૪ શંકાનું સમાધાન કરો
‘ઓ અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?’—માત્થી ૧૪:૩૧.
લોકોને શું શંકા છે? લોકો સમજી શકતા નથી કે ખરું શું ને ખોટું શું. એટલે શંકા ઉઠાવે છે. પણ એમાં કંઈ વાંધો નથી, ઈસુના શિષ્યોએ પણ શંકા કરી હતી. (માત્થી ૧૪:૩૦; લુક ૨૪:૩૬-૩૯; યોહાન ૨૦:૨૪, ૨૫) બાઇબલ પણ જણાવે છે: “સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી.” (૨ થેસ્સાલોનીકી ૩:૨) તેમ છતાં, બાઇબલ શંકાને “વળગી રહેનાર પાપ” કહે છે. (હેબ્રી ૧૨:૧) એટલે જ એ શંકાને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. એમ કરીશું તો ઈશ્વર આપણને આશીર્વાદ આપશે.
શંકા કેવી રીતે દૂર થશે? સૌથી પહેલાં તો તમારી શંકાના પુરાવા શોધો. દાખલા તરીકે, ઈસુના એક શિષ્ય થોમાને શંકા હતી કે ઈસુ સજીવન થયા નથી. બીજા શિષ્યોએ તેમને કહ્યું કે ઈસુ સજીવન થયા છે તોપણ તેમણે માન્યું નહિ. તેમને સાબિતી જોઈતી હતી. એટલે સજીવન થએલા ઈસુએ તેમની શંકા દૂર કરવા પૂરતી સાબિતી આપી.—યોહાન ૨૦:૨૪-૨૯.
આજે આપણી શંકા દૂર કરવા યહોવાહે આપણને પવિત્ર બાઇબલ આપ્યું છે. દાખલા તરીકે, યુદ્ધો, હિંસા અને દુઃખ-તકલીફોને લીધે અમુક લોકોનો ઈશ્વરમાંથી ભરોસો ઊઠી ગયો છે. પણ બાઇબલ જણાવે છે કે એમાં ઈશ્વરનો વાંક નથી. તો પછી, દુઃખ-તકલીફો પાછળ કોનો હાથ છે.
શેતાન અને માણસની સરકારનો હાથ છે. એ સમજવા ઈસુ અને શેતાન વચ્ચેની વાતચીત પર ધ્યાન આપીએ: “શેતાને તેને કહ્યું, કે આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ; કેમકે એ મારે સ્વાધીન કરેલું છે; અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. ઈસુએ તેને ઉત્તર આપ્યો, કે એમ લખેલું છે, કે તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું, ને એકલા તેની જ સેવા કરવી.” (લુક ૪:૫-૮) અહીંયા ઈસુએ શેતાનને એમ ન કહ્યું કે ‘તને કોણે અધિકાર આપ્યો છે?’ એ બતાવે છે કે ઈસુ જાણતા હતા કે શેતાન પાસે આખી દુનિયાનો અધિકાર છે. એટલે તેમણે જણાવ્યું કે શેતાન “આ જગતનો અધિકારી છે.” (યોહાન ૧૪:૩૦) એનો અર્થ થાય કે માણસોની સરકાર શેતાનના હાથમાં છે. એ કારણે આપણા પર દુઃખ તકલીફો આવે છે.—પ્રકટીકરણ ૧૨:૯, ૧૨.
યહોવાહ જલદી જ દુઃખ તકલીફોને દૂર કરશે. તેમણે પૃથ્વી પર પોતાનું રાજ્ય લાવવાની જોગવાઈ કરી છે. એ રાજ્ય દ્વારા યહોવાહ અને ઈસુ, માણસોની બધી દુઃખ તકલીફોને દૂર કરશે. (માત્થી ૬:૯, ૧૦; ૧ કોરીંથી ૧૫:૨૦-૨૮) યહોવાહના સાક્ષીઓ આ સુસમાચાર દુનિયા ફરતે ફેલાવી રહ્યાં છે. (માત્થી ૨૪:૧૪) જલદી જ આ રાજ્ય આખી પૃથ્વી પર સુખ-શાંતિ લાવશે.—દાનીયેલ ૨:૪૪; માત્થી ૨૫:૩૧-૩૩, ૪૬; પ્રકટીકરણ ૨૧:૩, ૪.
શું ફાયદો થશે? તમને કોઈ શંકા હોય તો એ દૂર કરવા બાઇબલની તપાસ કરો. એનાથી તમે “વિશ્વાસમાં દૃઢ” થશો. (૧ કોરીંથી ૧૬:૧૩) એમ નહિ કરો તો તમારી શ્રદ્ધા જાણે ‘પવનથી ડોલાં ખાનારા’ જેવી થશે.—એફેસી ૪:૧૪; ૨ પીતર ૨:૧.
ઈશ્વર, ઈસુ અને બાઇબલ વિષે કંઈ શંકા હોય તો, એ શંકા દૂર કરવા યહોવાહના સાક્ષીઓ તમને મદદ કરશે. તેઓને મળવા પાન પાંચ પર આપેલા યોગ્ય સરનામે પત્ર લખી શકો. (w09 5/1)
વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે પુસ્તકમાંથી ‘ઈશ્વરનું રાજ્ય શું છે?’ અને ‘ઈશ્વર કેમ દુઃખ તકલીફો ચાલવા દે છે?’ પ્રકરણ જુઓ.a
[ફુટનોટ્સ]
a આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૯ પર ચિત્રનું મથાળું]
જે લોકો પોતાની શંકા દૂર કરે છે તેઓનો વિશ્વાસ મજબૂત થાય છે