વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w00 ૧૨/૧૫ પાન ૩-૭
  • નાતાલ—ખ્રિસ્તીઓનો તહેવાર?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નાતાલ—ખ્રિસ્તીઓનો તહેવાર?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • પોસાડાસ, “ત્રણ માગીઓ” અને ગભાણ
  • ગભાણના રિવાજોની શરૂઆત
  • બાઇબલ અનુસાર ઈસુનો જન્મ
  • માગીઓ
  • આ અહેવાલથી આપણે શું શીખી શકીએ?
  • ઈસુના જન્મને કઈ રીતે યાદ રાખવો જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • યહોવાના સાક્ષીઓ શા માટે નાતાલ ઊજવતા નથી?
    વારંવાર પૂછાતા સવાલો
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
w00 ૧૨/૧૫ પાન ૩-૭

નાતાલ—ખ્રિસ્તીઓનો તહેવાર?

નાતાલ નજીક આવી રહી છે. તમે, તમારું કુટુંબ અને તમારા મિત્રો એને કઈ દૃષ્ટિથી જુઓ છો? શું તમે એને એક ધાર્મિક પ્રસંગ તરીકે જુઓ છો કે પછી મોજશોખ કરવાના એક તહેવાર તરીકે? શું તમે એને ઈસુનો જન્મ દિવસ માનીને ઊજવો છો કે એક સામાન્ય તહેવાર તરીકે ઊજવો છો?

આ બધા પ્રશ્નોનો વિચાર કરો ત્યારે એ યાદ રાખવું જોઈએ કે દરેક સ્થળ પ્રમાણે નાતાલના રિવાજો જુદા જુદા હોય છે. દાખલા તરીકે, મૅક્સિકો અને અમેરિકાના ઘણા ભાગોમાં તો નાતાલનું નામ પણ અલગ છે. એક એન્સાઈક્લોપેડિયા જણાવે છે કે “નાતાલનું અંગ્રેજી નામ ક્રિસમસ, મધ્યકાલિન શબ્દો ક્રિસ્ટેસ માસ પરથી આવ્યું છે, જેનો અર્થ ખ્રિસ્તીઓનું ટોળું થાય છે.” અમેરિકાના ઘણા ભાગોમાં એને લા નેવીદાદ, અથવા ગભાણ કહેવામાં આવે છે. એનો અર્થ થાય છે, ગભાણમાં ખ્રિસ્તનો જન્મ. મૅક્સિકોના નાતાલના રિવાજો વિષે વિચાર કરો. એ તમને નાતાલ વિષે યોગ્ય ખ્યાલ આપશે.

પોસાડાસ, “ત્રણ માગીઓ” અને ગભાણ

ડિસેમ્બર ૧૬થી પોસાડાસ સાથે આ ઉત્સવની શરૂઆત થાય છે. નાતાલના આગલા દિવસોમાં થતી ઉજવણીને પોસાડાસ કહેવામાં આવે છે. આ વિષે મૅક્સિકોસ ફીસ્ટ ઑફ લાઈફ પુસ્તક જણાવે છે: “એ પોસાડાસનો સમય છે, જે નાતાલ પહેલાના નવ દિવસો દરમિયાન મનાવવામાં આવે છે. ઈસુનો જન્મ થયો એ પહેલા, યુસફ અને મરિયમ બેથલેહેમ શહેરમાં આશરો શોધતા ફરતા હતા અને છેવટે તેઓને રહેવાનું ઠેકાણું મળ્યું એની યાદમાં એ મનાવવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના જન્મની આગલી રાત્રે જે ઘટનાઓ બની એનો અભિનય કરવા કુટુંબો અને મિત્રો ભેગા મળે છે.”

રિવાજ પ્રમાણે, એક ટોળું હાથમાં મરિયમ અને યુસફની મૂર્તિઓ લઈને એક ઘરે જાય છે અને ગીત ગાતા ગાતા પોસાડાસ કે આશ્રય માંગે છે. એ ઘરમાં હોય તેઓ પણ એના પ્રત્યુત્તરમાં, મુલાકાતીઓ ઘરમાં પ્રવેશે ત્યાં સુધી ગીતો ગાય છે. ત્યાર પછી પાર્ટી શરૂ થાય છે, જેમાં કેટલીક વ્યક્તિઓને આંખે પાટો બાંધવામાં આવે છે. પછી તેઓને હાથમાં લાકડી આપવામાં આવે છે જેનાથી તેઓ દોરીથી ઉપર લટકાવેલું, માટીનું મોટું શણગારેલું માટલું તોડવાનો પ્રયત્ન કરે છે. એ તોડ્યા પછી, એમાં રહેલી ચોકલેટો, ફળો અને બીજી ખાવાની વસ્તુઓ ત્યાં ભેગા થયેલાઓ એકઠી કરે છે. ત્યાર પછી ખાણી-પીણી અને નાચગાન શરૂ થાય છે. ડિસેમ્બર ૧૬થી ડિસેમ્બર ૨૩ સુધી આઠ પોસાડા પાર્ટીઓ યોજવામાં આવે છે. ડિસેમ્બર ૨૪એ નોચેબુના એટલે કે નાતાલની આગલી રાત ઊજવાય છે અને એ રાતના ખાસ ભોજનમાં હાજર રહેવા કુટુંબના બધા સભ્યો પ્રયત્ન કરે છે.

થોડા દિવસ પછી જ નવા વર્ષનો દિવસ આવે છે, જેમાં ઘોંઘાટભરી પાર્ટીઓ યોજવામાં આવે છે. જાન્યુઆરી ૫ની સાંજે, ટ્રેસ રેયેસ માગોસ એટલે કે ‘માગીઓએ’ બાળકો માટે રમકડાં લાવવાના હોય છે. જાન્યુઆરી ૬ના રોજ યોજેલ પાર્ટીના અંતે, રોસકા ડે રેયેસ એટલે કે ગોળ કેક વહેંચવામાં આવે છે. આ કેક ખાતી વખતે કોઈકને પોતાના કેકના ટૂકડામાંથી એક નાની ઢીંગલી મળે છે કે જે બાળ ઈસુને રજૂ કરે છે. જેને એ ઢીંગલી મળે છે તેણે બીજી ફેબ્રુઆરીએ છેલ્લી પાર્ટી યોજીને પોતાના ઘરે મહેમાનોને બોલાવવાના હોય છે, અને બધો જ ખર્ચો પોતે જ ભોગવવાનો હોય છે. (કેટલાંક સ્થળોએ ત્રણ નાની ઢીંગલીઓ ત્રણ ‘માગીઓને’ પણ રજૂ કરે છે.) આનાથી તમે જોઈ શકો કે નાતાલ સાથે જોડાયેલી પાર્ટીઓ ચાલુને ચાલુ જ રહે છે.

એ સમય દરમિયાન, નાસીમીન્ટો એટલે કે ગભાણનું દૃશ્ય ખૂબ પ્રખ્યાત હોય છે. એમાં શું હોય છે? જાહેર સ્થળોએ, ઘરોમાં અને ચર્ચમાં સીરામીક, લાકડું કે માટીથી બનાવેલા નાનાં કે મોટાં ગભાણો જોવા મળે છે. એ ગભાણમાં યુસફ અને મરિયમને તાજા જન્મેલા બાળક સમક્ષ ઘૂંટણે પડેલા બતાવવામાં આવે છે. ઘણી વાર ત્યાં ઘેટાંપાળકો અને લોસ રેયેસ માગોસ (ત્રણ માગીઓ)ને પણ બતાવવામાં આવે છે. ગભાણમાં કેટલાંક પ્રાણીઓ ગોઠવેલાં હોય છે. તેમ છતાં, મુખ્ય આકર્ષણ નવું જન્મેલું બાળક છે, જેને સ્પૅનિશમાં ઈલે નીનો ડીઓસ એટલે કે બાળ પ્રભુ તરીકે બોલાવવામાં આવે છે. આ બાળકને નાતાલની આગલી સાંજે પણ મૂકવામાં આવે છે.

ગભાણના રિવાજોની શરૂઆત

નાતાલના રીતરિવાજો વિષે જગતભરમાં બધા જ જાણે છે. એ વિષે ધ એન્સાયક્લોપેડિયા અમેરિકાના આમ કહે છે: “નાતાલ સમયે કરવામાં આવતા મોટા ભાગના રીતરિવાજો મૂળ નાતાલના નથી. એ રીતરિવાજો તો સાચો ખ્રિસ્તી ધર્મ શરૂ થયો એ પહેલાની માન્યતાઓ અને બીજા ધર્મોના રિવાજોમાંથી ખ્રિસ્તી ચર્ચે અપનાવી લીધા છે. મધ્ય-ડિસેમ્બરમાં ઉજવાતા રોમન ઉત્સવ સેર્ટેનાલિયામાંથી નાતાલના ઘણા રીતરિવાજો આવ્યા છે. ઉદાહરણ તરીકે, આ ઉત્સવમાંથી જ પાર્ટીઓ કરવી, ભેટો આપવી અને મીણબત્તીઓ સળગાવવી વગેરે અપનાવી લેવામાં આવ્યા છે.”

અમેરિકાના અમુક ભાગોમાં તો, ગભાણ સાથે સંકળાયેલા રિવાજોની સાથે, બીજા પણ ઘણા બધા રિવાજો પાળવામાં આવે છે. તમને નવાઈ લાગશે કે ‘એ બધા રિવાજો ક્યાંથી આવ્યા?’ હકીકતમાં, બાઇબલને વળગી રહેનારાઓને ખબર છે કે આ રીતરિવાજો બાઇબલમાં નથી. પરંતુ એ એઝટેક જાતિના રિવાજો પરથી ઉતરી આવ્યા છે. મૅક્સિકોના ઈલ યુનિવર્શલ નામના એક છાપાએ આ પ્રમાણે ટીકા આપી: “પાદરીઓ એઝટેક લોકોમાં પોતાના ધર્મનો પ્રચાર કરવા માગતા હતા. એઝટેક લોકોના તહેવારો જે સમયે આવતા હતા એ જ સમયે કૅથલિક લોકોના તહેવારો પણ આવતા હતા. એ હકીકતનો લાભ ઉઠાવીને પાદરીઓએ તેઓના રિવાજોને કૅથલિક રિવાજોમાં બદલી નાખ્યા; એનાથી બંનેના રીતરિવાજો એકબીજા સાથે ભળી ગયા, અને પાદરીઓનો ઇરાદો સફળ થયો. એ કારણે જ ઘણા તહેવારોનાં નામ મૅક્સિકન ભાષામાં રાખવામાં આવ્યાં છે.”

ધ એન્સાયક્લોપેડિયા અમેરિકાના સમજાવે છે: “ગભાણ વિષે નાટક ભજવવું એ નાતાલ ઉજવણીનો એક પ્રચલિત ભાગ બન્યું હતું . . . કહેવામાં આવે છે કે ચર્ચમાં ભજવવામાં આવતું ગભાણનું દૃશ્ય સંત ફ્રાન્સિસે શરૂ કર્યું હતું.” યુરોપના લોકો મૅક્સિકોમાં વસવા લાગ્યા એ સમયથી મૅક્સિકોના ચર્ચમાં ગભાણનું દૃશ્ય ભજવવાનું શરૂ થયું. પછી ફ્રાન્સિસના મઠવાસી ચેલાઓએ એઝટેક જાતિના લોકોને ઈસુના જન્મ વિષે શીખવવાનું શરૂ કર્યું. પાછળથી પોસાડાસ વધુ પ્રચલિત બન્યો. એ શરૂ કરવાનો મૂળ હેતુ ભલે ગમે તે હોય, પરંતુ આજે પોસાડાસ જે રીતે ઉજવાય છે એ જોતા એનો હેતુ શું છે એ ખ્યાલ આવી જાય છે. નાતાલના સમયે તમે મૅક્સિકોમાં હોવ તો, એલ યુનિવર્શલના લેખકે પોતાની ટીકામાં એના વિષે જે લખ્યું છે એ તમે નજરે નિહાળી શકો: “પહેલાનો પોસાડાસ, અમને ઈસુનો જન્મ થયો એના થોડા દિવસો પહેલા તેમના માબાપ કઈ રીતે આશ્રય શોધતા હતા એની યાદ અપાવતું હતું, પરંતુ આજના પોસાડાસમાં લોકો દારૂ પીને છાકટા બનતા હોય છે, મોજશોખ, ખાઉધરાપણું અને નકામી બાબતોમાં સમય વેડફે છે અને વધુને વધુ ગુનાઓ આચરતા જોવા મળે છે.”

યુરોપના લોકો મૅક્સિકોમાં વસવા લાગ્યા એ સમયે ચર્ચમાં ગભાણ વિષે નાટકો ભજવાતા હતા એના પરથી નાશીમીન્ટો એટલે કે ગભાણનું દૃશ્ય શરૂ થયું છે. ભલે એ બહુ આકર્ષક જણાતું હોય છતાં, શું એ બાઇબલ જે કહે છે એને સાચી રીતે રજૂ કરે છે? આ મહત્ત્વનો પ્રશ્ન છે. માગીઓ કહેવાતા ત્રણ જ્યોતિષીઓએ મુલાકાત લીધી ત્યારે, ઈસુ અને તેમનાં માબાપ ગભાણમાં રહેતા ન હતા. તેમના જન્મ પછી ઘણો સમય પસાર થઈ ગયો હતો અને હવે તેઓ ઘરમાં રહેતા હતા. તમે માત્થી ૨:૧, ૧૧માં આ વિષે આપેલા અહેવાલને વાંચશો તો એનો ખ્યાલ આવશે. બાઇબલ કહેતું નથી કે ત્યાં કેટલા માગીઓ હતા.a

અમેરિકાના કેટલાક ભાગોમાં, સાન્તા ક્લોઝની જગ્યાએ ત્રણ માગીઓ મૂકવામાં આવે છે. બીજા દેશોની જેમ, અહીં પણ ઘણાં માબાપ ઘરમાં જ રમકડાં સંતાડી રાખે છે. પછી જાન્યુઆરી ૬ની સવારે, ત્રણ માગીઓ એ રમકડાં આપી ગયા હોય એમ બાળકોને લાગે છે. ભલે લોકો માટે એ તહેવાર કે દંતકથા હોય, રમકડાં બનાવનારાઓ કે વેચનારાઓ માટે એ લાખો રૂપિયા કમાવી આપનારો સમય છે. ત્રણ માગીઓની દંતકથા હવે ઘણા લોકો તથા નાના બાળકો માટે પણ મહત્ત્વની રહી નથી. દંતકથામાં માનનારાઓની સંખ્યા પણ ઓછી થઈ રહી હોવાથી કેટલાક લોકો નારાજ છે, પરંતુ, પરંપરાને જાળવી રાખવા અને આર્થિક લાભ માટે ઊભી કરેલી દંતકથા વિષે કોઈ પણ શું અપેક્ષા રાખી શકે?

શરૂઆતના ખ્રિસ્તીઓ નાતાલ કે ગભાણને ઉજવતા ન હતા. એ વિષે એક એન્સાયક્લોપેડિયા કહે છે: “પ્રથમ સદીના ખ્રિસ્તી ચર્ચમાં આવી ઉજવણીઓ કરવામાં આવતી ન હતી, કેમ કે ત્યારે પ્રખ્યાત લોકોનો જન્મ દિવસ નહિ પણ મૃત્યુ દિવસ ઉજવવવાનો રિવાજ હતો.” બાઇબલ જન્મદિવસને મૂર્તિપૂજા સાથે સાંકળે છે, દેવના સાચા ઉપાસકો સાથે નહિ.—માત્થી ૧૪:૬-૧૦.

તેમ છતાં, એનો અર્થ એ નથી થતો કે પરમેશ્વરના પુત્રના જન્મને સાંકળતા બનાવો જાણવા અને યાદ રાખવા ખોટું છે. સાચો બાઇબલ અહેવાલ, પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવા ચાહનારાઓ માટે મહત્ત્વની સમજણ અને બોધપાઠ પૂરો પાડે છે.

બાઇબલ અનુસાર ઈસુનો જન્મ

માત્થી અને લુકના પુસ્તકોમાં તમે ઈસુના જન્મ વિષેની ભરોસાપાત્ર માહિતી મેળવી શકશો. એ અહેવાલો બતાવે છે કે ગાબ્રીએલ દૂતે ગાલિલના નાઝરેથ શહેરમાં રહેતી મરિયમ નામની એક કુંવારી કન્યાની મુલાકાત લીધી હતી. તેમણે તેને કયો સંદેશો આપ્યો? “જો, તને ગર્ભ રહેશે, ને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે, ને પરાત્પરનો દીકરો કહેવાશે; અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઊદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, ને તેના રાજ્યનો અંત આવશે નહિ.”—લુક ૧:૩૧-૩૩.

મરિયમ આ સંદેશાથી એકદમ આશ્ચર્ય પામી હતી. કુંવારી હોવાથી તેણે કહ્યું: “એ કેમ કરીને થશે? કેમકે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો, કે પવિત્ર આત્મા તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મશે તે પવિત્ર, દેવનો દીકરો, કહેવાશે.”—લુક ૧:૩૪-૩૮.

પછી મરિયમ સગર્ભા થાય છે અને એ જાણ્યા પછી યુસફ તેને છૂટાછેડા આપવાનું વિચારે છે. પરંતુ દૂત તેમને ચમત્કારિક જન્મ વિષે જણાવે છે જેથી તે મરિયમને છૂટાછેડા ન આપે. હવે યુસફ પરમેશ્વરના પુત્રને ઉછેરવાની જવાબદારી લે છે.—માત્થી ૧:૧૮-૨૫.

પછી કાઈસાર ઔગસ્તસે હુકમ બહાર પાડ્યો કે બધા પોતાનાં નામ નોંધાવવાં સારૂ પોતપોતાના શહેરમાં જાય. તેથી મરિયમ અને યુસફને પોતાના નામ નોંધણી કરાવવા ગાલિલના નાઝરેથથી પોતાના પૂર્વજોના શહેર, યહુદાના બેથલેહેમ સુધી, મુસાફરી કરવાની ફરજ પડી. “તેઓ ત્યાં હતાં, એટલામાં તેના દહાડા પૂરા થયા, અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો; તેણે તેને લૂગડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારૂ ધર્મશાળામાં કંઈ જગા નહોતી.”—લુક ૨:૧-૭.

આ વિષે લુક ૨:૮-૧૪ નીચે પ્રમાણે વર્ણન કરે છે: “તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ટોળાંને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો, ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો; અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું, કે બીહો મા; કેમકે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. કેમકે આજ દાઊદના શહેરમાં તમારે સારૂ એક તારનાર, એટલે ખ્રિસ્ત પ્રભુ, જન્મ્યો છે. તમારે સારૂ એ નિશાની છે, કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો; તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા, કે પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્‍ન છે, તેઓને શાંતિ થાઓ.”—લુક ૨:૮-૧૪.

માગીઓ

બાઇબલમાં માત્થીનો અહેવાલ જણાવે છે કે પૂર્વથી માગીઓ યહુદીઓનો રાજા ક્યાં જન્મ્યો છે એ જોવા યરૂશાલેમ આવ્યા. હેરોદ રાજાને એ જાણવામાં બહુ જ રસ હતો, પરંતુ એનો ઇરાદો સારો ન હતો. “તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું, કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો, ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હુ પણ આવીને તેનું ભજન કરૂં.” માગીઓને બાળક મળ્યું ત્યારે “તેઓએ પોતાની જોણ્ણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું.” પરંતુ તેઓ હેરોદ પાસે પાછા ન ગયા. તેઓને ‘હેરોદ પાસે પાછા જવું નહિ, એમ સ્વપ્નમાં ચેતવણી મળી.’ હેરોદના ઇરાદાઓ વિષે જણાવવા પરમેશ્વરે યુસફ પાસે સ્વર્ગદૂત મોકલ્યો. ત્યાર પછી યુસફ અને મરિયમ પોતાના પુત્ર સાથે મિસર નાસી ગયા. પછી, નવા જન્મેલા રાજાને મારી નાખવાના પ્રયત્નરૂપે, ક્રૂર રાજા હેરોદે બેથલેહેમ વિસ્તારના બધા જ નાનાં છોકરાઓને મારી નાખવાનો હુકમ કર્યો. કેટલી ઉંમરનાઓને? બે કે એથી નાની ઉંમરના બધા છોકરાઓને મારી નાખવાનો હુકમ કર્યો.—માત્થી ૨:૧-૧૬.

આ અહેવાલથી આપણે શું શીખી શકીએ?

મુલાકાતે આવેલા ઘણા માગીઓ સાચા પરમેશ્વરની ઉપાસના કરતા ન હતા. લા ન્યૂવા બિબ્લિઆ લાટિનોઅમેરિકા (૧૯૮૯ આવૃત્તિ) બાઇબલ ફૂટનોટમાં આમ જણાવે છે: “માગીઓ રાજાઓ ન હતા, પરંતુ જ્યોતિષિઓ અને મૂર્તિપૂજક ધર્મોના પુરોહિતો હતા.” ખગોળવિદ્યાને સમર્પિત એ પુરોહિતો પોતાના જ્ઞાન વિષેનો પુરાવો જોવા આવ્યા હતા. પરમેશ્વર તેઓને બાળ ઈસુ પાસે લઈ જવા માંગતા હોત તો, તેઓને પ્રથમ યરૂશાલેમમાં હેરોદ પાસે લઈ ગયા વગર સીધા જ યોગ્ય જગ્યાએ દોરી ગયા હોત. પાછળથી, બાળકનું રક્ષણ કરવા પરમેશ્વરે તેઓને બીજા માર્ગે વાળી દીધા.

નાતાલ સમયે ઈસુના જન્મ સંબંધી ઘણી મનઘડિત વાર્તાઓ અને મોજશોખના વાતાવરણમાં એક મુખ્ય બાબત રહી જાય છે. એ બાબત છે મરિયમ અને ઘેટાંપાળકોને જણાવવામાં આવ્યું હતું તેમ ઈસુ એક મહાન રાજા બનવા જન્મ્યા હતા. ઈસુ ખ્રિસ્ત હવે બાળક નથી. તે પરમેશ્વરના રાજ્યના રાજા છે, અને એ રાજ્ય જલદી જ પરમેશ્વર વિરુદ્ધ ઊભી થયેલી સરકારોનો નાશ કરશે અને માણસજાતની બધી જ સમસ્યાઓ હલ કરશે. પ્રભુની પ્રાર્થનામાં આપણે એ જ રાજ્યની માંગણી કરીએ છીએ.—દાનીયેલ ૨:૪૪; માત્થી ૬:૯, ૧૦.

દૂતે પોતાની જાહેરાત ઘેટાંપાળકોને કરી એ પરથી આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વરના સંદેશને સ્વેચ્છાથી સાંભળે છે તે સર્વ માટે તારણ રહેલું છે. પરમેશ્વરની કૃપા મેળવનારા લોકો આશીર્વાદિત છે. ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં આખી પૃથ્વી પર પુષ્કળ શાંતિ હશે, પરંતુ એ મેળવવા લોકોએ પરમેશ્વરના માર્ગ વિષે શીખવું જ જોઈએ. શું નાતાલ પરમેશ્વરની ઇચ્છા વિષે શીખવે છે? ઘણા નમ્ર લોકો બાઇબલનું શિક્ષણ લઈને જોઈ શકે છે કે બાબત એમ નથી.—લુક ૨:૧૦, ૧૧, ૧૪.

[ફુટનોટ]

a બીજી વિગતોનો પણ નકાર કરવો ન જોઈએ: મૅક્સિકન નેશીમીન્ટોમાં, બાળકને “બાળ પ્રભુ” તરીકે ઉલ્લેખવામાં આવે છે. એમાં એવું માનવામાં આવે છે કે પરમેશ્વર પોતે બાળકના રૂપમાં પૃથ્વી પર આવ્યા છે. તેમ છતાં, બાઇબલ ઈસુને પરમેશ્વરના પુત્ર તરીકે રજૂ કરે છે જે પૃથ્વી પર જન્મ્યા હતા; તે સર્વશક્તિમાન, યહોવાહ પરમેશ્વર જેવા કે તેમની સમાન ન હતા. વળી, બાઇબલમાં લુક ૧:૩૫; યોહાન ૩:૧૬; ૫:૩૭; ૧૪:૧, ૬, ૯, ૨૮; ૧૭:૧, ૩; ૨૦:૧૭માં તેમના વિષે રજૂ કરેલ સત્ય તપાસો.

[પાન ૪ પર બોક્સ]

કેટલાકને નવાઈ લાગશે

નાતાલ પર સંશોધન કરવામાં વર્ષો ગાળ્યા પછી, લેખક ટોમ ફ્લીન પોતાના પુસ્તક ધ ટ્રબલ વીથ ક્રિસમસમાં આ નિષ્કર્ષ પર આવ્યા:

“નાતાલ સાથે જોડાયેલા સંખ્યાબંધ રીતરિવાજોના મૂળ સાચા ખ્રિસ્તી ધર્મ પહેલાના મૂર્તિપૂજક ધર્મોમાંથી આવે છે. એ રિવાજો અલગ અલગ સમાજો, એની અનૈતિકતા અથવા જ્યોતિષવિદ્યા સાથે સંકળાયેલા છે. આજના ભણેલા-ગણેલા લોકો એના મૂળ વિષે જાણે છે ત્યારે એને ધિક્કારે છે.”—પાન ૧૯.

પાયારૂપ માહિતીઓ જણાવ્યા પછી, ફ્લીન ખાસ બાબતો જણાવે છે: “નાતાલનો એક સૌથી મોટા કટાક્ષ તો એ છે કે એને સાચા ખ્રિસ્તી ધર્મ સાથે કોઈ સંબંધ નથી. જો એમાંથી ખ્રિસ્તી ધર્મ શરૂ થયો એ પહેલાના બધા મૂર્તિપૂજક રિવાજોને કાઢી નાખવામાં આવે તો, સાચા ખ્રિસ્તી ધર્મની શરૂઆતનો કોઈ રિવાજ બાકી રહેતો નથી.”—પાન ૧૫૫.

[પાન ૭ પર ચિત્ર]

ઈસુના જન્મની જાહેરાત કરવામાં આવી ત્યારે એ પણ બતાવવામાં આવ્યું કે તે પરમેશ્વરના પસંદ કરેલા રાજા બનશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો