કાયમી શાંતિ કોણ લાવી શકે?
“તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.”
આ ભવિષ્યવાણી બાઇબલના કિંગ જેમ્સ વર્શનના યશાયાહના પુસ્તકના અધ્યાય ૨, કલમ ૪માંથી લેવામાં આવી છે. એ યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP, યુએનડીપી)એ પ્રકાશિત કરેલા હ્યુમન ડેવલપમેન્ટ રીપોર્ટ ૧૯૯૪માં ટાંકવામાં આવી હતી. અહેવાલે ઉમેર્યું: “એમ લાગતું હતું કે [૧૯૯૦માં] ઠંડા યુદ્ધના અંત સાથે એ ભવિષ્યવાણી પૂરી થવાનો સમય આવ્યો હતો. પરંતુ અત્યાર સુધી, એ એક છેતરામણી આશા પુરવાર થઈ છે.”
લશ્કર ઘટાડવું
આંતરરાષ્ટ્રીય રાજકીય આબોહવાના બદલાણ સાથે લશ્કરી ખર્ચમાં ધરખમ ઘટાડો ન થવો એ શાંતિની આશાઓને ઝાંખી પાડતો એક ઘટક છે. સાચું, કેટલાક ઘટાડા કરવામાં આવ્યા છે. UN (યુએન)નાં આંકડા અનુસાર, ગોળાવ્યાપી સૌથી વધુ લશ્કરી ખર્ચ ૧૯૮૭માં $૯૯૫ અબજથી ઘટીને ૧૯૯૨માં $૮૧૫ અબજ થયો. હજુ પણ, $૮૧૫ અબજ એક બહુ મોટી રકમ છે. એ લગભગ જગતની અડધી વસ્તીની કુલ આવક જેટલી છે!
નિ:શસ્ત્રીકરણ વિરુદ્ધ કામ કરતો બીજો ઘટક, એવી દૃષ્ટિ છે કે લશ્કર સલામતી લાવી શકે. આમ, ઠંડું યુદ્ધ પૂરું થઈ ગયું હોવા છતાં, ઔદ્યોગીકરણ પામેલા રાષ્ટ્રોમાંના ઘણા દલીલ કરે છે કે રાષ્ટ્રીય સલામતી માટેનો ખર્ચ ઊંચા પ્રમાણમાં રહેવો જોઈએ. યુ.એસ. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના એ વખતના નિયામક જેમ્સ વૂલ્સીએ ફેબ્રુઆરી ૧૯૯૩માં કોંગ્રેસને કહ્યું: “આપણે એક મોટો અજગર [U.S.S.R.]ને હણ્યો છે, પરંતુ હવે આપણે ઝેરી સાપની ડરામણી વિવિધતાથી ભરેલા એક જંગલમાં રહીએ છીએ.”
વિકસી રહેલા દેશોમાં ઊંચો લશ્કરી ખર્ચ, શક્ય અજગર તથા ઝેરી સાપ જેવા લાગતા દેશોના હુમલા ખાળવાનું એક સાધન પુરવાર થયો છે. પરંતુ વાસ્તવમાં, UNDPએ નોંધ્યું: “વિકસી રહેલા દેશોએ થોડાક આંતરરાષ્ટ્રીય યુદ્ધો લડ્યાં છે, અને ઘણાએ પોતાનાં શસ્ત્રદળો પોતાનાં જ લોકોને દબાવવા માટે વાપર્યાં છે.” હકીકતમાં, UNDPના અહેવાલે સમજાવ્યું: “વિકસી રહેલાં દેશોમાં, બાહ્ય આક્રમણથી યુદ્ધમાં થતા મરણની સંભાવના કરતાં સામાજિક ઉપેક્ષા (અપૂરતું પોષણ અને અટકાવી શકાય એવા રોગો)થી થતા મરણની સંભાવના ૩૩ ગણી વધારે છે. તોપણ, સરેરાશ, દર તબીબ દીઠ લગભગ ૨૦ સૈનિકોનો ગુણોત્તર છે. કંઈ પણ હોય, સૈનિકો વ્યક્તિગત સલામતી વધારવા કરતાં ઘટાડવાની વધુ શક્યતા ધરાવે છે.”
આંતરરાષ્ટ્રીય શસ્ત્ર વેપાર
ઠંડા યુદ્ધ દરમ્યાન, બે મહાસત્તાઓએ સંબંધ મજબૂત બનાવવા, લશ્કરી વર્ચસ્વ મેળવવા, અને સત્તા જાળવવા સમર્થક દેશોને શસ્ત્રો વેચ્યા. ઘણા દેશોનાં લશ્કરો બહુ જ મોટા થયાં. દાખલા તરીકે, તાજેતરમાં ૩૩ દેશોમાંના દરેક ૧,૦૦૦થી વધારે ટેન્કો ધરાવે છે.
હવે ઠંડું યુદ્ધ પૂરું થયું છે ત્યારે, શસ્ત્ર સોદાનું રાજકીય અને યુદ્ધનીતિમય વાજબીપણું ઘટ્યું છે. તોપણ, આર્થિક પ્રોત્સાહન મજબૂત રહે છે. નફો બનાવવાની તક રહેલી છે! શસ્ત્રોની આંતરિક માંગ ઘટતી જાય છે તેમ, શસ્ત્ર ઉત્પાદકો તેઓની સરકારોને મનાવે છે કે પરદેશને શસ્ત્રો વેચવા એ નોકરીઓ જાળવવાનો અને અર્થતંત્ર તંદુરસ્ત રાખવાનો માર્ગ છે.
વર્લ્ડ વોચ સામયિક વિવેચન કરે છે: “વિરોધાભાસીપણે, મહાસત્તાઓ પોતાના મોટા અણુ શસ્ત્રો પાછા ખેંચી રહી છે તેમ, તેઓ લગભગ કોઈ પણ ખરીદનારને વધુ સાદા બોમ્બ અને બંદૂકો વેચવાના તાકીદે માર્ગ શોધી રહી છે.” તેઓની સંખ્યા? સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ અનુસાર, ૧૯૮૮થી ૧૯૯૨ દરમ્યાન આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવામાં આવેલા સાદા શસ્ત્રોનું મૂલ્ય $૧૫૧ અબજ હતું. યુનાઈટેડ સ્ટેટ્સ સૌથી વધારે નિકાશ કરનાર વેપારી હતું જેના પછી અગાઉના સોવિયેત યુનિયનના દેશો આવતા હતા.
અણુની ધમકી હજુ રહેલી છે
અણુ ધમકી વિષે શું? યુનાઈટેડ સ્ટેટ્સ અને સોવિયેટ યુનિયન (અથવા એનાં વારસ રાજ્યો)એ ૧૯૮૭માં ઇન્ટરમીડિયેટ-રેન્જ ન્યુક્લીયર ફોર્સીસ ટ્રીટી તથા વર્ષ ૧૯૯૧ અને ૧૯૯૩માં બે સ્ટ્રેટેજિક આર્મ્સ રીડક્ષન ટ્રીટી (START, સ્ટાર્ટ) પર હસ્તાક્ષર કર્યા.
START કરારોએ વર્ષ ૨૦૦૩ સુધીમાં એકથી વધુ પ્રક્ષેપાસ્ત્ર (warhead) ધરાવતા સ્થાનિક હથિયારો પર પ્રતિબંધ લગાવ્યો અને હથિયારોનું સ્થળાંતર કરતી સર્વ વ્યવસ્થા પરનાં લગભગ ત્રણ ચર્તુથાંસ અણુ પ્રક્ષેપાસ્ત્રો દૂર કરવા આદેશ આપ્યો. પરંતુ અણુ વિશ્વયુદ્ધ ૩નું જોખમ ઓછું થયું હોવા છતાં, વિશાળ અણુ શસ્ત્રાગાર બાકી રહે છે—જે પૃથ્વી પરનું સર્વ જીવન અનેક વખત નાશ કરવા પૂરતા છે.
એ શસ્ત્રોને છૂટા પાડવાથી અણુની ચોરી થવાની તકો વધે છે. દાખલા તરીકે, રશિયા એક વર્ષે લગભગ ૨,૦૦૦ પ્રક્ષેપાસ્ત્રો છૂટા પાડે છે અને સંગ્રહ કરે છે જેમાંથી તે મુઠ્ઠીના કદનો પ્લુટોનિયમનો ગોળો પુન:પ્રાપ્ત કરે છે જેને પિટ્સ (pits) કહેવાય છે. એક પ્રક્ષેપાસ્ત્ર પિટ, જેને બનાવવા માટે મોટો ખર્ચ અને ટેકનોલોજી જરૂરી હોય છે, એ અણુ બોમ્બમાં ચાવીરૂપ ભાગ છે. પિટ્સને સામાન્ય રીતે સ્ટીલના આવરણવાળા ખોખામાં કિરણોત્સર્ગ અટકાવવા રાખવામાં આવે છે જેને ચોર તેના ખિસ્સામાં છૂપાવીને લઈ જઈ શકે. એક ત્રાસવાદી તૈયાર કરેલું પિટ મેળવે પછી એની આસપાસ વિસ્ફોટક સામગ્રી લગાવીને એક પ્રચંડ શક્તિશાળી બોમ્બનું પુન:સર્જન કરી શકે છે.
વધુને વધુ દેશોમાં અણુ શસ્ત્રોના ફેલાવાનું જોખમ બીજી ચિંતા છે. પાંચ રાષ્ટ્રોએ પોતાની પાસે અણુ શસ્ત્રો હોવાનું સ્વીકાર્યું છે—ચીન, ફ્રાંસ, રશિયા, યુનાઈટેડ કિંગડમ, અને યુનાઈટેડ સ્ટેટ્સ—અને બીજા કેટલાક દેશો પણ અણુ શસ્ત્રો ઝડપથી બનાવવાની ક્ષમતા ધરાવે છે એવું માનવામાં આવે છે.
વધુને વધુ રાષ્ટ્રો અણુ શસ્ત્રો મેળવે છે તેમ, કોઈ એનો ઉપયોગ કરશે એની શક્યતા વધે છે. લોકો કંઈ વગર કારણે એ ભયાનક શસ્ત્રોના ઉપયોગથી બીતાં હોતાં નથી. ટ્રાંસફોર્મેશન ઓફ વોર પુસ્તક જણાવે છે કે, “તેઓની શક્તિ એટલી બધી અમાપ છે કે તેઓ સાદા શસ્ત્રોને તદ્દન નજીવાં બનાવે છે.”
નિ:શસ્ત્રીકરણ અને શાંતિ
પરંતુ રાષ્ટ્રો પોતાના નાશના જટિલ શસ્ત્રોનો ત્યાગ કરે તો શું? શું એ શાંતિપૂર્ણ જગતની બાંયધરી આપશે? જરા પણ નહિ. લશ્કરી ઇતિહાસકાર જોન કીગન અવલોકે છે: “અણુ શસ્ત્રોએ ૯ ઓગષ્ટ ૧૯૪૫થી માંડીને કોઈને મારી નાખ્યું નથી. યુદ્ધમાં ૫,૦૦,૦૦,૦૦૦ લોકો મરી ગયાં એ તારીખથી માંડીને મોટા ભાગના લોકો સસ્તા, જથ્થાબંધ બનાવેલા શસ્ત્રો, અને નાના કદના દારૂગોળાથી મરણ પામ્યાં છે, જેની કિંમત ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને ડ્રાય-સેલ બેટરી કરતાં થોડીક જ વધારે છે જે એ જ સમયગાળામાં જગતમાં વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય થયા છે.”
અલ્પ ટેકનોલોજીવાળા શસ્ત્રોનું એક તાજેતરનું ઉદાહરણ રુવાન્ડાની કત્લેઆમ હતી, એક એવો દેશ જેના વિષે ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા (૧૯૯૪) કહે છે: “મોટા ભાગના લોકો રોમન કેથલિક છે. . . . રોમન કેથલિક અને બીજા ખ્રિસ્તી ચર્ચો ઘણી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ચલાવે છે.” તોપણ, રુવાન્ડામાં લગભગ પાંચ લાખ લોકોને છરાઓથી સજ્જ લોકોએ મારી નાખ્યાં. સ્પષ્ટપણે જ, જગત શાંતિ લાવવા માટે સાદાં અને અણુ શસ્ત્રો ઘટાડવા કરતાં કંઈક વધુની જરૂર છે. વળી, જગતનાં ધર્મોએ શીખવેલા શિક્ષણ કરતાં બીજી કોઈક બાબતની જરૂર છે.
કોમી ચડસાચડસી વધે છે
શરણાર્થીઓ માટેના UN હાઈ કમિશ્નર સાડાકો ઓગાટાએ તાજેતરમાં જણાવ્યું: “ઠંડું યુદ્ધ પત્યાની સાથે જ અમે વિચાર્યું કે સર્વ કોયડાનો ઉકેલ આવશે. અમને ખબર ન હતી કે ઠંડા યુદ્ધનું બીજું પાસું હતું—એટલે કે મહાસત્તાઓએ પોતાની અસર હેઠળના અંગત વિસ્તારોને આદેશો આપ્યા કે લાગુ પાડવા ફરજ પાડી. . . . તેથી હવે, ઠંડા યુદ્ધ પછી આપણે વધુ રૂઢિગત, નિષ્ક્રિય, કદાચ વિશ્વયુદ્ધ ૧ પૂર્વે હતાં એ પ્રકારનાં કોમી રમખાણો જોઈએ છીએ.”
પુલિત્ઝર ઇનામ વિજેતા ઇતિહાસકાર અને લેખક આર્થર શ્લેસિંગર એવો જ મુદ્દો નોંધે છે: “એક પ્રકારના ધિક્કારનું સ્થાન બીજો પ્રકારનો ધિક્કાર લે છે. પૂર્વ યુરોપ અને ભૂતપૂર્વ સોવિયેટ યુનિયનમાં સૈદ્ધાંતિક અંકુશની લોખંડી પક્કડ ઢીલી કરવાથી અગાઉ દબાવી રાખેલો કોમી, રાષ્ટ્રીય, ધાર્મિક, તથા ઇતિહાસ અને યાદશક્તિમાં . . . ઊંડા મૂળ કરી ગયેલો ભાષાકીય વિરોધવાદ છૂટે છે. જો ૨૦મી સદી સૈદ્ધાંતિક યુદ્ધવિગ્રહની સદી હતી તો, ૨૧મી સદી કોમી યુદ્ધવિગ્રહની સદી તરીકે શરૂ થાય છે.”
યુનાઈટેડ નેશન્સની ગણતરી અનુસાર, ૧૯૮૯ અને ૧૯૯૨ વચ્ચે ૮૨ સશસ્ત્ર વિગ્રહો થયા, જેમાંના મોટા ભાગના વિકસી રહેલા દેશો મધ્યે થયા. વર્ષ ૧૯૯૩ દરમ્યાન, ૪૨ દેશોમાં મોટા વિગ્રહો થયા અને બીજા ૩૭ દેશોએ રાજકીય હિંસા અનુભવી. એ દરમ્યાન, યુનાઈટેડ નેશન્સ—જેનું ભંડોળ હદપર્યંત ખર્ચાયું છે—માત્ર ૧૭ મિશનોમાં શાંતિ લાવવાની જરા પણ સફળતા વગર ઝઝૂમ્યું. સ્પષ્ટપણે જ, માનવજાતે શાંતિપૂર્ણ જગત માટે બીજે ક્યાંક જોવું જ જોઈએ.
અસ્પષ્ટ કોયડા
વધુને વધુ લોકો ભાવિ તરફ આશા સાથે જોવાને બદલે, ભાવિ આપત્તિનો અણસાર વ્યક્ત કરે છે. ધ એટ્લાંટિક મંથલીના ફેબ્રુઆરી ૧૯૯૪ના અંકનું મુખપૃષ્ઠ આવનાર દાયકાઓની એક આગાહીનો ઉપસંહાર આપે છે: “પર્યાવરણ તથા સામાજિક દુર્ઘટનાઓના શરણાર્થીઓના મોજાના વહેણને કારણે રાષ્ટ્રો તૂટી જાય છે. . . . પાણી જેવી અછતવાળી સંપત્તિ માટે યુદ્ધો લડાય છે, અને ધાડપાડુ સશસ્ત્ર ટોળકી વિશિષ્ટ વ્યક્તિઓના ખાનગી સલામતી દળો સાથે અથડામણ કરે તેમ, ખુદ યુદ્ધ સતતપણે ચાલતા ગુનાઓવાળું બની ગયું છે.”
શું એનો અર્થ એમ થયો કે કાયમી શાંતિ અપ્રાપ્ય છે? બિલકુલ નહિ! હવે પછીનો લેખ કારણ બતાવશે કે આપણે ભાવિને શા માટે ભરોસા સાથે જોઈ શકીએ. (g96 4/22)
[પાન ૫ પર બૉક્સ]
ધર્મ
શાંતિ માટેનું બળ?
રાષ્ટ્રો યુદ્ધમાં જાય છે ત્યારે, જગતના ધર્મો શાંતિ અને ભ્રાતૃત્વના શિક્ષણનો ત્યાગ કરે છે. વિશ્વયુદ્ધ ૧ દરમ્યાનના સંજોગો વિષે, બ્રિટિશ બ્રિગેડિયર જનરલ ફ્રેંક પી. ક્રોઝર કહે છે: “આપણી પાસે છે એ ખ્રિસ્તી ચર્ચો સૌથી વધુ રક્તપાત કરનારા છે, અને આપણે તેઓનો મુક્તપણે ઉપયોગ કર્યો છે.”
યુદ્ધમાં ધર્મની ભૂમિકા યુગોથી એકસરખી રહી છે. કેથલિક ઇતિહાસકાર ઈ. આઈ. વોટકિન સ્વીકારે છે: “એ સ્વીકારવું પીડાકારક છે છતાં, આપણે જૂઠો બોધ કે અપ્રમાણિક વફાદારીની ખાતર ઐતિહાસિક હકીકતોનો નકાર કરી શકતા નથી અથવા એને અવગણી શકતા નથી કે બિશપોએ પોતાના દેશમાંની સરકારે લડેલા બધા યુદ્ધોમાં એકધારો ટેકો આપ્યો છે.” અને વાનકૂવર, કેનેડાના સન વર્તમાનપત્રનો એક અગ્રલેખ નોંધે છે: “કદાચ એ બધા સંગઠિત ધર્મની એક નબળાઈ છે કે ચર્ચ રાષ્ટ્રના ધ્વજને અનુસરે છે . . . કદી લડાયું હોય એવું કયું યુદ્ધ હતું જેમાં દરેક પક્ષે દેવ હોવાનો દાવો કરવામાં ન આવ્યો હોય?”
સ્પષ્ટપણે જ, શાંતિ માટેનું બળ બનવાને બદલે, જગતના ધર્મોએ યુદ્ધો અને કત્લેઆમને પ્રોત્સાહન આપ્યું છે—જે રુવાન્ડાની કત્લેઆમ ખુબ શક્તિશાળીપણે વર્ણવે છે.
[પાન ૬ પર બૉક્સ]
યુદ્ધની નિરર્થકતા
વિદેશના ખબરપત્રી વેબ મિલરે ૧૯૩૬માં પ્રકાશિત થયેલા પુસ્તક આય ફાઉન્ડ નો પીસમાં લખ્યું: “આશ્ચર્યની બાબત છે કે, [વિશ્વયુદ્ધ ૧]ના ક્રાંતિકારી ડરે એની સર્વ કચડી નાખનારી અશ્લીલતા અને નિરર્થકતા સાથે, બરાબર આઠ વર્ષ પછી એ પૂરું થયું ત્યાં સુધી મારા પર પ્રહાર કર્યો ન હતો.” એ પ્રસંગે તેણે વર્ડનના રણક્ષેત્રની પુન:મુલાકાત લીધી, જ્યાં તેણે ૧૦,૫૦,૦૦૦ માણસો મરી ગયા હોવાનો દાવો કર્યો હતો.
“યુદ્ધ દરમ્યાન મને, બીજા લાખો લોકો સાથે, ભરમાવવામાં આવ્યો હતો,” મિલરે લખ્યું. “વિશ્વયુદ્ધ માત્ર નવા યુદ્ધોને જન્મ આપવામાં જ સફળ થયું હતું. પંચાસી લાખ માણસો નિર્માલ્યપણે મરી ગયાં, લાખો લોકોએ અકથનીય ત્રાસ ભોગવ્યો, અને કરોડો લોકો દુ:ખ, તંગી, અને વ્યથામાંથી પસાર થયા. અને એ સર્વ વિસ્મયકારક ભ્રામકતા હેઠળ બન્યું.”
આ પુસ્તક પ્રકાશિત થયાને ત્રણ વર્ષ પછી, વિશ્વયુદ્ધ ૨ શરૂ થયું. ધ વોશિંગટન પોસ્ટએ નોંધ્યું: “આપણી ૨૦મી સદીનાં યુદ્ધો લડાયક અને એકસરખી રીતે નાગરિકો વિરુદ્ધનાં ‘સંપૂર્ણ યુદ્ધ’ હતાં. . . . ગત સદીઓના બાર્બેરિયન યુદ્ધો સરખામણીમાં મહોલ્લાના ઝઘડાઓ હતા.” એક અધિકૃત વ્યક્તિના અંદાજ અનુસાર, ૧૯૧૪થી માંડીને યુદ્ધોમાં અને નાગરિકોના તોફાનોમાં ૧૯.૭ કરોડ લોકો માર્યા ગયા છે.
તોપણ, માનવોના બધા યુદ્ધો તથા તોફાનોએ શાંતિ કે સુખ આણ્યાં નથી. ધ વોશિંગટન પોસ્ટએ કહ્યું તેમ: “આ સદીમાં કોઈ રાજકીય કે આર્થિક વ્યવસ્થાએ અત્યાર સુધી બેચેન લાખોને સાંત્વન કે સંતોષ આપ્યા નથી.”
[પાન ૭ પર બૉક્સ]
રુવાન્ડામાં મારી નાખવામાં આવેલા લાખો લોકોમાંના એકની એ માતા છે—જેઓમાંના ઘણાને ખુદ પોતાના ધર્મના લોકોએ જ મારી નાખ્યાં
[ક્રેડીટ લાઈન]
Albert Facelly/Sipa Press