બાઇબલ શું કહે છે
શું અભિમાની બનવું ખોટું છે?
પરંપરાગત એવી કહેવત છે કે અભિમાન, સાત પ્રાણઘાતક પાપોમાંનું પહેલું છે. તોપણ, આજે ઘણા લોકો માને છે કે આ પ્રકારની માન્યતા એકદમ જૂનવાણી છે. એકવીસમી સદીના ઉંબરે, અભિમાનને પાપ તરીકે નહિ એક ઉપયોગી ગુણ તરીકે જોવામાં આવે છે.
તેમ છતાં, બાઇબલ અભિમાન વિષે કહે છે ત્યારે, એ સામાન્ય રીતે નકારાત્મક અર્થમાં છે. બાઇબલના ફક્ત નીતિવચનના પુસ્તકમાં જ અભિમાનના ધૃણાજનક કથનો છે. દાખલા તરીકે, નીતિવચન ૮:૧૩ કહે છે: “અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરૂં છું.” નીતિવચન ૧૬:૫ બતાવે છે: “દરેક અભિમાની અંતઃકરણવાળાથી યહોવાહ કંટાળે છે.” અને ૧૮મી કલમ ચેતવણી આપે છે: “અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ટ સ્વભાવનું છેવટ પાયમાલી છે.”
નુકશાન પહોંચાડતું અભિમાન
બાઇબલમાં ધૃણા કરવામાં આવેલા અભિમાનની અતિશય સ્વમાન, વ્યક્તિની કુશળતા, સુંદરતા, સંપત્તિ, શિક્ષણ, હોદ્દા વગેરેની અયોગ્ય લાગણીઓ તરીકે વ્યાખ્યા આપી શકાય. એ અભિમાની વર્તણૂક, આપવડાઈ, અસભ્યતા, ઉદ્ધતાઈમાં જોવા મળી શકે. પોતાના વિષે વધુ પડતું વિચારવાના લીધે જરૂરી સલાહ સ્વીકારવી; ભૂલ સ્વીકારી અને માફી માગવાનો નકાર, પોતાનો કક્કો સાચો, પોતાનું નીચું ન પડવા દેવું; અથવા બીજા કંઈક કહે કે કરે એનાથી ખોટું લગાડવા તરફ દોરી જાય છે.
અભિમાની વ્યક્તિ પોતાની રીતે બાબતો કરવા કે બિલકુલ ન કરવા પર હંમેશા આગ્રહ રાખે છે. એ સ્વાભાવિક છે કે આ પ્રકારનું વલણ હંમેશા એક કે બીજા પ્રકારના વ્યક્તિગત વિગ્રહમાં પરિણમે છે. જાતિ કે રાષ્ટ્રીયતાનું અભિમાન અસંખ્ય યુદ્ધો અને લોહી વહેવડાવવામાં દોરી ગયું છે. બાઇબલ અનુસાર, અભિમાન દેવના આત્મિક દીકરાને બળવો કરવા દોરી ગયું અને પોતાને શેતાન ડેવિલ બનાવ્યો. ખ્રિસ્તી વડીલોની લાયકાત સંબંધી પાઊલે સલાહ આપી: “નવો શિખાઉ નહિ જોઈએ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે.” (૧ તીમોથી ૩:૬; સરખાવો હઝકીએલ ૨૮:૧૩-૧૭.) અભિમાનના આ પરિણામો જોવા મળે તો, એમાં કંઈ આશ્ચર્ય નથી કે દેવ એને ધિક્કારે છે. તેમ છતાં, તમે કદાચ પૂછી શકો, ‘અભિમાનને વાજબી ગણવામાં આવે એવી શું કોઈ સ્થિતિ છે?’
શું વાજબી અભિમાન છે?
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, ક્રિયાપદ કોફ્કાઓમીનું “અભિમાન કરવું, પ્રસન્ન થવું, આપવડાઈ કરવી” તરીકે ભાષાંતર કરવામાં આવ્યું છે કે જેનો હકારાત્મક અને નકારાત્મક બંને અર્થમાં ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે, પાઊલ કહે છે કે આપણે “દેવના મહિમાની આશાથી આનંદ” કરી શકીએ. તે એ પણ ભલામણ કરે છે: “જે કોઇ અભિમાન કરે છે તે પ્રભુમાં અભિમાન કરે.” (રૂમી ૫:૨; ૨ કોરીંથી ૧૦:૧૭) એનો અર્થ કે આપણા દેવ યહોવાહમાં અભિમાન કરવું, એક મનોભાવ કે જે આપણને તેમના સારા નામ અને શાખ પર આનંદ કરવા દોરી શકે.
દાખલા તરીકે: સારા નામની નિંદા કરવામાં આવે ત્યારે એનું રક્ષણ કરવું શું એ ખોટું છે? અલબત્ત નહિ. લોકો તમારા કુટુંબના સભ્યો કે તમે જેને પ્રેમ અને માન આપો છો તેમના વિષે અયોગ્યપણે બોલે તો, શું તમે ગુસ્સે નહિ થાવ અને એનો સામનો કરવા ઉત્તેજિત નહિ થાવ? બાઇબલ કહે છે, “ભલું નામ એ પુષ્કળ ધન કરતાં . . . ઈચ્છવાજોગ છે.” (નીતિવચન ૨૨:૧) એક પ્રસંગે, સર્વ શક્તિમાન દેવે મિસરના અભિમાની ફારૂનને કહ્યું: “પણ નિશ્ચે મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારૂં પરાક્રમ દેખાડું, અને આખી પૃથ્વી ઉપર મારૂં નામ પ્રગટ કરાય.” (નિર્ગમન ૯:૧૬) તેથી દેવ પોતે પોતાના સારા નામ અને શાખ પર અભિમાન કરે છે અને તે એના માટે ઉત્સાહી પણ છે. આપણે પણ આપણા પોતાના સારા નામ અને શાખ માટે રસ ધરાવી શકીએ પણ એ મિથ્યાડંબર અને સ્વાર્થી અભિમાનથી પ્રેરાયેલો હોવો ન જોઈએ.—નીતિવચન ૧૬:૧૮.
કોઈ પણ આરોગ્યપ્રદ સંબંધ માટે આદર અનિવાર્ય છે. આપણે આપણા સંગાથીઓમાંથી ભરોસો ગુમાવીએ ત્યારે આપણા સામાજિક જીવન અને વેપારધંધામાં ખોટ આવે છે. એવી જ રીતે, સંયુક્ત પ્રવૃત્તિઓ કે ભાગીદારીના સભ્યોમાંથી ફક્ત એક વ્યક્તિ પણ એવું કંઈ કરે કે જેનાથી તેમના સાથીઓ સાથે જાહેરમાં ઝઘડો થાય તો એનાથી ધંધો ભાંગી જઈ શકે. એ ધ્યેય સુધી પહોંચવા, તેઓ ગમે તે હોય, શાખ જાળવી રાખવી જોઈએ. આ એક કારણ છે કે શા માટે ખ્રિસ્તી મંડળના નિરીક્ષકની બહારનાઓમાં ‘સારી શાખ’ હોવી જ જોઈએ. (૧ તીમોથી ૩:૭) તેઓની સારું નામ ધરાવવાની ઇચ્છા અભિમાની આત્મ-પ્રશંસાથી પ્રેરાયેલી ન હોવી જોઈએ પરંતુ દેવને યોગ્ય અને મહિમાવંત રીતે રજૂ કરવાની જરૂર છે. છેવટે, બહારની વ્યક્તિઓમાં ખરાબ શાખ ધરાવનાર એક સેવક કેટલો ભરોસાપાત્ર હોય શકે?
વ્યક્તિગત સિદ્ધિઓમાં અભિમાન કરવા વિષે શું? દાખલા તરીકે, પોતાના બાળકો શાળામાં સારું કરે છે ત્યારે માબાપને આનંદ થાય છે. આ પ્રકારની સિદ્ધિઓ યોગ્ય પ્રકારના સંતોષનો ઉદ્ભવ છે. થેસ્સાલોનીકાના સાથીઓને લખતી વખતે, પાઊલે બતાવ્યું કે તેમણે પણ સિદ્ધિઓ પર આનંદ કર્યો: “ભાઈઓ, અમારે તમારા વિષે સદા દેવની ઉપકારસ્તુતિ કરવી જોઈએ, અને તે યોગ્ય છે, કેમકે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે, અને તમો સર્વે એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો; માટે તમારા પર જે સર્વ સતાવણી થાય છે તથા જે વિપત્તિ તમે વેઠો છો, તેઓમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેને લીધે અમે પોતે દેવની મંડળીઓમાં તમારાં વખાણ કરીએ છીએ.” (૨ થેસ્સાલોનીકી ૧:૩, ૪) હા, આપણા પ્રિયજનો સિદ્ધિઓ મેળવે છે ત્યારે સામાન્ય રીતે આનંદ અનુભવીએ છીએ. તો પછી, ખોટા અભિમાન અને સાચા અભિમાન વચ્ચે શો તફાવત છે?
આપણી પોતાની વ્યક્તિગત શાખ જાળવી રાખવી અને સફળ થવાનો પ્રયત્ન કરવો અને સફળતા મળતાં એમાં આનંદ કરવો અયોગ્ય નથી. તેમ છતાં, આત્મ-પ્રશંસા, અભિમાન અને પોતા કે બીજા વિષે બડાઈ મારવી એ એવી બાબતો છે કે જેને દેવ ધિક્કારે છે. કોઈ પણ વ્યક્તિ અભિમાનથી ‘બડાઈ મારે’ કે ‘જરૂરિયાત કરતાં પોતા વિષે વધારે વિચારે’ તો એ ખરેખર દુઃખની બાબત છે. ખ્રિસ્તીઓમાં અભિમાન કે કંઈ પણ બાબતમાં આપવડાઈ કરવાને કોઈ સ્થાન નથી પરંતુ યહોવાહ દેવે તેઓ માટે જે કર્યું છે એમાં કરે. (૧ કોરીંથી ૪:૬, ૭; રૂમી ૧૨:૩) પ્રબોધક યિર્મેયાહ આપણને અનુસરવાનો સારો સિદ્ધાંત આપે છે: “પણ જે કોઈ અભિમાન કરે તે આ વિષે અભિમાન કરે, કે તે સમજીને મને ઓળખે છે, કે હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ કરનાર યહોવાહ છું; કેમકે એઓમાં મારો આનંદ છે, એમ યહોવાહ કહે છે.”—યિર્મેયાહ ૯:૨૪.
“Pope Innocent X,”
by Don Diego Rodríguez de Silva Velázquez
Scala/Art Resource, NY