પોલીસની—શા માટે જરૂર છે?
પોલીસ વગર કેવી પરિસ્થિતિ હોત? વર્ષ ૧૯૯૭માં દશ કરોડ કરતાં વધારે વસ્તી ધરાવતા બ્રાઝિલના રેસિફ શહેરમાં ૧૮,૦૦૦ પોલીસો હડતાલ પર ઊતરી ગયા ત્યારે, શું બન્યું?
“પોલીસ વિના એ શહેરના સમુદ્ર કિનારે પાંચ દિવસમાં, ખૂનના બનાવોમાં ત્રણગણો વધારો થયો,” ધ વોશિંગ્ટન પોસ્ટએ જણાવ્યું. “આઠ બેન્કો લૂંટવામાં આવી. ગૂંડાઓની ટોળીઓએ શોપિંગ સેન્ટરમાં તોડફોડ કરી અને ધનવાન લોકોના વિસ્તારમાં ગોળીબાર કર્યો. કોઈ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરતું ન હતું. . . . હિંસા વધવાથી એટલા બધા લોકો મરી ગયા કે મોટામાં મોટી હોસ્પિટલની લોબીમાં ગોળીબારથી અને ખંજરનો ભોગ બનેલાઓની લાશો પડી હતી.” વકીલના સેક્રેટરીએ અહેવાલ આપ્યો: “અહીં આ રીતે કાયદાનો ભંગ કરવો એકદમ સામાન્ય છે.”
આપણે ગમે ત્યાં રહેતા હોઈએ, પરંતુ સારી બાબતો સાથે દુષ્ટતા પણ જોવા મળે છે. આપણને પોલીસના રક્ષણની જરૂર છે. જોકે, આપણામાંના મોટા ભાગના લોકોએ ક્રૂરતા, ભ્રષ્ટાચાર, મતભેદ અને કેટલાક પોલીસો સત્તાનો દૂરઉપયોગ કરે છે એ વિષે સાંભળ્યું હોય છે. આ બનાવો અમુક દેશોમાં બીજા દેશો કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ, પોલીસો વિના આપણે શું કરી શકીએ? શું એ સાચું નથી કે પોલીસો અમૂલ્ય સેવા આપે છે? સજાગ બનો!એ દુનિયાના કેટલાક પોલીસ અધિકારીઓને પૂછ્યું કે શા માટે તેઓએ પોલીસ બનવાનું પસંદ કર્યું.
દેશ અને સમાજ સેવા
બ્રિટીશ પોલીસ અધિકારી ઈવએને કહ્યું, “મને લોકોને મદદ કરવાનું ગમે છે. મને જુદા જુદા કાર્યોથી આનંદ થાય છે. સામાન્ય રીતે લોકોને ખબર હોતી નથી કે ક્રાઈમ વિભાગમાં ફક્ત ૨૦થી ૩૦ ટકા જ પોલીસો કામ કરે છે. મોટા ભાગે પોલીસ દેશ અને સમાજની સેવા કરે છે. હું મારા વિસ્તારમાં નિયમિત રાઉન્ડ પર જઉં છું ત્યારે, અચાનક થતા મરણ, કાર અકસ્માત અને જરૂરિયાતમાં હોય એવા વૃદ્ધોને મદદ કરી શકું છું. ખાસ કરીને ભૂલા પડેલા બાળકને તેના માબાપ પાસે લઈ જવાથી અને ગુનાનો ભોગ બનેલી વ્યક્તિને મદદ કરવાથી મને ઘણો સંતોષ મળે છે.”
અમેરિકાના ભૂતપૂર્વ પોલીસ અધિકારી સ્ટીફન કહે છે, “લોકો ખરેખર સહાય માટે આવે ત્યારે, પોલીસ અધિકારી તરીકે આપણે આપણી ક્ષમતા અને સમય આપીને તેઓને સૌથી સારી મદદ કરી શકીએ છીએ. તેથી, મને આ નોકરી ખૂબ ગમતી હતી. હું લોકોને મદદ કરીને તેઓનું દુઃખ ઓછું કરવા માંગતો હતો. મેં કંઈક અંશે લોકોને ગુનો કરવાથી બચાવ્યા છે. મેં પાંચ વર્ષમાં ૧,૦૦૦ કરતાં વધારે લોકોને ગિરફતાર કર્યા હતા. ગુમ થયેલા બાળકો શોધવા, યાદશક્તિ ન હોય એવા ભુલા પડેલા દરદીઓને મદદ કરવી તેમ જ ચોરાયેલા વાહનોને શોધી કાઢવામાં મને આનંદ થતો હતો. શંકાશીલ વ્યક્તિઓનો પીછો કરીને પકડી પાડવામાં મને ઘણી ખુશી થતી હતી.”
બોલિવિયાના પોલીસ અધિકારી રોબર્ટો કહે છે, “હું લોકોને મદદ કરવા ઇચ્છતો હતો. એક યુવાન તરીકે હું પોલીસોની પ્રશંસા કરતો હતો કેમ કે તેઓ લોકોનું રક્ષણ કરે છે. હું પોલીસ બન્યો ત્યારે, શરૂઆતમાં મારે સરકારી ઑફિસની ચોકી કરવાની હતી. અમે લગભગ દરરોજ રાજકીય નેતાઓને મળતા હતા. મારી જવાબદારી હિંસા ન થાય એ જોવાની હતી. મને જોવા મળ્યું કે હું નેતાઓ અને આગેવાનો સાથે સારી રીતે વર્તતો હોવાથી, ઘણી વાર ધમાલને રોકી શક્યો કે જેનાથી ઘણા લોકોને ઈજા થઈ શકતી હતી. એ ખરેખર સંતોષ આપનારું હતું.”
આમ, પોલીસો ઘણા પ્રકારની સેવા આપે છે. કેટલાક દેશોમાં, તેઓએ બિલાડીને બચાવવાથી માંડીને આતંકવાદી અને બેન્ક લૂંટારાઓને પણ પકડ્યા છે. તેમ છતાં, પોલીસ સેવાની શરૂઆત થઈ ત્યારથી માંડીને, લોકો તેઓ પર આશા રાખે છે અને તેઓથી ડરે પણ છે. શા માટે? હવે પછીનો લેખ એની ચર્ચા કરશે.
[પાન ૨, ૩ પર ચિત્રો]
પાન ૨ અને ૩: ચેંગડુ, ચીનમાં ટ્રાફિકને દોરતા; તોફાની ટોળાને કાબૂમાં રાખતી ગ્રીક પોલીસ; દક્ષિણ આફ્રિકામાં પોલીસો
[ક્રેડીટ લાઈન]
Linda Enger/Index Stock Photography
[પાન ૩ પર ચિત્ર]
જુલાઈ ૨૦૦૧માં સાલ્વાડોર, બ્રાઝિલમાં પોલીસો હડતાલ પર હતા ત્યારે લૂંટાયેલી દુકાન
[ક્રેડીટ લાઈન]
Manu Dias/Agência A Tarde
[પાન ૪ પર ચિત્ર]
સ્ટીફન, અમેરિકા
[પાન ૪ પર ચિત્ર]
રોબર્ટો, બોલિવિયા