અભ્યાસ લેખ ૩૩
ગીત ૩૫ યહોવાની ધીરજ
પાપ કરનારાઓ વિશે યહોવા જેવું વલણ રાખીએ
‘જો કોઈ પાપ કરે, તો આપણી પાસે સહાયક છે.’—૧ યોહા. ૨:૧.
આપણે શું શીખીશું?
પહેલી સદીમાં કોરીંથ મંડળમાં એક ભાઈએ ગંભીર પાપ કર્યું હતું. એ કિસ્સાને કઈ રીતે હાથ ધરવામાં આવ્યો? એમાંથી આપણે શું શીખી શકીએ?
૧. યહોવા બધા લોકો માટે શું ચાહે છે?
યહોવાએ આપણને પોતાના નિર્ણયો લેવાની આઝાદી આપી છે. એ સાચે જ એક જોરદાર ભેટ છે. એની મદદથી આપણે દરરોજ નિર્ણયો લઈએ છીએ. પણ જીવનનો સૌથી સારો નિર્ણય કયો હોય શકે? યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવાનો અને તેમના કુટુંબનો ભાગ બનવાનો. યહોવા ચાહે છે કે બધા જ લોકો એવું કરે. શા માટે? કેમ કે તે બધાને પ્રેમ કરે છે અને તેઓને ખુશ જોવા માંગે છે. તે ચાહે છે કે તેઓ તેમના મિત્રો બને અને હંમેશ માટે જીવે.—પુન. ૩૦:૧૯, ૨૦; ગલા. ૬:૭, ૮.
૨. પસ્તાવો ન કરનાર પાપીઓ વિશે યહોવાને કેવું લાગે છે? (૧ યોહાન ૨:૧)
૨ પણ યહોવા કોઈને તેમની ભક્તિ કરવા જબરજસ્તી કરતા નથી. તેમની ભક્તિ કરવી કે નહિ, એ નિર્ણય તેમણે દરેક વ્યક્તિ પર છોડ્યો છે. પણ જો બાપ્તિસ્મા પામેલી વ્યક્તિ ઈશ્વરનો નિયમ તોડે અને ગંભીર પાપ કરે, તો શું? જો તે પસ્તાવો ન કરે, તો તેને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. (૧ કોરીં. ૫:૧૩) તેમ છતાં, યહોવા આશા રાખે છે કે એ વ્યક્તિ તેમની પાસે પાછી ફરશે. હકીકતમાં, યહોવાએ ઈસુના બલિદાનની ગોઠવણ કરી એનું એક મહત્ત્વનું કારણ એ જ હતું કે પસ્તાવો કરનાર પાપીને માફી મળે. (૧ યોહાન ૨:૧ વાંચો.) આપણા ઈશ્વર યહોવા ખૂબ જ પ્રેમાળ છે. તે પાપીઓને અરજ કરે છે કે તેઓ પસ્તાવો કરે.—ઝખા. ૧:૩; રોમ. ૨:૪; યાકૂ. ૪:૮.
૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૩ યહોવા જણાવે છે કે તેમને પાપ વિશે અને પાપ કરનારાઓ વિશે કેવું લાગે છે. તે ચાહે છે કે આપણે પણ એવું જ વલણ રાખીએ. આ લેખમાં જોઈશું કે એવું કઈ રીતે કરી શકીએ. આ લેખનો અભ્યાસ કરીએ ત્યારે, આ ત્રણ સવાલો મનમાં રાખજો: (૧) કોરીંથ મંડળના એક ભાઈએ ગંભીર પાપ કર્યું ત્યારે, પાઉલે તેઓને શું કરવાનું કહ્યું? (૨) પાપ કરનાર ભાઈએ પસ્તાવો કર્યો ત્યારે, પાઉલે કયું માર્ગદર્શન આપ્યું? (૩) પાપ કરનારાઓ વિશે યહોવાને કેવું લાગે છે?
કોરીંથ મંડળના એક ભાઈએ ગંભીર પાપ કર્યું ત્યારે મંડળે શું કર્યું?
૪. કોરીંથ મંડળમાં શું બન્યું હતું? (૧ કોરીંથીઓ ૫:૧, ૨)
૪ પહેલો કોરીંથીઓ ૫:૧, ૨ વાંચો. આ એ સમયની વાત છે, જ્યારે પાઉલ પોતાની ત્રીજી મુસાફરી કરી રહ્યા હતા. એ સમયે તેમને કોરીંથ મંડળના એક સમાચાર મળ્યા, જે સાંભળીને તે હેરાન-પરેશાન થઈ ગયા. એ મંડળ બન્યું એને થોડો જ સમય થયો હતો. એ મંડળનો એક ભાઈ પોતાની સાવકી મા સાથે જાતીય સંબંધ બાંધી રહ્યો હતો. એવું અધમ કામ તો “દુનિયાના લોકોમાં પણ જોવા” મળતું ન હતું. મંડળ એ કામને ચલાવી રહ્યું હતું અને મંડળના લોકોને એનો ગર્વ પણ થતો હોય શકે. કદાચ અમુકને લાગતું હતું કે તેઓ યહોવાની જેમ એ માણસને દયા બતાવી રહ્યા હતા. પણ યહોવા એવું ખરાબ કામ જરાય ચલાવી લેતા નથી. એવું બેશરમ કામ કરીને એ માણસ મંડળનું નામ બદનામ કરી રહ્યો હતો. જો તેને મંડળમાં રહેવા દીધો હોત, તો તેની ખરાબ અસર બીજા ભક્તો પર થઈ શકતી હતી. એટલે પાઉલે મંડળને કયું માર્ગદર્શન આપ્યું?
૫. પાઉલે મંડળને શું કરવાનું કહ્યું? શા માટે? (૧ કોરીંથીઓ ૫:૧૩) (ચિત્ર પણ જુઓ.)
૫ પહેલો કોરીંથીઓ ૫:૧૩ વાંચો. યહોવાની પ્રેરણાથી પાઉલે કોરીંથ મંડળને એક પત્ર લખ્યો. તેમણે માર્ગદર્શન આપ્યું કે પસ્તાવો ન કરનાર એ ભાઈને મંડળમાંથી દૂર કરવામાં આવે. મંડળનાં વફાદાર ભાઈ-બહેનોએ એ ભાઈ સાથે કઈ રીતે વર્તવાનું હતું? પાઉલે તેઓને કહ્યું: “તેની સાથે હળવા-મળવાનું બંધ કરો.” વધુમાં કહ્યું: “એવા માણસ સાથે ખાવું પણ નહિ.” (૧ કોરીં. ૫:૧૧) શા માટે? કારણ કે કોઈની સાથે જમવા બેસીએ છીએ ત્યારે, તેની સાથે વધારે સમય વિતાવવા લાગીએ છીએ. હવે જો મંડળનાં ભાઈ-બહેનો એ ભાઈ સાથે હળવા-મળવાનું બંધ કરે, તો એનાથી તેઓને કેવો ફાયદો થવાનો હતો? એ ભાઈની ખરાબ અસરોથી તેઓનું રક્ષણ થવાનું હતું. (૧ કોરીં. ૫:૫-૭) એટલું જ નહિ, એ ભાઈને ખ્યાલ આવતો કે તેણે યહોવાને કેટલું દુઃખ પહોંચાડ્યું છે. પછી કદાચ તેને પોતાના કામ પર શરમ આવતી અને પસ્તાવો કરવાનું મન થતું.
ઈશ્વરની પ્રેરણાથી લખેલા પહેલા પત્રમાં પાઉલે મંડળને માર્ગદર્શન આપ્યું કે પસ્તાવો ન કરનાર ભાઈને મંડળમાંથી દૂર કરવામાં આવે (ફકરો ૫ જુઓ)
૬. પાઉલના પત્રની મંડળ પર અને ગંભીર પાપ કરનાર ભાઈ પર કેવી અસર થઈ?
૬ કોરીંથ મંડળને પત્ર લખ્યા પછી પાઉલ વિચારતા હતા કે મંડળ કઈ રીતે વર્તશે. થોડા સમય પછી, તિતસે પાઉલને સારા સમાચાર આપ્યા. (૨ કોરીં. ૭:૬, ૭) મંડળે પાઉલનું માર્ગદર્શન પાળ્યું હતું અને પસ્તાવો ન કરનાર ભાઈને મંડળમાંથી દૂર કરવામાં આવ્યો હતો. વધુમાં પાઉલે પહેલો પત્ર લખ્યો, એના થોડા જ મહિનામાં એ ભાઈએ પસ્તાવો કર્યો હતો. તેણે પોતાનાં વિચારો અને વાણી-વર્તનમાં સુધારો કર્યો હતો અને તે યહોવાની આજ્ઞાઓ પાળવા લાગ્યો હતો. (૨ કોરીં. ૭:૮-૧૧) હવે પાઉલે મંડળને શું કરવાનું કહ્યું?
ગંભીર પાપ કરનાર ભાઈએ પસ્તાવો કર્યો પછી મંડળે શું કરવાનું હતું?
૭. ગંભીર પાપ કરનાર ભાઈને મંડળમાંથી દૂર કરવામાં આવ્યો, એ પછી તેણે શું કર્યું? (૨ કોરીંથીઓ ૨:૫-૮)
૭ બીજો કોરીંથીઓ ૨:૫-૮ વાંચો. પાઉલે કહ્યું: “ઘણા લોકોએ એ માણસને ઠપકો આપ્યો એ પૂરતું છે.” બીજા શબ્દોમાં કહીએ તો તેને પૂરતી શિસ્ત મળી હતી અને એ શિસ્તને લીધે તેણે પસ્તાવો કર્યો હતો. હવે તેને વધારે શિસ્ત આપવાની જરૂર ન હતી.—હિબ્રૂ. ૧૨:૧૧.
૮. પાઉલે હવે મંડળને શું કરવાનું કહ્યું?
૮ એ ભાઈએ પસ્તાવો કર્યો હતો, એટલે પાઉલે વડીલોને કહ્યું કે તેને મંડળમાં પાછો લે. તેમણે આમ પણ કહ્યું: તેને ‘દિલથી માફ કરીને દિલાસો આપો’ અને “તમારા પ્રેમનો અહેસાસ કરાવો.” પાઉલ ચાહતા હતા કે ભાઈ-બહેનો પોતાનાં વાણી-વર્તનથી બતાવી આપે કે એ ભાઈને દિલથી માફ કર્યો છે અને તેને પ્રેમ કરે છે. આમ એ ભાઈને ખાતરી થતી કે તે મંડળમાં પાછો ફર્યો, એનાથી બધા ખુશ છે.
૯. અમુક ભાઈ-બહેનો માટે એ ભાઈને માફ કરવો કેમ અઘરું હશે?
૯ પસ્તાવો કરનાર ભાઈને મંડળમાં પાછો લેવામાં આવ્યો ત્યારે, શું અમુકને એ સ્વીકારવું અઘરું લાગ્યું હશે? બાઇબલમાં એ વિશે કંઈ જણાવ્યું નથી. પણ શક્ય છે કે એવું બન્યું હશે. એવું શાના આધારે કહી શકીએ? એ માણસના ગંદા કામને લીધે આખા મંડળે ઘણું વેઠવું પડ્યું હતું. તેના કામને લીધે કદાચ અમુક શરમમાં મુકાયા હતા. અમુક ભાઈ-બહેનોને લાગ્યું હશે: ‘પોતાનું ચાલ-ચલણ શુદ્ધ રાખવા અમે આટલી મહેનત કરી અને આ માણસે તો બધી હદ પાર કરી. હવે આવા માણસને મંડળમાં પાછો લઈ લેવો, એ તો ઘોર અન્યાય કહેવાય!’ (લૂક ૧૫:૨૮-૩૦ સરખાવો.) પણ મંડળે બતાવી આપવાનું હતું કે તેઓ એ ભાઈને દિલથી પ્રેમ કરતા હતા. એવું કરવું કેમ જરૂરી હતું?
૧૦-૧૧. જો વડીલો પસ્તાવો કરનાર ભાઈને માફ ન કરતા, તો શું થઈ શકતું હતું?
૧૦ જો વડીલોએ એ ભાઈને મંડળમાં પાછો લીધો ન હોત, તો શું થયું હોત? અથવા જો તે પાછો ફર્યો એ પછી ભાઈ-બહેનોએ તેને પ્રેમ બતાવ્યો ન હોત, તો તેને કેવું લાગ્યું હોત? “તે અતિશય નિરાશામાં ડૂબી” ગયો હોત. તેને લાગ્યું હોત કે તે ફરી કદી યહોવાની ભક્તિ કરી નહિ શકે. તેણે ઈશ્વરની નજીક જવાના પ્રયત્નો પણ છોડી દીધા હોત.
૧૧ એથીયે ખરાબ જો ભાઈ-બહેનો એ ભાઈને માફ ન કરતા, તો તેઓનો યહોવા સાથેનો સંબંધ જોખમમાં મુકાઈ શકતો હતો. શા માટે? કેમ કે તેઓ યહોવાનું અનુકરણ કરતા ન હોત, જે પસ્તાવો કરનાર પાપીઓને દિલથી માફ કરે છે. એને બદલે, તેઓ શેતાનનું અનુકરણ કરતા હોત, જે ક્રૂર છે અને જરાય દયા બતાવતો નથી. આમ, શેતાન ભાઈ-બહેનોને પોતાના હાથની કઠપૂતળી બનાવતો અને તેઓના દ્વારા એ ભાઈને યહોવાની ભક્તિથી દૂર લઈ જતો.—૨ કોરીં. ૨:૧૦, ૧૧; એફે. ૪:૨૭.
૧૨. મંડળનાં ભાઈ-બહેનોએ યહોવાનું અનુકરણ કરવા શું કરવાનું હતું?
૧૨ શેતાનને બદલે યહોવાનું અનુકરણ કરવા કોરીંથ મંડળનાં ભાઈ-બહેનોએ શું કરવાનું હતું? પસ્તાવો કરનાર પાપીને યહોવાની જેમ માફ કરવાનો હતો. ધ્યાન આપો કે બાઇબલના અમુક લેખકોએ યહોવા વિશે શું કહ્યું. દાઉદે કહ્યું કે યહોવા ‘ભલા છે અને માફ કરવા તૈયાર છે.’ (ગીત. ૮૬:૫) મીખાહે લખ્યું: “હે ઈશ્વર, તમારા જેવું બીજું કોણ છે? તમે . . . લોકોની ભૂલો માફ કરો છો, તમે તેઓના અપરાધો યાદ રાખતા નથી.” (મીખા. ૭:૧૮) યશાયાએ જણાવ્યું: “દુષ્ટ માણસ દુષ્ટ માર્ગ છોડી દે અને ખરાબ માણસ ખરાબ વિચારો છોડી દે. તે યહોવા પાસે પાછો ફરે, જે દયા બતાવશે. તે આપણા ઈશ્વર પાસે પાછો ફરે, કેમ કે તે દિલથી માફ કરશે.”—યશા. ૫૫:૭.
૧૩. પસ્તાવો કરનાર ભાઈને મંડળમાં પાછો લેવા કેમ મોડું કરવાની જરૂર ન હતી? (“કોરીંથના એ ભાઈને મંડળમાં ક્યારે પાછો લેવામાં આવ્યો?” બૉક્સ જુઓ.)
૧૩ યહોવાનું અનુકરણ કરવા કોરીંથનાં ભાઈ-બહેનોએ પસ્તાવો કરનાર ભાઈનો મંડળમાં આવકાર કરવાનો હતો અને તેને પોતાના પ્રેમનો અહેસાસ કરાવવાનો હતો. પાઉલનું માર્ગદર્શન પાળીને મંડળે બતાવી આપ્યું કે તેઓ ‘દરેક વાતમાં આજ્ઞા પાળતા હતા.’ (૨ કોરીં. ૨:૯) એ વાત સાચી છે કે એ ભાઈને મંડળમાંથી દૂર કરવામાં આવ્યો એને અમુક જ મહિનાઓ થયા હતા. છતાં તેણે પસ્તાવો કર્યો હતો, એટલે તેને મંડળમાં પાછો લેવા વડીલોએ મોડું કરવાની જરૂર ન હતી.
ન્યાય કરવામાં અને દયા બતાવવામાં યહોવાને અનુસરીએ
૧૪-૧૫. કોરીંથ મંડળમાં જે બન્યું, એમાંથી શું શીખી શકીએ? (૨ પિતર ૩:૯) (ચિત્ર પણ જુઓ.)
૧૪ કોરીંથ મંડળમાં જે કિસ્સો બન્યો અને એને જે રીતે હાથ ધરવામાં આવ્યો, એ “આપણને શીખવવા” માટે લખાવી લેવામાં આવ્યો છે. (રોમ. ૧૫:૪) એ અહેવાલથી શીખવા મળે છે કે યહોવા ખરાબ કામોને ચલાવી લેતા નથી. અમુકને કદાચ લાગે કે યહોવા દયાના સાગર છે, એટલે તે પસ્તાવો ન કરનાર વ્યક્તિને મંડળમાં રહેવા દેશે. પણ યહોવા એ રીતે “દયા” નથી બતાવતા. ખરું કે, યહોવા દયાળુ છે. પણ તે બેશરમ કામોને ચલાવી લેતા નથી. તે ખરાં-ખોટાંનાં પોતાનાં ધોરણો સાથે તડજોડ કરતા નથી. (યહૂ. ૪) જો યહોવા પસ્તાવો ન કરનાર વ્યક્તિને મંડળમાં રહેવા દે, તો એ સાચી દયા નહિ કહેવાય. કેમ કે એનાથી તો આખા મંડળને નુકસાન થઈ શકે છે.—નીતિ. ૧૩:૨૦; ૧ કોરીં. ૧૫:૩૩.
૧૫ છતાં આપણે જાણીએ છીએ કે કોઈનો પણ નાશ થાય એવું યહોવા નથી ચાહતા. તે ઇચ્છે છે કે બને એટલા લોકો બચી જાય. તે એવા લોકોને દયા બતાવે છે, જેઓ પોતાનાં વિચારો અને કામોમાં ફેરફાર કરે છે તેમજ તેમની સાથેનો સંબંધ ફરીથી જોડવા માંગે છે. (હઝકિ. ૩૩:૧૧; ૨ પિતર ૩:૯ વાંચો.) એટલે જ્યારે કોરીંથ મંડળના ભાઈએ પસ્તાવો કર્યો અને પોતાનામાં સુધારો કર્યો, ત્યારે યહોવાએ પાઉલ દ્વારા મંડળને જણાવ્યું કે એ ભાઈને માફ કરી દે અને તેનો આવકાર કરે.
જ્યારે કોઈને મંડળમાં પાછા લેવામાં આવે છે, ત્યારે ભાઈ-બહેનો દિલથી તેઓનો આવકાર કરે છે. એવું કરીને તેઓ યહોવાની જેમ પ્રેમ અને દયા બતાવે છે (ફકરા ૧૪-૧૫ જુઓ)
૧૬. કોરીંથ મંડળમાં બનેલા કિસ્સાને જે રીતે હાથ ધરવામાં આવ્યો, એ જાણીને તમને યહોવા વિશે કેવું લાગે છે?
૧૬ કોરીંથ મંડળમાં બનેલો કિસ્સો જે રીતે હાથ ધરવામાં આવ્યો, એનાથી આપણે જોઈ શકીએ છીએ કે યહોવા પ્રેમાળ, ન્યાયી અને ખરા ઈશ્વર છે. (ગીત. ૩૩:૫) યહોવામાં એવા ગુણો છે, એ જાણીને શું તેમની હજી વધારે સ્તુતિ કરવાનું મન નથી થતું? જોવા જઈએ તો આપણે બધા જ પાપી છીએ અને યહોવા પાસેથી માફી મેળવવાની જરૂર છે. આપણે યહોવાના કેટલા આભારી છીએ કે તેમણે ઈસુના બલિદાનની ગોઠવણ કરી છે, જેથી આપણને પાપોની માફી મળી શકે. એ જાણીને દિલને કેટલી ટાઢક મળે છે કે યહોવા લોકોને દિલથી પ્રેમ કરે છે અને તેઓને હંમેશાં ખુશ જોવા માંગે છે!
૧૭. હવે પછીના લેખોમાં શાની ચર્ચા કરીશું?
૧૭ આજે કોઈ વ્યક્તિ ગંભીર પાપ કરે, તો એને કઈ રીતે હાથ ધરવામાં આવે છે? મંડળના વડીલો કઈ રીતે યહોવાની જેમ પ્રેમ બતાવી શકે અને તેને પસ્તાવો કરવા મદદ કરી શકે? જો વડીલો એ વ્યક્તિને મંડળમાંથી દૂર કરવાનો અથવા તેને મંડળમાં પાછા લેવાનો નિર્ણય લે, તો મંડળનાં ભાઈ-બહેનોએ કઈ રીતે વર્તવું જોઈએ? હવે પછીના લેખોમાં એ સવાલોના જવાબ જોઈશું.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત