વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr૧૮ જુલાઈ પાન ૧
  • જુલાઈ—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૮
  • મથાળાં
  • જુલાઈ ૨-૮
  • જુલાઈ ૯-૧૫
  • જુલાઈ ૧૬-૨૨
  • જુલાઈ ૨૩-૨૯
  • જુલાઈ ૩૦–ઑગસ્ટ ૫
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૮
mwbr૧૮ જુલાઈ પાન ૧

જુલાઈ—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

જુલાઈ ૨-૮

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૬-૭

“ઉદારતાથી માપી આપો”

(લુક ૬:૩૭) વળી, ન્યાય કરવાનું બંધ કરો અને કોઈ પણ રીતે તમારો ન્યાય કરવામાં નહિ આવે, દોષિત ઠરાવવાનું બંધ કરો અને કોઈ પણ રીતે તમને દોષિત ઠરાવવામાં નહિ આવે. માફ કરતા રહો અને તમને માફ કરવામાં આવશે.

nwtsty લુક ૬:૩૭ અભ્યાસ માહિતી

માફ કરતા રહો અને તમને માફ કરવામાં આવશે: અથવા ‘આઝાદ કરતા રહો અને તમને આઝાદ કરવામાં આવશે.’ “માફ કરો” માટે વપરાયેલા મૂળ ગ્રીક શબ્દનો આવો અર્થ પણ થઈ શકે, “મુક્ત કરવું; જવા દેવું; આઝાદ કરવું (જેમ કે, કોઈ કેદીને).” અહીં સંદર્ભ પ્રમાણે, એ શબ્દને ન્યાય કરવાની અને દોષિત ઠરાવવાની ક્રિયાથી એકદમ વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે. એ શબ્દ પૂરા માનથી કોઈને આરોપમાંથી મુક્ત કરવાનો તેમજ માફી આપવાનો અર્થ ધરાવે છે, પછી ભલે એ દંડ અથવા સજાને યોગ્ય કેમ ન હોય.

w૦૮ ૫/૧ ૧૩-૧૪ ¶૧૩-૧૪

ભલું કરતા રહો!

ઈસુએ કહ્યું, “તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે.” (માત્થી ૭:૧) એ વખતે ફરોશીઓ પોતાના રીત-રિવાજોને લીધે લોકોને વાતવાતમાં દોષિત ઠરાવતા. જો કોઈ એમ કરતું હોય, તો તેણે હવે સુધારો કરવાની જરૂર હતી. હવેથી તે ‘કોઈને દોષિત ન ઠરાવે,’ પણ તેને ‘છોડી દે.’ એટલે કે રાજી-ખુશીથી માફ કરે. (લુક ૬:૩૭) પાઊલે પણ એવી જ રીતે માફ કરવાની સલાહ આપી.—એફેસી ૪:૩૨ વાંચો.

ઈસુએ એમ પણ કહ્યું, “તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે; અને જે માપથી તમે માપી આપો છો, તેથી જ તમને માપી અપાશે.” (માત્થી ૭:૨) ઈસુના શિષ્યોની જેમ આપણે બીજાઓને માફ કરીશું તો કદાચ તેઓ આપણને માફ કરશે. જેવું વાવીશું તેવું લણીશું.—ગલાતી ૬:૭.

(લૂક ૬:૩૮) આપતા રહો અને લોકો તમને આપશે. તેઓ ઉદારતાથી, દાબીને, હલાવીને અને ઊભરાય એટલું તમારા ખોળામાં આપશે, કેમ કે જે માપથી તમે માપી આપો છો, એ માપથી તેઓ તમને પણ પાછું માપી આપશે.

nwtsty લુક ૬:૩૮ અભ્યાસ માહિતી

આપતા રહો: અથવા “આપવાની આદત રાખો.” અહીં જે ગ્રીક શબ્દનો ઉપયોગ થયો છે એનો અર્થ “આપવું” થઈ શકે છે તેમજ એ શબ્દ સતત થતી ક્રિયાને દર્શાવે છે.

તમારા ખોળામાં: મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય “તમારી છાતી.” જોકે અહીં સંદર્ભ પ્રમાણે એ કદાચ અંગરખા કે ઝભ્ભા ઉપર પટ્ટો બાંધવાથી જે કપડું કમર પર લટકીને ઝોળી જેવું બને છે, એને દર્શાવે છે. અમુક વાર દુકાનદાર ગ્રાહકને વેચેલી વસ્તુ તેની ઝોળીમાં આપતા. બની શકે કે ‘ખોળામાં આપવું’ શબ્દ અહીં એને જ દર્શાવે છે.

કીમતી રત્નો શોધીએ

(લુક ૬:૧૨, ૧૩) એ દિવસો દરમિયાન, ઈસુ પ્રાર્થના કરવા પહાડ પર ગયા અને તેમણે આખી રાત ઈશ્વરને પ્રાર્થના કરી. અને દિવસ થયો ત્યારે તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓમાંથી ૧૨ને પસંદ કર્યા, જેઓને તેમણે પ્રેરિતો નામ પણ આપ્યું.

w૦૭ ૮/૧ ૬ ¶૧

સાચા ઈશ્વરભક્તો કોણ છે?

ઈસુએ ઘણી વાર લાંબી પ્રાર્થના પણ કરી હતી. (યોહાન ૧૭:૧-૨૬) દાખલા તરીકે, બાર શિષ્યો પસંદ કરતા પહેલાં ઈસુ ‘પહાડ પર પ્રાર્થના કરવા ગયા; અને તેમણે પ્રાર્થનામાં આખી રાત કાઢી.’ (લુક ૬:૧૨) એનો એ અર્થ નથી કે બધાએ ઈસુની જેમ આખી રાત પ્રાર્થના કરવી જોઈએ. તેમ છતાં કોઈ પણ નિર્ણયો લેતા પહેલાં પ્રાર્થનામાં ઈશ્વરની મદદ માંગવી જોઈએ. પછી તેમની દોરવણી પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. તો જ યહોવાહ સાથેનો નાતો મજબૂત થશે.

(લુક ૭:૩૫) પરંતુ જ્ઞાન પોતાનાં સર્વ છોકરાંથી યથાર્થ મનાય છે.

nwtsty લુક ૭:૩૫ અભ્યાસ માહિતી

પોતાનાં કાર્યોથી: અથવા, “એનાં પરિણામોથી.” મૂળ, “પોતાનાં સર્વ છોકરાંથી.” અહીં ડહાપણને એક એવી વ્યક્તિ સાથે સરખાવ્યું છે, જેને બાળકો હોય. એ જ અહેવાલ વિશે માથ્થી ૧૧:૧૯માં ડહાપણ જાણે “કાર્યો” ધરાવતું હોય એમ રજૂ કરવામાં આવ્યું છે. અહીં ‘ડહાપણનાં છોકરાં અથવા કાર્યો’ તો ઈસુ અને બાપ્તિસ્મા આપનાર યોહાને આપેલા પુરાવાને બતાવે છે, જેનાથી સાબિત થતું કે તેઓ પર લગાવેલા આરોપો તદ્દન ખોટા છે. ઈસુ તો જાણે કહી રહ્યા છે કે ‘ન્યાયી કામો અને વલણને જુઓ અને તમે જાણી જશો કે આરોપો ખોટા છે.’

બાઇબલ વાંચન

(લુક ૭:૩૬-૫૦) હવે, ફરોશીઓમાંનો એક ઈસુને જમવા આવવાની વારંવાર વિનંતી કરતો હતો. તેથી, એ ફરોશીના ઘરે તે ગયા અને મેજને અઢેલીને બેઠા. ૩૭ અને જુઓ! એ શહેરમાં પાપી તરીકે જાણીતી એક સ્ત્રી હતી. તેને ખબર પડી કે ફરોશીના ઘરે તે જમવા આવ્યા છે અને તે સંગેમરમરની શીશીમાં સુગંધી તેલ લઈને આવી. ૩૮ તે તેમની પાછળ આવીને તેમના પગ પાસે ઘૂંટણે પડી અને રડતાં રડતાં પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા લાગી; પછી, પોતાના માથાના વાળથી તેમના પગ લૂછીને એને ચુંબન કર્યું અને એના પર સુગંધી તેલ લગાડ્યું. ૩૯ એ જોઈને, જે ફરોશીએ તેમને બોલાવ્યા હતા તેણે મનમાં કહ્યું: “જો આ માણસ ખરેખર પ્રબોધક હોત, તો તે જાણતો હોત કે તેમને અડકનાર સ્ત્રી કોણ છે અને કેવી છે, એટલે કે તે પાપી છે.” ૪૦ પણ, તેના વિચાર જાણીને ઈસુએ તેને કહ્યું: “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે કહ્યું: “ઉપદેશક, કહો!” ૪૧ “એક લેણદારને બે દેવાદાર હતા; એકનું ૫૦૦ દીનારનું દેવું હતું અને બીજાનું ૫૦ દીનાર. ૪૨ તેઓ પાસે તેને ચૂકવવા કંઈ ન હતું, તેથી તેણે ઉદારતાથી તેઓ બંનેનું દેવું માફ કર્યું. એટલે, તેઓમાંથી કોણ તેને વધારે પ્રેમ કરશે?” ૪૩ જવાબમાં સિમોને કહ્યું: “મને લાગે છે કે, જેનું વધારે દેવું માફ થયું તે.” તેમણે તેને જણાવ્યું: “તેં ખરું કહ્યું.” ૪૪ એ પછી, તેમણે સ્ત્રી તરફ ફરીને સિમોનને કહ્યું: “તું આ સ્ત્રીને જુએ છે? હું તારા ઘરે આવ્યો ત્યારે પગ ધોવા તેં મને પાણી ન આપ્યું. પણ, આ સ્ત્રીએ તેનાં આંસુઓથી મારા પગ ધોયા અને પોતાના વાળથી એને લૂછ્યા. ૪૫ તેં મને આવકાર આપવા ચુંબન ન કર્યું, પણ હું આવ્યો ત્યારથી આ સ્ત્રીએ મારા પગને ચૂમવાનું બંધ કર્યું નથી. ૪૬ તેં મારા માથા પર તેલ ન લગાડ્યું, પણ આ સ્ત્રીએ મારા પગ પર સુગંધી તેલ લગાડ્યું છે. ૪૭ તેથી, હું તને કહું છું, ભલે તેનાં પાપ ઘણાં છે છતાં એ માફ કરાયાં છે, કેમ કે તેણે વધારે પ્રેમ બતાવ્યો છે. પણ, જેનાં થોડાં પાપ માફ કરાયાં છે તે થોડો પ્રેમ બતાવે છે.” ૪૮ પછી, તેમણે એ સ્ત્રીને કહ્યું: “તારાં પાપ માફ કરાયાં છે.” ૪૯ જેઓ તેમની સાથે મેજ પર અઢેલીને બેઠા હતા, તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “આ માણસ કોણ છે, જે પાપ પણ માફ કરે છે?” ૫૦ પણ, તેમણે એ સ્ત્રીને કહ્યું: “તારી શ્રદ્ધાએ તને બચાવી છે; શાંતિથી જા.

જુલાઈ ૯-૧૫

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૮-૯

“મારો શિષ્ય થા—એ માટે શું કરવું જોઈએ?”

(લુક ૯:૫૭, ૫૮) હવે, તેઓ માર્ગ પર ચાલતા હતા ત્યારે કોઈકે તેમને કહ્યું: “તમે જ્યાં જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” ૫૮ પણ, ઈસુએ તેને કહ્યું: “શિયાળને બખોલ હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, જ્યારે કે માણસના દીકરાને માથું ટેકવવાની પણ જગ્યા નથી.”

it-2-E ૪૯૪

માળો

જ્યારે શાસ્ત્રીઓમાંના કોઈએ ઈસુને કહ્યું કે: “તમે જ્યાં જશો ત્યાં હું તમારી પાછળ આવીશ” ત્યારે ઈસુએ જવાબ આપ્યો, “શિયાળને બખોલ હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, જ્યારે કે માણસનાં દીકરાને માથું ટેકવવાની પણ જગ્યા નથી.” (માથ ૮:૧૯, ૨૦; લુક ૯:૫૭, ૫૮) અહીં ઈસુ એ વ્યક્તિને સમજાવવા માંગતા હતા કે તેમનો શિષ્ય બનવા તેણે સામાન્ય ગણાતી સુખ-સુવિધાઓ પણ જતી કરવી પડશે તેમજ પોતાનો પૂરો આધાર યહોવા પર રાખવો પડશે. એ જ સિદ્ધાંત ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં પણ જોઈ શકાય છે: “આજ માટે જરૂરી રોટલી અમને આજે આપો.” ઉપરાંત, “એવી જ રીતે, ભૂલશો નહિ, તમારામાંથી જે કોઈ પણ પોતાની બધી સંપત્તિનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય બની શકતો નથી.”—માથ ૬:૧૧; લુક ૧૪:૩૩.

(લુક ૯:૫૯, ૬૦) પછી, તેમણે બીજાને કહ્યું: “મારો શિષ્ય થા.” એ માણસે કહ્યું: “પ્રભુ, પહેલા મને રજા આપો કે હું જાઉં અને મારા પિતાને દફનાવી આવું.” ૬૦ પરંતુ, તેમણે તેને કહ્યું: “મરેલાઓને દફનાવવાનું મરેલાઓ ઉપર છોડી દે. પણ, તું જા અને ઈશ્વરના રાજ્ય વિશે બધી બાજુ જણાવ.

nwtsty લુક ૯:૫૯, ૬૦ અભ્યાસ માહિતી

મારા પિતાને દફનાવી આવું: આ શબ્દો એવું દર્શાવતા નથી કે એ માણસના પિતા તાજેતરમાં ગુજરી ગયા હતા અને એ માણસ ઈસુ પાસે દફનવિધિની ગોઠવણ માટે સમય માંગી રહ્યો હતો. કારણ કે, જો એમ હોત તો તે શું કામ ઈસુ હતા ત્યાં આવીને તેમની સાથે વાત કરી રહ્યો હતો? પ્રાચીન સમયમાં મધ્ય પશ્ચિમના દેશોમાં શબને તરત દફનાવી દેવાનો રિવાજ હતો, મોટાભાગે મરણના દિવસે જ. એટલે લાગે છે કે એ માણસના પિતા ગુજરી ગયા ન હતા, પણ ખૂબ જ વૃદ્ધ અથવા મરણતોલ બીમાર હતા. ઈસુ કોઈને પણ પોતાના બીમાર અને લાચાર માતા-પિતાને તજી દેવાની સલાહ આપી જ ન શકે. એટલે લાગે છે કે એ માણસના ઘરમાં એવાં કુટુંબીજનો ચોક્કસ હશે, જે પિતાની દેખભાળ રાખી શકે. (માર્ક ૭:૯-૧૩) એ માણસ જાણે કહી રહ્યો હતો કે “હું તમારો શિષ્ય બનવા માંગું છું, પણ મારા પિતા ગુજરી જાય ને હું તેમને દફનાવી દઉં, પછી જ. ત્યાં સુધી તમે મારી રાહ જુઓ.” ઈસુની નજરે એ માણસ ઈશ્વરના રાજ્યને પ્રથમ રાખવાની તક ગુમાવી રહ્યો હતો.—લુક ૯:૬૦, ૬૨.

મરેલાઓને દફનાવવાનું મરેલાઓ ઉપર છોડી દે: લુક ૯:૫૯ની અભ્યાસ માહિતી પ્રમાણે એ માણસના પિતા ગુજરી ગયા ન હતા, પણ ખૂબ જ વૃદ્ધ અથવા મરણતોલ બીમાર હતા. દેખીતું છે કે ઈસુ અહીં કહી રહ્યા હતા કે “જેઓની શ્રદ્ધા મરેલી છે, તેઓને પોતાનાં કુટુંબીજનોને દફનાવવા દે.” એટલે કે, એ માણસે તેના પિતા જીવે ત્યાં સુધી સંભાળ લેવાની અને મરણ પામે ત્યારે દફનવિધિની ગોઠવણ કરવાની જવાબદારીઓ પોતાના કુટુંબીજનોને સોંપી દેવી જોઈતી હતી. ઈસુની પાછળ ચાલવાથી એ માણસ અનંતજીવનના માર્ગ પર રહી શકશે અને તે ઈશ્વરની નજરે એવા લોકો સમાન નહિ બને, જેઓની શ્રદ્ધા મરેલી છે. ઈસુના જવાબ પરથી દેખાઈ આવે છે કે શ્રદ્ધા જીવંત રાખવા માટે ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ મૂકવું અને બધે જ એની ખુશખબર જણાવવી ખૂબ જરૂરી છે.

(લુક ૯:૬૧, ૬૨) અને બીજા એકે પણ કહ્યું: “પ્રભુ, હું તમારી પાછળ આવીશ, પણ પહેલા મારા ઘરના બધાને આવજો કહી આવવાની મને રજા આપો.” ૬૨ ઈસુએ તેને કહ્યું: “જે માણસ હળ પર હાથ મૂકે અને પાછળ જુએ, તે ઈશ્વરના રાજ્ય માટે જરાય યોગ્ય નથી.

nwtsty ચિત્ર/વીડિયો

ખેડવું

ઉનાળાના આકરા તાપથી કઠણ થઈ ગયેલી જમીન ચોમાસાના વરસાદથી નરમ પડી જતી, તેથી એ મોસમમાં હળથી ખેતર ખેડવું સહેલું બનતું. (sgd ૧૯) અમુક હળ કોઈ મોભ પર અણીદાર લાકડું લગાવીને બનાવવામાં આવતું. એ અણીદાર લાકડા પર મોટાભાગે ધાતુનું પાનું લગાડવામાં આવતું. એ હળને ખેંચવા એક અથવા વધુ જાનવરોનો ઉપયોગ થતો. જમીન ખેડી લીધા પછી બી વાવવામાં આવતા. જમીન ખેડવી રોજિંદા કામોનો ભાગ હતું, એટલે હિબ્રૂ શાસ્ત્રવચનોમાં ઘણી વાર એને લગતા દૃષ્ટાંતો વાપરવામાં આવ્યાં છે. (ન્યા ૧૪:૧૮; યશા ૨:૪; યિર્મે ૪:૩; મીખા ૪:૩) ઈસુએ પણ મહત્ત્વના બોધપાઠ શીખવવા ખેતીકામનાં દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે, પૂરા દિલથી ઈસુને પગલે ચાલવું કેટલું જરૂરી છે એ સમજાવવા તેમણે ખેતર ખેડવાનું દૃષ્ટાંત આપ્યું. (લુક ૯:૬૨) જો જમીન ખેડતી વખતે ખેડૂતનું ધ્યાન ફંટાઈ જાય, તો ચાસ સરખી નહિ પડે. એવી જ રીતે, જો ઈસુના શિષ્યોનું ધ્યાન પોતાની જવાબદારીઓ પરથી ફંટાઈ જાય, તો તેઓ ઈશ્વરના રાજ્ય માટે અયોગ્ય ઠરે છે.

w૧૨ ૪/૧ ૨૧-૨૨ ¶૧૧-૧૩

પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા રહીએ

ઈસુના ઉદાહરણને સારી રીતે સમજી શકીએ એ માટે ચાલો એના પર વધારે વિચારીએ. ધારો કે ખેતરમાં એક મજૂર જમીન ખેડી રહ્યો છે. ખેડતી વખતે તે પોતાના કુટુંબીજનો અને મિત્રો સાથે ખાવાપીવાના, નાચગાન, હસી-મજાક અને આરામ કરવાના વિચારો કરે છે. તે એ સારા સમયનો આનંદ માણવાની તમન્‍ના રાખે છે. એ ઇચ્છા એટલી વધી જાય છે કે તે જાણે ‘પાછળ જુએ’ છે. એટલે, તેનું ધ્યાન ફંટાઈ જાય છે અને તે પોતાનું કામ સારી રીતે કરી શકતો નથી. તેનું કાચું કામ જોઈને તેના માલિક ચોક્કસ નારાજ થશે.

ચાલો, હવે એ ઉદાહરણને આપણા સમય સાથે સરખાવીએ. દાખલા તરીકે, એ મજૂર મંડળના કોઈ વ્યક્તિને દર્શાવી શકે, જે આમ તો સારી રીતે ઈશ્વરની ભક્તિ કરતી હોય એવું લાગે. પરંતુ, તેનું દિલ જોખમમાં છે. તે સભા અને પ્રચારમાં જાય છે. પણ તે અમુક દુન્યવી બાબતોની તમન્‍ના રાખે છે. પણ, એ તમન્‍ના એટલી વધી જાય છે કે અમુક વર્ષો સેવા કર્યા પછી તે જાણે ‘પાછળ જુએ’ છે. પ્રચારમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે, પણ તેનું ધ્યાન ફંટાઈ જાય છે. પરિણામે તે પહેલાંની જેમ ઈશ્વરની ભક્તિ સારી રીતે કરી શકતી નથી. (ફિલિ. ૨:૧૫) જ્યારે કોઈ ભાઈ કે બહેન ભક્તિમાં ટકી ન રહે, ત્યારે ‘ફસલના ધણી’ યહોવા દુઃખ અનુભવે છે.—લુક ૧૦:૨.

એ ઉદાહરણમાંથી આપણે મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ. ખરું કે આપણે નિયમિત રીતે પ્રચાર અને સભામાં જઈએ એ સારું કહેવાય. પણ એટલું જ પૂરતું નથી. (૨ કાળ. ૨૫:૧, ૨, ૨૭) આપણે પૂરા દિલથી ‘બૂરાઈને ધિક્કારવી જોઈએ અને જે સારું છે એને વળગી રહેવું જોઈએ.’ એમ કરીશું તો “ઈશ્વરના રાજ્યને યોગ્ય” ગણાઈશું. (રોમ. ૧૨:૯; લુક ૯:૬૨) પણ, જો કોઈ ખ્રિસ્તી ભાઈ કે બહેન દુન્યવી બાબતો મેળવવા ‘પાછળ જુએ,’ તો યહોવા સાથેની તેની મિત્રતા જોખમમાં છે. (લુક ૧૭:૩૨) ખરું કે શેતાનની દુનિયામાં એવી કેટલીક બાબતો છે, જે ઉપયોગી હોઈ શકે. કદાચ એમાંથી આપણે આનંદ પણ માણી શકીએ. પરંતુ, ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ બાબતો આપણને પૂરા દિલથી ઈશ્વરની ભક્તિ કરતા રોકે નહિ.—૨ કોરીં. ૧૧:૧૪; ફિલિપી ૩:૧૩, ૧૪ વાંચો.

કીમતી રત્નો શોધીએ

(લુક ૮:૩) હેરોદના ઘરના કારભારી ખૂઝાની પત્ની યોહાન્‍ના, સુસાન્‍ના અને બીજી ઘણી સ્ત્રીઓ, જેઓ પોતાની સંપત્તિમાંથી તેઓની સેવા કરતી હતી.

nwtsty લુક ૮:૩ અભ્યાસ માહિતી

તેઓની સેવા કરતી હતી: અથવા “તેઓને ટેકો આપતી (પૂરું પાડતી) હતી.” ગ્રીક શબ્દ ડાયાકોનીઓનો અર્થ થતો કે બીજાઓ માટે ખોરાક-પાણી જેવી જરૂરિયાતોનું આયોજન કરવું, જેમ કે રસોઈની સામગ્રી લાવવી, રસોઈ બનાવવી અને જમવાનું પીરસવું. આ જ શબ્દનો ઉપયોગ એ જ અર્થમાં લુક ૧૦:૪૦ (‘કામોમાં ધ્યાન આપવું’), લુક ૧૨:૩૭ (‘સેવા કરવી’) લુક ૧૭:૮ (‘સેવા-ચાકરી કરવી’) અને પ્રેકા ૬:૨માં (‘ખોરાકની વહેંચણી કરવી’) પણ થયો છે. જોકે, એ શબ્દ એવી બીજી સેવા-ચાકરી માટેનાં કામોને પણ રજૂ કરી શકે. અહીં કલમ ૨ અને ૩માં જણાવ્યું છે કે અમુક સ્ત્રીઓ કઈ રીતે ઈસુ અને તેમના શિષ્યોને ઈશ્વરે સોંપેલી જવાબદારીઓ પૂરી કરવામાં સહાયતા કરતી હતી. એમ કરીને આ સ્ત્રીઓ ઈશ્વરને મહિમા આપતી હતી. એ ઉદાર સ્ત્રીઓની કદર બતાવવા ઈશ્વરે તેઓનો અહેવાલ બાઇબલમાં લખાવ્યો છે, જેથી આવનાર પેઢીઓ તેઓ વિશે જાણી શકે. (નીતિ ૧૯:૧૭; હિબ્રૂ ૬:૧૦) એ જ ગ્રીક શબ્દનો ઉપયોગ સ્ત્રીઓ માટે માથ ૨૭:૫૫ અને માર્ક ૧૫:૪૧માં થયો છે.

(લુક ૯:૪૯, ૫૦) પછી, યોહાને કહ્યું: “ગુરુજી, એક માણસને તમારા નામે દુષ્ટ દૂતોને કાઢતા અમે જોયો અને અમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, કેમ કે તે આપણામાંનો એક નથી.” ૫૦ પરંતુ, ઈસુએ તેને કહ્યું: “તેને રોકવાનો પ્રયત્ન કરતા નહિ, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારી સાથે છે.”

w૦૮ ૩/૧ ૩૧ ¶૩

લુકના મુખ્ય વિચારો

૯:૪૯, ૫૦—એક માણસ લોકોમાંથી ભૂતો કાઢતો હતો, પણ તે ઈસુ સાથે ફરતો ન હતો. તો ઈસુએ શા માટે તેને રોક્યો નહિ? કારણ કે ખ્રિસ્તી મંડળ હજુ શરૂ થયું ન હતું. તેમ જ કોઈએ પોતાની શ્રદ્ધા બતાવવા ઈસુ સાથે જ ફરવું જરૂરી ન હતું.—માર્ક ૯:૩૮-૪૦.

બાઇબલ વાંચન

(લુક ૮:૧-૧૫) થોડા સમય પછી, ઈસુ શહેરેશહેર અને ગામેગામ જઈને ઈશ્વરના રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા અને જાહેર કરવા લાગ્યા. અને બાર શિષ્યો તેમની સાથે હતા; ૨ તેમ જ, અમુક સ્ત્રીઓ પણ તેમની સાથે હતી, જેઓમાંથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા અને બીમારીઓ મટાડવામાં આવી હતી; જેમ કે, મરિયમ જે માગદાલેણ નામથી ઓળખાતી હતી, તેનામાંથી સાત દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા; ૩ હેરોદના ઘરના કારભારી ખૂઝાની પત્ની યોહાન્‍ના, સુસાન્‍ના અને બીજી ઘણી સ્ત્રીઓ, જેઓ પોતાની સંપત્તિમાંથી તેઓની સેવા કરતી હતી. ૪ હવે, તેમની પાસે શહેરેશહેરથી આવતા લોકોની સાથે મોટું ટોળું ભેગું થયું ત્યારે, તે ઉદાહરણ આપીને વાત કરવા લાગ્યા: ૫ “બી વાવનાર તેનાં બી વાવવા માટે બહાર ગયો. તે વાવતો હતો ત્યારે, એમાંનાં અમુક બી રસ્તાને કિનારે પડ્યાં અને પગ નીચે કચડાઈ ગયાં અને આકાશનાં પક્ષીઓ એ ખાઈ ગયાં. ૬ અમુક બી ખડક પર પડ્યાં અને ઊગ્યાં પછી એ સુકાઈ ગયાં, કેમ કે જમીનમાં ભેજ ન હતો. ૭ બીજાં કાંટામાં પડ્યાં અને એની સાથે ઊગી નીકળેલી કાંટાળી ઝાડીએ એને દાબી દીધાં. ૮ પણ, બીજાં સારી જમીન પર પડ્યાં અને ઊગ્યાં પછી એને સો ગણાં વધારે ફળ આવ્યાં.” આ વાતો કહી રહ્યા પછી, તેમણે ઊંચે અવાજે કહ્યું: “હું જે કહું છું એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.” ૯ પરંતુ, તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે આ ઉદાહરણનો અર્થ શું થાય. ૧૦ તેમણે કહ્યું: “ઈશ્વરના રાજ્યનાં પવિત્ર રહસ્યોની સમજણ તમને આપવામાં આવી છે, પણ બીજાઓ માટે એ ઉદાહરણોમાં છે; એ માટે કે તેઓ જુએ છે પણ જાણે જોતા નથી, તેઓ સાંભળે છે પણ અર્થ સમજતા નથી. ૧૧ હવે, ઉદાહરણનો અર્થ આ છે: બી ઈશ્વરનો સંદેશો છે. ૧૨ રસ્તાને કિનારે પડેલાં બી એવા લોકો છે જેઓ સાંભળે છે અને પછી શેતાન આવીને તેઓના હૃદયમાંથી સંદેશો લઈ જાય છે, જેથી તેઓ એ સ્વીકારે નહિ અને તારણ પામે નહિ. ૧૩ જે બી ખડક પર પડ્યાં એ એવા લોકો છે જેઓ સંદેશો સાંભળે છે ત્યારે આનંદથી સ્વીકારે છે, પણ એનાં મૂળ નથી. તેઓ થોડી વાર માને તો છે, પણ કસોટીના સમયે પડી જાય છે. ૧૪ જે બી કાંટાઓમાં પડ્યાં એ એવા લોકો છે કે જેઓ સાંભળે છે, પણ જીવનની ચિંતાઓ, ધનદોલત અને મોજશોખને લીધે તેઓનું ધ્યાન ફંટાઈ જાય છે અને તેઓ સાવ દબાઈ જાય છે અને એનાં ફળ કદી પાકતાં નથી. ૧૫ જે બી સારી જમીન પર પડ્યાં એ એવા લોકો છે, જેઓ ઘણા સારા હૃદયથી સંદેશો સાંભળે છે, એને વળગી રહે છે અને ધીરજ રાખીને ફળ આપે છે.”

જુલાઈ ૧૬-૨૨

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧૦-૧૧

“ભલા સમરૂનીની વાર્તા”

(લુક ૧૦:૨૯-૩૨) પરંતુ, પોતાને ન્યાયી ઠરાવવા એ માણસે ઈસુને પૂછ્યું: “મારો પડોશી ખરેખર કોણ છે?” ૩૦ જવાબમાં ઈસુએ કહ્યું: “એક માણસ યરૂશાલેમથી નીચે ઊતરીને યરીખો જઈ રહ્યો હતો અને લુટારાઓનો શિકાર બન્યો; તેઓએ તેનાં કપડાં ઉતારી લીધાં, તેને માર માર્યો અને અધમૂઓ મૂકીને જતા રહ્યા. ૩૧ હવે એવું બન્યું કે એક યાજક એ રસ્તા પરથી જતો હતો, પણ જ્યારે તેણે એ માણસને જોયો ત્યારે તે સામેની બાજુથી ચાલ્યો ગયો. ૩૨ એવી જ રીતે, એક લેવી એ જગ્યાએ આવ્યો અને તેને જોયો ત્યારે, તે પણ સામેની બાજુથી ચાલ્યો ગયો.

nwtsty ચિત્ર/વીડિયો

યરૂશાલેમથી યરીખો જતો રસ્તો

અહીં ટૂંકા વીડિયોમાં બતાવેલો યરૂશાલેમથી યરીખો જતો રસ્તો (૧) લગભગ પ્રાચીન સમયના એ માર્ગ જેવો જ છે. એ રસ્તો ૨૦ કિ.મી. લાંબો હતો, અને આશરે ૧ કિ.મી.નો ઢોળાવ હતો, જેમ અગાઉ યરૂશાલેમથી યરેખોના રસ્તા પર હશે. એ સૂમસામ અને ઉજ્જડ રસ્તામાં લૂંટારાઓનો એટલો ખોફ હતો કે મુસાફરોની સુરક્ષા માટે સૈનિકોની એક ટૂકડી ત્યાં મૂકવી પડતી. રોમન યરીખો (૨) યહુદિયાના વેરાન વિસ્તારમાંથી નીકળતા રસ્તા પર આવેલું હતું. જૂનું યરીખો શહેર (૩) રોમન શહેરથી ફક્ત ૨ કિ.મી.ના અંતરે હતું.

w૦૨ ૯/૧ ૧૬ ¶૧૪-૧૫

‘ઉદાહરણ વગર તેણે તેઓને કંઈ કહ્યું નહિ’

બીજું, સમરૂની પડોશીનું ઉદાહરણ યાદ કરો. ઈસુએ કહ્યું: “એક પુરુષ યરૂશાલેમથી યરેખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેનાં લૂગડાં ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા.” (લુક ૧૦:૩૦) અહીં ઈસુએ પોતાનો મુદ્દો સમજાવવા ‘યરૂશાલેમથી યરેખો જતા’ રસ્તાની વાત કરી. આ ઉદાહરણ જણાવતા હતા ત્યારે તે યહુદાહમાં હતા, જે યરૂશાલેમથી બહુ દૂર ન હતું. તેમના સાંભળનારા એ રસ્તો સારી રીતે જાણતા હોવા જોઈએ. એ રસ્તો ખાસ કરીને એકલા ‘યરૂશાલેમથી યરેખો જતા’ મુસાફરો માટે જોખમી હતો. એના રસ્તા વાંકાચૂકા હતા અને લૂંટારાઓ લાગ જોઈને સંતાઈ રહે એવી ઘણી જગ્યાઓ હતી.

ઈસુએ ‘યરૂશાલેમથી યરેખો જતા’ રસ્તાનો ઉપયોગ કર્યો, એનું બીજું પણ કારણ હતું. ઉદાહરણ પ્રમાણે, પ્રથમ યાજક અને પછી લેવી એ રસ્તા પરથી પસાર થાય છે. પરંતુ કોઈ પણ એ રસ્તે પડેલા અધમૂઆ માણસને મદદ કરતું નથી. (લુક ૧૦:૩૧, ૩૨) યાજકો યરૂશાલેમના મંદિરમાં સેવા આપતા હતા અને લેવીઓ તેઓને મદદ કરતા હતા. ઘણા યાજકો અને લેવીઓને મંદિરમાં સેવા કરવાનો વારો ન હોય ત્યારે યરેખોમાં રહેતા હતા, કેમ કે એ યરૂશાલેમથી ફક્ત ૨૩ કિલોમીટર દૂર હતું. તેથી, એમાં કોઈ શક નથી કે તેઓએ પણ રસ્તા પરથી જ મુસાફરી કરી હશે. એ પણ નોંધ લો કે યાજક અને લેવી “યરૂશાલેમથી” જઈ રહ્યા હતા. આમ તેઓ મંદિરથી ઘરે જઈ રહ્યા હતા. તેથી તેઓ એમ કહી ન શકે કે ‘તેઓએ અધમૂઆ માણસને મદદ ન કરી કારણ કે તે મરેલો લાગતો હતો. નિયમ પ્રમાણે શબને અડે તો, તેઓ મંદિરમાં કામ કરવા માટે થોડો સમય અશુદ્ધ થઈ જાત.’ (લેવીય ૨૧:૧; ગણના ૧૯:૧૧, ૧૬) શું એ સ્પષ્ટ નથી કે ઈસુના ઉદાહરણના બનાવોથી લોકો જાણકાર હતા?

(લુક ૧૦:૩૩-૩૫) પણ, એ રસ્તા પરથી એક સમરૂની મુસાફરી કરી રહ્યો હતો અને ત્યાં આવી પહોંચ્યો અને તેને જોઈને તેનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું. ૩૪ એટલે, તે તેની પાસે ગયો અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષદારૂ રેડીને પાટા બાંધ્યા. પછી, પોતાના જાનવર પર તેને નાખ્યો અને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સંભાળ રાખી. ૩૫ પછીના દિવસે, તેણે બે દીનાર કાઢીને ધર્મશાળાની દેખરેખ રાખનારને આપ્યા અને કહ્યું, ‘તેની સંભાળ રાખજે અને આના સિવાય જે કંઈ ખર્ચ તું કરે, એ હું પાછો આવીશ ત્યારે તને ભરી આપીશ.

nwtsty લુક ૧૦:૩૩, ૩૪ અભ્યાસ માહિતી

એક સમરૂની: મોટાભાગે યહુદીઓ સમરૂનીઓને તુચ્છ ગણતા અને તેઓ સાથે કોઈ પણ વ્યવહાર રાખતા નહિ. (યોહા ૪:૯) અમુક યહુદીઓ તો નિંદા કરવા અથવા તિરસ્કારની લાગણી દર્શાવવા વ્યક્તિને “સમરૂની” કહીને બોલાવતા. (યોહા ૮:૪૮) મિશનાહમાં તો એક રાબ્બીના આવા શબ્દો ટાંક્યા છે: ‘જે વ્યક્તિ સમરૂનીઓની રોટલી ખાય છે, તે તો જાણે ભૂંડનું માંસ ખાનાર જેવો છે.’ (શેબીથ ૮:૧૦) ઘણા યહુદીઓ સમરૂનીની સાક્ષીને ગણકારતા નહિ કે તેઓ પાસેથી કોઈ કામકાજ કરાવતા નહિ. યહુદીઓના એવા કડવા વલણને ધ્યાનમાં રાખીને ઈસુએ આ દૃષ્ટાંતમાં મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો, જે ભલા સમરૂનીની વાર્તા અથવા સારા પડોશીની વાર્તા તરીકે ઓળખાય છે.

તેના ઘા પર તેલ તથા દ્રાક્ષદારૂ રેડીને પાટા બાંધ્યા: ઈસુના આ દૃષ્ટાંતની વિગતો વૈદ્ય લુકે ખૂબ ધ્યાનપૂર્વક નોંધી છે. તેમણે નોંધેલી વિગતો એ સમયમાં જે રીતે ઘાની મલમપટ્ટી થતી એની સુમેળમાં છે. એ જમાનામાં મલમપટ્ટી માટે ઘરગથ્થુ ઉપચાર તરીકે તેલ અને દ્રાક્ષદારૂનો ઉપયોગ થતો. ઘાને રૂઝવવા તેલ લગાવવામાં આવતું (યશા ૧:૬ સરખાવો) અને દ્રાક્ષદારૂ લગાવવાથી ઘા પાકતો નહિ અને ચેપ ન લાગતો. લુકે એ પણ જણાવ્યું કે ઘા પર કઈ રીતે પાટા બાંધવામાં આવતા, જેથી સડાથી રક્ષણ મળી શકે.

ધર્મશાળા: આની માટે વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય, “એવી જગ્યા જ્યાં બધાને સ્વીકારવામાં અથવા આવકારવામાં આવે.” મુસાફરો અને તેઓના પ્રાણીઓ આવી જગ્યાઓમાં રાતવાસો કરી શકતા. એ જગ્યાનો માલિક અમુક જરૂરી ચીજ-વસ્તુઓ રહેનારને પૂરી પાડતો અને અમુક રકમ લઈને તેની સાથે આવેલા મુસાફરોની પણ સંભાળ રાખતો.

(લુક ૧૦:૩૬, ૩૭) તને શું લાગે છે, પેલા લુટારાઓનો શિકાર બનેલા માણસનો પડોશી આ ત્રણમાંથી કોણ બન્યો?” ૩૭ તેણે કહ્યું: “જે તેની સાથે દયાથી વર્ત્યો તે.” પછી, ઈસુએ તેને કહ્યું: “જા અને તું પણ એમ કર.

w૯૮ ૭/૧ ૩૧ ¶૨

સમરૂની સારા પડાશી પુરવાર થયા

ઈસુનું દૃષ્ટાંત બતાવે છે કે ખરેખરી પ્રમાણિક વ્યક્તિ તે છે જે ફક્ત દેવના નિયમા જ નહિ પરંતુ તેમના ગુણોનું પણ અનુકરણ કરે છે. (એફેસી ૫:૧) ઉદાહરણ તરીકે, બાઇબલ આપણને કહે છે કે “દેવ પક્ષપાતી નથી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪) શું આપણે આ સંબંધી દેવનું અનુકરણ કરીએ છીએ? ઈસુનું ઉત્તજિત કરનાર દૃષ્ટાંત બતાવે છે કે આપણી પડાશીતા રાષ્ટ્ર, સંસ્કૃતિ અન ધાર્મિક વાડાઓ કરતાં વધુ છે. ખરેખર, ખ્રિસ્તીઆને ‘બધાંઓનું . . . સારૂં કરવાનું’ શિક્ષણ આપવામાં આવ્યું છે—ફક્ત એક જ સમાજના વર્ગો, જાતિ, કે રાષ્ટ્રના લાકાને જ નહિ અને ફક્ત સાથી વિશ્વાસીઓને જ નહિ. (અક્ષરા અમે ત્રાંસા કર્યા છે.)—ગલાતી ૬:૧૦

કીમતી રત્નો શોધીએ

(લુક ૧૦:૧૮) ત્યારે તેમણે તેઓને કહ્યું: “હું જોઉં છું કે શેતાન વીજળીની જેમ સ્વર્ગમાંથી પડી ચૂક્યો છે.

nwtsty લુક ૧૦:૧૮ અભ્યાસ માહિતી

હું જોઉં છું કે શેતાન વીજળીની જેમ સ્વર્ગમાંથી પડી ચૂક્યો છે: દેખીતું છે કે ઈસુ અહીં ભાવિની એક ઘટના વિશે જણાવી રહ્યા હતા, જ્યારે સ્વર્ગમાંથી શેતાનને નીચે ફેંકી દેવામાં આવશે. ઈસુએ એ બનાવ એવી રીતે જણાવ્યો, જાણે થઈ ચૂક્યો હોય. પ્રક ૧૨:૭-૯માં જણાવ્યું છે કે મસીહી રાજ્યના જન્મની સાથે જ સ્વર્ગમાં એક લડાઈ ફાટી નીકળે છે, જેમાં શેતાન અને તેના દુષ્ટ દૂતોને ફેંકી દેવામાં આવે છે. ભાવિમાં થનાર એ યુદ્ધમાં શેતાન અને તેના દુષ્ટ દૂતોની કેવી હાર થશે, એ વિશે ઈસુ જણાવી રહ્યા હતા, કેમ કે, તાજેતરમાં ઈશ્વરે ઈસુના ૭૦ શિષ્યોને દુષ્ટ દૂતો કાઢવા શક્તિમાન કર્યા હતા.—લુક ૧૦:૧૭.

w૦૮ ૩/૧ ૩૧ ¶૧૨

લુકના મુખ્ય વિચારો

૧૦:૧૮—ઈસુએ તેમના સિત્તેર શિષ્યોને કહ્યું: “મેં શેતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો.” ઈસુ અહીં શું કહેવા માંગતા હતા? ઈસુ એમ કહેતા ન હતા કે શેતાનને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એ તો હજુ ૧૯૧૪માં થવાનું હતું જ્યારે તે સ્વર્ગમાં રાજા બને. (પ્રકટીકરણ ૧૨:૧-૧૦) ઈસુએ આ ભાવિની વાત જાણે થઈ ગઈ હોય એ રીતે કરી. તેમને પૂરી ખાતરી હતી કે એ થશે જ.

(લુક ૧૧:૫-૯) પછી, તેમણે તેઓને કહ્યું: “ધારો કે તમારામાંના એકને મિત્ર છે, જેની પાસે અડધી રાતે તમે જાઓ છો અને તેને કહો છો, ‘દોસ્ત, મને ત્રણ રોટલી ઉછીની આપ; ૬ કેમ કે મુસાફરીમાં નીકળેલો મારો એક મિત્ર હમણાં જ મારી પાસે આવ્યો છે અને તેને આપવા માટે મારી પાસે કંઈ નથી.’ ૭ પણ ઘરમાલિક જણાવે છે: ‘મને હેરાન ન કર. બારણે ક્યારનું તાળું લગાવી દીધું છે અને મારાં બાળકો મારી સાથે પથારીમાં છે. હું ઊઠીને તને કંઈ આપી શકું એમ નથી.’ ૮ હું તમને કહું છું, ભલે તમારો મિત્ર હોવાને લીધે તે ઊઠીને તમને કંઈ નહિ આપે, પણ તમારા સતત આગ્રહને લીધે તે ઊઠીને તમને જે કંઈ જોઈતું હશે એ આપશે. ૯ એટલે હું તમને જણાવું છું, માંગતા રહો અને તમને એ આપવામાં આવશે; શોધતા રહો અને તમને મળશે; ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે.

nwtsty લુક ૧૧:૫-૯ અભ્યાસ માહિતી

દોસ્ત, મને ત્રણ રોટલી ઉછીની આપ: આ દૃષ્ટાંતમાં જોવા મળે છે તેમ મધ્ય પૂર્વીય સંસ્કૃતિમાં મહેમાનગતિ બતાવવી ફરજિયાત હતી અને લોકોએ એ માટે હંમેશાં તૈયાર રહેવાનું હતું. આ દૃષ્ટાંતમાં જોવા મળે છે કે એ જમાનામાં મુસાફરી કેટલી અનિશ્ચિત હતી. ભલે મહેમાન અડધી રાતે વગર જણાવ્યે આવી જાય, તો પણ યજમાને તેને કંઈક ખાવાનું આપવું પડતું. અરે, એ માટે જો તેણે ઉછીની રોટલી લેવા પોતાના પડોશીને ખલેલ પહોંચાડવી પડે, તોપણ તે પાછી પાની કરતો નહિ.

મને હેરાન ન કર: આ દૃષ્ટાંતમાં જણાવેલ પડોશી મદદ કરવાથી પાછી પાની કરી રહ્યો હતો. એવું ન હતું કે તે સારો પડોશી ન હતો, પણ તે ઊંઘી ગયો હતો અને હવે તેને મદદ કરવાની ઇચ્છા ન હતી. એ સમયમાં મોટાભાગના લોકોના ઘર ફક્ત એક જ મોટી ઓરડીવાળા હતાં, ખાસ કરીને ગરીબોના ઘર. એટલે જો ઘરનો માણસ ઊઠે, તો ઘરમાં સૂતા તેનાં બાળકો તેમજ બીજા કુટુંબીજનોને ખલેલ પહોંચતી.

સતત આગ્રહ: અહીં મૂળ ગ્રીકમાં વપરાયેલા શબ્દનો અર્થ થાય, “અવિનયી” અથવા “શરમ વગરનો”. જોકે, અહીં સંદર્ભ જોતાં એનો અર્થ થાય, અચકાયા વગર અથવા સતત માંગણી કરવી. ઈસુના દૃષ્ટાંતમાં જણાવેલ માણસ તેને જોઈતી વસ્તુ માંગવામાં સંકોચ કે શરમ અનુભવતો નથી, તે સતત માંગ્યા કરે છે. ઈસુ શિષ્યોને જણાવે છે કે તેમની પ્રાર્થનાઓ પણ એવી જ સતત આગ્રહથી હોવી જોઈએ.—લુક ૧૧:૯, ૧૦.

બાઇબલ વાંચન

(લુક ૧૦:૧-૧૬) એ બનાવો પછી, પ્રભુએ બીજા ૭૦ને પસંદ કર્યા અને તે જે જે શહેર અને જગ્યાએ જવાના હતા, ત્યાં પોતાની આગળ બબ્બેને મોકલ્યા. ૨ અને તેમણે તેઓને કહ્યું: “સાચે જ, ફસલ તો ઘણી છે પણ મજૂરો થોડા છે. એ માટે, ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે વધારે મજૂરો મોકલે. ૩ તમે જાઓ. જુઓ, હું તમને વરૂઓની વચ્ચે ઘેટાં જેવાં મોકલું છું. ૪ પૈસાની થેલી કે ખોરાકની ઝોળી ન લો અથવા ચંપલ ન લો અને રસ્તા પર કોઈને સલામ કરશો નહિ. ૫ જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પહેલા કહો: ‘આ ઘરને શાંતિ થાઓ.’ ૬ જો કોઈ શાંતિપ્રિય માણસ ત્યાં હશે, તો તમારી શાંતિ તેના પર રહેશે. પણ, જો નહિ હોય તો એ તમારી પાસે પાછી આવશે. ૭ એ ઘરમાં રહો. તેઓ જે આપે એ ખાઓ-પીઓ, કેમ કે મજૂર તેની મજૂરી મેળવવા માટે લાયક છે. રહેવા માટે એક ઘરથી બીજા ઘરે જશો નહિ.૮ “વધુમાં, જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે ત્યારે, તમારી આગળ જે મૂકે એ ખાઓ; ૯ અને ત્યાંના બીમાર લોકોને સાજા કરો અને તેઓને જણાવો: ‘ઈશ્વરનું રાજ્ય તમારી નજીક આવ્યું છે.’ ૧૦ પરંતુ, જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર ન કરે તો, એના મુખ્ય રસ્તાઓ પર જાઓ અને કહો: ૧૧ ‘તમારા શહેરની જે ધૂળ અમારા પગને લાગી હતી, એ પણ અમે તમારી વિરુદ્ધ ખંખેરી નાખીએ છીએ. તેમ છતાં, એ ધ્યાનમાં રાખો કે ઈશ્વરનું રાજ્ય નજીક આવ્યું છે.’ ૧૨ હું તમને જણાવું છું કે એ દિવસે એ શહેર કરતાં સદોમની દશા વધારે સારી હશે. ૧૩ “ઓ ખોરાઝીન, તને હાય હાય! ઓ બેથસૈદા, તને હાય હાય! કેમ કે તમારામાં થયેલાં શક્તિશાળી કાર્યો તૂર અને સિદોનમાં થયાં હોત તો, તેઓએ ઘણા સમય પહેલાં તાટ ઓઢીને અને રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત. ૧૪ એટલે, ન્યાયના દિવસે તમારા કરતાં તૂર અને સિદોનની દશા વધારે સારી હશે. ૧૫ ઓ કાપરનાહુમ, શું તું એમ માને છે કે તને આકાશ સુધી ઊંચું કરાશે? તું તો નીચે કબરમાં જશે! ૧૬ “જે કોઈ તમારું સાંભળે છે, તે મારું પણ સાંભળે છે અને જે કોઈ તમારો નકાર કરે છે, તે મારો પણ નકાર કરે છે. વધુમાં, જે કોઈ મારો નકાર કરે છે, તે મને મોકલનારનો પણ નકાર કરે છે.”

જુલાઈ ૨૩-૨૯

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧૨-૧૩

“ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો”

(લુક ૧૨:૬) શું પાંચ ચકલીઓ બે પૈસે વેચાતી નથી? છતાં, એમાંની એકને પણ ઈશ્વર ભૂલી જતા નથી.

nwtsty લુક ૧૨:૬ અભ્યાસ માહિતી

ચકલીઓ: ગ્રીક શબ્દ સ્ટ્રાઉથીઓન કોઈ પણ જાતના નાનકડા પક્ષીને દર્શાવી શકે, પણ મોટાભાગે એ ચકલીઓ માટે વપરાતો હતો, જે ખોરાક તરીકે વેચાતા પક્ષીઓમાં સૌથી સસ્તી હતી.

(લુક ૧૨:૭) પરંતુ, તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. બીશો નહિ, ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો.

nwtsty લુક ૧૨:૭ અભ્યાસ માહિતી

તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે: મનુષ્યના માથાના વાળની સંખ્યા સરેરાશ ૧,૦૦,૦૦૦થી વધારે હોય છે. આપણા વિશેની આટલી ઝીણામાં ઝીણી વિગત પણ યહોવા જાણે છે. એ ખાતરી આપે છે કે તે ઈસુના પગલે ચાલનાર દરેક શિષ્યમાં ઊંડો રસ ધરાવે છે.

(લુક ૧૨:૭) પરંતુ, તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. બીશો નહિ, ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો.

cl-E ૨૪૧ ¶૪-૫

‘ઈશ્વરના પ્રેમથી આપણને કંઈ દૂર કરી શકે નહિ’

પહેલું, બાઇબલ સાફ જણાવે છે કે ઈશ્વર તેમના દરેક ભક્તમાં જે કંઈ સારું છે એ જુએ છે. દાખલા તરીકે, ઈસુએ કહ્યું: “શું પાંચ ચકલીઓ બે પૈસે વેચાતી નથી? છતાં, એમાંની એકને પણ ઈશ્વર ભૂલી જતા નથી. પરંતુ, તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. બીશો નહિ, ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો.” (માથ્થી ૧૦:૨૯-૩૧) વિચારો કે એ શબ્દોનો પ્રથમ સદીના શિષ્યો માટે શો અર્થ થતો હતો.

આપણને કદાચ થાય કે કોઈ વ્યક્તિ શું કામ ચકલી વેચાતી લેશે? ઈસુના દિવસોમાં ખોરાક તરીકે વેચાતાં પક્ષીઓમાં ચકલીઓ સૌથી સસ્તી હતી. જરા નોંધ લો કે એક નજીવી કિંમતના સિક્કાથી વ્યક્તિ બે ચકલીઓ ખરીદી શકતો. વધુમાં ઈસુ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ બે સિક્કા ખર્ચવા તૈયાર હોય, તો તેને ચાર નહિ પણ પાંચ ચકલીઓ મળતી. એ દર્શાવતું કે વધારાની એ એક ચકલીની જાણે કોઈ કિંમત જ ન હતી. ખરું કે, લોકોને મન એ એક ચકલીનું કોઈ મૂલ્ય ન હતું, પરંતું શું એને બનાવનારની નજરમાં પણ એની કોઈ કિંમત ન હતી? ઈસુએ કહ્યું: “એમાંની એકને [જે વધારાની એક છે એને] પણ ઈશ્વર ભૂલી જતા નથી.” (લુક ૧૨: ૬, ૭) આમ, સમજી શકાય કે ઈસુ શું કહેવા માગતા હતા. જો યહોવા એ એક વધારાની ચકલીને પણ મૂલ્યવાન ગણતા હોય, તો તેમની નજરમાં મનુષ્યો કેટલા વધારે મૂલ્યવાન હશે! ઈસુએ સમજાવ્યું તેમ, યહોવા આપણી ઝીણામાં ઝીણી વિગતોથી પણ વાકેફ છે. એટલે જ તો આપણા માથાના બધા વાળ પણ ગણેલા છે!

કીમતી રત્નો શોધીએ

(લુક ૧૩:૨૪) સાંકડા બારણેથી અંદર જવા તમે સખત મહેનત કરો, કેમ કે હું તમને જણાવું છું કે ઘણા જવા માંગશે પણ જઈ શકશે નહિ.

nwtsty લુક ૧૩:૨૪ અભ્યાસ માહિતી

તમે સખત મહેનત કરો: અથવા “સતત સંઘર્ષ કરતા રહો.” ઈસુની સલાહ ભારપૂર્વક જણાવે છે કે સાંકડા રસ્તે જવા વ્યક્તિ પૂરેપૂરા મનથી પ્રયત્ન કરે, એ કેટલું જરૂરી છે. આ કલમના સંદર્ભ પ્રમાણે કેટલાક પુસ્તકો આવો અર્થ પણ કાઢે છે: “પૂરું જોર લગાવી દેવું; બનતો પ્રયાસ કરવો.” ગ્રીક ક્રિયાપદ એગોનીઝોમાઈ ગ્રીક સંજ્ઞા એગોન સાથે જોડાયેલો છે, જેનો ઉપયોગ મોટાભાગે રમતવીરોની સ્પર્ધાઓને દર્શાવવા માટે થતો. હિબ્રૂ ૧૨:૧માં, આ સંજ્ઞા ખ્રિસ્તી તરીકેની ‘દોડને’ રજૂ કરવા વપરાઈ છે. સામાન્ય રીતે, એનો ઉપયોગ “સંઘર્ષ” (ફિલિ ૧:૩૦; કોલો ૨:૧) અથવા “લડાઈ”ને (૧તિ ૬:૧૨; ૨તિ ૪:૭) દર્શાવવા થયો છે. લુક ૧૩:૨૪માં વપરાયેલ ક્રિયાપદને બીજા રૂપમાં પણ વાપરવામાં આવ્યો છે, જેમ કે ‘હરીફાઈમાં ભાગ લેવો’ (૧કો ૯:૨૫), ‘પૂરું જોર લગાવીને મહેનત કરવી’ (કોલો ૧:૨૯; ૪:૧૨; ૧તિ ૪:૧૦) અને “લડાઈ” (૧તિ ૬:૧૨). આ શબ્દોને સ્પર્ધાત્મક રમતોમાં જોવા મળતી હરીફાઈ સાથે જોડવામાં આવ્યો છે. તેથી, કેટલાક લોકોનું માનવું છે કે ઈસુએ અહીં જે ઉત્તેજન આપ્યું હતું, એની સરખામણી રમતવીર ઇનામ જીતવા જે તનતોડ મહેનત કરે છે એની સાથે કરી શકાય, એવા રમતવીર જેઓ પૂરું જોર લગાવી દે છે.

(લુક ૧૩:૩૩) તેમ છતાં, મારે આજે, કાલે અને પરમ દિવસે યરૂશાલેમની મારી મુસાફરી ચાલુ રાખવાની છે, કારણ કે યરૂશાલેમની બહાર પ્રબોધકને મારી નાખવામાં આવે એવું બની ન શકે.

nwtsty લુક ૧૩:૩૩ અભ્યાસ માહિતી

એવું બની ન શકે: અથવા “એવું વિચારી પણ ન શકાય.” બાઇબલમાં મસીહ વિશે એવી કોઈ સીધેસીધી ભવિષ્યવાણી નથી, જે જણાવતી હોય કે તે યરુશાલેમમાં મરણ પામશે, પણ દા ૯:૨૪-૨૬ પરથી કદાચ એ તારણ પર આવી શકાય છે. ઉપરાંત, એવું અનુમાન લગાવી શકાય કે જો યહુદીઓ કોઈ પ્રબોધકને મારી નાખવા માગે, એમાંય ખાસ તો મસીહને, તો એ આ જ શહેરમાં થશે. એ સમયે ૭૧ સભ્યોથી બનેલી યહુદી ન્યાયસભા યરુશાલેમમાં ભેગી થતી હતી, જેથી જૂઠા પ્રબોધક હોવાનો આરોપ લાગ્યો હોય તેના પર મુકદ્દમો ચલાવી શકાય. કદાચ ઈસુએ એ વાત પણ ધ્યાનમાં રાખી કે યરુશાલેમમાં ઈશ્વરને નિયમિત રીતે બલિદાનો ચઢાવવામાં આવતાં અને પાસ્ખાનું હલવાન પણ ત્યાં જ કાપવામાં આવતું. સમય જતાં, ઈસુના શબ્દો સાચા પડ્યાં. તેમને યરુશાલેમમાં યહુદી ન્યાયસભામાં લાવવામાં આવ્યા અને દોષિત ઠરાવવામાં આવ્યા. ઉપરાંત, આ શહેરની દિવાલો પાછળ જ “પાસ્ખાના હલવાન” તરીકે ઈસુનું મરણ થયું.—૧કો ૫:૭.

બાઇબલ વાંચન

(લુક ૧૨:૨૨-૪૦) ત્યાર બાદ, તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “એટલે હું તમને જણાવું છું, તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું ખાશો અથવા તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો. ૨૩ કેમ કે ખોરાક કરતાં જીવન અને કપડાં કરતાં શરીર વધારે કીમતી છે. ૨૪ કાગડાઓનો વિચાર કરો: તેઓ બી વાવતા નથી અને લણતા નથી; તેઓ પાસે વખાર કે કોઠાર હોતા નથી; છતાં, ઈશ્વર તેઓને ખાવાનું આપે છે. શું પક્ષીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન નથી? ૨૫ તમારામાંથી ચિંતા કરીને કોણ પોતાના જીવનને એક હાથભર લંબાવી શકે એમ છે? ૨૬ તેથી, જો તમે આટલી નાની બાબત કરી નથી શકતા, તો શા માટે બાકીની બાબતો વિશે ચિંતા કરો છો? ૨૭ ફૂલો કઈ રીતે ઊગે છે એનો વિચાર કરો: તેઓ નથી મજૂરી કરતા કે નથી કાંતતાં; તોપણ, હું તમને કહું છું કે સુલેમાને પણ પોતાની જાહોજલાલીમાં એ ફૂલોમાંના એકના જેવાં સુંદર કપડાં પહેર્યાં નહિ હોય. ૨૮ હવે, ખેતરનાં ફૂલછોડ જે આજે છે અને કાલે આગમાં નંખાય છે, એને ઈશ્વર આટલી સુંદર રીતે સજાવે છે; તો પછી, હે ઓછી શ્રદ્ધાવાળાઓ, તે તમને એથીયે વધારે સારાં કપડાં પહેરાવશે એમાં શી શંકા! ૨૯ તેથી, એ વિચારવાનું બંધ કરો કે તમે શું ખાશો, શું પીશો અને વધારે પડતી ચિંતા ન કરો; ૩૦ કેમ કે આ બધા પાછળ તો દુનિયાના લોકો દોડે છે, પણ તમારા પિતા જાણે છે કે તમને એની જરૂર છે. ૩૧ પરંતુ, તેમના રાજ્યને શોધતા રહો અને એ બધું તમને આપવામાં આવશે.૩૨ “ઓ નાની ટોળી, બીશો નહિ, કેમ કે તમારા પિતાએ તમને રાજ્ય આપવાનું મંજૂર કર્યું છે. ૩૩ તમારી માલમિલકત વેચી નાખો અને દાનો આપો. પૈસાની એવી થેલીઓ બનાવો જે ઘસાય નહિ, એટલે કે સ્વર્ગમાં એવી ધનદોલત ભેગી કરો જે કદી ખૂટતી નથી, જ્યાં કોઈ ચોર પહોંચે નહિ અને કોઈ કીડા ખાય નહિ. ૩૪ કેમ કે જ્યાં તમારી ધનદોલત છે, ત્યાં જ તમારું દિલ પણ હશે.૩૫ “તૈયાર રહો અને તમારા દીવા સળગાવેલા રાખો ૩૬ અને તમે એવા ચાકરો જેવા થાઓ, જેઓ લગ્‍નમાંથી પોતાના માલિકના પાછા આવવાની રાહ જુએ છે, જેથી તે આવે અને દરવાજો ખખડાવે ત્યારે, તેઓ તરત તેના માટે ખોલી શકે. ૩૭ એ ચાકરોને ધન્ય છે, જેઓને માલિક આવીને રાહ જોતા જોશે! સાચે જ હું કહું છું, તે સેવા કરવા માટે તૈયાર થશે અને તેઓને મેજ પર બેસાડશે અને આવીને તેઓની સેવા કરશે. ૩૮ જો તે બીજા પહોરે આવે, અરે જો તે ત્રીજા પહોરે આવે અને તેઓને તૈયાર જુએ, તો તેઓને ધન્ય છે! ૩૯ પણ, આ જાણો: જો ઘરમાલિકને ખબર હોત કે ચોર કઈ ઘડીએ આવવાનો છે, તો તેણે પોતાના ઘરમાં ચોરી થવા દીધી ન હોત. ૪૦ તમે પણ તૈયાર રહો, કારણ કે તમે ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવે છે.”

જુલાઈ ૩૦–ઑગસ્ટ ૫

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧૪-૧૬

“ખોવાયેલા દીકરાનું ઉદાહરણ”

(લુક ૧૫:૧૧-૧૬) પછી, તેમણે કહ્યું: “એક માણસને બે દીકરા હતા. ૧૨ અને નાના દીકરાએ તેના પિતાને કહ્યું: ‘પિતાજી, મિલકતનો મારો ભાગ મને આપી દો.’ એટલે, તેણે પોતાની મિલકત બંને દીકરાઓને વહેંચી આપી. ૧૩ અમુક દિવસો પછી, નાના દીકરાએ પોતાની બધી વસ્તુઓ ભેગી કરી અને દૂર દેશ ગયો અને મન ફાવે એમ જીવીને પોતાની મિલકત ઉડાવી દીધી. ૧૪ તેણે પોતાનું બધું ખર્ચી નાખ્યું એવા સમયે, આખા દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી. ૧૫ અરે, તેણે એ દેશના રહેવાસીઓમાંના એકની પાસે જઈને પોતાને મજૂરીએ રાખવા કાલાવાલા કર્યા; એ માણસે તેને પોતાનાં ખેતરોમાં ભૂંડો ચરાવવા મોકલ્યો. ૧૬ અને ભૂંડો જે શિંગો ખાતાં હતાં એ ખાવાનું તેને ખૂબ મન થયું, પણ કોઈ માણસ તેને કંઈ આપતું નહિ.

nwtsty લુક ૧૫:૧૧-૧૬ અભ્યાસ માહિતી

એક માણસને બે દીકરા હતા: ઈસુએ આપેલું ઉડાઉ દીકરાનું દૃષ્ટાંતનાં (જે “ખોવાયેલો પુત્ર” તરીકે પણ જાણીતું છે) અમુક પાસાં અજોડ છે. ઈસુએ આપેલાં દૃષ્ટાંતોમાંનું આ એક સૌથી મોટું દૃષ્ટાંત છે. એની એક ખાસિયત છે: કૌટુંબિક સંબંધોનું કરવામાં આવેલું અજોડ વર્ણન. બીજાં દૃષ્ટાંતોમાં ઈસુ મોટાભાગે નિર્જીવ વસ્તુઓ વિશે વાત કરતા, જેમ કે, અલગ અલગ પ્રકારનાં બી કે જમીન, અથવા માલિક અને ચાકરના વ્યવહાર વિશે જણાવતા. (માથ ૧૩:૧૮-૩૦; ૨૫:૧૪-૩૦; લુક ૧૯:૧૨-૨૭) પણ આ વાર્તામાં ઈસુએ પિતા અને પુત્રો વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડ્યો છે. તેમને સાંભળવા આવેલા લોકોમાંથી મોટાભાગના વ્યક્તિઓના પિતા કદાચ એવા દયાળુ ને પ્રેમાળ નહિ હોય. આ દૃષ્ટાંત બતાવે છે કે સ્વર્ગમાંના ઈશ્વર પિતાને તેમના પૃથ્વી પરનાં બાળકો માટે ઊંડો પ્રેમ અને દયા છે, પછી ભલે એ બાળકો વફાદાર હોય કે પછી ગેરમાર્ગેથી પાછા તેમની પાસે આવ્યાં હોય.

નાના દીકરાએ: મુસાના નિયમ પ્રમાણે પ્રથમ જન્મેલા સંતાનને બમણો હિસ્સો મળતો. (પુન ૨૧:૧૭) તેથી આ દૃષ્ટાંતમાં જણાવેલો મોટો દીકરો જો પ્રથમ જન્મેલો સંતાન હોય, તો વારસામાં નાના દીકરાનો હિસ્સો એ મોટા ભાઈ કરતાં અડધો જ હશે.

ઉડાવી દીધી: અહીં વપરાયેલ ગ્રીક શબ્દનો મૂળ અર્થ થાય, “(જુદી જુદી દિશામાં) ફેંકી દેવું.” (લુક ૧:૫૧; પ્રેકા ૫:૩૭) માથ્થી ૨૫:૨૪, ૨૬માં એને ‘અનાજ ઊપણવાના’ અર્થમાં લેવામાં આવ્યો છે. અહીં એનો અર્થ બગાડ કરવો, વિચાર્યા વગર ઉડાવી દેવું થાય છે.

મન ફાવે એમ જીવીને: અથવા “જીવન બરબાદ (બેદરકાર; બેફામ) કરવું.” એને લગતો ગ્રીક શબ્દ સરખા અર્થમાં એફે ૫:૧૮, તિ ૧:૬ અને ૧પી ૪:૪માં વપરાયો છે. એ ગ્રીક શબ્દમાં બરબાદ થવાનો અથવા ઉડાઉ જીવનઢબ જીવવાનો અર્થ સમાયેલો છે, એટલે કેટલાક બાઇબલ અનુવાદો એનું ભાષાંતર “ઉડાઉ જીવન” કરે છે.

ભૂંડો ચરાવવા: આ પ્રાણી નિયમશાસ્ત્ર પ્રમાણે અશુદ્ધ ગણાતું. તેથી, યહુદીઓ માટે એના ઉછેરના વ્યવસાયમાં જોડાવું શરમજનક અને તુચ્છ ગણાતું.—લેવી ૧૧:૭, ૮.

શિંગો: અંગ્રેજીમાં કેરોબ તરીકે ઓળખાતા છોડની શિંગોનો ઉપરનો ભાગ ચમકદાર અને રેશમી હોય છે. એ શિંગો જામલી-તપખીરિયા રંગની હોય છે. આ શિંગોનું ગ્રીક નામ એ શબ્દના મૂળ અર્થ (કેરાટીઓન, “નાનું શિંગડું”) સાથે જોડાયેલું છે, જે દેખાવે અર્ધ ગોળ આકારની હોય છે. આ શિંગો આજે પણ ઘોડા, ઢોર અને ભૂંડોના ખોરાક તરીકે ઘણી જગ્યાઓએ વાપરવામાં આવે છે. અંદાજો લગાવી શકાય કે એ નાના દીકરાની કેવી દુર્દશા થઈ હશે કે તે ભૂંડનો ખોરાક ખાવા મજબૂર થયો!—લુક ૧૫:૧૫ અભ્યાસ માહિતી જુઓ.

(લુક ૧૫:૧૭-૨૪) જ્યારે તેની અક્કલ ઠેકાણે આવી ત્યારે તેણે કહ્યું, ‘મારા પિતાના ઘણા મજૂરો છે જેઓને જરૂર કરતાં વધારે રોટલી મળે છે, જ્યારે કે હું અહીં ભૂખે મરું છું! ૧૮ હું ઊઠીને મારા પિતા પાસે જઈશ અને તેમને કહીશ: “પિતાજી, મેં સ્વર્ગના ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. ૧૯ હવે, હું તમારો દીકરો ગણાવાને લાયક રહ્યો નથી. મને તમારા મજૂરોમાંના એકના જેવો રાખો.”’ ૨૦ તેથી, તે ઊભો થયો અને પોતાના પિતા પાસે ગયો. હજુ તો તે ઘણો દૂર હતો ત્યારે, તેના પિતાએ તેને જોયો અને તેનું દિલ કરુણાથી ભરાઈ આવ્યું, તે દોડ્યો અને તેને ભેટી પડ્યો અને તેને પ્રેમથી ચુંબન કર્યું. ૨૧ ત્યારે દીકરાએ તેને કહ્યું, ‘પિતાજી, મેં સ્વર્ગના ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું તમારો દીકરો ગણાવાને લાયક રહ્યો નથી.’ ૨૨ પરંતુ, પિતાએ પોતાના ચાકરોને કહ્યું, ‘જલદી કરો! સૌથી સારો ઝભ્ભો લાવો અને તેને પહેરાવો, તેના હાથમાં વીંટી અને પગમાં ચંપલ પહેરાવો. ૨૩ તેમ જ, તાજોમાજો વાછરડો લાવો, એને કાપો અને ચાલો આપણે ખાઈએ તથા આનંદ કરીએ, ૨૪ કેમ કે આ મારો દીકરો મરણ પામ્યો હતો, પણ તે જીવતો થયો છે; તે ખોવાઈ ગયો હતો અને મળ્યો છે.’ અને તેઓ આનંદ કરવા લાગ્યા.

nwtsty લુક ૧૫:૧૭-૨૪ અભ્યાસ માહિતી

તમારી વિરુદ્ધ: અથવા “તમારી નજરમાં.” ગ્રીક શબ્દ એનોપિયનનો મૂળ અર્થ થાય “આગળ હોવું; નજર આગળ.” સેપ્ટુઆજિન્ટમાં, ૧શ ૨૦:૧માં એવા જ અર્થમાં એ શબ્દને વાપરવામાં આવ્યો છે. એ કલમમાં દાઊદ યોનાથાનને પૂછે છે: ‘મેં કઈ રીતે તારા પિતાની વિરુદ્ધ પાપ કર્યું છે?’

મજૂરોમાંના એક: પાછા ફર્યા પછી નાનો દીકરો પોતાના પિતાને એવું કહેવાનું વિચારે છે કે તેના પિતા તેને, દીકરા તરીકે નહિ પણ એક મજૂર જેવો ગણીને ઘરે રાખી લે. ઘરના ચાકરો માલમિલકતનો હિસ્સો ગણાતા પણ મજૂરો ન ગણાતા. મજૂરોને પારકી વ્યક્તિ ગણવામાં આવતી, જેઓને ફક્ત એકાદ દિવસ, અમુક સમય માટે જ કામ પર રાખવામાં આવતા હતા.—માથ ૨૦:૧, ૨, ૮.

પ્રેમથી ચુંબન કર્યું: અથવા “વહાલથી ચુંબન કર્યું.” એવું માનવામાં આવે છે કે આ શબ્દો માટે વપરાયેલો શબ્દ ગ્રીક ક્રિયાપદ ફિલિઓનું એક રૂપ છે, જેનો કેટલીક વાર અર્થ થયો છે, “ચુંબન કરવું.” (માથ ૨૬:૪૮; માર્ક ૧૪:૪૪; લુક ૨૨:૪૭) મોટાભાગે એનો અર્થ થાય છે: “કોઈના માટે ઊંડી લાગણી હોવી.” (યોહ ૫:૨૦; ૧૧:૩; ૧૬:૨૭) પોતાના દીકરાને વહાલથી ભેટી પડીને પિતા દર્શાવે છે કે પસ્તાવો બતાવનાર દીકરાને સ્વીકારવા તે તૈયાર છે.

તમારો દીકરો ગણાવાને: અમુક હસ્તપ્રતો ઉમેરે છે, “મને તમારા મજૂરોમાંનો એક બનાવો.” જોકે, અહીં કલમમાં આપેલા શબ્દો એવી મૂળ હસ્તપ્રતોમાં મળી આવ્યા છે, જે વધુ જૂની અને ભરોસાપાત્ર છે. અમુક નિષ્ણાતોનું માનવું છે કે આ કલમને લુક ૧૫:૧૯ની સુમેળમાં લાવવા વધારાના શબ્દો ઉમેરવામાં આવ્યા છે.

ઝભ્ભો . . . વીંટી . . . ચંપલ: આ કંઈ સામાન્ય ઝભ્ભો ન હતો, પણ સૌથી ઉત્તમ ઝભ્ભો હતો. એમાં કદાચ ભરતકામ કરેલું હતું, જે આદરણીય મહેમાનોને આપવામાં આવતો. દીકરાને વીંટી પહેરાવવી દર્શાવતું હતું કે એ પાછા ફરેલા દીકરા પર પિતા મહેરબાન છે, તેને ચાહે છે અને અગાઉની જેમ જ ફરીથી તેને માન, મોભો અને આદર આપી રહ્યા છે. સામાન્ય રીતે, ચાકરો વીંટી અને ચંપલ પહેરતા નહિ. આમ, પિતા સ્પષ્ટ રીતે જાહેર કરે છે કે, પાછા ફરેલા પોતાના દીકરાને તે ફરીથી કુટુંબના સભ્ય તરીકે પૂરા પ્રેમ અને આદર સાથે આવકારે છે.

(લુક ૧૫:૨૫-૩૨) હવે, તેનો મોટો દીકરો ખેતરમાં હતો; તે પાછો આવ્યો અને ઘરની નજીક પહોંચ્યો ત્યારે, તેણે નાચગાનનો અવાજ સાંભળ્યો. ૨૬ તેથી, તેણે ચાકરોમાંના એકને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે શું ચાલી રહ્યું છે. ૨૭ તેણે તેને કહ્યું, ‘તારો ભાઈ આવ્યો છે અને તારા પિતાએ તાજોમાજો વાછરડો કપાવ્યો, કેમ કે તે તેને સાજોસમો પાછો મળ્યો છે.’ ૨૮ પરંતુ, મોટો દીકરો ગુસ્સે થયો અને તે અંદર જવા રાજી ન હતો. પછી, તેનો પિતા બહાર આવ્યો અને તેને મનાવવા લાગ્યો. ૨૯ જવાબમાં તેણે પોતાના પિતાને કહ્યું, ‘જુઓ! આટલાં બધાં વર્ષો મેં તમારી ગુલામી કરી અને ક્યારેય તમારી એક પણ આજ્ઞા તોડી નથી, છતાં તમે કદી મને મિત્રો સાથે મજા કરવા એક લવારું પણ આપ્યું નથી. ૩૦ પણ, તમારો આ દીકરો, જેણે તમારી મિલકત વેશ્યાઓ પર ઉડાવી દીધી એ આવ્યો ત્યારે, તમે તેના માટે તાજોમાજો વાછરડો કપાવ્યો.’ ૩૧ ત્યારે પિતાએ તેને કહ્યું, ‘મારા દીકરા, તું હંમેશાં મારી સાથે છે અને મારી બધી વસ્તુઓ તારી જ છે. ૩૨ પરંતુ, આપણે ઉજવણી કરીને ખુશી મનાવવી જોઈએ, કેમ કે તારો ભાઈ મરણ પામ્યો હતો, પણ જીવતો થયો છે; તે ખોવાઈ ગયો હતો અને મળ્યો છે.’”

કીમતી રત્નો શોધીએ

(લુક ૧૪:૨૬) જો કોઈ મારી પાસે આવે અને પોતાના પિતાને અને માતાને અને પત્નીને અને બાળકોને અને ભાઈઓને અને બહેનોને, હા, પોતાને પણ ધિક્કારે નહિ, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.

nwtsty લુક ૧૪:૨૬ અભ્યાસ માહિતી

ધિક્કારે: બાઇબલમાં આ શબ્દને જુદા-જુદા અર્થમાં લેવામાં આવ્યો છે. એ દુશ્મનાવટથી થતા દ્વેષને રજૂ કરી શકે, જે કોઈકને નુકસાન પહોંચાડવા વ્યક્તિને ઉશ્કેરે છે. અથવા એ કોઈ માણસ કે વસ્તુ પ્રત્યે તીવ્ર અણગમાને દર્શાવી શકે છે, જે વ્યક્તિને એનાથી દૂર રહેવા પ્રેરે છે. અથવા એ શબ્દનો એવો અર્થ પણ થઈ શકે કે કોઈને ઓછો પ્રેમ કરવો. જેમ કે, યાકૂબે લીઆને “ધિક્કારી” અને રાહેલને પ્રેમ કર્યો, જેનો અર્થ થાય કે યાકૂબને રાહેલની સરખામણીમાં લીઆ પર ઓછો પ્રેમ હતો. (ઉત ૨૯:૩૧; પુન ૨૧:૧૫) પ્રાચીન યહુદી લખાણોમાં આ શબ્દને ઓછો પ્રેમ હોવાના અર્થમાં લેવામાં આવ્યો છે. આમ, ઈસુ કંઈ શિષ્યોને પોતાનાં કુટુંબીજનો અથવા પોતાને ધિક્કારવાનું ઉત્તેજન આપતા ન હતા. કેમ કે, એવું કરવાથી તો શાસ્ત્રવચનના બીજા સિદ્ધાંતો તૂટે. (સરખાવો: માર્ક ૧૨:૨૯-૩૧; એફે ૫:૨૮, ૨૯, ૩૩) આમ, આ સંદર્ભ પ્રમાણે “ધિક્કારવું” શબ્દનો અર્થ થાય, “ઓછો પ્રેમ કરવો.”

(લુક ૧૬:૧૦-૧૩) જે વ્યક્તિ થોડામાં વિશ્વાસુ છે, તે ઘણામાં પણ વિશ્વાસુ છે અને જે વ્યક્તિ થોડામાં બેઇમાન છે, તે ઘણામાં પણ બેઇમાન છે. ૧૧ એટલા માટે, જો તમે બેઇમાન દુનિયાની સંપત્તિ વિશે પોતાને વિશ્વાસુ સાબિત કરતા નથી, તો જે ખરી સંપત્તિ છે એ વિશે તમારા પર કોણ વિશ્વાસ મૂકશે? ૧૨ જો તમે જે બીજાનું છે, એ વિશે વિશ્વાસુ સાબિત થતા નથી, તો પછી કોણ તમને તમારા માટે કંઈક આપશે? ૧૩ કોઈ ચાકર બે માલિકની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે અથવા તે એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એક સાથે ચાકરી કરી શકતા નથી.

w૧૭.૦૭ ૮-૯ ¶૭-૮

ખરી સંપત્તિ ભેગી કરો

લુક ૧૬:૧૦-૧૩ વાંચો. ઈસુએ જણાવેલી વાર્તામાં કારભારી મિત્રો બનાવે છે, જેથી તેને ફાયદો થાય. જોકે, ઈસુ ચાહતા હતા કે તેમના અનુયાયીઓ કોઈ સ્વાર્થ વગર સ્વર્ગમાં મિત્રો બનાવે. તે સમજાવવા માંગતા હતા કે, આપણે સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરીએ. કેમ કે, એનાથી દેખાઈ આવશે કે આપણે ઈશ્વરને વફાદાર છીએ કે નહિ. આપણે કઈ રીતે પોતાની વફાદારી સાબિત કરી શકીએ?

આપણે યહોવાને વફાદાર છીએ, એ સાબિત કરવાની એક રીત છે કે, પોતાની સંપત્તિનો ઉપયોગ દુનિયાભરમાં ચાલી રહેલા પ્રચારકામ માટે કરીએ. ઈસુએ એ કામ વિશે અગાઉથી જણાવ્યું હતું. (માથ. ૨૪:૧૪) ચાલો, અમુક અનુભવો જોઈએ. ભારતમાં એક નાની છોકરીએ ગલ્લો રાખ્યો હતો. તે એમાં સિક્કા નાખતી ગઈ. બચત કરવા તેણે પોતાની માટે એકેય રમકડું ન ખરીદ્યું. ગલ્લો ભરાઈ ગયો ત્યારે, તેણે બધા પૈસા પ્રચારકામ માટે દાન કરી દીધા. ભારતમાં રહેતા એક ભાઈ પાસે નારિયેળની વાડી છે. તેમણે મલયાલમ ભાષાંતર કેન્દ્રમાં ઘણાં નારિયેળ દાન તરીકે આપ્યાં. ભાષાંતર કેન્દ્રને નારિયેળની જરૂર હોય છે. એટલે, ભાઈને થયું કે પૈસા આપવા કરતાં નારિયેળ દાન તરીકે આપવું વધારે સારું રહેશે. એ ભાઈ અને બહેન “હોશિયારીથી” વર્ત્યા કહેવાય. એવી જ રીતે, ગ્રીસના ભાઈઓ નિયમિત રીતે બેથેલ કુટુંબને જૈતુન તેલ, ચીઝ અને બીજી ખાદ્ય સામગ્રી આપે છે.

બાઇબલ વાંચન

(લુક ૧૪:૧-૧૪) બીજા એક પ્રસંગે, ઈસુ ફરોશીઓના આગેવાનોમાંના એકના ઘરે સાબ્બાથના દિવસે જમવા ગયા અને તેઓની નજર તેમના પર હતી. ૨ અને જુઓ! એક માણસ જેને જલોદરનો રોગ હતો, તે તેમની સામે હતો. ૩ તેથી, ઈસુએ નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓને પૂછ્યું: “સાબ્બાથના દિવસે સાજા કરવું નિયમ પ્રમાણે બરાબર છે કે નહિ?” ૪ પરંતુ, તેઓ ચૂપ રહ્યા. એટલે, તેમણે એ માણસ પર હાથ મૂક્યો, તેને સાજો કર્યો અને તેને મોકલી આપ્યો. ૫ પછી, તેમણે તેઓને કહ્યું: “તમારામાંથી એવો કોણ છે, જેનો દીકરો અથવા બળદ સાબ્બાથના દિવસે કૂવામાં પડી જાય તો, તે એને તરત બહાર ખેંચી નહિ કાઢે?” ૬ તેઓ આનો જવાબ આપી શક્યા નહિ. ૭ પછી, આમંત્રણ મળેલા લોકો જે રીતે પોતાના માટે મુખ્ય જગ્યા પસંદ કરી રહ્યા હતા, એ તેમણે જોયું ત્યારે તેઓને એક ઉદાહરણ જણાવ્યું. તેમણે તેઓને કહ્યું: ૮ “લગ્‍નની મિજબાની માટે તમને કોઈ આમંત્રણ આપે ત્યારે, મુખ્ય જગ્યા પર બેસશો નહિ. કદાચ તમારાથી વધારે મહત્ત્વની વ્યક્તિને પણ બોલાવવામાં આવી હોય. ૯ પછી, તમને બંનેને આમંત્રણ આપનાર આવશે અને તમને કહેશે, ‘આ માણસને તારી જગ્યા પર બેસવા દે.’ એટલે, તમારે શરમાઈને સૌથી નીચી જગ્યા લેવી પડશે. ૧૦ પરંતુ, જ્યારે કોઈ તમને આમંત્રણ આપે ત્યારે જાઓ અને સૌથી નીચી જગ્યા પર બેસો, જેથી જેણે તમને બોલાવ્યા હોય તે આવીને તમને કહેશે, ‘મિત્ર, ઊંચી જગ્યા પર બેસ.’ આમ, બધા સાથી મહેમાનો સામે તમને માન મળશે. ૧૧ જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે.” ૧૨ ત્યાર બાદ જેણે ઈસુને આમંત્રણ આપ્યું હતું, તેને પણ તેમણે કહ્યું: “દિવસનું કે સાંજનું જમણ તું ગોઠવે ત્યારે, તારા મિત્રો અથવા તારા ભાઈઓ અથવા તારા સગાઓ અથવા તારા ધનવાન પડોશીઓને બોલાવીશ નહિ. કદાચ તેઓ પણ તને બોલાવે અને તને બદલો વાળી આપે. ૧૩ પરંતુ, જ્યારે તું મિજબાની ગોઠવે ત્યારે ગરીબ, લૂલાં-લંગડાં અને આંધળાઓને આમંત્રણ આપ; ૧૪ અને તને આનંદ થશે, કારણ કે તને પાછું વાળી આપવા તેઓ પાસે કંઈ નથી. ન્યાયીઓને મરણમાંથી જીવતા કરવામાં આવશે ત્યારે તને બદલો મળશે.

g૧૨/૦૬ ૧૩-૧૫

હું ઉડાઉ દીકરો હતો

મેરોસ વિલિયમ સન્ડેના જણાવ્યા પ્રમાણે

મને નાનપણથી જ ઈશ્વરને પ્રેમ કરવા વિશે શીખવવામાં આવ્યું હતું; પણ હું ૧૮ વર્ષનો થયો ત્યારે મેં કુટુંબ સામે બંડ કર્યું અને ઘર છોડીને જતો રહ્યો. હું ૧૩ વર્ષ સુધી ઉડાઉ દીકરા જેવું જીવન જીવ્યો. (લુક ૧૫:૧૧-૨૪) હું નશીલા પદાર્થોની હેરાફેરી કરતો. મેં મારું જીવન લગભગ બરબાદ કરી નાખ્યું હતું. ચાલો તમને જણાવું કે હું કઈ રીતે એવી હાલતમાં પહોંચ્યો અને કઈ રીતે જીવનમાં સુધારો કરીને સત્યના માર્ગે પાછો ફર્યો!

મારો જન્મ ૧૯૫૬માં થયો હતો. મારાં મમ્મી-પપ્પા ખ્રિસ્તી ધર્મ પાળતાં હતાં. કુલ નવ બાળકોમાં હું બીજા નંબરે હતો. અમે નાઇજીરિયાના દક્ષિણ-પશ્ચિમી વિસ્તારમાં આવેલા ઈલેશા શહેરમાં રહેતાં હતાં. મારા પપ્પાનો ઉછેર કેથલિક તરીકે થયો હતો. પરંતુ, ૧૯૪૫માં એક કુટુંબીજને તેમને ધ હાર્પ ઑફ ગૉડ નામનું પુસ્તક આપ્યું. એ વાંચ્યાં પછી પપ્પા યહોવાના સાક્ષીઓને મળવા આતુર બની ગયા. ૧૯૪૬માં તેમણે બાપ્તિસ્મા લીધું અને થોડા જ સમય પછી મમ્મીએ પણ બાપ્તિસ્મા લીધું.

બાળપણમાં યહોવા પર મારી શ્રદ્ધા એકદમ મક્કમ હતી. મમ્મી-પપ્પા સાથે હું કેટલા ઉત્સાહથી પ્રચાર કરતો હતો! પપ્પા મને બાઇબલમાંથી શીખવતા. અમુક વાર, અમારા પ્રવાસી નિરીક્ષકના પત્ની એલીસ ઓબારાહ પણ મને બાઇબલમાંથી શીખવવા ઘરે આવતાં. મમ્મી-પપ્પા ચાહતાં હતાં કે હું પૂરા સમયની સેવામાં જોડાઉં. જોકે, મમ્મીએ સલાહ આપી કે મારે પહેલા માધ્યમિક શાળાનું ભણતર પૂરું કરી લેવું જોઈએ.

૧૬ વર્ષની ઉંમરે માધ્યમિક શાળાના વર્ગમાં હજી પગ જ મૂક્યો હતો, ને મેં એવા દોસ્તો બનાવ્યા જેઓ બાઇબલના શિક્ષણને જરાય માન આપતા ન હતા. એ મારી સૌથી મોટી મૂર્ખામી હતી! જોતજોતામાં હું તેઓની જેમ ખોટાં રવાડે ચઢી ગયો; સિગારેટ પીવા લાગ્યો, અનૈતિક જીવન જીવવા લાગ્યો! મારું મન ડંખતું કે મારી જીવનઢબ બાઇબલના શિક્ષણ સાથે જરાય મેળ ખાતી નથી. એટલે, મેં સભામાં અને પ્રચારમાં જવાનું જ છોડી દીધું! મમ્મી-પપ્પા મારાથી ખૂબ નારાજ થયાં, પણ હવે મને તો કોઈની પરવા જ ક્યાં હતી!

હું ઘર છોડીને જતો રહ્યો

શાળાના બે જ વર્ષ પછી, હું ઘર છોડીને નજીકના વિસ્તારમાં મારા દોસ્તારો સાથે રહેવા લાગ્યો. ક્યારેક છાના પગે ઘરે પહોંચી જતો અને ત્યાં જે કંઈ ખાવાનું દેખાય એ ઉઠાવી લેતો ને પાછો દોસ્તારોને ત્યાં ભાગી આવતો. મારાથી કંટાળીને પપ્પાએ શાળાની ફી ભરવાનું છોડી દીધું, એ આશામાં કે કદાચ એના લીધે મારી અક્કલ ઠેકાણે આવે.

પરંતુ, એ સમયે મને સ્કોલરશિપ મળી. સ્કૉટલેન્ડની એક સંસ્થા મારી ફી ભરતી અને ક્યારેક ક્યારેક મને પૈસા અને બીજી ચીજ-વસ્તુઓ મોકલતી. એ અરસામાં મારા બે ભાઈઓએ પણ સાક્ષીઓની સંગત છોડી દીધી. એના લીધે મારાં મમ્મી-પપ્પા પર જાણે આભ તૂટી પડ્યું. અનેક વાર મમ્મીએ રડી રડીને મને પાછા ફરવા વિનંતી કરી. એનાથી મને દુઃખ તો થતું, પણ મમ્મીના આંસુ જાણે પથ્થર પર પાણી હતાં.

મોટાં શહેરોમાં મારું જીવન

વર્ષ ૧૯૭૭માં ભણતર પૂરું કર્યા પછી, હું લાગૉસ શહેરમાં રહેવા ગયો. ત્યાં મને એક નોકરી મળી ગઈ. ટૂંક સમયમાં જ હું ગેરકાનૂની રીતે પૈસા મેળવવા લાગ્યો અને એનાથી એક ટૅક્સી ખરીદી. હવે મારી પાસે સારો એવો પૈસો હતો એટલે મેં ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું. મારો ઘણો સમય નાઈટ-ક્લબમાં અને વેશ્યાઓ સાથે વીતતો. પરંતુ, લાગૉસના જીવનની મજા મરી ગઈ, એટલે કંટાળીને હું લંડન ગયો, ને પછી ત્યાંથી બેલ્જિયમ. બેલ્જિયમમાં મેં ફ્રેંચ ભાષા શીખવા ટ્યુશન લીધા અને ત્યાંની એક હૉટલમાં પાર્ટ-ટાઇમ કામ કરવા લાગ્યો. જોકે, મારો મોટાભાગનો સમય તો કાર અને ઇલેક્ટ્રોનિક સાધનોને ગેરકાયદેસર રીતે દરિયાઈ માર્ગે નાઇજીરિયા પહોંચાડવામાં જતો.

બેલ્જિયમની શાખા કચેરીને પત્ર લખીને પપ્પાએ વિનંતી કરી કે મારો સંપર્ક કરે અને મને બાઇબલમાંથી શીખવા મદદ કરે. પણ હું તો ઘરઆંગણે આવતા સાક્ષીઓને તગેડી મૂકતો. મેં ચર્ચમાં જવાનું શરૂ કર્યું, જેથી ત્યાંના લોકો સાથે ખાવા-પીવા અને મોજમજા માણવાની તકો મળી રહે.

ડ્રગ્સની હેરાફેરી

સાલ ૧૯૮૨માં મેં એક મોંઘી કાર દરિયાઈ માર્ગે નાઇજીરિયા મોકલી અને નાઇજીરિયાના બંદરથી એને છોડાવવા હું જાતે ગયો. નાઇજીરિયાના કસ્ટમ અધિકારીઓને ખ્યાલ આવી ગયો કે મેં પૂરાં પાડેલા દસ્તાવેજોમાં કંઈ કાળું-ધોળું છે. તેથી, ત્યાંની પોલીસે મને લગભગ ૪૦ દિવસ કેદમાં રાખ્યો. પપ્પાએ મને જામીન પર છોડાવ્યો. મુકદ્દમો રફેદફે કરવા મને પૈસાની જરૂર હતી, એટલે હું વેચાણ માટે બેલ્જિયમ કેટલોક માલ-સામાન અને અમુક કિલો ગાંજો લઈ આવ્યો. મુકદ્દમો બંધ થયા પછી, મેં ડ્રગ્સની દુનિયામાં પગ જમાવ્યો.

હેરાફેરી વખતે એક વાર નેધરલૅન્ડ્‌ઝમાં હું પકડાઈ ગયો. ત્યાંના ઇમિગ્રેશન અધિકારીઓએ મને નાઇજીરિયા જતાં એક વિમાનમાં પાછો મોકલ્યો. એ વિમાનમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા બીજા અમુક લોકો પણ હતા. અમે ભાગીદારીમાં ધંધો કરવા ગૅંગ બનાવી. ૧૯૮૪માં હું આફ્રિકાના બીજા એક દેશમાં રહેવા ગયો. ત્યાં ફ્રેંચ ભાષા બોલાતી હતી. મને એ આવડતી હતી, એટલે મેં ત્યાંના પોલીસ કર્મચારીઓ, સૈનિકો અને ઇમિગ્રેશનના અમુક અધિકારીઓ સાથે દોસ્તી કરી લીધી. હવે એ દેશમાં અમે સાથે મળીને હજારો કિલો ગાંજાની તસ્કરી કરવા લાગ્યા.

ધરપકડ અને જેલ

હું ફરી એક વાર મુસીબતમાં ફસાયો. મેં એક લશ્કરી અમલદાર સાથે સાંઠ-ગાંઠ કરીને એ દેશના વિમાનમથકમાંથી મારો માલ-સામાન વગર તપાસે જવા દેવાની ગોઠવણ કરી. પણ એ અમલદારને આવતા મોડું થયું અને હું ફસાઈ ગયો, મને ગિરફતાર કરવામાં આવ્યો. મને એટલો રિબાવવામાં અને મારવામાં આવ્યો કે હું બેભાન થઈ ગયો. તેઓ મને હૉસ્પિટલ તો લઈ ગયા, પણ હું ખતમ થઈ જઈશ એમ ધારીને અધમૂઈ હાલતમાં છોડીને જતા રહ્યા. જોકે, હું જીવી ગયો. મારા પર લાગેલા આરોપમાં હું દોષી સાબિત થયો અને મને જેલ થઈ.

મેં એક દોસ્તને મારા મકાનની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી હતી. હું જેલમાંથી છૂટ્યો ત્યાં સુધીમાં તો તેણે મારું મકાન પચાવી પાડ્યું. મારી બધી મિલકત વેચીને કોણ જાણે તે ક્યાં છૂં થઈ ગયો. ગુજરાન ચલાવવા મેં તરત જ ગાંજાની હેરાફેરીનું કામ શરૂ કરી દીધું. દસ જ દિવસમાં હું ફરી પકડાયો અને ત્રણ મહિનાની જેલ થઈ. જેલમાંથી છૂટ્યો ત્યાં સુધીમાં તો મારી તબિયત સાવ લથડી ગઈ અને લગભગ મોતના મોંમાં આવી ગયો. એવામાં કોઈક રીતે હું લાગૉસ પાછો ફર્યો.

ફરી એક વાર “ધંધે” લાગ્યો

લાગૉસમાં મને મારા જૂના સાથીદારો મળ્યા. અમે ભારત જવાનું નક્કી કર્યું. ત્યાંથી અમે આશરે ૬ લાખ ડૉલરની કિંમતનું હેરોઇન ખરીદ્યું. ભારતના બોમ્બેથી (મુંબઈ) અમે સ્વિટ્‌ઝરલૅન્ડ ગયા, પછી પોર્ટુગલ અને છેલ્લે સ્પેન ગયા. અમને દરેકને પુષ્કળ ફાયદો થયો અને અમે જુદા જુદા રસ્તે લાગૉસ પાછા ફર્યા. સાલ ૧૯૮૪ના અંતે મેં ડ્રગ્સનો બીજો એક જથ્થો વેચ્યો. હું ૧૦ લાખ ડોલર કમાઈને અમેરિકામાં કાયમ માટે સ્થાયી થવાનાં સપનાં જોતો હતો.

વર્ષ ૧૯૮૬માં મેં મારી બધી મૂડી લગાવીને લાગૉસમાં ઉત્તમ હેરોઇન ખરીદ્યું. એને વેચવા હું બીજા એક દેશમાં ગયો. પણ ત્યાં એક લોભી સોદાગરે મારો બધો માલ પચાવી પાડ્યો, મને એક કોડી પણ આપી નહિ. મને ભિખારી બનાવી દીધો. મારો જીવ જોખમમાં હતો, એટલે કોઈને કંઈ કીધા વગર હું ખાલી હાથે લાગૉસ પાછો ફર્યો. પૈસે ટકે અને લાગણીમય રીતે હું ભાંગી પડ્યો હતો. જીવનમાં પહેલી વાર મેં શાંતિથી બેસીને જીવનના હેતુ વિશે વિચાર કર્યો. મને થયું, “મારા જીવનમાં આવી ચઢતી ને પડતી આખરે કેમ આવે છે?”

ઈશ્વર પાસે પાછા આવવું

અમુક જ દિવસો પછી, એક રાતે મેં યહોવાને મદદ માટે પ્રાર્થના કરી. બીજી જ સવારે કોઈકે મારો દરવાજો ખખડાવ્યો. એક વૃદ્ધ ભાઈ અને તેમનાં પત્ની દરવાજે હતાં, તેઓ યહોવાના સાક્ષીઓ હતાં. મેં તેઓને ધ્યાનથી સાંભળ્યાં અને તેઓ પાસેથી મૅગેઝિન લીધું. મેં તેઓને જણાવ્યું: ‘મારાં મમ્મી-પપ્પા યહોવાના સાક્ષીઓ છે. અને બહેન એલીસ ઓબારાહ મને બાઇબલમાંથી શીખવતાં હતાં.’

એ ભાઈનું નામ પી.કે. ઓગબાનફે હતું. તેમણે મને કહ્યું: ‘અરે, અમે બહેન ઓબારાહ અને તેમના કુટુંબને સારી રીતે ઓળખીએ છીએ. તેઓ હાલમાં લાગૉસમાં આવેલી નાઇજીરિયાની શાખામાં સેવા આપી રહ્યાં છે.’ તેઓએ મને બહેન ઓબારાહ અને તેમના પતિની મુલાકાત લેવા આગ્રહ કર્યો. મેં એમ કર્યું. તેઓને મળીને મને ખૂબ જ ઉત્તેજન મળ્યું. એ પછી, ભાઈ ઓગબાનફેએ મારો બાઇબલ અભ્યાસ ચલાવ્યો. મેં ઝડપથી જીવનઢબમાં સુધારો કર્યો. એ કંઈ રમત વાત ન હતી, કેમ કે લાંબા સમયથી હું ડ્રગ્સનો બંધાણી હતો. છતાં, જીવનમાંથી ગંદકી દૂર કરવા માટે મેં મનમાં ગાંઠ વાળી લીધી હતી.

જોકે, હજુય જીવનમાં ઘણાં દબાણો અને લાલચોનો હું સામનો કરી રહ્યો હતો! મારા જૂના દોસ્તો મને મળવા આવતા અને લોભામણી ઑફર આપતા. અરે, અમુક સમય માટે તો હું ફરીથી સિગારેટની લતે ચઢી ગયો અને અનૈતિક કામોમાં સરી પડ્યો. મેં યહોવાની આગળ દિલ ઠાલવ્યું. મને ખ્યાલ આવી ગયો કે એ દોસ્તોએ મને ખોટા રવાડે ચઢાવ્યો હતો, તેઓ મને સુધરવા મદદ કરી શકે એમ નથી. મને અહેસાસ થયો કે ઈશ્વર જોડે દોસ્તી મજબૂત કરવી હોય તો, મારે લાગૉસ છોડવું પડશે. ઈલેશા શહેરમાં પપ્પાના ઘરે પાછા જવા સિવાય કોઈ રસ્તો દેખાતો ન હતો. પણ પાછા ઘરે જવામાં મને શરમ આવતી હતી. મેં પપ્પાને અને મોટા ભાઈને પત્ર લખ્યો. મેં પૂછ્યું: ‘શું હું ઘરે પાછો આવી શકું?’

પપ્પાએ મને ખાતરી આપી કે મારા માટે ઘર અને દિલના દરવાજા ખુલ્લા છે. મોટા ભાઈએ જણાવ્યું કે તે મને પૈસેટકે મદદ કરશે. ઘર છોડ્યાના દસ વર્ષ પછી હું પાછો ફર્યો! મારો ભાવભીનો આવકાર કરવામાં આવ્યો. મમ્મી પોકારી ઊઠ્યાં, ‘યહોવા, તમારો લાખ લાખ આભાર!’ સાંજે પપ્પા ઘરે આવ્યા ત્યારે તેમણે કહ્યું, ‘યહોવા જરૂર તને મદદ કરશે.’ આખું કુટુંબ ત્યાં હાજર હતું, પપ્પાએ પ્રાર્થના કરાવી. તેમણે યહોવાને કાલાવાલા કર્યા કે હવે હું પાછો ફર્યો છું તો તે મને તેમની મરજી પ્રમાણે જીવવા મદદ કરે.

વેડફી નાંખેલા સમયને સરભર કરવો

મેં ફરીથી બાઇબલમાંથી અભ્યાસ શરૂ કર્યો અને ઝડપથી પ્રગતિ કરી. એપ્રિલ ૨૪, ૧૯૮૮માં મેં બાપ્તિસ્મા લીધું અને પ્રચારમાં ઉત્સાહથી ભાગ લેવા મંડ્યો. નવેમ્બર ૧, ૧૯૮૯માં મેં પૂરા સમયના પ્રચારકની, એટલે કે પાયોનિયર તરીકેની સેવા શરૂ કરી. વર્ષ ૧૯૯૫માં મને નાઇજીરિયામાં થનાર ૧૦મી સેવકાઈ તાલીમ શાળાનું આમંત્રણ મળ્યું. જુલાઈ ૧૯૯૮માં મને પ્રવાસી નિરીક્ષક તરીકે મંડળોની મુલાકાત લેવાની સોંપણી મળી. એક વર્ષ પછી, હું રૂથને મળ્યો. મેં રૂથ સાથે લગ્‍ન કર્યું અને મને પ્રવાસી મુલાકાતોમાં એક હમસફર મળી ગઈ.

આજે, મારા કુટુંબના બીજા સભ્યોએ પણ સત્યમાં સારી પ્રગતિ કરી છે. સત્ય છોડી ગયેલા બે ભાઈઓમાંથી એકે યહોવાની ભક્તિના માર્ગે પાછા ફરીને બાપ્તિસ્મા લઈ લીધું છે. મને ખુશી છે કે પપ્પા અમને સત્યના માર્ગે પાછા ફરતા જોઈ શક્યા. તે ૧૯૯૩માં ૭૫ વર્ષની ઉંમરે મરણ પામ્યા. છેલ્લા શ્વાસ સુધી તે ખુશી ખુશી સહાયક સેવક તરીકે સેવા આપતા રહ્યા. મમ્મી અમારા વતન ઈલેશામાં પૂરા જોશથી યહોવાની સેવામાં વ્યસ્ત છે.

ધનસંપત્તિના મોહમાં મેં યુરોપ, એશિયા અને આફ્રિકાનાં ૧૬ દેશોમાં ફાંફાં માર્યા. પરિણામે, મેં પોતાને ઘણાં દુઃખોથી વીંધી નાંખ્યો. (૧ તિમોથી ૬:૯, ૧૦) આજે એ દિવસો યાદ કરું છું તો ઘણો અફસોસ થાય છે. મેં મારી યુવાનીનો સારો એવો સમય ડ્રગ્સ અને અનૈતિક કામોમાં વેડફી નાખ્યો! મેં ઈશ્વર યહોવાને અને મારાં કુટુંબીજનોને ઘણું દુઃખ પહોંચાડ્યું છે, મને એનો અફસોસ છે! પણ હું એ વાતનો આભાર માનું છું કે જીવતેજીવ મને ભાન આવ્યું ને હું સત્ય તરફ પાછો ફરી શક્યો. હવે યહોવાની આજીવન વફાદારીથી સેવા કરવી, એ મારો દૃઢ સંકલ્પ છે!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો