વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr૧૮ ડિસેમ્બર પાન ૧-૮
  • ડિસેમ્બર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૮
  • મથાળાં
  • ડિસેમ્બર ૩-૯
  • ડિસેમ્બર ૧૦-૧૬
  • ડિસેમ્બર ૧૭-૨૩
  • ડિસેમ્બર ૨૪-૩૦
  • ડિસેમ્બર ૩૧–જાન્યુઆરી ૬
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૮
mwbr૧૮ ડિસેમ્બર પાન ૧-૮

ડિસેમ્બર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

ડિસેમ્બર ૩-૯

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૯-૧૧

“ભારે જુલમ કરનાર ઉત્સાહથી ખુશખબર ફેલાવે છે”

(પ્રેરિતોનાં કાર્યો ૯:૧, ૨) પણ શાઊલ હજુ પ્રભુના શિષ્યો માટે ખતરારૂપ હતો અને તેઓને મારી નાખવાનું ઝનૂન તેના પર સવાર હતું. તે પ્રમુખ યાજક પાસે ગયો. ૨ અને તેની પાસેથી દમસ્કનાં સભાસ્થાનોમાં બતાવવા પત્રો માંગ્યા, જેથી તે પ્રભુના માર્ગે ચાલનાર જે કોઈ મળે તેને બાંધીને યરૂશાલેમ લઈ આવે, પછી ભલે એ પુરુષ હોય કે સ્ત્રી.

bt-E ૬૦ ¶૧-૨

“મંડળ માટે શાંતિનો સમયગાળો શરૂ થયો”

કેટલાક મુસાફરોની ટોળી દમસ્કની નજીક આવી રહી છે. ગુસ્સે લાલચોળ થયેલી એ ટોળી પોતાના એક બદઇરાદાને અંજામ આપવા આવી રહી છે. તેઓ ઈસુના શિષ્યોને ઘરમાંથી બહાર ઘસડીને, બાંધીને, ફટકારીને, તેઓના ખરાબ હાલ કરવા માંગે છે. તેઓને યરૂશાલેમમાં યહુદી ન્યાયસભા આગળ ઊભા કરવા ચાહે છે, જ્યાં ગુસ્સે ભરાયેલા ન્યાયાધીશો તેઓને સજા કરવા આતુર છે.

૨ એ ટોળીના આગેવાન શાઊલ છે. તેના હાથ એક નિર્દોષ ઈશ્વરભક્તના લોહીથી રંગાયેલા છે. તાજેતરમાં જ, તેણે ઈસુના એક વફાદાર શિષ્ય સ્તેફનને મારી નાંખવાની પરવાનગી લીધી હતી. તેના ઝનૂની સાથીઓએ સ્તેફનને પથ્થરો મારીને મારી નાખ્યો એ નજારો પણ તેણે નજરે જોયો હતો. (પ્રે.કા. ૭:૫૭–૮:૧) યરૂશાલેમમાં રહેનાર શિષ્યો વિરુદ્ધ શાઊલના મનમાં નફરતની આગ ભડકતી હતી. એટલું જાણે બસ ન હોય એમ, એ આગ તે બધે ફેલાવવા માંગતો હતો. પોતાને “માર્ગ” કહેનાર નવા પંથને તે કીડીની જેમ મસળી દેવા માંગે છે.—પ્રે.કા. ૯:૧, ૨.

(પ્રેરિતોનાં કાર્યો ૯:૧૫, ૧૬) પણ, પ્રભુએ તેને કહ્યું: “તું ત્યાં જા, કેમ કે આ માણસ મારું પસંદ કરેલું પાત્ર છે. તે બીજી પ્રજાઓ, રાજાઓ તથા ઇઝરાયેલના દીકરાઓ આગળ મારું નામ પ્રગટ કરશે. ૧૬ કેમ કે હું તેને સાફ બતાવીશ કે મારા નામને લીધે તેણે કેટલું બધું સહેવું પડશે.”

w૧૬.૦૬ ૭ ¶૪

યહોવા મહાન કુંભાર, માનીએ તેમનો આભાર

૪ આપણે માણસોને જે રીતે જોઈએ છીએ, યહોવા એ રીતે જોતા નથી. એને બદલે, તે દિલને પારખે છે અને આપણે ખરેખર કેવા છીએ એ જુએ છે. (૧ શમૂએલ ૧૬:૭ખ વાંચો.) ખ્રિસ્તી મંડળ રચાયું ત્યારે, યહોવાએ એની સાબિતી આપી. તે પોતાની અને પોતાના દીકરાની નજીક એવા લોકોને લાવ્યા, જેઓને અમુક લોકો કદાચ નકામા ગણે. (યોહા. ૬:૪૪) શાઊલ નામના ફરોશીનો વિચાર કરો. તે ‘ઈશ્વરની નિંદા કરનાર, સતાવનાર તથા જુલમી હતા.’ (૧ તિમો. ૧:૧૩) પણ, યહોવાએ તેમનું દિલ જોયું અને તેમને નકામી માટી ગણ્યા નહિ. (નીતિ. ૧૭:૩) એને બદલે, યહોવાએ જોયું કે શાઊલને ‘પસંદ કરેલા પાત્રમાં’ ઢાળી શકાય છે, જે “વિદેશીઓ, રાજાઓ તથા ઈસ્રાએલપુત્રોની આગળ” સાક્ષી આપશે. (પ્રે.કા. ૯:૧૫) યહોવાએ બીજા અમુક લોકોને પણ પસંદ કર્યા હતા, જેથી તેઓને “ઉત્તમ કાર્યને માટે” ઘડી શકાય. તેઓ પહેલાં દારૂડિયા, અનૈતિક કામો કરનાર અને ચોર હતા. (રોમ. ૯:૨૧; ૧ કોરીં. ૬:૯-૧૧) જેમ જેમ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, તેમ તેમ યહોવામાં તેઓની શ્રદ્ધા વધુ મક્કમ બની અને તેઓએ પોતાને યહોવાના હાથે ઘડાવા દીધા.

(પ્રેરિતોનાં કાર્યો ૯:૨૦-૨૨) અને તરત તે સભાસ્થાનોમાં પ્રચાર કરવા લાગ્યો કે ઈસુ એ ઈશ્વરના દીકરા છે. ૨૧ પરંતુ, જેઓએ તેને બોલતા સાંભળ્યો, તેઓ બધા દંગ રહી ગયા અને કહેવા લાગ્યા: “શું આ એ માણસ નથી, જે યરૂશાલેમમાં આ નામ લેનારાઓ પર ભારે ત્રાસ ગુજારતો હતો? શું તે તેઓને પકડીને મુખ્ય યાજકો પાસે લઈ જવાના ઇરાદાથી અહીં આવ્યો ન હતો?” ૨૨ પણ, શાઊલ પ્રચારમાં ઘણો ઉત્સાહી બનતો ગયો અને ઈસુ એ જ ખ્રિસ્ત છે, એવી સાબિતીઓ આપીને દમસ્કમાં રહેતા યહુદીઓને નવાઈ પમાડતો ગયો.

bt-E ૬૪ ¶૧૫

“મંડળ માટે શાંતિનો સમયગાળો શરૂ થયો”

૧૫ જરા કલ્પના કરો, શાઊલને સભાસ્થાનોમાં ઈસુ વિશે શીખવતા જોઈને લોકો કેવી નવાઈ પામ્યા હશે! તેઓના ચહેરા ગુસ્સે લાલચોળ થઈ ગયા હશે, તેઓ મૂંઝાઈ ગયા હશે. તેઓ બોલી ઊઠ્યા, “શું આ એ માણસ નથી, જે યરૂશાલેમમાં આ નામ લેનારાઓ પર ભારે ત્રાસ ગુજારતો હતો?” (પ્રે.કા. ૯:૨૧) ઈસુ વિશે પોતાના વિચારો શા માટે બદલાયા એનાં કારણો આપતાં શાઊલે “ઈસુ એ જ ખ્રિસ્ત છે, એવી સાબિતીઓ આપી.” (પ્રે.કા. ૯:૨૨) જોકે, સાબિતીઓ આપીને પુરવાર કરવા છતાં બધા લોકો કંઈ એને સ્વીકારી લેતા નથી. જે વ્યક્તિનું દિલ પરંપરાની સાંકળોમાં જકડાયેલું અને ઘમંડથી ભરેલું હોય તેની સાથે દલીલ કરવી પથ્થર પર પાણી રેડવા જેવું છે. તોપણ, શાઊલ હારી ગયા નહિ ને પ્રયત્ન કરતા રહ્યા.

કીમતી રત્નો શોધીએ

(પ્રેરિતોનાં કાર્યો ૯:૪) તે જમીન પર પડ્યો અને તેને એક અવાજ સંભળાયો: “શાઊલ, શાઊલ, તું શા માટે મારા પર જુલમ કરે છે?”

bt-E ૬૦-૬૧ ¶૫-૬

“મંડળ માટે શાંતિનો સમયગાળો શરૂ થયો”

૫ ઈસુએ શાઊલને દમસ્કના રસ્તા પર રોક્યા ત્યારે, એમ ન પૂછ્યું: “તું શા માટે મારા શિષ્યો પર જુલમ કરે છે?” પણ તેમણે પૂછ્યું, “તું શા માટે મારા પર જુલમ કરે છે?” (પ્રે.કા. ૯:૪) હા, ઈસુએ પોતાના શિષ્યોના દુઃખને પોતાનું દુઃખ ગણ્યું. તેઓના પર થતી સતાવણી જાણે પોતાના પર થતી હોય એમ ગણ્યું.—માથ. ૨૫:૩૪-૪૦, ૪૫.

૬ જો ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાને લીધે તમારી સતાવણી થતી હોય, તો ખાતરી રાખજો કે તમારા પર શું ગુજરી રહ્યું છે એ યહોવા અને ઈસુ સારી રીતે જાણે છે. (માથ. ૧૦:૨૨, ૨૮-૩૧) કદાચ તમારા ખરાબ સંજોગો હાલ ને હાલ ન પણ સુધરે. પણ યાદ કરો, શાઊલે સ્તેફનને મારી નાંખવામાં સાથ આપ્યો ત્યારે ઈસુ એ જોઈ રહ્યા હતા. યરૂશાલેમમાં શાઊલ બીજા શિષ્યોને તેઓના ઘરમાંથી ઘસડીને બહાર લાવતો હતો એ પણ તેમણે જોયું. (પ્રે.કા. ૮:૩) એ સમયે ઈસુ વચ્ચે ન પડ્યા, તેઓની સતાવણી રોકી નહિ. પણ સ્તેફન અને બીજા શિષ્યોને જોઈતી હિંમત જરૂર પૂરી પાડી, જેથી તેઓ વફાદાર રહી શકે. ઈસુ દ્વારા યહોવાએ કેવી સરસ મદદ પૂરી પાડી!

(પ્રેરિતોનાં કાર્યો ૧૦:૬) તે માણસ, ચામડાનું કામ કરનાર સિમોનને ત્યાં મહેમાન છે, જેનું ઘર સાગર કિનારે છે.”

nwtsty પ્રેકા ૧૦:૬ અભ્યાસ માહિતી

સિમોન, ચામડાનું કામ કરનાર: એ કામ કરનાર જાનવરોના ચામડા પર ચૂનાનું પાણી લગાવતો, જેથી એના પર કોઈ વાળ, માંસ કે ચરબીની છાંટ હોય તો નીકળી જાય. પછી એના પર તે એક પ્રકારની વનસ્પતિમાંથી બનાવેલું પ્રવાહી લગાવતો, જેથી એ ચામડું સાફ રહે ને સડે નહિ. એ પછી જ એની કોઈ વસ્તુ બનાવવામાં આવતી. ચામડાનું કામ કરવામાં સખત ગંધ આવતી અને પુષ્કળ પાણીની જરૂર પડતી. એ જ કારણે કદાચ સિમોન જોપ્પાની બહારના વિસ્તારમાં સાગરને કિનારે રહેતા હતા. મુસાના નિયમ પ્રમાણે, જાનવરોના શબનું કામ કરનાર કાયદા પ્રમાણે અશુદ્ધ ગણાતો. (લેવી ૫:૨; ૧૧:૩૯) એ કારણે મોટાભાગના યહુદીઓ એવી વ્યક્તિને હલકી જાતિની ગણતા અને તેઓ સાથે રહેવાનું પસંદ ન કરતા. તાલમુદમાં પછી ઉમેરવામાં આવેલા નિયમો પ્રમાણે, એ ધંધાને જાનવરો છાણ કે હગારને ઉપાડવાના કામ કરતાંય હલકો ગણવામાં આવ્યો. જોકે, પીતરે એવો કોઈ ભેદભાવ રાખ્યો નહિ, તે સિમોનના ઘરે રોકાયા. એવું ભેદભાવ વગરનું વલણ તેમને મળનાર બીજી સોંપણી માટે જરૂરી હતું. તેમને એક બિનયહુદીને ત્યાં જવાની સોંપણી મળવાની હતી. અમુક નિષ્ણાતોનું માનવું છે કે ચામડાનું કામ કરનાર શબ્દો માટે મૂળ ગ્રીક ભાષામાં (બીર્સેઉસ) શબ્દ વપરાયો હતો. સિમોનને એ નામથી સંબોધવામાં આવ્યા હતા.

બાઇબલ વાંચન

(પ્રેરિતોનાં કાર્યો ૯:૧૦-૨૨)

ડિસેમ્બર ૧૦-૧૬

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૧૨-૧૪

“બાર્નાબાસ અને પાઊલે દૂર દૂરના વિસ્તારોમાં શિષ્યો બનાવ્યા”

(પ્રેરિતોનાં કાર્યો ૧૩:૨, ૩) તેઓ યહોવાની સેવા અને ઉપવાસ કરતા હતા એવામાં પવિત્ર શક્તિએ કહ્યું: “બાર્નાબાસ અને શાઊલને જે કામ માટે મેં પસંદ કર્યા છે, એ માટે તેઓને અલગ રાખો.” ૩ તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કર્યા પછી, બાર્નાબાસ અને શાઊલ પર હાથ મૂક્યા અને તેઓને મોકલ્યા.

bt-E ૮૬ ¶૪

“તેઓ આનંદ અને પવિત્ર શક્તિથી ભરાઈ ગયા”

૪ પવિત્ર શક્તિ દ્વારા એવું માર્ગદર્શન કેમ આપવામાં આવ્યું કે બાર્નાબાસ અને શાઊલને જ ‘એ કામ માટે’ પસંદ કરવામાં આવે? (પ્રે.કા. ૧૩:૨) બાઇબલ એનું કોઈ કારણ જણાવતું નથી. પણ એક વાત ચોક્કસ કે આ બે જણની પસંદગી કરવામાં પવિત્ર શક્તિથી માર્ગદર્શન મળ્યું હતું, અંત્યોખ મંડળના પ્રબોધકો કે શિક્ષકોએ પણ એ વિશે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. તેઓએ તો એ નિર્ણયને પૂરો સહકાર આપ્યો. અનુભવી ભાઈઓએ એ બંનેની કોઈ અદેખાઈ ન કરી પણ ‘ઉપવાસ અને પ્રાર્થના સાથે તેઓ પર હાથ મૂક્યા અને તેઓને મોકલ્યા.’ ત્યારે પાઊલ અને બાર્નાબાસને કેવું લાગ્યું હશે એનો વિચાર કરો. (પ્રે.કા. ૧૩:૩) આપણે પણ એવાં ભાઈઓને પૂરો સહકાર આપવો જોઈએ, જેઓને સંગઠનમાં કોઈ જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમ કે, મંડળમાં વડીલો તરીકે સેવા આપતા ભાઈઓ. તેઓને મળતા લહાવાની અદેખાઈ કરવાને બદલે આપણે ‘તેઓના કામને લીધે તેઓને પ્રેમથી અનેકગણો આદર આપવો જોઈએ.’—૧થેસ્સા. ૫:૧૩.

(પ્રેરિતોનાં કાર્યો ૧૩:૧૨) જે થયું એ જોઈને રાજ્યપાલે શ્રદ્ધા મૂકી, કેમ કે યહોવાના શિક્ષણથી તે ઘણો પ્રભાવિત થયો હતો.

(પ્રેરિતોનાં કાર્યો ૧૩:૪૮) બીજી પ્રજાના લોકોએ એ સાંભળ્યું ત્યારે, તેઓ આનંદ કરવા લાગ્યા અને યહોવાના સંદેશાને મહિમા આપવા લાગ્યા. તેમ જ, હંમેશ માટેનું જીવન આપતું સત્ય સ્વીકારવા તરફ જેઓનું હૃદય ઢળેલું હતું, તેઓએ શ્રદ્ધા મૂકી.

(પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧) હવે, ઇકોનિયામાં પાઊલ અને બાર્નાબાસ યહુદીઓના સભાસ્થાનમાં ગયા અને એટલી જોરદાર રીતે વાત કરી કે મોટી સંખ્યામાં યહુદી અને ગ્રીક લોકોએ શ્રદ્ધા મૂકી.

bt-E ૯૫ ¶૫

‘યહોવાએ આપેલા અધિકારથી તેઓએ હિંમતથી સત્ય જણાવ્યું’

૫ શરૂઆતમાં, પાઊલ અને બાર્નાબાસ ઇકોનિયામાં રોકાયા જે રોમન પ્રાંત ગલાતિયાનું એક જાણીતું શહેર હતું. ત્યાં ગ્રીક સમાજ ફેલાયેલો હતો. એ શહેરમાં જાણીતા અને આગળ પડતા યહુદીઓ રહેતા હતા. અને બીજા ધર્મોમાંથી યહુદી બનેલા લોકોની મોટી સંખ્યા હતી. પાઊલ અને બાર્નાબાસ પોતાના રિવાજ પ્રમાણે ત્યાં યહુદીઓના સભાસ્થાનમાં ગયા અને પ્રચાર કરવા લાગ્યા. (પ્રે.કા. ૧૩:૫, ૧૪) તેઓએ “એટલી જોરદાર રીતે વાત કરી કે મોટી સંખ્યામાં યહુદી અને ગ્રીક લોકોએ શ્રદ્ધા મૂકી.”—પ્રે.કા. ૧૪:૧.

(પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૧, ૨૨) એ શહેરમાં ખુશખબર જણાવીને અને ઘણા શિષ્યો બનાવીને તેઓ લુસ્રા, ઇકોનિયા અને અંત્યોખ પાછા આવ્યા. ૨૨ ત્યાં તેઓએ શિષ્યોને હિંમત આપી, શ્રદ્ધામાં મક્કમ રહેવાનું ઉત્તેજન આપ્યું અને કહ્યું: “ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનું છે.”

w૧૪ ૯/૧૫ ૧૩ ¶૪-૫

“ઘણાં સંકટ” છતાં ઈશ્વરને વળગી રહીએ

૪ દર્બે શહેરની મુલાકાત પછી પાઊલ અને બાર્નાબાસ ફરી એક વાર ‘લુસ્ત્રા, ઈકોની અને અંત્યોખ’ ગયા. તેઓએ ત્યાંના ‘શિષ્યોનાં મન દૃઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાનું ઉત્તેજન આપ્યું અને કહ્યું કે “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવાનું છે.”’ (પ્રે.કા. ૧૪:૨૧, ૨૨) “ઘણાં સંકટ” સહેવાની પાઊલની એ વાત કદાચ આપણને ઉત્તેજન આપનારી ન લાગે. તો સવાલ થાય કે, એ શબ્દોથી પાઊલ અને બાર્નાબાસે કઈ રીતે ‘શિષ્યોના મન દૃઢ કર્યાં’ હશે?

૫ એનો જવાબ જાણવા ચાલો પાઊલે જે કહ્યું એના પર ધ્યાન આપીએ. તેમણે એમ ન કહ્યું કે ‘આપણે ઘણાં સંકટ સહેવાં પડશે.’ તેમણે તો એમ કહ્યું હતું કે, ‘આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવાનું છે.’ એ શબ્દોથી પાઊલે વફાદાર રહેવાના ઇનામ પર શિષ્યોનું ધ્યાન દોર્યું. એ ઇનામ કોઈ કલ્પના ન હતી. અગાઉ, ઈસુએ પણ કહ્યું હતું કે, “જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.”—માથ. ૧૦:૨૨.

કીમતી રત્નો શોધીએ

(પ્રેરિતોનાં કાર્યો ૧૨:૨૧-૨૩) નક્કી કરેલા દિવસે, હેરોદે રાજમાન્ય પોશાક પહેર્યો અને ન્યાયાસન પર બેઠો અને લોકોને ભાષણ આપવા લાગ્યો. ૨૨ એ સાંભળીને ત્યાં ભેગા થયેલા લોકો પોકારવા લાગ્યા: “આ માણસનો નહિ, ઈશ્વરનો અવાજ છે!” ૨૩ તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ એટલે યહોવાના દૂતે તેને માંદગીમાં પટક્યો. કીડાઓએ તેને કોરી ખાધો અને તે મરણ પામ્યો.

w૦૮ ૫/૧ ૩૨ ¶૭

પ્રેરિતોનાં કૃત્યોના મુખ્ય વિચારો

૧૨:૨૧-૨૩; ૧૪:૧૪-૧૮. ઈશ્વરને આપવો જોઈએ એ જશ હેરોદે લીધો. જ્યારે કે પાઊલ અને બાર્નાબાસને મળતો જશ તરત જ ઈશ્વરને આપ્યો. યહોવાહની ભક્તિમાં આપણે જે કંઈ કરીએ એનો જશ તેમને જ આપવો જોઈએ.

(પ્રેરિતોનાં કાર્યો ૧૩:૯) પછી, શાઊલ જે પાઊલ પણ કહેવાતો હતો, તે પવિત્ર શક્તિથી ભરપૂર થયો. તેણે એલિમાસ સામે તાકીને જોયું

nwtsty પ્રેકા ૧૩:૯ અભ્યાસ માહિતી

શાઊલ જે પાઊલ પણ કહેવાતા હતા: બાઇબલમાં આ કલમ પછી, બધી જગ્યાએ શાઊલનો ઉલ્લેખ પાઊલ તરીકે જ થયો છે. આ પ્રેરિત જન્મથી હિબ્રૂ હતા અને તેમની પાસે રોમન નાગરિકતા હતી. (પ્રેકા ૨૨:૨૭, ૨૮; ફિલિ ૩:૫) એટલે બની શકે કે તેમના બે નામ નાનપણથી જ હતા, એક હિબ્રૂ નામ શાઊલ અને બીજું રોમન નામ પાઊલ. યહુદીઓના બે નામ હોવાં એ સમયે સામાન્ય વાત હતી, ખાસ કરીને ઈઝરાયેલની બહાર રહેતા યહુદીઓ. (પ્રેકા ૧૨:૧૨; ૧૩:૧) પાઊલના કેટલાક સગાંઓના પણ હિબ્રૂ અને ગ્રીક, એમ બે નામ હતાં. (રોમ ૧૬:૭, ૨૧) “પ્રજાઓ માટે પ્રેરિત” તરીકે પાઊલને બિન-યહુદીઓને પ્રચાર કરવાની સોંપણી મળી હતી. (રોમ ૧૧:૧૩) એટલે તેમણે પોતાનું રોમન નામ વાપરવાનું નક્કી કર્યું હશે, જેથી વધારે લોકો તેમને આવકાર આપે, તેમનો સંદેશો સાંભળે. (પ્રેકા ૯:૧૫; ગલા ૨:૭, ૮) અમુકનું માનવું છે કે તેમણે સર્ગિયુસ પાઊલના માનમાં એ નામ અપનાવ્યું હતું. પણ એવું શક્ય લાગતું નથી. કારણ કે, તેમણે તો એ નામ સૈપ્રસ છોડ્યા પછી, બીજી જગ્યાઓએ પણ વાપર્યું. બીજા અમુકનું એવું પણ કહેવું છે કે પાઊલ આ કારણે પોતાનું હિબ્રૂ નામ વાપરતા ન હતા: તેમના હિબ્રૂ નામનો ઉચ્ચાર ગ્રીકના કોઈ એવા શબ્દ સાથે મળતો આવતો હતો, જેનો અર્થ થાય, લંગડાતી વ્યક્તિ કે પ્રાણી.—પ્રેકા ૭:૫૮ અભ્યાસ માહિતી જુઓ.

પાઊલ: લેટિનમાં પાઊલુસ અને ગ્રીકમાં પાઊલોસ નામનો અર્થ થાય, “નાનકડું; નાનું.” પ્રેરિત પાઊલને દર્શાવવા એ નામ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં કુલ ૧૭૧ વાર વપરાયું છે અને સૈપ્રસના રાજ્યપાલ સર્ગિયુસ પાઊલને દર્શાવવા એક વાર વપરાયું છે.—પ્રેકા ૧૩:૭.

બાઇબલ વાંચન

(પ્રેરિતોનાં કાર્યો ૧૨:૧-૧૭)

ડિસેમ્બર ૧૭-૨૩

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૧૫-૧૬

“શાસ્ત્રને આધારે એક થઈને નિર્ણય લેવામાં આવ્યો”

(પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧, ૨) હવે, યહુદિયાથી અમુક માણસો આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા: “જ્યાં સુધી તમે મુસાના રિવાજ પ્રમાણે સુન્‍નત ન કરાવો, ત્યાં સુધી તમે ઉદ્ધાર પામી શકશો નહિ.” ૨ પરંતુ, પાઊલ અને બાર્નાબાસે તેઓ સાથે ઘણી ચર્ચાઓ કરી અને એ વિશે ઘણો વાદવિવાદ થયો. એટલે, એવી ગોઠવણ કરવામાં આવી કે પાઊલ, બાર્નાબાસ અને બીજા અમુક ભાઈઓ યરૂશાલેમ જઈને આ મુદ્દો પ્રેરિતો અને વડીલો આગળ રજૂ કરે.

bt-E ૧૦૨-૧૦૩ ¶૮

“એ વિશે ઘણો વાદવિવાદ થયો”

૮ લુક આગળ લખે છે: “પરંતુ, પાઊલ અને બાર્નાબાસે તેઓ [“અમુક પુરુષો”] સાથે ઘણી ચર્ચાઓ કરી અને એ વિશે ઘણો વાદવિવાદ થયો. એટલે, [વડીલો દ્વારા] એવી ગોઠવણ કરવામાં આવી કે પાઊલ, બાર્નાબાસ અને બીજા અમુક ભાઈઓ યરૂશાલેમ જઈને આ મુદ્દો પ્રેરિતો અને વડીલો આગળ રજૂ કરે.” (પ્રે.કા. ૧૫:૨) ‘ઘણી ચર્ચાઓ અને ઘણો વાદવિવાદ’ થયો હતો. એ બતાવે છે કે બંને પક્ષ પોતાની વાત પર મક્કમ હતા અને તેઓને લાગતું હતું કે પોતે જે કહે છે એ જ ખરું છે. અંત્યોખનું મંડળ એ વાદવિવાદ હલ કરી શક્યું નહિ. મંડળની શાંતિ અને એકતા જળવાઈ રહે માટે મંડળે એ વિવાદ હલ કરવા સારો નિર્ણય લીધો. તેઓએ એ “મુદ્દો પ્રેરિતો અને વડીલો આગળ” એટલે કે એ સમયના નિયામક જૂથ આગળ રજૂ કરવાની ગોઠવણ કરી. અંત્યોખના વડીલો પાસેથી આપણે શું શીખી શકીએ?

(પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧૩-૨૦) તેઓએ બોલવાનું પૂરું કર્યું પછી, યાકૂબે કહ્યું: “ભાઈઓ, મારું સાંભળો. ૧૪ સિમઓને વિગતવાર જણાવ્યું છે કે કઈ રીતે ઈશ્વરે પહેલી વાર બીજી પ્રજાઓ તરફ ધ્યાન આપ્યું, જેથી તેઓમાંથી એવા લોકોને બહાર કાઢી લાવે, જેઓ તેમના નામથી ઓળખાય; ૧૫ અને આની સાથે પ્રબોધકોના શબ્દો સહમત થાય છે, જેમ લખેલું છે તેમ: ૧૬ ‘એ બન્યા પછી હું પાછો આવીશ અને દાઊદનો પડી ગયેલો મંડપ ફરી ઊભો કરીશ; હું એનાં ખંડેર ફરી બાંધીશ અને એને ફરીથી સ્થાપન કરીશ, ૧૭ જેથી આ પ્રજાના બાકી રહેલા લોકો યહોવાને પૂરા દિલથી શોધે, તેઓ સાથે મારા નામથી ઓળખાતા બીજી સર્વ પ્રજાઓના લોકો પણ શોધે. આ બધું કરનાર યહોવા પોતે આમ કહે છે. ૧૮ અને તેમને અગાઉથી એ વાતોની જાણ હતી.’ ૧૯ તેથી, હું એવા નિર્ણય પર આવું છું કે, ઈશ્વર તરફ ફરનારા બીજી પ્રજાના લોકો માટે આપણે મુશ્કેલી ઊભી ન કરીએ. ૨૦ પણ, તેઓને લખીએ કે તેઓ મૂર્તિઓથી ભ્રષ્ટ થયેલી વસ્તુઓથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મારી નાખેલાં પ્રાણીઓથી અને લોહીથી દૂર રહે.

w૧૨ ૧/૧ ૯ ¶૬-૭

સાચા ખ્રિસ્તીઓ બાઇબલને માન આપે છે

૬ તેઓએ એ સમસ્યાનો હલ લાવવા આમોસ ૯:૧૧, ૧૨નો ઉપયોગ કર્યો. પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૬, ૧૭માં યહોવા કહે છે, ‘હું પાછો આવીશ અને દાઊદનો પડી ગયેલો મંડપ હું પાછો બાંધીશ; હું તેનાં ખંડિયેર સમારીશ અને તેને પાછો ઊભો કરીશ; જેથી બાકી રહેલા લોક તથા સઘળા વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ મને શોધે.’

૭ પણ કદાચ કોઈ સવાલ ઊઠાવી શકે, ‘એ કલમમાં બિનયહુદીઓ માટે સુન્‍નત કરાવવી જરૂરી નથી એવું લખેલું નથી.’ હા, વાત સાચી, પણ યહુદી ખ્રિસ્તીઓ એમાંનો વિચાર સમજી ગયા હશે. તેઓએ સુન્‍નત કરેલા વિદેશીઓને ‘સઘળા વિદેશીઓʼના લોકો તરીકે ગણ્યા નહિ પણ પોતાના ભાઈઓ ગણ્યા. (નિર્ગ. ૧૨:૪૮, ૪૯) દાખલા તરીકે, બૅગસ્ટરના સેપ્ટુઆજીંટ બાઇબલના અનુવાદ મુજબ, એસ્તેર ૮:૧૭નું આ રીતે ભાષાંતર થયું છે: “ઘણા વિદેશીઓએ સુન્‍નત કરાવી અને યહુદીઓ બન્યા.” તેથી, શાસ્ત્ર જણાવે છે કે ઈસ્રાએલના વંશના બાકી રહેલા લોકો (યહૂદી અને યહૂદી બનેલા લોકો), ‘સઘળા વિદેશીઓ’ (સુન્‍નત ન કરેલા વિદેશીઓ) સાથે હશે. તેઓ ઈશ્વરના નામ માટે એક લોકો બનશે. એના પરથી સાફ સમજી શકાય છે કે જે વિદેશીઓ ખ્રિસ્તી બનવા માગતા, તેઓને સુન્‍નત કરવાની જરૂર ન હતી.

(પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨૮, ૨૯) કેમ કે પવિત્ર શક્તિની મદદથી અમે આ નિર્ણય પર આવ્યા છીએ કે તમારા પર આ જરૂરી વાતો સિવાય વધારે બોજો ન નાખીએ: ૨૯ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારી નાખેલાં પ્રાણીઓથી અને વ્યભિચારથી દૂર રહો. જો તમે સાવચેત થઈને આ વાતોથી દૂર રહેશો, તો તમે સફળ થશો. તમારી સંભાળ રાખજો!”

(પ્રેરિતોનાં કાર્યો ૧૬:૪, ૫) તેઓ એક પછી બીજા શહેરમાં જતા તેમ, ત્યાંના ભાઈઓને યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોએ જે ઠરાવો નક્કી કર્યા હતા, એ પાળવાનું જણાવતા. ૫ આમ, મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ.

bt-E ૧૨૩ ¶૧૮

‘મંડળોને શ્રદ્ધામાં મજબૂત કરવા’

૧૮ પાઊલ અને તિમોથીએ ઘણાં વર્ષો સાથે કામ કર્યું. તેઓએ અનેક જગ્યાઓની મુલાકાત લઈને નિયામક જૂથે સોંપેલાં અનેક કામો પાર પાડ્યાં. બાઇબલનો અહેવાલ જણાવે છે: “તેઓ એક પછી બીજા શહેરમાં જતા તેમ, ત્યાંના ભાઈઓને યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોએ જે ઠરાવો નક્કી કર્યા હતા, એ પાળવાનું જણાવતા.” (પ્રે.કા. ૧૬:૪) એમાં કોઈ શંકા નથી કે, મંડળોએ યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોએ આપેલા માર્ગદર્શન પ્રમાણે કર્યું. પરિણામે, “મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ.”—પ્રે.કા. ૧૬:૫.

કીમતી રત્નો શોધીએ

(પ્રેરિતોનાં કાર્યો ૧૬:૬-૯) વધુમાં, તેઓએ ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશમાં મુસાફરી કરી, કેમ કે પવિત્ર શક્તિએ તેઓને આસિયા પ્રાંતમાં ઈશ્વરનો સંદેશો જણાવવાની મનાઈ કરી હતી. ૭ અને તેઓ મુસિયા આવ્યા ત્યારે, બિથુનિયામાં જવાના તેઓએ પ્રયત્નો કર્યા, પણ ઈસુએ પવિત્ર શક્તિ દ્વારા તેઓને એમ કરતા અટકાવ્યા. ૮ એટલે, તેઓ મુસિયા પસાર કરીને ત્રોઆસ આવ્યા. ૯ અને રાત્રે પાઊલને દર્શન થયું. એમાં તેણે મકદોનિયાનો એક માણસ ઊભેલો જોયો, જે તેને વિનંતી કરતો હતો: “આ પાર મકદોનિયા આવ અને અમને મદદ કર.”

w૧૨ ૧/૧ ૧૪ ¶૮

પ્રેરિતો પાસેથી જાગતા રહેવાનું શીખીએ

૮ આ બનાવમાંથી આપણે શું શીખી શકીએ? પાઊલ અને તેમના સાથીઓ આસિયા જવા નીકળ્યા, ત્યાર પછી જ યહોવાએ પોતાની શક્તિ દ્વારા તેઓને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યુ. પાઊલ બીથુનીઆ પાસે પહોંચ્યા ત્યાર પછી જ ઈસુએ તેમને માર્ગદર્શન આપ્યું કે આગળ શું કરવું. પાઊલ ત્રોઆસ પહોંચ્યા એ પછી જ ઈસુએ તેમને મકદોનિયા જવા કહ્યું. ઈસુ મંડળીના શિર હોવાથી આપણને પણ કદાચ એ રીતે માર્ગદર્શન આપે. (કોલો. ૧:૧૮) દાખલા તરીકે, એવું બની શકે કે તમે પાયોનિયરીંગ શરૂ કરો અથવા જરૂર છે એવી જગ્યાએ જાવ, એ પછી જ ઈશ્વરની શક્તિ વડે ઈસુ તમને માર્ગદર્શન આપે. આ જાણે ગાડી ચલાવવા જેવું છે: જો ગાડી આગળ ચાલતી હોય તો જ ડ્રાઇવર એને ડાબી કે જમણી બાજુ વાળી શકે. એવી જ રીતે, યહોવાની ભક્તિમાં વધારે કરવાનું શરૂ કરીએ એ પછી જ ઈસુ આપણને જરૂરી માર્ગદર્શન આપે.

(પ્રેરિતોનાં કાર્યો ૧૬:૩૭) પણ, પાઊલે તેઓને કહ્યું: “અમે રોમન હોવા છતાં, ગુનેગાર સાબિત કર્યા વગર તેઓએ અમને જાહેરમાં ફટકા માર્યા અને કેદખાનામાં નાખ્યા. હવે, શું તેઓ અમને ચૂપચાપ મોકલી દેવા માંગે છે? ના, એવું નહિ થાય! તેઓ પોતે અહીં આવે અને અમને બહાર લઈ જાય.”

nwtsty પ્રેકા ૧૬:૩૭ અભ્યાસ માહિતી

અમે રોમન છીએ: એટલે કે રોમન નાગરિકો છીએ. પાઊલ અને કદાચ સિલાસ પણ રોમન નાગરિકો હતા. રોમન કાયદા પ્રમાણે, એના નાગરિકોને અદાલતમાં મુકદ્દમો રજૂ કરવાનો અને સુનાવણીનો હક્ક હતો. તેઓનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જાહેરમાં શિક્ષા ન થાય એવો કાયદો હતો. સામ્રાજ્યમાં જ્યાં કંઈ જાય ત્યાં તેઓને અમુક સગવડ અને હક્ક મળતાં. રોમન નાગરિકો પર રોમના કાયદા લાગુ પડતા, શહેરના કાયદા નહિ. કોઈ આરોપ મૂકવામાં આવે ત્યારે, તે ચાહે તો એની સુનાવણી નગરના કાયદા પ્રમાણે થઈ શકે. તોપણ તેને રોમન અદાલતમાં મુકદ્દમો રજૂ કરવાનો હક્ક રહેતો. કોઈ મોટો અપરાધ હોય તો પોતાનો પક્ષ સમ્રાટ આગળ રજૂ કરવાનો તેને હક્ક હતો. પ્રેરિત પાઊલે આખા રોમન સામ્રાજ્યમાં જોશથી પ્રચાર કર્યો હતો. બાઇબલમાં નોંધવામાં આવ્યા પ્રમાણે, તેમણે ત્રણ વાર રોમન નાગરિક તરીકેના પોતાના હક્કનો ઉપયોગ કર્યો હતો. એમાંનો પહેલો કિસ્સો અહીં ફિલિપીમાં બન્યો હતો. ત્યાં તેમને કોઈ સુનાવણી કે મુકદ્દમા વગર ફટકા મારવામાં આવ્યા ત્યારે, તેમણે ફિલિપીના ન્યાયાધીશોને જણાવ્યું કે રોમન નાગરિક તરીકેના તેમના હક્કનું ઉલ્લંઘન થયું છે.—બીજા બે કિસ્સા વિશે જાણવા પ્રેકા ૨૨:૨૫; ૨૫:૧૧ અભ્યાસ માહિતી જુઓ.

બાઇબલ વાંચન

(પ્રેરિતોનાં કાર્યો ૧૬:૨૫-૪૦)

ડિસેમ્બર ૨૪-૩૦

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૧૭-૧૮

“પ્રેરિત પાઊલની જેમ પ્રચાર કરીએ અને શીખવીએ”

(પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨, ૩) પાઊલ પોતાની રીત પ્રમાણે સભાસ્થાનમાં ગયો અને તેણે ત્રણ સાબ્બાથ સુધી તેઓ સાથે શાસ્ત્રવચનોમાંથી ચર્ચા કરી. ૩ તે શાસ્ત્રમાંથી સાબિતી આપતો અને સમજાવતો કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને મરણમાંથી ઊઠવું જરૂરી હતું. તે આમ કહેતો: “આ ઈસુ, જેમને હું તમારી આગળ જાહેર કરું છું, એ જ ખ્રિસ્ત છે.”

nwtsty પ્રેકા ૧૭:૨, ૩ અભ્યાસ માહિતી

સાબિતીઓ આપી ચર્ચા કરી: પાઊલે લોકોને ફક્ત ખુશખબર સંભળાવી ન હતી, એની સમજણ પણ આપી. ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી તેમણે સાબિતીઓ આપી. શાસ્ત્રવચનો ફક્ત વાંચી જવાને બદલે તેમણે એને સમજાવ્યાં. અલગ અલગ લોકોને સમજાવવા તેમણે અલગ અલગ રીતો અપનાવી. ગ્રીક શબ્દ ડાયલેગોમાઈનો અર્થ આવો થાય છે: “વાતચીતમાં પરોવવું, ચર્ચા કરવી, વિચારોની આપ-લે કરવી.” એ સાબિત કરે છે કે પાઊલે લોકો સાથે સારી એવી ચર્ચાઓ કરી. આ ગ્રીક શબ્દ આ કલમોમાં પણ જોવા મળે છે: પ્રેકા ૧૭:૧૭; ૧૮:૪, ૧૯; ૧૯:૮, ૯; ૨૦:૭, ૯.

શાસ્ત્રમાંથી સાબિતી: મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય, “જોડે રાખવું”. આમ, કહી શકાય કે મસીહ વિશે હિબ્રૂ શાસ્ત્રવચનોમાં જણાવેલી ભવિષ્યવાણીઓને પાઊલે ચોકસાઈથી સરખાવી. ઈસુના જીવનને લગતી એ ભવિષ્યવાણીઓથી તેમણે બતાવ્યું કે ઈસુમાં એ કેવી રીતે પૂરી થઈ.

(પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૭) તેથી, તે સભાસ્થાનમાં યહુદીઓ સાથે અને ઈશ્વરની ભક્તિ કરતા બીજા લોકો સાથે અને દરરોજ બજારમાં જઈને જે કોઈ મળે તેની સાથે ચર્ચા કરવા લાગ્યો.

nwtsty પ્રેકા ૧૭:૧૭ અભ્યાસ માહિતી

બજાર: એક્રોપોલીસની ઉત્તરપૂર્વમાં આવેલ, એથેન્સનું બજાર (ગ્રીક, અગોરા) આશરે ૧૨ એકર વિસ્તારમાં ફેલાયેલું હતું. આ બજારમાં લે-વેચ ઉપરાંત બીજી પ્રવૃત્તિઓ પણ થતી. શહેરની નાણાકીય, રાજનીતિ અને સંસ્કૃતિને લગતી પ્રવૃત્તિઓનું એ કેન્દ્ર હતું. એથેન્સના રહેવાસીઓ અહીં ભેગા થઈ ફિલસૂફી કે જ્ઞાનની વાતો અને ચર્ચાઓ કરતા.

(પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૨, ૨૩) હવે, પાઊલ અરિયોપગસમાં વચ્ચે ઊભો થયો અને કહ્યું: “હે એથેન્સના લોકો, મેં જોયું છે કે બીજા લોકો કરતાં તમે બધી રીતે વધારે ધાર્મિક છો. ૨૩ જેમ કે, હું શહેરમાં ફરતો હતો અને ધ્યાનથી તમારાં પવિત્ર સ્થાનો જોતો હતો ત્યારે, મેં એક વેદી પણ જોઈ, જેના પર કોતરેલું હતું, ‘અજાણ્યા દેવ માટે.’ એટલે, તમે અજાણતા જેમની ભક્તિ કરો છો, તેમને હું તમારી આગળ જાહેર કરું છું.

nwtsty પ્રેકા ૧૭:૨૨, ૨૩ અભ્યાસ માહિતી

અજાણ્યા દેવ માટે: એથેન્સમાં એક વેદી હતી, જેના પર ગ્રીક શબ્દો એગ્‍નોʼસ્તોઈ થીઓ કોતરેલા હતા. ત્યાંના રહેવાસીઓ ઘણા ધાર્મિક હતા અને પોતાની શ્રદ્ધા બતાવવા અનેક દેવી-દેવતાઓનાં નામે ઘણા મંદિરો અને વેદીઓ બાંધતા. અરે, કીર્તિ, નમ્રતા, શક્તિ, મનામણી, અને દયા જેવા દેવી-દેવતાઓનાં નામે પણ તેઓએ વેદીઓ બનાવી હતી. ભૂલથી કોઈ દેવી-દેવતાને ભજવાનું ચૂકી જશે તો એનો કોપ ભડકી ઊઠશે, એમ ધારીને એથેન્સના રહેવાસીઓએ “અજાણ્યા દેવ માટે” એક વેદી બનાવી હતી. આવી વેદી બનાવીને લોકો બતાવતા હતા કે એક એવા ઈશ્વર છે જેને તેઓ હજુ જાણતા નથી. વાતની શરૂઆત કરવા પાઊલે બહુ કુશળતાથી એ વેદીનો ઉલ્લેખ કરીને એકલા ખરા ઈશ્વર વિશે જણાવ્યું, જેનાથી તેઓ ખરેખર હજુ અજાણ હતા.

કીમતી રત્નો શોધીએ

(પ્રેરિતોનાં કાર્યો ૧૮:૧૮) કેટલાક દિવસો વધારે રોકાયા પછી પાઊલે ભાઈઓની વિદાય લીધી. તેણે પ્રિસ્કિલા અને આકુલા સાથે સિરિયા જવા દરિયાઈ મુસાફરી કરી. તેણે માનતા લીધી હોવાથી કિંખ્રિયામાં પોતાના વાળ ટૂંકા કરાવ્યા.

w૦૮ ૫/૧ ૩૨ ¶૫

પ્રેરિતોનાં કૃત્યોના મુખ્ય વિચારો

૧૮:૧૮—પાઊલે શાની માનતા લીધી હતી? અમુક પંડિતોનું કહેવું છે કે પાઊલે નાઝીરી રહેવાની માનતા લીધી હતી. (ગણ ૬:૧-૨૧) પણ બાઇબલ એ જણાવતું નથી કે તેમણે કેવી માનતા લીધી હતી. એ પણ જણાવતું નથી કે ખ્રિસ્તી બન્યા પહેલાં કે પછી એ માનતા લીધી હતી. તેમ જ એ માનતા શરૂ કરતા કે પૂરી કરતા હતા. ભલે જે હોય એ, પણ પાઊલ એનાથી પાપ કરતા ન હતા.

(પ્રેરિતોનાં કાર્યો ૧૮:૨૧) અને વિદાય લેતા તેઓને કહ્યું: “જો યહોવાની ઇચ્છા હશે, તો હું તમારી પાસે પાછો આવીશ.” પછી, તે એફેસસથી દરિયાઈ માર્ગે નીકળ્યો

nwtsty પ્રેકા ૧૮:૨૧ અભ્યાસ માહિતી

જો યહોવાની ઇચ્છા હશે, તો: આ વાક્ય એવું રજૂ કરે છે કે કોઈ પણ યોજના બનાવતા અથવા કામ કરતા પહેલાં ઈશ્વરની ઇચ્છાને ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. પ્રેરિત પાઊલે હંમેશાં એ સિદ્ધાંતને આધારે કામ કર્યું. (૧કો ૪:૧૯; ૧૬:૭; હિબ્રૂ ૬:૩) ઈશ્વરભક્ત યાકૂબે પણ મંડળને એવી જ સલાહ આપી. તેમણે લખ્યું, “તમારે આમ કહેવું જોઈએ: “જો યહોવાની ઇચ્છા હશે, તો આપણે જીવીશું અને આ કામ કે પેલું કામ કરીશું.” (યાકૂ ૪:૧૫) જોકે, એવું ફક્ત કહેવા ખાતર ન હોવું જોઈએ. આપણે દિલથી આમ વિચારવું જોઈએ, ‘યહોવા ચાહતા હોય તો’ હું એમ કરીશ. આપણે કાર્યોથી પણ બતાવવું જોઈએ કે યહોવાની ઇચ્છા પ્રમાણે જીવવા માંગીએ છીએ. જરૂરી નથી કે આપણે એ શબ્દો મોટેથી બોલીએ. આપણે મનમાં પણ એવો સંકલ્પ કરી શકીએ.—પ્રેકા ૨૧:૧૪ અને sgd પાન ૬-૧૧ જુઓ.

બાઇબલ વાંચન

(પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧-૧૫)

ડિસેમ્બર ૩૧–જાન્યુઆરી ૬

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૧૯-૨૦

“તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો”

(પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૮) તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો. ઈશ્વરના મંડળની સંભાળ રાખવા પવિત્ર શક્તિએ તમને દેખરેખ રાખનાર તરીકે નીમ્યા છે. એ મંડળને તેમણે પોતાના દીકરાના લોહીથી ખરીદેલું છે.

w૧૧ ૬/૧ ૨૪ ¶૫

‘ઈશ્વરના ટોળાંનું પાલન કરો’

૫ પીતરે લખ્યું કે વડીલોને ‘ઈશ્વરના ટોળાંનું પાલન કરવાનું’ કામ સોંપાયું છે. તેઓએ યાદ રાખવાનું હતું કે ટોળું યહોવાહ અને ઈસુ ખ્રિસ્તની માલિકીનું છે. પાળકો તરીકે વડીલો જે રીતે ઘેટાંની સંભાળ રાખે છે, એનો હિસાબ ઈશ્વરને આપવો પડશે. માની લો કે તમારો ખાસ મિત્ર બહાર ગામ જઈ રહ્યો છે અને પોતાના બાળકોની સંભાળ રાખવાની જવાબદારી તમને સોંપે છે. શું તમે એ બાળકોની સારી સંભાળ નહિ રાખો? જો કોઈ બાળક બીમાર પડી જાય તો શું તેની સારવાર નહિ કરાવો? એવી જ રીતે વડીલોએ પણ ‘ઈશ્વરની જે મંડળી પોતાના દીકરાના લોહીથી ખરીદી તેનું પાલન કરવું’ જોઈએ. (પ્રે.કૃ. ૨૦:૨૮) તેઓએ હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે મંડળના દરેક સભ્યને ઈસુએ પોતાના કીમતી લોહીથી ખરીદ્યા છે. એટલે જ વડીલો ભાઈ-બહેનોને શિક્ષણ આપે છે, તેઓનું રક્ષણ કરે છે અને સંભાળ રાખે છે.

(પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૧) “એટલે, જાગતા રહો અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી, રાત-દિવસ આંસુઓ વહાવીને તમને દરેકને શિખામણ આપવામાં મેં કોઈ કસર રાખી નથી.

w૧૩ ૧/૧૫ ૩૧ ¶૧૫

વડીલો આપણો આનંદ વધારે છે

૧૫ ભાઈ-બહેનોની સંભાળ રાખવા વડીલો ઘણી મહેનત કરે છે. અમુક વાર તેઓ રાતના બરાબર ઊંઘી શકતા નથી, કેમ કે તેઓને ભાઈ-બહેનોની ચિંતા હોય છે. રાતના ઉજાગરા કરીને તેઓ ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરે છે અથવા તેઓને મદદ કરે છે. (૨ કોરીં. ૧૧:૨૭, ૨૮) તોપણ, પાઊલની જેમ વડીલો ખુશીથી પોતાની જવાબદારી ઉપાડે છે. પાઊલે કોરીંથીઓને લખ્યું હતું: ‘હું તમારા માટે ઘણી ખુશીથી મારું સર્વસ્વ ખરચીશ તથા હું પોતે પણ ખરચાઈ જઈશ.’ (૨ કોરીં. ૧૨:૧૫) ભાઈ-બહેનો પરના પ્રેમને લીધે પાઊલે પોતાને પૂરેપૂરા ખરચી નાખ્યા, જેથી તેઓની હિંમત બાંધી શકે. (૨ કોરીંથી ૨:૪ વાંચો; ફિલિ. ૨:૧૭; ૧ થેસ્સા. ૨:૮) એટલે જ, ભાઈ-બહેનો પાઊલને ખૂબ પ્રેમ કરતા!—પ્રે.કૃ. ૨૦:૩૧-૩૮.

(પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫) મેં બધી રીતે તમને બતાવ્યું છે કે મહેનત કરીને લાચાર લોકોને મદદ કરવી જોઈએ. મારે પ્રભુ ઈસુએ પોતે કહેલા આ શબ્દો પણ યાદ રાખવા જોઈએ: ‘લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.’”

bt-E ૧૭૨ ¶૨૦

“બધા માણસોના લોહી વિશે હું નિર્દોષ છું”

૨૦ સમય જતાં, મંડળમાં એવા લોકો ઊભા થવાના હતા, જેઓ પોતાના સ્વાર્થ માટે ઈશ્વરના ટોળાનો ફાયદો ઉઠાવે. પાઊલનું જીવન તેઓ કરતાં સાવ જુદું હતું. મંડળ પર બોજો ન બનવા, પાઊલ ગુજરાન ચાલે એવો કામ-ધંધો કરતા. ભાઈ-બહેનોની સેવા કરવા પાછળ તેમનો કોઈ સ્વાર્થ ન હતો. પાઊલે એફેસીઓના વડીલોને સલાહ આપી કે બીજાઓ માટે ત્યાગની ભાવના બતાવે. તેમણે કહ્યું: ‘મહેનત કરીને લાચાર લોકોને મદદ કરવી જોઈએ. પ્રભુ ઈસુએ પોતે કહેલા આ શબ્દો પણ યાદ રાખવા જોઈએ: લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.’—પ્રે.કા. ૨૦:૩૫.

કીમતી રત્નો શોધીએ

(પ્રેરિતોનાં કાર્યો ૧૯:૯) પરંતુ, અમુક લોકોએ હઠીલા બનીને એ વાતોનો સ્વીકાર કર્યો નહિ અને ટોળા આગળ પ્રભુના માર્ગની નિંદા કરી. એટલે, તેણે તેઓને પડતા મૂક્યા અને શિષ્યોને તેઓથી અલગ કર્યા. પછી, તે રોજ તુરાનસની શાળાના સભાખંડમાં પ્રવચનો આપવા લાગ્યો.

bt-E ૧૬૧ ¶૧૧

વિરોધ છતાં ‘સંદેશો વધતો ને વધતો ગયો અને એનો પ્રભાવ ફેલાતો ગયો’

૧૧ પાઊલે શાળાના સભાખંડમાં એ પ્રવચનો રોજ સવારના ૧૧થી બપોરના ૪ વાગ્યા સુધી આપ્યા હોય શકે. (પ્રે.કા. ૧૯:૯, ફૂટનોટ.) એ શાંત સમયગાળામાં મોટા ભાગે લોકો પોતાના કામમાંથી વિરામ લઈ જમવા અને આરામ કરવા ત્યાં આવતા. એ સમયે સખત ગરમી પડતી. જરા વિચારો, જો પાઊલે એ પ્રમાણે સતત બે વર્ષ સુધી કર્યું હોય, તો તેમણે ૩,૦૦૦ કરતાંય વધુ કલાકો શીખવવામાં આપ્યા કહેવાય. આ એક કારણે પણ ઈશ્વરનો સંદેશો વધતો ને વધતો ગયો અને એનો પ્રભાવ ફેલાતો ગયો. પાઊલ સેવાકાર્યમાં મહેનતુ હતા. સંજોગો પ્રમાણે સંદેશો જણાવવાની જુદી જુદી રીતો અપનાવતા. એ સમાજના લોકોની જરૂરિયાત પ્રમાણે તેમણે પ્રચાર કરવાની રીત અને સમયમાં ફેરફારો કર્યા. પરિણામે, “આસિયા પ્રાંતમાં રહેતા બધા યહુદીઓ અને ગ્રીકોએ પ્રભુનો સંદેશો સાંભળ્યો.” (પ્રે.કા. ૧૯:૧૦) સાચે જ, તેમણે પૂરેપૂરી રીતે ખુશખબર ફેલાવી!

(પ્રેરિતોનાં કાર્યો ૧૯:૧૯) હકીકતમાં, જાદુવિદ્યા કરનારા ઘણા લોકોએ પોતાનાં પુસ્તકો લાવીને ભેગાં કર્યાં અને બધાની સામે બાળી નાખ્યાં. તેઓએ એની કિંમત ગણી તો, એ ૫૦,૦૦૦ ચાંદીના સિક્કા થઈ.

bt-E ૧૬૨-૧૬૩ ¶૧૫

વિરોધ છતાં ‘સંદેશો વધતો ને વધતો ગયો અને એનો પ્રભાવ ફેલાતો ગયો’

૧૫ સ્કેવાના દીકરાઓની જે ખરાબ હાલત થઈ, એ જોઈને લોકોમાં ઈશ્વર માટે ખરી શ્રદ્ધા અને ભય જાગ્યાં. પરિણામે, ઘણા લોકોએ જાદુવિદ્યા છોડી દીધી અને સાચા ઈશ્વરને ભજવા લાગ્યા. એફેસીઓ જાદુવિદ્યા અને જંતરમંતરમાં ડૂબેલા હતા. મૂઠ મારવી, તાવીજનો ઉપયોગ, જાદુટોણા કરવા વગેરે ત્યાં સામાન્ય હતું. મંત્રો માટે ચોપડીઓ પણ હતી. પણ હવે ઘણા એફેસીઓના દિલમાં સત્ય પહોંચ્યું હોવાથી, તેઓએ પોતાની જાદુમંતરની બધી ચોપડીઓ ભેગી કરીને જાહેરમાં સળગાવી દીધી. હાલમાં એની કિંમત ગણીએ તો લાખો રૂપિયા થાય. લુક લખે છે: ‘યહોવાનો સંદેશો જોરદાર રીતે વધતો ને વધતો ગયો અને એનો પ્રભાવ ફેલાતો ગયો.’ (પ્રે.કા. ૧૯:૧૭-૨૦) જૂઠાણાં અને દુષ્ટ સ્વર્ગદૂતો પર સત્યનો કેવો જય! આપણને એ વિશ્વાસુ ભક્તોના સારા દાખલામાંથી ઘણું શીખવા મળે છે. આજે આપણે પણ જાદુવિદ્યા અને જંતરમંતરમાં ડૂબેલી દુનિયામાં જીવીએ છીએ. જો આપણી પાસે એવી કોઈ વસ્તુ હોય જે કોઈક રીતે જાદુવિદ્યા અથવા શુકન-અપશુકન સાથે સંકળાયેલી છે, તો એફેસીઓની જેમ એનો તરત નાશ કરી દેવો જોઈએ. આપણે આવી બાબતો જરાય ચલાવી લઈશું નહિ, પછી ભલેને એ માટે ગમે એટલું નુકસાન ઉઠાવવું પડે.

બાઇબલ વાંચન

(પ્રેરિતોનાં કાર્યો ૧૯:૧-૨૦)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો