએ ઇઝરાયેલ પાછા જવા ઘણું જતું કરવાનું હતું. પણ તેઓ એ વાત જાણતા હતા કે પોતે જે કંઈ જતું કરશે, એના બદલામાં યહોવા અનેક ગણાં આશીર્વાદ આપશે. સૌથી મોટો આશીર્વાદ તો એ હતો કે તેઓ ત્યાં જઈને સારી રીતે યહોવાની ભક્તિ કરી શકશે. બાબેલોન શહેરમાં યહોવાનું એકેય મંદિર ન હતું. એવી એક પણ વેદી ન હતી, જ્યાં તેઓ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે બલિદાનો ચઢાવી શકે. એ બલિદાનો ચઢાવવા યાજકોની કોઈ ગોઠવણ પણ ન હતી. યહૂદીઓ એવા લોકો વચ્ચે રહેતા હતા, જેઓ જૂઠાં દેવી-દેવતાઓની ભક્તિ કરતા હતા અને જેઓને યહોવાનાં ધોરણોની કંઈ પડી ન હતી. યહૂદીઓ કરતાં એ લોકોની સંખ્યા ઘણી વધારે હતી. એટલે હજારો વફાદાર યહૂદીઓ પોતાના વતન જવા ખૂબ આતુર હતા, જેથી તેઓ યહોવાની શુદ્ધ ભક્તિ કરી શકે. w૨૩.૦૫ ૧૪-૧૫ ¶૩-૪

શુક્રવાર, ઑક્ટોબર ૧૭

“પ્રકાશનાં બાળકો તરીકે ચાલતા રહો.”—એફે. ૫:૮.

આપણને ઈશ્વરની પવિત્ર શક્તિની મદદની જરૂર છે, જેથી “પ્રકાશનાં બાળકો” તરીકે ચાલતા રહી શકીએ. શા માટે? આ દુનિયા કાદવ જેવી છે અને એમાં આપણા ચારિત્ર પર ડાઘ ન લાગે એ રીતે ચાલવું બહુ અઘરું છે. (૧ થેસ્સા. ૪:૩-૫, ૭, ૮) પણ પવિત્ર શક્તિની મદદથી આપણે માણસોના એવા વિચારોથી દૂર રહી શકીશું, જે ઈશ્વરના વિચારો સાથે મેળ ખાતા નથી. પવિત્ર શક્તિ આપણને “દરેક પ્રકારની ભલાઈ” અને “નેકી” કેળવવા પણ મદદ કરશે. (એફે. ૫:૯) પવિત્ર શક્તિ મેળવવાની એક રીત છે, પ્રાર્થના કરીએ. ઈસુએ કહ્યું હતું કે જેઓ યહોવા પાસે “પવિત્ર શક્તિ માંગે છે, તેઓને તે આપશે.” (લૂક ૧૧:૧૩) સભાઓમાં બધા સાથે મળીને યહોવાની સ્તુતિ કરીએ છીએ ત્યારે પણ આપણને પવિત્ર શક્તિ મળે છે. (એફે. ૫:૧૯, ૨૦) પવિત્ર શક્તિ આપણા પર કામ કરતી હોય છે ત્યારે, યહોવા ખુશ થાય એવું જીવન જીવવા મદદ મળે છે. w૨૪.૦૩ ૨૩-૨૪ ¶૧૩-૧૫

શનિવાર, ઑક્ટોબર ૧૮

“માંગતા રહો અને તમને આપવામાં આવશે. શોધતા રહો અને તમને જડશે. ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે.”—લૂક ૧૧:૯.

શું તમારે વધારે ધીરજ બતાવવાની જરૂર છે? એમ હોય તો, એની માટે પ્રાર્થના કરો. ધીરજ પવિત્ર શક્તિના ગુણનો એક ભાગ છે. (ગલા. ૫:૨૨, ૨૩) એટલે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગી શકીએ અને ધીરજનો ગુણ કેળવવા યહોવા પાસે મદદ માંગી શકીએ. જો કોઈ સંજોગમાં ધીરજ બતાવવી અઘરું લાગે, તો પવિત્ર શક્તિ ‘માંગતા રહીએ,’ જેથી ધીરજ રાખી શકીએ. (લૂક ૧૧:૧૩) આપણે એવી પણ વિનંતી કરી શકીએ કે યહોવા સંજોગોને તેમની નજરે જોવા મદદ કરે. એ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી ધીરજ બતાવવા પૂરો પ્રયત્ન કરવો જોઈએ. જો ધીરજ બતાવવા પ્રાર્થના અને પ્રયત્ન કરતા રહીશું, તો યહોવા આપણને ધીરજવાન બનવા મદદ કરશે. પછી એ ગુણ આપણા સ્વભાવમાં વણાઈ જશે. એ ગુણ બાઇબલમાં આપેલા દાખલાઓ પર મનન કરવા પણ મદદ કરશે. બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તો વિશે જણાવ્યું છે, જેઓએ ધીરજ બતાવી હતી. તેઓના અહેવાલો પર મનન કરીને શીખી શકીશું કે કેવા અલગ અલગ સંજોગોમાં આપણે ધીરજ બતાવી શકીએ છીએ. w૨૩.૦૮ ૨૨ ¶૧૦-૧૧

રવિવાર, ઑક્ટોબર ૧૯

“માછલીઓ પકડવા તમારી જાળ નાખો.”—લૂક ૫:૪.

ઈસુએ પ્રેરિત પિતરને ભરોસો અપાવ્યો કે યહોવા તેમની જરૂરિયાતો પૂરી પાડશે. જીવતા થયા પછી ઈસુએ ફરી એકવાર ચમત્કાર કર્યો. તેમણે પિતર અને બીજા પ્રેરિતોને ઘણી માછલીઓ પકડવા મદદ કરી. (યોહા. ૨૧:૪-૬) એમાં કોઈ શંકા નથી કે એ ચમત્કારથી પિતરને ખાતરી થઈ ગઈ હશે કે યહોવા તેમની જરૂરિયાતો પૂરી પાડશે. કદાચ તેમને ઈસુના એ શબ્દો યાદ આવ્યા હશે કે જેઓ ‘ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખે છે,’ તેઓની જરૂરિયાતો યહોવા પૂરી પાડશે. (માથ. ૬:૩૩) એ બધાથી પિતરને મદદ મળી કે તે પ્રચારકામને જીવનમાં પહેલું રાખે, માછીમારના ધંધાને નહિ. ઈ.સ. ૩૩માં પચાસમાના દિવસે પિતરે હિંમતથી ઈસુ વિશે સાક્ષી આપી. એનાથી હજારો લોકોએ ખુશખબર સ્વીકારી. (પ્રે.કા. ૨:૧૪, ૩૭-૪૧) એ પછી પિતરે સમરૂનીઓને અને બીજી પ્રજાના લોકોને ખ્રિસ્ત વિશે શીખવા અને તેમના શિષ્ય બનવા મદદ કરી. (પ્રે.કા. ૮:૧૪-૧૭; ૧૦:૪૪-૪૮) સાચે જ, દરેક પ્રકારના લોકોને ખ્રિસ્તી મંડળનો ભાગ બનાવવા યહોવાએ જોરદાર રીતે પિતરનો ઉપયોગ કર્યો. w૨૩.૦૯ ૨૦ ¶૧; ૨૩ ¶૧૧

સોમવાર, ઑક્ટોબર ૨૦

“જો તમે મારું સપનું અને એનો અર્થ નહિ જણાવો, તો હું તમારા ટુકડે-ટુકડા કરી નાખીશ.”—દાનિ. ૨:૫.

બાબેલોનીઓએ યરૂશાલેમનો નાશ કર્યો એના લગભગ બે વર્ષ પછી, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે એક ભયાનક સપનું જોયું. એમાં તેણે એક મોટી મૂર્તિ જોઈ. તેણે જ્ઞાની માણસોને તેનું સપનું અને એનો અર્થ જણાવવા કહ્યું. તેણે ધમકી આપી કે જો તેઓ એ નહિ જણાવે, તો તે તેઓને મારી નાખશે. એ જ્ઞાની માણસોમાં દાનિયેલ પણ હતા. (દાનિ. ૨:૩-૫) દાનિયેલે તરત જ પગલાં ભરવાનાં હતાં, કેમ કે ઘણા લોકોનું જીવન દાવ પર લાગેલું હતું. તેમણે “રાજા પાસે જઈને થોડો સમય માંગ્યો, જેથી તે સપનાનો અર્થ જણાવી શકે.” (દાનિ. ૨:૧૬) એનાથી ખબર પડે છે કે દાનિયેલ કેટલા હિંમતવાન હતા અને તેમને ઈશ્વર પર કેટલી શ્રદ્ધા હતી. એવું કેમ કહી શકીએ? કેમ કે બાઇબલમાં એવું ક્યાંય લખ્યું નથી કે દાનિયેલે એ પહેલાં ક્યારેય કોઈ સપનાનો અર્થ જણાવ્યો હોય. દાનિયેલે પોતાના ત્રણ મિત્રોને પ્રાર્થના કરવા કહ્યું, જેથી “સ્વર્ગના ઈશ્વર તેઓને દયા બતાવે અને રહસ્ય જણાવે.” (દાનિ. ૨:૧૮) યહાવાએ તેઓની પ્રાર્થના સાંભળી. ઈશ્વરની મદદથી દાનિયેલ નબૂખાદનેસ્સારના સપનાનો અર્થ જણાવી શક્યા. આમ, દાનિયેલ અને તેમના મિત્રોનો જીવ બચી ગયો. w૨૩.૦૮ ૨ ¶૪

મંગળવાર, ઑક્ટોબર ૨૧

“જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે તેનો જ ઉદ્ધાર થશે.”—માથ. ૨૪:૧૩.

વિચારો કે ધીરજ બતાવવાથી કેવા ફાયદા થાય છે. ધીરજ બતાવીએ છીએ ત્યારે વધારે ખુશ અને શાંત રહીએ છીએ. આપણી તંદુરસ્તી સારી રહે છે અને કારણ વગરનો તણાવ રહેતો નથી. ધીરજ રાખીએ છીએ ત્યારે સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે છે. મંડળમાં એકતાનું બંધન વધારે મજબૂત થાય છે. કોઈ આપણને ચીડવે ત્યારે આપણે જલદી ગુસ્સે થઈ જતા નથી અને રાઈનો પહાડ બનતો નથી. (ગીત. ૩૭:૮, ફૂટનોટ; નીતિ. ૧૪:૨૯) સૌથી મહત્ત્વનું તો, આપણે પિતા યહોવા જેવા બનીએ છીએ અને તેમની વધારે નજીક જઈએ છીએ. સાચે જ, ધીરજ કેટલો સુંદર ગુણ છે અને એનાથી કેટલા બધા ફાયદા થાય છે! ધીરજ બતાવવી હંમેશાં સહેલું નથી હોતું, પણ યહોવાની મદદથી આપણે એ ગુણ વધારે કેળવી શકીએ છીએ. ધીરજથી નવી દુનિયાની રાહ જોઈએ છીએ ત્યારે, ખાતરી રાખી શકીએ કે “જેઓ યહોવાનો ડર રાખે છે અને તેમના અતૂટ પ્રેમની રાહ જુએ છે, તેઓ પર તેમની રહેમનજર છે.” (ગીત. ૩૩:૧૮) તો ચાલો પાકો નિર્ણય લઈએ કે હંમેશાં ધીરજ પહેરી રાખીશું. w૨૩.૦૮ ૨૧ ¶૭; ૨૫ ¶૧૬-૧૭

બુધવાર, ઑક્ટોબર ૨૨

“ફક્ત શ્રદ્ધા હોવી પૂરતું નથી, કેમ કે કામો વગર શ્રદ્ધા મરેલી છે.”—યાકૂ. ૨:૧૭.

યાકૂબે કહ્યું કે એક માણસ કદાચ દાવો કરે કે તેને ઈશ્વરમાં શ્રદ્ધા છે, પણ તેનાં કામોમાં એ શ્રદ્ધા દેખાતી ન હતી. (યાકૂ. ૨:૧-૫, ૯) યાકૂબે એમ પણ કહ્યું. એ વ્યક્તિએ જોયું કે ‘કોઈ ભાઈ કે બહેન પાસે પૂરતાં કપડાં કે પૂરતું ખાવાનું ન હતું,’ પણ તેણે કોઈ મદદ ન કરી. એટલે ભલે તે કહે કે તેનામાં શ્રદ્ધા છે, પણ તેની શ્રદ્ધા કંઈ કામની નથી. કેમ કે તેણે પોતાની શ્રદ્ધા પ્રમાણે કામ કર્યું નહિ. (યાકૂ. ૨:૧૪-૧૬) યાકૂબે રાહાબનો દાખલો આપ્યો. તેણે કામોથી પોતાની શ્રદ્ધા બતાવી આપી. (યાકૂ. ૨:૨૫, ૨૬) કઈ રીતે? તેણે યહોવા વિશે સાંભળ્યું હતું. તે પારખી ગઈ હતી કે યહોવા જ ઇઝરાયેલીઓને મદદ કરી રહ્યા હતા. (યહો. ૨:૯-૧૧) તેણે યહોવામાં શ્રદ્ધા મૂકી અને એ પોતાનાં કામોથી બતાવી આપી. જ્યારે બે ઇઝરાયેલી જાસૂસોનું જીવન જોખમમાં હતું, ત્યારે તેણે તેઓનું રક્ષણ કર્યું. એનું શું પરિણામ આવ્યું? ધ્યાન આપો કે રાહાબ ઇઝરાયેલી ન હતી અને ઇબ્રાહિમની જેમ તેનામાં પણ જન્મથી પાપની અસર હતી. તોપણ ઇબ્રાહિમની જેમ તેને નેક ગણવામાં આવી. રાહાબના દાખલામાંથી શીખવા મળે છે કે શ્રદ્ધા હોવાની સાથે સાથે કામ કરવું પણ ખૂબ જરૂરી છે. w૨૩.૧૨ ૫ ¶૧૨-૧૩

ગુરુવાર, ઑક્ટોબર ૨૩

“તમારાં મૂળ ઊંડાં ઉતારો અને શ્રદ્ધાના પાયાને વળગી રહો.”—એફે. ૩:૧૭, ફૂટનોટ.

યહોવાના ભક્તો તરીકે શું આપણે ફક્ત બાઇબલના મૂળ શિક્ષણનું જ્ઞાન લઈને બેસી રહેવું જોઈએ? ના, આપણે તો ‘ઈશ્વર વિશેની ઊંડી વાતો’ શીખવા માંગીએ છીએ અને એવું પવિત્ર શક્તિની મદદથી કરી શકીએ છીએ. (૧ કોરીં. ૨:૯, ૧૦) બાઇબલના એવા વિષયો પર ઊંડો અભ્યાસ કરીએ, જેથી યહોવાની નજીક જઈ શકીએ. જેમ કે, તમે એ વિશે સંશોધન કરી શકો કે યહોવાએ પ્રાચીન સમયના પોતાના સેવકોને કઈ રીતે પ્રેમ બતાવ્યો અને એનાથી કઈ રીતે સાબિત થાય છે કે તે તમને પણ પ્રેમ કરે છે. તમે કદાચ અભ્યાસ કરી શકો કે પ્રાચીન ઇઝરાયેલમાં યહોવાની ભક્તિ માટે કઈ ગોઠવણો હતી અને પછી એને આજના સમયની ભક્તિની ગોઠવણો સાથે સરખાવી શકો. કદાચ તમે એવી ભવિષ્યવાણીઓ પર ઊંડો અભ્યાસ કરી શકો, જે ઈસુએ પૃથ્વી પરના પોતાના જીવન અને સેવાકાર્ય દરમિયાન પૂરી કરી. એ વિષયો પર સંશોધન કરવા તમને યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાંથી મદદ મળશે. એ રીતે અભ્યાસ કરવામાં તમને બહુ મજા આવશે. બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી તમારી શ્રદ્ધા મજબૂત થશે અને ‘ઈશ્વરનું જ્ઞાન તમારે હાથ લાગશે.’—નીતિ. ૨:૪, ૫. w૨૩.૧૦ ૧૯ ¶૩-૫

શુક્રવાર, ઑક્ટોબર ૨૪

“ખાસ કરીને, એકબીજા માટે ગાઢ પ્રેમ રાખો, કેમ કે પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે.”—૧ પિત. ૪:૮.

પ્રેરિત પિતરે “ગાઢ” માટે જે શબ્દ વાપર્યો એનો અર્થ થાય, “ખેંચીને ફેલાવવું.” કલમના બીજા ભાગમાં જણાવ્યું છે કે ભાઈ-બહેનોને એવો પ્રેમ બતાવીએ છીએ ત્યારે શું થાય છે. એ તેઓનાં પાપ ઢાંકી દે છે. કલ્પના કરો કે એક ટેબલ પર ઘણા ડાઘા પડ્યા છે. જો એ ટેબલ પર એક કપડું ફેલાવવામાં આવે તો એક કે બે નહિ, પણ બધા ડાઘા ઢંકાઈ જશે. એવી જ રીતે, ભાઈ-બહેનો માટેનો ગાઢ પ્રેમ તેઓની એક કે બે ખામીઓને નહિ, પણ “અસંખ્ય પાપને” ઢાંકવા, એટલે કે તેઓને માફ કરવા મદદ કરશે. આપણે ભાઈ-બહેનોને એટલો બધો પ્રેમ કરવો જોઈએ કે અઘરું લાગતું હોય ત્યારે પણ તેઓની ભૂલો માફ કરી શકીએ. (કોલો. ૩:૧૩) ભાઈ-બહેનોને માફ કરીને બતાવીએ છીએ કે આપણે તેઓને ખૂબ પ્રેમ કરીએ છીએ અને યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. w૨૩.૧૧ ૧૦-૧૧ ¶૧૩-૧૫

શનિવાર, ઑક્ટોબર ૨૫

“રાજા આગળ શાફાન એમાંથી વાંચવા લાગ્યો.”—૨ કાળ. ૩૪:૧૮.

રાજા યોશિયા ૨૬ વર્ષનો હતો ત્યારે તેણે મંદિરનું સમારકામ શરૂ કરાવ્યું. એ સમારકામ દરમિયાન “યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક મળ્યું, જે મૂસા દ્વારા અપાયું હતું.” એ પુસ્તકમાં લખેલી વાતો સાંભળીને યોશિયાએ એ પાળવા તરત જ પગલાં ભર્યાં. (૨ કાળ. ૩૪:૧૪, ૧૯-૨૧) શું તમે દરરોજ બાઇબલ વાંચવા માંગો છો? જો તમે દરરોજ વાંચતા હો, તો શું તમને મજા આવે છે? શું તમે કલમો લખી રાખો છો જે કદાચ તમને મદદ કરી શકે? જ્યારે યોશિયા આશરે ૩૯ વર્ષનો હતો, ત્યારે તેણે એક ભૂલ કરી, જેના લીધે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. (૨ કાળ. ૩૫:૨૦-૨૫) યહોવા પાસેથી માર્ગદર્શન માંગવાને બદલે તેણે પોતાની અક્કલ પર આધાર રાખ્યો. એમાંથી આપણને કંઈક શીખવા મળે છે. ભલે આપણે ગમે એટલા મોટા હોઈએ કે પછી ગમે એટલાં વર્ષોથી બાઇબલમાંથી શીખતા હોઈએ, પણ આપણે બધાએ યહોવાની શોધ કરતા રહેવાની જરૂર છે. એનો અર્થ થાય કે માર્ગદર્શન માટે યહોવાને નિયમિત પ્રાર્થના કરીએ, બાઇબલનો અભ્યાસ કરીએ અને અનુભવી ભાઈ-બહેનોની સલાહ માંગીએ. જો એમ કરીશું તો મોટી ભૂલો થવાની શક્યતા ઓછી થશે અને ખુશ રહેવાની શક્યતા વધી જશે.—યાકૂ. ૧:૨૫. w૨૩.૦૯ ૧૨ ¶૧૫-૧૬

રવિવાર, ઑક્ટોબર ૨૬

“ઈશ્વર ઘમંડી લોકોની વિરુદ્ધ છે, પણ નમ્ર લોકો પર તે અપાર કૃપા વરસાવે છે.”—યાકૂ. ૪:૬.

બાઇબલમાં એવી ઘણી સ્ત્રીઓ વિશે જણાવ્યું છે, જેઓ યહોવાને પ્રેમ કરતી હતી અને તન-મનથી તેમની ભક્તિ કરતી હતી. એ સ્ત્રીઓ “દરેક વાતે મર્યાદા” રાખતી હતી અને “બધાં કાર્યોમાં વિશ્વાસુ” હતી. (૧ તિમો. ૩:૧૧) યુવાન બહેનો, તમે એ સ્ત્રીઓ પાસેથી શીખી શકો. એ ઉપરાંત તમારા મંડળમાં પણ એવી બહેનો હશે, જેઓ યહોવાને દિલથી પ્રેમ કરે છે. તમે એ બહેનો પાસેથી પણ ઘણું શીખી શકો. યુવાન બહેનો, એવી બહેનોનો વિચાર કરો, જેઓએ સારો દાખલો બેસાડ્યો છે અને જેઓને તમે અનુસરવા માંગો છો. જુઓ કે તેઓમાં કયા સરસ ગુણો છે. પછી વિચારો કે તમે કઈ રીતે એ ગુણો કેળવી શકો. પરિપક્વ બનવા નમ્રતાનો ગુણ હોવો ખૂબ જરૂરી છે. જો એક સ્ત્રી નમ્ર હશે, તો યહોવા અને બીજાઓ સાથે તેના સારા સંબંધો હશે. દાખલા તરીકે, યહોવાને પ્રેમ કરતી સ્ત્રી નમ્ર બનીને ૧ કોરીંથીઓ ૧૧:૩માં આપેલો સિદ્ધાંત પાળશે. ત્યાં સ્વર્ગમાંના આપણા પિતાએ સ્પષ્ટ જણાવ્યું છે કે મંડળમાં અને કુટુંબમાં આગેવાની લેવાનો અધિકાર તેમણે કોને આપ્યો છે. w૨૩.૧૨ ૧૮-૧૯ ¶૩-૫

સોમવાર, ઑક્ટોબર ૨૭

“પતિઓ, તમે જેમ પોતાના શરીરને પ્રેમ કરો છો, તેમ પોતાની પત્નીને પ્રેમ કરો.”—એફે. ૫:૨૮.

યહોવા ચાહે છે કે એક પતિ તેની પત્નીને પ્રેમ કરે, તેની જરૂરિયાતો પૂરી કરે, તેનો સારો દોસ્ત બને અને તેને યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવા મદદ કરે. તેમ જ, સમજશક્તિ કેળવવી, સ્ત્રીઓનો આદર કરવો અને ભરોસાપાત્ર બનવું જેવા ગુણો કેળવવાથી તમને એક સારા પતિ બનવા મદદ મળશે. લગ્‍ન પછી તમે કદાચ બાળકો કરવાનું વિચારો. પણ સારા પિતા બનવા તમને શાનાથી મદદ મળી શકે? (એફે. ૬:૪) યહોવાએ દિલ ખોલીને પોતાના દીકરા ઈસુને કહ્યું હતું કે, તે તેમને પ્રેમ કરે છે અને તેમનાથી ખુશ છે. (માથ. ૩:૧૭) જો ભાવિમાં તમે પિતા બનો, તો નિયમિત રીતે તમારાં બાળકોને ખાતરી અપાવતા રહેજો કે તમે તેઓને પ્રેમ કરો છો. તેઓ કંઈ સારું કરે ત્યારે, દિલ ખોલીને તેઓના વખાણ કરજો. યહોવાનો દાખલો અનુસરતા પિતાઓ પોતાનાં બાળકોને પરિપક્વ ખ્રિસ્તીઓ બનવા મદદ કરે છે. સારા પિતા બનવા તમે હમણાંથી જ અમુક તૈયારીઓ કરી શકો છો. જેમ કે, કુટુંબીજનોને અને મંડળનાં ભાઈ-બહેનોને પ્રેમ કરો અને તેઓની કાળજી લો. પ્રેમ બતાવવાનું શીખો અને તેઓની કદર કરો.—યોહા. ૧૫:૯. w૨૩.૧૨ ૨૮-૨૯ ¶૧૭-૧૮

મંગળવાર, ઑક્ટોબર ૨૮

“[યહોવા] તમને સ્થિર કરશે.”—૧ પિત. ૫:૧૦.

આખી માણસજાત પર મુશ્કેલીઓ અને બીમારીઓનો કહેર તૂટી પડે છે. યહોવાના સેવકો પણ એમાંથી બાકાત નથી. એ ઉપરાંત, યહોવાની ભક્તિ કરતા હોવાને લીધે વિરોધ અથવા સતાવણીનો સામનો કરવો પડે છે. ખરું કે, યહોવા આપણા પર મુશ્કેલીઓ આવતી રોકતા નથી, પણ તે મદદ કરવાનું વચન આપે છે. (યશા. ૪૧:૧૦) તેમની મદદથી આપણે આનંદ જાળવી શકીએ છીએ, સારા નિર્ણયો લઈ શકીએ છીએ અને કપરા સંજોગોમાં પણ તેમને વફાદાર રહી શકીએ છીએ. યહોવા શાંતિ આપવાનું વચન આપે છે. એને બાઇબલમાં “ઈશ્વરની શાંતિ” કહી છે. (ફિલિ. ૪:૬, ૭) એ શાંતિ યહોવા સાથેના સંબંધને લીધે જ મળે છે. એ આપણી “સમજશક્તિની બહાર” છે. એને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. શું તમારી સાથે કદી એવું બન્યું છે કે, તમે યહોવાને કરગરીને પ્રાર્થના કરી હોય અને પછી તમારું મન શાંત થઈ ગયું હોય? ‘ઈશ્વરની શાંતિને’ લીધે તમે એવું અનુભવ્યું. w૨૪.૦૧ ૨૦ ¶૨; ૨૧ ¶૪

બુધવાર, ઑક્ટોબર ૨૯

“હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર. મારું રોમેરોમ તેમના પવિત્ર નામનો જયજયકાર કરે.”—ગીત. ૧૦૩:૧.

યહોવાને પ્રેમ કરતા લોકો પૂરા દિલથી તેમના નામની સ્તુતિ કરવા માંગે છે. દાઉદ રાજા જાણતા હતા કે યહોવાના નામની સ્તુતિ કરવી એટલે યહોવાની સ્તુતિ કરવી. યહોવાના નામ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણાં મનમાં શું આવે છે? તેમનો સ્વભાવ, તેમના સરસ ગુણો અને તેમનાં મહાન કામો. દાઉદ ચાહતા હતા કે યહોવાનું નામ પવિત્ર મનાય અને એની સ્તુતિ થાય. તે ચાહતા હતા કે તેમનું “રોમેરોમ” યહોવાના નામની સ્તુતિ કરે, એટલે કે તે પૂરા દિલથી યહોવાના ગુણગાન ગાય. લેવીઓએ પણ યહોવાની સ્તુતિ કરવામાં સારો દાખલો બેસાડ્યો. તેઓએ નમ્રતાથી સ્વીકાર્યું કે તેઓ યહોવાના પવિત્ર નામની જેટલી સ્તુતિ કરે એટલી ઓછી છે. (નહે. ૯:૫) એમાં કોઈ શંકા નથી કે એવી સ્તુતિથી યહોવા બહુ ખુશ થયા હશે. w૨૪.૦૨ ૯ ¶૬

ગુરુવાર, ઑક્ટોબર ૩૦

“આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.”—ફિલિ. ૩:૧૬.

તમારા માટે કોઈ ધ્યેય પૂરો કરવો શક્ય જ ન હોય તો, યાદ રાખો કે યહોવા ક્યારેય એવું નહિ વિચારે કે તમે નિષ્ફળ ગયા છો. (૨ કોરીં. ૮:૧૨) મુશ્કેલીઓમાંથી શીખીએ. તમે અત્યાર સુધી જે કર્યું છે એને યાદ રાખો. બાઇબલમાં લખ્યું છે, ‘ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને ભૂલી જાય.’ (હિબ્રૂ. ૬:૧૦) એટલે તમે પણ તમારાં કામોને ભૂલશો નહિ. જરા વિચારો, અત્યાર સુધી તમે કયા ધ્યેયો પૂરા કર્યા છે. જેમ કે, તમે યહોવાના દોસ્ત બન્યા છો, તેમના વિશે બીજાઓને જણાવો છો અને બાપ્તિસ્મા લીધું છે. જેમ તમે અત્યાર સુધી પ્રગતિ કરી છે અને ધ્યેયો પૂરા કર્યા છે, તેમ આગળ પણ પ્રગતિ કરી શકશો અને ધ્યેયો પૂરા કરી શકશો. તમે યહોવાની મદદથી ધ્યેયો પૂરા કરી શકો છો. તમે તમારા ધ્યેયો પૂરા કરવા મહેનત કરો ત્યારે, જુઓ કે યહોવા તમને કઈ રીતે મદદ કરે છે અને આશીર્વાદ આપે છે. એનાથી તમે ખુશી મેળવી શકશો. (૨ કોરીં. ૪:૭) જો તમે હિંમત નહિ હારો, તો તમને અઢળક આશીર્વાદો મળશે.—ગલા. ૬:૯. w૨૩.૦૫ ૩૧ ¶૧૬-૧૮

શુક્રવાર, ઑક્ટોબર ૩૧

“પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને ભરોસો કર્યો છે કે ઈશ્વરે મને મોકલ્યો છે.”—યોહા. ૧૬:૨૭.

યહોવા જેઓને પ્રેમ કરે છે, તેઓને બતાવે છે કે તે તેઓથી ખુશ છે. બાઇબલમાં એવા બે અહેવાલો જણાવ્યા છે, જેમાં યહોવાએ ઈસુને કહ્યું હતું કે તે તેમનો વહાલો દીકરો છે અને તેમનાથી ખુશ છે. (માથ. ૩:૧૭; ૧૭:૫) શું તમે પણ યહોવા પાસેથી એવું સાંભળવા માંગો છો કે તે તમારાથી ખુશ છે? યહોવા સ્વર્ગમાંથી આપણી સાથે વાત નથી કરતા, પણ બાઇબલ દ્વારા વાત કરે છે. ખુશખબરનાં પુસ્તકોમાં ઈસુના શબ્દો વાંચીએ છીએ ત્યારે, યહોવા જાણે આપણી સાથે વાત કરે છે અને કહે છે કે તે આપણાથી ખુશ છે. ઈસુ એકદમ તેમના પિતા જેવા હતા. તેમના શિષ્યોથી ઘણી વાર ભૂલો થઈ, તોપણ ઈસુએ બતાવ્યું કે તે તેઓથી ખુશ છે. એટલે તમે બાઇબલમાં જ્યારે પણ વાંચો કે ઈસુએ તેમના શિષ્યોને શું કહ્યું હતું, ત્યારે કલ્પના કરી શકો કે જાણે એ શબ્દો યહોવા તમને કહી રહ્યા છે. (યોહા. ૧૫:૯, ૧૫) જો કસોટીઓ આવે, તો એનો અર્થ એ નથી કે યહોવા આપણાથી ખુશ નથી. એ સમયે બતાવવાનો મોકો મળે છે કે યહોવાને કેટલો પ્રેમ કરીએ છીએ અને તેમના પર કેટલો ભરોસો છે.—યાકૂ. ૧:૧૨. w૨૪.૦૩ ૨૮ ¶૧૦-૧૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો