બાઇબલને ચોક્કસાઈ આપતો એક પથ્થર
રાજા શાઊલના જમાનામાં ઈસ્રાએલીઓ ખેતરના સાધનોની ધાર કઢાવવા પલિસ્તી લુહારો પાસે જતા હતા. તેઓ એ મજૂરીના કેટલા લેતા એ વિષે બાઇબલ કહે છે: “ધાર કાઢનારના દર આ પ્રમાણ હતા: હળની ધાર કાઢવાના બે તૃતિયાંશ શેકેલ, ખરપડીની ધાર કાઢવાના બે તૃતિયાંશ શેકેલ, કુહાડીની ધાર કાઢવાના એક તૃતિયાંશ શેકેલ, દાતરડાની ધાર કાઢવાના એક તૃતિયાંશ શેકેલ.”—૧ શમુએલ ૧૩:૨૧, IBSI.
મૂળ હેબ્રી ભાષામાં બાઇબલ “બે તૃતિયાંશ શેકેલ” એક જાતનો તોલવા માટે વજન હતો. મૂળ હેબ્રી ભાષામાં બાઇબલ “બે તૃતિયાંશ શેકેલ” વજન માટે “પિમ” શબ્દ વાપરે છે. પરંતુ એ પણ એક જ વખત વાપરવામાં આવ્યો છે. ‘પિમ’ એટલે શું? એ તોલવા માટેનો એક નાનો પથ્થર હતો. શોધખોળ કરનારાઓને આ પથ્થર ૧૯૦૭માં પ્રાચીન ગેઝરમાંથી મળ્યો. ઘણા બાઇબલ ભાષાંતરકારોને ખબર ન હતી કે એ શું છે. ઘણા માનતા કે પિમ ધાર કાઢવા માટેની કાનસ હતી એટલે ભાષાંતરકારો ‘પિમનું,’ “કાનસ” તરીકે ભાષાંતર કરતા. જેમ કે એક ગુજરાતી બાઇબલ કહે છે: “તોપણ કોદાળીઓ, હળપૂણી, સેંતલા ને કુહાડીઓને વાસ્તે તથા આરો બેસાડવાને વાસ્તે તેઓની પાસે કાનસ તો હતી.”—૧ શમૂએલ ૧૩:૨૧
બાઇબલના વિદ્વાનો હવે જાણે છે કે એક પિમનું વજન લગભગ આઠ ગ્રામ જેટલું હતું. એ જમાનામાં હેબ્રીઓ સાધનોની ધાર કાઢવા માટે પલિસ્તીઓને આઠ ગ્રામ જેટલી ચાંદી આપતા. પરંતુ ઈસવી સન પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો નાશ થયો ત્યારે એ રીતે તોલીને મજૂરી દેવાનો અંત આવ્યો. પિમ વિષે જાણવામાં અને બાઇબલની ચોક્કસાઈ વિષે જાણવા વચ્ચે શું સંબંધ છે?
બાઇબલના અમુક વિદ્વાનો તો એવું માને છે છે કે હેબ્રી શાસ્ત્ર ને ખાસ કરીને પહેલા શમૂએલનું પુસ્તક ઈ.સ. પૂર્વે બીજી કે પહેલી સદીમાં લખવામાં આવ્યું હતું એ વખતે ગ્રીક કે રૂમીનું રાજ ચાલતું હતું. તેઓ એમ પણ માને છે કે ‘આપણે જૂનાકરાર પર પૂરો ભરોસો રાખી શકતા નથી. એમાં બાઇબલ જમાના વિષેનો ચોક્કસાઈભર્યો ઇતિહાસ જોવા મળતો નથી. સદીઓ પછી કોઈ યહુદી કે ખ્રિસ્તીઓએ એ શાસ્ત્ર લખ્યું હોય એમ લાગે છે.’
પરંતુ પ્રોફેસર વિલિયમ જી. દેવર ઈસ્રાએલ દેશનો અભ્યાસ કરે છે. તે ૧ શમૂએલ ૧૩:૨૧માં જણાવેલા પિમ વિષે કહે છે: ‘આપણે એમ ન કહી શકીએ કે ગ્રીક કે રૂમી રાજ દરમિયાન કોઈ યહુદી કે ખ્રિસ્તીએ પિમ વિષે ખોટે ખોટી કલ્પના જ કરીને એ શાસ્ત્ર લખ્યા હતા. જો એ શાસ્ત્ર ખરેખર બનાવટ હોત, તો પિમ જેવો શબ્દ કદીય જૂનાકરારમાં જોવા મળ્યો ન હોત. હકીકત એ છે કે પ્રાચીન જમાનામાં લોકો એ રીતે ચાંદી તોલવાની રીત વાપરતા હતા. યરૂશાલેમના વિનાશ સાથે એનો ઇતિહાસ પણ ત્યાં જ દટાઈ ગયો. પરંતુ વીસમી સદીમાં એ જમાનાનો ઇતિહાસ મળ્યો. હવે આપણને પૂરી સાબિતી મળી કે હેબ્રી લોકો પિમ નામે ઓળખાતા વજનનો ઉપયોગ કરતા હતા. ઘણા લોકોને આ માહિતી સાવ મામૂલી લાગી શકે. પરંતુ બાઇબલમાં જણાવેલો ઇતિહાસ સાબિત કરવા માટે આવી નાની-નાની માહિતી પણ ખૂબ મહત્ત્વની છે.’
[પાન ૨૯ પર ચિત્ર]
પિમનું વજન લગભગ બે તૃતિયાંશ શેકેલ જેટલું હતું