ડોક્ટરો મારા મૃતપ્રાય હોવામાંથી શીખ્યાં
મે૧૯૯૧ની અધવચ્ચે, અમને જાણવા મળ્યું કે હું અમારા ચોથા બાળકથી ગર્ભવતિ થઈ હતી. અમારો સૌથી નાનો મિકાએલ નવ વર્ષનો હતો, અને અમારી જોડીયા દીકરીઓ, મારિયા અને સારા, ૧૩ વર્ષની હતી. બીજા બાળકના ઉમેરાની યોજના કરી ન હોવાં છતાં, થોડા જ વખતમાં અમે બીજું એક બાળક હોવાના વિચારથી ટેવાઈ ગયાં.
ગર્ભાધાનના ત્રીજા મહિનામાં એક સાંજે, મને મારા એક ફેફસામાં અચાનક જ દુઃખાવો ઉપડ્યો. બીજે દિવસે હું ભાગ્યે જ ચાલી શકતી હતી. ડોક્ટરે કહ્યું કે મને ન્યુમોનિયા થયો છે, અને તેમણે મને પેનિસિલિન આપ્યું. બેએક દિવસ પછી મને સારું લાગવા માંડ્યું, પરંતુ હું બહુ નબળી હતી. પછી મેં મારા બીજા ફેફસામાં અચાનક દુઃખાવો અનુભવ્યો, અને એ જ પ્રક્રિયા ફરીથી કરવામાં આવી.
પછીના દિવસોમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી પડવાને લીધે હું સૂઈ શકી નહિ. દુઃખાવાના પહેલા હુમલાને એક સપ્તાહથી થોડાક વધુ દિવસ પછી, મારો એક પગ ભૂરો થઈ ગયો અને સૂજી ગયો. આ વખતે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરે મને જણાવ્યું કે મારા ફેફસાંમાંનો દુઃખાવો ન્યુમોનિયાને લીધે નહિ, પરંતુ લોહી ગંઠાવાને લીધે હતો. તેમણે એમ પણ કહ્યું કે મારી જાંઘના સાંધામાં પણ લોહીનો ગઠ્ઠો હતો. મને જાણવા મળ્યું કે લોહીનું ગંઠાવું એ સ્વીડનમાં ગર્ભવતિ સ્ત્રીઓના મરણનું સર્વ સામાન્ય કારણ છે. થોડા દિવસ પછી, મને સ્ટોકહોમમાં કેરોલિન્સકા સ્યુખુસેત હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જેમાં જટિલ ગર્ભાવસ્થા માટેનું ખાસ પ્રસૂતિગૃહ છે.
ડોક્ટરોએ મને લોહી પાતળું કરતી દવા હેપારિન આપવાનું નક્કી કર્યું. તેઓએ મને ખાતરી આપી કે ફેફસાંમાં બીજી વાર લોહી ગંઠાવાના જોખમ સાથે સરખાવતાં હેપારિન લેવાને લીધે થતા રક્તસ્રાવનું જોખમ ઓછું છે. બેએક સપ્તાહ પછી, હું ઘરે આવી શકું એટલી સારી થઈ ગઈ. મારામાં વધી રહેલા જીવંત નાના બાળકસહિત જીવવાને લીધે મેં હૂંફ અને ઉત્સાહપૂર્વકનો આનંદ અનુભવ્યો.
પ્રસૂતિનો સમય
પ્રસૂતિ વહેલી કરાવવાનું નક્કી કરવામાં આવ્યું, પરંતુ એની પ્રક્રિયા શરૂ કરવા માટે પગલાં લઈ શકાય એ પહેલાં, મને મારા પેટના નીચેના ભાગમાં સખત દુઃખાવો ઉપડ્યો. તેથી મને ઝડપથી હોસ્પિટલે લઈ જવામાં આવી. જોકે, ડોક્ટરોને કંઈ વાંધો જણાયો નહિ.
પછીની સાંજે મારું પેટ ઘણું સૂજી ગયું, અને દુઃખાવો ઓછો થયો નહિ. મધરાતે, એક ડોક્ટરે મને તપાસી અને તેમને જણાયું કે મને પ્રસવ વેદના શરૂ થઈ હતી. પછીની સવારે મારું પેટ હજુ પણ વધુ સૂજી ગયું, અને દુઃખાવો અસહ્ય બન્યો. ડોક્ટર ચિંતાતુર જણાયા અને તેમણે મને પૂછ્યું કે મેં બાળકનું હલનચલન છેલ્લી વાર ક્યારે નોંધ્યું હતું. મને અચાનક સમજાયું કે મેં એ હલનચલન ઘણા સમયથી નોંધ્યું ન હતું.
તરત જ મને પ્રસૂતિખંડમાં લઈ જવામાં આવી. હું કર્મચારીઓને થોડેક દૂર વાત કરતા સાંભળી શકતી હતી. “તે લોહી લેવાની ના પાડે છે,” કોઈકે કહ્યું. પછી એક નર્સે મારા પર વાંકા વળી મોટે સાદે કહ્યું: “તમને ખબર છે કે તમારું બાળક મરી ગયું છે, ખરુંને?” મને એવું લાગ્યું જાણે કોઈએ મારા હૃદયમાં ખંજર ભોંક્યું હોય.—નીતિવચન ૧૨:૧૮.
લોહી લેવાની દૃઢપણે ના પાડવી
અચાનક મારા ડોક્ટરે આવીને મને કહ્યું કે મારી પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. તેમણે પૂછ્યું કે હું લોહી ન લેવાના મારા નિર્ણયને હજુ પણ વળગી રહેવા માગું છું કે કેમ. મેં ભારપૂર્વક કહ્યું કે હું એ નિર્ણયને વળગી રહેવા માગું છું, પરંતુ ત્યાર પછીની બાબતો મને યાદ નથી. જોકે, મેં મારા ડોક્ટરને બહુ જ સ્પષ્ટપણે સમજાવ્યું હતું કે ખ્રિસ્તીઓને લોહીથી દૂર રહેવાની આજ્ઞા આપવામાં આવી છે અને હું દેવના નિયમને આજ્ઞાધીન રહેવા માગું છું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯; ૨૧:૨૫.
એ દરમ્યાન તેઓએ બીજા એક કુશળ ડોક્ટર, બારબ્રો લારસનને બોલાવ્યા. તે જલદી જ આવ્યાં અને તેમણે તરત જ શસ્ત્રક્રિયા કરી. તેઓએ મારું પેટ ખોલ્યું ત્યારે, તેઓને જણાયું કે આંતરિક રક્તસ્રાવને લીધે મેં ત્રણ લીટર લોહી ગુમાવ્યું હતું. પરંતુ ડો. લારસને લોહીની આપલે વિષેના મારા નિર્ણયને માન આપ્યું.
પછીથી, બીજા ડોક્ટરે કહ્યું કે થોડી મિનિટોમાં જ હું મરી જઈશ. “મને ખબર નથી કે તે હમણાં જીવંત છે કે નહિ,” તેમણે દાવો કરતો અહેવાલ આપ્યો. પછીથી જાણવા મળ્યું કે ડોક્ટરોને રક્તસ્રાવનો ઉદ્ભવ મળ્યો નહિ, તેથી તેઓએ મારા પેટમાં પાટો મૂક્યો. ડોક્ટરો અને નર્સોએ મારા બચવાની કોઈ આશા આપી નહિ.
મારા બાળકો હોસ્પિટલે આવ્યા અને મારી પરિસ્થિતિ જાણી ત્યારે, એકે કહ્યું કે થોડા જ વખતમાં આર્માગેદન આવશે અને પછી પુનરુત્થાનમાં તેઓ મને પાછી મેળવશે. પુનરુત્થાન કેવી અદ્ભુત અને ન્યાયી ગોઠવણ છે!—યોહાન ૫:૨૮, ૨૯; ૧૧:૧૭-૪૪; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫; પ્રકટીકરણ ૨૧:૩, ૪.
જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાવાં
મારું હીમોગ્લોબિન ડેસિલીટર દીઠ ૪ ગ્રામ જેટલું ઓછું થઈ ગયું, પરંતુ રક્તસ્રાવ બંધ થયો હોય એમ લાગ્યું. અગાઉ મેં મારા કિસ્સાની વિગતના કાગળિયાઓમાં નવેમ્બર ૨૨, ૧૯૯૧ના અવેક! સામયિકની પ્રત મૂકી હતી. ડો. લારસનને એ મળી અને તેમણે “લોહીની આપલે વિના રક્તસ્રાવ નિવારવો અને નિયંત્રિત કરવો” શીર્ષકની નોંધ લીધી. મને બચવામાં મદદ કરવા એનો ઉપયોગ થઈ શકે કે કેમ એ જોવા માટે તેમણે આતુરતાપૂર્વક એનો અભ્યાસ કર્યો. તેમની આંખો “ઈરિથ્રોપોયેટન” શબ્દ પર પડી, જે રક્તકણો પેદા કરવા શરીરને ઉત્તેજીત કરતી દવા છે. હવે તેમણે મને એ દવા આપી. પરંતુ એ દવાની અસર થતા વાર લાગે છે. તેથી પ્રશ્ન એ હતો કે, શું ઈરિથ્રોપોયેટન પૂરતી ઝડપે કામ આપશે?
પછીના દિવસે મારા હીમોગ્લોબિનનું સ્તર ઘટીને ૨.૯ થયું. હું જાગી અને મારા કુટુંબને મારી પડખે જોયું ત્યારે, શું બન્યું હતું એ વિષે હું વિચારવા લાગી. શ્વસનયંત્રને લીધે હું બોલી શકતી ન હતી. હું શોકથી ઘણી જ લાગણીવશ થઈ, પરંતુ હું રડી પણ શકતી ન હતી. દરેક જણે મને કહ્યું કે બચવા માટે મારે મારી શક્તિ જાળવી રાખવી જોઈએ.
મારા પેટમાં મૂકવામાં આવેલા પાટાને લીધે થયેલા સોજાને લીધે બીજે દિવસે મને તાવ આવ્યો. મારું હીમોગ્લોબિન ઘટીને ૨.૭ થયું હતું. એવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને અસંવેદિત કરવી (anesthetize) ઘણું જ જોખમકારક હોવાં છતાં, ડો. લારસને સમજાવ્યું કે પાટો કાઢવા માટે ફરીથી શસ્ત્રક્રિયા કરવાની તેઓને ફરજ પડે છે.
શસ્ત્રક્રિયા પહેલાં બાળકોને અંદર આવીને મને મળવા દેવામાં આવ્યાં. બધાને લાગ્યું કે એ વિદાયગીરી હતી. કેટલાય તબીબી કર્મચારીઓ રડી રહ્યાં હતાં. તેઓ માનતાં ન હતાં કે હું બચીશ. અમારાં બાળકો બહુ બહાદુર હતાં, અને એણે મને શાંત અને આત્મવિશ્વાસી બનાવી.
મને બહુ ઓછી અસંવેદિત કરવામાં આવી હોવાથી, કેટલીક વાર કર્મચારીઓ એકબીજાને જે કહી રહ્યાં હતાં એ હું સાંભળી શકતી. કેટલાક કર્મચારીઓ મારે વિષે એ રીતે વાત કરી રહ્યાં હતાં જાણે હું મરી ચૂકી હોઉં. શસ્ત્રક્રિયા દરમ્યાન મેં જે સાંભળ્યું હતું એ મેં યાદ કરી બતાવ્યું ત્યારે, એક નર્સે કહ્યું કે તે દિલગીર હતી. પરંતુ તેણે કહ્યું કે તેને ખાતરી હતી કે હું મરી જવાની હતી અને તે હજુ પણ સમજી શકતી ન હતી કે હું કઈ રીતે બચી ગઈ.
પછીના દિવસે મને થોડું સારું લાગ્યું. મારું હીમોગ્લોબિન ૨.૯ હતું, અને રક્તકણોનું પ્રમાણ ૯ હતું. મારા ખ્રિસ્તી ભાઈબહેનોએ મુલાકાત લીધી, અને મારા કુટુંબ માટે ચા-નાસ્તો લાવ્યાં. તેઓનાં પ્રેમ અને મમતા માટે અમે આભારી છીએ. સાંજ સુધીમાં મારી સ્થિતિ હજુ નાજૂક પરંતુ સ્થિર હતી, અને મને બીજા વોર્ડમાં ખસેડવામાં આવી.
ડોક્ટરો શીખે છે
ઘણાં તબીબી કર્મચારીઓ મારા વિષે જિજ્ઞાસુ હતાં, અને મોટા ભાગનાઓ બહુ માયાળુ હતાં. એક નર્સે કહ્યું: “તમારા દેવે જ તમને બચાવ્યાં છે.” બીજા વોર્ડમાંથી એક ડોક્ટર આવ્યા અને કહ્યું: “હીમોગ્લોબિનનું સ્તર આટલું નીચું ગયું હોય એવો દર્દી કેવો દેખાય છે એ હું જોવા માગું છું. તમે આટલા સતર્ક કઈ રીતે હોય શકો એ મને સમજાતું નથી.”
બીજે દિવસે, મારા ડોક્ટરને રજા હતી છતાં, તે મને જોવાં આવ્યાં. તેમણે મને કહ્યું કે જે બન્યું તેને લીધે પોતે નમ્રતા અનુભવે છે. તેમણે કહ્યું કે, હું પૂરેપૂરી સાજી થાઉં તો, તેઓ દર્દીઓની સારવારમાં લોહીની આપલે વિનાની વૈકલ્પિક સારવારનો ઉપયોગ કરવા વિષે નવું સંશોધન શરૂ કરશે.
હું નાટકીય રીતે સાજી થઈ. મારી કરુણ પ્રસૂતિને અઢી સપ્તાહ પછી, મારું હીમોગ્લોબિન સ્તર વધીને ૮થી થોડું વધુ થયું. તેથી મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ત્રણ દિવસ પછી અમારું યહોવાહના સાક્ષીઓનું વાર્ષિક સરકીટ સંમેલન હતું, અને મેં એમાં હાજરી આપી. અમારી કપરી સ્થિતિ દરમ્યાન આટલો બધો ટેકો આપનાર અમારા ખ્રિસ્તી ભાઈબહેનોને ફરીથી જોવાં કેટલું બધું ઉત્તેજનકારક હતું!—નીતિવચન ૧૭:૧૭.
ડો. લારસને વચન આપ્યું હતું તેમ, “ઈરિથ્રોપોયેટન લોહીની આપલેનું સ્થાન લે છે” એવો મારા કિસ્સા વિષેનો અહેવાલ પછીથી સ્વીડિશ તબીબી સામયિક લાકારટિડનીંગેનમાં પ્રકાશિત કરવામાં આવ્યો. એણે કહ્યું: “યહોવાહના સાક્ષીઓમાંની એક ૩૫ વર્ષની સ્ત્રીને પ્રસૂતિને લગતો ઊથલો મારતો પુષ્કળ રક્તસ્રાવ થયો. તેણે લોહી લેવાની ના પાડી, પરંતુ ઈરિથ્રોપોયેટનની સારવાર સ્વીકારી. શસ્ત્રક્રિયા પછી ઈરિથ્રોપોયેટનના ભારે ડોઝવાળી નવ દિવસની સારવાર પછી, કોઈ પણ આડઅસર વિના હીમોગ્લોબિન ડેસિલીટર દીઠ ૨.૯થી વધીને ૮.૨ થયું.”
લેખે સમાપ્તિ કરી: “શરૂઆતમાં દર્દી બહુ નબળી હતી, પરંતુ તે આશ્ચર્યજનકપણે ઝડપથી સાજી થઈ. તદુપરાંત, શસ્ત્રક્રિયા પછીની સારવાર કોઈ પણ મુશ્કેલી વિના થઈ. દર્દીને બે સપ્તાહ પછી રજા આપી શકાઈ.”
એ અનુભવ અમારે માટે મોટો ફટકો હતો છતાં, અમે ખુશ છીએ કે પરિણામે, કેટલાક ડોક્ટરો લોહીની આપલે વિનાની વૈકલ્પિક સારવાર વિષે વધુ શીખ્યાં. આશા છે કે, તેઓ સફળ પૂરવાર થયેલી સારવારની પદ્ધતિ અજમાવવા તૈયાર હશે.—એન યિપ્સિઓતિસના કહ્યા પ્રમાણે.
(g95 12/22)
મારા મદદરૂપ ડોક્ટર સાથે