રાજ્ય પ્રચારકોનો અહેવાલ
ઑસ્ટ્રૅલિયાના દૂર દૂરના વિસ્તારોમાં પ્રચાર કરવો
ઑસ્ટ્રૅલિયામાં ઘણા દૂર દૂરના વિસ્તારોમાં છેલ્લા બાર વર્ષથી પ્રચાર થયો ન હતો. તેથી, યહોવાહના સાક્ષીઓએ ઉત્તરીય વિસ્તારના મુખ્ય શહેર ડાર્વિનમાં નવ દિવસના પ્રચાર કાર્યની ઝુંબેશ ઉપાડી, જેથી તેઓ નમ્ર લોકોને શોધી શકે.—માત્થી ૧૦:૧૧.
આ પ્રચાર કરવા માટે એક વર્ષ અગાઉથી કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આઠ લાખથી વધારે ચોરસ કિલોમીટરમાં પથરાયેલા એ વિસ્તાર માટે નકશાઓ વગેરે તૈયાર કરવામાં આવ્યા. આ વિસ્તાર ગુજરાત કરતાં લગભગ ચાર ગણો મોટો છે. એ કેટલો વિશાળ હશે એનો અંદાજ મેળવવા એક દાખલો લો. લોકોના ફાર્મ હાઉસ એટલા તો મોટા છે કે મુખ્ય ઝાંપાએથી તેઓના ઘરે જવા ૩૦ કરતાં વધારે કિલોમીટર અંદર જવું પડે. અમુક કિસ્સાઓમાં તો એક ઘરથી બીજા ઘરે જવા ૩૦૦થી વધારે કિલોમીટર મુસાફરી કરવી પડે.
આ ઝુંબેશમાં ૧૪૫ ભાઈબહેનોએ ભાગ લીધો. કેટલાક તો દૂર ટેઝ્મેનિયાથી પણ આવ્યા. અમુક ભાઈબહેનો પોતાનું વાહન લઈને ઝુંબેશમાં ગયા ને સાથે જરૂરી વસ્તુઓ, સ્પેરપાર્ટ્સ અને પેટ્રોલ પણ લેતા ગયા. તો બીજાઓ વાહન સાથે ટ્રૅલર્સ લઈ આવ્યા જેથી એમાં જરૂરી વસ્તુઓ મૂકી શકે. જેઓની કાર બરાબર ન હતી તેઓ માટે બાવીસ જણા બેસી શકે એવી બે બસો ભાડે રાખવામાં આવી. બસમાં જનારાઓને પસંદ કરેલા અમુક નાના ગામડાંઓમાં પ્રચાર કાર્ય સોંપવામાં આવ્યું.
મુસાફરી શરૂ કરતા પહેલાં, આગેવાની લેનાર ભાઈઓએ ટૉક્સ અને દૃશ્યોની ગોઠવણ કરી. જેથી બધાને આ નવા વિસ્તારમાં કઈ રીતે પ્રચાર કરવો એ વિષે માર્ગદર્શન મળે. દાખલા તરીકે, ઍબઓરીજીનલ સમાજમાં પ્રચાર કરવા અમુક રીતભાત અને તેઓના રિવાજોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. જંગલના જીવજંતુઓ અને પ્રાણીઓથી પોતાનું રક્ષણ કઈ રીતે કરવું એની પણ ચર્ચા કરવામાં આવી.
ઘણા ભાઈબહેનોને સરસ અનુભવો થયા. દાખલા તરીકે, ઍબઓરીજીનલ લોકોની એક વસાહતમાં ભાઈઓએ બાઇબલમાંથી ટૉક આપવાની ગોઠવણ કરી. સમાજની મુખીએ પોતે જઈને લોકોને એ વિષે જણાવ્યું. ત્યાર પછી, સભામાં આવનારાઓને તેઓએ ૫ પુસ્તકો, ૪૧ પુસ્તિકાઓ વહેંચી. બીજી એક વસાહતમાં ભાઈઓ એક માણસને મળ્યા. તેની પાસે કીંગ જેમ્સ વર્ઝન બાઇબલ પણ હતું. એ બાઇબલ ઘણું જૂનું અને ફાટી ગયેલું હતું. ભાઈએ તેને પૂછ્યું કે ‘શું તમને પરમેશ્વરનું નામ ખબર છે?’ તેણે ‘હા’ કહ્યું. પછી કોટના ખિસ્સામાંથી ચોકીબુરજનો જૂનો અંક કાઢીને એમાંથી માર્ક ૧૨:૩૦ વાંચી: ‘તારા પૂરા હૃદયથી પ્રભુ તારા દેવ [યહોવાહ] પર તું પ્રીતિ કર.’ તેણે કહ્યું, “મને ખરેખર આ કલમ ખૂબ ગમે છે.” બાઇબલમાંથી લાંબી ચર્ચા કર્યા પછી, તેણે નવું બાઇબલ અને બીજું સાહિત્ય પણ લીધું.
ઢોરના એક મોટા તબેલાના મેનેજરે પણ રાજ્ય સંદેશમાં રસ બતાવ્યો. એ તબેલો કાર્પેન્ટેરિયાના અખાત નજીક દસ લાખ એકર જમીન પર પથરાયેલો હતો. તેણે બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક અને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છેa પુસ્તક જોઈને તરત પૂછ્યું કે ક્રિઓલ ભાષામાં કોઈ સાહિત્ય છે કે કેમ. આપણા ભાઈને ખૂબ નવાઈ લાગી. કેમ કે ભલે ઘણા ઍબઓરીજીનલો ક્રિઓલ ભાષા બોલતા હોય, પરંતુ ગણ્યા ગાંઠ્યા જ એને વાંચી શકતા હતા. જોકે પછી ભાઈને જાણવા મળ્યું કે એ તબેલામાં કામ કરતા બધા જ પચાસ કામદારો ક્રિઓલ ભાષા વાંચી સમજી શકતા હતા. પછી ભાઈએ એ મેનેજરને તેની ભાષામાં ઘણું સાહિત્ય આપ્યું, જેનાથી તે બહુ ખુશ થઈ ગયો. તેણે પોતાનો ફોન નંબર આપ્યો જેથી તેની સાથે વધારે વાતચીત થઈ શકે.
નવ દિવસના પ્રચાર કામ દરમિયાન, ૧૨૦ બાઇબલ, ૭૭૦ પુસ્તકો, ૭૦૫ મૅગેઝિનો અને ૧,૯૬૫ પુસ્તિકાઓ આપવામાં આવી. તેમ જ ૭૨૦ ફરીમુલાકાતો લેવામાં આવી અને ૨૧૫ બાઇબલ અભ્યાસો શરૂ કરવામાં આવ્યા.
આમ, પરમેશ્વરનું જ્ઞાન લેવા તડપી રહેલા નમ્ર લોકોની આત્મિક ભૂખ સંતોષવામાં આવી.—માત્થી ૫:૬.
[ફુટનોટ]
a યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.
[પાન ૩૦ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
ઑસ્ટ્રૅલિયા
ડાર્વિન
કાન્ટેરિયાનો અખાત
ઉત્તરીય વિસ્તાર
સિડની
ટેઝ્મેનિયા