વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 ઑક્ટોબર પાન ૮-૧૨
  • ‘અજાણ્યાઓને પ્રેમ બતાવવાનું ભૂલશો નહિ’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘અજાણ્યાઓને પ્રેમ બતાવવાનું ભૂલશો નહિ’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • અજાણ્યાઓ પ્રત્યે યહોવાનું વલણ
  • અજાણ્યાઓ પ્રત્યેના વલણમાં શું આપણે ફેરફાર કરવાની જરૂર છે?
  • અજાણ્યાઓ પ્રત્યે કઈ રીતે પ્રેમ બતાવવો?
  • બધાનો આવકાર કરો
  • બોઆઝ અને રૂથનું લગ્‍ન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • “સદ્‍ગુણી સ્ત્રી”
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • રૂથ પુસ્તકના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • રૂથ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 ઑક્ટોબર પાન ૮-૧૨
એક યુવાન માણસ પરદેશમાં કોઈ જગ્યા શોધવા સંઘર્ષ કરે છે

‘અજાણ્યાઓને પ્રેમ બતાવવાનું ભૂલશો નહિ’

‘અજાણ્યાઓને પ્રેમ બતાવવાનું ભૂલશો નહિ.’—હિબ્રૂ. ૧૩:૨, ફૂટનોટ.

ગીતો: ૩, ૫૦

જવાબમાં તમે શું કહેશો?

  • અજાણ્યાઓ પ્રત્યેના આપણા વલણમાં શા માટે ફેરફાર કરવાની જરૂર પડી શકે?

  • બોઆઝે અજાણ્યાઓ પ્રત્યે કઈ રીતે યહોવા જેવું વલણ બતાવ્યું?

  • આપણે કઈ રીતે પરદેશીઓને દયા અને પ્રેમ બતાવી શકીએ?

૧, ૨. (ક) બીજા દેશમાંથી આવેલા લોકો કેવા પડકારોનો સામનો કરે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) પ્રેરિત પાઊલે ઈશ્વરભક્તોને કયું ઉત્તેજન આપ્યું અને આપણે કયા સવાલો પર ચર્ચા કરીશું?

લગભગ ૩૦ વર્ષ પહેલાં ભાઈ ઓસી[1] ઘાના દેશ છોડીને યુરોપ રહેવા ગયા. એ સમયે તે યહોવાના સાક્ષી ન હતા. ભાઈ જણાવે છે: ‘મને જલદી જ અહેસાસ થયો કે મોટા ભાગના લોકોને મારી કંઈ પડી ન હતી. ત્યાંનું વાતાવરણ એકદમ અલગ હતું. હું ઍરપોર્ટની બહાર આવ્યો અને જીવનમાં પહેલી વાર એટલી કડકડતી ઠંડીનો અનુભવ કર્યો. હું તો રડી પડ્યો!’ ભાઈ ઓસી માટે નવી ભાષા શીખવી ખૂબ મુશ્કેલ હતી; તેમને સારી નોકરી શોધતા એક વર્ષથી પણ વધુ સમય લાગ્યો. તે પોતાના કુટુંબથી ઘણા દૂર હતા એટલે તેમને ઘરની યાદ સતાવતી. તેમને લાગતું કે તે સાવ એકલા પડી ગયા છે.

૨ જરા વિચારો કે જો તમે એવા સંજોગોમાં હો, તો તમે બીજાઓ પાસે કેવા વર્તનની આશા રાખશો. ભલે તમે કોઈ પણ દેશના કે જાતિના હો, પરંતુ મંડળમાં પ્રેમાળ ભાઈ-બહેનો તમારો ઉષ્માભર્યો આવકાર કરે છે ત્યારે, તમને કેટલી રાહત મળે છે. તમે ચોક્કસ એની કદર કરશો, ખરું ને? બાઇબલ ઈશ્વરભક્તોને ઉત્તેજન આપે છે કે, તેઓ “અજાણ્યાઓને પ્રેમ” બતાવવાનું ભૂલે નહિ. (હિબ્રૂ. ૧૩:૨, ફૂટનોટ) તેથી, ચાલો આપણે આ સવાલો પર વિચાર કરીએ: અજાણ્યાઓ પ્રત્યે યહોવાનું વલણ કેવું છે? અજાણ્યાઓ પ્રત્યેના વલણમાં શું આપણે ફેરફાર કરવાની જરૂર છે? બીજા દેશના લોકો આપણા મંડળમાં આવે ત્યારે, તેઓને અજાણ્યું ન લાગે એ માટે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ?

અજાણ્યાઓ પ્રત્યે યહોવાનું વલણ

૩, ૪. નિર્ગમન ૨૩:૯ પ્રમાણે ઇઝરાયેલીઓ પાસેથી યહોવા શું ચાહતા હતા અને શા માટે?

૩ યહોવાએ પોતાના લોકોને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા એ પછી તેઓને અમુક નિયમો આપ્યા હતા. એ નિયમો પરથી ઇઝરાયેલીઓ શીખી શક્યા કે તેઓએ પોતાની સાથે આવેલા પરદેશીઓ સાથે દયાથી વર્તવાનું હતું. (નિર્ગ. ૧૨:૩૮, ૪૯; ૨૨:૨૧) પરદેશીઓનું જીવન હંમેશાં અઘરું હોય છે. તેથી, યહોવાએ તેઓની પ્રેમાળ કાળજી લીધી અને તેઓ માટે અમુક ગોઠવણો કરી. જેમ કે, કાપણી પછી ખેતરમાંથી વધેલું અનાજ તેઓ પોતાના માટે ભેગું કરી શકતા હતા.—લેવી. ૧૯:૯, ૧૦.

૪ યહોવાએ ઇઝરાયેલીઓને ફક્ત આજ્ઞા ન આપી કે, તેઓ પરદેશીઓને માન આપે. પરંતુ, યહોવા તો ચાહતા હતા કે, ઇઝરાયેલીઓ યાદ રાખે કે, ‘પરદેશી હોવાની લાગણી’ કેવી હોય છે. કારણ કે, એક સમયે તેઓ પણ પરદેશી હતા. (નિર્ગમન ૨૩:૯ વાંચો.) ઇઝરાયેલીઓ ઇજિપ્તના લોકો કરતાં એકદમ અલગ હતા. એટલે, ઇજિપ્તના લોકો તેઓને ધિક્કારતા હતા. અરે, ઇઝરાયેલીઓ ગુલામ બન્યા એ પહેલાં પણ ઇજિપ્તના લોકોને તેઓ ગમતા ન હતા. (ઉત. ૪૩:૩૨; ૪૬:૩૪; નિર્ગ. ૧:૧૧-૧૪) પરદેશીઓ તરીકે ઇઝરાયેલીઓનું જીવન ખૂબ અઘરું હતું. યહોવા ચાહતા હતા કે, તેઓ એ વાત યાદ રાખે અને પરદેશીઓ પર દયા બતાવે.—લેવી. ૧૯:૩૩, ૩૪.

૫. યહોવાની જેમ પરદેશીઓ પ્રત્યે પ્રેમ બતાવવા આપણને શું મદદ કરી શકે?

૫ યહોવા આજે પણ બદલાયા નથી. તેથી, પરદેશીઓ આપણા મંડળમાં આવે ત્યારે, આપણે ભૂલવું ન જોઈએ કે યહોવા આજે પણ એવા લોકો પ્રત્યે પ્રેમ બતાવે છે. (પુન. ૧૦:૧૭-૧૯; માલા. ૩:૫, ૬) પરદેશીઓ કયા પડકારોનો સામનો કરે છે, એ વિચારવા સમય કાઢો. કદાચ તેઓને ભાષાની દીવાલ નડતી હશે અથવા તેઓ સ્થાનિક લોકોના ભેદભાવનો ભોગ બનતા હશે. તેથી, એવા લોકોને મદદ કરવા અને પ્રેમ બતાવવા બનતું બધું કરીએ.—૧ પીત. ૩:૮.

અજાણ્યાઓ પ્રત્યેના વલણમાં શું આપણે ફેરફાર કરવાની જરૂર છે?

૬, ૭. શાના પરથી કહી શકાય કે પ્રથમ સદીના ખ્રિસ્તીઓ પૂર્વગ્રહને મનમાંથી દૂર કરવાનું શીખ્યા હતા?

૬ પ્રથમ સદીના યહુદીઓ બીજી જાતિના લોકો પ્રત્યે પૂર્વગ્રહ રાખતા. જોકે, ખ્રિસ્તીઓ પૂર્વગ્રહને મનમાંથી દૂર કરવાનું શીખ્યા હતા. સાલ ૩૩, પેન્તેકોસ્તના દિવસે, અલગ અલગ દેશોમાંથી ઘણા લોકો યરૂશાલેમ આવ્યા હતા અને તેઓમાંથી ઘણા લોકો શિષ્યો બન્યા. ખ્રિસ્તી બનેલા યહુદીઓએ એ નવા શિષ્યો માટે પ્રેમ બતાવ્યો અને તેઓની મહેમાનગતિ કરી. (પ્રે.કા. ૨:૫, ૪૪-૪૭) એના પરથી જોઈ શકાય કે ખ્રિસ્તીઓ “મહેમાનગતિ” બતાવવાનો ખરો અર્થ સમજ્યા હતા, જેનો અર્થ થાય કે “અજાણ્યાઓને પ્રેમ” બતાવવો.

૭ એ સમયમાં એક બનાવ બન્યો. ગ્રીક ભાષા બોલતા યહુદીઓએ ફરિયાદ કરી કે ગ્રીક વિધવાઓ જોડે અન્યાય થઈ રહ્યો છે. (પ્રે.કા. ૬:૧) એ મુશ્કેલીને થાળે પાડવા, પ્રેરિતોએ સાત માણસોને નિયુક્ત કર્યા. એ માણસોએ ખાતરી કરવાની હતી કે કોઈની જોડે અન્યાય ન થાય. પ્રેરિતોએ ગ્રીક નામ ધરાવતા માણસોને પસંદ કર્યા; એના લીધે કદાચ ગ્રીક વિધવાઓએ ઘણી રાહત અનુભવી હશે.—પ્રે.કા. ૬:૨-૬.

૮, ૯. (ક) આપણા મનમાં પૂર્વગ્રહની લાગણી આવી ગઈ છે કે નહિ એની પરખ કરવાની જરૂર શા માટે છે? (ખ) આપણે કેવી લાગણીને મનમાંથી કાઢી નાખવી જોઈએ? (૧ પીત. ૧:૨૨)

૮ આપણને ખ્યાલ આવે કે ન આવે, પણ આપણા બધા પર પોતાની સંસ્કૃતિની ઊંડી અસર થાય છે. (રોમ. ૧૨:૨) ઉપરાંત, આપણે પડોશીઓ, સાથે કામ કરતા અને ભણતા લોકોને બીજી જાતિ, રંગ અને ભાષાના લોકો વિશે ખરાબ બોલતા સાંભળ્યા હશે. તેથી સવાલ થાય કે, એવા ખરાબ વિચારોની આપણા પર કેટલી ઊંડી અસર થાય છે? અથવા આપણા દેશ કે સંસ્કૃતિની કોઈ મજાક ઉડાવે ત્યારે, આપણે કેવું વલણ બતાવીએ છીએ?

૯ એક સમયે પ્રેરિત પીતરે પણ બિનયહુદી લોકો પ્રત્યે ભેદભાવ રાખ્યો હતો. પરંતુ, સમય જતાં તે એવી લાગણીને મનમાંથી દૂર કરવાનું શીખ્યા. (પ્રે.કા. ૧૦:૨૮, ૩૪, ૩૫; ગલા. ૨:૧૧-૧૪) બની શકે કે આપણા મનમાં બીજાઓ માટે પૂર્વગ્રહ હોય અથવા પોતાના દેશ કે જાતિ માટે અભિમાન હોય. જો એમ હોય તો પીતરની જેમ આપણે પણ એ લાગણી દૂર કરવાની જરૂર છે; આપણાં મનમાં એનો છાંટોય ન હોવો જોઈએ. (૧ પીતર ૧:૨૨ વાંચો.) એમ કરવા આપણને શું મદદ કરશે? યાદ રાખીએ કે, ભલે આપણે કોઈ પણ દેશના હોઈએ, આપણે બધા જ અપૂર્ણ છીએ માટે આપણામાંથી કોઈ પણ જીવન મેળવવાને લાયક નથી. (રોમ. ૩:૯, ૧૦, ૨૧-૨૪) એટલે, એમ માનવાનું આપણી પાસે કોઈ જ કારણ નથી કે, આપણે બીજાઓ કરતાં ચઢિયાતા છીએ. (૧ કોરીં. ૪:૭) આપણને પ્રેરિત પાઊલ જેવું લાગવું જોઈએ. તેમણે સાથી ભાઈ-બહેનોને કહ્યું હતું કે, તેઓ “અજાણ્યા અને પરદેશી નથી, પણ . . . ઈશ્વરના ઘરના સભ્યો” છે. (એફે. ૨:૧૯) આપણે બધાએ મનમાંથી પૂર્વગ્રહ દૂર કરવા સખત મહેનત કરવાની જરૂર છે, જેથી ઈશ્વરભક્તોને શોભે એવો નવો સ્વભાવ કેળવી શકીએ.—કોલો. ૩:૧૦, ૧૧.

અજાણ્યાઓ પ્રત્યે કઈ રીતે પ્રેમ બતાવવો?

૧૦, ૧૧. બોઆઝે અજાણ્યાઓ પ્રત્યે કઈ રીતે યહોવા જેવું વલણ બતાવ્યું?

૧૦ ઈશ્વરભક્ત બોઆઝે અજાણ્યાઓ પ્રત્યે યહોવા જેવું વલણ બતાવ્યું. કઈ રીતે? કાપણીના સમયે જ્યારે બોઆઝ ખેતરનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે, તેમની નજર મોઆબી સ્ત્રી રૂથ પર પડી. તે ખેતરમાંથી વધેલું અનાજ વીણવા સખત મહેનત કરી રહી હતી. મુસાના નિયમ પ્રમાણે, રૂથ ખેતરમાંથી વધેલું અનાજ પોતાના માટે ભેગું કરી શકતી હતી. પરંતુ, જ્યારે બોઆઝે જાણ્યું કે હક હોવા છતાં, રૂથે અનાજ વીણતા પહેલાં પરવાનગી લીધી હતી, ત્યારે તે ખૂબ પ્રસન્‍ન થયા. અરે, તેમણે તો રૂથને અનાજની બાંધેલી પૂળીઓમાંથી પણ અનાજ લેવાની પરવાનગી આપી!—રૂથ ૨:૫-૭, ૧૫, ૧૬ વાંચો.

૧૧ બોઆઝે ત્યાર પછી જે કર્યું, એનાથી દેખાઈ આવે છે કે તેમને રૂથની ચિંતા હતી અને પરદેશી તરીકેના તેના મુશ્કેલ જીવનને તે સમજતા હતા. ખેતરમાં કામ કરતા માણસો રૂથને ન પજવે માટે તેમણે રૂથને પોતાના ખેતરમાં કામ કરતી યુવાન સ્ત્રીઓ જોડે રહેવા જણાવ્યું. તેમણે ખાતરી કરી કે, ખેતરમાં કામ કરતા બીજા લોકોની જેમ રૂથને પણ યોગ્ય પ્રમાણમાં ખોરાક-પાણી મળી રહે. પરદેશથી આવેલી એ ગરીબ સ્ત્રીને બોઆઝે માન અને ઉત્તેજન આપ્યું.—રૂથ ૨:૮-૧૦, ૧૩, ૧૪.

૧૨. દયા અને પ્રેમ બતાવવાથી અજાણ્યાઓ પર કેવી અસર થઈ શકે છે?

૧૨ બોઆઝે રૂથ પ્રત્યે જે દયા બતાવી એનું એક કારણ હતું કે, રૂથ પોતાની સાસુ નાઓમી પર નિઃસ્વાર્થ પ્રેમ રાખતી હતી. પરંતુ, દયા બતાવવાનું બીજું પણ એક મહત્ત્વનું કારણ હતું. પરદેશી હોવા છતાં રૂથ યહોવાની ભક્ત બની હતી. રૂથ પ્રત્યે દયા અને પ્રેમ બતાવીને બોઆઝ યહોવાને અનુસરી રહ્યા હતા. કારણ કે, યહોવા એવી સ્ત્રીની ખૂબ કાળજી રાખતા જે ‘તેમની પાંખો તળે આશ્રય લેવા આવી’ હતી. (રૂથ ૨:૧૨, ૨૦; નીતિ. ૧૯:૧૭) બોઆઝની જેમ આપણે પણ બીજાઓ પર દયા અને પ્રેમ બતાવવા જોઈએ. એમ કરવાથી, આપણે ‘બધા પ્રકારના લોકોને’ સત્ય શીખવા અને યહોવા તેઓને કેટલો પ્રેમ કરે છે એ જાણવા મદદ કરી શકીશું.—૧ તિમો. ૨:૩, ૪.

એક કુટુંબ રાજ્યગૃહમાં નવી આવેલી વ્યક્તિને આવકારે છે, જે બીજા દેશમાંથી આવી છે

રાજ્યગૃહમાં નવા લોકો આવે ત્યારે શું આપણે તેઓને દિલથી આવકારીએ છીએ? (ફકરા ૧૩, ૧૪ જુઓ)

૧૩, ૧૪. (ક) રાજ્યગૃહમાં આવતા લોકોનું આપણે શા માટે ઉષ્માભર્યું અભિવાદન કરવું જોઈએ? (ખ) બીજી સંસ્કૃતિની કોઈ વ્યક્તિ સાથે વાત કરવી અઘરું લાગે તો શું કરી શકાય?

૧૩ આપણે બીજાઓ પર કઈ રીતે પ્રેમ બતાવી શકીએ? એક રીત છે, રાજ્યગૃહમાં આવતા લોકોનું ઉષ્માભર્યું અભિવાદન કરીને. તાજેતરમાં જ બીજા દેશથી આપણા દેશમાં રહેવા આવેલા લોકોનો વિચાર કરો. બની શકે કે, તેઓ શરમાળ હોય અથવા બીજાઓ પર બોજરૂપ ન બને માટે બધું આપમેળે કરવાનો પ્રયત્ન કરતા હોય. કદાચ પોતાની સંસ્કૃતિ કે જાતિને લીધે તેઓ પોતાને બીજી જાતિ કે દેશના લોકોથી ઊતરતા ગણતા હોય. તેથી, અભિવાદન કરવામાં આપણે પહેલ કરવી જોઈએ. તેમ જ, તેઓમાં રસ લઈને ખરા દિલથી પ્રેમ બતાવવો જોઈએ. જો તમારી ભાષામાં JW લેંગ્વેજ ઍપ પ્રાપ્ય હોય, તો બીજી ભાષામાં કેવી રીતે અભિવાદન કરી શકાય એ તમે શીખી શકો.—ફિલિપીઓ ૨:૩, ૪ વાંચો.

૧૪ બની શકે કે, બીજી સંસ્કૃતિની કોઈ વ્યક્તિ સાથે વાત કરવી તમને અઘરું લાગે. વાતચીત શરૂ કરવા તમે પોતાના વિશે કંઈક કહી શકો. થોડી વાતચીત પછી તમને અહેસાસ થશે કે તમારા અને એ વ્યક્તિમાં ઘણી સમાનતા છે. યાદ રાખો કે, દરેક સંસ્કૃતિની પોતાની કેટલીક ખાસિયતો હોય છે, તો કેટલીક નબળાઈઓ પણ હોય છે.

બધાનો આવકાર કરો

૧૫. નવા માહોલમાં પોતાને ઢાળવા પ્રયત્નો કરતા લોકોને સારી રીતે સમજવા આપણને શું મદદ કરશે?

૧૫ મંડળમાં બીજાઓને અહેસાસ અપાવો કે, આપણે તેઓને દિલથી આવકારીએ છીએ. એમ કરવા આપણે આ સવાલ પર વિચાર કરી શકીએ: “જો હું બીજા દેશમાં જાઉં, તો હું બીજાઓ પાસેથી કેવા વર્તનની આશા રાખીશ?” (માથ. ૭:૧૨) નવા માહોલમાં પોતાને ઢાળવા પ્રયત્નો કરતા લોકો સાથે ધીરજથી વર્તો. શરૂઆતમાં, કદાચ તેઓના વિચારો અને લાગણીઓને આપણે પૂરી રીતે સમજી ન શકીએ. તેઓ આપણી સંસ્કૃતિના રંગે રંગાઈ જાય એવી આશા રાખવાને બદલે, કેટલું સારું થશે કે આપણે તેઓને જેવા છે એવાં જ સ્વીકારી લઈએ!—રોમનો ૧૫:૭ વાંચો, ફૂટનોટ જુઓ.

૧૬, ૧૭. (ક) પરદેશી ભાઈ-બહેનોની નજીક આવવા આપણે શું કરી શકીએ? (ખ) મંડળમાં આવેલાં પરદેશી ભાઈ-બહેનોને આપણે કેવી મદદ પૂરી પાડી શકીએ?

૧૬ પરદેશી લોકોનાં દેશ અને સંસ્કૃતિ વિશે થોડું જાણીશું તો, તેઓને સમજવું સહેલું બનશે. આપણાં મંડળ કે પ્રચારવિસ્તારના પરદેશીઓની સંસ્કૃતિ વિશે કુટુંબ તરીકેની ભક્તિ દરમિયાન સંશોધન કરી શકીએ. પરદેશી ભાઈ-બહેનોની નજીક આવવા આપણે તેઓને ભોજન માટે આમંત્રણ આપી શકીએ. યહોવાએ પરદેશીઓ માટે “શ્રદ્ધાનો માર્ગ ખોલ્યો” છે, તો શું આપણે “શ્રદ્ધામાં આપણા ભાઈ-બહેનો” માટે આપણા ઘરના દરવાજા ખુલ્લા ન રાખી શકીએ?—પ્રે.કા. ૧૪:૨૭; ગલા. ૬:૧૦; અયૂ. ૩૧:૩૨.

બીજા દેશમાંથી આવેલી નવી વ્યક્તિને એક કુટુંબ પરોણાગત બતાવે છે

શું આપણે પરદેશીઓને પ્રેમાળ મહેમાનગતિ બતાવીએ છીએ? (ફકરા ૧૬, ૧૭ જુઓ)

૧૭ પરદેશથી આવેલા કુટુંબો સાથે સમય વિતાવવાથી આપણે સમજી શકીશું કે નવી સંસ્કૃતિમાં ઢળવા તેઓ કેટલી મહેનત કરે છે. આમ, આપણે તેઓના એ પ્રયત્નોની કદર કરી શકીશું. આપણે જાણી શકીશું કે નવી ભાષા શીખવા તેઓને મદદની જરૂર છે. આપણે તેઓને સારાં મકાન અને નોકરી શોધવા કોઈ એજન્સી જોડે સંપર્ક કરાવી શકીએ. એવી વ્યવહારુ મદદથી ભાઈ-બહેનોને ખૂબ જ રાહત મળી શકે છે.—નીતિ. ૩:૨૭.

૧૮. માન આપવામાં અને કદર બતાવવામાં પરદેશીઓ કઈ રીતે રૂથને અનુસરી શકે?

૧૮ પરદેશીઓ પણ ચાહે છે કે, તેઓ નવા દેશની સંસ્કૃતિમાં ભળી જાય અને એ માટે તેઓ બનતો પ્રયત્ન કરતા હોય છે. ઈશ્વરભક્ત રૂથે એ વિશે સારો દાખલો બેસાડ્યો છે. તેણે નવા દેશના રીત-રિવાજને માન આપ્યું; ખેતરમાંથી વધેલું અનાજ વીણતા પહેલાં પરવાનગી માંગી. (રૂથ ૨:૭) તેણે એવું ન વિચાર્યું કે, એ તો તેનો હક છે અને બીજાઓની ફરજ છે કે તેને મદદ કરે. ઉપરાંત, તેની પર જે દયા બતાવવામાં આવી એની કદર કરવા તેણે જરા પણ પાછી પાની કરી નહિ. (રૂથ ૨:૧૩) જો પરદેશીઓ રૂથ જેવું વલણ બતાવશે, તો ભાઈ-બહેનો અને સ્થાનિક રહેવાસીઓ તેઓને માન આપશે.

૧૯. અજાણ્યાઓને દિલથી આવકાર આપવાના બીજાં કયાં કારણો છે?

૧૯ આપણે કેટલા ખુશ છીએ કે, યહોવાએ અપાર કૃપા બતાવીને દરેક દેશના લોકોને ખુશખબર સાંભળવાની તક આપી છે. ઘણા લોકો, પોતાના વતનમાં હતા ત્યારે, યહોવાના લોકો સાથે બાઇબલ અભ્યાસ કરવો અથવા સભાઓમાં જવું તેઓ માટે શક્ય ન હતું. પણ આપણા દેશમાં આવીને તેઓ આપણી સંગતમાં રહી શકે છે. આપણે તેઓને ક્યારેય એમ લાગવા દેવું ન જોઈએ કે, તેઓ તો અજાણ્યા છે. બની શકે કે આપણે પરદેશીઓને પૈસે-ટકે અથવા બીજી કોઈ ખાસ મદદ આપી ન શકીએ. પરંતુ, તેઓ સાથે દયાભાવથી ચોક્કસ વર્તી શકીએ. આમ, યહોવાની જેમ આપણે તેઓને પ્રેમ બતાવી શકીએ. “ઈશ્વરનું અનુકરણ” કરનાર તરીકે, ચાલો અજાણ્યાઓનો દિલથી આવકાર કરીએ!—એફે. ૫:૧, ૨.

^ [૧] (ફકરો ૧) નામ બદલ્યું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો