જુઓ, શું બની રહ્યું છે!
આખી દુનિયામાં ગોળીબારના ચોંકાવનારા બનાવો—બાઇબલ શું કહે છે?
જુલાઈ ૨૦૨૨માં દુનિયા ફરતે ગોળીબારના ચોંકાવનારા બનાવો:
“જાપાનના જાણીતા નેતા (અગાઉના પ્રધાન મંત્રી) શિન્ઝો અબેની હત્યાથી આખો દેશ હચમચી ગયો અને દુનિયાભરના લોકોને આઘાત લાગ્યો. ખાસ તો એટલે, કેમ કે એ દેશમાં ગુનાઓનું સ્તર ઓછું છે અને બંદુક વાપરવાના કાયદા કડક છે.”—૧૦ જુલાઈ, ૨૦૨૨, ધ જાપાન ટાઇમ્સ.
“કૉપનહેગન, ડેન્માર્કમાં એક માણસે શોપિંગ મોલમાં ત્રણ લોકોને ગોળીબાર કરીને મારી નાંખ્યા, જેના લીધે આખો દેશ આઘાતમાં છે.”—૪ જુલાઈ, ૨૦૨૨, રોઇટર્સ.
“દક્ષિણ આફ્રિકા: સોવેટો ટાઉનશીપના એક બારમાં અમુક માણસોએ ગોળીબાર કરીને ૧૫ લોકોનો જીવ લીધો.”—૧૦ જુલાઈ, ૨૦૨૨, ધ ગાર્ડિયન.
“અમેરિકામાં ચોથી જુલાઈના અઠવાડિયાની રજાઓમાં ગોળીબારોની ઘટનાઓમાં ૨૨૦થી વધુ લોકોના મોત.”—૫ જુલાઈ, ૨૦૨૨, સીબીએસ ન્યૂઝ.
આવી હિંસાનો અંત આવશે એવી કોઈ આશા ખરી? બાઇબલ શું કહે છે?
હિંસાનો અંત
બાઇબલમાં લખ્યું છે કે ‘છેલ્લા દિવસોમાં’ લોકો ક્રૂર, હિંસક અને ઘાતકી હશે. આપણે એ જ સમયમાં જીવી રહ્યા છીએ. (૨ તિમોથી ૩:૧, ૩) એવા બનાવોને લીધે લોકો ડરી ડરીને જીવે છે. (લૂક ૨૧:૧૧) બાઇબલમાં વચન આપ્યું છે કે એવો સમય આવશે જ્યારે હિંસાનો અંત આવશે અને “લોકો શાંત વાતાવરણમાં જીવશે. તેઓ સલામત જગ્યામાં અને શાંત માહોલમાં રહેશે.” (યશાયા ૩૨:૧૮) પણ હિંસાનો અંત કેવી રીતે આવશે?
ઈશ્વર દુષ્ટોને મિટાવી દેશે અને બધાં હથિયારોનો નાશ કરશે.
“દુષ્ટોનો પૃથ્વી પરથી નાશ કરવામાં આવશે.”—નીતિવચનો ૨:૨૨.
“[ઈશ્વર] આખી પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત લાવે છે. તે ધનુષ્ય તોડી નાખે છે અને ભાલાના ચૂરેચૂરા કરી નાખે છે. તે યુદ્ધના રથોને બાળીને ભસ્મ કરી નાખે છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૯.
ઈશ્વર લોકોને શાંતિથી જીવવાનું શીખવશે. આમ તે હિંસાનો અંત લાવશે.
“મારા આખા પવિત્ર પર્વત પર તેઓ કંઈ નુકસાન કે વિનાશ કરશે નહિ. જેમ દરિયો પાણીથી ભરપૂર છે, તેમ ધરતી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.”—યશાયા ૧૧:૯.
હાલમાં પણ ઈશ્વર આખી દુનિયામાં લોકોને હિંસા અને હથિયારોથી દૂર રહેવાનું શીખવી રહ્યા છે. ઈશ્વર તેઓને ‘પોતાની તલવારો ટીપીને હળની કોશો અને પોતાના ભાલાઓનાં દાતરડાં બનાવવાનું’ શીખવી રહ્યા છે.—મીખાહ ૪:૩.
હિંસા વગરની દુનિયા વિશે બાઇબલમાં વચન આપ્યું છે. એ વિશે વધુ જાણવા આ લેખ વાંચો “ફ્રિડમ ફ્રોમ ફિયર—ઈઝ ઈટ પોસીબલ?”
હિંસાને કઈ રીતે કાયમ માટે કાઢી નાખવામાં આવશે એ વિશે વધુ જાણવા આ લેખ વાંચો “છેવટે પૃથ્વી પર શાંતિ જ શાંતિ છવાઈ જશે.”