પ્રકરણ ૩૪
શા માટે ડ્રગ્સને ના કહેવી?
“હું લાગણીવશ બાળક છું,” ૨૪ વર્ષનો યુવક માઈક કહે છે. “કેટલીક વાર મને મારી ઉંમરના બીજાઓનો ડર અને ધાક લાગે છે. હું ઉદાસીનતા, અસલામતીનો અનુભવ કરું છું, અને કેટલીક વાર મેં આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું છે.”
એન, જે ૩૬ વર્ષની છે, તે “સ્વમાન ઓછું” ધરાવે છે, અને પોતાને “લાગણીમય રીતે બહુ નાની” તરીકે વર્ણવે છે. તે ઉમેરે છે: “મને સામાન્ય જીવન જીવવું બહુ અઘરું લાગે છે.”
માઈક અને એન તેઓ ઘણાં નાના હતાં ત્યારે તેઓએ કરેલા નિર્ણયના પરિણામો લણી રહ્યાં છે, એટલે કે, ડ્રગ્સનો અખતરો કરવો. આજે લાખો યુવાનો એમ કરી રહ્યાં છે—ઈંજેકશન લેવું, ગળવું, સૂંઘવું, અને કોકેઈનથી માંડીને મેરિયુવાના સુધીની દરેક વસ્તુનું ધૂમ્રમાન કરવું. કેટલાક યુવાનો કોયડાથી છૂટવા ‘ડ્રગ્સ લેતા’ હોય છે. બીજાઓ પોતાની જિજ્ઞાસા સંતોષવા સંડોવાય છે. હજુ બીજાઓ ઉદાસીનતા અથવા કંટાળો ઓછો કરવા ડ્રગ્સનું સેવન કરે છે. અને એક વાર શરૂ કર્યા પછી, ઘણાં ફકત એના આનંદ માટે ડ્રગ્સનું સેવન ચાલુ રાખે છે. સત્તર વર્ષનો ગ્રાંટ કહે છે: “હું [મેરિયુવાનાનું] ધૂમ્રપાન ફકત એની મઝા માટે કરું છું. વટ પાડવા કે સામાજિક કારણોસર નહિ. . . . મેં કદી પણ સમોવડિયાના દબાણને લીધે નહિ, પરંતુ મારે એમ કરવું હતું માટે ધૂમ્રપાન કર્યું.”
ગમે તે હોય પણ, ઘણી શકયતા છે કે વહેલા-મોડા તમે ડ્રગ્સના સંપર્કમાં આવશો અથવા સીધેસીધા જ આપવામાં આવશે. “મારી શાળાના ચોકીદારો પણ પોટ [મેરિયુવાના] વેચી રહ્યાં છે,” એક યુવક કહે છે. ડ્રગ્સની સાધનસામગ્રી ખુલ્લી રીતે પ્રદર્શિત કરવામાં અને વેચવામાં આવે છે. તેમ છતાં, એની લોકપ્રિયતા છતાં, તમારે ડ્રગ્સને ના કહેવાને સારું કારણ છે. શા માટે?
ડ્રગ્સ વૃદ્ધિ અટકાવે છે
માઈક અને એનની જેમ, કોયડામાંથી છટકવા ડ્રગ્સનું સેવન કરતા યુવાનોનો વિચાર કરો. અમારા અગાઉના પ્રકરણમાં બતાવવામાં આવ્યું તેમ, લાગણીમય વૃદ્ધિ જીવનના પડકારોનો સામનો કરવાથી, સફળતા હાથ ધરવાથી, નિષ્ફળતામાંથી પસાર થવાથી આવે છે. પોતાના કોયડા માટે રાસાયણિક આશ્રય પર આધાર રાખતા યુવાનો પોતાનો લાગણીમય વિકાસ અવરોધે છે. તેઓ કોયડાનો સામનો કરવા માટે જરૂરી આવડતો વિકસાવવામાં નિષ્ફળ જાય છે.
બીજી કોઈ પણ આવડતની જેમ, સામનો કરવાની ક્ષમતા મહાવરો માગી લે છે. દ્રષ્ટાંત આપીએ તો: શું તમે કદી પણ કુશળ સોક્કર રમતવીરને નિહાળ્યો છે? તે પોતાના માથું અને પગોનો એવી રીતોએ ઉપયોગ કરી શકે છે જે ખરેખર અદ્ભુત હોય છે! તોપણ, એ રમતવીરે એવી કુશળતા કઈ રીતે વિકસાવી? વર્ષોના મહાવરાથી. તે એ રમતમાં કુશળ થયો ત્યાં સુધી, તે દડાને લાત મારતા, એની સાથે દોડતા, સામા પક્ષને ભૂલથાપ ખવડાવતા વગેરે શીખ્યો.
સામનો કરવાની આવડત વિકસાવવામાં પણ એવું જ છે. એ મહાવરો માગી લે છે—અનુભવ! તોપણ નીતિવચન ૧:૨૨માં બાઈબલ પૂછે છે: “હે મૂઢો, તમે કયાં સુધી મૂઢમતિને [“બિનઅનુભવને,” NW] ચાહશો? . . . અને મૂર્ખો વિદ્યાને ધિક્કારશે?” ડ્રગ્સથી પેદા કરેલા સારાપણાના તરંગ પાછળ છૂપાતો યુવાન ‘બિનઅનુભવને ચાહે છે’; તે જીવન જીવવા માટે જરૂરી વિદ્યા અને સામનો કરવાની આવડત વિકસાવવામાં નિષ્ફળ જાય છે. ટોકિંગ વિથ યોર ટીનેજર્સ પુસ્તક ડ્રગ્સનું સેવન કરતા તરુણો વિષે કહે છે તેમ: “જીવનની પીડાકારક ક્ષણોમાંથી એ પદાર્થો વિના પસાર થઈ શકાય એ બોધપાઠ કદી પણ શીખવામાં આવતો નથી.”
આમ, છટકવા માટે ડ્રગ્સનું સેવન કરનાર એન કબૂલે છે: “મેં ૧૪ વર્ષથી મારા કોયડા હાથ ધર્યા નથી.” માઈકે એમ કહી સરખો જ વિચાર વ્યકત કર્યો: “હું ૧૧ વર્ષનો હતો ત્યારથી મેં ડ્રગ્સનું સેવન કર્યું હતું. મેં ૨૨ની ઉંમરે એનો ઉપયોગ બંધ કર્યો ત્યારે, મને બાળક જેવું લાગ્યું. હું સલામતી મેળવવાનો પ્રયત્ન કરી, બીજાઓની પાછળ-પાછળ ફરતો હતો. મને સમજાયું કે મેં ડ્રગ્સનું સેવન શરૂ કર્યું ત્યારથી મારો લાગણીમય વિકાસ અટકી ગયો હતો.”
“મેં વિકાસના એ બધા વર્ષો વેડફી નાખ્યા,” ૧૩ વર્ષની ઉંમરથી ડ્રગ્સનો દુરુપયોગ કરનાર ફ્રેંકે ઉમેર્યું. “મેં બંધ કર્યું ત્યારે, મને દુઃખદપણે સમજાયું કે જીવન જીવવા માટે હું જરા પણ તૈયાર ન હતો. બીજો કોઈ પણ તરુણ સામનો કરે છે એવા લાગણીમય વંટોળસહિત હું ફરીથી ૧૩ વર્ષની ઉંમર અનુભવવા લાગ્યો.”
શું ડ્રગ્સ મારી તંદુરસ્તીને હાનિ કરી શકે?
આ ચિંતાનો બીજો વિસ્તાર છે. મોટા ભાગના યુવાનો સમજે છે કે કડક કહેવાતા ડ્રગ્સ તમને મારી નાખી શકે. પરંતુ હળવા કહેવાતા ડ્રગ્સ વિષે શું, જેમ કે મેરિયુવાના? શું એને વિષે જે સર્વ ચેતવણીઓ તમે સાંભળી રહ્યા છો એ ફકત બીવડાવવાની રીતો છે? જવાબમાં, ચાલો આપણે મેરિયુવાના ડ્રગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.
મેરિયુવાના (જે પોટ, રીફર, ગ્રાસ, ગાંજો, અથવા વીડ તરીકે પણ જાણીતું છે) નિષ્ણાતો મધ્યે ઘણા વિવાદનો વિષય બન્યું છે. અને માની લઈએ છીએ કે, આ લોકપ્રિય ડ્રગ વિષે ઘણી જાણકારી નથી. એક બાબત એ છે કે, મેરિયુવાના અત્યંત જટિલ છે; મેરિયુવાનાની સીગારેટનો ધુમાડો ૪૦૦થી વધુ રાસાયણિક સંયોજનો ધરાવે છે. સીગારેટના ધુમાડાથી કેન્સર થાય છે એ સમજતાં ડોકટરોને ૬૦થી વધુ વર્ષો લાગ્યા. તેવી જ રીતે મેરિયુવાનાના ૪૦૦ સંયોજનો માનવ શરીરને શું કરે છે એ કોઈ પણ વ્યકિતને ખાતરીપૂર્વક જાણતા દાયકાઓ લાગશે.
તથાપિ, પ્રતિષ્ઠિત યુ.એસ. ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિસિનના નિષ્ણાતોની ટુકડી, હજારો સંશોધન પત્રોના અભ્યાસ પછી, નિષ્કર્ષ પર આવી: “આજ દિન સુધી પ્રકાશિત કરવામાં આવેલો વૈજ્ઞાનિક પુરાવો દર્શાવે છે કે મેરિયુવાના બહોળા પ્રમાણમાં માનસિક અને શારીરિક અસર ધરાવે છે, જેમાંની કેટલીક, ઓછામાં ઓછી અમુક પરિસ્થિતિમાં, માનવ આરોગ્યને હાનિકારક છે.” એ હાનિકારક અસરમાંની કેટલીક કઈ છે?
મેરિયુવાના—એ તમારા શરીરને શું કરે છે
દાખલા તરીકે, ફેફસાંનો વિચાર કરો. મેરિયુવાનાના સૌથી ચુસ્ત ટેકેદારો પણ કબૂલે છે કે ધુમાડો શ્વાસમાં લેવો તમારા માટે સારું નથી. તમાકુના ધુમાડાની જેમ, મેરિયુવાનાનો ધુમાડો, ડામર જેવા, સંખ્યાબંધ ઝેરી પદાર્થો ધરાવે છે.
ડો. ફોરેસ્ટ એસ. ટેનન્ટ, જુ.એ મેરિયુવાનાનું સેવન કરનાર યુ.એસ. લશ્કરના ૪૯૨ સૈનિકોનું સર્વેક્ષણ કર્યું. લગભગ ૨૫ ટકાને “કેનબિસનું ધૂમ્રપાન કરવાને લીધે ગળામાં ખંજવાળ ઉપડી, અને કંઈક ૬ ટકાએ જણાવ્યું કે તેઓને બ્રોંકાઈટિસ થયો હતો.” બીજા અભ્યાસમાં, મેરિયુવાનાનું સેવન કરતા ૩૦માંથી ૨૪માં શ્વાસનળીના “જખમ જે કેન્સરના શરૂઆતના તબક્કાનું લક્ષણ છે” એ જણાયાં.
સાચું, કોઈ પણ વ્યકિત ખાતરી ન આપી શકે કે એ વ્યકિતઓને પછીથી કેન્સર થશે કે કેમ. પરંતુ શું તમે એ જોખમ ઊઠાવવા માગશો? ઉપરાંત, બાઈબલ કહે છે કે દેવ ‘સર્વને જીવન તથા શ્વાસોચ્છવાસ આપે છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૫) તમે ફેફસાં અને ગળાને નુકસાન કરતું કંઈક જાણીજોઈને શ્વાસમાં લો તો, શું તમે જીવનના આપનાર પ્રત્યે આદર બતાવી રહ્યા છો?
સભાશિક્ષક ૧૨:૬માં માનવ મગજને કાવ્યમય રીતે “સોનેરી પ્યાલો” કહેવામાં આવ્યું છે. તમારી મૂઠ્ઠી કરતાં ભાગ્યે જ મોટું અને ફકત ૧.૪ કિલોગ્રામ વજન ધરાવતું મગજ તમારી યાદગીરીઓ ભેગી કરતું પાત્ર છે એટલું જ નહિ પરંતુ તમારા જ્ઞાનતંતુ વ્યવસ્થાનું આદેશ કેન્દ્ર પણ છે. એનો ખ્યાલ રાખી, ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિસિનની ચેતવણીની નોંધ લો: “આપણે ભરોસાપૂર્વક કહી શકીએ કે મેરિયુવાના મગજ પર તીવ્ર અસર પેદા કરે છે, જેમાં રાસાયણિક અને ઈલેકટ્રીક-શારીરિક ફેરફારોનો સમાવેશ થાય છે.” હાલમાં, મેરિયુવાના મગજને કાયમી નુકસાન કરે છે એવા નિષ્કર્ષવાળી સાબિતી નથી. તથાપિ, મેરિયુવાના ‘સોનેરી પ્યાલાʼને કોઈ પણ રીતે હાનિ કરે એવી શકયતાને હળવી ગણી રદ કરવી જોઈએ નહિ.
અને એક દિવસ લગ્ન કરી બાળકો ધરાવવાના તમારા ભાવિ વિષે શું? ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિસિન જણાવે છે કે મેરિયુવાના “અખતરા માટેના પ્રાણીઓને મોટા પ્રમાણમાં આપવાથી જન્મની ખોડ ઊભી કરે છે” એમ જણાયું છે. માનવીઓ પર પણ એની એવી જ અસર છે કે કેમ એ હજુ સુધી સાબિત કરવામાં આવ્યું નથી. તેમ છતાં, યાદ રાખો કે, (ડીઈએસ અંતઃસ્ત્રાવથી થતી હોય એવી) જન્મની ખોડ પોતે પ્રદર્શિત થતાં ઘણી વાર વર્ષો લાગે છે. તેથી મેરિયુવાનાનું ધૂમ્રપાન કરનારાઓના બાળકો—અને પૌત્રો—વિષે ભાવિમાં શું રહેલું છે એ જોવાનું રહે છે. ડો. ગેઈબ્રીયલ નેહાસ કહે છે કે મેરિયુવાનાનું ધૂમ્રપાન કરવું “આનુવંશિકતાનો જુગાર” છે. શું બાળકોને “યહોવાહનું આપેલું ધન” તરીકે જોનાર આવા જોખમો લઈ શકે?—ગીતશાસ્ત્ર ૧૨૭:૩.
ડ્રગ્સ—બાઈબલની દ્રષ્ટિ
અલબત્ત, મેરિયુવાના ઘણાં લોકપ્રિય ડ્રગ્સમાંનું એક છે. પરંતુ એ સારું દ્રષ્ટાંત આપે છે કે આનંદ ખાતર મનને બદલતો કોઈ પણ પદાર્થ લેવાનું નિવારવા માટે પૂરતું કારણ છે. બાઈબલ કહે છે: “જુવાનોનો મહિમા તેઓનું બળ છે.” (નીતિવચન ૨૦:૨૯) યુવાન વ્યકિત તરીકે, નિઃશંક તમે સારી તંદુરસ્તીનો આનંદ માણો છો. એને વેડફી દેવાનું જોખમ પણ શા માટે ખેડવું?
જો કે, સૌથી મહત્ત્વનું તો, આપણી પાસે આ બાબત વિષેની બાઈબલની દ્રષ્ટિ છે. એ આપણને ‘વિચારશકિત . . . સાચવવા’ કહે છે, રાસાયણિક દુરુપયોગ દ્વારા બગાડવાનું નહિ. (નીતિવચન ૩:૨૧) એ વધુમાં ઉત્તેજન આપે છે: “આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને દેવનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.” ખરેખર, ડ્રગ્સના દુરુપયોગ જેવા આચરણ નિવારી, ‘પોતાને મલિનતાથી શુદ્ધ’ કરનારને જ દેવ વચન આપે છે: “હું તમારો અંગીકાર કરીશ, અને તમારો પિતા થઈશ.”—૨ કોરીંથી ૬:૧૭–૭:૧.
તથાપિ, ડ્રગ્સને ના પાડવી સહેલું ન હોય શકે.
સમોવડિયા અને તેઓનું દબાણ
ઉનાળાની એક ઠંડકભરી સાંજે, જો અને ફ્રેંક, જેઓ પિત્રાઈ ભાઈઓ અને નિકટના મિત્રો હતા, તેઓએ સમજૂતી કરી. “બીજું કોઈ ગમે તે કરતું હોય,” બેમાંથી નાના જોએ કહ્યું, “આપણે કદી પણ ડ્રગ્સની મૂર્ખતામાં ન પડીએ.” બંને યુવકોએ કોલકરાર માટે હાથ મિલાવ્યા. ફકત પાંચ વર્ષ પછી, ડ્રગ્સ સંબંધિત અકસ્માતને પરિણામે જો તેની કારમાં મૃત્યુ પામેલો મળી આવ્યો. અને ફ્રેંક ડ્રગ્સનો સખત વ્યસની બન્યો હતો.
કયાં વાંધો પડ્યો? જવાબ બાઈબલમાં મળી આવતી આ તાકીદની ચેતવણીમાં મળે છે: “ભૂલશો મા; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીંથી ૧૫:૩૩) જો અને ફ્રેંક બંને ખોટા ટોળામાં ભળ્યા. તેઓએ ડ્રગ્સનું સેવન કરનારાઓ સાથે જેટલી વધુને વધુ સંગત રાખી, તેટલા તેઓએ પોતે પણ ડ્રગ્સનો અખતરો કરવાનું શરૂ કર્યું.
સેલ્ફ-ડીસ્ટ્રકટીવ બીહેવીયર ઇન ચિલ્ડ્રન એન્ડ એડોલેસન્ટસ પુસ્તક અવલોકે છે: “મોટા ભાગે નિકટનો મિત્ર યુવાનિયાઓને વિવિધ ડ્રગ્સ આપે છે અથવા એ ‘તરફ વાળે’ છે . . . [તેનો] ઈરાદો ઉત્તેજક કે આનંદદાયક અનુભવના સહભાગી થવાનો હોય શકે.” શરૂઆતમાં ઉલ્લેખવામાં આવેલો માઈક એની પુષ્ટિ કરી કહે છે: “મારે માટે સમોવડિયાના દબાણનો સામનો કરવો સૌથી અઘરી બાબત હતી. . . . મારી સાથેના બધા બાળકો મેરિયુવાનાનું ધૂમ્રપાન કરતાં હતાં, અને હું તેમાં ભળી જવા માગતો હતો, એને લીધે મેં પ્રથમ વાર મેરિયુવાનાનું ધૂમ્રપાન કર્યું.”
સ્પષ્ટ કહીએ તો, તમારા મિત્રો ડ્રગ્સનું સેવન શરૂ કરે તો, તમે પણ તેમાં ભળવા, તેમના જેવું કરવા, સખત લાગણીમય દબાણ હેઠળ આવશો. તમે તમારું મિત્રમંડળ બદલશો નહિ તો, પૂરી શકયતા છે કે તમે પણ છેવટે ડ્રગ્સનું સેવન કરનાર બનશો.
“જ્ઞાની પુરુષોની સંગત કરશે”
“જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખોનો સાથી છે તેને નુકસાન થશે,” નીતિવચન ૧૩:૨૦ કહે છે. મુદ્દાનું દ્રષ્ટાંત આપીએ તો, તમે શરદી થતી નિવારવા માગતા હો તો, શું તમે ચેપી લોકો સાથેનો નિકટનો સંબંધ નિવારશો નહિ? “તેવી જ રીતે,” એડોલેસન્ટ પીયર પ્રેશર પુસ્તક જણાવે છે, “આપણે ડ્રગ્સનો દુરુપયોગ . . . નિવારવા માગતા હોઈએ તો . . . , આરોગ્યપ્રદ સંતુલિત પરિસ્થિતિ જાળવવાની અને હાનિકારક અસરો ઓછી કરવાની જરૂર છે.”
તેથી શું તમે ડ્રગ્સને ના કહેવા માગો છો? તો પછી તમે કોની સંગત રાખો છો એ વિષે સાવધ રહો. ડ્રગ્સથી મુકત રહેવાના તમારા નિર્ણયને ટેકો આપે એવા, દેવનો ભય રાખનાર ખ્રિસ્તીઓની મૈત્રી શોધો. (સરખાવો ૧ શમૂએલ ૨૩:૧૫, ૧૬.) નિર્ગમન ૨૩:૨ના શબ્દો પણ નોંધો. જો કે, મૂળ શપથવાળી સાક્ષી આપતા શાહેદોને સંબોધવામાં આવ્યાં હતાં છતાં, એ યુવાનો માટે સારી સલાહ છે: “ઘણાઓનું અનુસરણ કરીને તું દુષ્ટતા ન કર.”
નિર્વિવાદ પોતાના સમોવડિયાને અનુસરનાર ગુલામ સિવાય બીજું કંઈ નથી. રૂમી ૬:૧૬માં (ન્યૂ ઇન્ટરનેશનલ વર્શન) બાઈબલ કહે છે: “શું તમે જાણતા નથી કે તમે ગુલામ તરીકે કોઈકની આજ્ઞા પાળવા પોતાને તેની સમક્ષ રજૂ કરો છો ત્યારે, તમે જેની આજ્ઞા પાળો છો તેના તમે ગુલામ છો?” તેથી જ બાઈબલ યુવાનોને ‘વિચારશકિત’ વિકસાવવાનું ઉત્તેજન આપે છે. (નીતિવચન ૨:૧૦-૧૨) પોતાને માટે વિચારતાં શીખો, અને તમે વંઠેલા યુવાનોને અનુસરવાનું વલણ ધરાવશો નહિ.
સાચું, તમે ડ્રગ્સ અને એની અસર વિષે જિજ્ઞાસુ હશો. પરંતુ ડ્રગ્સ લોકોને શું કરે છે એ જાણવા માટે તમારે પોતાના મન અને શરીરને પ્રદુષિત કરવાની જરૂર નથી. ડ્રગ્સનો દુરુપયોગ કરનારા તમારી ઉંમરનાઓને અવલોકો—ખાસ કરીને લાંબા સમયથી દુરુપયોગ કરતા હોય તેઓને. શું તેઓ સતર્ક અને બુદ્ધિશાળી જણાય છે? શું તેઓએ પોતાના માકર્સ જાળવી રાખ્યા છે? અથવા શું તેઓ ઠોઠ અને બેધ્યાન છે, કેટલીક વાર તો તેઓની આસપાસ શું થઈ રહ્યું છે એ વિષે પણ અજાણ? ડ્રગ્સનું સેવન કરનારાઓએ પોતે જ એવાઓનું વર્ણન કરવા નવો શબ્દ બનાવ્યો છે: “દાઝેલા.” તોપણ, ઘણાં “દાઝેલા”ઓએ શકયપણે જિજ્ઞાસાથી ડ્રગ્સનું સેવન કરવાનું શરૂ કર્યું. તો પછી, એમાં કંઈ નવાઈ નથી કે, બાઈબલ ખ્રિસ્તીઓને બિનઆરોગ્યપ્રદ જિજ્ઞાસા દબાવવાની અને “દુષ્ટતામાં બાળકો” થવાની અરજ કરે છે.—૧ કોરીંથી ૧૪:૨૦.
તમે ના કહી શકો!
ડ્રગ્સના દુરુપયોગ પર યુ.એસ. નેશનલ ઇન્સ્ટીટ્યુટે પ્રકાશિત કરેલી એક પુસ્તિકા આપણને યાદ દેવડાવે છે: “ડ્રગ્સનું સેવન કરવાની તકને ના પાડવી . . . તમારો હક્ક છે. તમારા નિર્ણય વિષે વાંધો ઊઠાવનાર કોઈ પણ મિત્ર સ્વતંત્ર વ્યકિત તરીકેના તમારા હક્કને કોતરી ખાઈ રહ્યો છે.” કોઈક તમને ડ્રગ્સ આપે તો તમે શું કરો? ના કહેવાની હિંમત ધરાવો! એનો અર્થ જરૂરીપણે એવો થતો નથી કે ડ્રગ્સના દુરુપયોગની દુષ્ટતા વિષે ભાષણ આપવું. એ પુસ્તિકાએ આવા સાદા જવાબ આપવાનું સૂચવ્યું, “ના, આભાર, મારે ધૂમ્રપાન કરવું નથી” અથવા, “ના ના, માથાકૂટ જોઈતી નથી” અથવા મજાકમાં, “હું શરીર પ્રદુષિત કરવાના ધંધામાં નથી.” તેઓ આપવાનું ચાલુ રાખે તો, તમારે મક્કમપણે ના કહેવું જોઈએ! તમે ખ્રિસ્તી છો એ બીજાઓને જણાવવું પણ રક્ષણ સાબિત થઈ શકે.
મોટા થવું સહેલું નથી. પરંતુ તમે ડ્રગ્સનું સેવન કરી મોટા થવાનું કષ્ટ નિવારો તો, જવાબદાર, પરિપકવ વ્યકિત બનવાની તમારી શકયતાને તમે ગંભીરપણે અવરોધશો. કોયડાનો સીધેસીધો સામનો કરતા શીખો. દબાણો કચડી નાખતા જણાય તો, રાસાયણિક છટકબારી ન શોધો. બાબતો થાળે પાડવામાં મદદ કરી શકે એવા મા/બાપ કે બીજા કોઈક જવાબદાર પુખ્ત વ્યકિત સાથે બાબતોની વાત કરી લો. બાઈબલનું ઉત્તેજન પણ યાદ રાખો: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશકિતની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.”—ફિલિપી ૪:૬, ૭.
હા, યહોવાહ દેવ તમને ના કહેવાનું સામર્થ્ય આપશે! કોઈને પણ તમારા નિર્ણયને નબળો પડવા દબાણ કરવા ન દો. માઈક અરજ કરે છે તેમ: “ડ્રગ્સનો અખતરો ન કરો. નહિ તો, તમારા બાકીના જીવનમાં સહન કરવું પડશે!”
“મારી શાળાના ચોકીદારો પણ પોટ વેચી રહ્યાં છે,” એક યુવક કહે છે
ડ્રગ્સને ના કહેવાની હિંમત ધરાવો!
હમણાં ડ્રગ્સ દ્વારા તમારા કોયડામાંથી છટકો . . .
અને પુખ્ત વ્યકિત તરીકે તમને કોયડાનો સામનો કરવો અઘરું લાગશે
“મને સમજાયું કે મેં ડ્રગ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે મારો લાગણીમય વિકાસ અટકી ગયો.”—અગાઉ ડ્રગ્સનું સેવન કરનાર માઈક
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૩૪
◻ શા માટે આટલા બધા યુવાનો ડ્રગ્સમાં સંડોવાય છે?
◻ ડ્રગ્સનું સેવન કઈ રીતે તમારી લાગણીમય વૃદ્ધિ અવરોધી શકે?
◻ મેરિયુવાના શરીરને કઈ રીતે અસર કરે છે એ વિષે શું જાણો છો?
◻ આનંદ માટે ડ્રગ્સ લેવા વિષે બાઈબલની દ્રષ્ટિ કેવી છે?
◻ ડ્રગ્સથી મુકત રહેવા તમારી સંગત વિષે સાવધ રહેવું શા માટે અગત્યનું છે?
◻ ડ્રગ્સને ના કહેવાની કેટલીક રીતો કઈ છે?
મેરિયુવાના—નવું અદ્ભુત ડ્રગ?
મેરિયુવાના ગ્લોકોમા અને દમ તથા કેન્સરના દર્દીઓ કીમોથેરપીના ઉપચાર દરમ્યાન અનુભવે છે એ ઊબકા શાંત પાડવામાં ઉપચારક મૂલ્ય ધરાવી શકે એવા દાવા વિષે ઘણી ખટપટ થઈ છે. યુ.એસ. ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિસિનનો અહેવાલ સ્વીકારે છે કે એ દાવાઓ પાછળ કંઈક સત્ય રહેલું છે. પરંતુ શું એનો એવો અર્થ થાય કે નજીકના ભવિષ્યમાં ડોકટરો મેરિયુવાનાની સીગારેટનું પ્રીસ્ક્રીપ્શન લખી આપશે?
શકયપણે નહિ, કેમ કે મેરિયુવાનાના ૪૦૦થી વધુ રાસાયણિક સંયોજનોમાંના કેટલાક ઉપયોગી સાબિત થઈ શકે ત્યારે, એવી દવાઓ લેવા માટે મેરિયુવાનાનું ધૂમ્રપાન કરવું જરા પણ તર્કપૂર્ણ નથી. “મેરિયુવાનાનો ઉપયોગ કરવો,” નોંધપાત્ર અધિકૃત વ્યકિત ડો. કાર્લટન ટર્નર કહે છે, “એ જાણે પેનિસિલિન મેળવવા માટે લોકોને ફૂગવાળી બ્રેડ ખાવા આપવા જેવું થાય.” આમ મેરિયુવાનાના કોઈ પણ સંયોજનો લાભદાયી દવા બને તો, ડોકટરો મેરિયુવાનામાંથી “લેવામાં આવતા અથવા અનુરૂપ,” એટલે કે એના જેવા રાસાયણિક સંયોજનોનું, પ્રીસ્ક્રીપ્શન લખશે. તો પછી, એમાં કંઈ નવાઈ નથી કે યુ.એસ. સેક્રેટરી ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસએ લખ્યું: “એના પર ભાર મૂકાવો જોઈએ કે શકય ઉપચારક લાભો મેરિયુવાનાની આરોગ્ય પરની નોંધપાત્ર નકારાત્મક અસરમાં કોઈ પણ રીતે ફેરફાર કરતા નથી.”