વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૩/૧૫ પાન ૩-૬
  • અમને મળી વધુ ઉજ્જવળ કારકિર્દી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અમને મળી વધુ ઉજ્જવળ કારકિર્દી
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • અમારું જીવન સાવ બદલાઈ ગયું
  • આનંદ આપતી નવી કારકિર્દી
  • શું પરમેશ્વરના મિત્ર બની શકાય?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • શું નૃત્ય કરવું ખ્રિસ્તીઓ માટે છે?
    સજાગ બનો!—૧૯૯૬
  • આવો આનંદ બીજે ક્યાંથી મળે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • આજે પણ તેને એ ગીત યાદ છે
    સજાગ બનો!—૨૦૦૦
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૩/૧૫ પાન ૩-૬
ડેવિડ અને ગ્વેન કાર્ટરાઇટ સાથે મળીને પ્રચાર કરી રહ્યાં છે

જીવન સફર

અમને મળી વધુ ઉજ્જવળ કારકિર્દી

ડેવિડ અને ગ્વેન કાર્ટરાઇટનાં જણાવ્યાં પ્રમાણે

પાંચ વર્ષની ઉંમરથી જ હું ડાન્સ શીખવા લાગ્યો. ગ્વેન પણ આશરે પાંચ વર્ષની ઉંમરથી ડાન્સ શીખતી હતી. અમે એકબીજાને હજી સુધી મળ્યાં ન હતાં. પરંતુ, અમે બંને મોટા થયાં તેમ બૅલે ડાન્સમાં કારકિર્દી બનાવવા માગતાં હતાં. અમે અમારી કારકિર્દીની ટોચ પર જ હતાં અને એને પડતી મૂકી. એવો નિર્ણય લેવા પાછળ કારણ શું હતું?

ડેવિડ: હું ૧૯૪૫માં ઇંગ્લૅન્ડના શોપશાયરમાં જન્મ્યો. એક શાંત ગામમાં મારા પપ્પાની વાડી હતી. સ્કૂલેથી છૂટ્યા બાદ મને મરઘીને દાણા નાંખવા અને ઈંડાં ભેગાં કરવાની મજા આવતી. તેમ જ, ગાય-ભેંસ અને ઘેટાંનાં ટોળાંની પણ હું સંભાળ રાખતો. સ્કૂલના વેકેશન દરમિયાન હું ખેતીકામમાં પણ મદદ કરતો અને કોઈક વાર ટ્રૅકટર પણ ચલાવતો.

જોકે, મારો રસ બીજા એક વિષયમાં જાગવા લાગ્યો. મારા પપ્પાએ નોંધ્યું હતું કે બાળપણમાં કોઈ સંગીત વાગે, ત્યારે હું ડાન્સ કરવા લાગતો. એટલે હું પાંચ વર્ષનો થયો ત્યારે, તેમણે મારી મમ્મીને કહ્યું કે મને ટેપ ડાન્સ શીખવા નજીકની ડાન્સ સ્કૂલમાં મૂકે. જોકે, મારા ડાન્સ શિક્ષકે વિચાર્યું કે મારામાં બૅલે ડાન્સર બનવાનો હુન્‍નર છે, એટલે તે મને એ ડાન્સ શીખવવા લાગ્યા. હું ૧૫ વર્ષનો હતો ત્યારે એક સ્કૉલરશિપ જીત્યો. એમાં મને લંડનની મશહૂર રોયલ બૅલે સ્કૂલમાં તાલીમ મેળવવાનો મોકો મળ્યો. ત્યાં મારી મુલાકાત ગ્વેન સાથે થઈ. અમે ડાન્સમાં એકબીજાના જોડીદાર બન્યા.

ગ્વેન: મારો જન્મ વર્ષ ૧૯૪૪માં, લંડનમાં થયો. નાનપણથી જ મારામાં ઈશ્વર માટે ઘણી શ્રદ્ધા હતી. હું બાઇબલ વાંચતી પણ મને એ સમજવું અઘરું લાગતું. પાંચ વર્ષની હતી ત્યારથી જ હું ડાન્સ શીખવા જતી હતી. હું ૧૧ વર્ષની ઉંમરે એક સ્પર્ધા જીતી, જેમાં આખા બ્રિટનમાંથી ઘણા લોકોએ ભાગ લીધો હતો. એ સ્પર્ધાનું ઇનામ હતું, ધ રોયલ બૅલે સ્કૂલમાં સીધેસીધો પ્રવેશ. લંડન શહેરની બહાર આવેલા રીચમંડ પાર્કમાં, વ્હાઇટ લૉજ નામની એક સુંદર હવેલી હતી, જ્યાં એ સ્કૂલ ચાલતી. ત્યાં મેં મશહૂર શિક્ષકો પાસેથી બૅલે ડાન્સની તાલીમ મેળવી. પછી, ૧૬ વર્ષની ઉંમરે, હું સૅન્ટ્રલ લંડનની ધ રોયલ બૅલે સ્કૂલમાં ગઈ. ત્યાં મારી મુલાકાત ડેવિડ સાથે થઈ. થોડા જ મહિનાઓમાં રોયલ ઑપેરા હાઉસમાં અમે બંને બૅલે ડાન્સમાં સાથે દૃશ્યો ભજવવાં લાગ્યાં, જે લંડનના કૉવેન્ટ ગાર્ડનમાં આવેલું હતું.

ડેવિડ અને ગ્વેન કાર્ટરાઇટની જોડી બૅલે ડાન્સ કરી રહી છે

બૅલે ડાન્સની કારકિર્દીને લીધે અમે દુનિયાભરમાં મુસાફરી કરી

ડેવિડ: ગ્વેને જણાવ્યું તેમ ડાન્સની અમારી કારકિર્દી અમને બહુ આગળ લઈ આવી. એના લીધે, અમને પ્રખ્યાત રોયલ ઑપેરા હાઉસ અને લંડન ફૅસ્ટિવલ બૅલેમાં (હવે ઇંગ્લીશ નેશનલ બૅલેમાં) ડાન્સ કરવાનો મોકો મળ્યો. રોયલ બૅલેના એક કોરિયોગ્રાફરે જર્મનીના વુપરટલમાં એક આંતરરાષ્ટ્રીય કંપની ખોલી. એમાં તેમણે અમારી જોડી પસંદ કરી. અમારી કારકિર્દી દરમિયાન અમે દુનિયાભરનાં ઘણાં રંગમંચ પર ડાન્સ કરી શક્યા. એમાં અમે મશહૂર કલાકાર મોર્ગો ફોન્ટિન અને રુડોલ્ફ નુરેવિવ સાથે કામ કર્યું. એવું હરીફાઈવાળું જીવન કોઈને પણ સ્વાર્થી બનવા ઉશ્કેરે છે. એટલે જ અમે બસ અમારી કારકિર્દી બનાવવા પાછળ પડી ગયાં.

ગ્વેન: હું પૂરાં તન-મનથી ડાન્સ કરવામાં પરોવાયેલી રહેતી. ડેવિડ અને હું ડાન્સ કરવામાં સૌથી આગળ નીકળવાં ચાહતાં હતાં. મને ઑટોગ્રાફ આપવામાં, ફૂલો સ્વીકારવામાં અને તાળીઓનો ગળગળાટ સાંભળવામાં ખૂબ મજા આવતી. રંગમંચની દુનિયામાં મારી આસપાસના લોકો અનૈતિક કામોમાં, સિગારેટ અને દારૂ પીવામાં રચ્યાં-પચ્યાં રહેતા. બીજાઓની જેમ હું પણ લકી વસ્તુઓ પર આધાર રાખતી.

અમારું જીવન સાવ બદલાઈ ગયું

ડેવિડ અને ગ્વેન કાર્ટરાઇટના લગ્‍નનો દિવસ

અમારા લગ્‍નનો દિવસ

ડેવિડ: ડાન્સના ક્ષેત્રમાં ઘણાં વર્ષો વિતાવ્યાં પછી, હું મુસાફરી કરી કરીને થાકી ગયો. મારો ઉછેર શહેરથી દૂર શાંત વિસ્તારમાં થયો હતો, માટે મને ફરી એવું સાદું જીવન જીવવું હતું. તેથી, ૧૯૬૭માં હું બધું છોડીને પાછો ગામના જીવન તરફ ફર્યો. મારા પપ્પાના ઘરની નજીક એક વાડી હતી, જેના માલિકે મને એક નાનું ઘર રહેવા ભાડે આપ્યું. પછી, મેં ગ્વેનને ફોન કર્યો અને મારી સાથે લગ્‍ન કરવા પૂછ્યું. એ સમયે તે પોતાની કારકિર્દીમાં આગળ વધી રહી હતી, એટલે તેના માટે લગ્‍નનો નિર્ણય લેવો મુશ્કેલ હતો. તોપણ, તે મારી સાથે લગ્‍ન કરવા રાજી થઈ. અરે, તે મારી સાથે શહેરથી દૂર ગામડામાં રહેવા આવી, જેના વિશે તેને બહુ ઓછો અનુભવ હતો.

ગ્વેન: હા, મારા માટે ગામડામાં રહેવું અઘરું હતું. ભલે કોઈ પણ મોસમ હોય, ગાયો, ભૂંડો અને મરઘાંને ખોરાક આપવો, ગાયોનું દૂધ કાઢવું, એ બધું શહેરના જીવનથી સાવ જુદું હતું. ડેવિડ નવ મહિનાના એક કોર્સમાં જોડાયા, જેનાથી તે પશુપાલન માટેની આધુનિક રીતો શીખી શકે. તે મોડી રાતે ઘરે આવતા માટે આખો દિવસ મને એકલું એકલું લાગતું. પરંતુ, થોડા સમય પછી, અમારી પહેલી દીકરી ગિલેનો જન્મ થયો. ડેવિડના કહેવાથી હું કાર ચલાવતા પણ શીખી ગઈ. એક દિવસે હું નજીકના ગામમાં ગઈ, જ્યાં મારી મુલાકાત ગૅલ સાથે થઈ. હું એ બહેનને પહેલેથી ઓળખતી હતી, કેમ કે લંડનમાં તે મારા વિસ્તારની એક દુકાનમાં કામ કરતાં હતાં.

ડેવિડ અને ગ્વેન કાર્ટરાઇટ સાથે મળીને વાડીમાં કામ કરી રહ્યાં છે

યુગલ તરીકેની શરૂઆતમાં વાડીનું જીવન

ગૅલે મને પોતાના ઘરે ચા માટે બોલાવી. ત્યાં અમે એકબીજાને અમારાં લગ્‍નના ફોટા બતાવ્યા. તેમનાં એક ફોટામાં તે એક ટોળા સાથે કિંગ્ડમ હૉલ કહેવાતી જગ્યાની બહાર ઊભાં હતાં. મેં તેમને એ ચર્ચ વિશે પૂછ્યું. ત્યારે તેમણે જણાવ્યું કે તે અને તેમનાં પતિ યહોવાના સાક્ષીઓ છે. એ સાંભળીને હું ખુશ થઈ ગઈ. કેમ કે, મને ખબર હતી કે મારાં એક ફોઈ પણ સાક્ષી હતાં. જોકે, મને એ પણ યાદ હતું કે તેમની સાથે મારા પપ્પા તોછડાઈથી વર્તતા. પપ્પા મારાં ફોઈનું સાહિત્ય કચરાપેટીમાં નાંખી દેતાં. મને સમજાતું ન હતું કે તે કેમ એવું કરતા. કારણ કે મારા પપ્પા સ્વભાવે ઘણા પ્રેમાળ હતા. ઉપરાંત, મારાં ફોઈ પણ નમ્ર હતાં.

આખરે મને એ શોધવાની તક મળી કે કઈ રીતે મારાં ફોઈની માન્યતા ચર્ચના શિક્ષણથી સાવ અલગ હતી. ગૅલે મને બતાવ્યું કે બાઇબલ ખરેખર શું શીખવે છે. મને ત્રૈક્ય અને અમર આત્મા જેવી માન્યતાઓ વિશે સત્ય જાણવા મળ્યું. મને ખૂબ નવાઈ લાગી કે એ માન્યતાઓ તો બાઇબલ વિરુદ્ધનું શિક્ષણ છે. (સભા. ૯:૫, ૧૦; યોહા. ૧૪:૨૮; ૧૭:૩) તેમ જ, જિંદગીમાં મેં પહેલી વાર બાઇબલમાં યહોવાનું નામ જોયું.—નિર્ગ. ૬:૩.

ડેવિડ: ગ્વેને મને જણાવ્યું કે તે શું શીખતી હતી. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે મારા પપ્પા મને કહેતા કે બાઇબલ વાંચવું જોઈએ. તેથી, ગૅલ અને તેમના પતિ ડેરિક પાસેથી, હું અને ગ્વેન બાઇબલમાંથી અભ્યાસ કરવા રાજી થયાં. છ મહિના પછી, શોપશાયરમાં જ આવેલાં, ઑસવેસ્ટ્રીમાં અમે રહેવાં ગયાં. કેમ કે, ત્યાં અમને એક નાની વાડી ભાડે લેવાની તક મળી. ત્યાં અમે દેદ્રે નામનાં બહેન પાસે બાઇબલ અભ્યાસ ચાલું રાખ્યો. અમારી પ્રગતિ ધીમી હતી. કેમ કે, ઢોર-ઢાંકની દેખરેખ પાછળ ઘણો સમય જતો હતો. તોપણ, ધીરે ધીરે સત્યનાં મૂળ અમારાં દિલમાં ઊંડે ઊતરતાં ગયાં.

ગ્વેન: મારી અંધશ્રદ્ધા એક મોટી અડચણ હતી, જેમાંથી મારે બહાર આવવાનું હતું. યશાયા ૬૫:૧૧થી મને ઘણી મદદ મળી. એમાંથી મેં જાણ્યું કે ‘સૌભાગ્ય દેવીને માટે જમવાનું પીરસનારા’ લોકોને યહોવા કેવા ગણે છે. જોકે, મારા માટે લકી વસ્તુઓ જડમૂળથી કાઢી નાખતા, મને ઘણો સમય લાગ્યો. અરે, ઘણી પ્રાર્થનાઓ કરવી પડી. હું શીખી શકી કે “જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે; અને જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે.” એના લીધે મને સમજાયું કે યહોવા કેવા લોકોને પસંદ કરે છે. (માથ. ૨૩:૧૨) મારે હવે એવા ઈશ્વરની ભક્તિ કરવી હતી, જે આપણી સંભાળ રાખે છે. અને જેમણે પાપ તેમજ મરણમાંથી આપણને આઝાદ કરવા પોતાનો એકનોએક દીકરો આપી દીધો. મારા જીવનના એ સમય સુધીમાં અમારી બીજી દીકરીનો જન્મ થઈ ગયો હતો. અમારું કુટુંબ આવનારી નવી દુનિયામાં કાયમ માટે જીવી શકશે, એ જાણવું ખૂબ રોમાંચક હતું.

ડેવિડ: બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે, એ જાણીને મને નવાઈ લાગી. જેમ કે, માથ્થીના ૨૪મા અધ્યાયની અને દાનીયેલના પુસ્તકની ભવિષ્યવાણીઓ. મને ખાતરી થઈ કે હું જે શીખું છું એ જ સત્ય છે. હું એ પણ સમજી શક્યો કે યહોવા સાથેના સંબંધ કરતાં આ દુનિયામાં બીજી કોઈ પણ બાબત મહત્ત્વની નથી. સમય વીતતો ગયો તેમ, જગતમાં આગળ વધવાની મારી ઇચ્છા ઘટવા લાગી. હું સમજી શક્યો કે મારી જેમ મારી પત્ની અને દીકરીઓ પણ એટલા જ મહત્ત્વનાં છે. ફિલિપી ૨:૪થી હું ખાતરી પામ્યો કે મારે પોતાનો જ વિચાર ન કરવો જોઈએ. તેમ જ, મોટી વાડી મેળવવાનો વિચાર પણ ન કરવો જોઈએ. એના બદલે, યહોવાની સેવા કરવાને જીવનમાં પ્રથમ મૂકવી જોઈએ. મેં સિગારેટ પીવાનું પણ છોડી દીધું. જોકે, અમારા માટે શનિવાર સાંજે ઘરથી ૧૦ કિ.મી. દૂર આવેલી સભાઓમાં જવું અઘરું બનતું. કારણ કે, એ સમય ગાયનું દૂધ કાઢવાનો સમય હતો. પરંતુ, ગ્વેનની મદદથી અમે સભામાં જવાનું કે રવિવાર સવારે દીકરીઓ સાથે પ્રચારમાં જવાનું કદી ચૂક્યાં નહિ.

અમારા નિર્ણયથી સગાં-સંબંધીઓ ખુશ ન હતાં. ગ્વેનના પિતાએ તો તેની સાથે છ વર્ષ સુધી વાત કરી નહિ. મારાં મમ્મી-પપ્પાએ પણ અમને સાક્ષીઓની સંગત કરવાથી રોક્યાં હતાં.

ગ્વેન: જોકે, યહોવાએ અમને એ પડકારોનો સામનો કરવા મદદ આપી. સમય વીત્યો તેમ, ઑસવેસ્ટ્રી મંડળનાં ભાઈ-બહેનો અમારું નવું કુટુંબ બન્યાં. તેઓએ અમારી મુશ્કેલીઓમાં પ્રેમથી સાથ આપ્યો. (લુક ૧૮:૨૯, ૩૦) અમે બંનેએ ૧૯૭૨માં યહોવાને અમારું જીવન સમર્પિત કર્યું અને બાપ્તિસ્મા લીધું. બની શકે એટલા લોકોને સત્ય જણાવવાની ઇચ્છા હોવાથી મેં પાયોનિયરીંગ શરૂ કર્યું.

આનંદ આપતી નવી કારકિર્દી

ડેવિડ: વાડીમાં અમે જેટલાં વર્ષો કામ કર્યું, એમાં અમે સખત મહેનત કરી. તેમ છતાં, યહોવાની સેવા કરવામાં અમે દીકરીઓ માટે સારું ઉદાહરણ બેસાડી શક્યાં. સમય વીત્યો તેમ, સરકારી કાપને કારણે અમારે વાડી ગુમાવવી પડી. અમારું ઘર અને ધંધો છીનવાઈ ગયાં. એ સમયે અમારી ત્રીજી દીકરી તો માંડ એક વર્ષની હતી. અમે મદદ અને માર્ગદર્શન માટે યહોવાને પ્રાર્થના કરી. અમે અમારી કળા વાપરવાનું વિચાર્યું અને કુટુંબનું ભરણપોષણ કરવા એક ડાન્સ ક્લાસ ખોલ્યો. કપરા સંજોગોમાં પણ અમે યહોવાની ભક્તિને જીવનમાં પ્રથમ રાખવાનો નિર્ણય કર્યો. એના લીધે અમને ઘણું સારું પરિણામ મળ્યું. સૌથી ખુશીની વાત છે કે અમારી ત્રણેય દીકરીઓ સ્કૂલનું ભણતર પતાવ્યાં પછી, પાયોનિયરીંગ શરૂ કરી શકી. મારી પત્ની પણ પાયોનિયર હતી, જેના લીધે દીકરીઓને મદદ મળી હતી.

અમારી બંને મોટી દીકરીઓ ગિલે અને ડેનિઝનાં લગ્‍ન થયાં પછી, અમે ડાન્સ ક્લાસ વેચી દીધો. સેવા આપવા ક્યાં જઈ શકીએ એ પૂછવા અમે શાખાને પત્ર લખ્યો. તેઓએ અમને દક્ષિણ-પૂર્વ ઇંગ્લૅન્ડના એક શહેરમાં જવા કહ્યું. હવે મારા પર ફક્ત નાની દીકરી ડૅબ્બીની જવાબદારી હોવાથી, મેં પણ પાયોનિયરીંગ શરૂ કર્યું. પાંચ વર્ષ પછી અમને ઇંગ્લૅન્ડના ઉત્તરમાં આવેલા મંડળમાં મોકલવામાં આવ્યાં. ડૅબ્બીના લગ્‍ન પછી અમને ઝિમ્બાબ્વે, મૉલ્ડોવા, હંગેરી અને આઇવરી કોસ્ટમાં ૧૦ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય બાંધકામમાં મદદ કરવાનો લહાવો મળ્યો. ત્યાર બાદ, અમને લંડન બેથેલનાં બાંધકામમાં મદદ આપવા બોલાવવામાં આવ્યાં. પશુપાલનના અનુભવને કારણે મને એ સમયની બેથેલ વાડીમાં કામ કરવા કહેવામાં આવ્યું. હાલમાં, અમે બંને ઉત્તર-દક્ષિણ ઇંગ્લેન્ડમાં કામ કરીએ છીએ.

ડેવિડ અને ગ્વેન કાર્ટરાઇટ સાથે મળીને ઝિમ્બાબ્વેમાં આપણા બાંધકામમાં મદદ આપી રહ્યાં છે

આંતરરાષ્ટ્રીય બાંધકામમાં સેવા આપવામાં અમને ઘણી મજા આવી

ગ્વેન: બૅલે ડાન્સની અમારી કારકિર્દીમાં મજા આવતી, પણ એ ક્ષણિક હતી. જ્યારે કે અમારી બીજી કારકિર્દી, એટલે કે યહોવાની ભક્તિ સૌથી વધારે મહત્ત્વની છે. એનાથી અમને ઘણી ખુશી મળી છે, જે હંમેશાં રહેશે. અમે હજીયે એકબીજાના જોડીદાર છીએ. પહેલાં અમે સાથે મળીને ડાન્સ કરતા, હવે અમે સાથે મળીને પ્રચાર કરીએ છીએ. લોકોને મૂલ્યવાન અને જીવન બચાવતો સંદેશો આપવાથી અમને અપાર આનંદ મળે છે. આ “ભલામણપત્રો” દુનિયાની નામના કરતાં વધારે કીમતી છે. (૨ કોરીં. ૩:૧, ૨) જો અમને સત્ય ન મળ્યું હોત, તો અમારી પાસે જૂની કારકિર્દીની ફક્ત યાદો, જૂના ફોટા અને રંગમંચના કાર્યક્રમોનાં ચોપાનિયાં હોત.

ડેવિડ: યહોવાની સેવામાં કારકિર્દી બનાવવાથી અમારાં જીવનમાં ઘણો ફરક આવ્યો છે. એના લીધે, હું એક સારો પતિ અને પિતા બની શક્યો છું. બાઇબલ જણાવે છે કે મરિયમ, રાજા દાઊદ અને બીજાઓ પણ ખુશી વ્યક્ત કરવા નાચી ઊઠ્યાં હતાં. અમે પણ બીજા ઘણાંની સાથે યહોવાની નવી દુનિયામાં ખુશીથી નાચી ઊઠવા આતુર છીએ.—નિર્ગ. ૧૫:૨૦; ૨ શમૂ. ૬:૧૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો