રાજ્ય પ્રચારકોના અનુભવ
ચિલીમાં સત્યના બીને પાણી આપવું
ઉત્તર ચિલીના રણમાં ઘણાં વર્ષો પછી વરસાદ પડે છે. વરસાદ પડે છે ત્યારે, ત્યાંની સૂકી, તરસી જમીન રંગીન ફૂલોથી ઢંકાઈ જાય છે. એને જોવા આખા દેશમાંથી લોકો આવે છે.
એવી જ રીતે એનાથી પણ સુંદર બાબતો ચિલીના લોકોમાં બની રહી છે. બાઇબલ સત્યનું પાણી દેશના ખૂણે ખૂણે વહી રહ્યું છે. ઘણા સત્ય શોધનારાઓ ‘ખીલીને’ ઈસુ ખ્રિસ્તના શિષ્યો બની રહ્યા છે. એમાંની એક રીત ટેલિફોનનો ઉપયોગ છે, જેનાથી સત્યનું પાણી ફેલાઈ રહ્યું છે. અમુક અનુભવો બતાવે છે કે ફોન પર પરમેશ્વરના રાજ્યની વાત કરવાથી સારાં પરિણામો આવ્યાં છે.
• કરીના પૂરા સમયની સેવિકા છે. તેણે સરકીટ સંમેલનના કાર્યક્રમમાં બતાવવાનું હતું કે લોકો સાથે કઈ રીતે ફોન પર પરમેશ્વરના રાજ્ય વિષે વાત થઈ શકે. પરંતુ, કરીનાએ આ રીતે કદી પ્રચાર કર્યો ન હતો. એક વડીલ અને તેમના પત્નીએ કરીના સાથે એના વિષે ચર્ચા કરી. તેઓએ તેને યહોવાહ પરમેશ્વરની મદદ માટે પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપ્યું. તેણે એ પ્રમાણે કરીને છેવટે ફોન કરવાનું નક્કી કર્યું.
કરીનાએ નજીકના ગામમાં ફોન કર્યો. પછી, એક સ્ત્રીએ ફોન ઉપાડ્યો ત્યારે કરીનાએ તેમને પોતાનો હેતુ જણાવ્યો. ફોન પર તેમની સાથે સારી રીતે વાત થઈ હોવાથી કરીનાએ ત્રણ દિવસ પછી ફરીથી ફોન કરવાની ગોઠવણ કરી. એ સ્ત્રીને બાઇબલ વિષે વધારે જાણવું હતું. તેથી તેની સાથે ફોન પર દેવ આપણી પાસે શું માંગે છે? એ મોટી પુસ્તિકામાંથી બાઇબલ અભ્યાસ શરૂ થયો. ત્યારથી, તેઓ એમાંથી સારી રીતે ચર્ચાનો આનંદ માણે છે. વળી, કરીનાએ તે સ્ત્રીના પ્રશ્નોના જવાબ આપવા માટે અમુક પુસ્તિકાઓ પણ મોકલી આપી.
• બર્નાર્ડાને ત્યાં ભૂલથી કોઈકનો ફોન આવ્યો હતો. તેમણે ગુસ્સે થયા વગર જણાવ્યું કે પોતે એક યહોવાહના સાક્ષી છે. પછી તેમણે તે માણસને પૂછ્યું કે હું તમને કઈ રીતે મદદ કરી શકું. વાતચીત આગળ વધી અને તેમણે તે માણસને જણાવ્યું કે પરમેશ્વરનું રાજ્ય કઈ રીતે દુષ્ટતા દૂર કરશે. પછી તે માણસે બર્નાર્ડાને પોતાનો ફોન નંબર આપ્યો. તેથી તેમણે તે માણસ સાથે અવારનવાર ફોન કરીને વાત કરી. એક વખતે બર્નાર્ડાએ જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકમાંથી અમુક ભાગ વાંચી સંભળાવ્યો. તે માણસે પૂછ્યું કે, હું એ પુસ્તક કઈ રીતે મેળવી શકું? પછી બર્નાર્ડાએ તેને એક પ્રત સાથે બાઇબલ પણ મોકલી આપ્યું. તે માણસની તેની નજીકમાં રહેતા એક ભાઈ મુલાકાત લે એવી ગોઠવણ કરવામાં આવી, અને આ રીતે ખીલતા ‘છોડને’ “પાણી પાવાનું” કામ ચાલુ છે.
હા, ધાર્મિક રીતે આ જગત સૂકી જમીન છે, છતાં જીવનનું પાણી પીવડાવવામાં આવે છે ત્યારે, બીના ફણગા ફૂટી નીકળે છે. હજારો તરસ્યા લોકો યહોવાહ પરમેશ્વરના વિશ્વાસુ સેવક તરીકે ‘ઊગી નીકળી’ રહ્યા છે.—યશાયાહ ૪૪:૩, ૪.