વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w20 મે પાન ૨-૭
  • અંતના સમયમાં “ઉત્તરનો રાજા”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અંતના સમયમાં “ઉત્તરનો રાજા”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઉત્તરના રાજા અને દક્ષિણના રાજાની ઓળખ
  • દક્ષિણનો રાજા કોણ છે?
  • ઉત્તરનો રાજા કોણ છે?
  • રાજાઓ ઈશ્વરભક્તો સામે લડે છે
  • ઉત્તરનો એક નવો રાજા ઊભો થાય છે
  • બે રાજાઓએ હાથ મિલાવ્યો
  • આપણે કેમ એ ઇતિહાસ જાણવાની જરૂર છે?
  • આજે “ઉત્તરનો રાજા” કોણ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • બાઇબલની ભવિષ્યવાણીઓમાંથી શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • અંતના સમયે ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
w20 મે પાન ૨-૭

અભ્યાસ લેખ ૧૯

અંતના સમયમાં “ઉત્તરનો રાજા”

‘અંતના સમયે, દક્ષિણનો રાજા ઉત્તરના રાજાની સામે થશે.’—દાની. ૧૧:૪૦.

ગીત ૪૯ યહોવા છે સહારો

ઝલકa

૧. દાનીયેલના અગિયારમા અધ્યાયની ભવિષ્યવાણીથી આપણને શું ખબર પડે છે?

યહોવાના લોકો સાથે ભાવિમાં શું થશે એ વિશે આપણે જાણીએ છીએ. બાઇબલની ભવિષ્યવાણીમાંથી ઝલક મળે છે કે બહુ જલદી મોટા મોટા બનાવો થવાના છે. એમાંની એક ભવિષ્યવાણીથી આપણને ખબર પડે છે કે માણસોની અમુક શક્તિશાળી સરકારો શું કરશે. એ ભવિષ્યવાણી દાનીયેલના અગિયારમા અધ્યાયમાં છે. એમાં બે રાજાઓ વિશે જણાવ્યું છે, જેઓ એકબીજા સામે લડે છે. એક છે ઉત્તરનો રાજા અને બીજો છે દક્ષિણનો રાજા. એ ભવિષ્યવાણીનો મોટો ભાગ પૂરો થઈ ગયો છે. એટલે આપણે ખાતરી રાખી શકીએ કે બાકીનો ભાગ પણ પૂરો થશે.

૨. દાનીયેલની ભવિષ્યવાણીને સમજવા કઈ વાત ધ્યાનમાં રાખવી જોઈએ?

૨ દાનીયેલના અગિયારમા અધ્યાયની ભવિષ્યવાણીને સારી રીતે સમજવા આપણે એક વાત યાદ રાખવી જોઈએ. એ ભવિષ્યવાણીમાં ફક્ત એવા શાસકો અને સરકારો વિશે બતાવ્યું છે, જેઓએ ઈશ્વરભક્તો પર હુમલો કર્યો હતો. અથવા જે દેશમાં ઈશ્વરભક્તો રહેતા હતા એના પર તેઓએ રાજ કર્યું હતું. દુનિયાના લોકોની સામે ઈશ્વરના લોકો તો સાવ ઓછા છે. તો પછી શા માટે એ સરકારો ઈશ્વરભક્તોને નિશાન બનાવે છે? કારણ કે શેતાન અને તેની દુષ્ટ દુનિયાએ ઈશ્વરભક્તોનો નાશ કરવાની મનમાં ગાંઠ વાળી છે. (ઉત્પત્તિ ૩:૧૫ અને પ્રકટીકરણ ૧૧:૭; ૧૨:૧૭ વાંચો.) બીજી પણ એક વાત યાદ રાખવાની જરૂર છે. દાનીયેલની ભવિષ્યવાણી સમજવા, એ વિશે બાઇબલની બીજી ભવિષ્યવાણીઓ શું કહે છે એનો પણ વિચાર કરવો જોઈએ. જો એમ કરીશું તો દાનીયેલની ભવિષ્યવાણીને સારી રીતે સમજી શકીશું.

૩. આ લેખમાં અને હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૩ આગળ જણાવેલી વાત ધ્યાનમાં રાખીને આપણે દાનીયેલ ૧૧:૨૫-૩૯ પર હવે ચર્ચા કરીશું. આપણે જોઈશું કે ૧૮૭૦થી ૧૯૯૧ સુધીમાં ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા કોણ હતું. આપણે એ પણ જોઈશું કે એ ભવિષ્યવાણીના અમુક ભાગની સમજણમાં કેમ સુધારો કરવાની જરૂર છે. હવે પછીના લેખમાં આપણે દાનીયેલ ૧૧:૪૦–૧૨:૧ કલમોની ચર્ચા કરીશું. ૧૯૯૧થી આર્માગેદનના યુદ્ધ સુધીના સમયગાળા વિશેની ભવિષ્યવાણીની સમજણમાં પણ આપણે સુધારો કરીશું. દાનીયેલની ભવિષ્યવાણીને સારી રીતે સમજી શકીએ માટે આ બે લેખોનો અભ્યાસ કરતી વખતે ચાર્ટનો પણ ઉપયોગ કરીશું. એ ચાર્ટનું શિર્ષક છે, “અંતના સમયે ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા.” પહેલા આપણે જોઈશું કે ભવિષ્યવાણીમાં બતાવેલા બે રાજાઓ કોને બતાવે છે.

ઉત્તરના રાજા અને દક્ષિણના રાજાની ઓળખ

૪. ઉત્તરના રાજા અને દક્ષિણના રાજાની ઓળખ મેળવવા આપણે કઈ ત્રણ બાબતો જોઈશું?

૪ શરૂઆતમાં “ઉત્તરનો રાજા” ઇઝરાયેલ દેશની ઉત્તરે આવેલા વિસ્તારના રાજાને બતાવતું હતું. અને “દક્ષિણનો રાજા” ઇઝરાયેલ દેશની દક્ષિણે આવેલા વિસ્તારના રાજાને બતાવતું હતું. એવું શાના પરથી કહી શકાય? જે સ્વર્ગદૂતે દાનીયેલને એ ભવિષ્યવાણી કહી હતી, તેમણે કહ્યું હતું કે ‘તારા લોકો પર છેલ્લા દિવસોમાં શું વીતશે એ તને સમજાવવા માટે હું આવ્યો છું.’ (દાની. ૧૦:૧૪) ઈસવીસન ૩૩ના પચાસમા દિવસ સુધી ઇઝરાયેલીઓ ઈશ્વરના લોકો હતા. પણ એ પછી યહોવાએ બતાવી આપ્યું કે ઈસુના પગલે ચાલનારાઓ જ તેમના લોકો છે. એટલે દાનીયેલના અગિયારમા અધ્યાયમાં બતાવેલી મોટા ભાગની માહિતી ઇઝરાયેલીઓ માટે નહિ, પણ ઈસુના પગલે ચાલનારાઓ માટે છે. (પ્રે.કા. ૨:૧-૪; રોમ. ૯:૬-૮; ગલા. ૬:૧૫, ૧૬) અલગ અલગ સમયે ઉત્તરના રાજા અને દક્ષિણના રાજાની ઓળખ બદલાતી રહી છે. પણ એ બધા રાજાઓમાં આ ત્રણ બાબતો સરખી છે. એક, તેઓએ એવા દેશ પર રાજ કર્યું, જ્યાં ઈશ્વરભક્તો રહેતા હોય અથવા તો તેઓએ ઈશ્વરભક્તો પર હુમલો કર્યો હોય. બીજી, ઈશ્વરભક્તો સાથેના તેમના વર્તનથી દેખાઈ આવ્યું હોય કે તેઓ યહોવાને નફરત કરે છે. ત્રીજી, એ બંને રાજાઓ સત્તા મેળવવા એકબીજા સાથે લડ્યા કરતા હોય.

૫. બીજી સદીથી ૧૮૭૦ સુધીમાં શું કોઈ ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા હતો? સમજાવો.

૫ બીજી સદી દરમિયાન જૂઠા ખ્રિસ્તીઓએ મંડળમાં પગપેસારો કર્યો. તેઓએ બીજાઓને ખોટું શિક્ષણ શીખવ્યું અને બાઇબલનું સત્ય જાણવા દીધું નહિ. બીજી સદીથી ૧૯મી સદીના અંત સુધી ઈશ્વરભક્તોનું કોઈ સંગઠન ન હતું. એ સમયે જૂઠા ખ્રિસ્તીઓ કડવા દાણાના છોડની જેમ વધવા લાગ્યા. એટલે સાચા ખ્રિસ્તીઓને ઓળખવા અઘરું થઈ ગયું. (માથ. ૧૩:૩૬-૪૩) આપણે શા માટે એ વિશે જાણવું જોઈએ? કારણ કે એનાથી ખબર પડે છે કે એ સમયગાળામાં થઈ ગયેલા રાજાઓ અને સરકારો ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા ન હોય શકે. એ સમયે ઈશ્વરભક્તોનું કોઈ સંગઠન ન હતું કે જેના પર તેઓ હુમલો કરે.b પણ ૧૮૭૦ પછી, અમુક સત્તાઓને ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા કહી શકાય.

૬. ઈશ્વરભક્તો ક્યારે એક સમૂહમાં સાચી ભક્તિ કરવા લાગ્યા? સમજાવો.

૬ ૧૮૭૦થી ઈશ્વરભક્તો એક સમૂહ તરીકે ભેગા થવા લાગ્યા. કઈ રીતે? એ જ વર્ષે ચાર્લ્સ ટી. રસેલ અને તેમના સાથીદારોએ બાઇબલનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેઓએ માલાખીની ભવિષ્યવાણીમાં બતાવેલા દૂત જેવું કામ કર્યું. મસીહનું રાજ આવતા પહેલાં તેઓએ “માર્ગ તૈયાર” કરવાનું કામ કર્યું. (માલા. ૩:૧) આ રીતે ઈશ્વરભક્તો ફરીથી એક સમૂહમાં સાચી ભક્તિ કરવા લાગ્યા. શું એ સમયે એવી કોઈ સત્તા હતી, જેની અસર ઈશ્વરભક્તો પર પડી? ચાલો એ વિશે જોઈએ.

દક્ષિણનો રાજા કોણ છે?

૭. પ્રથમ વિશ્વયુદ્ધ સુધી દક્ષિણનો રાજા કોણ હતું?

૭ ૧૮૭૦ સુધીમાં બ્રિટન આખી દુનિયામાં સૌથી મોટી મહાસત્તા બની ગયું હતું. તેની પાસે સૌથી શક્તિશાળી સૈન્ય હતું. દાનીયેલની ભવિષ્યવાણીમાં બતાવવામાં આવ્યું હતું કે એક જાનવરનું નાનું શિંગડું, બાકીનાં ત્રણ શિંગડાંને ઉખેડી નાખશે. એ નાનું શિંગડું બ્રિટન હતું, જેણે ફ્રાંસ, સ્પેન અને નેધરલૅન્ડને હરાવ્યા. (દાની. ૭:૭, ૮) પ્રથમ વિશ્વયુદ્ધ સુધી એ દક્ષિણનો રાજા હતું. એ જ સમયમાં અમેરિકા દુનિયાનો સૌથી ધનવાન દેશ બની ગયો અને એણે બ્રિટન સાથે હાથ મિલાવ્યો.

૮. છેલ્લા દિવસોમાં દક્ષિણનો રાજા કોણ છે?

૮ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા અને બ્રિટને સાથે મળીને બીજા દેશો સામે યુદ્ધ કર્યું. આમ, તેઓ બંને સૌથી શક્તિશાળી બની ગયા. એ સમયે બ્રિટન અને અમેરિકા ભેગા મળીને બ્રિટન-અમેરિકા મહાસત્તા બની. દાનીયેલની ભવિષ્યવાણી પ્રમાણે એ રાજા પાસે, એટલે કે બ્રિટન-અમેરિકા મહાસત્તા પાસે “અતિશય મોટું તથા પરાક્રમી સૈન્ય” હતું. (દાની. ૧૧:૨૫) છેલ્લા દિવસોમાં દક્ષિણનો રાજા બ્રિટન અને અમેરિકા છે.c પણ એ સમયગાળામાં, ઉત્તરનો રાજા કોણ છે?

બાઇબલ ભવિષ્યવાણીમાં બ્રિટન-અમેરિકા મહાસત્તા

દક્ષિણના રાજા, બ્રિટન-અમેરિકા મહાસત્તાને બાઇબલની ભવિષ્યવાણીઓમાં અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી છે. જેમ કે,

  • લોઢ અને માટીની પગની પાટલીઓ.

    લોઢા અને માટીથી બનેલી પગની પાટલીઓ (દાની. ૨:૪૧-૪૩)

  • એક જાનવરના માથા પર શિંગડાં છે. એ જાનવરની આંખો અને માથા વચ્ચેથી એક નાનું શિંગડું ફૂટી નીકળે છે.

    ભયંકર જાનવરના માથા પર ફૂટી નીકળેલું શિંગડું (દાની. ૭:૭, ૮)

  • એક જંગલી જાનવરને દસ શિંગડાં અને સાત માથા છે.

    જંગલી જાનવરનું સાતમું માથું (પ્રકટી. ૧૩:૧)

  • બે શિંગડાંવાળું એક જાનવર.

    બે શિંગડાંવાળું જાનવર (પ્રકટી. ૧૩:૧૧-૧૫)

  • બ્રિટન-અમેરિકા મહાસત્તાને રજૂ કરતી સરકારી ઇમારતો.

    ‘જૂઠો પ્રબોધક’ (પ્રકટી. ૧૯:૨૦)

ઉત્તરનો રાજા કોણ છે?

૯. (ક) કયા વર્ષે ઉત્તરનો નવો રાજા દેખાયો? (ખ) દાનીયેલ ૧૧:૨૫ની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?

૯ રસેલભાઈ અને તેમના સાથીદારોએ બાઇબલનો અભ્યાસ કરવા ૧૮૭૦માં એક સમૂહમાં ભેગા થવા લાગ્યા. એના બીજા વર્ષે એટલે કે ૧૮૭૧માં ઉત્તરનો નવો રાજા દેખાયો. એ ઉત્તરનો રાજા કોણ બન્યું? એ તો જર્મની બન્યું. એ જ વર્ષે વીલ્હેમ પહેલો જર્મનીનો સમ્રાટ બન્યો. તેણે ઑટો વૉન બિસ્માર્કને પોતાની સરકારમાં મોટો પ્રમુખ બનાવ્યો.d બિસ્માર્કે કેટલાક વિસ્તારોને ભેગા કરવામાં મોટો ભાગ ભજવ્યો. એના લીધે જર્મની એક સામ્રાજ્ય બન્યું. એ પછીનાં થોડાં વર્ષો દરમિયાન જર્મનીએ આફ્રિકા અને પ્રશાંત મહાસાગરના કેટલાક દેશોને પોતાના કાબૂમાં કરી લીધા. આમ, જર્મનીએ બ્રિટન કરતાં વધુ શક્તિશાળી બનવાનો પ્રયત્ન કર્યો. (દાનીયેલ ૧૧:૨૫ વાંચો.) જર્મનીએ વિશાળ સેના ઊભી કરી અને પોતાનું નૌકાદળ બ્રિટનના નૌકાદળ જેટલું જ શક્તિશાળી બનાવ્યું. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની પોતાની વિશાળ સેનાની મદદથી દુશ્મનો સામે લડ્યું.

૧૦. દાનીયેલ ૧૧:૨૫ખ, ૨૬ કઈ રીતે પૂરી થઈ?

૧૦ જર્મની અને એની સેનાનું પછી શું થયું? એ વિશે દાનીયેલના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તરનો રાજા “ટકશે નહિ.” શા માટે? “કેમ કે તેઓ તેની સામે કાવતરાં કરશે. હા, તેનું અન્‍ન ખાનારાઓ તેનો નાશ કરશે.” (દાની. ૧૧:૨૫ખ, ૨૬ક) દાનીયેલના જમાનામાં ‘રાજાના ભોજનમાંથી’ ખાનારાઓ ‘રાજાની હજૂરમાં’ ઊભા રહેનાર અધિકારીઓ હતા. (દાની. ૧:૫) ભવિષ્યવાણીમાં એ કોને રજૂ કરે છે? એ જર્મનીના મોટા મોટા અધિકારીઓને રજૂ કરે છે. જેમ કે, સમ્રાટના હાથ નીચે કામ કરનારા સેનાપતિઓ અને સલાહકારો. એ શક્તિશાળી લોકોએ એવાં ખતરનાક કામ કર્યાં કે જેનાથી જર્મનીની સત્તા પડી ભાગી.e દાનીયેલની ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે એ સામ્રાજ્ય પડી ભાંગશે. એમાં એ પણ જણાવ્યું છે કે દક્ષિણના રાજા સાથેના યુદ્ધનું કેવું પરિણામ આવશે. એમાં જણાવ્યું છે: ‘તેનું સૈન્ય ઘસડાઈ જશે અને ઘણા માર્યા જશે.’ (દાની. ૧૧:૨૬ખ) એ ભવિષ્યવાણી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પૂરી થઈ. એમાં જણાવ્યા પ્રમાણે જર્મની ‘ઘસડાઈ ગયું’ અને ઘણા લોકો ‘માર્યા ગયા.’ એ યુદ્ધમાં જેટલા લોકો માર્યા ગયા એટલા પહેલાં ક્યારેય માર્યા ગયા ન હતા.

૧૧. ઉત્તરના રાજા અને દક્ષિણના રાજાએ શું કર્યું?

૧૧ દાનીયેલ ૧૧:૨૭, ૨૮માં જે લખ્યું છે, એ બનાવો પ્રથમ વિશ્વયુદ્ધ અગાઉ બન્યા હતા. એમાં એ પણ લખ્યું છે કે, ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા ‘એક મેજ પર બેસીને જૂઠું બોલશે.’ એટલું જ નહિ, એમાં બતાવ્યું છે કે ઉત્તરનો રાજા “પુષ્કળ દ્રવ્ય” ભેગું કરશે અને એવું જ થયું. જર્મની અને બ્રિટને એકબીજાને કહ્યું કે તેઓ શાંતિ ચાહે છે. પણ એ હડહડતું જૂઠાણું હતું, જે ૧૯૧૪માં સાબિત થયું. એ જ વર્ષે યુદ્ધ ફાટી નીકળ્યું. ૧૯૧૪ સુધીમાં તો જર્મની બીજા નંબરનો ધનવાન દેશ બન્યો. પછી દાનીયેલ ૧૧:૨૯ અને કલમ ૩૦ની શરૂઆતમાં જે લખ્યું હતું એ પણ પૂરું થયું. ઉત્તરના રાજા જર્મનીએ, દક્ષિણના રાજા બ્રિટન સામે યુદ્ધ કર્યું, પણ જર્મની હારી ગયું.

રાજાઓ ઈશ્વરભક્તો સામે લડે છે

૧૨. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઉત્તરના રાજા અને દક્ષિણના રાજાએ શું કર્યું?

૧૨ એ બંને રાજાઓ ૧૯૧૪થી એકબીજા સામે લડવા લાગ્યા અને તેઓએ ઈશ્વરભક્તોને સતાવ્યા. દાખલા તરીકે, જર્મની અને બ્રિટનની સરકારે એવા ઈશ્વરભક્તોને સતાવ્યા, જેઓએ યુદ્ધમાં લડવાની ના પાડી. જેઓ ખુશખબર ફેલાવવાના કામની દેખરેખ રાખતા, તેઓને અમેરિકાની સરકારે જેલમાં નાખી દીધા. આમ પ્રકટીકરણ ૧૧:૭-૧૦માં આપેલી ભવિષ્યવાણી પૂરી થઈ.

૧૩. ઉત્તરના રાજાએ ૧૯૩૦ પછી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈશ્વરભક્તો સાથે શું કર્યું?

૧૩ ઉત્તરના રાજાએ ૧૯૩૦ પછીનાં વર્ષોમાં, ખાસ તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈશ્વરભક્તોની ખૂબ સતાવણી કરી. તેઓ પર જરાય દયા રાખી નહિ. જર્મનીમાં નાઝી સરકાર આવી ત્યારે, હિટલરે અને તેના માણસોએ ઈશ્વરભક્તોના કામ પર પ્રતિબંધ મૂક્યો. એ વિરોધીઓએ ઘણા ઈશ્વરભક્તોને મારી નાખ્યા. તેઓએ હજારો લોકોને જુલમી છાવણીમાં મોકલી દીધા. દાનીયેલે અગાઉથી એ બનાવો વિશે જણાવ્યું હતું. ઉત્તરના રાજાએ પ્રચારકામ પર પ્રતિબંધ મૂક્યો. એ રીતે તેણે ‘પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું અને રોજના અર્પણો લઈ લીધા.’ (દાની. ૧૧:૩૦ખ, ૩૧ક) અરે, જર્મનીના નેતા હિટલરે સોગંદ ખાધા કે જર્મનીમાં યહોવાના લોકોને મોતને ઘાટ ઉતારી દેશે.

ઉત્તરનો એક નવો રાજા ઊભો થાય છે

૧૪. બીજા વિશ્વયુદ્ધ પછી ઉત્તરનો રાજા કોણ બન્યું? સમજાવો.

૧૪ બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત યુનિયનની (સોવિયેત સંઘની) સામ્યવાદી સરકારે જર્મનીના મોટા મોટા વિસ્તારો પર કબજો કરી લીધો. આમ સોવિયેત યુનિયન ઉત્તરનો નવો રાજા બન્યું. નાઝી સરકારની જેમ, સોવિયેત યુનિયને એવા બધા લોકોને સતાવ્યા, જેઓ સાચા ઈશ્વરની ભક્તિને જીવનમાં પ્રથમ રાખતા હતા.

૧૫. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ઉત્તરના રાજાએ શું કર્યું?

૧૫ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી તરત જ ઉત્તરના નવા રાજા સોવિયેત યુનિયન અને એના મિત્ર દેશોએ ઈશ્વરભક્તોની સતાવણી કરી. એ સતાવણીને પ્રકટીકરણ ૧૨:૧૫-૧૭માં “નદી” સાથે સરખાવવામાં આવી છે. એ ભવિષ્યવાણી પ્રમાણે ઉત્તરના રાજાએ આપણા પ્રચારકામ પર પ્રતિબંધ મૂક્યો. તેણે યહોવાના હજારો લોકોને જોરજુલમથી સાઇબિરિયા મોકલી દીધા. છેલ્લા દિવસો શરૂ થયા ત્યારથી, ઉત્તરનો રાજા ઈશ્વરભક્તોની વધારે ને વધારે સતાવણી કરી રહ્યો છે. છતાં તે આપણા કામને રોકી શક્યો નથી.f

૧૬. સોવિયેત યુનિયને દાનીયેલ ૧૧:૩૭-૩૯ની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી કરી?

૧૬ દાનીયેલ ૧૧:૩૭-૩૯ વાંચો. ભવિષ્યવાણીમાં બતાવ્યા પ્રમાણે ઉત્તરના રાજાએ ‘પોતાના પૂર્વજોના દેવો’ માટે આદર બતાવ્યો નહિ. એ શાના પરથી કહી શકાય? સોવિયેત યુનિયન ધર્મોનો નાશ કરવા માંગતું હતું. એટલે એણે ધર્મોની સત્તા છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. એ માટે સોવિયેત સરકારે ૧૯૧૮થી એવો હુકમ બહાર પાડ્યો, જેના આધારે સ્કૂલોમાં બાળકોને શીખવવામાં આવતું કે ઈશ્વર છે જ નહિ. ઉત્તરના રાજાએ કઈ રીતે “કિલ્લાઓના ઈશ્વરનું સન્માન” કર્યું? સોવિયેત યુનિયને પોતાની સેનાને મજબૂત કરવા અને અણુશસ્ત્રો બનાવવા અઢળક પૈસા વાપર્યા. આમ તે વધુ શક્તિશાળી બન્યું. જોતજોતામાં તો ઉત્તરના રાજા અને દક્ષિણના રાજાએ ખતરનાક શસ્ત્રોનો ઢગલો કરી દીધો. તેઓ પાસે કરોડો લોકોને મારી નાખવાની શક્તિ હતી.

બે રાજાઓએ હાથ મિલાવ્યો

૧૭. વિનાશ કરનારી “ધિક્કારપાત્ર વસ્તુ” શું છે?

૧૭ એક ખાસ કામ માટે ઉત્તરના રાજાએ દક્ષિણના રાજા સાથે હાથ મિલાવ્યો. તેઓએ સાથે મળીને વિનાશ કરનારી “ધિક્કારપાત્ર વસ્તુ” ઊભી કરી. (દાની. ૧૧:૩૧) એ “ધિક્કારપાત્ર વસ્તુ” યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્ર) છે.

૧૮. યુનાઈટેડ નેશન્સ શા માટે “ધિક્કારપાત્ર વસ્તુ” છે?

૧૮ યુનાઈટેડ નેશન્સ શા માટે “ધિક્કારપાત્ર વસ્તુ” છે? કારણ કે એ દુનિયામાં શાંતિ લાવવાનો દાવો કરે છે. પણ શાંતિ તો ફક્ત ઈશ્વરનું રાજ્ય લાવી શકે છે. ભવિષ્યવાણીમાં એમ પણ જણાવ્યું છે કે ધિક્કારપાત્ર વસ્તુ વિનાશનું કારણ બનશે. કારણ કે યુનાઈટેડ નેશન્સ જૂઠા ધર્મોનો નાશ કરવામાં મોટો ભાગ ભજવશે.—“અંતના સમયમાં ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા” ચાર્ટ જુઓ.

આપણે કેમ એ ઇતિહાસ જાણવાની જરૂર છે?

૧૯-૨૦. (ક) આપણે કેમ એ ઇતિહાસ જાણવાની જરૂર છે? (ખ) આવતા લેખમાં કયા સવાલનો જવાબ જોઈશું?

૧૯ એ ઇતિહાસ જાણવો આપણા માટે ખૂબ જરૂરી છે. એનાથી પુરાવો મળે છે કે ૧૮૭૦થી ૧૯૯૧ સુધીમાં ઉત્તરના રાજા અને દક્ષિણના રાજા વિશેની દાનીયેલની ભવિષ્યવાણી પૂરી થઈ છે. એનાથી આપણો ભરોસો વધુ મજબૂત થાય છે કે ભવિષ્યવાણીનો બાકીનો ભાગ પણ ચોક્કસ પૂરો થશે.

૨૦ સોવિયેત યુનિયન ૧૯૯૧માં પડી ભાંગ્યું. તો પછી સવાલ થાય કે આજે ઉત્તરનો રાજા કોણ છે? એ સવાલનો જવાબ આપણે આવતા લેખમાં જોઈશું.

તમે કેવો જવાબ આપશો?

  • ‘ઉત્તરના રાજા’ અને ‘દક્ષિણના રાજાની’ ઓળખ મેળવવા આપણને કઈ ત્રણ બાબતોથી મદદ મળશે?

  • ૧૮૭૦થી ૧૯૯૧ સુધીમાં ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા કોણ હતા?

  • આપણે કેમ એ ઇતિહાસ જાણવાની જરૂર છે?

ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે

a દાનીયેલે ‘ઉત્તરના રાજા’ અને ‘દક્ષિણના રાજા’ વિશે ભવિષ્યવાણી કરી હતી. પુરાવા બતાવે છે કે એ આજે પૂરી થઈ રહી છે. પણ આપણે એટલી ખાતરીથી કઈ રીતે કહી શકીએ કે એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે? એ ભવિષ્યવાણીને સારી રીતે સમજવી શા માટે ખૂબ જરૂરી છે?

b દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકના પ્રકરણ ૧૩ અને ૧૪માં જણાવ્યું છે કે ઈ.સ. ૨૭૦થી ૨૭૫ સુધીના સમયગાળા દરમિયાન રૂમી સમ્રાટ ઑરેલિયન “ઉત્તરનો રાજા” હતો. એવી જ રીતે ઈ.સ. ૨૬૭થી ૨૭૨ સુધી રાણી ઝનોબી “દક્ષિણનો રાજા” હતી. પણ લેખમાં આપેલી માહિતીથી સમજાય છે કે એ સમયે કોઈ ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા ન હોય શકે. એટલે દાનીયેલની એ સમજણમાં હવે સુધારો કર્યો છે.

c “બાઇબલ ભવિષ્યવાણીમાં બ્રિટન-અમેરિકા મહાસત્તા” બૉક્સ જુઓ.

d સાલ ૧૮૯૦માં જર્મનીના સમ્રાટ વીલ્હેમ બીજાએ બિસ્માર્ક પાસે જબરદસ્તી રાજીનામું અપાવ્યું.

e તેઓએ સરકાર પાડી નાખવા ઘણાં કાવતરાં રચ્યાં. જેમ કે, તેઓએ સમ્રાટને મદદ કરવાનું છોડી દીધું, યુદ્ધ વિશેની ખાનગી માહિતી બીજાઓને આપી દીધી અને સમ્રાટને રાજગાદી છોડવા મજબૂર કર્યો.

f દાનીયેલ ૧૧:૩૪મા જણાવ્યા પ્રમાણે ઉત્તરના રાજાના વિસ્તારમાં રહેતા લોકોને અમુક સમય માટે રાહત મળી. એ ક્યારે બન્યું? ૧૯૯૧માં સોવિયેત યુનિયન પડી ભાંગ્યું ત્યારે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો