ભાગ આઠમાં શું છે?
યહોવાએ સુલેમાનને ઘણી બુદ્ધિ આપી. મંદિર બનાવવાનું કામ સોંપીને તેમને ખાસ માન પણ આપ્યું. તોપણ સમય જતાં તેમણે યહોવાને છોડી દીધા. તમારા બાળકને સમજાવો કે જૂઠા દેવોની ભક્તિ કરતા લોકોએ કઈ રીતે સુલેમાનને યહોવાથી દૂર કરી દીધા. ઇઝરાયેલ દેશના બે ભાગ થઈ ગયા. ખરાબ રાજાઓએ ઇઝરાયેલી લોકોને યહોવાથી દૂર કરી દીધા અને મૂર્તિપૂજા તરફ દોરી ગયા. એ સમયમાં યહોવાના ઘણા વફાદાર પ્રબોધકોને સતાવવામાં આવ્યા અને મારી નાખવામાં આવ્યા. રાણી ઇઝેબેલે આખા ઉત્તરના રાજ્યને યહોવાની વિરુદ્ધ કરી દીધું. ઇઝરાયેલના ઇતિહાસનો આ સૌથી ખરાબ સમય હતો. જોકે, હજુ પણ ઘણા ઇઝરાયેલીઓ યહોવાની ભક્તિ કરતા હતા. જેમ કે, રાજા યહોશાફાટ અને પ્રબોધક એલિયા.