વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • શા માટે બાઇબલ વાંચવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
    • એક સ્ત્રી કબાટમાંથી બાઇબલ કાઢે છે

      મુખ્ય વિષય | બાઇબલ વાંચનમાંથી પૂરો ફાયદો મેળવો

      શા માટે બાઇબલ વાંચવું જોઈએ?

      “મને લાગતું કે બાઇબલ સમજવું ખૂબ જ અઘરું હશે.”—જોવી

      “મને થતું કે એ કંટાળાજનક હશે.”—ક્વિની

      “બાઇબલ ખૂબ જ મોટું પુસ્તક છે, એ જોઈને જ વાંચવાની મારી ઇચ્છા મરી પરવારી.”—ઇઝિકિયેલ

      શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે બાઇબલ વાંચવાની ઇચ્છા જાગી હોય, પણ ઉપર જણાવ્યાં છે એવાં કારણોને લીધે તમે એ પડતું મૂક્યું હોય? ઘણા લોકો માટે બાઇબલ વાંચવું લોઢાના ચણા ચાવવા જેવું છે. પરંતુ, જો તમને ખબર પડે કે બાઇબલ વાંચવાથી તમારું જીવન ખુશહાલ અને સંતોષી બનશે, તો શું? અથવા જો તમને જાણવા મળે કે, અમુક રીતો અજમાવવાથી બાઇબલ વાંચન વધુ રસપ્રદ બની શકે છે, તો શું? બાઇબલમાંથી કેવો ફાયદો મળે છે, એના પર શું તમે એક નજર કરવા ચાહશો?

      અમુક લોકોએ બાઇબલ વાંચવાનું શરૂ કર્યું ત્યારે, એના ફાયદા જોઈ શક્યા. ચાલો, તેઓ પાસેથી જ જાણીએ.

      ઇઝિકિયેલ બાવીસેક વર્ષનો છે. તે કહે છે: “અગાઉ હું જાણે એવી મુસાફરીએ નીકળ્યો હતો, જેની કોઈ મંજિલ ન હતી. પરંતુ, બાઇબલ વાંચવાથી મારા જીવનને એક હેતુ મળ્યો છે, એક મંજિલ મળી છે. એમાં વ્યવહારુ સૂચનો આપ્યાં છે, જેને હું રોજબરોજના જીવનમાં લાગુ કરી શકું છું.”

      ફ્રિડા પચ્ચીસેક વર્ષની છે. તે કહે છે: “હું વાતે વાતે ગુસ્સે થઈ જતી. પણ, બાઇબલ વાંચવાથી હું પોતાના પર કાબૂ કરતા શીખી. એના લીધે, લોકો સાથે હળવું-મળવું સહેલું બન્યું છે અને હવે મારા ઘણા દોસ્તો છે.”

      યુનિસ આશરે ૫૫ વર્ષનાં છે. બાઇબલ વિશે તે કહે છે: “એ મને સારી વ્યક્તિ બનવા અને ખરાબ આદતોને ત્યજી દેવા મદદ કરે છે.”

      આ વાચકો અને બીજા લાખો લોકો સમજ્યા છે કે બાઇબલ વાંચવાથી જીવન ખુશહાલ બનાવવા મદદ મળે છે. (યશાયા ૪૮:૧૭, ૧૮) બાઇબલ વાંચવાના અનેક ફાયદા છે. એ તમને યોગ્ય નિર્ણય લેવા, સારા મિત્રો બનાવવા, ચિંતાનો સામનો કરવા અને સૌથી મહત્ત્વનું તો ઈશ્વર વિશેનું સત્ય શીખવા મદદ કરે છે. બાઇબલની સલાહ ઈશ્વર તરફથી છે. એને પાળવાથી તમારે ક્યારેય પસ્તાવાનો વારો નહિ આવે. કારણ કે, ઈશ્વર કદી પણ નુકસાનકારક સલાહ આપતા નથી.

      પરંતુ, સૌથી મહત્ત્વનું છે કે, આપણે એકવાર વાંચવાની શરૂઆત કરીએ. વાંચન શરૂ કરવા અને એની મજા માણવા શું કોઈ વ્યવહારુ સૂચનો છે? હા, ચોક્કસ.

  • શરૂઆત કઈ રીતે કરું?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
    • મુખ્ય વિષય | બાઇબલ વાંચનમાંથી પૂરો ફાયદો મેળવો

      શરૂઆત કઈ રીતે કરું?

      બાઇબલ વાંચતા પહેલાં એક સ્ત્રી પ્રાર્થના કરે છે

      બાઇબલ વાંચનનો પૂરો આનંદ માણવા અને એમાંથી લાભ મેળવવા શું મદદ કરી શકે? ચાલો પાંચ સૂચનો પર ચર્ચા કરીએ, જેનાથી અનેક લોકોને ફાયદો થયો છે.

      યોગ્ય માહોલ પસંદ કરો. શાંત જગ્યા શોધો. ખલેલ પહોંચાડતી વસ્તુઓને દૂર રાખો, જેથી વાંચન પર મન લગાડી શકો. વાંચનનો પૂરો લાભ મેળવવા સારા હવા-ઉજાશનું પણ ધ્યાન રાખો.

      યોગ્ય વલણ કેળવો. બાઇબલ આપણા સ્વર્ગમાંના પિતાનો સંદેશો છે. તેથી, એનો પૂરો લાભ મેળવવા બાળકો જેવું મન કેળવો, જેઓ પોતાનાં માતા-પિતા પાસેથી શીખવા હંમેશાં આતુર હોય છે. બાઇબલ પ્રત્યે જો તમારા મનમાં કોઈ પૂર્વગ્રહ હોય, તો એને બાજુએ મૂકો, જેથી ઈશ્વર પાસેથી શીખી શકો.—ગીતશાસ્ત્ર ૨૫:૪.

      વાંચતા પહેલાં પ્રાર્થના કરો. બાઇબલમાં ઈશ્વરના વિચારો છે. તેથી, સ્વાભાવિક છે કે એને સમજવા તેમની મદદની જરૂર છે. ઈશ્વરે વચન આપ્યું છે કે, ‘જેઓ પવિત્ર શક્તિ માંગે છે, તેઓને તે આપશે.’ (લુક ૧૧:૧૩) ઈશ્વરના વિચારોને સમજવા પવિત્ર શક્તિ મદદ કરી શકે. સમય જતાં, ‘ઈશ્વર વિશેની ઊંડી વાતો’ સમજવા એ તમારું મન ખોલશે.—૧ કોરીંથીઓ ૨:૧૦.

      સમજવાની કોશિશ કરો. ફક્ત વાંચવા ખાતર ન વાંચો. જે વાંચો છો એના પર મનન કરો. તમે આવા સવાલો પર વિચાર કરી શકો: ‘જે વ્યક્તિ વિશે હું વાંચી રહ્યો છું, એનામાં કયા સારા ગુણો છે? વાંચેલી માહિતીને હું કઈ રીતે જીવનમાં લાગુ પાડી શકું?’

      ધ્યેયો બાંધો. બાઇબલ વાંચનનો પૂરો ફાયદો ઉઠાવવા એવા વિષય પર અભ્યાસ કરો, જે તમારા જીવનને નિખારે. કદાચ તમે આવા ધ્યેયો બાંધી શકો: ‘હું ઈશ્વર વિશે વધુ જાણવા ચાહું છું. હું એક સારી વ્યક્તિ બનવા ચાહું છું. હું એક સારો પતિ કે પત્ની બનવા ચાહું છું.’ ધ્યેય બાંધ્યા પછી, બાઇબલના એવા અહેવાલો પસંદ કરો જે તમને એ ધ્યેયો હાંસલ કરવા મદદ કરે.a

      સારી શરૂઆત કરવા આ પાંચ સૂચનો તમને મદદ કરશે. પરંતુ, વાંચનને વધુ રસપ્રદ બનાવવા તમે શું કરી શકો? આ પછીનો લેખ એનો જવાબ આપે છે.

      a કયા બાઇબલ અહેવાલો તમારા માટે યોગ્ય રહેશે, એ વિશે જો તમે અસમંજસમાં હો, તો યહોવાના સાક્ષીઓ રાજીખુશીથી તમને મદદ કરવા તૈયાર છે.

      વાંચનમાંથી વધુ ફાયદો મેળવવા . . .

      • ઉપરછલ્લું નહિ, પણ સમય લઈને વાંચો

      • જે વાંચો છો એમાં ડૂબી જાઓ, મનમાં એનું ચિત્ર ઊભું કરો

      • અહેવાલના સંદર્ભમાં કોઈ કલમ કઈ રીતે બંધબેસે છે, એ સમજો

      • જે વાંચો છો, એમાંથી બોધપાઠ શોધો

  • રસપ્રદ બનાવવા શું કરવું?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
    • એક સ્ત્રી બાઇબલ વાંચન દરમિયાન અભ્યાસ સાધનોનો ઉપયોગ કરી રહી છે

      મુખ્ય વિષય | બાઇબલ વાંચનમાંથી પૂરો ફાયદો મેળવો

      રસપ્રદ બનાવવા શું કરવું?

      તમને બાઇબલ વાંચવું કેવું લાગે છે? કંટાળો ઉપજાવનાર કે પછી તાજગી આપનાર? એનો આધાર વાંચવાની તમારી રીત પર છે. વાંચવામાં તમારો રસ કેળવવા અને એની મજા માણવા શું કરવું, એ વિશે ચાલો થોડી ચર્ચા કરીએ.

      ભરોસાપાત્ર અને બોલચાલની ભાષા વપરાઈ હોય એવો અનુવાદ પસંદ કરો. તમે એવું કંઈક વાંચતા હો, જેમાં અઘરા અથવા તમે જાણતા ન હો એવા જૂના શબ્દો હોય તો, તમને વાંચવાની મજા નહિ આવે. તેથી, એવો અનુવાદ પસંદ કરો, જેના શબ્દો સમજવા સહેલા અને દિલમાં ઊતરી જાય એવા હોય. જોકે, એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, એ અનુવાદ સચોટ હોય.a

      ટૅક્નોલૉજીનો ઉપયોગ કરો. આજે બાઇબલ ફક્ત પુસ્તકના રૂપમાં જ નહિ, ડિજિટલ ફોર્મેટમાં પણ પ્રાપ્ય છે. અમુક બાઇબલને તમે ઓનલાઇન અથવા કોમ્પ્યુટર, ટેબ્લેટ કે મોબાઇલ ફોન પર ડાઉનલોડ કરીને વાંચી શકો. અમુક આવૃત્તિઓમાં એવી જોગવાઈ હોય છે, જેની મદદથી તમે કોઈ વિષયને લગતી કલમો શોધી શકો અથવા બીજા અનુવાદો સાથે એને સરખાવી શકો. જો તમે વાંચવાને બદલે સાંભળવા ચાહતા હો, તો બાઇબલનું રેકોર્ડિંગ પણ પ્રાપ્ય છે. અમુક લોકોને મુસાફરી, ઘરના કામકાજ અથવા બીજી પ્રવૃત્તિઓ કરતી વખતે એ સાંભળવું ગમે છે. કેમ નહિ કે તમે પણ એવી કોઈ રીત અજમાવી જુઓ?

      બાઇબલ અભ્યાસનાં સાધનો વાપરો. બાઇબલ અભ્યાસનાં સાધનોથી તમે વાંચનનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકો છો. નકશાની મદદથી તમે બાઇબલમાં આપેલી જગ્યાઓ વિશે જાણી શકો છો અને કોઈ અહેવાલની વિગતવાર માહિતી મેળવી શકો છો. આ અંકમાં આપ્યા છે એવા લેખો અથવા jw.org વેબસાઇટ પર આપેલા “બાઇબલ ટીચિંગ્સ” વિભાગની મદદથી બાઇબલના અમુક ભાગને ઊંડાણથી સમજવા મદદ મળશે.

      નવી નવી રીત અજમાવો. બાઇબલને પહેલા પાનથી છેલ્લા પાન સુધી વાંચવું પડકારજનક લાગતું હોય તો, પહેલા એવો ભાગ પસંદ કરો જેમાં તમને રસ હોય. જો તમે બાઇબલ સમયના પ્રખ્યાત વ્યક્તિઓ વિશે જાણવા ચાહતા હો, તો પાત્રો પ્રમાણે બાઇબલનો ભાગ પસંદ કરો. એવું એક ઉદાહરણ “બાઇબલમાં ઊંડે ઊતરવા એના પાત્રોને નજીકથી ઓળખો” બૉક્સમાં આપ્યું છે. તમે ચાહો તો વિષય પ્રમાણે કે બનાવોના ક્રમ પ્રમાણે બાઇબલ વાંચી શકો. કેમ નહિ કે, વાંચનને રસપ્રદ બનાવવા આવી એકાદ રીતનો ઉપયોગ કરી જુઓ?

      a ઘણા લોકોને ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ અનુવાદ એકદમ સચોટ, ભરોસાપાત્ર અને વાંચવામાં સહેલો લાગ્યો છે. યહોવાના સાક્ષીઓએ એ બાઇબલને ૧૩૦ કરતાં વધુ ભાષાઓમાં બહાર પાડ્યું છે. તમે jw.org વેબસાઇટ પરથી એ ડાઉનલોડ કરી શકો અથવા JW લાઇબ્રેરી ઍપ ડાઉનલોડ કરી શકો. અથવા જો તમે ચાહો, તો યહોવાના સાક્ષીઓ તમારા ઘરે એની એક પ્રત પહોંચતી કરી શકે.

      બાઇબલમાં ઊંડે ઊતરવા એના પાત્રોને નજીકથી ઓળખો

      અમુક વફાદાર સ્ત્રીઓ

      અબીગાઈલ

      પહેલો શમૂએલ અધ્યાય ૨૫

      એસ્તેર

      એસ્તેર અધ્યાય ૨-૫, ૭-૯

      મરિયમ

      (ઈસુની મા) માથ્થી અધ્યાય ૧-૨; લુક અધ્યાય ૧-૨; તેમજ યોહાન ૨:૧-૧૨; પ્રેરિતોનાં કાર્યો ૧:૧૨-૧૪; ૨:૧-૪ પણ જુઓ

      રાહાબ

      યહોશુઆ અધ્યાય ૨, ૬; તેમજ હિબ્રૂઓ ૧૧:૩૦, ૩૧; યાકૂબ ૨:૨૪-૨૬ પણ જુઓ

      રિબકાહ

      ઉત્પત્તિ અધ્યાય ૨૪-૨૭

      હાન્‍ના

      પહેલો શમૂએલ અધ્યાય ૧-૨

      સારાહ

      ઉત્પત્તિ અધ્યાય ૧૭-૧૮, ૨૦-૨૧, ૨૩; તેમજ હિબ્રૂઓ ૧૧:૧૧; ૧ પીતર ૩:૧-૬ પણ જુઓ

      અડગ શ્રદ્ધા બતાવનાર પુરુષો

      ઈબ્રાહીમ

      ઉત્પત્તિ ૧૧-૨૪; તેમજ ઉત્પત્તિ ૨૫:૧-૧૧ પણ જુઓ

      ઈસુ

      માથ્થી, માર્ક, લુક અને યોહાને લખેલી સુવાર્તાઓ

      દાઊદ

      પહેલો શમૂએલ અધ્યાય ૧૬-૩૦; બીજો શમૂએલ અધ્યાય ૧-૨૪; પહેલો રાજાઓ અધ્યાય ૧-૨

      નુહ

      ઉત્પત્તિ અધ્યાય ૫-૯

      પાઊલ

      પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૭-૯, ૧૩-૨૮

      પીતર

      માથ્થી અધ્યાય ૪, ૧૦, ૧૪, ૧૬-૧૭, ૨૬; પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૧-૫, ૮-૧૨

      મુસા

      નિર્ગમન અધ્યાય ૨-૨૦, ૨૪, ૩૨-૩૪; ગણના અધ્યાય ૧૧-૧૭, ૨૦, ૨૧, ૨૭, ૩૧; પુનર્નિયમ અધ્યાય ૩૪

      યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલાં બાઇબલ અભ્યાસ માટેનાં સાધનો

      • JW.ORG—આ વેબસાઇટ પર અભ્યાસ માટે ઘણાં સાધનો છે. એમાં એક ખાસ વિભાગ પણ છે: “બાઇબલ ક્વેશ્ચન્સ આન્સર્ડ.” ઉપરાંત, JW લાઇબ્રેરી ઍપ ડાઉનલોડ કરવા માટે સૂચનો છે

      • “સી ધ ગુડ લૅન્ડ”—આ પુસ્તિકામાં બાઇબલમાં જણાવેલી જગ્યાનાં નકશા અને ચિત્રો છે

      • ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ—બે ભાગમાં બહાર પાડેલા આ બાઇબલ શબ્દકોશમાં વ્યક્તિ, જગ્યા અને બાઇબલના શબ્દોની વિસ્તૃત સમજણ આપી છે

      • “ઑલ સ્ક્રીપ્ચર્સ ઈઝ ઈન્સ્પાયર્ડ ઑફ ગોડ એન્ડ બેનીફિશિયલ”—સંશોધનથી ભરપૂર આ પુસ્તકમાં બાઇબલનું દરેક પુસ્તક ક્યાં, ક્યારે અને શા માટે લખવામાં આવ્યું હતું એ સમજાવવામાં આવ્યું છે. તેમ જ, દરેક પુસ્તકનો સારાંશ આપવામાં આવ્યો છે

      • ધ બાઇબલ—ગોડ્‌સ વર્ડ ઓર મેન્સ?—કાળજીપૂર્વક કરાયેલા સંશોધનને આધારે લખાયેલું આ પુસ્તક સાબિતી આપે છે કે, બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે

      • બાઇબલનો સંદેશો શું છે?—૩૨ પાનની આ પુસ્તિકામાં બાઇબલના મુખ્ય વિષયનો સારાંશ આપ્યો છે

  • બાઇબલ કઈ રીતે મારું જીવન સુધારી શકે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
    • પતિ-પત્ની ભેગાં મળીને રસોડામાં કામ કરે છે

      મુખ્ય વિષય | બાઇબલ વાંચનમાંથી પૂરો ફાયદો મેળવો

      બાઇબલ કઈ રીતે મારું જીવન સુધારી શકે?

      બાઇબલ કોઈ સાધારણ પુસ્તક નથી. એમાં સર્જનહાર તરફથી સલાહો આપવામાં આવી છે. (૨ તિમોથી ૩:૧૬) એનો સંદેશો આપણું જીવન બદલી શકે છે. બાઇબલ કહે છે: ‘ઈશ્વરની વાણી જીવંત અને શક્તિશાળી છે.’ (હિબ્રૂઓ ૪:૧૨) એ બે રીતે આપણા જીવનને વધારે સારું બનાવે છે. પહેલું, રોજબરોજના જીવનને લગતું માર્ગદર્શન આપીને. બીજું, ઈશ્વરને નજીકથી ઓળખવા અને તેમનાં વચનો વિશે જાણવા મદદ કરીને.—૧ તિમોથી ૪:૮; યાકૂબ ૪:૮.

      રોજબરોજના જીવનને લગતું માર્ગદર્શન. વ્યક્તિગત કોયડાઓને હાથ ધરવા બાઇબલ મદદ કરી શકે. એમાં વ્યવહારુ સલાહો આપી છે. જેમ કે,

      • બીજાઓ સાથેના સંબંધો જાળવી શકીએ.—એફેસીઓ ૪:૩૧, ૩૨; ૫:૨૨, ૨૫, ૨૮, ૩૩.

      • તન-મનની કાળજી રાખી શકીએ.—ગીતશાસ્ત્ર ૩૭:૮; નીતિવચનો ૧૭:૨૨.

      • સારા સંસ્કારો કેળવી શકીએ.—૧ કોરીંથીઓ ૬:૯, ૧૦.

      • આર્થિક સમસ્યાઓ ઉકેલી શકીએ.—નીતિવચનો ૧૦:૪; ૨૮:૧૯; એફેસીઓ ૪:૨૮.a

      એશિયામાં રહેતા એક યુવાન દંપતિએ બાઇબલની સલાહની ઊંડી કદર કરી. બીજા નવયુગલોની જેમ તેઓ પણ એકબીજા સાથે દિલ ખોલીને વાત કરવા અને તાલમેલ મેળવવા સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ, તેઓએ બાઇબલની સલાહો લાગુ પાડવાનું શરૂ કર્યું. એનું કેવું પરિણામ આવ્યું? વિસેન્ટ કહે છે: “લગ્‍નમાં આવતા પડકારોને પ્રેમાળ રીતે હાથ ધરવા બાઇબલમાંથી મને મદદ મળી છે. બાઇબલનાં ધોરણો પાળવાથી અમારું જીવન ખુશહાલ બન્યું છે.” તેમના પત્ની અન્‍નાલૌ સહમત થતા કહે છે: “બાઇબલમાં આપેલા અહેવાલો વાંચવાથી અમને મદદ મળી છે. અમારા ધ્યેયો અને લગ્‍નજીવનથી હું ઘણી ખુશ અને સંતોષી છું.”

      ઈશ્વરને વધુ સારી રીતે ઓળખો. વિસેન્ટ આમ પણ જણાવે છે: “બાઇબલ વાંચવાથી હું યહોવાને પોતાની ખૂબ નજીક મહેસૂસ કરી શક્યો છું, એવું મેં પહેલાં ક્યારેય અનુભવ્યું ન હતું.” વિસેન્ટની વાત પરથી એક મહત્ત્વનો મુદ્દો બહાર આવે છે: બાઇબલ વાંચવાથી તમે ઈશ્વરને વધુ સારી રીતે ઓળખી શકો છો. બાઇબલ વાંચવાથી ફાયદાકારક સલાહ તો મળે છે, સાથે સાથે ઈશ્વરને મિત્રની જેમ વધુ નજીકથી ઓળખવાની તક મળે છે. ઉપરાંત, એમાં ઉજ્જવળ ભાવિ વિશેની વિગતો આપવામાં આવી છે. એવું ભાવિ જેમાં તમે “ખરા જીવન”નો આનંદ કાયમ માટે માણી શકશો. (૧ તિમોથી ૬:૧૯) આ એક એવી આશા છે જે બીજું કોઈ પુસ્તક આપતું નથી.

      જો તમે નિયમિત રીતે બાઇબલ વાંચશો, તો તમે પણ ફાયદો ઉઠાવી શકશો. તમે પોતાનું જીવન સુધારી શકશો અને ઈશ્વરને વધુ સારી રીતે ઓળખી શકશો. બાઇબલ વાંચશો તેમ તમારા મનમાં અનેક સવાલો ઊઠશે. એમ થાય ત્યારે, ૨૦૦૦ વર્ષ અગાઉ જીવી ગયેલા ઇથિયોપિયાના અધિકારીનો સારો દાખલો મનમાં રાખી શકો. તેને બાઇબલ વિશે અનેક સવાલો હતા. તેને પૂછવામાં આવ્યું કે તે જે વાંચે છે શું એ સમજે છે ત્યારે, તેણે કહ્યું: “કોઈના શીખવ્યા વિના હું કેવી રીતે સમજી શકું?”b ત્યાર બાદ તેણે ફિલિપની મદદ સ્વીકારી, જે ઈસુનો શિષ્ય અને બાઇબલનો સારો શિક્ષક હતો. (પ્રેરિતોનાં કાર્યો ૮:૩૦, ૩૧, ૩૪) એવી જ રીતે, જો તમે બાઇબલ વિશે વધુ જાણવા ચાહતા હો, તો તમે www.pr418.com/gu પર ઓનલાઇન ફૉર્મ ભરી શકો અથવા આ મૅગેઝિનમાં આપેલા નજીકના સરનામે સંપર્ક કરી શકો. તમે ચાહો તો, તમારી નજીક રહેતા કોઈ યહોવાના સાક્ષીનો સંપર્ક કરી શકો અથવા તમારા વિસ્તારના રાજ્યગૃહની મુલાકાત લઈ શકો. આજે જ બાઇબલ ઉઠાવો, એને વાંચો અને તમારા જીવનને એના માર્ગદર્શન પ્રમાણે દોરો.

      જો તમને શંકા હોય કે બાઇબલ પર ભરોસો કરી શકાય કે કેમ, તો આ નાનો વીડિયો જોઈ શકો: હાઉ કેન વી બી શ્યોર ધ બાઇબલ ઇઝ ટ્રુ? એ વીડિયો જોવા વીડિયોના નામથી jw.org પર સર્ચ કરી શકો.

      a બાઇબલમાં આપેલી વ્યવહારુ સલાહના અમુક દાખલા માટે jw.org પર BIBLE TEACHINGS > BIBLE QUESTIONS ANSWERED વિભાગ જુઓ.

      b આ અંકમાં આપેલો આ લેખ પણ જુઓ: “શું એક નાની ગેરસમજ?”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો