વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g08 એપ્રિલ પાન ૪-૭
  • ગુનાની જંજીરમાંથી આઝાદી શક્ય છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગુનાની જંજીરમાંથી આઝાદી શક્ય છે?
  • સજાગ બનો!—૨૦૦૮
  • મથાળાં
  • વ્યક્તિ કેમ ગુનેગાર બને છે?
  • દુષ્ટ વિચારો, અપરાધોનું મૂળ
  • ગમે એવો ગુનેગાર સુધરી શકે!
  • ઈશ્વરના માર્ગમાં ચાલો
  • યહોવાહની મદદથી કોઈ પણ સુધરી શકે
સજાગ બનો!—૨૦૦૮
g08 એપ્રિલ પાન ૪-૭

ગુનાની જંજીરમાંથી આઝાદી શક્ય છે?

‘મોટા ભાગના ગુનેગારો ભલે જેલમાં જઈ આવ્યા હોય તોપણ, ફરીથી ગુના તો કરવાના જ. એનાથી ઘણા ડૉલરનું નુકસાન તો થાય છે, પણ એના શિકાર બનનાર પર જે વીતે છે, એનું શું!’ — ડૉક્ટર સ્ટેન્ટોન ઈ. સેમનાવે લખેલું પુસ્તક ગુનેગારોનો અસલી રંગ (અંગ્રેજી).

ભલે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ, દરરોજ વધારેને વધારે આઘાત આપતા સમાચાર જાણવા મળે છે. એટલે સવાલ થાય છે કે શું ગુનેગારોને યોગ્ય સજા થાય છે? શું જેલમાં તેઓ સુધરે છે કે બગડે છે? વધારે મહત્ત્વનો સવાલ એ કે ગુનેગારો કેમ ગુના કરે છે?

ડૉ. સેમનાવ કહે છે કે ‘ગુનેગાર એક વાર જેલમાં જાય પછી, વધારે ચતુર બને છે. તે ગુના કરવામાં વધારે ચાલાક બને છે. મોટા ભાગના તો છટકી જ જાય છે. આ તો જેઓ પકડાયા છે, એના પરથી કહી શકાય છે.’ એમ લાગે છે કે જેલમાં ગુનેગારો સુધરવાને બદલે વધારે બગડીને નીકળે છે. જાણે કે જેલમાં એકબીજા પાસેથીશીખીને નીકળે છે.—પાન ૭ પરનું “જેલ, ગુનેગારોની સ્કૂલ?” બૉક્સ જુઓ.

આજકાલ ઘણા ગુનેગારોને સજા થતી નથી. એટલે તેઓની હિંમત ખૂલી જાય છે. તેઓને લાગે છે કે ગુના કરવામાં કંઈ વાંધો નથી. ગુનો તેઓનું જીવન બની જાય છે. એક રાજાએ લખ્યું કે ‘દુષ્ટ કામની વિરુદ્ધ દંડ થતો નથી, એ માટે મનુષ્યોનું હૃદય ભૂંડું કરવામાં ચોંટેલું છે.’—સભાશિક્ષક ૮:૧૧.

વ્યક્તિ કેમ ગુનેગાર બને છે?

શું લોકો લાચારીને લીધે ગુનો કરે છે? ડૉ. સેમનાવ કહે છે, ‘મને લાગ્યું કે ગુનેગારોના જીવનમાં ગરીબી, નિરાશા આવે છે ત્યારે, તેઓ ગુનો કરી બેસે છે.’ પરંતુ ઘણા ગુનેગારોને જાણ્યા પછી ડૉ. સેમનાવે પોતાના વિચારો બદલ્યા. તે કહે છે: ‘હકીકતમાં ગુનેગારો પોતે ગુનો કરવાનું પસંદ કરે છે, નહિ કે તેઓના સંજોગો તેઓને એમાં ધકેલે છે. દરેક વ્યક્તિ વિચારીને જ કંઈક કરે છે. ગુનેગાર પણ વિચારીને જ ગુનો કરે છે.’ ડૉ. સેમનાવ આખરે કહે છે કે ‘ગુનેગારો કંઈ બિચારા નથી. તેઓ મન ફાવે એમ કરે છે. હકીકતમાં તેઓ લોકોને પોતાનો શિકાર બનાવે છે.’a

એક બ્રિટિશ ન્યૂઝપેપરનું મથાળું હતું: ‘શહેરના યુવાનો જીવવા માટે ગુના કરે છે.’ જોકે આજે લાખો લોકો ગરીબીની ચક્કીમાં પિસાય છે પણ ગુના કરવા દોડી જતા નથી. તેઓનાં કુટુંબમાં સંપ નથી, તેઓની કોઈને પડી નથી. તેઓની તકલીફોનો પાર નથી. એટલે જ ડૉ. સેમનાવ કહે છે, ‘વ્યક્તિ કંઈ અડોશ-પડોશને લીધે, માબાપને લીધે, બેકારીને લીધે ગુનેગાર બનતી નથી. પણ પોતાની મરજીથી ગુનેગાર બને છે.’

દુષ્ટ વિચારો, અપરાધોનું મૂળ

બાઇબલ કહે છે કે વ્યક્તિના સંજોગોનો નહિ, તેના વિચારોનો વાંક છે. એ જણાવે છે: ‘દરેક માણસ પોતાની વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી વાસના પાપ કરાવે છે અને પાપ મોતને ઉપજાવે છે.’ (યાકૂબ ૧:૧૪, ૧૫) વ્યક્તિ ખરાબ વિચારે તો ખરાબ કામ કરશે. માનો કે કોઈ પોર્નોગ્રાફી જોવા માંડે. એમ કરતા કરતા તેનું મન બૂરા વિચારોથી ભરાઈ જશે. એક દિવસ એની વાસના એટલી જોર પકડશે કે તે એને પૂરી કરવા ગમે એ કરશે.

આજની દુનિયાનું વાતાવરણ પણ એવું જ છે. જે મન થાય મેળવી લો, પછી ભલેને એ માટે ગમે એ કરવું પડે! બાઇબલ કહે છે, ‘અંતના સમયમાં લોકો સ્વાર્થી, લોભી, બડાશ મારનારા અને અભિમાની બની જશે. ઈશ્વરને પર પ્રેમ કરવાને બદલે વિલાસને ચાહનારા હશે.’ (૨ તીમોથી ૩:૧-૫, પ્રેમસંદેશ) ફિલ્મો, ટીવી, વીડિયો ગેમ્સ, પુસ્તકો પણ જાણે બળતામાં ઘી ઉમેરે છે. માબાપ, હીરો-હીરોઈન, ટીચર્સ અને નેતાઓએ સારો દાખલો બેસાડવો જોઈએ. પણ તેઓમાંના અમુક ખોટાં કામોમાં ફસાયેલા છે. એટલે ગુનામાં વધારો થતો જ જાય છે.b જોકે એવું નથી કે વ્યક્તિએ તેઓના જેવું બનવું જોઈએ. ઘણા ગુનેગારોએ પોતાના જીવનમાં ફેરફાર કર્યા છે ને સુખી થયા છે.

ગમે એવો ગુનેગાર સુધરી શકે!

એક વાર વ્યક્તિ ગુનેગાર બને એટલે એવું નથી કે તે બદલાઈ ન શકે. ડૉ. સેમનાવે કહ્યું કે ‘જેમ વ્યક્તિ ગુનો કરવાનું પસંદ કરે છે, તેમ તે સારો માર્ગ પણ પસંદ કરી શકે છે. એ તેના હાથમાં છે.’

અનુભવો બતાવે છે કે ગમે એવો ગુનેગાર બદલાઈ શકે છે.c જો વ્યક્તિ ઈશ્વરના નીતિ-નિયમો પ્રમાણે ચાલે તો તેનું જીવન સુધરી શકે છે. ઈશ્વર જ આપણા સર્જનહાર છે. એટલે તે જ આપણને શીખવી શકે કે સારું શું ને ખરાબ શું. તેમણે ૪૦ ઈશ્વરભક્તોને દોરવણી આપી, જેથી તેઓ તેમનું માર્ગદર્શન લખી લે. એ લખાણને આપણે બાઇબલ કહીએ છીએ. એ જ માર્ગદર્શન ગુનેગારને હરેક રીતે સુધારીને સુખી બનાવી શકે છે.—૨ તીમોથી ૩:૧૬, ૧૭.

અમુક માટે ઈશ્વરને માર્ગે ચાલવું સહેલું ન પણ હોય, કેમ કે ચંચળ મન ખોટું કરવા તરત દોડી જાય છે. બાઇબલના એક લેખકે મનની એ ‘લડાઈને’ યુદ્ધ સાથે સરખાવી. (રૂમી ૭:૨૧-૨૫) એ લડાઈ જીતવા તે ઈશ્વરભક્તે પોતાની શક્તિમાં નહિ, પણ ઈશ્વરની શક્તિમાં શ્રદ્ધા મૂકી. એ માટે ઈશ્વર આપણને બાઇબલ દ્વારા બહુ જ મદદ કરે છે.—હેબ્રી ૪:૧૨.

ઈશ્વરના માર્ગમાં ચાલો

કોઈ ગુનેગાર બાઇબલના નીતિ-નિયમો કેવી રીતે દિલમાં ઉતારી શકે? એ સમજવા એક દાખલો લઈએ. આપણે બરાબર ખાઈએ, ચાવીએ, પચાવીએ તો આપણી તબિયત સારી રહેશે. એવી જ રીતે, જો આપણે ઈશ્વરનાં વચનો વાંચીએ, સમજીએ અને દિલમાં ઉતારીએ તો આપણા સ્વભાવમાં સુધારો થશે. (માત્થી ૪:૪) બાઇબલ કહે છે: ‘છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ માનને યોગ્ય, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર છે; જો કોઈ સદ્‍ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો. શાંતિનો ઈશ્વર તમારી સાથે રહેશે.’—ફિલિપી ૪:૮, ૯.

જો કોઈએ ખરાબ આદતો છોડીને સારો સ્વભાવ કેળવવો હોય, તો ઈશ્વરનાં વચનો પર ‘વિચાર કરવો’ જોઈએ. એ રાતોરાત નથી થતું, પણ વ્યક્તિએ ધીરજ રાખવી પડશે, કેમ કે ધીરજનાં ફળ મીઠાં.—કોલોસી ૧:૯, ૧૦; ૩:૮-૧૦.

ચાલો આપણે એક અનુભવ જોઈએ. એક સ્ત્રી જ્યારે નાની બાળકી હતી, ત્યારે કોઈએ એને વાસનાનો ભોગ બનાવી. તે મોટી થતી ગઈ તેમ તેમ ડ્રગ્સ, દારૂ અને સિગારેટની બંધાણી થતી ગઈ. એક પછી એક ગુના કરતી ગઈ. એને લીધે હવે તે જેલની ચાર દીવાલોમાં હંમેશ માટે કેદ થઈ ગઈ છે. જેલમાં તે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગી. તેણે પોતાના વિચારો બદલ્યા. ખરાબ આદતો છોડીને, ઈશ્વરના વિચારો પ્રમાણે જીવવા લાગી. બાઇબલનો આ વિચાર તેને બહુ ગમે છે કે જે યહોવાહનો હાથ પકડે છે તેને તે પોતાની શક્તિ આપે છે. એ વ્યક્તિને “સ્વતંત્રતા” મળે છે. (૨ કોરીંથી ૩:૧૭) ભલે તે હજુ જેલમાં છે તોયે તેને એવી આઝાદી મળી છે, જે તેણે પહેલાં કદી અનુભવી ન હતી.

યહોવાહની મદદથી કોઈ પણ સુધરી શકે

ગુનેગારે જીવનમાં સુધારો કરવો હોય તો યહોવાહ તેને હંમેશાં સાથ આપશે.d ઈસુએ કહ્યું, “ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારૂ બોલાવવા હું આવ્યો છું.” (લુક ૫:૩૨) બાઇબલના નીતિ-નિયમો પ્રમાણે જીવવું સહેલું નથી. પણ વ્યક્તિએ સુધારો કરવા ધીરજ રાખવી પડશે. યહોવાહની મદદ લેવી પડશે. તે પોતાના લોકો દ્વારા તેને મદદ કરશે. (લુક ૧૧:૯-૧૩; ગલાતી ૫:૨૨, ૨૩) એટલે યહોવાહના સાક્ષીઓ જેલોમાં પણ જાય છે અને જે ચાહે તેને બાઇબલમાંથી શીખવે છે.e અમુક જેલોમાં તો યહોવાહના સાક્ષીઓ સભાઓ પણ ગોઠવે છે.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

ખુશીની વાત છે કે અમુક ગુનેગારોએ પોતાના જીવનમાં સુધારા કર્યા છે. તેઓ યહોવાહના ભક્ત બન્યા છે. પણ બાઇબલ જણાવે છે કે થોડા જ સમયમાં આખી પૃથ્વી પર ગુના નહિ થાય. બધે સુખ-શાંતિ હશે. જોકે આજે તો એવું નથી, પણ ‘દુષ્ટતા વધી’ રહી છે. (માત્થી ૨૪:૧૨) ચાલો હવે પછીના લેખમાં જોઈએ કે ક્યારે ઈશ્વર બધી દુષ્ટતાનું નામનિશાન મિટાવી દેશે. (g08 02)

[Footnotes]

a અમુક કિસ્સામાં આવા ગુનેગારોને મગજની બીમારી પણ હોય શકે. ખાસ કરીને એવા દેશોમાં જ્યાં તેઓને કોઈ મદદ ન મળે ને તેઓ આમતેમ રખડતા હોય. અથવા તો તેઓને સહેલાઈથી હથિયાર પણ મળી રહેતા હોય. જોકે આ લેખમાં એ વિષે વાત થતી નથી.

b વધારે માહિતી માટે આ અવેક! જુઓ: ફેબ્રુઆરી ૨૨, ૧૯૯૮, પાન ૩-૯ પર ‘ગુના વગરની દુનિયા ક્યારે આવશે?’ ઑગસ્ટ ૮, ૧૯૮૫, પાન ૩-૧૨ ‘શું કદી પણ ગુના વિનાની દુનિયામાં છૂટથી હરી-ફરી શકીશું?’ (અંગ્રેજી)

c ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનોમાં અમુક એવા અનુભવો આપ્યા છે. અવેક! જુલાઈ ૨૦૦૬, પાન ૧૧-૧૩ અને ઑક્ટોબર ૮, ૨૦૦૫, પાન ૨૦, ૨૧. ચોકીબુરજ જાન્યુઆરી ૧, ૨૦૦૦, પાન ૪-૫; ઑક્ટોબર ૧૫, ૧૯૯૮, પાન ૨૭-૨૯; ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૭, પાન ૨૧-૨૪.

d આ મૅગેઝિનના પાન ૨૯ પર “શું યહોવાહ આપણા ઘોર પાપને માફ કરે છે?” લેખ જુઓ.

e પાન ૯ પરનું “કેદીઓ બાઇબલનું જ્ઞાન લે છે” બૉક્સ જુઓ.

[Blurb on page 5]

લાખો લોકો ગરીબ છે, છતાંયે ગુનો કરતા નથી

[Picture on page 6, 7]

‘બે વર્ષમાં જ પાછા જેલમાં’

એમ લંડનનું ધ ટાઇમ્સ પેપર જણાવે છે. બ્રિટનમાં જેઓ ચોરીને લીધે જેલમાં પૂરાયા છે, તેઓમાંના સિત્તેર ટકા બે જ વર્ષમાં કોઈને કોઈ ગુનાને લીધે પાછા જેલમાં ગયા છે. એમાંના મોટા ભાગના ડ્રગ્સના બંધાણી છે, જેઓ પોતાની મોંઘીદાટ આદત સંતોષવા આવું કરતા હોય છે.

[Box on page 7]

‘જેલ,ગુનેગારોની સ્કૂલ?’

એક યુનિવર્સિટીના પ્રોફેસર જોન બ્રેથવેટે (કાયદા-કાનૂનના રિવ્યૂના પુસ્તકમાં) લખ્યું કે “જેલો જાણે કે ગુનેગારોની સ્કૂલ બની ગઈ છે.” ડૉ. સેમનાવે પોતાના પુસ્તકમાં કહ્યું કે ‘જેલમાં ગુનેગારો મોટા ભાગે જે ન શીખવાનું હોય એ શીખે છે. અમુક તો જેલમાં રહીને એટલા ચાલાક બને છે કે છૂટ્યા પછી, પકડાયા વગર વધારેને વધારે ગુના કરતા રહે છે.’

ડૉ. સેમનાવ આગળ કહે છે કે “જેલમાં જવાથી ગુનેગાર કંઈ સુધરી જતો નથી. જેલની અંદર હોય કે બહાર તે તેના ‘ફ્રેન્ડ્‌ઝ’ પાસેથી નવું નવું શીખતો રહે છે. બીજાને શીખવતો રહે છે.” એક યુવાન ગુનેગાર કહે છે: “જેલમાં જઈને તો મને વધારે અનુભવ મળ્યો, જાણે કે ગુના શીખવવાની ડિગ્રી મળી.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો