૧૯૨૦ના અરસામાં યોહાનસ રાઉટે, પ્રચારકાર્યમાં
આપણો ઇતિહાસ
‘યહોવાને મહિમા આપવાથી મને સારાં પરિણામો મળ્યાં છે’
પ્રથમ વિશ્વયુદ્ધ વિશે સપ્ટેમ્બર ૧, ૧૯૧૫ના ધ વૉચ ટાવરમાં આમ લખવામાં આવ્યું હતું: ‘અગાઉ પણ ઘણાં યુદ્ધો થયાં છે. પરંતુ, હાલમાં યુરોપમાં ચાલી રહેલું મહાયુદ્ધ એ બધાં યુદ્ધોને ફિક્કું પાડી દે છે.’ એ યુદ્ધમાં ધીરે-ધીરે ૩૦ જેટલા દેશો જોડાઈ ગયા હતા. ધ વૉચ ટાવરમાં અહેવાલ આપ્યો હતો કે, વિરોધને લીધે ‘રાજ્યનું કામ ઘણી જગ્યાએ ઠંડું પડી ગયું છે. ખાસ તો, જર્મની અને ફ્રાંસમાં.’
બધા દેશો દુનિયાભરમાં ચાલી રહેલી ઉથલપાથલ સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે, બાઇબલ વિદ્યાર્થીઓ પૂરી રીતે સમજ્યા ન હતા કે યુદ્ધમાં ભાગ લેવો કે નહિ. જોકે, તેઓના મનમાં એક વાત સ્પષ્ટ હતી કે તેઓએ રાજ્યનો સંદેશો ફેલાવવાનો છે. ખુશખબર ફેલાવવાના કામમાં ભાગ લેવા ભાઈ વિલ્હેમ હિલ્ડબ્રાન્ટે ફ્રેંચ ભાષામાં ધ બાઇબલ સ્ટુડન્ટ્સ મન્થલી સામયિક મંગાવ્યું. તે કંઈ ફ્રાંસમાં કોલ્પોર્ચર (પૂરા સમયના પ્રચારક) તરીકે સેવા આપતા ન હતા, પણ તે તો જર્મન સૈનિક હતા. એ તો એવું હતું કે જાણે સૈનિકના યુનિફૉર્મમાં સજ્જ એક દુશ્મન શાંતિનો સંદેશો જણાવી રહ્યો હતો. એનાથી રસ્તે આવતા-જતા ફ્રેંચ લોકોને ઘણી નવાઈ લાગતી.
ધ વૉચ ટાવરમાં છપાયેલા પત્રો બતાવતા હતા કે, સેનામાં બીજા એવા ઘણા જર્મન બાઇબલ વિદ્યાર્થીઓ હતા, જેઓને લાગતું કે તેઓએ ખુશખબર ફેલાવવી જોઈએ. જેમ કે, ભાઈ લેમ્કે નૌકાદળમાં સેવા આપતા હતા. તેમણે જણાવ્યું કે, તેમના પાંચ સાથીદારોએ ખુશખબરમાં રસ બતાવ્યો છે. જહાજમાં મળેલી એ સફળતા વિશે ભાઈએ લખ્યું: ‘યહોવાને મહિમા આપવાથી મને સારાં પરિણામો મળ્યાં છે.’
ભાઈ જ્યોર્જ કેયસર એક સૈનિક તરીકે યુદ્ધ લડવા ગયા હતા, પણ ઈશ્વરના સેવક બનીને પાછા ઘરે આવ્યા. એમ કઈ રીતે બન્યું? યુદ્ધ દરમિયાન બાઇબલ વિદ્યાર્થીનું સાહિત્ય કોઈક રીતે તેમને હાથ લાગ્યું. તેમણે પૂરા દિલથી સત્ય સ્વીકાર્યું અને હથિયાર ત્યજી દીધાં. તે એવી લશ્કરી સેવામાં દાખલ થયા, જેમાં હથિયાર ઉઠાવવું ન પડે. યુદ્ધ પછી તેમણે વર્ષો સુધી પાયોનિયર તરીકે ઉત્સાહથી સેવા કરી.
યુદ્ધમાં ભાગ લેવો કે નહિ એ વિશે બાઇબલ વિદ્યાર્થીઓને પૂરી સમજણ ન હતી. જોકે, તેઓનાં વાણી-વર્તન અને વલણ એ સમયના બીજા લોકો કરતાં સાવ જુદાં હતાં, જેઓ યુદ્ધને પ્રોત્સાહન આપતા હતા. એક તરફ, રાજકીય નેતાઓ અને ચર્ચના પાદરીઓ દેશનો ઝંડો ફરકાવતા હતા; બીજી તર્ફે, બાઇબલ વિદ્યાર્થીઓ ‘શાંતિના સરદાર’ વિશે ખુશખબર ફેલાવતા હતા. (યશા. ૯:૬) ખરું કે, અમુક બાઇબલ વિદ્યાર્થીઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો, છતાં તેઓને ભાઈ કોનરાડ મૉર્ટર જેવી ખાતરી હતી. ભાઈ કોનરાડે કહ્યું હતું: ‘બાઇબલમાંથી હું સ્પષ્ટ રીતે જાણી શક્યો કે, ખ્રિસ્તીઓએ ખૂન કરવું ન જોઈએ.’—નિર્ગ. ૨૦:૧૩.a
હાથગાડીનો ઉપયોગ કરીને ધ ગોલ્ડન એજ સામયિકની જાહેરાત કરતા હેન્સ હૉલ્ટરહૉફ
જર્મનીમાં એવો કોઈ કાયદો ન હતો, જેનાથી પોતાની શ્રદ્ધાની ખાતર ફોજમાં ભરતી ન થવા રક્ષણ મળતું હોય. જર્મનીમાં ૨૦ કરતાં વધુ બાઇબલ વિદ્યાર્થીઓએ સેનાના કોઈ પણ કામમાં જોડાવાનો નકાર કર્યો. એના પરિણામે, અમુકને માનસિક રોગી જાહેર કરીને એની દવા માટે માનસિક સંસ્થામાં મોકલવામાં આવ્યા. જેમ કે, ભાઈ ગુસ્તાવ કુજાથને. બીજા એક ભાઈ હેન્સ હૉલ્ટરહૉફે લશ્કરમાં જોડાવાનો નકાર કર્યો ત્યારે તેમને જેલમાં પૂરવામાં આવ્યા. ત્યાં તેમણે યુદ્ધને લગતાં કોઈ પણ કામ કરવાનો નકાર કરી દીધો. એટલે, તેમના હાથ-પગ બહેર મારી ગયા ત્યાં સુધી સૈનિકોએ કસીને તેમના હાથ-પગ બાંધી દીધા. જ્યારે એનાથી પણ તેમનો નિર્ણય બદલી ન શક્યા, ત્યારે તેઓએ તેમને ગોળીએ મારી નાખવાનું નાટક કર્યું. જોકે, વિશ્વયુદ્ધના એ કપરા સંજોગોમાં પણ હેન્સ યહોવાને વફાદાર રહ્યા.
બીજા ભાઈઓએ પણ એવી લશ્કરી સેવામાં દાખલ થવા અરજ કરી, જેમાં તેઓએ હથિયાર ઉઠાવવું ન પડે.b ભાઈ યોહાનસ રાઉટેએ યુદ્ધમાં ભાગ ન લીધો અને તેમને રેલવેના કામ માટે મોકલવામાં આવ્યા. ભાઈ કોનરાડ મૉર્ટરને દવાખાનાને લગતાં નાનાં-મોટાં કામ સોંપવામાં આવ્યા. ભાઈ રેનહોલ્ડ વેબરને નર્સ તરીકે કામ સોંપવામાં આવ્યું. ઑગસ્ટ ક્રાફઝિક ઘણા આભારી હતા કે તેમણે ક્યારેય યુદ્ધમાં ભાગ લેવો ન પડ્યો. તે અને બીજા ભાઈઓ પ્રેમ અને વફાદારી વિશે જે શીખ્યા હતા, એના લીધે યહોવાની સેવા કરવા મક્કમ રહ્યા.
યુદ્ધમાં ભાગ ન લેવાને કારણે બાઇબલ વિદ્યાર્થીઓ પર અધિકારીઓ ચાંપતી નજર રાખવા લાગ્યા. યુદ્ધ પછીનાં વર્ષોમાં જર્મનીમાં ચાલી રહેલા પ્રચારકાર્યને લીધે બાઇબલ વિદ્યાર્થીઓ પર હજારો કોર્ટ કેસ કરવામાં આવ્યા. ભાઈઓને મદદ કરવા જર્મનીની શાખા કચેરીએ મેગ્દેબર્ગના બેથેલમાં લીગલ ડિપાર્ટમેન્ટની રચના કરી.
યુદ્ધમાં ભાગ લેવો કે ન લેવો એ વિશે યહોવાના સાક્ષીઓએ પોતાની સમજણમાં ધીરે-ધીરે સુધારો કર્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહોવાના સાક્ષીઓએ તટસ્થતા જાળવી અને કોઈ પણ રીતે સેનામાં જોડાયા નહિ. તેઓના એ નિર્ણયને લીધે જર્મન રાજ્ય તેઓને દુશ્મનો ગણતું અને તેઓની આકરી સતાવણી કરી. જોકે, એ બનાવ બીજું એક પ્રકરણ છે જે કદાચ ભાવિમાં “આપણો ઇતિહાસ” શૃંખલામાં જોવા મળે.—મધ્ય યુરોપના આપણા ઇતિહાસમાંથી.
a બ્રિટનના એક બાઇબલ વિદ્યાર્થીને પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન જે અનુભવ થયો એ વાંચવા મે ૧૫, ર૦૧૩ ચોકીબુરજમાં આવેલો આ લેખ જુઓ: “આપણો ઇતિહાસ—‘કસોટીના સમયમાં’ તેઓ મક્કમ રહ્યા.”
b મિલેનિયલ ડૉન ગ્રંથ ૬માં (૧૯૦૪) અને જર્મન ભાષામાં ૧૯૦૬ના ઝાયન્સ વૉચ ટાવરમાં એમ કરવા માટે સૂચન આપવામાં આવ્યું હતું. એ સમજણમાં ફેરફાર થયો, જેના વિશે સપ્ટેમ્બર ૧૯૧૫ના ધ વૉચ ટાવરમાં જણાવવામાં આવ્યું કે, બાઇબલ વિદ્યાર્થીઓએ સેનામાં જોડાવવું ન જોઈએ. જોકે, એ લેખ જર્મન ભાષામાં બહાર પડ્યો ન હતો.