જુઓ, શું બની રહ્યું છે!
યુક્રેઇનના યુદ્ધને લીધે દુનિયા ફરતે ખોરાકની અછત
૧૯, મે ૨૦૨૨ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદની એક સભામાં ૭૫ મોટા મોટા અધિકારીઓ ભેગા મળ્યા. તેઓએ જણાવ્યું, ‘દુનિયામાં ખોરાકની અછત તો પહેલેથી જ હતી, પણ આ કોવિડ-૧૯ મહામારી અને હવામાનમાં થતા મોટા મોટા ફેરફારોને લીધે સંજોગો વધારે બગડી ગયા છે. હવે યુક્રેઇનમાં ચાલી રહેલા યુદ્ધને લીધે દુનિયા ફરતે ઘણી જગ્યાઓએ દુકાળની પરિસ્થિતિ ઊભી થઈ છે.’ એના બે દિવસ પછી ધી ઇકોનૉમિસ્ટ નામના મૅગેઝિનમાં જણાવવામાં આવ્યું, “હાલત પહેલેથી જ ખરાબ હતી અને હવે આ યુદ્ધને લીધે લાખો લોકો ભૂખમરાનો શિકાર બની રહ્યા છે.” બાઇબલમાં પહેલેથી જણાવવામાં આવ્યું હતું કે આવા દુકાળો પડશે અને ખોરાકની અછત ઊભી થશે. એમાં એ પણ જણાવ્યું છે કે આવું થાય ત્યારે આપણે શું કરી શકીએ.
બાઇબલમાં ખોરાકની અછત વિશે પહેલેથી જણાવ્યું છે
ઈસુએ જણાવ્યું હતું કે એક એવો સમય આવશે જ્યારે “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે. એક પછી એક ઘણી જગ્યાએ દુકાળો પડશે.”—માથ્થી ૨૪:૭.
બાઇબલમાં ચાર ઘોડેસવારો વિશે જણાવ્યું છે, જે ચાર અલગ અલગ બનાવોને રજૂ કરે છે. એમાંનો એક ઘોડેસવાર યુદ્ધને રજૂ કરે છે. એની પાછળ બીજો એક ઘોડેસવાર છે જે દુકાળને રજૂ કરે છે. એટલે કે એક એવા સમયને રજૂ કરે છે, જ્યારે ખોરાક મળવો મુશ્કેલ થઈ જશે અને મોંઘવારી આસમાને પહોંચી જશે. બાઇબલમાં જણાવ્યું છે, ‘જુઓ, મેં એક કાળો ઘોડો જોયો. એના પર જે બેઠો હતો તેના હાથમાં ત્રાજવું હતું. મેં એવો એક અવાજ સાંભળ્યો: એક દીનારના (એટલે, એક દિવસની મજૂરી) એક કિલો ઘઉં. એક દીનારના ત્રણ કિલો જવ.’—પ્રકટીકરણ ૬:૫, ૬.
બાઇબલમાં દુકાળ વિશે લખવામાં આવ્યું હતું એ આજે પૂરું થઈ રહ્યું છે. આજે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ એને બાઇબલમાં “છેલ્લા દિવસો” કહેવામાં આવ્યા છે. (૨ તિમોથી ૩:૧) “છેલ્લા દિવસો” અને એ ચાર ઘોડેસવારો વિશે વધુ જાણવા ૧૯૧૪થી દુનિયા બદલાઈ ગઈ છે વીડિયો જુઓ અને “ચાર ઘુડસવાર—યે કૌન હૈં?” લેખ વાંચો.
બાઇબલ તમને કેવી રીતે મદદ કરી શકે?
બાઇબલમાં ઘણા વિષયો પર સરસ સલાહ આપવામાં આવી છે. એને પાળવાથી મોંઘવારી અને ખોરાકની અછત જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. જેમ કે, ઓછા પૈસામાં ગુજરાન કઈ રીતે ચલાવવું એ વિશે આ લેખ વાંચો: “કરકસરથી જીવો.”
બાઇબલ આપણને સુંદર ભાવિની આશા આપે છે. એમાં લખ્યું છે, “પુષ્કળ પાકથી ધરતી લહેરાઈ ઊઠશે” અને દરેકને ભરપૂર ખોરાક મળશે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) બાઇબલમાં ભાવિ વિશે આશા આપી છે. એ સમયે જીવન કેવું હશે? શું બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે? આ સવાલોના જવાબ જાણવા આ લેખ વાંચો: “આનેવાલા કલ સુનહરા હોગા!”