વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૪/૮ પાન ૧૬-૨૦
  • શું તમને નાગને મળવાનું ગમશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને નાગને મળવાનું ગમશે?
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • સર્પદંશ
  • મદારી
  • સાપના પાર્ક શિક્ષણ આપે છે
  • સાપ
    સજાગ બનો!—૧૯૯૮
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૭
  • સાપની ચામડી
    સજાગ બનો!—૨૦૧૪
સજાગ બનો!—૧૯૯૬
g96 ૪/૮ પાન ૧૬-૨૦

શું તમને નાગને મળવાનું ગમશે?

સજાગ બનો!ના ભારતમાંના ખબરપત્રી તરફથી

વારુ, તમને ગમશે? મોટા ભાગના પુખ્તવયનાઓ ના જવાબ આપશે. પરંતુ કદાચ કોઈ બાળક એવો જવાબ નહિ આપે. સાપનો ભય હોવો, જેમાં નાગનો સમાવેશ થાય છે, એ નાનાં બાળકોનું અથવા પશુઓનું પણ સ્વયંસ્ફુરિત લક્ષણ નથી. સાપ માટેનો અણગમો બિનભરોસાપાત્ર માહિતી, અતિશયોક્તિભરી વાર્તાઓ, દંતકથાઓ, અને ગેરસમજણોને કારણે હોય શકે.

અલબત્ત, અમે તમને નાગને મળવા આમંત્રણ આપીએ છીએ ત્યારે, અમારો કહેવાનો અર્થ સલામત અંતરેથી મળવાનો છે! નાગ અતિ ઝેરી હોય છે, અને આપણે એની પાસે જઈ તેને પંપાળવા આપણો હાથ લાંબો કરીશું નહિ. નાગ પણ કંઈ આપણું અભિવાદન કરવા થોભે એવી શક્યતા નથી; આપણો પગરવ સાંભળીને જ, એ સંતાવાની સલામત જગ્યાએ ઝડપભેર નાસી જશે. તેથી ચાલો આપણે ફક્ત આ રસપ્રદ પ્રાણી વિષે કેટલીક આશ્ચર્યમુગ્ધ કરનારી હકીકતો જાણીને જ તેને મળવાનો સંતોષ મેળવીએ.

નાગ સાપની પેટાજાતિ અને ઈલાપિડાઈ પરિવાર (Elapidae family)નું પેટે ચાલનાર પ્રાણી છે, જે નામ પોલા દાંતવાળા ઝેરી સાપોને આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાથી એશિયા અને આફ્રિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થઈને અરબસ્તાન અને સમશીતોષ્ણકટિબંધ સુધી નાગની આશરે ૧૨ જાતિ ફેલાયેલી છે. અદ્યપિ સૌથી ભયંકર નાગ કીંગ કોબ્રા, અથવા હેમેડ્રિયાડ છે. ત્રણથી પાંચ મીટરની લંબાઈના, દુનિયાભરમાં આ સૌથી ઝેરી સાપ છે. ગાઢું જંગલ કે કાદવકીચડવાળો પ્રદેશ પસંદ કરનાર એ સાપ, દક્ષિણ ચીન, ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર અને ભારતના ભાગોમાં મળી આવી શકે છે. ગાઢી કાળી પૂંછડી, લીલાશ પડતા પીળા રંગના શરીર પર રંગીન ચટાપટા, જે વયની સાથે ગાઢો લીલો રંગ પકડે છે, અને ફેણ પર નાનાં ટપકાં, એનાથી એ જરા સુંદર દેખાય છે.

નાગની અન્ય જાતિઓ સરેરાશ એકથી બે મીટર લંબાઈની હોય છે. ભારતના મૂળવતની અને ત્યાં વિસ્તૃત ફેલાયેલા નાગ, ચશ્મા પહેર્યા હોય એવા દેખાય છે, જેની ફેણ પર અજોડ ચિહ્‍ન હોય છે, જે જાણે ચશ્મા હોય એવું લાગે છે. એ કાળા, ગાઢા કથ્થઈ, કે પીળાશ પડતા સફેદ ટપકાં હોય છે, સાથે પહોળું, ગાઢા રંગનું ગળું અને એના શરીરની લંબાઈ પર સફેદ તથા પીળા ચટાપટા હોય છે. જે શ્રી લંકામાં તેમ જ ભારતના પૂર્વ તથા ઈશાન ખૂણે મળી આવતો, ચશ્માની એક આંખના ચિહ્‍નવાળો નાગ, રંગમાં આછો, ફેણ વધારે નાની, વધુ ગોળાકાર અને ફક્ત એક જ સફેદ કુંડાળું ધરાવતો હોય છે, જેના પરથી એનું નામ પડ્યું છે. ભારતના વાયવ્ય ખૂણે અને પાકીસ્તાનમાં, આપણને સદંતર કાળા નાગ જોવા મળે છે. આફ્રિકામાં, અન્ય જાતો સમેત, રિંગ્હલ્સ, અથવા થૂંકનાર નાગ, અને મિસરી નાગ હોય છે. આ પાછળ ઉલ્લેખેલો, ગાઢા રંગનો અને સાંકડી ફેણવાળો સાપ, શક્યપણે એસ્પ (asp) છે, જે ક્લીઓપેટ્રા રાણીના મરણનું કારણ મનાય છે.

સાપ અજોડ કસ્તૂરીની સુગંધથી આકર્ષાઈને ફક્ત પોતાની જાતિના સાપ સાથે જ સંવનન કરે છે. નાગ અન્ય સાપ કરતાં વધારે કૌટુંબિક રસ ધરાવે છે, નર અને માદા ઘણી વાર સાથે રહે છે. માદા કીંગ કોબ્રા માળો બનાવનાર જાણમાં હોય એવા થોડાક સાપમાંથી એક છે. એ પડેલાં પાદડાં ખોતરી આશરે ૩૦ સેન્ટીમીટર ઊંચો ઢગલો કરે છે અને એમાં ૨૦થી ૫૦ ઇંડા મૂકે છે. ત્યાર પછી એ ઢગલા ફરતે વીંટળાય છે અને આશરે બે મહિનાના સેવનકાળ દરમ્યાન ખાધા વિના એમ જ રહે છે, નર પણ ઘણી વાર એની પાસે રહે છે. અન્ય નાગ, માળો બનાવ્યા વિના, પોતાનાં ઇંડાનું રક્ષણ કરવા એની પાસે રહે છે.

બચ્ચું કોચલું તોડવા અને એમાંથી નીકળવા દાંતનો ઉપયોગ કરે છે, જે પછીથી પડી જાય છે. બહાર નીકળ્યા પછી તેઓ સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે, તેઓને પૂર્ણરચિત ઝેર ગ્રંથીઓ અને પોલા દાંત હોય છે. તેઓ વારંવાર પોતાની જીભ બહાર કાઢે છે, ચોતરફનો સ્વાદ ચાખે છે, અને મોંના તાળવે આવેલા જેને જેકબસનનો અવયવ કહે છે ત્યાં રાસાયણિક માહિતી પહોંચાડે છે. એ ઘ્રાણેન્દ્રિય સાથે સંકળાયેલો હોય છે; સ્વાદ અને ગંધનું સંયોજન સાપને પોતાના શિકારનું પગેરૂં કાઢવા, સાથી શોધવા, અથવા શિકારીથી છટકવામાં મદદ કરે છે.

નાના સાપ ઝડપભેર વધે છે અને ટૂંકા ગાળામાં જ પોતાની કાંચળી ઉતારે છે, જે બહુ ચુસ્ત થઈ ગઈ હતી. આ અસાધારણ પ્રક્રિયા નિયમિત થાય છે, કેમ કે નાગ એના સમગ્ર જીવન, જે ૨૦ કરતાં વધુ વર્ષ હોય શકે, તે દરમ્યાન વધતો રહે છે. કાંચળી ઉતારવાના એક કે બે સપ્તાહ અગાઉ, સાપ સુસ્ત બને છે, એની કાંચળી શુષ્ક બને છે, અને એની આંખો દૂધમય ભૂરી થાય છે. પછી, એકાએક, આંખ ચોખ્ખી થાય છે, અને પોતાનું માથું પથ્થરે ઘસીને, સાપ મોઢેથી જૂની કાંચળી ચીરે છે. હવે એ શાબ્દિક રીતે પેટે ચાલી કાંચળીની બહાર નીકળી આવે છે ત્યારે, આંખોથી માંડી છેક પૂંછડી સુધીની પારદર્શક કાંચળી, ઊંધી થઈને ઊતરે છે. હવે જીવંત, ચળકતો, નવો દેખાતો સાપ પોતાની સામાન્ય પ્રવૃત્તિ માટે જવા તૈયાર છે.

હવાનું ઉષ્ણતામાન નાગને બહુ જ અસર કરે છે. વાતાવરણ ઠંડુ થાય તેમ, તેઓ ધીમા પડી જાય છે અને સુષુપ્ત પણ બની જાય છે, ફક્ત ઉષ્ણતામાન વધે ત્યારે જ ચેતનવંતો બને છે. વધારે પડતી ગરમી તેઓને મારી નાખી શકે. સાપ ખાનાર કીંગ કોબ્રા સિવાય, તેઓનો ખોરાક કોળ, ઉંદર, દેડકા, ગરોળી, પક્ષીઓ, અને અન્ય નાનાં પ્રાણીઓ હોય છે. શિકાર પકડ્યા પછી, ઝેરની રસી એને શિથિલ બનાવી દે છે. એને આખો જ ગળી જવામાં આવે છે, કેમ કે નાગને ખોરાક ચાવવા માટે દાંત હોતા નથી. ચામડીની સ્થિતિસ્થાપકતા અને જડબાની લવચીકતાને કારણે નાગ એના માથા કરતાં બેથી ત્રણગણું મોટું પ્રાણી ગળી જઈ શકે છે. મોં શિકારથી સંપૂર્ણપણે ભરાય જાય છે તે જ સમયે, સાપ, તરવૈયા સ્નોર્કલનો ઉપયોગ કરે છે તેમ, શ્વાસનળીનું પ્રવેશદ્વાર એને થતા નડતરથી પણ લાંબું વધારી શ્વાસ લે છે. હવે પાછળ તરફ વળાંકવાળા દાંતોની હાર શિકારને સાપના શરીરમાં ઊતારે છે. સાપ ખોરાક ધીમે ધીમે પચાવવા માટે કદાચ કેટલાક દિવસ સુધી ફરી ન ખાઈને, શાંત જગ્યાએ વિશ્રામ લે છે. નાગ પોતાના શરીરમાં સંગ્રહેલી ચરબીનો ઉપયોગ કરીને ખાધા વગર મહિનાઓ સુધી જીવી શકે છે.

સાપ હોશિયાર હોય છે. (જુઓ માત્થી ૧૦:૧૬.) નાગનું સંરક્ષણ ક્યાં તો નાસી જવામાં, કદાચ ખડક નીચે કે એના દરમાં પેસી જવામાં, અથવા કોઈ પારખી ન શકે માટે શાંત પડી રહેવામાં રહેલું છે. સામનો કરવાનો આવે ત્યારે, એ ટટ્ટાર થઈ જઈ ફેણ ફેલાવી દુશ્મનને બીવડાવવા ફૂંફાડા મારે છે. ડંખ મારવો છેલ્લો ઉપાય હોય છે.

સર્પદંશ

આફ્રિકા અને એશિયામાં ઘણી વાર સર્પદંશ નોંધાતા નથી, પરંતુ જગતવ્યાપી એવું જણાય છે કે આશરે દસ લાખ લોકોને દર વર્ષે ઝેરી સાપ કરડે છે. ભારતમાં મરણની નોંધ રખાય છે—વર્ષે આશરે ૧૦,૦૦૦—કદાચ એની બહુમતી ચશ્માવાળા નાગથી થાય છે. આશરે ૧૦ ટકા સર્પદંશ પ્રાણઘાતક નીવડે છે.

નાગ ઘણા સાપ કરતાં વધારે ધીમા હોય છે; એનો એક મુખ્ય દુશ્મન, ચપળ નોળિયો એના પર પ્રભુત્વ જમાવી શકે છે. સાપ પર તૂટી પડી, પછી વારંવાર વળતા હુમલા ખાળી, નોળિયો નાગને બેભાન જેવો અને સૂનમૂન મૂકી જાય છે. એની ફેણ પાછળ હુમલો કરી, એ તેની ડોક ભાંગી નાખે છે. ઘણા સાપ ગુંચળાવાળી સ્થિતિમાંથી પ્રહાર કરે છે, જે એની પહોંચ જાણવી અઘરું બનાવે છે, પરંતુ નાગ પોતાનું શરીર ઊંચુ કરી સીધો નીચે પ્રહાર કરે છે. અંતરનો તાગ કાઢી શકાય છે, અને વ્યક્તિ સરખામણીમાં ધીમા હલનચલનના વ્યાપથી બહાર નીકળી જઈ શકે છે.

કેટલાક નાગ, જેમ કે દક્ષિણ આફ્રિકાના કાળી ડોકવાળા રિંગ્હલ્સ અને ભારતના ઈશાન ખૂણાના નાગ, થૂંકીને પોતાનું રક્ષણ કરે છે. ટટ્ટાર બનીને પોતાનાં પોલા દાંત શિકાર તરફ ચીંધી, સાપ, હવા બહાર કાઢી, બે મીટરથી વધુ દૂર સુધી ઝેરની બે સૂક્ષ્મ પિચકારી છોડી શકે છે. ચામડી પર ઝેરથી કોઈ હાનિ થતી નથી, પરંતુ એ આંખોમાં જાય તો, એનાથી હંગામી અંધાપો આવી શકે અને, તરત જ ધોઈ નાખવામાં ન આવે તો, કાયમી અંધાપો લાવી શકે છે. વિચિત્ર બાબત છે કે, સાપ આંખોમાં નિશાન તાકી શકે છે.

ધારો કે તમને નાગ કરડી જાય, તો તમારે શું કરવું જોઈએ? ઝેર સાપના ગાલમાં રહેલી કોથળીમાંથી જડબાની આગળ બે ટૂંકા, પોલા, જડેલા દાંતમાંથી બહાર ફેંકવામાં આવે છે. આ દાંત ચામડીમાં કાણું પાડે છે અને ચામડીમાં આપવામાં આવતી રસીની જેમ ઝેર દાખલ કરે છે. સર્પદંશ માટે ખાતરીપૂર્વકનો એકમાત્ર ઇલાજ વિષપ્રતિકારક રસી છે જે ચાર ઝેરી સાપના ઝેરમાંથી બનાવવામાં આવી છે. ભારત, ૨૦મી સદીની શરૂઆતમાં, વિષપ્રતિકારક રસીનો સૌથી વધુ ઉપયોગ કરનાર પ્રથમ દેશ હતો. વિષપ્રતિકારક પાઉડર ફ્રીજમાં રાખ્યા વિના પાંચ વર્ષ અસરકારક રહે છે; બીજી રીતે એ રસીથી આપવામાં આવે છે.

નાગ કરડવાના લક્ષણોમાં પીડા અને એ જગ્યા પર સોજો, આંખની ઝાંખપ, અસ્થિરતા, કંઠસ્થાનને લકવો થઈ જવો, અને શ્વાસ ધીમા પડી જવા છે. ઝેરનો મોટો જથ્થો દાખલ થયો હોય અને કોઈ સારવાર કરવામાં ન આવી હોય તો, આશરે બે કલાકમાં જરૂરથી મરણ નીપજે છે.

મદારી

મદારીના ખેલ મનોરંજનનું બહુ જૂનું રૂપ છે. એ મહદંશે પૂર્વમાં આચરવામાં આવે છે, ત્યારે કેટલાક પશ્ચિમી સરકસોએ એને પોતાના ખેલમાં સામેલ કર્યું છે. ચશ્માવાળા નાગની અસાધારણ ફેણ તથા ઉદાસ પ્રકૃતિને કારણે, એ ઉપયોગમાં લેવાતો સૌથી લોકપ્રિય સાપ છે, પરંતુ અન્ય પ્રભાવશાળી દેખાતા સાપ, જેમ કે શાહી સાપ (royal snake) અને અજગર (red sand boa)નો પણ ઉપયોગ થાય છે. કુશળ ખેલ કરનાર મદારી વાંસળી વગાડે છે ત્યારે, નાગ પોતાની ટોપલીમાંથી ઊંચો થાય છે અને સામાન્ય રક્ષણાત્મક સ્થિતિમાં પોતાની ફેણ ફેલાવે છે. મદારીના હલનચલનથી સાપ પ્રત્યાઘાત પાડે છે, કેમ કે એની આંખો તેના પર જ હંમેશાં હુમલો કરવા તત્પર હોય તેમ જડેલી હોય છે. મદારી ઉપયોગમાં લે છે તે મોટા ભાગના નાગના દાંત કાઢી નાખવામાં આવ્યા હોય છે, પરંતુ કેટલાક મદારી ઝેરી સાપ સાથે કામ કરવાનું જોખમ ખેડે છે.

પ્રાચીન ભારતમાં પ્રવાસ કર્યા કરતો મદારી ધાર્મિક વિચારો અને દંતકથાઓ પણ વર્ણવતો, જેનાથી તે લોકપ્રિય બનતો. આજે હોટેલો બહાર ખેલ કરવા સારી કમાણી કરાવે છે જ્યાં કેમેરાધારી પર્યટકો વારંવાર આવે છે. કેટલાક મદારીઓ ઘરોની મુલાકાત લે છે અને ઘરમાલિકને જણાવે છે કે તેના મોટા બાગમાં સાપ હોવાની શક્યતા છે. પૈસા નક્કી કર્યા પછી, તે સાપ પકડવાની દરખાસ્ત મૂકે છે. તે ઝાડીઓમાં અદૃશ્ય થાય છે, થોડોક સમય બાદ, જે દરમિયાન તેની વાંસળીનો અવાજ સંભળાયા કરે છે, તે થેલી ભરીને સાપ સાથે પાછો ફરે છે. અલબત્ત, ઘરમાલિક તેનું નિરીક્ષણ કરે અથવા ઓછામાં ઓછું તે પોતાની સાથે જ થેલી ભરીને સાપ લાવ્યો નથી એ તપાસશે તો તે પોતાનું ડહાપણ વાપરશે!

સાપના પાર્ક શિક્ષણ આપે છે

સાપના પાર્ક પેટે ચાલનારાં પ્રાણીઓમાં રસ જાગૃત કરે છે. એ સંશોધન સવલત પૂરી પાડે છે, સર્પદંશ અટકાવ અને ઇલાજનું શિક્ષણ આપે છે, અને માણસના લોભ તથા અજ્ઞાનતાથી સાપનું રક્ષણ કરે છે. નાગને એની સુંદર ચામડી માટે મારી નાખવામાં આવે છે, જેમાંથી પટ્ટા, પાકીટ, જોડા, અને અન્ય મોજશોખની વસ્તુઓ બનાવવામાં આવે છે. ચર્મ ઉદ્યોગ માટે એક વર્ષે ભારતમાં એક કરોડ કરતાં વધુ સાપ મારવામાં આવ્યા. સાપને મારીને તરત જ ચામડી ઉતારી લેવામાં આવે છે. ચામડીને રંગ ચઢાવવા ભારતમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થાય છે, અને કાચ-પાલીસ કરવામાં આવે છે અને કેટલીક વાર ચમકાવવા તથા જળ વિરોધક બનાવવા એના પર વાર્નિશ ચોપડવામાં આવે છે.

નાગના મૂલ્યનો અંદાજ ઓછો આંકી શકાય એમ નથી. એ ઉંદર અને અન્ય પ્રાણીઓને મારી નાખીને ટનબંધી અનાજ બચાવે છે. એના ઝેરમાંથી વિષપ્રતિકારકો, પીડાહારકો, અને અન્ય દવાઓ બને છે. મુંબઈમાંની ટાટા મેમોરિયલ કેન્સર ઇન્સ્ટીટ્યૂટ કેન્સર કોષો પર નાગના ઝેરની અસરનો અભ્યાસ કરી રહી છે.

શું તમને નાગને મળવાનો આનંદ થયો? સુંદર, ઉપયોગી, હોંશિયાર, પોતાનું સંરક્ષણ કરવા સુસજ્જ. એને વધારે સારી રીતે ઓળખવાથી આપણને પ્રાણી રાજ્યના અતિ તુચ્છકારાયેલા સભ્યની કદર કરવામાં મદદ મળી શકે. (g96 3/22)

[પાન ૧૯ પર બૉક્સ]

નાગની ઉપાસના અને વહેમો

નાગની ઉપાસના પ્રાચીન સમયથી ચાલે છે. નાગની પ્રતિમાઓ મોહેંજોદડોના અવશેષોમાં મળી આવે છે, જે પુરાણવસ્તુશાસ્ત્રીઓએ ખોદી કાઢેલી સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક છે. ત્રીજા સહસ્ત્રવર્ષાવધિ બી.સી.ઈ.થી માંડીને આજ દિન સુધી, ભારતમાં લાખો લોકો નાગને વહેમભર્યા પૂજ્યભાવસહિત જુએ છે. રસપ્રદ બાબત છે કે, નાગની ઘણી વાર્તાઓ ખરેખર બનેલા ઐતિહાસિક બનાવો ફરતે ઘડી કાઢેલી વિકૃત દંતકથાઓ હોય શકે.

ઉત્પત્તિની “વાર્તા” એવા સમય વિષે જણાવે છે જ્યારે વિશ્વમાં પ્રકાશ ન હતો. અંધકારમય વિશ્વ પાણીમાંથી પ્રથમ પ્રકાશમય દેવ વિષ્ણુને, ઉત્પન્‍ન કરવામાં આવ્યા, પછી આકાશ, પૃથ્વી, અને પાતાળ ઉત્પન્‍ન કરવામાં આવ્યા. બાકી રહેલા પદાર્થમાંથી, શેષ (અર્થાત બાકી રહેલો ભાગ) કહેવાતો પ્રચંડ નાગ ઉત્પન્‍ન કરવામાં આવ્યો. દંતકથા શેષને ૫થી ૧,૦૦૦ માથાં હોવાનો યશ આપે છે, અને પ્રતિમાઓ ગુંચળું વળેલા શેષ પર બેસેલા વિષ્ણુને ચિત્રિત કરે છે, જે શેષના ઘણાં માથાંની ખુલ્લી ફેણ નીચે આશ્રય લે છે. શેષના બગાસા ખાવાને કારણે ધરતીકંપો થાય છે, અને તેના મોંમાંનો અગ્‍નિ અથવા ઝેર એક યુગના અંતે જગતનો નાશ કરે છે, એમ માનવામાં આવે છે.

હિંદુ પૌરાણિક કથાઓ નાગ કહેવાતી કોબ્રા જાતિનો ઉલ્લેખ કરે છે, જે નીચેના જગતમાં, નાગલોકમાં, અથવા પાતાળમાં રહે છે. વાનર-દેવ હનુમાન દાવો કરે છે કે “સંપૂર્ણ યુગ”માં, બધા માણસો સંત હતા, એક જ ધર્મ હતો, અને કોઈ પિશાચો કે નાગ ન હતા. સાપ પૃથ્વીના ધનના રખેવાળ બન્યા અને તેઓએ ઘણું જ્ઞાન તથા જાદુઈ શક્તિ મેળવ્યા. શેષ, જે કેટલીક વખત વાસુકી પણ કહેવાય છે, તેનો ઉપયોગ દેવોએ અમરત્વ આપી શકનાર પ્રવાહી, અમૃત કાઢવા સમુદ્ર મંથન કરવા કર્યો. નાગના શાસનપ્રદેશ પાતાળને સૌથી ઇચ્છનીય પ્રદેશ તરીકે ચિત્રિત કરવામાં આવે છે; યુદ્ધમાં મરણ પામતા યોદ્ધાઓને ત્યાં અકલ્પ્ય આનંદનું વચન આપવામાં આવ્યું છે.

જોકે, બધા દંતકથામય નાગ કલ્યાણકારી ગણવામાં આવતા નથી. એક “વાર્તા” વિષ્ણુ અવતાર કૃષ્ણ અને મોટા, કષ્ટદાયક પિશાચી નાગ કાલી વચ્ચે લડાઈનું વર્ણન કરે છે. પ્રતિમાઓ વિજયી કૃષ્ણને મોટા સાપના માથા પર પગ મૂકેલો બતાવે છે.

સ્ત્રીઓ મ્નાસ, અથવા નાગની રાણી, દુર્ગામાની ઉપાસના પોતાનાં બાળકોને સાપ કરડવાથી રક્ષવા કરે છે. નાગપંચમીના તહેવાર પર, સાપ ભક્તો નાગની મૂર્તિઓ પર અને સાપના દરોમાં પણ, દૂધ અને લોહી પણ રેડે છે. સ્ત્રીઓ નર બાળકનો ગર્ભ રહેવાની આશામાં નાગની પથ્થર કે ચાંદીની મૂર્તિઓની ઉપાસના કરે છે અને અર્પણો ચઢાવે છે.

ચલચિત્રોમાં નાગ

ભારતમાં તૈયાર કરવામાં આવતા ચલચિત્રોની વાર્તાઓમાં પૌરાણિક કથાનો નાગ ઘણો લોકપ્રિય છે—૧૯૨૮થી માંડીને આવા ૪૦ કરતાં વધુ ચલચિત્રો બનાવવામાં આવ્યાં છે. સામાન્યપણે નાગને ભલાઈના રખેવાળ, ભક્તોના મદદગાર, અને દુષ્ટોના વિનાશક તરીકે ચિત્રિત કરવામાં આવે છે. ઇચ્છાધારી નાગની દંતકથા લોકપ્રિય છે, જે માનવી રૂપ ધારણ કરવાની શક્તિ ધરાવતા માનવામાં આવે છે. નાગની એક ભક્ત નાગણ હોવાનું મનાય છે. એને મારી નાખવામાં આવે તો, નાગ મૃત સાપની આંખમાં મારી નાખનારની પ્રતિમા જોઈ શકે છે એવું મનાય છે, અને એ વેર વાળવા નીકળી પડે છે. આ ઘણાં ચલચિત્રોનો જીવંત પાયો બને છે. વાર્તામાં મુખ્ય ભાગ સાપનાં નૃત્યો છે; જેમાં મદારી વગાડે છે એવું સંગીત હોય છે, નૃત્યકારો સાપ જેવું હલનચલન કરે છે, ભૂમિ પર પેટે પણ ચાલે છે.

દસ્તાવેજી ચલચિત્ર, શક્તિ, ભારતના રાજસ્થાનના એક તહેવારમાં ઉતારવામાં આવ્યું હતું, જ્યાં દર ઓગષ્ટમાં લાખો સર્પ ઉપાસકો રણમાં ભેગા મળે છે. તપતા સૂર્ય તળે અને ૫૦ અંશ સેલ્સિયસથી વધુ ઉષ્ણતામાનમાં, તેઓ પોતાને લોખંડના સળિયાથી ફટકારે છે અને તપતી રેતી પર બે કિલોમીટરથી વધારે પેટે ચાલી સર્પ-દેવ ગોઘના મંદિરે જાય છે. દસમી સદી સી.ઈ.માં થઈ ગયેલા ઐતિહાસિક રાજા ગોઘે દુશ્મનોને સાપવાળા પ્રદેશમાં દોરી જઈ, જ્યાં સર્પદંશથી મોટા ભાગનું સૈન્ય નાશ પામ્યું, પોતાના લોકોને મુસલમાન હુમલાખોરોથી બચાવ્યા હતા એવું માનવામાં આવે છે.

[પાન ૨૦ પર બૉક્સ]

નાગે બચાવ્યા

ભારતમાં સસ્તૂર ગામનાં બે કુટુંબોને નાગનો આભાર માનવાને કારણ છે. તેઓ, સપ્ટેમ્બર ૩૦, ૧૯૯૩ના રોજ સવારે આશરે ૩:૫૦ વાગ્યે, તેઓના ઘરમાંથી બહાર સરકી રહેલા નાગના મોટા અવાજના ફૂંફાડાથી જાગી ગયા. તેઓ એને મારવા ખેતરમાં પાછળ દોડ્યા. સવારે ૪:૦૦ વાગ્યે, મધ્ય ભારતમાં ભયંકર ધરતીકંપે તેઓના ગામને જમીનદોસ્ત બનાવી દીધું જેમાં લગભગ દરેકેદરેક જણ મરી ગયું. બે કુટુંબો બચી ગયાં—નાગની વહેલી ચેતવણી વ્યવસ્થાનો આભાર!

[પાન ૧૬, ૧૭ પર બૉક્સ]

એશિયન નાગના પાછળના અને આગળના દૃશ્યો

ઇનસેટઃ કાળો નાગ ઉષ્મ ખડક પર તાપ ખાય છે ત્યારે પોતાની ફેણ ફેલાવે છે

[ક્રેડીટ લાઈન]

Pictures on pages 16 to 20: A. N. Jagannatha Rao, Trustee, Madras Snake Park Trust

[પાન ૧૮ પર બૉક્સ]

કાળા નાગના આગળના અને પાછળના દૃશ્યો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો