ડેટિંગ વિશે શું યહોવાના સાક્ષીઓએ નિયમો બનાવ્યા છે?
યહોવાના સાક્ષીઓ બાઇબલમાં આપેલી ઈશ્વરની આજ્ઞાઓ અને સિદ્ધાંતો પાળે છે. એમ કરવાથી આપણને એવા નિર્ણયો લેવા મદદ મળે છે, જેનાથી ઈશ્વર ખુશ થાય છે અને આપણું ભલું થાય છે. (યશાયા ૪૮:૧૭, ૧૮) એમાંના અમુક સિદ્ધાંત, વ્યક્તિને ડેટિંગ કરવું કે નહિ એ વિશે નિર્ણય લેવા મદદ કરે છે. એવા સિદ્ધાંતો કયા છે? ચાલો જોઈએ.a
લગ્નનું બંધન તો કાયમનું બંધન છે. (માથ્થી ૧૯:૬) એટલે, યહોવાના સાક્ષીઓ જાણે છે કે લગ્ન કરવા હોય તો જ ડેટિંગ કરવું જોઈએ. અરે, તેઓ ક્યારેય પણ મોજમજા માટે ડેટિંગ નથી કરતા.
જે ખરેખર લગ્ન કરવાનું વિચારે છે, તેણે જ ડેટિંગ કરવું જોઈએ. એમ કરે ત્યારે તેણે યુવાનીની કાચી ઉંમર પસાર કરી લીધી હોવી જોઈએ અથવા પોતાની જાતીય ઇચ્છાઓ પર કાબૂ રાખ્યો હોવો જોઈએ.—૧ કોરીંથીઓ ૭:૩૬, ફૂટનોટ.
બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે પતિ કે પત્ની ત્યારે જ છૂટાછેડા લઈ શકે, જ્યારે લગ્નસાથી વ્યભિચાર કરે. (માથ્થી ૧૯:૯) છૂટાછેડા પછી જ તે ઇચ્છે તો ફરીથી લગ્ન કરી શકે છે. વ્યભિચારના કારણ વગર છૂટાછેડા લીધા હોય તો, તેઓ ફરીથી લગ્ન કરી શકતા નથી. એવા લોકો ડેટિંગ કરી શકતા નથી.
ઈશ્વરભક્તોને આજ્ઞા આપવામાં આવી છે કે ઈસુનો શિષ્ય હોય એવી વ્યક્તિ સાથે જ લગ્ન કરે. (૧ કોરીંથીઓ ૭:૩૯) યહોવાના સાક્ષીઓ એ આજ્ઞા પાળે છે. તેઓ એવી વ્યક્તિ સાથે લગ્ન નથી કરતા, જે આપણી માન્યતા વિશે જાણતી હોય, પણ એ પ્રમાણે કરતી ના હોય. તેઓ એવી વ્યક્તિ સાથે જ લગ્ન કરે છે, જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરતી હોય અને પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું હોય. (૨ કોરીંથીઓ ૬:૧૪) એ વિશે શરૂઆતથી જ ઈશ્વરે પોતાના લોકોને જણાવ્યું છે. તેઓ એવા લોકો સાથે જ લગ્ન કરી શકતા, જેઓ ઈશ્વરની ભક્તિ કરતા હોય. (ઉત્પત્તિ ૨૪:૩; માલાખી ૨:૧૧) આજના સંશોધકો પણ એ વાત સાથે સહમત થાય છે.b
બાળકોએ મમ્મી-પપ્પાનું કહેવું માનવું જોઈએ. (નીતિવચનો ૧:૮; કોલોસીઓ ૩:૨૦) મમ્મી-પપ્પા સાથે રહેતાં બાળકોએ, ડેટિંગ વિશેના તેઓએ બનાવેલા નિયમો પાળવા જોઈએ. જેમ કે, તેઓ કઈ ઉંમરે ડેટિંગ કરી શકે અને એમ કરતી વખતે તેઓ કઈ વાતોનું ધ્યાન રાખી શકે.
સાક્ષીઓ બાઇબલના સિદ્ધાંતોને આધારે પોતે નક્કી કરે છે કે ડેટિંગ કરશે કે નહિ. ઉપરાંત, કોની સાથે ડેટિંગ કરવું એ પણ વ્યક્તિ પોતે નક્કી કરે છે. તેઓ આ સિદ્ધાંત પણ યાદ રાખે છે: “દરેકે પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો પડશે.” (ગલાતીઓ ૬:૫) ડેટિંગ કરતી વખતે ઘણા સાક્ષીઓ સમજી-વિચારીને વર્તે છે. તેઓ એવાં ભાઈ-બહેનો પાસેથી સલાહ લે છે, જેઓને જીવનનો અનુભવ છે અને તેઓની દિલથી ચિંતા કરે છે.—નીતિવચનો ૧:૫.
ડેટિંગ વખતે છોકરો-છોકરી એવાં ઘણાં કામ કરે છે, જે ઈશ્વરની નજરમાં પાપ છે. દાખલા તરીકે, બાઇબલમાં વ્યભિચારથી દૂર રહેવાની આજ્ઞા આપવામાં આવી છે. એમાં ફક્ત જાતીય સંબંધનો જ નહિ, પણ કુંવારા લોકો દ્વારા કરવામાં આવતાં બીજાં અશુદ્ધ કામોનો પણ સમાવેશ થાય છે. જેમ કે, એકબીજાનાં જાતીય અંગો પંપાળવા અથવા મુખમૈથુન કે ગુદામૈથુન કરવું. (૧ કોરીંથીઓ ૬:૯-૧૧) લગ્ન પહેલાં જાતીય વાસના ભડકાવે એવાં કામો પણ ‘અશુદ્ધ’ છે. લોકોને લાગે છે કે એવાં કામ તેઓને વ્યભિચાર કરતા અટકાવશે. જોકે ઈશ્વર એવાં કામોને પણ ધિક્કારે છે. (ગલાતીઓ ૫:૧૯-૨૧) બાઇબલમાં એમ પણ કહ્યું છે કે આપણાં મોંમાંથી “અશ્લીલ વાતો” પણ ન નીકળવી જોઈએ.—કોલોસીઓ ૩:૮.
માણસનું દિલ સૌથી વધારે કપટી છે. (યર્મિયા ૧૭:૯) એ તેને ખોટાં કામ કરવા લલચાવી શકે છે. એટલે, ડેટિંગ વખતે સાક્ષીઓ એકલા નથી મળતા, જેથી કોઈ ખોટું પગલું ભરી ન બેસે. તેઓ એકાંતમાં મળવાને બદલે લોકો હોય એવી જગ્યાએ મળે છે. જો એકાંતમાં મળવું હોય, તો તેઓ ત્રીજી વ્યક્તિને સાથે રાખે છે. (નીતિવચનો ૨૮:૨૬) જે સાક્ષીઓ લગ્ન કરવાનું વિચારે છે, તેઓને ખબર છે કે ઓનલાઇન ડેટિંગ કરવામાં કેવાં જોખમો રહેલાં છે. એ કારણે, તેઓ પાસે થોડી જ માહિતી હોય એવી વ્યક્તિ સાથે સંબંધ રાખતા નથી.—ગીતશાસ્ત્ર ૨૬:૪.
a અમુક સમાજમાં ડેટિંગ કરવું સામાન્ય છે, જોકે બધા જ સમાજમાં એવું નથી. બાઇબલમાં એવું નથી જણાવ્યું કે લગ્ન પહેલાં ડેટિંગ કરવું જ જોઈએ અથવા એમ કર્યા વગર લગ્ન કરી જ ના શકાય.
b દાખલા તરીકે મૅરેજ એન્ડ ફૅમિલી રિવ્યૂ નામના મૅગેઝિનમાં બતાવ્યું હતું, “જે લોકોના લગ્નને ૨૫થી ૫૦ વર્ષ થયા હોય એવા લોકો પર, ત્રણ અલગ અલગ રીતે અભ્યાસ કરવામાં આવ્યો. એનાથી ખબર પડી કે જ્યારે પતિ-પત્ની ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોય, એક જ ધર્મ પાળતા હોય અને ધર્મ વિશે તેઓના વિચારો સરખા હોય, ત્યારે તેઓનું લગ્નજીવન લાંબું ટકે છે.”—ગ્રંથ ૩૮, અંક ૧, પાન ૮૮ (૨૦૦૫).