સંચાર રૂંધતી દીવાલો
પશ્ચિમ આફ્રિકાના સિએરા લીઓનમાં રહેતા રોબર્ટ, વોચ ટાવરના એક મિશનરી છે. તેમનું દેશમાં આગમન થયાને થોડા દિવસ પછી જ એક દિવસ, તે રસ્તા પર ચાલતા હતા તેમ, તેમણે નોંધ્યું કે સ્થાનિક બાળકો બૂમો પાડતા હતા: “શ્વેત માણસ! શ્વેત માણસ!” રોબર્ટ, જે એક અશ્વેત અમેરિકી છે, તેણે શ્વેત માણસ માટે આસપાસ જોયું, પરંતુ ત્યાં બીજું કોઈ ન હતું. પછી તેને સમજાયું કે બાળકો તેને માટે બૂમ પાડતા હતા!
તેઓની બૂમોમાં કોઈ દ્વેષભાવ ન હતો. બાળકો રોબર્ટ પોતાની સંસ્કૃતિમાંથી નથી એની જાણ ફક્ત વ્યકત કરતાં હતાં. રોબર્ટને શ્વેત માણસ કહીને ભિન્નતા પ્રદર્શિત કરવી એ તેઓ વિચારી શકે એવી સૌથી સારી રીત હતી.
આપણે કોણ છીએ એને સંસ્કૃતિ કઈ રીતે અસર કરે છે
સંસ્કૃતિની “સહભાગી વિચારોનો એકમ, . . . રીવાજો, માન્યતાઓ, અને જ્ઞાન જે જીવનઢબનું વર્ણન કરે છે” તરીકે બહોળી વ્યાખ્યા આપવામાં આવી છે. આપણે સીધેસીધા શિક્ષણથી સંસ્કૃતિના ઘણા મૂલ્યો શીખીએ છીએ, પરંતુ આપણે અજાણપણે પણ ઘણી બાબતો ગ્રહણ કરીએ છીએ. એક સંશોધનકર્તાએ કહ્યું: “[બાળકના] જન્મની ક્ષણથી માંડીને તે જે રીવાજોમાં જન્મ્યું હોય એ તેના અનુભવ અને વર્તનને ઘડે છે. તે બોલતું થાય ત્યાં સુધીમાં પોતાની સંસ્કૃતિની નાની પેદાશ હોય છે, અને તે મોટું થઈને પોતાની સંસ્કૃતિની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે ત્યાં સુધીમાં, સંસ્કૃતિની ટેવો તેની ટેવો, સંસ્કૃતિની માન્યતાઓ તેની માન્યતા, સંસ્કૃતિની અશક્યતાઓ તેની અશક્યતાઓ બને છે.”
સંસ્કૃતિ આપણા માટે જીવનને ઘણી રીતોએ સરળ બનાવે છે. બાળકો તરીકે આપણે આપણા માબાપને કઈ રીતે ખુશ કરવા એ જલદી જ શીખીએ છીએ. આપણા સમાજમાં શું સ્વીકાર્ય છે અને શું નથી એ જાણવાથી આપણને કઈ રીતે વર્તવું, શું પહેરવું, અને બીજાઓ સાથે કઈ રીતે વ્યવહાર રાખવો એ નિર્ણય લેવામાં માર્ગદર્શન મળે છે.
અલબત્ત, એક વ્યક્તિ તરીકે આપણે કોણ છીએ એ ફક્ત આપણી સાંસ્કૃતિક પાર્શ્વભૂમિકા પર જ નિર્ભર રહેતું નથી. દરેક સંસ્કૃતિમાં લોકો મધ્યે વિવિધતા હોય છે. આપણે કોણ છીએ એ રંગસૂત્રોથી, જીવનમાંના આપણા અનુભવથી, અને બીજા ઘણા ઘટકોથી પણ નક્કી થાય છે. તથાપિ, સંસ્કૃતિ એવો એક કાચ છે જેની મારફતે આપણે જગતને જોઈએ છીએ.
દાખલા તરીકે, આપણી સંસ્કૃતિ આપણે બોલીએ છીએ એ ભાષા જ નક્કી કરતી નથી પરંતુ આપણે કઈ રીતે બોલીએ છીએ એ પણ નક્કી કરે છે. મધ્ય પૂર્વના ભાગોમાં, લોકો પુનરાવર્તન અને રૂપકનો ઉપયોગ કરીને ઘણા શબ્દો સાથે પોતાને કુશળતાપૂર્વક વ્યક્ત કરવાની ક્ષમતાને મૂલ્યવાન ગણે છે. એથી વિરુદ્ધ, કેટલાક દૂર પૂર્વીય દેશોના લોકો મોઢામોઢનો સંચાર બને તેટલો ઓછો રાખે છે. એક જાપાની કહેવત આ દૃષ્ટિનું પ્રતિબિંબ પાડે છે: “તમે તમારા મુખથી નાશ પામશો.”
આપણી સંસ્કૃતિ નક્કી કરે છે કે આપણે સમયને કઈ દૃષ્ટિએ જોઈએ છીએ. સ્વિટ્ઝર્લેન્ડમાં તમે આયોજિત મુલાકાત માટે દશ મિનિટ મોડા પડો તો, તમે માફી માગો એની અપેક્ષા રાખવામાં આવે છે. બીજા દેશોમાં તમે એક કે બે કલાક મોડા પડી શકો, અને ભાગ્યે જ માફી માગવાની અપેક્ષા રાખવામાં આવશે.
આપણી સંસ્કૃતિ આપણને મૂલ્યો પણ શીખવે છે. વિચાર કરો કે કોઈ તમને આમ કહે તો તમને કેવું લાગશે: “તમારું વજન વધી રહ્યું છે. તમે ખરેખર જાડા થઈ રહ્યા છો!” તમે આફ્રિકી સંસ્કૃતિમાં ઉછર્યા હોય જ્યાં ભારે શરીરને મૂલ્યવાન ગણવામાં આવે છે તો, શક્ય છે કે તમને એ વિવેચન ગમશે. પરંતુ તમે પશ્ચિમી સંસ્કૃતિમાં ઉછર્યા હો જ્યાં સૂકલા હોવું ઘણું જ મૂલ્યવાન ગણાય છે તો, નિખાલસ વિવેચન શક્યપણે તમને નિરાશ કરી શકે.
‘આપણી રીત સર્વશ્રેષ્ઠ છે!’
ભિન્ન સંસ્કૃતિના લોકો વચ્ચે સંચારમાં અવારનવાર વિચ્છેદ એટલા માટે પડે છે કે દરેક જગ્યાએ લોકો એમ માનતા હોવાનું વલણ ધરાવતા હોય છે કે પોતાની સંસ્કૃતિ બીજાઓની સંસ્કૃતિ કરતાં વધારે સારી છે. આપણામાંના મોટા ભાગના લોકો વિચારતા હોય છે કે આપણાં માન્યતાઓ, મૂલ્યો, રીવાજો, પહેરવેશ, અને સુંદરતા વિષેના વિચારો બીજા કોઈ વિકલ્પ કરતાં ખરા, યોગ્ય, અને વધુ સારા છે. આપણે પોતાના વૃંદનાં મૂલ્યો અનુસાર બીજી સંસ્કૃતિઓનો ન્યાય કરવાનું વલણ પણ ધરાવતા હોઈએ છીએ. એવી વિચારસરણીને કોમવાદ કહેવામાં આવે છે. ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા અવલોકે છે: “કોમવાદ . . . લગભગ વિશ્વવ્યાપી છે એમ કહી શકાય. જગતની લગભગ બધી સંસ્કૃતિના સભ્યો નિકટના સંબંધિત પડોશીઓના જીવનમાર્ગ કરતાં પોતાના જીવનમાર્ગને ચઢિયાતો માનતા હોય છે.”
એક અંગ્રેજી જમીનદારે બસો વર્ષ અગાઉ અણઘડપણે એ બાબતને આમ કહી રજૂ કરી: “હું જોઉં છું [એ પ્રમાણે], પરદેશીઓ મૂર્ખ છે.” એ અવતરણનું પુસ્તક જેમાં એ શબ્દો નજરે પડે છે એના તંત્રીએ લખ્યું: “[આ] કદી પણ ઉચ્ચારવામાં આવ્યો હોય એવો એક વિશ્વવ્યાપી મનોભાવ છે.”
બીજી સંસ્કૃતિના લોકો તરફની અસહિષ્ણુતાના અઢળક દાખલાઓ છે. મૂળભુત રીતે ૧૯૩૦ના દાયકામાંના એક જર્મન નવલકથાકારે લખ્યું હોવા છતાં, નીચેનું અવતરણ ઘણીવાર નાત્ઝી આગેવાન હેરમાન ગોરીંગે કહ્યાનું માનવામાં આવે છે: “હું સંસ્કૃતિ શબ્દ સાંભળું છું ત્યારે, હું મારી રિવોલ્વર ઉઠાવું છું.”
ઉગ્ર કોમવાદી દૃષ્ટિ ભેદભાવ તરફ દોરી જઈ શકે, જે લડાઈ અને વિગ્રહમાં દોરી જઈ શકે. રિચાર્ડ ગોલ્ડસ્ટોન રુવાન્ડા અને અગાઉના યુગોસ્લાવિયાના યુદ્ધ વખતના ગુનાઓની તપાસ કરનાર ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રાઇબ્યુનલ માટેનો ફરિયાદી પક્ષનો વકીલ છે. બન્ને વિગ્રહોમાં પાશવી કૃત્યો સંબંધી તેણે કહ્યું: “આ પ્રકારની બાબત કોઈ પણ જગ્યાએ બની શકે છે. અહીં ભિન્ન સંસ્કૃતિઓ અને ઇતિહાસ ધરાવતા જુદા જુદા બે દેશો છે, તોપણ પડોશીએ પડોશીની વિરુદ્ધ સરખી જ દુષ્ટતા આચરી [છે]. એ પ્રકારનો ઘાતકી કોમી કે ધાર્મિક યુદ્ધવિગ્રહ ફક્ત ભેદભાવે લીધેલું હિંસક રૂપ છે. ભોગ બનનાર વૃંદ માનવ લક્ષણોના અભાવવાળું કે પિશાચી હોવું જ જોઈએ એમ માનવામાં આવે છે. સામાન્યપણે એવી ભયંકર બાબતો કરતાં અટકાવતી નૈતિક મર્યાદાઓથી તેઓને મુક્ત કરે છે.”
આપણું દૃષ્ટિબિંદુ વિસ્તારવું
સામાન્યપણે આપણે એવા મિત્રો પસંદ કરીએ છીએ જેઓ મોટા ભાગે આપણા જેવા જ હોય, એવા લોકો જેઓ આપણાં વલણ અને મૂલ્યોના સહભાગી થતા હોય. આપણે તેઓ પર ભરોસો મૂકીએ છીએ અને તેઓને સમજીએ છીએ. આપણે તેઓના સંગાથમાં નિશ્ચિંતતા અનુભવીએ છીએ. આપણે બીજી વ્યક્તિના વર્તનને કઢંગું કે અસામાન્ય ગણીએ તો, આપણા મિત્રો કદાચ આપણી સાથે સહમત થશે કેમ કે આપણા મિત્રો આપણા પૂર્વગ્રહના સહભાગી થાય છે.
તો પછી, સાંસ્કૃતિક પાર્શ્વભૂમિકાને કારણે આપણાથી જુદા લોકો સાથે સંચાર કરવાથી આપણે શું મેળવી શકીએ? એક બાબત એ છે કે સારો સંચાર આપણને કારણ સમજવામાં મદદ કરશે કે બીજાઓ શા માટે એ રીતે વિચારે છે અને વર્તે છે. પશ્ચિમ આફ્રિકાવાસી કુન્લે કહે છે: “આફ્રિકાના ઘણા બાળકોને જમતી વખતે વાતચીત ન કરવા સખતપણે ફરમાવવામાં આવે છે. જોકે, કેટલાક યુરોપીયન દેશોમાં, જમતી વખતે વાતચીત કરવા ઉત્તેજન આપવામાં આવે છે. યુરોપીયન વ્યક્તિ આફ્રિકન સાથે જમવા બેસે ત્યારે શું થાય છે? યુરોપીયનને નવાઈ લાગતી હોય છે કે શા માટે આફ્રિકન ચૂપચાપ બેસીને ભોજન આરોગી જાય છે? એ દરમ્યાન, આફ્રિકનને નવાઈ લાગે છે કે શા માટે યુરોપીયન એક કાબરની જેમ કચકચ કર્યા કરે છે!” સ્પષ્ટપણે જ, એવા સંજોગોમાં, એકબીજાની સંસ્કૃતિની પારસ્પરિક સમજણ સામાજિક પૂર્વગ્રહ દૂર કરવા ઘણું કરી શકે.
આપણે બીજી સંસ્કૃતિના લોકોને જાણતા થઈએ છીએ તેમ, બીજાઓ વિષેની આપણી સમજણ સુધારીએ છીએ એટલું જ નહિ પરંતુ આપણે પોતાને પણ સારી રીતે સમજતા થઈએ છીએ. એક માનવવૈજ્ઞાનિકે લખ્યું: “ઊંડા સમુદ્રમાં રહેનાર પ્રાણી શોધી કાઢે એવી છેલ્લી બાબત પાણી હશે. એ એના અસ્તિત્વ પ્રત્યે ફક્ત ત્યારે જ સભાન બનશે જ્યારે કોઈ અકસ્માત એને સપાટી પર લાવશે અને હવા સાથે એનો મેળાપ કરાવશે. . . . વ્યક્તિની પોતાના સમાજની સંસ્કૃતિને સમગ્રપણે જોવાની ક્ષમતા . . . કંઈક પ્રમાણમાં વિષયનિષ્ઠતા જરૂરી બનાવે છે જે ભાગ્યે જ હાંસલ કરવામાં આવે છે.” તથાપિ, આપણે બીજી સંસ્કૃતિના સંપર્કમાં આવીને, હવા સાથે મેળાપ કરાવવામાં આવેલા સમુદ્રમાં રહેનાર પ્રાણી જેવા બનીએ છીએ; આપણે એ સાંસ્કૃતિક “પાણી”થી સભાન બનીએ છીએ જેમાં આપણે રહીએ છીએ. લેખક થોમસ એબરક્રોમ્બીએ બાબતને સરસ રીતે વ્યક્ત કરી: “પરદેશી સંસ્કૃતિથી આકર્ષાઈ નથી એવી વ્યકિત પોતાની સંસ્કૃતિની બેડીઓની ક્યારેય કદર કરી શકે નહિ.”
ટૂંકમાં, બીજી સંસ્કૃતિઓ માટેની કદર આપણા જીવનને આપણા દૃષ્ટિબિંદુને વિસ્તારીને સમૃદ્ધ કરી શકે, તેથી આપણે આપણી અને બીજાઓની સંસ્કૃતિ વધારે સારી રીતે સમજતા થઈએ છીએ. સાંસ્કૃતિક વારસો અને કોમવાદી વિચારસરણી સંચાર વિરુદ્ધની દીવાલ હોય શકે છે ત્યારે, એમ ન હોવું જોઈએ. એ દીવાલોને તોડી નાખી શકાય. (g96 7/8)
“જગતની લગભગ બધી
સંસ્કૃતિના સભ્યો નિકટના સંબંધિત પડોશીઓના જીવનમાર્ગ કરતાં પોતાના જીવનમાર્ગને ચઢિયાતો માનતા હોય છે.”
ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા
ગોળો: Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.
આપણે બીજી સંસ્કૃતિઓની સારી બાબતોનો આનંદ માણતા શીખી શકીએ છીએ