પડકાર ઝીલવો
વ ર્ષોથી એડીએચડી માટે કેટલીક સારવારો સૂચવવામાં આવી છે. એમાંની કેટલીક ભોજન પર ભાર મૂકે છે. તેમ છતાં, કેટલાક અભ્યાસો સૂચવે છે કે ખોરાકમાં ઉમેરવામાં આવતા પદાર્થો સામાન્યપણે અતિસક્રિયતા પેદા કરતા નથી અને બીજું કે પોષણને લગતો ઉકેલ ઘણી વાર બિનઅસરકારક હોય છે. એડીએચડીની સારવારની અન્ય રીતોમાં દવા, વર્તણૂકમાં ફેરફાર, અને જાણકારીને લગતી તાલીમ (કૉગ્નિટીવ ટ્રેનિંગ) છે.a
દવા. એડીએચડી દેખીતી રીતે જ મગજની કામગીરીની ખામી સંડોવતું હોવાથી, યોગ્ય રાસાયણિક સમતુલા પુનઃસ્થાપિત કરવા દવા ઘણાને મદદરૂપ સાબિત થઈ છે.b તેમ છતાં, દવા શીખવાનું સ્થાન લેતી નથી. એ ફક્ત બાળકને તેનું ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે, તેને પાયો પૂરો પાડે છે જેથી તે નવી કુશળતાઓ શીખે.
તેવી જ રીતે એડીએચડીવાળા ઘણા પુખ્તવયનાઓને દવાની મદદ કરવામાં આવી છે. તેમ છતાં, યુવાનો અને પુખ્તવયનાઓએ સાવધ રહેવું યોગ્ય છે, કેમ કે એડીએચડીની સારવાર માટે લેવામાં આવેલી કેટલીક ઉત્તેજનાવર્ધક દવા વ્યસન બની જઈ શકે.
વર્તણૂકમાં ફેરફાર. બાળકનો એડીએચડી રોગ માબાપને શિષ્ત આપવાની તેઓની ફરજમાંથી મુક્તિ આપતો નથી. આ સંબંધી બાળકની ખાસ જરૂરિયાતો હોય શકે છતાં, બાઇબલ માબાપને સલાહ આપે છે: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.” (નીતિવચન ૨૨:૬) યોર હાયપરએક્ટીવ ચાઈલ્ડ પુસ્તકમાં, બાર્બરા ઈન્ગેરસોલ નોંધે છે: “જે માબાપ પડતું મૂકે છે અને પોતાના અતિસક્રિય બાળકને ‘છૂટું મૂકી’ દે છે, તેનું ભલું કરતા નથી. અન્ય કોઈ પણ બાળકની જેમ, અતિસક્રિય બાળકને એક વ્યક્તિ તરીકે આદર આપવા સહિત સતત શિષ્ત આપવાની જરૂર છે. એનો અર્થ સ્પષ્ટ મર્યાદાઓ અને યોગ્ય બદલાઓ અને શિક્ષાઓ થાય છે.”
તેથી એ મહત્ત્વનું છે કે માબાપ નક્કર બંધારણ પૂરું પાડે. વધુમાં, રોજની પ્રવૃત્તિમાં ચુસ્ત દિનચર્યાનું પાલન હોવું જોઈએ. માબાપ આ સમયપત્રક બનાવવામાં બાળકને કેટલીક છૂટછાટ આપવાનું ઇચ્છી શકે, જેમાં ઘરકામ, અભ્યાસ, સ્નાન વગેરેના સમયનો સમાવેશ થાય છે. પછી અનુસરણ કરવામાં સઘન રહો. ખાતરી રાખો કે રોજિંદી દિનચર્યાને વળગી રહેવામાં આવે. ફિ ડેલ્ટા કેપ્પ નોંધે છે: “તબીબો, માનસિક રોગ ચિકિત્સકો, શાળા અધિકારીઓ, અને શિક્ષકોની બાળકને અને બાળકના માબાપને સમજાવવાની ફરજ છે કે એડીડી કે એડીએચડી થયો છે એ બાબત કંઈ પણ કરવા દેવાનો પરવાનો નથી, પરંતુ એને બદલે એ તો એક ખુલાસો છે જે સંબંધિત બાળકને યોગ્ય મદદ આપવાની દોરવણી આપે.”
જાણકારીને લગતી તાલીમ. આમાં બાળકને ખુદ પોતા વિષે અને પોતાના રોગ વિષે તેની દૃષ્ટિ બદલવામાં તેને મદદ કરવાનો સમાવેશ થાય છે. “બેધ્યાનપણાના રોગવાળા લોકો આકર્ષક, બુદ્ધિશાળી, અને સારા-હૃદયના હોવા છતાં, પોતે ‘કદરૂપા, મૂર્ખ, અને ખરાબ’ હોવાની લાગણી અનુભવે છે,” ડૉ. રોનાલ્ડ ગોલ્ડબર્ગ અવલોકે છે. એ માટે, એડીડી કે એડીએચડીવાળા બાળકને પોતાની યોગ્યતાની યોગ્ય દૃષ્ટિ હોવી જોઈએ, અને તેણે જાણવાની જરૂર છે કે ધ્યાન આપવાની તેની ક્ષમતા ઠીક કરી શકાય છે. નવયુવાની દરમિયાન આ સવિશેષ મહત્ત્વનું છે. એડીએચડીવાળી વ્યક્તિ તરુણ વયે પહોંચે છે ત્યાર સુધીમાં, તેની તેના સમોવડિયાઓ, શિક્ષકો, દૈહિક ભાઈબહેનો, અને કદાચ માબાપે પણ ઘણી ટીકા કરી હોય શકે. તેણે હવે વાસ્તવિક ધ્યેયો બેસાડવાના છે અને પોતાનો તાગ કઠોરપણે નહિ પરંતુ વાજબી રીતે કાઢવાનો છે.
પુખ્તવયની એડીએચડીવાળી વ્યક્તિઓએ પણ સારવારના ઉપર બતાવેલા અભિગમ જ અપનાવવાના છે. “વય પ્રમાણે ફેરફાર જરૂરી છે,” ડૉ. ગોલ્ડબર્ગ લખે છે, “પરંતુ પાયારૂપ સારવાર—જરૂર હોય ત્યાં દવા, વર્તણૂકમાં ફેરફાર, અને જાણકારીની [તાલીમ]—સમગ્ર જીવન ચક્ર દરમિયાન યથાયોગ્ય અભિગમો બની રહે છે.”
ટેકો આપવો
જોન, એડીએચડીવાળા નવયુવકનો પિતા, પોતાના જેવા જ સંજોગોવાળા માબાપોને કહે છે: “આ સમસ્યા વિષે તમારાથી બને એ બધું જાણો. માહિતી પ્રમાણે નિર્ણયો લો. સર્વ ઉપરાંત, તમારા બાળકને ચાહો, તેને દૃઢ કરો. પોતા વિષે હલકું માન ધરાવવું ઘાતક છે.”
એડીએચડીવાળા બાળકને પૂરતો ટેકો આપવા, મા અને બાપ બંનેએ સહકાર આપવાનો છે. ડૉ. ગોર્ડન સર્ફોટીન લખે છે કે એડીએચડીવાળા બાળકે જાણવાની જરૂર છે કે “ઘરમાં તેને પ્રેમ કરવામાં આવે છે અને બીજું કે પ્રેમ માબાપ વચ્ચે અસ્તિત્વ ધરાવતા પ્રેમમાંથી પાંગરે છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) કમનસીબે, આવો પ્રેમ હંમેશા બતાવવામાં આવતો નથી. ડૉ. સર્ફોટીન કહેવાનું ચાલુ રાખે છે: “સુસ્થાપિત છે કે જે કુંટુંબમાં [એડીએચડીવાળું બાળક] હોય છે, ત્યાં સામાન્ય લોકો કરતાં વૈવાહિક સુમેળનો અભાવ અને ભંગાણ અતિશય માત્રામાં હોય છે.” સુમેળનો આવો અભાવ અટકાવવા, પિતાએ એડીએચડીવાળા બાળકને ઉછેરવામાં વિશિષ્ટ ભૂમિકા ભજવવાની છે. બધી જ જવાબદારી માતા પર નાખી દેવાની નથી.—એફેસી ૬:૪; ૧ પીતર ૩:૭.
ગાઢ મિત્રો, કુટુંબનો ભાગ નથી છતાં, પ્રચંડ ટેકો આપી શકે. કઈ રીતે? “માયાળુ બનો,” ઉપર ઉલ્લેખાયેલા જોન કહે છે. “તમારી આંખો જોઈ શકે એની પાર જુઓ. બાળકથી પરિચિત થાઓ. માબાપ સાથે પણ વાત કરો. તેઓ બાબત કઈ રીતે હાથ ધરી રહ્યા છે? તેઓ રોજેરોજ શાનો સામનો કરે છે?”—નીતિવચન ૧૭:૧૭.
ખ્રિસ્તી મંડળના સભ્યો એડીએચડીવાળા બાળકને અને તેના માબાપ એમ બંનેને ટેકો આપવામાં ઘણું કરી શકે. કઈ રીતે? પોતાની અપેક્ષાઓમાં વાજબી રહીને. (ફિલિપી ૪:૫) ઘણી વખત, એડીએચડીવાળું બાળક ભાંગફોડ કરનારું હોય શકે. લાગણીશૂન્ય બની, “શા માટે તમે પોતાના બાળક પર કાબૂ રાખી શકતા નથી?” અથવા “તમે તેને શિષ્ત કેમ આપતા નથી?” જેવી ટીકા કરવાને બદલે, સમજુ સાથી-વિશ્વાસીઓ સમજશે કે એડીએચડીવાળા બાળકને ઉછેરવાના રોજિંદા ભારે કામથી માબાપ કચડાઈ ચૂક્યા હોય શકે. અલબત્ત, બાળકની ભાંગફોડિયા વર્તણૂક મર્યાદિત બનાવવા માબાપે પોતાથી બની શકતું કરવું જોઈએ. તથાપિ, ચીડાઈને શબ્દપ્રહાર કરવાને બદલે, વિશ્વાસમાં જેઓ સગાં છે તેઓએ “સુખદુઃખમાં ભાગ લેનારાં” અને ‘આશીર્વાદ આપનારાં’ બનવાં પ્રયત્ન કરવો જોઈએ. (૧ પીતર ૩:૮, ૯) ખરેખર, દયાળુ સાથી-વિશ્વાસીઓ દ્વારા દેવ ઘણી વાર “દીનજનોને દિલાસો” આપે છે.—૨ કોરીંથી ૭:૫-૭.
બાઇબલના વિદ્યાર્થીઓ સમજે છે કે શીખવાની અક્ષમતાઓ અને એડીએચડી સમેત બધી જ માનવ અપૂર્ણતા પ્રથમ માણસ આદમ પાસેથી વારસામાં મળી છે. (રૂમી ૫:૧૨) તેઓ એ પણ જાણે છે કે ઉત્પન્નકર્તા યહોવાહ ન્યાયી નવી દુનિયા લાવવાનું પોતાનું વચન પરિપૂર્ણ કરશે, જેમાં કષ્ટદાયક માંદગી હશે નહિ. (યશાયાહ ૩૩:૨૪; પ્રકટીકરણ ૨૧:૧-૪) આ ખાતરી એડીએચડી જેવા રોગોથી અસર પામેલાઓને ટેકારૂપી લંગર છે. “વય, તાલીમ, અને અનુભવ અમારા દીકરાને તેનો રોગ સમજવા અને નિયંત્રણ કરવા મદદ કરી રહ્યા છે,” જોન કહે છે. “પરંતુ તે આ વસ્તુવ્યવસ્થામાં કદી પૂરેપૂરો સાજો થશે નહિ. અમારો રોજનો દિલાસો એ છે કે નવી દુનિયામાં, યહોવાહ અમારા દીકરાનો રોગ મટાડશે અને તેને પોતાના પૂરા જીવનનો આનંદ માણવા સમર્થ કરશે.”
[Footnotes]
a સજાગ બનો! કોઈ ખાસ સારવારની ભલામણ કરતું નથી. ખ્રિસ્તીઓએ કાળજી રાખવી જોઈએ કે તેઓ જે કોઈ સારવાર લે એ બાઇબલ સિદ્ધાંતો વિરુદ્ધ ન હોય.
b દવાને કારણે કેટલાકને અનિચ્છનીય આડ-અસરો થાય છે, જેમાં ચિંતા અને અન્ય કેટલીક લાગણીમય સમસ્યાઓનો સમાવેશ થાય છે. વધુમાં, ઉત્તેજનાવર્ધક દવા, અનિયંત્રિત તાણવાળા અને બોલવામાં ખામી (ટૉરેટ્ટ સીન્ડ્રમ)વાળા દર્દીઓમાં, તેઓનાં આ લક્ષણો વધારી દઈ શકે. તેથી દવા તબીબની દેખરેખ હેઠળ આપવી જોઈએ.
[Caption on page ૯]
એડીએચડીવાળા બાળકને માયાળુ છતાં સઘન શિષ્તની જરૂર છે
[Caption on page ૧૦]
માબાપની પ્રસંશા ઘણી મદદ કરે છે