વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૫/૮ પાન ૨૩
  • તમે તમારી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે તમારી
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • લોકોનાં નામ યાદ રાખવાં
  • યાદીઓ કઈ રીતે યાદ રાખવી
  • તમે વાંચો તે યાદ રાખવું
  • તમારી યાદશક્તિ વધારો!
    સજાગ બનો!—૨૦૦૯
  • શું તમે ઈશ્વરે આપેલી ભેટની કદર કરો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
સજાગ બનો!—૧૯૯૬
g96 ૫/૮ પાન ૨૩

તમે તમારી

યાદશક્તિ

સુધારી શકો છો

“મારી યાદશક્તિ બહુ ખરાબ છે.” શું તમે કદી એવું કહ્યું છે? એમ હોય તો, હતોત્સાહ ન થાઓ. થોડાંક સાદાં સૂચનો અને થોડોક પ્રયત્ન આશ્ચર્યજનક સુધારો લાવી શકે. તમારા મગજની શક્તિને ઓછી ન આંકો. એની ક્ષમતા આશ્ચર્યમુગ્ધ કરનારી છે.

મગજ આશ્ચર્યજનક પરાક્રમો કઈ રીતે કરે છે? તાજેતરના વર્ષોમાં મગજનો પહેલાં કરતા વધારે અભ્યાસ કરવામાં આવ્યો છે. પરંતુ અંતર્દૃષ્ટિ વધવા છતાં, મગજ એ બધું કઈ રીતે સિદ્ધ કરે છે એ વિષે હજુ પણ આપણે બહુ થોડું જ જાણીએ છીએ.

આપણે માહિતી કઈ રીતે શીખીએ છીએ અને યાદ રાખીએ છીએ એ સ્પષ્ટ નથી, પરંતુ સંશોધકો એ રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મગજમાં શીખવામાં અને યાદ રાખવામાં અંદાજ પ્રમાણે ૧૦ અબજથી ૧૦૦ અબજ જ્ઞાનતંતુ કોષો, ન્યુરોન્સ, સંકળાયેલા હોય છે. પરંતુ ન્યુરોન્સ વચ્ચે ઓછામાં ઓછા દસ હજારગણા વધુ જોડાણો હોય છે. એક તાત્વિક સિદ્ધાંત એવો છે કે એ જોડાણો, અથવા સિનેપ્સીસ, ઉપયોગ દ્વારા મજબૂત બને છે તેમ, વ્યક્તિ શીખે છે.

આપણે વૃદ્ધ થઈએ તેમ, માનસિક ક્ષમતા ઘટી શકે; આપણા પ્રત્યાઘાત ધીમા પડી શકે. મગજમાં જૂનાની જગ્યાએ ફરીથી નવા કોષો આવતા નથી, અને દેખીતી રીતે જ પુખ્તવયની વ્યક્તિ કેટલાક કોષો સતત ગુમાવતી હોય છે. પરંતુ આપણે આપણા મગજનો જેટલો ઉપયોગ કરીએ, તેટલો વધુ સમય આપણે આપણી માનસિક ક્ષમતા જાળવી શકીએ.

આપણું માનસિક વલણ મગજને અસર કરે છે. આશાવાદી, હસમુખી દૃષ્ટિ કોઈ પણ ઉંમરે મગજનું કાર્ય સુધારે છે. કેટલોક તણાવ લાભદાયી હોય શકે, પરંતુ વારંવારનો, બિનજરૂરી તણાવ મગજની અસરકારકતામાં અવરોધ લાવે છે. શારીરિક કસરત માનસિક દબાણ ઓછું કરવા મદદ કરી શકે.

એ ઉત્તેજનકારક હોવા છતાં, અને આપણી ઉંમર ગમે તે હોય છતાં, આપણે મહત્ત્વની બાબતો ભૂલી જઈ શકીએ છીએ. શું આપણે સુધારો કરી શકીએ? આપણને મળતાં લોકોનાં નામ યાદ રાખવાં એ એક વિસ્તાર છે જેમાં મોટા ભાગનાઓને મુશ્કેલી પડે છે.

લોકોનાં નામ યાદ રાખવાં

થોડાંક સાદાં સૂચનો તમને નામ યાદ રાખવામાં ઘણી મદદ કરી શકે. વ્યક્તિમાં રસ લેવો મદદરૂપ છે. વ્યક્તિને પોતાનું નામ મહત્ત્વનું લાગે છે. ઘણી વાર આપણે શરૂઆતમાં વ્યક્તિનું નામ બરાબર સાંભળ્યું ન હોય તો એ યાદ રાખી ન શકીએ. તેથી ઓળખાણ કરાવવામાં આવે ત્યારે, નામ સ્પષ્ટપણે સાંભળો. જરૂર હોય તો વ્યક્તિને એ ફરીથી કહેવા, અરે એની જોડણી કહેવા પણ કહો. તમારી વાતચીતમાં એનો ઘણી વાર ઉપયોગ કરો. તમે આવજો કહો ત્યારે, વ્યક્તિને નામથી સંબોધો. આ થોડાક મુદ્દા જે રીતે મદદ કરશે એનાથી તમને નવાઈ લાગશે.

નામો માટે તમારી યાદશક્તિ પ્રજ્વલિત કરી શકે એવું બીજું સૂચન છે વ્યક્તિના નામને તમે તમારા મનમાં ચિત્રિત કરી શકો એવી કોઈક બાબત સાથે સાંકળો. તમે ચિત્રમાં હલનચલન મૂકી શકો તો તો હજુ પણ વધારે સારું.

દાખલા તરીકે, એક વ્યક્તિને એક ઓળખીતાનું પહેલું નામ, જે ગ્લેન હતું, એ યાદ રાખવામાં મુશ્કેલી પડતી. તેથી તેણે એ વ્યક્તિને જોઈ ત્યારે, તેણે “ગ્લેન” શબ્દના અર્થનો વિચાર કર્યો, એટલે કે, “એક સાંકળી એકાંતિક ખીણ.” તેણે એ માણસને એ ખીણમાં રળિયામણો પ્રદેશ નિહાળતો ચિત્રિત કર્યો. એ હંમેશા સફળ થયું; તેના મનમાં ગ્લેન નામ તરત જ આવ્યું.

ઘણાં નામનો તમારે માટે કોઈ અર્થ ન થતો હોય તો, તમારે એ નામને મળતો આવતો શબ્દ અવેજીમાં મૂકવો પડે. તમારો અવેજી શબ્દ એ નામના ઉચ્ચારને બરાબર બંધબેસતો ન હોય તો વાંધો નહિ. તમારી યાદશક્તિ જોડાણ પરથી એ નામ વધારે સારી રીતે યાદ કરી શકશે. તમે તમારા પોતાના શબ્દો અને ચિત્રો બનાવો ત્યારે, એની વધુ ઊંડી છાપ પડે છે.

દાખલા તરીકે, શ્રીમતી અલકાબેન કાપડિયા સાથે તમારી ઓળખાણ કરાવવામાં આવી છે. તમે ગલકું અને કાપડના તાકાને અવેજી તરીકે મૂકી શકો. હવે કાપડના તાકામાં લપેટેલા ગલકાની કલ્પના કરો.

તમારે થોડોક સમય ખંતપૂર્વક એનો મહાવરો કરવાની જરૂર છે, પરંતુ એ ખરેખર સફળ થાય છે. હેરી લોરેઈન પોતાના પુસ્તક હાવ ટૂ ડેવલપ એ સુપર-પાવર મેમરીમાં આ પદ્ધતિ સમજાવે છે, અને તેણે ઘણા જાહેર પ્રસંગોએ એનો ઉપયોગ કર્યો છે. તે કહે છે: “ઘણી વાર મારે એક પણ નામ ભૂલ્યા વિના, પંદર કે એથી ઓછી મિનિટોમાં સોથી બસો માણસોને મળવાનું થયું છે!”

યાદીઓ કઈ રીતે યાદ રાખવી

તમે અસંબંધિત વસ્તુઓની યાદી યાદ રાખવાની તમારી ક્ષમતા કઈ રીતે સુધારી શકો? એક સાદી રીત સાંકળ પદ્ધતિ કહેવાય છે. એ આ રીતે કામ કરે છે: યાદીમાંની દરેક વસ્તુ માટે ચિત્રની કલ્પના કરો અને પછી પહેલી વસ્તુના ચિત્રને બીજી વસ્તુના ચિત્ર સાથે સાંકળો, પછી બીજી અને ત્રીજી વસ્તુઓ માટે પણ એમ જ કરવું, વગેરે.

દાખલા તરીકે, તમારે બજારમાંથી પાંચ વસ્તુઓ લાવવાની છે: દૂધ, બ્રેડ, બલ્બ, ડુંગળી, અને આઇસક્રીમ. દૂધ સાથે બ્રેડ જોડવાથી શરૂઆત કરો. બ્રેડમાંથી દૂધ રેડવાની કલ્પના કરો. ચિત્ર ઘણું બેહૂદું હોય શકે છતાં, એ તમારી યાદશક્તિ પર એ વસ્તુની છાપ પાડવામાં મદદ કરશે. વળી, માનસિક ચિત્રમાં હલનચલન મૂકવાનો પ્રયત્ન કરો જે દૂધ રેડવામાં તમને સામેલ કરે છે.

દૂધ સાથે બ્રેડ જોડ્યા પછી, ત્યાર પછીની વસ્તુ, બલ્બ, પર જાઓ. તમે લાઈટના સોકેટમાં બ્રેડ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો એવું ચિત્ર બનાવીને બ્રેડ સાથે બલ્બ જોડી શકો. પછી તમે વિશાળ બલ્બને છોલી રહ્યા છો અને એમ કરતી વખતે રડી રહ્યા છો એવી કલ્પના કરી બલ્બને ડુંગળી સાથે જોડો. અલબત્ત, તમે પોતે એ જોડાણ કરો તો વધારે સારું થશે. શું તમે છેલ્લી બે વસ્તુઓ, ડુંગળી અને આઇસક્રીમ, વચ્ચે જોડાણ કરી શકો? કદાચ તમે ડુંગળીનું આઇસક્રીમ ખાવાની કલ્પના કરી શકો!

તમે યાદી યાદ કરી શકો છો કે કેમ તે જુઓ. પછી તમારી પોતાની યાદી દ્વારા તમારી યાદશક્તિની કસોટી કરો. યાદી ગમે તેટલી લાંબી બનાવો. યાદ રાખો કે, જોડાણ વધુ યાદ રહે એવું બનાવવા માટે, તમે એને રમૂજી કે બેહૂદું કે વિકૃત બનાવી શકો. ચિત્રમાં હલનચલન મૂકવાનો પ્રયત્ન કરો, અને એક વસ્તુની અવેજીમાં બીજી મૂકો.

કેટલાક વાંધો ઉઠાવી શકે કે યાદીને ફક્ત ગોખવા કરતા આ પદ્ધતિ વધુ સમય લે છે. જોકે, એનો ઉપયોગ કરવા કરતા સમજાવવામાં વધારે સમય લાગે છે. થોડોક મહાવરો થયા પછી, તમે જોડાણ ઝડપથી કરશો, અને તમારી યાદદાસ્ત, તેમ જ શીખવાની ઝડપ, કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કર્યા વિના શીખવાનો પ્રયત્ન કરો એ કરતા ઘણી વધારે સારી હશે. જ્યારે ૧૫ વ્યક્તિઓને કોઈક પદ્ધતિનો ઉપયોગ કર્યા વિના ગમે તે ૧૫ વસ્તુઓની યાદી યાદ રાખવા કહેવામાં આવ્યું, ત્યારે તેઓનો સરેરાશ સ્કોર ૮.૫ હતો. બીજી યાદીમાં કાલ્પનિક જોડાણની પદ્ધતિનો ઉપયોગ કર્યો ત્યારે, એ જ વૃંદનો સરેરાશ સ્કોર ૧૪.૩ થયો. અલબત્ત, તમે ખરીદી કરવા જાવ ત્યારે એ વસ્તુઓની યાદી સાથે લઈ જવાનું યાદ રાખો તો, એનાથી તમારો સ્કોર ૧૫ થશે—૧૦૦ ટકા!

તમે વાંચો તે યાદ રાખવું

પુષ્કળ માહિતીના આ યુગમાં, આપણામાંના મોટા ભાગનાને મદદની જરૂર હોય એવો બીજો વિસ્તાર છે અસરકારકપણે અભ્યાસ કરવો. અભ્યાસ શાળામાં, વેપારમાં, વ્યક્તિગત સુધારા માટે, અને જાહેર વકતૃત્વની તૈયારી માટે અગત્યનો છે. ઉપરાંત, ખ્રિસ્તીએ વ્યક્તિગત બાઇબલ અભ્યાસ માટે સમય ફાળવવો જ જોઈએ.—યોહાન ૧૭:૩.

‘પરંતુ મને અભ્યાસ કરેલું યાદ રાખવામાં મુશ્કેલી પડે છે,’ તમે કહી શકો. શું થઈ શકે? અભ્યાસના સમયનો પૂરો લાભ લેતા શીખવાથી તમને વાંચેલું યાદ રાખવામાં મદદ મળી શકે. આ રહ્યાં કેટલાંક સૂચનો.

તમે અભ્યાસ કરો ત્યારે, વ્યક્તિગત વ્યવસ્થિતપણું મહત્ત્વનું છે. પુસ્તકો, લેખન સામગ્રી, અને કાગળ નજીક રાખો. ઓછા વિચલન અને યોગ્ય ઉજાસવાળા સુઘડ વિસ્તારમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો. રેડિયો અને ટેલિવિઝન બંધ કરો.

અભ્યાસ માટે નિયમિત સમય ફાળવો. કેટલાક માટે, દરરોજ ટૂંકા સમયગાળા દરમ્યાન અભ્યાસ કરવો એ એક જ વારમાં લાંબા સમય સુધી અભ્યાસ કરવા કરતા વધુ અસરકારક હોય શકે. તમારા સમયને વિભાગોમાં વહેંચી નાખવો સારું છે. સળંગ બે કલાક અભ્યાસ કરવાને બદલે, એ સમયને ૨૫થી ૪૦ મિનિટના વિભાગોમાં વહેંચવો, અને વચ્ચે થોડીક મિનિટોનો વિરામ લેવો, વધારે સારું થશે. સંશોધને બતાવ્યું છે કે એમ કરવાથી વધારે યાદ કરી શકાય છે.

તમે અભ્યાસના તમારા સમયગાળામાં કઈ સામગ્રી આવરવાના છો એ નક્કી કરો. એ ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાયરૂપ છે. પુસ્તક વાંચવાનું શરૂ કરતા પહેલાં, થોડી મિનિટોમાં એના પર નજર નાખી જાવ. શીર્ષક જુઓ. અનુક્રમણિકા તપાસો, જે પુસ્તકની સમીક્ષા આપે છે. પછી આમુખ કે પ્રસ્તાવના વાંચો. અહીં લેખકના હેતુ અને દૃષ્ટિબિંદુ જણાવવામાં આવ્યા હોય શકે.

પ્રકરણ વાંચતા પહેલાં, એના પર નજર નાખી જાવ. ગૌણમથાળા, ચિત્રો, ચાર્ટ, સમીક્ષા બોક્ષ, અને પ્રારંભિક તથા અંતિમ ફકરા જુઓ. દરેક ફકરાનું પહેલું વાક્ય વાંચી જાવ. ઘણી વાર એ વાક્યો મુખ્ય વિચારદલીલ ધરાવતા હોય છે. આખું ચિત્ર ગ્રહણ કરો. પોતાને આ પ્રશ્નો પૂછો: ‘લેખક શું સાબિત કરવા માગે છે? આ સામગ્રીમાંથી મને શું મળી શકે? મુખ્ય દલીલો કઈ છે?’

ધ્યાન કેન્દ્રિત કરવું મહત્ત્વનું છે. તમારે ઓતપ્રોત થઈ જવું જોઈએ. રહસ્ય એ છે કે અભ્યાસના તમારા સમયને શક્ય તેટલો સક્રિય બનાવવો. માહિતીના વ્યવહારુ પાસાનો વિચાર કરી ઉત્સાહ પ્રગટાવો. કલ્પના ચિત્ર બનાવો. માહિતી અનુકૂળ હોય તો સુવાસ, સ્વાદ, અને સ્પર્શની કલ્પના કરી જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરો.

તમને એકવાર સામગ્રીના ધ્યેયની ખબર પડે એટલે તમે નોંધ લેવા તૈયાર થાઓ છો. અસરકારકપણે નોંધ લેવાથી તમારી સમજણ અને માહિતી યાદ કરવાની ઝડપ વધી શકે. આખા વાક્યો નહિ પરંતુ તમને મુખ્ય વિચારો યાદ દેવડાવે એવા ચાવીરૂપ શબ્દો કે શબ્દાવલિઓ નોંધવાની જરૂર છે.

માહિતી સમજવાનો અર્થ એવો નથી કે ભાવિમાં તમે બધી જ માહિતી યાદ કરી શકશો. હકીકત એ છે કે શીખ્યા પછી ૨૪ કલાકમાં જ, ૮૦ ટકા જેટલી માહિતી, ઓછામાં ઓછું હંગામીપણે, ભૂલાય જાય છે. એ નિરુત્સાહકારક લાગી શકે, પરંતુ સામગ્રીનું પુનરાવર્તન કરવાથી એ ૮૦ ટકામાંથી કેટલીક કે ઘણી માહિતી પાછી મેળવી શકાય છે. અભ્યાસના દરેક સત્ર પછી, થોડી મિનિટ પુનરાવર્તન કરો. શક્ય હોય તો, એક દિવસ પછી, એક સપ્તાહ પછી, અને એક મહિના પછી ફરીથી પુનરાવર્તન કરો. તમે આ મુદ્દાઓનો અમલ કરો તો એ અભ્યાસના તમારા કીમતી સમયમાંથી સૌથી વધુ લાભ મેળવવા અને વાંચેલું યાદ રાખવા તમને સહાય કરી શકે.

તેથી તમારા મગજની શક્તિને ઓછી ન આંકો. બાબતો યાદ રાખવાની તમારી ક્ષમતા સુધારી શકાય છે. એક વૈજ્ઞાનિકે મગજનો ઉલ્લેખ “આપણે આપણા વિશ્વમાં અત્યાર સુધી શોધી કાઢી હોય એવી સૌથી વધુ જટિલ વસ્તુ” તરીકે કર્યો. એ એના ઉત્પન્‍નકર્તા યહોવાહના ભયાવહ ડહાપણ અને શક્તિની બિરદાવલિ છે.—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪. (g96 4/8)

યાદી યાદ રાખવા માટે સાંકળ પદ્ધતિનો ઉપયોગ કરો: દરેક વસ્તુનું કલ્પના ચિત્ર બનાવો. પછી પહેલી વસ્તુના ચિત્રને બીજાની સાથે જોડો, વગેરે

ખરીદીની યાદી:

૧. દૂધ

૨. બ્રેડ

૩. બલ્બ

૪. ડુંગળી

૫. આઇસક્રીમ

૧ અને ૨નું જોડાણ

૨ અને ૩નું જોડાણ

૩ અને ૪નું જોડાણ

૪ અને ૫નું જોડાણ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો